Sunday, March 29, 2020

ફિલ્મ કે આગાહી?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 29 માર્ચ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
 નવ વર્ષ પહેલાં બનેલી કન્ટેજિયન ફિલ્મમાં કોરાના વાઇરસના હાહાકાર વિશે આટલી સચોટ ભવિષ્યવાણી કઈ રીતે થઈ હતી?

શ્ચર્યચકિત થઈ જવાય છે આ ફિલ્મ જોઈને. આપણને થાય કે આવું કેવી રીતે શક્ય છે? આ ફિલ્મ બનાવનારા જ્યોતિષવિદ્યાના જાણકાર હતા કે શું? તે સિવાય 2020માં કોરાના વાઇરસ દુનિયાભરમાં હાહાકાર મચાવવાનો છે તેની આગોતરી જાણ આ લોકોને નવ વર્ષ પહેલાં કેવી રીતે થઈ ગઈ?
વાત થઈ રહી છે સ્ટીવન સોડનબર્ગ નામના માસ્ટર ફિલ્મમેકર બનાવેલી મેડિકલ થ્રિલર કન્ટેજિયન વિશે. કન્ટેજિયન શબ્દનો અર્થ થાય છે, ચેપ. હોલિવુડની આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2011ના રોજ રિલીઝ થઈ હતી. જ્યારથી કોરોનાએ ઉપાડો લીધો છે ત્યારથી આ ફિલ્મ મહામારીના એક્યુરેટ ચિત્રણને કારણે એકદમ પ્રકાશમાં આવી ગઈ છે. ઘરમાં પૂરાઈ ગયેલા લોકો કન્ટેજિયન જાણે પહેલી વાર રિલીઝ થઈ હોય તેમ યુટ્યુબ, આઇટ્યુન જેવાં પ્લૅટફૉર્મ્સ પર જોઈ રહ્યા છે ને ફિલ્મના લેખક-ડિરેક્ટરની ભરપૂર તારીફ કરી રહ્યા છે.
શું છે કન્ટેજિયનમાં? ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે ઑફિશિયલ કામ માટે હોંગકોંગ ગયેલી  બેથ નામની એક મધ્યવયસ્ક સ્ત્રી (ગિનિથ પેલ્ટ્રો) અમેરિકા પાછી આવી રહી છે. પોતાના શહેરમાં લૅન્ડ થતાં પહેલાં એણે શિકાગોમાં થોડો સમય રોકાવું પડે તેમ છે, કેમ કે કનેક્ટિંગ ફ્લાઇટ પાંચ કલાક પછી ઉપડવાની છે. સ્ત્રી પરિણીત છે, એક દીકરાની મા છે, તોય આ પાંચ કલાક દરમિયાન એ શિકાગોમાં રહેતા પોતાના ભૂતપૂર્વ પ્રેમીને મળી આવે છે, એની સાથે શારીરિક સુખ પણ માણી લે છે.
ઘરે પહોંચ્યા પછી એક-બે દિવસ તો બધું બરાબર લાગે છે, પણ પછી એની તબિયત એકાએક બગડે છે. શરૂઆતમાં એણે માની લીધું હતું કે જેટલેગને કારણે કદાચ આવું લાગતું હશે. એક દિવસ એ કિચનમાં કામ કરતાં કરતાં એકાએક પડી જાય છે, એનું શરીર ઝાટકા ખાવા લાગે છે, વાઇ આવી હોય તેમ મોંમાંથી ફીણ બહાર આવી જાય છે. એનો પતિ મિચ (મેટ ડેમન) એને તરત હોસ્પિટલભેગી કરે છે. ડૉક્ટરો એને બચાવી શકતા નથી. ડૉક્ટરો કહી પણ શકતા નથી કે બેથને એક્ઝેક્ટલી કઈ બીમારી લાગુ પડી હતી. વાત અહીં પૂરી થતી નથી. બેથનો પાંચ વર્ષનો દીકરો પણ રહસ્યમય રીતે મૃત્યુ પામે છે. હવે સ્પષ્ટ થાય છે કે મા-દીકરાનો ભોગ કોઈ અજાણ્યા વાઇરસે લીધો છે. બેથ હોંગકોંગથી આ વાઇરસ પોતાની સાથે લેતી આવી હતી, જેનો ચેપ એના દીકરાને લાગ્યો હતો. ચેપ તો એના વરને પણ લાગે હતો, પણ સદનસીબે એ બચી જાય છે.

...અને હવે શરૂ થાય છે આ દુનિયાને ઘરમોળી મૂકતો ઘટનાક્રમ. હોમલૅન્ડ સિક્યોરિટીવાળાઓ માને છે કે આ વાઇરસ વાસ્તવમાં બાયોલોજિકલ વેપન હોવું જોઈએ. ઘણાં બધાં કિરદારો કામે લાગી જાય છે - એપિડેમિક ઇન્ટેલિજન્સ સર્વિસ ઑફિસર ડૉ. એરિન (કેટ વિન્સલેટ), સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલમાં કામ કરતા ડૉ. ઍલી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ, ખાંખાખોળા કરીને ઇન્ફર્મેશન ખોદી લાગવતો એક બ્લોગર (જુડ લૉ) વગેરે.  ફિલ્મમાં જે વાઇરસ દેખાડ્યો છે તેનાં લક્ષણ બિલકુલ કોરોના વાઇરસ જેવાં જ છે. તે સ્પર્શથી, સરફેસ-ટુ-સરફેસ ફેલાય છે. જેને તેનો ચેપ લાગુ પડ્યો હોય એ વ્યક્તિને ક્વૉરન્ટાઇન કરી નાખવો પડે છે. બેથ હોંગકોંગમાં હતી ત્યારે કોને કોને મળી હતી તે શોધવાની અને તે સૌને ક્વૉરન્ટાઇન કરવાની કવાયત શરૂ થાય છે. રાગચાળો ફેલાતાં આખેઆખા શહેરોને ક્વોરન્ટાઇન કરવા પડે છે. આંધાધૂંધીનો પાર નથી. મેડિકલ સ્ટોરોના કાચના દરવાજા તોડીને લોકો લૂંટફાટ કરે છે, સરકારી સહાય પર લોકો જંગલીની માફક તૂટી પડે છે.          
ફિલ્મમાં પછી તો ઘણું બધું બને છે. આપણે અત્યારે યુરોપ-અમેરિકાની જે ન્યુઝ ક્લિપ્સ જોઈએ છીએ અદ્લ એવાં જ એ દશ્યો છે. ફિલ્મમાં આ  વાઇરસને લીધે એકલા અમેરિકામાં પચ્ચીસ લાખ લોકોનો જીવ જાય છે. આખી દુનિયાનો મૃત્યુઆંક અઢી કરોડ કરતાંય વધી જાય છે. ફિલ્મના અંતે પ્રતિપાદિત થાય છે કે આ વાઇરસ ચામાચિડીયામાંથી ફેલાયો હતો. એક ચામાચિડીયાનું કોઈ ફળ મોંમાં દબાવીને ઉડતું હતું જે છટકીને નીચે પડી ગયું. આ એઠું ફળ એક ભૂંડ ખાઈ ગયું. તે ભૂંડ કતલખાનામાં હલાલ થયું. તેના માંસમાંથી બનેલી વાનગી હોટલમાં ઉતરેલી બેથને પિરસાઈ અને આ રીતે બેથ પેલા ખતરનાક વાઇરસની પહેલી વાહક બની. બેથ પોતાના મોબાઇલ, દરવાજા, ગ્લાસ, રેસ્ટોરાંનું મેનુ વગેરેને સ્પર્શતી હોય તેના ક્લોઝ-અપ્સ વારે વારે દેખાડવામાં આવે છે. તે જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જાય છે, કેમ કે આપણે જાણીએ છીએ કે બેથ વાઇરસની કૅરીયર છે. હાથ થોડી થોડી વારે ધોતા રહો... હાથ ચહેરા પર ન લગાવો જેવા ડાયલોગ્ઝ પણ ફિલ્મમાં આવતા રહે છે. 
કન્ટેજિયનના ડિરેક્ટર સ્ટીવન સોડનબર્ગ અને લેખક સ્કૉટ બર્ન્સે 2009માં ધ ઇન્ફૉર્મન્ટ નામની ફિલ્મ બનાવી હતી. પછી તેઓ કોઈ બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવવા માગતા હતા, પણ સ્કૉટ બર્ન્સને રોગચાળાને કેન્દ્રમાં રાખીને મેડિકલ થ્રિલર બનાવવાનો વિચાર આવ્યો. ધારો કે કોઈ ઘાતક વાઇરસ દુનિયામાં ફેલાય તો શું શું થાય? આ સમજવા માટે તેઓ કેટલાય ડૉક્ટરો, ફિઝિશિયનો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ વગેરેને મળ્યા. જેમ જેમ નિષ્ણાતોને મળતા ગયા તેમ તેમ ફિલ્મમાં કયા ક્યા એંગલ ઉમેરાઈ શકે છે તે સ્પષ્ટ થતું ગયું. આ રિસર્ચ પૂરું થયું એના છ જ મહિના પછી, 2009માં, ફ્લ્યૂએ ઉપાડો લીધો. તે વખતે જે અસલી ઘટનાઓ બની તેની વિગતો ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં મદદરૂપ બની.

દુનિયાના કેટલાય દેશોમાં મલ્ટિસ્ટારર કન્ટેજિયનનું શૂટિંગ થયું. ટાઇટેનિકની હિરોઈન કેટ વિન્સલેટનો આમાં દમદાર રોલ છે, પણ એનું શૂટિંગ ફક્ત દસ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ થઈ તે વખતે ય મેડિકલ એક્યુરસી માટે તેના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ક્યાંય બિનજરૂરી નાયકીયતા નથી. તે રિયલિસ્ટિક છે તેથી જ વધારે ધારદાર, વધારે ભયાનક લાગે છે.    
અત્યારે આપણે બધા પોતપોતાનાં ઘરોમાં નજરકેદ છીએ અને આપણી પાસે પુષ્કળ સમય છે ત્યારે કન્ટેજિયન જોજો. શરત એક જ છે કે તમને ડિપ્રેશન ન આવવું જોઈએ. યુટ્યુબ પ્રિમીયમ પર આ ફિલ્મ ઉપલબ્ધ છે. ફ્રી નથી, થોડા રૂપિયા ખર્ચવા પડશે, પણ આ ખર્ચ કરવા જેવો છે.       
0 0 0 


Wednesday, March 25, 2020

રોગચાળો અને દેશપ્રેમઃ એ અંગ્રેજને હું નહીં છોડું!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 માર્ચ 2020

ટેક-ઑફ

દેશમાં પ્લૅગની ભયાનક મહામારી ફેલાઈ હતી ત્યારે પૂનાના ચાફેકર બંધુઓએ અત્યાચારી અંગ્રેજ અધિકારીના કેવા હાલ કર્યા હતા?

જે કોરોના વાઇરસે દેશ અને દુનિયામાં ભયનો માહોલ પેદા કર્યો છે. આવું પહેલું વાર નથી બન્યું. ભૂતકાળમાં પ્લૅગની મહામારી હાહાકાર મચાવી ચૂકી છે. આ સંદર્ભમાં લગભગ સવાસો વર્ષ પહેલાં બનેલો એક ઘટનાક્રમ યાદ આવે છે. તેમાં મહામારીની યાતનાની સાથે દેશપ્રેમની ભાવનાનું અજબ સંયોજન થયું છે.

દામોદર હરિ ચાફેકર (જન્મઃ 1870)ના નામથી આપણે ખાસ પરિચિત નથી. આ પૂણેવાસીને નાનપણથી જ વ્યાયામ અને અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં ખૂબ રસ. એમનો ઇરાદો તો ભણતર પૂરું કર્યા બાદ અંગ્રેજોના કબ્જા હેઠળની સેનામાં જોડાઈને સૈનિકોમાં વિદ્રોહ પેદા કરવાનો હતો. એમણે સેનામાં પ્રવેશ કરવા એકાદ-બે વાર પ્રયાસ પણ કરી જોયો, પણ સફળતા ન મળી. દામોદર ચાફેકર(આ અટક ક્યારેક ચાપેકર તરીકે પણ લખવામાં આવે છે) નિરાશ ન થયા. એમણે ખુદ પોતાની સેનાનું નિર્માણ કરીને યુવાનોને એમાં જોડ્યા, એમને હથિયારો ચલાવતાં શીખવ્યું. અંગ્રેજો સામે વિદ્રોહ કરવા તેઓ ઉતાવળા થયા હતા. લોકમાન્ય ટિળકની વાતો અને વિચારોથી એમની દેશદાઝ ઑર તીવ્ર બનતી હતી.

1896માં ભારતમાં બ્યુબોનિક પ્લૅગની બીમારી ફાટી નીકળી. 1897ના પ્રારંભમાં પૂના આ મહામારીના ઝપટમાં આવી ગયું. એકલા ફેબ્રુઆરીમાં જ પ્લૅગે પૂનામાં 657 લોકોનો જીવ ખેંચી લીધો. આ ઑફિશિયલ આંકડો હતો. અનઑફિશિયલ આંકડો તો આના કરતાં ક્યાંય મોટો હોવાનો. પૂણેવાસીઓ શહેર છોડી છોડીને ભાગવા માંડ્યા. પ્લૅગનો ફેલાતા અટકાવવા માટે અંગ્રેજ સરકારે માર્ચમાં સ્પેશિયલ પ્લૅગ કમિટી (એસપીસી)ની રચના કરી. આ કમિટીના વડાનું નામ હતું, વૉલ્ટર ચાર્લ્સ રૅન્ડ.

