Wednesday, September 11, 2019

એક અધૂરી પ્રેમકથા


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 11 સપ્ટેમ્બર 2019

ટેક ઓફ
મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે...


મે એમને ચાહી શકો અથવા ધિક્કારી શકો, પણ તમે એમની અવગણના તો ન જ કરી શકો. આ વાક્ય ઘણી હસ્તીઓ માટે સાચી રીતે કે ખોટી રીતે વપરાતું રહે છે. વિખ્યાત અને વિવાદાસ્પદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસેન અથવા એમ. એફ. હુસેન (જન્મઃ 17-9-1915, મૃત્યુઃ 9-6-2011) એક એવી હસ્તી છે, જેમના માટે આ વાક્ય એકદમ બંધ બેસે છે. હુસેનસાહેબને લાંબું જીવવાની ઘણી ખ્વાહિશ હતી. તેઓ લાંબું જીવ્યા પણ ખરા. આવતા મંગળવારે એમની જન્મતિથિ છે. એમ.એમ. હુસેનની ઘણી બાબતો આપણને ખૂંચી છે, વાંધાજનક લાગી છે, પણ આજના લેખનો મુદ્દો એ નથી. એમના ચિત્રકળા કે વ્યવહાર-વર્તણૂકની અણગમતી બાબતો તરફ નજર કર્યા વગર આજે આપણે એમના વ્યક્તિત્ત્વના એક અંગત અને સંવેદનશીલ પાસા વિશે વાત કરવી છે.     

એક વાર મુંબઈના આશિષ નાગપાલ નામના એક આર્ટ ગેલેરીના માલિકે એમને પૂછેલુંઃ ‘હુસેનસા’બ, તમારામાં આટલું બધું જોશ છે, આટલો ઉત્સાહ છે... શું છે તમારા આ એનર્જી રહસ્ય?’ એમ.એફ. હુસેને તરત જવાબ આપ્યો હતોઃ ‘હું દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખું છું!’

હુસેનસાહેબ આખાબોલા માણસ હતા. ‘અન અનફિનિશ્ડ પોટ્રેઈટ ઓફ એમ.એફ. હુસેન’ નામના ઈલા પાલ લિખિત અધિકૃત જીવનકથામાં હુસેનસાહેબે પોતાની કેટલીય નાજુક અને અંગત વાતો બેધડક કરી છે. દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખવાની વાત કરતા હુસેનસાહેબના જીવનમાં આવેલી સૌથી ખાસ સ્ત્રી કોણ હતી? કદાચ, સુરૈયા. ના, અભિનેત્રી સુરૈયા નહીં, હમીદ નામના એમના નાનપણના દોસ્તારની આ જ નામ ધરાવતી નાની બહેન. એમ.એફ. હુસેન પાછળ હજુ સાહેબનું છોગું લાગ્યું નહોતું ત્યારની આ વાત છે. હુસેન ત્યારે સોળ વર્ષના હતા. સુરૈયા માંડ પંદરેક વર્ષની. કદાચ એનાથી પણ નાની. બહુ જ સુંદર હતી એ. બિન્ધાસ્ત પણ એવી જ. હુસેન એના ઘરે ગયા હોય ત્યારે વધારે એ સમય રોકાઈ શકે તે માટે સુરૈયા કોઈને કોઈ કારણ  ઊભું કરતી. જરૂર ન હોય તોય ભાઈનો સંદેશો હુસેનને પહોંચાડવા આવતી. આ બધા પરથી હુસેનને લાગતું કે આપણે પણ સુરૈયાને ગમીએ છીએ તો ખરા જ!

એક વાર હુસેને ખુલ્લા ખેતરમાં બેઠાબેઠા સુરૈયાને એક લાંબોલચ્ચ પ્રેમપત્ર લખી નાખ્યો. ‘પણ આ કાગળમાં મેં એટલી બધી ફિલોસોફી ઠાલવી હતી કે ન પૂછો વાત!’ હુસેનસાહેબ આ કિસ્સો યાદ કરીને પછી હસી પડતા, ‘તેમાં મેં ઉર્દૂ અને પર્શિયન કવિતાઓ ય છાંટી હતી. સુરૈયાને આપતાં પહેલાં આ લેટર મેં હમીદને વંચાવેલો. આવો ભારેખમ પ્રેમપત્ર વાંચીને હમીદ હસી પડેલો. મને કહે, જા, આપી દે સુરૈયાને.’

પણ એમ પ્રેમપત્ર આપવાની હિંમત કેવી રીતે ચાલે? હુસેનને પહેલેથી જ ચિત્રકામ સારું આવડે એટલે સુરૈયાના આખા ઘરના તમામ અરીસા અને કબાટ પર મોર, પોપટ, તળાવ ને એવું બધું ચિતરવામાં ખૂબ સમય પસાર કર્યો પણ સુરૈયાના હાથમાં પેલો કાગળ ન જ મૂકી શક્યા. આ છોટીસી લવસ્ટોરીનો ત્યાં જ અંત આવી ગયો. આમેય  સુરