દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 27 Nov 2019 બુધવાર
ટેક ઓફ
ટેક ઓફ
'નિષ્ફળતા
એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું
છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.’
આપણે હજુ ભારતીય કુળના સુપર સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર)ની વાત
માંડી જ હતી ત્યાં ઑર એક સરસ ન્યુઝ આવ્યા છે. પ્રતિષ્ઠિત ‘ફૉર્ચ્યુન’ મૅગેઝિને માઇક્રોસોફ્ટના હૈદરાબાદી સીઇઓ સત્યા નડેલાને ‘બિઝનેસપર્સન ઑફ ધ યર 2019’ ઘોષિત કર્યા છે. થોડા
દિવસો પહેલાં ‘હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ’એ
વર્લ્ડક્લાસ કંપનીઓ ચલાવતા દુનિયાના સો સર્વશ્રેષ્ઠ સીઈઓની સૂચિ બહાર પાડી હતી, જેમાં
ત્રણ નૉન રેસિડન્ટ ઇન્ડિયન્સ ટૉપ-ટેનમાં સ્થાન પામ્યા છે - અડોબીના
વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને
માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). અજય બંગાના સક્સેસ ફન્ડા વિશે આપણે
ગયા બુધવારે વિગતે વાત કરી હતી. આજે બાકીના બે સીઈઓનો વારો.
કમ્પ્યુટર સાથે પનારો પડતો હશે તે વાચકો ફોટોશોપ સોફ્ટવેર અને પીડીઓફ
ફાઇલથી સારી રીતે પરિચિત હોવાના. આ બન્ને અડોબી કંપનીની પ્રોડક્ટ્સ છે. આ સિવાય
ઇલસ્ટ્રેટર, પેજમેકર, ઇનડિઝાઇન, પ્રીમિયર પ્રો જેવાં અડોબી કંપનીનાં બીજાં કેટલાંય
સોફ્ટવેર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. 2007માં અડોબીના સીઇઓ બનેલા શાંતનુ નારાયણનો સૌથી
મોટો સિદ્ધાંત આ છેઃ પ્રિઝર્વીંગ સ્ટેટસ કૉ ઇઝ નોટ અ વિનિંગ બિઝનેસ સ્ટ્રૅટેજી.
આનો અર્થ છે, જે છે, જેટલું છે એટલું સાચવીને બેસી રહેવાથી જંગ જીતી શકાશે નહીં. સમયની
સાથે બદલાવ તો લાવવો જ પડે.
શાંતનુ સીઈઓ બન્યા તે પહેલાં પણ અડોબી કંપની ફોટોશોપ, પેજમેકર જેવા
સોફ્ટવેર વેચતી જ હતી. એક વાર ગ્રાહકને સોફ્ટવેરનું બૉક્સ વેચીને પછી ભૂલી જવાનું.
માત્ર અડોબી જ નહીં, સોફ્ટવેર બનાવતી તમામ કંપનીઓ આમ જ કરતી હતી. અડોબીના વડા
બન્યા પછી શાંતનુએ નિર્ણય લીધો કે આપણે પ્રોડક્ટ્સ નહીં, પણ સબસ્ક્રિપ્શન (લવાજમ)
વેચીશું. ગ્રાહકો લવાજમ ભરે એટલે અમુક સમયગાળા માટે જ તેઓ આપણા ફોટોશોપ અને અન્ય
સોફ્ટવેર વાપરી શકે. આપણે ગ્રાહકો સાથે સતત રિમોટલી જોડાયેલા રહેવાનું. સમયમર્યાદા
પૂરી થાય એટલે ગ્રાહકો નવેસરથી લવાજમ ભરવું પડે. લવાજમ ન ભરે તો તેઓ સોફ્ટવેર ન
વાપરી શકે.
અગાઉ આવું કોઈએ ક્યારેય કર્યું નહોતું. સોફ્ટવેર્સનાં વેચાણની આખેઆખી
સ્ટ્રૅટેજીને ધરમૂળથી બદલી નાખવામાં ખૂબ મોટું જોખમ હતું, પણ શાંતનુએ પોતાની ટીમને
કન્વિન્સ કરી. નિર્ણય અમલમાં મૂકાયો. અડોબીએ દાખલ કરેલું આ સબસ્ક્રિપ્શન મૉડલ
એટલું બધું સફળ નીવડ્યું કે સોફ્ટવેરની દુનિયા ખળભળી ગઈ. ડિજિટલ માર્કેટિંગની આખી
નવી બજાર ખૂલી ગઈ. માઇક્રોસોફ્ટ જેવી આઇટી સેક્ટરની જાયન્ટ કંપનીએ સુધ્ધાં આ મોડલ
અપનાવવું પડ્યું. શાંતનુએ વર્ષો પહેલાં ભવિષ્ય ભાખેલું કે આવનારો સમય ડિજિટલ
માર્કેટિંગનો હશે. એમની ભવિષ્યવાણી યથાતથ સાચી પડી છે.
શાંતનુ નારાયણ ડિસેમ્બર 2007માં અડોબીના સીઈઓ બન્યા તે પછી કંપનીના
શેરમાં 600 ટકા ઉછાળો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 24 બિલિયન ડૉલર
હતું. શાંતનુએ સંચાલન સંભાળ્યું પછી આ આંકડો વધીને 125 બિલિયન ડૉલર (8960 અબજ રૂપિયા)ને સ્પર્શી ગયો છે.
શાંતનુ નાના હતા ત્યારથી એમનામાં પાર વગરની કુતૂહલવૃત્તિ હતી. તેમની
ઇચ્છા પત્રકાર બનવાની હતી. તેઓ જોકે બન્યા એન્જીનિયર, પણ એમની કુતૂહલવૃત્તિ આજ
સુધી યથાવત્ રહી છે. તેઓ કહે છે, ‘અમે તો છીએ જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના બિઝનેસમાં.
ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી (બૌદ્ધિક ઉત્સુકતા)ને, નવા પ્રયોગોને અને અખતરાઓને
અમે ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ.’
શાંતનુ નારાયણે ગયા વર્ષે લાસ વેગાસમાં અડોબી કંપનીના તેર હજાર
કર્મચારીઓ માટે એક વિરાટ સંમેલન યોજ્યું હતું. તેમાં એમણે કહેલી એક વાત સોફ્ટવેર
સિવાયની પ્રોડક્ટ્સને પણ લાગુ પડે તેવી છે. તેમણે કહ્યું હતું કે, ‘એક
જ પ્રકારની વસ્તુ જુદી જુદી કેટલીય કંપનીઓ બનાવતી હોય છે. આ બધી પ્રોડક્ટસની
ગુણવત્તામાં કંઈ ઝાઝો ફર્ક હોતો નથી. આજે લોકો એક્સપિરીયન્સ ખરીદે છે, પ્રોડક્ટ
નહીં. તમારી પ્રોડક્ટ વાપરતી વખતે ગ્રાહકને મજા આવવી જોઈએ. તેમને પ્રોડક્ટ વિશેની
અમુક જ વિગતો યાદ રહેશે, પણ પ્રોડક્ટ વાપરવાનો અનુભવ તેઓ નહીં ભુલે. કોઈ પણ
બ્રાન્ડ સાથે આ જ રીતે ગ્રાહકનું સંધાન થતું હોય છે. તમારી પ્રોડક્ટની ડિઝાઇન
જેટલી ઉત્તમ હશે, ગ્રાહકનો અનુભવ એટલો જ સુખદ પૂરવાર થવાનો.’
છેલ્લે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાની વાત કરીએ. દુનિયામાં
જબરદસ્ત ટેકનોલોજીકલ ક્રાંતિ આણીને આપણા સૌની લાઇફસ્ટાઇલ પર તીવ્ર અસર પેદા કરનારી
સૌથી મહત્ત્વની કંપનીઓમાં માઇક્રોસોફ્ટનું નામ મોખરે ગણાય. બિલ ગેટ્સ તો
માઇક્રોસોફ્ટ સ્થાપના કરીને, કંપનીને ઊંચાઈ પર પહોંચાડીને સીઈઓના પદ પરથી 2000ની
સાલમાં રિટાયર થઈ ગયા હતા. સ્ટીવ બમર નામના મહાશયને નવા સીઇઓ બનાવવામાં આવ્યા ને
તે સાથે જ માઇક્રોસોફ્ટની અધોગતિ શરૂ થઈ. 2014માં જ્યારે સત્યા નડેલાને નવા સીઇઓ
તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે કંપનીની અતિ વિચિત્ર અવસ્થામાં હતી.
માઇક્રોસોફ્ટે નોકિયા કંપની સાથે કરેલું મોંઘુંદાટ જોડાણ નિષ્ફળ પૂરવાર થયું હતું.