રોગચાળો ફેલાતો અટકાવવા માટે શક્ય હોય તે બધું જ કરવું પડે તે સાચું, પણ ચકાસણી કરવા કે બીજાં પગલાં ભરવા લોકોના ઘરમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે પૂરેપૂરી સંવેદનશીલતાથી વર્તવાનું હોય. બીમારી પર રોક લગાડવા માટે કડક કાર્યવાહી કરવી જ પડે, પણ તે પહેલાં લોકોને પ્રેમથી સમજાવવા પડે કે અમે તમને હેરાન કરવા નહીં, બલકે તમારી ભલાઈ માટે આવ્યા છીએ. લોકોની ધાર્મિક કે અન્ય કોઈ લાગણી ન દુભાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો હોય.  

થયું એનાથી ઊલટું. રૅન્ડે ખરેખર તો ડૉક્ટરોની ભરતી કરવાની હોય. એને બદલે એણે 800 જેટલા સૈનિકો અને અધિકારીઓને કામે લગાડી દીધા. એમનું કામ શું હતું? લોકોના ઘરમાં જરૂર પડ્યે બળજબરી કરીને પણ ઘુસવું, પુરુષો અને સ્ત્રીઓ બન્નેનું ઇન્સપેક્શન કરવું, પ્લૅગ હોવાની આશંકા હોય તેવા લોકોને અલાયદી છાવણીમાં લઈ જવા, રોગગ્રસ્ત લોકો પૂનામાં ન ઘુસે કે પૂનામાંથી બહાર ન જાય તેનો ખ્યાલ રાખવો.

જડભરત જેવા બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓએ ઉપાડો લીધો. પ્લૅગ પર અંકૂશ આણવાના બહાના હેઠળ તેમણે ઘરોમાં તોડફોડ કરવા માંડી. લોકોની અંગત ચીજવસ્તુઓ ખેદાનમેદાન કરી નાખી. ઘરમાં ગોઠવાયેલી ભગવાનની મૂર્તિઓ કે અન્ય ધાર્મિક પ્રતીકોની પણ આમન્યા ન જાળવી. ચેક-અપના નામે પુરુષો જ નહીં, સ્ત્રીઓ અને બાળકોનાં પણ કપડાં ઊતરાવ્યાં. ક્યારેક તો જાહેરમાં લોકોને નિર્વસ્ત્ર કર્યાં. સ્વજનના મૃત્યુની અંતિમ વિધિ વખતે એમના પરિવારજનોને રોકવામાં આવ્યા. જો પેશન્ટનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલું હોય તો જ પરિવારના લોકો અંતિમ સંસ્કાર વખતે હાજર રહી શકે એવો નિયમ લાગુ પાડી દેવામાં આવ્યો. જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે એની સાથે અપરાધી જેવો ક્રૂર વ્યવહાર થતો.  



ગોપાલકૃષ્ણ ગોખલે જેવા સન્માનનીય સ્વાતંત્ર્યસૈનિકે નોંધ્યું કે પ્લૅગ અટકાવવાના બહાને અંદર ઘૂસી ગયેલા બ્રિટિશ સૈનિકોએ ઘરમાં હાજર રહેલી મહિલા પર બળાત્કાર કર્યો હોય એવા બે કિસ્સા બન્યા છે. બાળ ગંગાધર ટિળકે કેસરી અખબારમાં લખ્યું કે, હર મૅજેસ્ટી ઑફ ક્વીન, ધ સેક્રેટરી ઑફ સ્ટેટ અને એમની કાઉન્સિલે કોઈ કારણ કે દેખીતા ફાયદા વગર ભારતની જનતા પર અત્યાચાર કરવાનો આદેશ આપ્યો છે તે ખોટું છે. રૅન્ડે તરત રદીયો આપ્યો કે અમારી વિરુદ્ધ તદ્દન ખોટા આક્ષેપો થઈ રહ્યા છે.  

બ્રિટિશ સૈનિકોના નિર્દય વર્તનથી જનતામાં રોષ ફેલાઈ રહ્યો હતો. દશ્ય એવું ઊભું થઈ રહ્યું હતું કે સરકાર પ્રજાની મદદ કરવા નહીં, બલકે અત્યાચાર કરવા પર ઉતરી આવી છે. જનતાનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો હતો. દામોદર ચાફેકરે ગાંઠ વાળી કે આ રૅન્ડને એ છોડશે નહીં. એમના બન્ને સગા નાના ભાઈ બાલકૃષ્ણ અને વાસુદેવ પણ તેમની સાથે હતા.
        
અંગ્રેજોની સંવેદનહીનતા જુઓ. એક તરફ પ્લૅગની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ને બીજી બાજુ પૂનામાં મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હીરક મહોત્સવની તૈયારી ચાલી રહી હતી. ઉજવણીની તારીખ નક્કી થઈઃ 22 જૂન, 1897. ચાફેકરબંધુઓએ મસલત કરીને નિર્ણય કર્યો કે આ ઉજવણીમાં તમામ બ્રિટીશ ઑફિસરો હાજર હશે જ, રૅન્ડને ખતમ કરવાનો આ ઉત્તમ મોકો છે.

ઉજવણીના દિવસે દામોદર પહેલાં હથિયાર છૂપાવીને ગર્મેન્ટ હાઉસ પહોંચ્યા (આજે પૂનાસ્થિત આ ગર્મેન્ટ હાઉસ સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીનું મુખ્ય બિલ્ડિંગ છે), પણ રૅન્ડ ત્યાં નહોતો. ખબર પડી કે એ સેન્ટ મૅરી ચર્ચમાં છે. દામોદર ત્યાં પહોંચી ગયા. અહીં લોકોની ખૂબ ભીડ હતી. દામોદરને ચિંતા થઈ કે હું રૅન્ડને મારવાની કોશિશ કરીશ તો નાહકના નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકાઈ જશે. મોકો હતો, રૅન્ડને ઉડાવી દેવાની ભયંકર ચટપટી ઉપડી હતી, છતાંય દામોદર પોતાની અધીરાઈ પર કાબૂ રાખ્યો.

દામોદરને આખરે આ તક રાત્રે મળી. રૅન્ડ કાર્યક્રમ પતાવીને પોતાના નિવાસસ્થાને જવા નીકળ્યો હતો. ગણેશ ખિંદ રોડ (આજે તે સેનાપતિ બાપટ રોડ તરીકે ઓળખાય છે) લગભગ નિર્જન હતો. રાત્રીના બાર વાગીને દસ મિનિટ થઈ હતી. અગાઉથી નક્કી થયા મુજબ દામોદરના ભાઈ બાલકૃષ્ણે સંકેત કર્યો. એકદમ જ ઝાડ પાછળ છૂપાયેલા દામોદર દોડીને ઘોડાગાડીની પાછળના પગથિયાં ચડી ગયા. બારીનો પડદો ઊંચો કર્યો અને પૂરી સાવધાનીથી ગોળી છોડી. અંદર બેઠેલો અંગ્રેજ ઢળી પડ્યો. તરત ખબર પડી કે તે રૅન્ડ નહીં, પણ એનો મિલિટરી એસ્કોર્ટ લેફ્ટનન્ટ એર્સ્ટ છે, રૅન્ડ તો બીજી ઘોડાગાડીમાં બેઠો છે. દામોદર અને બાલકૃષ્ણ સહેજ પણ વિચલિત ન થયા. તેમણે જોયું કે ત્રીજો ભાઈ વાસુદેવ રૅન્ડની ઘોડાગાડીની પાછળ ધીમે પગલે દોડી રહ્યો છે. દામોદર તરત આ ઘોડાગાડી પર લપક્યા અને રૅન્ડના રામ રમાડી દીધા. 1857ના બળવા પછી અંગ્રેજ સરકાર સામે હિંસક વિદ્રોહ થયો હોય તેવો આ પહેલો કિસ્સો હતો.

કામ સફળતાપૂર્વક પૂરું કરીને દામોદર પોતાના બન્ને ભાઈઓ સાથે ફરાર થઈ ગયા. આ દેશમાં દેશદ્રોહીઓ અને જયચંદો દરેક સમયે રહ્યા જ છે. દ્રવિડબંધુ તરીકે ઓળખાતા ભાઈઓએ સરકારને બાતમી આપી દીધી કે દામોદર ક્યાં છૂપાયા છે. દામોદરને પકડી લેવામાં આવ્યા, તેમના વિરુદ્ધ મુકદમો ચાલ્યો ને 18 એપ્રિલ 1898ના રોજ તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. વચેટ ભાઈ બાલકૃષ્ણ ઑર એક વર્ષ સુધી લપાતાછૂપાતા રહ્યા. આખરે તેઓ પણ પોલીસની હડફેટે ચડી ગયા. તેમને 12 મે, 1899ના રોજ ફાંસી દેવાઈ. સૌથી નાના વાસુદેવ અને તેમના બે દોસ્તારો ખાંડો વિષ્ણુ સાઠે અને વિનાયક રાનડેએ પોલીસના પેલા ખબરીઓ એવા ડેવિડ બંધુઓની હત્યા કરી. વાસુદેવને 8 મે અને વિનાયક રાનડેને 10 મે 1899ના રોજ ફાંસી અપાઈ. ખાંડો વિષ્ણુ સાઠેએ હજુ અઢાર વર્ષ પૂરાં કર્યા નહોતા. તેથી એને દસ વર્ષ માટે કારાવાસની સજા ફરમાવવામાં આવી.   

ચાફેકર બંધુઓ આપણા ભૂલાઈ ગયેલા સ્વાતંત્ર્યસૈનિકો છે. આજે કોરોના વાઇરસે ભયનો માહોલ પેદા કર્યો છે ત્યારે આપણે આ ત્રણેય ભાઈઓનું આદરપૂર્વક સ્મરણ કરીએ.  

shishir.ramavat@gmail.com
      
                                           


Wednesday, March 18, 2020

28 વર્ષનો સથવારો, 33 વર્ષની એકલતા


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 March 2019, રવિવાર 
મલ્ટિપ્લેક્સ 
શશી કપૂર સાચા અર્થમાં લવરબૉય હતા. અઢાર વર્ષની ઉંમરે જેનિફરના પ્રેમમાં પડેલા શશી કપૂર એમને જીવનની અંતિમ ક્ષણ સુધી ચાહતા રહ્યા.

18 માર્ચે, શશી કપૂરની જન્મજયંતિ છે. તેઓ જીવતા હોત તો આ બુધવારે 80મા વર્ષમાં પ્રવેશ કરત. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લવરબૉયની ઇમેજ તો ઘણા હીરોની છે, પણ વાસ્તવિક જીવનમાં શશી કપૂર જેવા લવરબૉય બોલિવુડમાં શું, બોલિવુડની બહાર પણ ઓછા હોય છે.
પત્ની જેનિફર કેંડલને તેઓ પહેલી વાર ક્યાં મળ્યાં હતાં તે વિશે જેનિફરનાં પિતા જેફ્રી અને બહેન ફેલિસિટીનાં વર્ઝનમાં થોડોક ફર્ક છે. જેફ્રી કૅન્ડલે પોતાની આત્મકથા થિયેટરવાલામાં લખ્યું છે કે શશી અને જેનિફરની સૌથી પહેલી મુલાકાત 1956માં કલકત્તાના એમ્પાયર થિયેટરમાં થઈ હતી. પૃથ્વીરાજ કપૂરની માફક જેફ્રી પણ નાટક કંપની ચલાવતા હતા અને દુનિયાભરના દેશોમાં ફરીને શોઝ કરતા હતા. એક વાર એમ્પાયર થિયેટરના મેનેજરથી એક વાર ગરબડ થઈ ગઈ. એણે બન્ને થિયેટર ગ્રુપને ભૂલથી એક જ તારીખો આપી દીધી. પછી બન્ને વચ્ચે સમજૂતી થઈ કે એક દિવસ પૃથ્વી ગ્રુપનો શો થશે, બીજા દિવસે થિયેટરવાલા ગ્રુપનો.
નાટક શરૂ થાય તે પહેલાં નર્વસ કલાકાર-કસબીઓને પડદો સહેજ હટાવીને, નાનકડા છિદ્રમાંથી નજર કરીને આજે ઑડિયન્સ કેવુંક આવ્યું છે તે જોઈ લેવાની આદત હોય છે. તે દિવસે શશી કપૂરે પણ એવું જ કર્યું. એમનું ધ્યાન ઑડિયન્સમાં બેઠેલી એક રૂપકડી છોકરી પર અટકી ગયું. છોકરીએ હૉલ્ટર નૅકલાઇનવાળું બ્લૅક-એન્ડ-વ્હાઇટ પોલ્કા ડોટ્સવાળો મસ્તમજાનો ડ્રેસ પહેર્યો હતો... ને બસ, શશી કપૂરને જેનિફર નામની એ બ્રિટીશ છોકરી સાથે પહેલી નજરે પ્રેમ થઈ ગયો.
બીજું વર્ઝન એવું છે કે શશી કપૂર બૅક સ્ટેજ પર હતા અને જેનિફર મંચ પર શેક્સપિયરનું કોઈ પાત્ર ભજવી રહ્યાં હતાં. શશી એમને જોતાં જ રહ્યા ને એમને લવ-એટ-ફર્સ્ટ-સાઇટ થઈ ગયો. શશી કપૂર કરતાં જેનિફર ચાર વર્ષ મોટાં હતાં. જેનિફરના ઊંધેકાંધ પ્રેમમાં પડ્યા ત્યારે શશી માંડ અઢાર વર્ષના હતા અને જેનિફર ત્રેવીસનાં. હવે બન્યું એવું કે જેફ્રીના ગ્રુપમાં કલાકારો ઓછા પડતા પડતા હતા. એમણે પૃથ્વીરાજને વિનંતી કરી કે તમે શશીને થોડા સમય માટે મને લૉન પર આપશો? પૃથ્વીરાજે હા પાડી. શશી કપૂરને તો ગોળનું ગાડું મળી ગયું. તેમણે પાંચ મહિના જેનિફરની નાટક કંપનીમાં સતત કામ કરવાનો મોકો મળ્યો. વળી, શશી કપૂરને તાલીમ આપવાનું કામ જેનિફરને જ સોંપાયું હતું. જેનિફર આ હેન્ડસમ છોકરાને શેક્સપિયર અને જ્યૉર્જ બર્નાર્ડ શૉનાં નાટકોના સંવાદો શીખવતાં. શરૂઆતમાં શશી કપૂરનો પ્રેમ એકપક્ષી હતો, પણ પછી જેનિફર પણ એમની તરફ આકર્ષાયા. બન્ને થિયેટરના બૅકગ્રાઉન્ડવાળા પરિવારમાંથી આવતાં હતાં તે વાત સાચી, પણ તેમની રહેણીકરણીમાં ઘણો ફર્ક હતો. હોવાનો જ, કેમ કે શશી કપૂર રહ્યા પાક્કા પંજાબી ને જેનિફર નખશિખ બ્રિટીશ. જેફ્રીએ જોયું કે પોતાની દીકરી આ છોકરડા તરફ ખેંચાઈ રહી છે. તેમને આ સંબંધ મંજૂર નહોતો. એમણે બન્નેને છૂટા પાડવાનો ભરચક પ્રયાસ કર્યો. શશી કપૂર સાથે અપમાનજનક વર્તન કર્યું. જેનિફર પાસે હવે શશી સાથે ચાલી નીકળવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો.

