દિવ્ય
ભાસ્કર – કળશ પૂર્તિ – 4 ડિસેમ્બર 2019, બુધવાર
ટેક ઓફ
'સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.'
બે લેખક દોસ્તારો. એક રહે સ્પેનનાં બાર્સીલોના શહેરમાં ને બીજો રહે જપાની
શહેર ટોકિયોમાં. બન્ને એકબીજાનાં કામથી પરિચિત, પણ મળવાનું ભાગ્યે જ બને. આખરે એક
દિવસ એમનો મેળાપ થયો. બન્ને વાતોએ વળગ્યા. સાઇકોલૉજી, વેસ્ટર્ન ફિલોસૉફી વગેરેની
ચર્ચા થઈ. વાતવાતમાં એક જપાની શબ્દ ઊભર્યોઃ ઇકીગાઈ. આ શબ્દનો અર્થ થાય છે, હંમેશાં
સક્રિય રહેવાનો આનંદ. બીજા શબ્દોમાં કહીએ તો, જીવનનો ઉદ્દેશ યા તો પછી સુખી જીવન
જીવવાની ચાવી.
જપાનીઓ સામાન્યપણે લાંબું જીવે છે તે આપણે જાણીએ છીએ. દક્ષિણ જપાનમાં ઓકિનાવા
નામનો નાના નાના ટાપુઓનો એક સમૂહ છે. કુલ વસ્તી હશે 14.5 લાખ જેટલી. અહીં વસતા દર
સો માણસોમાંથી 24 વ્યક્તિઓની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે!
દુનિયાના કોઈ પણ હિસ્સા કરતાં આ ઓકિનાવાના નાગરિકોની સરેરાશ ઉંમર વધારે છે. આનું
કારણ શું? આ પ્રશ્નનો ઉત્તર શોધવા ઘણાં સંશોધનો થયાં છે. સાદું
તારણ એવું નીકળ્યું છે કે પૌષ્ટિક ખાણીપીણી, સરળ જીવન, સમૂહમાં હળીમળીને રહેવાની
વૃત્તિ અને સારું હવામાન – આ છે એમના લાંબા અને સુખી જીવનનું રાઝ.
આ બન્ને લેખકોને થયું કે એમ નહીં, આપણે આ વિષયમાં વધારે ઊંડા ઊતરીએ.
તેમણે પ્લાન ઘડી કાઢ્યો. ડાયરી-પેન અને કૅમેરા લઈને તેઓ ઓકિનાવા પહોંચી ગયા. સો
વર્ષ વટાવી ચુકેલાં સો તંદુરસ્ત સ્ત્રી-પુરુષોના તેમણે લાંબા ઇન્ટરવ્યુ કર્યા.
સૌને પૂછ્યું કે તમારા દીર્ઘ અને સુખી જીવનનું રહસ્ય શું છે?
ગામમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. લેખકોએ જોયું કે આ તમામ સુપર સિનિયરો ખુશખુશાલ
છે. બધા ખૂબ હસમુખા અને હૂંફાળા છે, સતત ખુદની અને એકમેકની મજાક કર્યા કરે છે.
તેમનામાંથી જાણે કે ક્યારેય ન ખતમ થતા આનંદનો અખૂટ ઝરો વહે છે. જાણે કે તેઓ કશુંક ‘ભાળી’ ગયા છે.
જે સો લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે તમામેતમામ ઘરમાં શાકભાજી
ઊગાડતાં હતા. સૌ કોઈને કોઈ સામાજિક મંડળ કે મિત્રમંડળના સભ્ય હતા, સામાજિક સ્તરે
એક્ટિવ હતા. આ સોશિયલ ગ્રુપ્સમાં એમને પરિવાર જેવી જ હૂંફનો અનુભવ થતો હતો. તેઓ
હંમેશાં સેલિબ્રેટ કર્યા કરતા. કાં કોઈનો બર્થડે હોય, કાં કોઈક તહેવાર હોય. તેમનું
નાચવા-ગાવાનું ચાલતું જ હોય. સંગીત અને નાચગાના જાણે કે એમના દૈનિક જીવનનો એક ભાગ
બની ગયો હતો. નાનામાં નાનું કામ પણ તેઓ ખૂબ ઉમંગથી કરે. તેમને પોતાના કલ્ચર અને
પરંપરાઓ પ્રત્યે ખૂબ માન. મજાની વાત એ છે કે કોઈ નિષ્ક્રિય ન બેસે. તેઓ તમને સતત
બિઝી દેખાય.
સૌની સાથે વાતચીત કરીને, જે કંઈ સામગ્રી મળી એનું વ્યવસ્થિત સંપાદન
કરીને વિક્ટર ગાર્શિયા અને ફ્રાન્સિસ મિરેલ્સ નામના આ લેખકોએ સંયુક્તપણે એક
અંગ્રેજી પુસ્તક લખ્યુઃ ‘ઇકીગાઈઃ ધ જપાનીઝ સિક્રેટ ટુ અ લોન્ગ એન્ડ હૅપી લાઇફ’.
જીવનમાં માત્ર વર્ષો ઉમેરતાં જવાનો કશો મતલબ હોતો નથી. આપણે વધારે
જીવીએ, પણ દુખી થઈને જીવીએ, બીમાર થઈને જીવીએ, પરિવાર પર બોજ બનીને જીવીએ તો તેમાં
કશો અર્થ નથી. તન-મન પૂરેપૂરાં સુખી અને સ્વસ્થ હોય તો જ દીર્ઘ આયુષ્ય સાર્થક બને.
તો શું છે લાંબી અને આનંદપૂર્ણ જિંદગી જીવવાનું રહસ્ય?
આ રહી પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલી ટિપ્સ. હવે પછીના શબ્દો ઓકિનાવાના અલગ અલગ સુપર
સિનિયર સિટીઝનના છે. નામનું મહત્ત્વ નથી. તેઓ શું કહે છે તે ધ્યાનથી સાંભળોઃ
- - સુખી અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે, ચિંતા નહીં કરવાની. મનથી, દિલથી
યુવાન રહેવાનું. બુઢા જેવા વિચારો કે લાગણીઓને નજીક ફરકવા પણ નહીં દેવાની. ખડૂસ
નહીં બનો. કોઈની પણ સાથે વાત કરો તો દિલથી વાત કરો, ચહેરા પર સ્મિત લાવીને વાત
કરો. જો તમે હસમુખા હશો તો તમારા પૌત્રો, પ્રપૌત્રો સહિત સૌ કોઈના પ્રિય બની શકશો.
- - અજંપો જેવું લાગતું હોય, મન ઊચ્ચક થઈ ગયું હોય તો તેનો સૌથી શ્રેષ્ઠ
ઉપાય છે, ઘરમાંથી બહાર નીકળીને શેરીમાં આવી જાઓ. આવતા-જતાં સૌ કોઈને ‘કેમ
છો? મજામાં?’ કહો. સૌ સાથે હળોમળો. હું
આવું રોજ કરું છું. પછી ઘરે આવીને મેં ઊગાડેલા શાકભાજી અને ફળફળાદિની સારસંભાળ લઉં
છું. બપોરે મારા દોસ્તારો સાથે સમય પસાર કરું છું.
- - હું રોજ સવારે છ વાગે ઊઠીને પહેલું કામ બારીનો પડદો હડસેલી મારા
બગીચામાં નજર ફેરવવાનું કરું છું. પછી બહાર જઈ છોડવાઓને પાણી પાઉં છું. બગીચામાં
એક કલાક પસાર કરું એટલે હું રિલેક્સ થઈ જાઉં. પછી હું ઘરમાં જઈ મારા માટે સવારનો
નાસ્તો તૈયાર કરું.
- - મોટી ઉંમરે દિમાગ સતેજ રાખવાની ચાવી તમારી આંગળીઓમાં છે. યાદ રાખો,
તમારી આંગળીઓ અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં સુધી તમારી આંગળીઓ એટલે કે હાથ
ચાલતા રહેશે ત્યાં સુધી તમારાં તન-મનની ચુસ્તીદુરસ્તી જળવાઈ રહેશે.
- - હું રોજ સવારે ચાર વાગે એલાર્મ વાગતાં જ ઉઠી જાઉં છું. પછી કૉફી
બનાવીને પીઉં, હાથ ઊંચાનીચા કરું, બીજી કસરત કરું. આમ કરવાથી મારામાં આખો દિવસ
એક્ટિવ રહેવાની એનર્જી આવી જાય છે.