માઇક્રોસોફ્ટની ખુદની પ્રોડક્ટ વિન્ડોઝ-એઇટને સાવ ઠંડો આવકાર મળ્યો હતો. કંપનીના
શેર ગગડીને ભયજનક સપાટીએ પહોંચી ગયા હતા. માઇક્રોસોફ્ટની આભા ઝાંખી પડી ગઈ હતી. ઇન્ફર્મેશન
ટેકનોલોજીમાં થયેલી નવી નવી કેટલીય લોકપ્રિય શોધો (સોશિયલ મીડિયા વગેરે)ની બસ
માઇક્રોસોફ્ટ ચુકી ગયું હતું. આવી સ્થિતિમાં કંપનીના વડા બનવું કેટલું પડકારજનક
હોવાનું તે સમજી શકાય છે.
સત્યાએ એક જગ્યાએ સરસ કહ્યું છે, ‘મને જૂની લડાઈઓમાં રસ
નથી. મારે નવાં યુદ્ધો લડવાં છે.’ સત્યાએ સીઈઓની પોસ્ટ
સંભાળ્યા બાદ કેટલાક કપરા નિર્ણયો લીધા. સૌથી પહેલાં તો નોકિયા સાથેનું જોડાણ રદ
કર્યું. જે બસ ચૂકાઈ ગઈ છે એની પાછળ દોડવાને બદલે ક્લાઉડ સર્વિસ જેવા નવા ઊભરી રહેલા માર્કેટ તરફ નજર દોડાવી.
ત્રણ વર્ષમાં જાણે જાદુ થયો. માઇક્રોસોફ્ટનો આર્થિક વિકાસ 84 ટકા જેટલો વધી ગયો.
કંપનીના શેરનો ભાવ એટલો ઊંચકાઈને એવી સપાટીએ પહોંચ્યો જેટલો બિલ ગેટ્સ વખતે પણ
નહોતો પહોંચ્યો. છેલ્લા આર્થિક વર્ષમાં માઇક્રોસોફ્ટે કરેલી ચોખ્ખી આવકનો આંકડો જ 39.2
બિલિયન ડોલર (2810 અબજ રૂપિયા) જેટલો છે. સત્યાના રાજમાં માઇક્રોસોફ્ટ બ્રાન્ડ
માત્ર આળસ મરડીને માત્ર બેઠી નથી થઈ, બલકે, ધમધમાટ કરતી દોડવા લાગી છે. માઇક્રોસોફ્ટની
મૂળ તાસીર નવી નવી ટેકનોલોજી શોધવાની છે. વચ્ચેનાં વર્ષોમાં કંપનીનો આ મિજાજ કોણ
જાણે ક્યાંક દબાઈ ગયો હતો. કંપનીના વાતાવરણમાં એક પ્રકારનું બંધિયારપણું આવી ગયું
હતું, અમલદારશાહી ચલણમાં આવી ગઈ હતી. સત્યાએ સીઈઓની ખુરસી પર બેસતાંની સાથે જ આ
માહોલ બદલાઈને ગતિશીલ થવા માંડ્યો. સત્યાને ‘માઇક્રોસોફ્ટના
તારણહાર’નું બિરુદ અમસ્તું મળ્યું નથી.
સત્યા નડેલા એક જગ્યાએ કહે છે, ‘વચ્ચેનાં વર્ષોમાં માઇકોસોફ્ટની છાપ એવી પડી ગઈ હતી કે
જાણે અમને બધી ખબર છે. મેં કંપનીના આ ‘નો-ઇટ-ઑલ’ માઇન્ડસેટને બદલીને ‘લર્ન-ઇટ-ઑલ’ કલ્ચર દાખલ કરવાની કોશિશ કરી. ‘અમને બધું આવડે છે’ એમ નહીં, પણ ‘અમારે બધું શીખવું છે’, એમ.’
કશુંક નવું શીખતા હોઈએ કે કરતાં હોઈએ ત્યારે નિષ્ફળ પણ જવું પડે. સત્યા
કહે છે, ‘નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું
શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.’
સત્યાને વાંચનનો પુષ્કળ શોખ છે. નવું શીખવા માટે, નવી પ્રેરણાઓ મેળવવા
માટે તેઓ પુસ્તકોને પોતાની પ્રેરણાનો
મુખ્ય સ્રોત ગણાવે છે. સત્યાની સફળતામાં ઇગો વગરના એમના સૌમ્ય સ્વભાવનો પણ મોટો
ફાળો છે. સત્યાએ સ્વયં ‘હિટ રિફ્રેશ’ નામનું સુંદર
પુસ્તક લખ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયા ન હોય એવાં લોકોને પણ ખૂબ મજા
પડે એવું આ પુસ્તક વાંચવા જેવું છે.
No comments:
Post a Comment