બન્ને લગભગ નાસીને મલેશિયા અને પછી સિંગાપોર પહોંચી ગયાં. અહીં બીજા કોઈ ગ્રુપનાં નાટકમાં તેઓ કામ કરવાનાં હતાં. કમનસીબે નાટકના બધા શોઝ કૅન્સલ થઈ ગયા. શશી અને જેનિફરે જેમતેમ કરીને ગાડું ગબડાવવાનો પ્રયાસ કરી જોયો, પણ પરિસ્થિતિ બહુ જ વિકટ થઈ ગઈ એટલે શશીએ આખરે મોટા ભાઈ રાજ કપૂરને ફોન કરીને મદદ માગી. રાજ કપૂરે એમને ફ્લાઇટની બે ટિકિટો મોકલી આપી. બન્ને મુંબઈ આવ્યાં. અત્યાર સુધી માત્ર ભાઈ શમ્મી કપૂર અને ભાભી ગીતા બાલીને જ શશી-જેનિફરના લવઅફૅરની જાણ હતી. હવે આખા કપૂર ખાનદાનને હવે ખબર પડી ગઈ. જુલાઈ 1958માં શશી કપૂર અને જેનિફરનાં વિધિવત લગ્ન કરવામાં આવ્યાં. હનીમૂન માટે તેઓ કલકત્તા ગયાં હતાં. ફેરલૉન હોટલના રૂમ નંબર 17માં તેઓ થોડા દિવસ રહ્યા. શશી કપૂર ફેમસ ફિલ્મસ્ટાર બની ગયા પછી હોટલના મેનેજમેન્ટે તે રૂમનું નામ ધ શશી કપૂર રૂમ પાડી દીધું હતું!
પતિદેવ કરતાં પત્ની ઉંમરમાં મોટી હોય ત્યારે લગ્નસંબંધ નાજુક બની જતો હોય છે. શશી કપૂર અને જેનિફરનો સંબંધ સુખદ અપવાદરૂપ પૂરવાર થયો. શશી કપૂરને જેનિફર પ્રત્યે કંઈ ઉપરછેલ્લું આકર્ષણ નહોતું. જેનિફર પ્રત્યેનો એમનો પ્રેમ અંતિમ ક્ષણ સુધી જળવાઈ રહ્યો. 1959માં પહેલાં સંતાન કુનાલનો જન્મ થયો. જેનિફરનું સમગ્ર ધ્યાન હવે એના ઉછેર પર કેન્દ્રિત થયું હતું. છ વર્ષની ઉંમરથી પોતાના પિતા સાથે નાટકો કરી રહેલા શશી કપૂરને હવે સમજાયું કે માત્ર થિયેટર કરીને પરિવારને સારી રીતે નિભાવી શકાશે નહીં. આથી એમણે પોતાના ભાઈઓની માફક ફિલ્મોમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.   
શશી કપૂર ફિલ્મી હીરો બન્યા, પણ એમની લાઇફસ્ટાઇલ એક પાક્કા સદગૃહસ્થ જેવી રહી. રવિવારે કામ નહીં જ કરવાનું. રવિવારનો દિવસ ફક્ત પરિવાર સાથે ગાળવાનો. ફિલ્મલાઇનમાં હીરો-હિરોઈન વચ્ચે કંઈક છે એવી વાતો સતત સંભળાતી હોય છે. શશી કપૂરના કેસમાં એકસ્ટ્રામેરિટલ અફેર તો દૂર રહ્યું, આવી કોઈ અફવા સુધ્ધાં ઉડી નથી. જેનિફર અને સંતાનોએ એમનું જીવન તર-બ-તર કરી નાખ્યું હતું.
1970ના ઉત્તરાર્ધમાં શશી કપૂર વ્યાવસાયિક સ્તરે અસ્વસ્થતા અનુભવવા માંડ્યા હતાં. એમને એક પ્રકારની દિશાહીનતાની લાગણી થઈ રહી હતી. આ તબક્કે જેનિફરે જ એમને સૂચન કર્યું કે તમને શું કરવામાં સૌથી વધારે આનંદ મળે છે? તારું અસલી શું પૅશન છે? જવાબ હતો, થિયેટર.  
1978માં શશી કપૂર અને જનિફરે મુંબઇના જુહુ વિસ્તારમાં પૃથ્વીરાજ કપૂરની સ્મૃતિમાં પૃથ્વી નામના  થિયેટરની સ્થાપના કરી. પૃથ્વીરાજના મૃત્યુ પછી આમેય આ નાટ્યપ્રવૃત્તિ અટકી પડી હતી. આજની તારીખે પણ રાષ્ટ્રીય સ્તરે પૃથ્વી થિયેટરનું મોટું નામ છે. જેનિફર માટે આ તબક્કો કરીઅરની બીજી ઇનિંગ્સ સમાન હતો. એમણે પૃથ્વીનાં નાટકોમાં દરેક સ્તરે રસ લેવાનું શરૂ કર્યું. પતિ-પત્ની બન્ને પોતાની જ માલિકીના પૃથ્વી થિયેટરમાં ચાલતાં નાટકો ટિકિટ ખરીદીને જોતાં. મુખ્ય દરવાજો ખુલે તે પહેલાં રીતસર લાઇનમાં ઊભાં રહેતાં. જેનિફરે હોમ પ્રોડક્શનની જુનૂન અને 36 ચૌરંધી લેન જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મો બૉક્સઑફિસ પર ભલે ન ચાલી, પણ કળાના સ્તરે ખૂબ વખણાઈ. આર્થિક તંગી વચ્ચે પણ પતિ-પત્ની ખુશ હતાં.