- - કામ કરો, કામ કરો, કામ કરો. જો તમે એક્ટિવ નહીં રહો તો તમારું શરીર
અને મન, બન્ને તંત્ર ખોરવાઈ જશે.
- - હું રોજ સવારે ઉઠીને મારા બાપ-દાદાઓની તસવીરો સામે અગરબત્તી કરું છું.
તમારે તમારા પૂર્વજોને ક્યારેય ભુલવા ન જોઈએ. દિવસમાં પહેલું કામ હું એમના પ્રત્યે
કૃતાર્થતા વ્યક્ત કરવાનું કરું છું.
- - હું રોજ સવારે ઘરમાં એક્સરસાઇઝ કરું છું. થોડુંક ચાલવા પણ જાઉં છું.
- - શાકભાજી ખાઓ. મને લાગે છે કે મારા દીર્ઘાયુષનું આ જ રહસ્ય છે.
- - સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત,
પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.
- - મારા જીવનનો સૌથી મોટો ઉદ્દેશ જ આ છે – દોસ્તો સાથે સમય વીતાવવો. અમે
બધા રોજ ભેગા થઈને દુનિયાભરની વાતો કરીએ છીએ. મને ખબર હોય છે કે આ બધા મને રોજ
મળવાના છે. મારા જીવનનો આ સૌથી મોટો સધિયારો છે.
- - તમે જેમને ચાહતા હો તે સ્વજનો અને પ્રિયજનો સાથે રોજ વાતચીત કરવી – આ
છે દીર્ઘાયુષનું રહસ્ય.
- - હું રોજ સવારે સાડાસાતે ઘરની બહાર શેરીમાં ખુરસી નાખીને બેસું છું. પછી
રસ્તે આવતાં-જતાં લોકોનું હાથ હલાવીને, હસીને અભિવાદન કરું. કેમ છો – કેમ નહીં
કરું. સ્કૂલે જતાં બાળકોને ‘સંભાળીને જજો, હં’ એવું કહું. એકાદ
કલાક પછી ઘરમાં જઈને મારાં કામે વળગી જાઉં.
- - મારી દિનચર્યા કંઈક આવી છે. રોજ સવારે પાંચ વાગ્યે હું ઘરની બહાર
નીકળી જાઉં. કલાક-દોઢ કલાક ચાલું. પછી સીધો મારા મિત્રને ઘરે જાઉં. અમે સાથે
ચા-પાણી કરીએ. લાંબા આયુષ્યનું આ જ તો સિક્રેટ છે – લોકો સાથે હળીમળીને આનંદ
કરવાનો ને ફરતાં રહેવાનું.
- - હું રોજ હું મારી જાતને કહું છું, ‘મારો આજનો દિવસ એકદમ
મજામાં જવાનો, મારી તબિયત ટનાટન રહેવાની. હું આજે પણ ભરપૂર જીવીશ.’
- - હું એકસો બે વર્ષનો થયો, પણ મને નથી લાગતું કે હું વૃદ્ધ છું. મારે તો
હજુ કેટલું બધું કરવાનું બાકી છે.
- - હસો. હસતા રહો. હસવા કરતાં વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી.
- - તમારાં પૌત્રો અને પ્રપૌત્રો સાથે નાચો, ગાઓ, રમો. જીવનમાં આનાથી વધારે
સુંદર બીજું કશું જ નથી.
- - હું બીજાઓને કામ આવું છું, સ્વયંસેવક તરીકે કામ કરું છું. જેમ કે, કોઈ
બીમાર હોય તો મારી કારમાં એને હોસ્પિટલે લઈ જઉં, વગેરે. સમાજે મને ખૂબ આપ્યું છે.
મારે હવે સમાજ માટે મારાથી થાય એટલું કરવું છે.
કેટલી સીધીસાદી અને સરળ વાતો. ન કોઈ
ભારેખમ ફિલોસૉફી, ન કોઈ હાઇ ફન્ડા થિયરી. આપણે નાહકનું બધું ગૂંચવી મારતા હોઈએ
છીએ. બાકી જીવનનાં મહાનતમ સત્યો ખરેખર સૌથી સરળ હોય છે એવું તમને પણ નથી લાગતું?
0 0 0
No comments:
Post a Comment