Sandesh - Sanskaar purti - 29 Jan 2017
મલ્ટિપ્લેક્સ
રિતેશ બત્રાને ‘ધ લન્ચબોક્સ’ નામની એક જ ફ્લ્મિ બનાવવાનો અનુભવ છે છતાંય એને હોલિવૂડ અને ઇંગ્લેન્ડમાં ફ્લ્મિો બનાવવાની તક કેવી રીતે મળી? તે પણ મોટા ગજાના ઇન્ટરનેશનલ કલાકારોને લઈને?
Our Souls at Night: (L to R) Robert Redford, Ritesh Batra and Jane Fonda |
એક નાનકડા શાંત નગરમાં એક વૃદ્ધા રહે છે. વિધવા છે. ઉંમર હશે સિત્તેરેક વર્ષ. વાળ સફેદ થઈ ગયા છે, પણ શરીર સ્વસ્થ છે. એક સાંજે એ પાડોશીના ઘરે જાય છે. પાડોશી પણ એકલો છે, વિધુર છે અને લગભગ એની જ ઉંમરનો છે. બંને લાંબા અરસાથી એક જ ગલીમાં રહે છેે એટલું જ, બાકી એકમેકના ઘરે જવાનો પ્રસંગ અગાઉ કયારેય આવ્યો નથી.
પ્રારંભિક ઔપચારિકતા પૂરી કરીને વૃદ્ધા સહેજ સંકોચાઈને મુદ્દા પર આવે છે, ‘હું તમારી પાસે એક પ્રપોઝલ લઈને આવી છું.’
‘કેવી પ્રપોઝલ?’ આદમી પૂછે છે.
‘જુઓ, આપણે બેય એકલાં જીવ છીએ. કેટલાય વર્ષોથી હું મારી રીતે જીવું છું. મારા ખ્યાલ પ્રમાણે તમારું પણ એવું જ છે. મને વિચાર આવ્યો કે… તમે કયારેક મારા ઘરે રાત્રે મારી સાથે સૂવા આવો તો કેવું?’
‘એટલે?’ વૃદ્ધ એને તાકી રહે છે, ‘હું સમજ્યો નહીં.’
‘હું સેક્સની વાત નથી કરતી. મારી સેક્સની ઇચ્છા તો વર્ષો પહેલાં મરી પરવારી છે. હું કંપનીની વાત કરું છું. શું છે કે બુઢાપામાં રાત કેમેય કરીને નીકળતી નથી. મારે પછી નછૂટકે ઊંઘવાની ગોળી ખાવી પડે છે, પણ આ ગોળી લઉં એટલે બીજા દિવસે સુસ્તીનો પાર નહીં.’
‘હા, મને એનો અનુભવ છે.’
‘એટલે મને એમ કે જો રાતે કોઈ સારો સથવારો મળે તો જરા સારું પડે. તમારા જેવો સારો માણસ બાજુમાં સૂતો હોય, નિકટતા હોય, અંધારામાં પડયા પડયા મોડે સુધી વાતો થતી હોય તો શું છે કે પછી ઊંઘ વ્યવસ્થિત આવી જાય. બોલો, શું વિચાર છે તમારો?’
‘બોલો, કયારથી સાથે સૂવાનું શરૂ કરવું છે?’
‘અવર સોલ્સ એટ નાઈટ’ નામની નવલકથાનો આ ઉઘાડ છે. કલ્પના કરો કે જે વાર્તાની શરૂઆત જ આવી કમાલની હોય તે આખેઆખી કૃતિ કેટલી સુંદર હોવાની. કેન્ટ હરુફ નામના અમેરિકન લેખકે પોતાની પાછલી ઉંમરે આ નવલકથા લખી હતી, જે ૨૦૧૫માં પ્રકાશિત થઈ. આ એમના જીવનની અંતિમ કૃતિ બની રહી.