આ ખુશી લાંબી ન ચાલી. 1982માં જેનિફરને કૅન્સર હોવાનું નિદાન થયું. બે વર્ષ પછી, ફક્ત પચાસ વર્ષની ઉંમરે, તેમનું નિધન થયું. જેનિફરનાં મૃત્યુએ શશી કપૂરને તોડી નાખ્યાં. એમનું આખું જીવન જેનિફર વડે ડિફાઇન થયેલું હતું. જેનિફરનો દેહવિલય થયો ત્યારે તેઓ રડી નહોતા શક્યા. થોડા દિવસો પછી ગોવાના દરિયામાં તેઓ બોટને ઊંડે સુધી લઈ ગયા ને ક્ષિતિજો સુધી ફેલાયેલા દરિયા વચ્ચે મોંફાટ રડ્યા.
જેનિફરના મૃત્યુ વખતે શશી કપૂરની ઉંમર 46 વર્ષ હતી. તેઓ ધારત તો પુનઃ લગ્ન કરી શક્યા હોત, પણ ન તો એમણે આ દિશામાં ક્યારેય વિચાર્યું, ન કોઈ પ્રેમસંબંધ બાંધ્યો કે ન કોઈની સાથે ખાસ દોસ્તી કરી. તેઓ કહેતા, હું હિંદુ છું ને હું આત્મા અમર છે તે થિયરીમાં માનું છું. જેનિફર ક્યાંય ગઈ નથી. મને હંમેશાં એની હાજરી વર્તાય છે.
જેનિફરે શરૂઆતથી શશી કપૂરની લાઇફસ્ટાઇલને સતત શિસ્તમાં રાખી હતી. એટલે જ તેઓ દાયકાઓ સુધી ચુસ્તદુરસ્ત રહ્યા હતા, પણ જેનિફરનાં મૃત્યુ પછી તેઓ બેદરકાર બની ગયા. અન્ય કપૂરોની માફક તેમણે બેફામ ખાવા-પીવાનું શરૂ કરી દીધું. પરિણામે તેઓ પણ પોતાના ભાઈઓ-ભત્રીજાઓની માફક  ફૂલી ગયા હતા. 4 ડિસેમ્બર 2017ના રોજ શશી કપૂરે વિદાય લીધી. જેનિફરના 28 વર્ષના સથવારા બાદ તેમણે 33 વર્ષ સુધી એકલતા સહી. જો સથવારો સજ્જડ અને સત્ત્વશીલ હોય તો જ માણસ આટલી પ્રલંભ એકલતાનો સામનો કરી શકે!
0 0 0


Thursday, March 5, 2020

ચીંથરે વીંટ્યું રતન


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 4 March 2019, બુધવાર
ટેક ઓફ 
હું ભિખારીને ત્યાં જન્મી શક્યો હોત, પણ ભગવાને મને ઘર અને પરિવાર તો આપ્યાં. મારા હનીફસરે નાનપણમાં ચા-રોટલીથી પેટ ભરવું પડતું હતું, જ્યારે મને તો દાળ- રોટલી તો ખાવા મળે છે. ફરિયાદો શા માટે કરવાની?’

પણે વાત માંડી હતી અમદાવાદના મેહુલસિંહ પરમારની. શાહપુરની ઝૂંપડપટ્ટીમાં જન્મેલો ને ઉછરેલો આ એકવીસ વર્ષનો છોકરો રાષ્ટ્રીય કક્ષાનો કુસ્તીબાજ છે. માત્ર દાળ અને રોટલી ખાઈને એ ખેલો ઇન્ડિયા સહિતની કેટલીય પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ગણ્યા ગણાય નહીં તેટલાં મેડલો જીતી લાવ્યો છે. મેહુલનો જીવનસંઘર્ષ હજુ અટક્યો નથી. એ પેસેન્જરને પોતાની ઓલા બાઇક પર પાછળ બેસાડે છે, એને એના ગંતવ્યસ્થાને મૂકી આવે છે અને બદલામાં જે થોડા ઘણા રૂપિયા મળે છે તેમાંથી એને ઘરનું ગાડું ગબડાવવામાં મદદ મળે છે. એ નવમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધીમાં સાયકલનું પંચર કરવા સુધીના ઘણાં નાનાંમોટાં કામ કરી ચૂક્યો હતો ને વુશુ માર્શલ આર્ટ્સ શીખીને નેશનલ લેવલના ત્રણ અવોર્ડઝ જીતી ઇન્ટરનેશનલ કોમ્પિટીશન માટે ક્વૉલિફાય થઈ ચૂક્યો હતો. 
નવમા ધોરણના વેકેશનમાં આકસ્મિક રીતે એ લાલ દરવાજા પાસે આવેલા વસંત અખાડામાં પહોંચી ગયો. ખુલ્લામાં દંડબેઠક અને માર્શલ આર્ટ્સના દાવ કરતા છોકરાઓને જોઈને એને કૂતુહલ થયું. અહીં જે મહાશય સાથે એનો ભેટો થયો એમનું નામ હતું, હનીફરાજ શેખ. વસંત અખાડાને તેઓ સર્વાસર્વા.
મેં અહીં કરાટે શીખવા માંડ્યું, મેહુલ વાતનો તંતુ સાંધે છે, અખાડાના મેદાનમાં એક દાદરો હતો. એ ચડીને એક વાર હું ઉપર ગયો તો મેં જોયું કે અહીં ઘણા બધા છોકરાઓ બથ્થંબથ્થા કરતા હતા ને એકબીજાને ઊંચકીઊંચકીને નીચે પટકતા હતા. મેં હનીફસરને પૂછ્યું કે સર, આ શું છે? સરે કહ્યું કે આને કુસ્તી યા તો રેસલિંગ કહેવાય. મેં કહ્યું કે મારે પણ આ શીખવું છે. હનીફસર કહે કે તું પહેલાં તારા શરીરને મજબૂત બનાવ, પછી બીજી વાત. એ વખતે મને ખબર નહોતી કે હનીફસર રેસલિંગ માટે ઇન્ટરનેશનલ કક્ષાના કૉચ રહી ચૂક્યા છે!’
મેહુલને ત્યારે એ પણ કયાં ખબર નહોતી કે હનીફરાજ શેખનું માર્ગદર્શન એનું જીવન પલટી નાખવાનું છે!  શરૂઆતના ચાર-પાંચ મહિના એમણે મેહુલ પાસે દંડબેઠક અને ઉઠકબેઠક જેવી કસરત કરાવી. મેહુલનું દસમું ધોરણ શરૂ થઈ ગયું હતું તો પણ સાંજે સાડાપાંચથી નવ સુધીનો સમય અખાડા પર જ વીતે. કસરતની એને એવી લત લાગી ચુકી હતી કે જીદ કરીને, રડી-ઝઘડીને, ચાલુ પરીક્ષાએ પણ અખાડે જાય. દરમિયાન એને નાઇટશિફટમાં જમીનના એક પ્લોટની સિક્યોરિટી કરવાનું કામ મળી ગયું હતું. મહિને અઢી હજાર રૂપિયાનો પગાર.
સ્કૂલમાં અમુક સર મને કારણ વગર ક્લાસની બહાર કાઢી મૂકતા, મેહુલ કહે છે, વાંકગુનો ન હોય તો પણ પનિશમેન્ટ મળે એટલે મને બહુ લાગી આવે. આ સાહેબોને દેખાડી દેવાનું ઝનૂન કહો કે કંઈ પણ કહો, પણ મેં ધ્યાન દઈને ભણવાનું શરૂ કર્યું. ટ્યુશનના પૈસા હોય નહીં એટલે ભાઈબંધોનાં પેમ્ફલેટ અને નોટ્સની ઝેરોક્સ કૉપી કરાવી લઉં, સરકારી લાઇટના થાંભલા નીચે વાંચું. આ રીતે મેં એસએસસીની પરીક્ષા આપી.

