Thursday, December 12, 2019

કરોડો કમાવી આપતી ફિલ્મ લખવાની કળા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 1 ડિસેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
પચ્ચીસ કરોડના બજેટમાં બનેલી હિટ ફિલ્મ બાલા દોઢસો કરોડ રૂપિયાનો બિઝનેસ ઓલરેડી કરી નાખ્યો છે. આ ફિલ્મના ભાવનગરી લેખક નીરેન ભટ્ટની ક્રિયેટિવ પ્રોસેસની વાતો સાંભળવા જેવી છે.   

Niren Bhatt                                                    Photographs by Devang Vyas

વેમ્બરના પહેલા શુક્રવારે સિનેમાપ્રેમી ગુજરાતીઓને હરખ થાય એવી એક નહીં, પણ બે ઘટના બની હતી. એક તો, હેલ્લારો ફિલ્મનું રિલીઝ થવું અને બીજું, આયુષ્યમાન ખુરાનાની હિન્દી ફિલ્મ બાલાનું રિલીઝ થવું. બાલાની સ્ટોરી-સ્ક્રીનપ્લેનું સહલેખન અને ડાયલોગ્ઝનું સંપૂર્ણ લેખન મૂળ ભાવનગરી અને હવે પાક્કા બમ્બૈયા બની ગયેલા નીરેન ભટ્ટે કર્યું છે. હેલ્લારોનાં મોજાં એવાં ઊછળ્યાં કે ટ્રેડિશનલ મીડિયા અને સોશિયલ મીડિયા બન્નેનું સઘળું ધ્યાન તેના તરફ ખેંચાયેલું રહ્યું. પરિણામે નીરેન ભટ્ટની કામિયાબી એટલી સેલિબ્રેટ ન થઈ જેટલી થવી જોઈતી હતી. બાલા હિટ થઈ, રાષ્ટ્રીય કક્ષાના લગભગ તમામ સ્ટાર-રિવ્યુઅર દ્વારા બાલાનાં લખાણનાં ભારોભાર વખાણ થયા, તો પણ.

ઓહ, હેલ્લારોની કામિયાબીથી હું પણ એટલો જ આનંદિત છું જેટલા સૌ કૌઈ છે, મુંબઇની એક કૉફી શોપની પારદર્શક દીવાલ નજીક ચેર પર ગોઠવાઈને નીરેન ભટ્ટ વાતચીતની શરૂઆત કરે છે, હું ગુજરાતી સિનેમાના આ ન્યુ વેવ સાથે બે યારના સમયથી સંકળાયેલો છું. કેવી રીતે જઈશ?’ (2012) અને બે યાર (2014)થી શરૂ થયેલી ગુજરાતી સિનેમાની આ યાત્રા અત્યારે હેલ્લારો સુધી પહોંચી છે. હું ખુદ અત્યંત રોમાંચિત છું ત્યારે દેખીતું છે કે હું કંઈ સ્વાર્થી બનીને એવી ફરિયાદ કરવા ન બેસું કે બાલાની સફળતામાં મારાં કન્ટ્રીબ્યુશન વિશે કેમ ઝાઝી વાત થઈ રહી નથી?’

નીરેન ભટ્ટ સ્વયં જોકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત વાતચીતનો વિષય બની રહ્યા છે. બે યારનું સહલેખન કર્યા પછી એમણે નેશનલ અવૉર્ડ વિનિંગ રોંગ સાઇડ રાજુ’ (2016)નું સહિયારું લેખન કર્યું, સુપરહિટ મરાઠી ફિલ્મ વેન્ટિલેટરને ગુજરાતીમાં ઉતારી અને 28 ગુજરાતી ફિલ્મોનાં ગીતો, કહોને કે આખેઆખાં આલ્બમ લખ્યાં. સિંગલ ગીતો તો અલગ. વાલમ આવોને આવો ને... માંડી છે લવની ભવાઈ, ગોરી રાધા ને કાળો કાન... ગરબે ઘુમે ભુલી ભાન જેવાં નીરેન ભટ્ટે લિખિત રચનાઓ પર આજે આખું ગુજરાત ઝુમે છે. તારક મહેતા કા ઊલટા ચશ્માના એમણે લખેલા એપિસોડ્સ આ શોના ચાહકોને હજુય હસાવે છે.