મૂળ વિષય પર આવતા પહેલાં બીજી એક મસ્તમજાની નવલકથા વિશે ટૂંકમાં જાણી લઈએ. એનું શીર્ષક છે, ‘ધ સેન્સ ઓફ અેન એન્ડિંગ’. જુલિયન બાર્ન્સ નામના બ્રિટિશ લેખકે લખેલી આ નવલકથાને ૨૦૧૧માં પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ મળ્યું હતું. આ કથાના કેન્દ્રમાં પણ એક વૃદ્ધ ડિવોર્સી આદમી છે. ટોની વેબ્સ્ટર એનું નામ. એક દિવસ એને ટપાલમાં પ૦૦ પાઉન્ડનો ચેક મળે છે. આ રકમ એને એક વસિયતના ભાગ રૂપે મળ્યો છે. વસિયત બનાવનાર સ્ત્રીને એ જિંદગીમાં એક જ વાર મળ્યો હતો. તે પણ ચાલીસેક વર્ષ પહેલાં. આ સ્ત્રીની વેરોનિકા નામની દીકરી એક જમાનામાં ટોનીની ગર્લફ્રેન્ડ હતી. વેરોનિકા સાથે ટોનીનું ખરાબ રીતે બ્રેકઅપ થઈ ગયું હતું, બંને વચ્ચે કોઈ સંપર્ક રહૃાો નહોતો, પણ વેરોનિકાની મા તરફ્થી આ નાનકડી રકમનો અણધાર્યો વારસો મળ્યો એટલે ટોનીને થાય છે કે વેરોનિકા સાથે વાત કરવી જોઈએ.
ટોની જુવાનીમાં મહત્ત્વાકાંક્ષી અને ઉત્પાતિયો માણસ હતો. એને ખૂબ વાંચવા જોઈએ, ખૂબ સેક્સ કરવા જોઈએ. જોકે વેરોનિકા સાથેનો એનો સંબંધ કયારેય શરીરસુખના તબક્કા સુધી પહોંચ્યો નહોતો. ટોનીને એડ્રીઅન નામનો બુદ્ધિશાળી અને આદર્શવાદી દોસ્તાર હતો. વેરોનિકા સાથે બ્રેકઅપ થયા બાદ એને ખબર પડી હતી કે એની અને એડ્રીઅન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો છે. થોડા સમય પછી એવા સમાચાર આવ્યા હતા કે એડ્રીઅને આત્મહત્યા કરી નાખી છે. ટોની પછી બીજી એક યુવતી સાથે પરણ્યો અને છૂટો પણ પડી ગયો. ઘણું બધું બની ગયું હતું છેલ્લાં ચાર દાયકામાં. ટોની એક જગ્યાએ સરસ વાત કરે છે કે, ‘માણસ વીસ કે ત્રીસ વર્ષનો થાય પછી એની પર્સનાલિટી લગભગ થીજી જતી હોય છે. જિંદગીના પહેલા બે-ત્રણ દાયકામાં જે શીખાઈ ગયું તે શીખાઈ ગયું. પછી માણસની માત્ર ઉંમર વધે છે, એ પોતાનામાં ખાસ નવું કશું ઉમેરી શકતો નથી.’
ચાલીસ વર્ષનાં વહાણાં વાઈ ગયા પછી ટોની અને વેરોનિકાનો ભેટો થાય છે. જિંદગીની કેટલીય બાબતોના અધૂરા રહી ગયેલા હિસાબ-કિતાબ પૂરા કરવાની કોશિશ થાય છે અને એક ખટમીઠા બિંદુ પર વાર્તા પૂરી થાય છે.
‘અવર સોલ્સ એટ નાઈટ’ અને ‘ધ સેન્સ ઓફ અેન એન્ડિંગ’ – આ બંને અંગ્રેજી નવલકથાઓમાં ઘણાં તત્ત્વો કોમન છે. બંનેમાં તૂટતા અને જોડાતા સંબંધોની વાત છે, બંનેમાં એકલતા સામે ઝઝૂમી રહેલાં અને પાછલી વયે પોતાના આખા જીવનનું મૂલ્યાંકન કરી રહેલાં પાત્રો છે, બંનેમાં કિરદારો પોતપોતાનાં સત્યો શોધવાની મથામણ કરે છે. આ સિવાય પણ એક વસ્તુ બંનેમાં કોમન છે. તે એ કે વાચકો અને વિવેચકો બંનેને સ્પર્શી ગયેલી આ બેય નવલકથાઓ પરથી ફ્લ્મિો બની છે અને તે ફ્લ્મિ બનાવનાર વ્યકિત એક જ છે – રિતેશ બત્રા! રિતેશ બત્રા એટલે એ બમ્બૈયા ફ્લ્મિમેકર, જેણે ૨૦૧૩માં ઇરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને ‘ધ લંચબોકસ’ નામની અફ્લાતૂન ફ્લ્મિ બનાવી હતી. રિતેશની આ પહેલી જ ફ્લ્મિ હતી. કાન સહિત કેટલાય પ્રતિષ્ઠિત ફ્લ્મિ ફેસ્ટિવલમાં ડંકો વગાડી આવેલી આ નાનકડી ઇન્ડિપેન્ડન્ટ ફ્લ્મિને પછી કરણ જોહરે ખરીદીને દુનિયાભરમાં રિલીઝ કરી હતી.