માત્ર પરીક્ષા આપી એમ નહીં, પણ 87 ટકા લાવીને મેહુલ સ્કૂલનો ટૉપર બન્યો. બીજાઓને તો ઠીક શરૂઆતમાં એને ખુદને શરૂઆતમાં માન્યામાં નહોતું આવ્યું. દસમા-અગિયારમા-બારમા ધોરણ દરમિયાન  એણે રેસલિંગની આઠ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેમાંથી બેમાં મેડલ જીતી લાવ્યો. એનસીસી (નેશનલ કૅડેટ કોર) જૉઇન કરીને, શૂટિંગ શીખીને એ બેસ્ટ કેડેટનો ખિતાબ પણ જીત્યો. બારમા ધોરણમાં મેહુલ 62 ટકા માર્ક્સ સાથે પાસ થયો. આ બધાને સમાંતરે સાંજે અખાડામાં જઈને સખત ટ્રેનિંગ લેવાનું અને નાઇટશિફ્ટમાં નોકરી કરવાનું તો નિરંતર ચાલુ જ હતું. એક સંસ્થા સાથે જોડાઈને ગરીબ બાળકોને ગણિત-વિજ્ઞાન શીખવવા પણ જાય. એ ખુદ બારમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં સિક્યોરિટીની નોકરીમાં એનો પગાર અઢીમાંથી પાંચ હજાર જેટલો થઈ ગયો હતો. મેહુલ અત્યાર સુધીમાં એટલા બધાં મેડલ અને ખિતાબો જીતી ચુક્યો હતો કે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના સ્પોર્ટ્સ ક્વૉટામાંથી એને બીએસસી ઇલેક્ટ્રોનિક્સમાં આસાનીથી એડમિશન મળી ગયું.
મેહુલ કહે છે, ઝેવિયર્સના આ ત્રણ વર્ષે મારી દુનિયા ખોલી નાખી. કૉલેજમાં આવ્યા પછી મેં જિંદગીમાં પહેલી વાર બ્રેડ ખાધી, પહેલી વાર શોપિંગ મૉલમાં પગ મૂક્યો. અગાઉ મેં એક જ ફિલ્મ જોઈ હતી. મારા પપ્પા ત્યારે જીવતા હતા અને તેઓ મને બાગબાનમાં લઈ ગયેલા. ત્યારે હું ચાર વર્ષનો હતો. તે પછી મેં સીધા કૉલેજના ફર્સ્ટ યરમાં સુલતાન (2016) જોઈ, જેમાં સલમાન ખાને પહેલવાનનો રોલ કર્યો હતો. કૉલેજના બીજા જ દિવસે મને એક સરસ દોસ્ત મળી ગયો હતો. રોહિત પ્રકાશ એનું નામ. એના પપ્પા રેલવેમાં સિનિયર પોઝિશન પર છે ને મમ્મી વૃશાલી પેઇન્ટર-ફોટોગ્રાફર છે. રોહિતનાં મમ્મી-પપ્પાએ મને ખૂબ પ્રેમ આપ્યો, સતત સપોર્ટ કર્યો, મારો ઘણોખરો ખર્ચ ઉપાડી લીધો. રોહિતનાં મમ્મી મારા માટે લંચબૉક્સ સુધ્ધાં મોકલતાં. હું ખરેખર નસીબદાર માણસ છું કે મને હંમેશાં સારા માણસો મળ્યા છે.
એક તો, મેહુલ નેશનલ લેવલની ઘણી કોમ્પિટીશનમાં ભાગ લઈને કૉલેજ માટે મેડલો જીતી લાવતો હતો અને બીજું, એ સ્વભાવે વાતોડિયો અને રમતિયાળ હોવાથી ખૂબ પોપ્યુલર બની ગયો હતો. સૌ એને પહેલવાન કહીને બોલાવતા અને પોતાનું લંચબૉક્સ બચાવતા, કેમ કે એ સૌનાં લંચબૉક્સ સફાચટ કરી જતો. ખાસ કરીને છોકરીઓનાં! ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર મેહુલનું મસ્તમજાનું ફેન ફોલોઈંગ છે. મેહુલની સૌથી ધ્યાનાકર્ષક વાત આ જ છેઃ જન્મ્યો ત્યારથી એણે સતત ગરીબી જોઈ છે, પણ તેને કારણે એનામાં કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ જન્મી નથી, કોઈ હીનભાવનાનો શિકાર એ થયો નથી. એનામાં બહુ જ સહજપણે આત્મગૌરવની નક્કર લાગણી વિકસી ગઈ છે. એકધારા સંઘર્ષે એને સહેજ પણ કુંઠિત કર્યો નથી, બલકે એને વધારે માયાળુ બનાવી દીધો છે. મેહુલનાં વાણી-વર્તનમાં સતત આત્મવિશ્વાસની ચમક દેખાય છે,  જે લોકોને આકર્ષે છે.  