રોંગ સાઇડ રાજુના ડિરેક્ટર મિખિલ મુસળેએ પોતાની પહેલી હિન્દી ફિલ્મ મેઇડ ઇન ચાઇના બનાવી ત્યારે એની રાઇટિંગ ટીમમાં નીરેન ભટ્ટ પણ હતા. દિવાળી પર આવેલી મેઇડ ઇન ચાઇના બૉક્સઑફિસ પર જોકે ન ચાલી, પણ એના બીજા જ અઠવાડિયે રિલીઝ થયેલી અને પચ્ચીસ કરોડના બજેટમાં બનેલી બાલાનો બિઝનેસ, આ લખાઈ રહ્યું છે ત્યારે, દોઢસો કરોડના આંકડાને પાર કરી ચુક્યો છે.
   
જેમની સાથે કામ કરવાનું સપનું જોયું હોય એવા બૉલિવુડના કેટલાય મોટામાં મોટા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ તરફથી મને અભિનંદનના ફોન અને મેસેજીસ આવી રહ્યા છે, નીરેન મલકાય છે, ટોચના પ્રોડક્શન હાઉસીસ સાથે મારી લાગલગાટ મારી મીટીંગ્સ થઈ રહી છે. આઇ એમ હૅપી!’

હૅપી કેમ ન હોય! બાલાની સફળતાએ નીરેન ભટ્ટનું નામ બૉલિવુડના -લિસ્ટ લેખકોની સૂચિમાં હકથી મૂકી દીધું છે.

મેઇડ ઇન ચાઇના અને બાલા બન્ને મડોક ફિલ્મ્સ બેનરની ફિલ્મો છે. નીરેન કહે છે, મડોકના પ્રોડ્યુસર દિનેશ વિજાનને મેઇડ ઇન ચાઇનાના મારા ડાયલોગ્ઝ ખૂબ ગમતા હતા. એમણે મને બાલા લખવાની ઑફર આપી. મૂળ વાર્તા પાવેલ ભટ્ટાચારજી નામના બંગાળી લેખકની હતી. એમાં એવું હતું કે બનારસમાં રહેતો હીરોના વાળ જુવાનીમાં ખરવા લાગે છે. એનું કારણ ગંગાનું પ્રદૂષિત પાણી છે અને આ પ્રદૂષણ માટે કોઈ મોટી કંપની જવાબદાર છે. હીરો પછી પર્યાવરણના મુદ્દે આ કંપનીની સામે જંગે ચડે છે, વગેરે. બાલાના ડિરેક્ટર અમર કૌશિક મૂળ આ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયા હતા. મેં એમને કહ્યું કે આ વાર્તા મને ખાસ એક્સાઇટિંગ લાગતી નથી. જોગાનુજોગે અમરના વાળ પણ નાની ઉંમરે ખરવાના શરૂ થઈ ગયા હતા. તેઓ પોતાના અનુભવો અમારી સાથે શૅર કરતા. જેમ કે એ નહાવા બેસે ત્યારે દર વખતે ટેન્શન એ વાતનું હોય કે આજે કેટલા વાળ જશે. નાહ્યા પછી વાળ ઓળે ત્યારે પહેલી નજર અરીસામાં નહીં, પણ દાંતિયા તરફ જાય! અમર ખુદ ગોરા-ચિટ્ટા હેન્ડસમ માણસ છે, પણ અકાળે ટાલ પડવાને કારણે તેઓ પરેશાન થઈ ગયા હતા. મેં કહ્યું કે વાર્તા ખરેખર આ છે. પર્યાવરણની પળોજણમાં પડવાને બદલે આપણે અકાળે ટાલિયા થઈ રહેલા હીરોના મનમાં મચેલા ઘમાસાણને કેન્દ્રમાં રાખીને  આખી વાર્તા ગુંથીએ.



જેમ જેમ લેખનપ્રક્રિયા આગળ વધી તેમ તેમ સમજાતું ગયું કે આ વાર્તામાં ધાર્યા કરતાં ઘણું વધારે કૌવત છે. માત્રા ટાલિયા જ નહીં, પણ જાડા, સૂકલકડી, બટકા, કાળા આ સૌનો આત્મવિશ્વાસ એમના દેખાવને કારણે ઘવાતો હોય છે. મુદ્દો સેલ્ફ-ઇમેજનો છે. નીરેન ભટ્ટ અને ક્રિયેટિવ ટીમ સામે સ્પષ્ટ થતું ગયું કે ફિલ્મમાં આપણે વાળ ખરવાની વ્યથા સુધી સીમિત રહેવાને બદલે ઘણી મોટી વાત કહી શકીએ તેમ છીએ. પોતાની જાતને ચાહવામાં, ખુદને જેવા હોઈએ તેવા સ્વીકારી લેવામાં જ સુખની ચાવી છે એવા મતલબનું સ્ટેટમેન્ટ આ ફિલ્મ દ્વારા કરી શકાય તેમ છે. અમર કૌશિક, કે જેઓ સ્ત્રી જેવી સુપરહિટ ડેબ્યુ ફિલ્મ આપી ચુક્યા છે, તેમને એટલી મજા આવી ગઈ કે એમણે બાલાના ક્રિયેટિવ પ્રોડ્યુસર રહેવાને બદલે ડિરેક્ટર બનવાનું પસંદ કર્યું.

મેં ગયા વર્ષે 18 ઓક્ટોબરે બાલા લખવાની શરૂઆત કરી હતી, નીરેન કહે છે, જાન્યુઆરીમાં પહેલો ડ્રાફ્ટ પૂરો થયો. મેં શરૂઆતમાં જ વાળનો વૉઇસઓવર (જેને અવાજ વિજય રાઝે આપ્યો છે) લખ્યો હતો, જે બધાને બહુ ગમ્યો. આ વૉઇસઓવરથી ફિલ્મનો ટોન સેટ થઈ જતો હતો. મે મહિના સુધીમાં કુલ દસ-અગિયાર ડ્રાફ્ટ્સ લખાયા. જેમ જેમ લખાતું ગયું તેમ તેમ સ્પષ્ટતા વધતી ગઈ, સૂક્ષ્મતાઓ અને લેયર્સ ઉમેરાતાં ગયાં. ફિલ્મની કથાનું લોકાલ કાનપુર છે. અમર કૌશિક ખુદ કાનપુરના છે. એમના ઇનપુટ્સ મને ખૂબ ઉપયોગી બન્યા. ફિલ્મ લખાતી હતી તે દરમિયાન અમે કાનપુર ગયા, એમના થિયેટરના અને બીજા દોસ્તોને મળ્યા. મને કાનપુરની બોલીની તાસીર સમજાતી ગઈ. જેમ કાઠિયાવાડી-અમદાવાદી-મહેસાણી અને સુરતી ગુજરાતી એકબીજાથી જુદી છે, તેમ બનારસી-લખનવી-કાનપુરી હિન્દીના લહેકા પણ એકમેકથી અલગ છે. કાનપુરી હિન્દીમાં આપણી કાઠિયાવાડી જેવો સ્વૅગ છે, એક પ્રકારની ટણી છે! મેક જૉક ઑફ નામની યુટ્યુબ ચેનલનું કોન્ટેન્ટ પણ સ્થાનિક બોલીના રેફરન્સ તરીકે મને ઉપયોગી બન્યું.

બાલાના સ્ક્રીનપ્લે ઉપરાંત કાનપુરી લહેજામાં બોલાતા સંવાદોની વિશેષપણે પ્રશંસા થઈ છે. સવાલ જ નથી. પૂછવા જેવો સવાલ આ છેઃ ભાવનગરમાં મોટો થનાર, સિવિલ એન્જિનીયર બનીને અને માસ્ટર ઓફ એન્જિનીયરીંગ (એમઇ) તેમજ એમબીએમાં ગોલ્ડ મેડલ મેળવનાર અને આર્થિક સલામતી આપતી કોર્પોરેટ જોબ સ્વીકારનાર નીરેન ભટ્ટ નામનો આ તેજસ્વી છોકરો બોલિવૂડનો સફળ લેખક શી રીતે બની ગયો? વચ્ચેનાં વર્ષોમાં શું શું બન્યું? સફળતાનો સ્વાદ ચાખતાં પહેલાં એમણે કેવા સંઘર્ષ, કેવી નિષ્ફળતાઓની કડવા ઘૂંડવા પીવા પડ્યા? આ પ્રશ્નોના ઉત્તર હવે પછી.        