રિતેશ બત્રા આજકાલ ન્યૂઝમાં છે. ‘વરાયટી’ નામનું અમેરિકન સામયિક નિયમિતપણે ‘ડિરેકટર્સ ટુ વોચ- આઉટ’ પ્રકારનું લિસ્ટ બહાર પાડે છે. અત્યંત આશાસ્પદ હોય એવા, ભવિષ્યમાં જેની પાસેથી ખૂબ ઊંચી અપેક્ષા રાખી શકાય એવા આખી દુનિયામાંથી કાળજીપૂર્વક પસંદ કરેલા દસ સુપર ટેલેન્ટેડ ડિરેકટરોને આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવે છે. એક સમયે ક્રિસ્ટોફર નોલન (‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’) અને બેન એફ્લેક (‘આર્ગો’) જેવા તેજસ્વી નામો આ લિસ્ટમાં ચમકયાં હતાં. આંતરરાષ્ટ્રીય ફ્લ્મિ વર્તુળો તેમજ મીડિયા ‘વરાયટી’ના આ લિસ્ટને ખૂબ ગંભીરતાથી લે છે. ‘વરાયટી’ની આ વખતની લેટેસ્ટ ટોપ-ટેન સુચિમાં રિતેશ બત્રાનું નામ પણ મૂકવામાં આવ્યું છે. મજા જુઓ. આ માણસની હજુ એક જ ફ્લ્મિ રિલીઝ થઈ છે, બીજી ફ્લ્મિ (‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’)નું સ્ક્રીનિંગ ફ્કત એકાદ-બે ફ્લ્મિ ફેસ્ટિવલમાં થયું છે અને ‘અવર સોલ્સ ઈન ધ નાઈટ’નું તો હજુ પોસ્ટ પ્રોડકશન વર્ક ચાલી રહ્યું છે. આમ છતાં એનું નામ દુનિયાના સૌથી આશાસ્પદ યુવાન ડિરેકટર તરીકે લેવાઈ રહ્યું છે. યાદ રહે, આ બંને અંગ્રેજી ફ્લ્મિો જરાય મામૂલી નથી. ‘અવર સોલ્સ ઈન ધ નાઈટ’માં એકટર-ડિરેકટર રોબર્ટ રેડફોર્ડ (‘આઉટ ઓફ્ આફ્રિકા’, ‘ઇન્ડિસન્ટ પ્રપોઝલ’) અને જેન ફેન્ડા (‘કલુટ’, ‘કમિંગ હોમ’) મેઈન રોલ કરે છે. આ બંને કલાકારો બબ્બે ઓસ્કર એવોર્ડ્ઝ જીતીને બેઠાં છે અને બેયની ગણના હોલિવૂડના લેજન્ડ્સ તરીકે થાય છે.
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ના મુખ્ય કલાકાર જિમ બ્રોડબેન્ટને ‘આઈરીસ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટર તરીકેનો ઓસ્કર મળ્યો હતો, જ્યારે શાર્લોટ રેમ્પલિંગ (‘સ્ટારડસ્ટ મેમરીઝ’ – વૂડી એલનની ફ્લ્મિ, ‘મોં આવુર’, ‘ફોર્ટીફાઈવ યર્સ’)ને ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં કેટલાય ઊંચા માંહૃાલા ખિતાબો મળી ચૂકયા છે. પ્રતિષ્ઠા પામેલી સાહિત્યકૃતિઓ પરથી ઊંચા ગજાના કલાકારોને લઈને ફ્લ્મિો બની રહી હોય અને તેના ડિરેકશન માટે માત્ર એક જ ફ્લ્મિનો અનુભવ ધરાવતા ઇન્ડિયન ડિરેકટરને સાઈન કરવામાં આવે તે જેવી તેવી વાત નથી.