સેંકડો-હજારો છાકરાછોકરીઓને પાછળ રાખીને સ્પોર્ટ્સ ક્વોટામાં ઝેવિયર્સ જેવી પ્રતિષ્ઠિત કૉલેજમાં એડમિશન મળ્યું હતું એટલે મેહુલને કૉલેજજીવનના પહેલા જ દિવસથી પોતાની ટેલેન્ટનું મૂલ્ય સમજાઈ ગયું હતું. એ મનોમન સ્પષ્ટ થઈ ગયો હતો કે હવે એક પણ મિનિટ નિરર્થક મોજમજામાં વેડફાવી ન જોઈએ. સઘળા સમયનો ઉપયોગ ફક્ત કુસ્તી માટે થવો જોઈએ.
મેહુલ કહે છે, ફરિયાદો શા માટે કરવાની? હું તો નસીબદાર કહેવાઉં. હું ભિખારીને ત્યાં જન્મી શક્યો હોત, પણ ભગવાને મને ઘર અને પરિવાર તો આપ્યાં. મારા હનીફસરે નાનપણમાં ચા-રોટલીથી પેટ ભરવું પડતું હતું, જ્યારે મને તો દાળ અને રોટલી ખાવા મળે છે.      
મેહુલના ઘરમાં લીલાં શાકભાજી ક્યારેક જ જોવા મળે. મહિને એક વાર પાલકની સબ્જી મળે તો પણ નસીબની વાત ગણાય. ફ્રુટ્સ તો ભૂલી જ જાઓ. રોજનું મેનુ નક્કી જ છેઃ દાળ અને રોટલા જેવી જાડી રોટલી. મેહુલ ક્યારેક કંટાળીને કહે પણ ખરો કે શું ભાભી, રોજ એકની એક દાળ ખાવાની? જવાબમાં ભાભી કહે છેઃ લે! એકની એક દાળ ક્યાં છે? કાલે અડદની દાળ બનાવી હતી, આજે તુવેળની દાળ છે, આવતી કાલે મિક્સ દાળ બનાવીશ. આટલી બધી વરાયટી તો છે!
આ વાત કરતી વખતે મેહુલ ભલે ખડ ખડ કરતો હસી પડતો હોય, પણ એની વાસ્તવિકતાને ગંભીરતાથી લેવાવી જોઈએ. મેહુલ દાળ-રોટલી ખાઈને રાષ્ટ્રીય કક્ષાએ તો પહોંચી ગયો, પણ આ સ્તરથી આગળ જવા માટે એના શરીર વ્યવસ્થિત પોષણ મેળવ્યા વગર ચાલવાનું નથી. કૉલેજના થર્ડ યરમાં હતો ત્યારથી જ એણે કમાણી કરવા ઓલા બાઇક ચલાવવાનું શરૂ કરી દીધું હતું. હવે એ પસર્નલ ફિટનેસ ટ્રેલર તરીકે પણ કામ કરે છે. બે-ત્રણ મહિના પહેલાં એણે પોતાના પરિવારને જૂની બસ્તીની નજીક એક ભાડાના પાકા મકાનમાં શિફ્ટ કર્યો છે. બે રૂમ-રસોડાના આ રિસ્પેક્ટેબલ ઘરમાં કોથળામાં ઠાંસી રાખેલાં મેડલો વરસાદના પાણીથી ખરાબ નહીં થાય એવી ધરપત છે. અહીં વ્યવસ્થિત દીવાલો છે, જેના પર ખીલી ઠોકીને મેડલોને લટકાવી શકાય છે. મેહુલનાં મમ્મીને હજુ વિશ્વાસ બેસતો નથી. એ વારે વારે કહ્યા કરે છેઃ મહિને આઠ હજાર રૂપિયા ભાડું? આટલા બધા પૈસા તે કોઈ દી અપાતા હશે, દીકરા?
મેહુલને જોઈને, મળીને, એની વાતો સાંભળીને આપણે વિચારમાં પડી જઈએ છે. એક તરફ ભણેલાંગણેલાં સંપન્ન મા-બાપો છે, જે પેરેન્ટિંગની થિયરીઓની ચર્ચા કરે છે, પોતાનાં સંતાનોને ભણાવવા માટે, એમને એક્સપોઝર આપવા માટે, એમને આગળ વધારવા માટે, એમની પ્રતિભાને – જો હોય તો – વિકસાવવા માટે બેહિસાબ સમય-શક્તિ ખર્ચતાં રહે છે. આમ છતાંય કશું જ ઊકાળી ન શકતાં એમનાં સંતાનો સતત વિરોધ ને ફરિયાદો કર્યા કરે છે ને એમનાં વર્તન-વ્યવહારમાં ન સમજાય એવી સંવેદનહીનતા કે ઉદ્ધતાઈ ઊછળ્યાં કરે છે. સામે પક્ષે, મેહુલ જેવું ઝૂંપડપટ્ટીમાં જન્મેલું સંતાન છે, જેની અશિક્ષિત વિધવા માએ પારકાં કામ કરીને એનું પેટ ભર્યું છે ને આ છોકરો આશ્ચર્ય થાય એટલી સ્વયંશિસ્ત કેળવીને, કઠોર પરિશ્રમ કરીને, સાવ કાચી ઉંમરથી પોતાના પગ પર ઊભા રહીને એક પછી એક સિદ્ધિ મેળવતો જાય છે. બાળઉછેરના કયા પાઠ અહીં લાગુ પડે છે? પેરેન્ટિંગની તમામ થિયરીઓને ઊંધીચત્તી કરી નાખે એવો મેહુલનો કિસ્સો છે.    
      
મારું હવે એક જ સપનું છે, મેહુલ સમાપન કરે છે, મારે રેસલિંગની ઇન્ટરનેશનલ કોમ્પિટીશનમાં ભાગ લઈને ભારત માટે મેડલ જીતવો છે.
મેહુલમાં આ સપનું સાકાર કરી શકવાની ભરપૂર ક્ષમતા છે જ. બસ, એના આર્થિક સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકાઈ જવું જોઈએ કે જેથી એ પોતાની ટ્રેનિંગ પર ફોકસ કરી શકે. એની ખાણીપીણી પર પૂરતું ધ્યાન અપાવું જોઈએ કે જેથી એનું કસરતી શરીર આંતરરાષ્ટ્રીય મુકાબલા માટે સજ્જ બની શકે. મેહુલસિંહ પરમાર ગુજરાતનું ચીંથરે વીટ્યું રતન છે. બસ, એ પ્રકાશિત થાય એટલી જ વાર છે.   
 0 0 0