    0 0 0 

ડિજિટલ યુગમાં હીરો તો લેખક જ હોવાનો 

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 8 ડિસેમ્બર 2019, રવિવાર

મલ્ટિપ્લેક્સ

બોલિવૂડના લેખક બનવા માટે તમારામાં ગાંડપણની હદ સુધીનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. ગ્લેમરને કારણે નહીં, પણ જો તમને લખવાની પ્રોસેસમાં મજા આવતી હોય તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચારવું જોઈએ.



હું મૂળ પદ્યનો જ માણસ છું, ગદ્ય પણ મૂળભૂત રીતે પદ્યમાંથી જ પ્રગટે છે એવું મારું માનવું છે.

આયુષ્યમાન ખુરાનાની બાલા જેવી દોઢસો કરતાં વધારે કરોડ કમાઈ ચુકેલી ફિલ્મનું ગદ્ય લખનારા નીરેન ભટ્ટ જ્યારે આવી વાત કરે ત્યારે સહેજ નવાઈ તો લાગે. બાલાનું ગદ્ય એટલે સ્ટોરી-સ્ક્રીનપ્લેનું સહલેખન અને સંવાદોનું સંપૂર્ણ લેખન. અગાઉ મેઇડ ઇન ચાઇના, બે યાર, રોંગસાઇડ રાજુ જેવી ગુજરાતી અને હિન્દી ફિલ્મોનું સહલેખન પણ નીરેન ભટ્ટના બાયોડેટામાં બોલે છે. સાથે સાથે, ગયા રવિવારે નોંધ્યું હતું એમ, વાલમ આવો ને, ગોરી રાધા ને કાળો કાન જેવાં કેટલાંય સુપરહિટ ગુજરાતી ફિલ્મી ગીતો તેઓ લખી ચક્યા છે. આંકડાબાજી જ કરવી હોય તો સાંભળી લો કે એમણે 28 ગુજરાતી ફિલ્મોનાં આખેઆખાં આલ્બમ્સ લખ્યાં છે. છૂટક ગીતો તો અલગ. ફિલ્મનાં સ્ક્રીનપ્લે અને ડાયલોગ્ઝ લખવા કરતાં ગીતો લખવામાં નીરેનને વિશેષ મોજ પડે છે.    

હું કવિ નહીં, પણ ગીતકાર છું, મુંબઇની એક કૉફી શૉપમાં ગ્રીન ટીની ચુસકી લઈને નીરેન ભટ્ટ વાત આગળ ધપાવે છે, મારાં કેટલાંય ગીતો ઑલા-ઉબર ટૅક્સીની બૅકસીટ પર લખાયાં છે! મુંબઇમાં આમેય મીટીંગ માટે કે બીજાં કોઈ કામ માટે તમારે ટ્રાવેલિંગમાં પુષ્કળ સમય પસાર કરવો પડતો હોય છે. મારાં ગીતો પણ સ્ક્રીનપ્લેનો જ એક ભાગ હોય છે. જેમ કે, વાલમ આવો ને... આવો ને ગીતમાં પ્રતીક ગાંધી અને મલ્હાર ઠાકરનાં પાત્રોના જે મનોભાવ વ્યક્ત થયા છે તે સંવાદ સ્વરૂપે પણ વ્યક્ત થઈ શક્યા હોત. એ જ રીતે બાલામાં યામી ગૌતમ પોતાના માટે બાહ્ય દેખાવ શા માટે મહત્ત્વનો છે તે વિશે આક્રોશપૂર્વક જે લાંબો ડાયલોગ બોલે છે તે ગીતમાં પણ વણી શકાયું હોત.

નીરેને સ્કૂલ-કૉલેજમાં પુષ્કળ થિયેટર કર્યું છે. કંઈકેટલાંય નાટકોનું લેખન અને ડિરેક્શન જ નહીં, એમાં એક્ટિંગ પણ કરી છે. અમુક નાટકો મ્યુઝિકલ હોય એટલે એમાં ગીતોની ભરમાર હોય. એમણે  લખેલું ભવાઈ – ખેલદિલીનો ખેલ ઉર્ફ મેચ ફિક્સિંગનો વેશ નામનું નાટક તો આખેઆખું છંદોબદ્ધ છે. એની કોમેડી પણ છંદમાં.

મારા પપ્પા બેન્કમાં જૉબ કરતા હતા અને મમ્મી સાઇકોલોજીની પ્રોફેસર હતી, ભાવનગરમાં જન્મેલા અને ઊછરેલા નીરેન ભટ્ટ કહે છે, મમ્મી પોતાની કૉલેજમાં યુથ ફેસ્ટિવલના કો-ઓર્ડિનેશનની જવાબદારી ઉપાડતી. હું નાનો હતો ત્યારે મમ્મી સાથે જતો અને ને નાટકોને એવું બધું રસથી જોયા કરતો.


