દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 May 2020
મલ્ટિપ્લેક્સ
‘જિંદગી અનિશ્ચિતતાના નૃત્ય સમાન છે. તેની સામે ન થાઓ, તેને
શરણે થઈ જાઓ ને પરમ શક્તિ પર વિશ્વાસ રાખો.’
ઇરફાન ખાનનાં પત્ની સુતપા સિકદરે પોતાના બન્ને દીકરાઓને કહ્યુઃ ‘તમે તમારા ફાધર પાસેથી જે
કંઈ શીખ્યા છો તેને ફક્ત એક જ વાક્યમાં કહેવું હોય તો તમે શું કહો?’
દીકરાઓએ સરસ જવાબ આપ્યા. મોટા દીકરા બાબિલે કહ્યું, ‘હું પપ્પા પાસેથી એ
શીખ્યો કે જિંદગી અનિશ્ચિતતાના નૃત્ય સમાન છે. તેની સામે ન થાઓ, તેને શરણે થઈ જાઓ
ને પરમ શક્તિ પર વિશ્વાસ રાખો.’ બીજા
દીકરા અયાને કહ્યું, ‘હું પપ્પા પાસેથી એ શીખ્યો કે મન પર કંટ્રોલ
કરતાં આવડવું જોઈએ. આપણાં મન અને વિચારોની લગામ આપણા જ હાથમાં હોવી જોઈએ, બીજાઓના
હાથમાં નહીં.’
ઇરફાનના પુત્રોએ ગ્રહણ કરેલી વાતો સાર્વત્રિક સત્યો છે, જે એમના
ચાહકોએ પણ શીખવી જોઈએ. ઇરફાન પાસે જીવનનાં સત્યો શીખવાનું માધ્યમ આ એક જ હતું –
અભિનય, પોતાનું કામ, જે તેઓ મૃત્યુપર્યુંત
પૂરેપૂરી ઇમાનદારીથી કરતા રહ્યા. એક જગ્યાએ તેમણે કહ્યું હતું કે, ‘આપણે ઘણા એક્ટરોને
અદભુત અભિનય કરતાં જોઈએ છીએ. અલગ અલગ પાત્રોમાં તેઓ આશ્ચર્ય થાય એટલી હદે પોતાની
જાતને ઢાળી દે છે. આ કંઈ આપોઆપ કે સ્પોન્ટેનિયસલી થતું હોતું નથી. એક્ટરે પોતાની
જાત પર બુદ્ધિપૂર્વક કામ કરતાં રહેવું પડે છે. હું જ્યારે અભિનય કરતો ન હોઉં
ત્યારે મને મારી જાતનું ફાઇન ટ્યુનિંગ કરતાં, એની મરમ્મત કરતાં આવડવું જોઈએ. તમારે
તમારા માંહ્યલાની સંભાળ લેવી જ પડે. માંહ્યલો કામ થકી સમૃદ્ધ થતો હોય છે. જો એમ
થતું ન હોય તો સમજી લો કે તમે તમારા કામને પૂરતો ન્યાય આપી રહ્યા નથી.’
અભિનય કરી નાખવો તે એક વાત થઈ, પણ અભિનયને કળાની ઊંચાઈ સુધી
પહોંચાડવો તે સાવ અલગ વાત થઈ. આ જ બાબત કળાનાં અન્ય સ્વરૂપોને પણ લાગુ પડે છે. કામ
ક્ળાની ઊંચાઈ સુધી કેવી રીતે લઈ જઈ શકાય? ઇરફાને આનો સરસ જવાબ આપ્યો છેઃ
‘કળા ત્યારે જ આકાર લે છે જ્યારે તમે તમારા કામને
પર્સનલ બનાવો છો, તેમાં તમારું આંતરિકપણું ઉમેરવાનું શરૂ કરો છો, તમારી આસપાસ
જીવાતી જિંદગી વિશે ચિંતન-મનન કરવાનું શરૂ કરો છો. આવું થાય એટલે તમારી આસપાસ બનતી
ઘટનાઓ વિશેનાં તમારાં નિરીક્ષણો અને દષ્ટિબિદુંઓ તમારા કામમાં વ્યક્ત થવાનું શરૂ
થાય છે, તમારું કામ ક્રમશઃ કળામાં પરિવર્તિત થતી જાય છે. જો આવું ન થાય તો તમે
કેવળ એક એન્ટરટેઇનર છો, કલાકાર નહીં.’
ખરેખર, ખુદની ક્રિયેટિવ પ્રોસેસને
બારીકાઈથી સમજી શકવું ને શબ્દોમાં વ્યક્ત કરી શકવું તે પણ એક કળા છે. નિખાલસ બનવું,
પારદર્શક હોવું, જેવા હોઈએ એવા જ દેખાવું – શું આ પણ જીવન જીવવાની એક કળા નથી શું? રિશી કપૂરે આ
કળામાં જેટલી મહારત હાંસલ કરી હતી તેટલી બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. એમની
મુલાકાતો વાંચો-સાંભળો કે એમની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’માંથી પસાર થાઓ તો નવાઈ લાગે કે સેલિબ્રિટી હોવો
છતાં આ માણસ પોલિટિકલ કરેક્ટનેસથી કેટલી સહજતાપૂર્વક દૂર રહી શક્યા! બે જ વર્ષ
પહેલાંના એક ટીવી ઇન્ટરવ્યુમાં અર્ણવ ગોસ્વામીએ એમને મી ટુ કન્ટ્રોવર્સી,
બોલિવૂડમાં નેપોટિઝમ (સગાવાદ), રાષ્ટ્રવાદ વગેરે જેવા મુદ્દા પર ખૂબ આકરા સવાલો
પૂછ્યા હતા. રિશી કપૂરે જોરશોરથી ખુદનો
બચાવ કર્યો, બન્ને વચ્ચે ખાસ્સી ગરમાગરમી થઈ ગઈ, પણ ઇન્ટરવ્યુ પૂરો થયો પછી રિશી
કપૂરે કહ્યું, ‘અર્ણવ, સારું થયું તેં આ બધા સવાલો મને પૂછ્યા. હું આના પર હવે જરૂર વિચાર
કરીશ!’
કશી જરૂર નહોતી રિશીને આવું બોલવાની. તેઓ ખુદનો કક્કો ખરો
કરી જ શક્યા હોત. એના બદલે તેમણે સ્વીકાર્યું કે હું અત્યાર સુધી જે માનતો આવ્યો
છું કે કરતો આવ્યો છું તે કદાચ દર વખતે સાચું ન પણ હોય, હું તેના વિશે ચિંતન કરીશ
ને મારા એટિટ્યુડમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરીશ! આને કહેવાય સ્પિરિટ, આને કહેવાય ખુલ્લાપણું. રિશી
કપૂર પાસેથી આપણે આ શીખવાનું છે.
0 0 0
No comments:
Post a Comment