Ritesh Batra |
”ધ લન્ચબોકસ’ પછી હું એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહૃાો હતો તે દરમિયાન મને ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ની ઓફર થઈ હતી,’ રિતેશ બત્રા એક મુલાકાતમાં કહે છે, ‘મેં આ નવલકથા ઓલરેડી વાંચેલી હતી. ખાસ ફ્લ્મિ માટે લખાયેલી સ્ક્રિપ્ટ પર કામ કરવું સહેલું છે, છપાયેલી અને વખણાયેલી નવલકથાને ફ્લ્મિ સ્વરૂપ આપવું અઘરું છે. એક તો, તમારે મૂળ કૃતિને વફાદાર રહેવું પડે અને પાછું, તમારે પોતાના તરફ્થી કશાક નવાં તત્ત્વો એમાં ઉમેરવા પડે. મારી સૌથી મોટી કસોટી ત્યારે થઈ જ્યારે ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ નવલકથાના લેખક જુલિયન બાર્ન્સ પોતે ફ્લ્મિના સ્ક્રીનિંગમાં બેઠા. ફ્લ્મિ જોઈને તેઓ બહુ જ ખુશ થયા. મને દિલથી અભિનંદન આપ્યા. મારા માથા પરથી મોટો બોજ ઉતરી ગયો. જ્યારે બુકર પ્રાઈઝવિનર લેખક પોતે પોતાના પુસ્તક પરથી બનેલી ફ્લ્મિથી સંતુષ્ટ હોય તો તેના કરતાં મોટી વાત બીજી કઈ હોવાની. એમણે મને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો જે મેં મઢાવીને રાખ્યો છે.’
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’નું કામકાજ હજુ ચાલી રહ્યું હતું ત્યાં રિતેશને ફોન આવ્યો કે રોબર્ટ રેડફોર્ડ તમારી સાથે વાત કરવા માગે છે. રોબર્ટે રેડફોર્ડે એમને મળવા અમેરિકા બોલાવ્યા. મિટિંગ દરમિયાન એમણે ધડાકો કર્યો કે રિતેશ, હું ‘અવર સોલ્સ એટ નાઈટ’ નવલકથા પરથી ફ્લ્મિ પ્રોડયૂસ કરવા માંગું છું. મેઈન રોલ પણ હું જ કરીશ. મારી ઇચ્છા છે કે એનું ડિરકશન તું કરે. બોલ કરીશ?
પ્લાન કરી શકતા નથી. ઇટ જસ્ટ હેપન્સ. હું એવું વિચારવા બેસતો નથી કે મારામાં એવું તે વળી શું ખાસ છે કે આ લોકો આટલી ઇમ્પોર્ટન્ટ બ્રિટિશ અને હોલિવૂડની ફ્લ્મિો મને ડિરેકટ કરવા માટે આપે છે? બાકી મારા પપ્પા તો મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા ને મમ્મી આજની તારીખેય યોગની ટીચર તરીકે કામ કરે છે. ફ્લ્મિલાઈન સાથે મારી ફેમિલીને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. સિનેમા પ્રત્યે મને નાનપણથી આકર્ષણ હતું એટલે ઇકોનોમિકસનું ભણીને આ ફ્લ્ડિમાં આવી ગયો. એનીવે, મારી ખુદની સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ બનાવવાની હજુ બાકી જ છે. આ બંને વિદેશી ફ્લ્મિો રિલીઝ થઈ જશે પછી એનું કામકાજ શરૂ કરીશ.’
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ તેમજ ‘અવર સોલ્સ એટ નાઈટ’ આપણે ત્યાં રિલીઝ થાય ત્યારે અચૂકપણે જોઈશું જ, પણ તેની પહેલાં આ બંને નવલકથાઓ ઓનલાઈન ઓર્ડર કરીને વાંચી પણ કાઢીશું. સવાલ જ નથી.
0 0 0
No comments:
Post a Comment