નીરેનનાં દાદી પણ એમના જમાનામાં સંસ્કૃત અને ગુજરાતીનાં પ્રોફેસર હતાં, વિદૂષી હતાં. નીરનને વાંચનની ટેવ પડે તે માટે બાળપણથી ઘરમાં પૂરેપૂરો અનુકૂળ માહોલ ઊભો થયો હતો. ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેનાર નીરેન ભણવામાં પણ ખૂબ હોશિયાર. ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ભણ્યા પછી શાંતિલાલ શાહ એન્જિનીયરિંગ કૉલેજમાંથી તેઓ સિવિલ એન્જિનીયર થયા. પછી વડોદરાની એમ.એમ. યુનિવર્સિટીમાંથી એમ.ઇ. કર્યું, જેમાં ડિઝર્ટેશનના ભાગરૂપે સરદાર સરોવર નર્મદા નિગમના સહયોગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ કેનલ ગેટ ઑટોમેશન મૉડલ બનાવ્યું. 1997થી 2000ની સાલ દરમિયાન નીરેને વડોદરામાં ખૂબ થિયેટર કર્યું. ધ્યાનાકર્ષક વાત એ છે કે થિયેટરમાં પ્રવૃત્ત હોવા છતાં એમણે એમ.ઇ.માં ગોલ્ડમેડલ પણ મેળવ્યો. પછી વડોદરાની પૉલિટેક્નિક કૉલેજમાં એક વર્ષ માટે લેકચરર તરીકે જૉબ કરી.

મને સમજાયું કે કરીઅરને ગતિ આપવા માટે એમબીએ કરવું જોઈએ. આથી મુંબઇની આઇબીએસ કૉલેજમાં બે વર્ષનો એમબીએનો ફુલ ટાઇમ કૉર્સ કર્યો. તે પછી મુંબઇ સ્થિત આઇબેક્સી નામની ફર્મમાં બિઝનેસ ઇન્ટેલિજન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. બસ, આ સમગાળામાં મને સમજાયું કે મારે તો લખવું છે, લેખન એ મારું પૅશન છે. હું કંઈ આખી જિંદગી જૉબ ન કરી શકું. દરમિયાન મારાં લગ્ન થઈ ચુક્યાં હતાં. મારી પત્ની પલક, કે જે શિલ્પી છે, એણે મને જૉબ છોડવા માટે પ્રોત્સાહિત કર્યો. છ મહિના ચાલે એટલું સેવિંગ એકઠું થયું એટલે મેં નોકરી છોડી દીધી.

તમારાં લગ્ન થઈ ગયાં હોય ને તમે મુંબઈ જેવા મોંઘાદાટ શહેરમાં રહેતા હો ત્યારે આર્થિક સલામતી પૂરી પાડતી નોકરી છોડવા માટે જિગર જોઈએ! હવે શરૂ થઈ સ્ટ્રગલ. નીરેને થોડું થોડું લખવાનું તો જૉબ ચાલતી હતી ત્યારે જ શરૂ કરી દીધું હતું. તેમણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને મળવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, મેં પાંચેક ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખી હતી. હું ડિરેક્ટરોને મળું, સ્ક્રિપ્ટ અપ્રુવ થાય, પણ આ પાંચમાંથી  એકેય સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ ન બની. સિરીયલોમાં પણ એવું. કાં તો વાત પાયલટ એપિસોડથી આગળ ન વધે યા તો આખેઆખી ચેનલ જ બંધ થઈ જાય! મેં ઉમેશ શુક્લના ડિરેક્શન હેઠળ રિટર્ન ટિકિટ નામનું કમર્શિયલ નાટક પણ લખ્યું, પણ એના પહેલાં શોમાં ટેક્નિકલ ગરબડને કારણે મ્યુઝિક જ ન વાગ્યું!’
  
દરમિયાન ટીવી પર થોડું થોડું કામ મળવું શરૂ થયું. ઑફિસ ઑફિસની સિઝન-થ્રી, યે કાલી કાલી રાતેં નામની ભયંકર વિચિત્ર સમયે ટેલિકાસ્ટ થતો હોરર શો, ભાઇ ભૈયા બ્રધર, સાવધાન ઇન્ડિયા વગેરે જેવી સિરીયલોમાં લખાતું ગયું. સાવધાન ઇન્ડિયાને કારણે સારો આર્થિક ટેકો રહેતો હતો. 2012માં તારક મહેતા કા ઊલટા ચશ્માની રાઇટિંગ ટીમમાં સામેલ થયા. 2013માં બે યાર લખી ને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! 2018માં નીરેનની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ – લવરાત્રિ. સલમાન ખાને આ ફિલ્મ દ્વારા પોતાના બનેવીને મોટા ઉપાડે હીરો તરીકે લૉન્ચ કરવાની કોશિશ કરી હતી, પણ આ કોશિશ જરાય કામિયાબ ન થઈ. 2019માં પહેલાં મેઇડ ઇન ચાઇના (સંવાદલેખન) આવી અને ત્યાર બાદ આવી સુપરહિટ બાલા.

નીરેન કહે છે, ઊભરતા ફિલ્મલેખકોને ટિપ્સ આપી શકવાના સ્તર સુધી હજુ સુધી હું પહોંચ્યો નથી, પણ તોય કોઈ મારી પાસે સલાહ લેવા આવે ત્યારે સૌથી પહેલાં તો હું તેમને ડિસકરેજ કરતો હોઉં છું, કેમ કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે તમારામાં જબરદસ્ત હિંમત જોઈએ, ગાંડપણની હદ સુધીનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. એક વાત યાદ રાખવાની કે ફિલ્મરાઇટરને કોઈ રિબીન કાપવા નહીં બોલાવે, કોઈ તમારો ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ લેવા નહીં આવે. ગ્લેમરને કારણે નહીં, પણ જો તમને લખવાની પ્રોસેસમાં મજા આવતી હોય તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચારવું જોઈએ.

ફિલ્મલેખક બનવા માગતા ઉત્સાહીઓને નીરેન સૌથી પહેલો સવાલ એ કરે કે દોસ્ત, તમે શું શું વાંચ્યું છે? ઉત્તમ વાચક બન્યા વગર લેખક શી રીતે બની શકાય? નાનપણથી જ આપણા ઉત્તમોત્તમ સાહિત્યકારોનું શબ્દસાન્નિધ્ય કરનારા નીરેન કહે છે, જૉબ ચાલુ હતી ત્યારે હું રોજ અઢાર-અઢાર કામ કરતો, છતાં પણ મારું પુસ્તકોનું વાંચન બંધ નહોતું થયું. કોઈને ગીતકાર બનવું હોય એમને પણ હું આવો જ સવાલ પૂછતો હોઉં છું. આ ઉત્સાહીઓએ ન તો રમેશ પારેખને વાંચ્યા હોય, ન મરીઝ વિશે કંઈ જાણતા હોય. ઉશનસ જેવા કવિઓની તો વાત જ નહીં કરવાની.

બાલાની સફળતા માણી રહેલા નીરેન ભટ્ટે લખેલી બે વેબસિરીઝ ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાની છે. અરશદ વારસીને ચમકાવતી અસૂર એક ફોરેન્સિક થ્રિલર છે, જે ડિજિટલ પ્લેટફૉર્મ વૂટ પર આવવાની છે, જ્યારે ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલે બનાવેલી ઇનસાઇડ એજની બીજી સિઝન આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ ચુકી હશે.

ફિલ્મ કે ટીવી સિરીયલ લખવી એક વાત છે, જ્યારે એક-એક કલાકના દસ-દસ એપિસોડની પાંચ-સાત સિઝન ચાલે એટલું કોન્ટેન્ટ લખવું એ તદ્દન જુદી વાત છે, નીરેન ભટ્ટ સમાપન કરે છે, પાંચસો મિનિટનું કોન્ટેન્ટ શી રીતે લખવું? પશ્ચિમના લેખકો આ કામ સરસ રીતે કરી રહ્યા છે, પણ આપણે ત્યાં આ કોડ હજુ સુધી કોઈએ ક્રેક કર્યો નથી... પણ એક વાત નિશ્ચિત છે, આવનારા ડિજિટલ યુગમાં હીરો તો લેખક જ હોવાનો.

ટચવૂડ!

0 0 0 




No comments:

Post a Comment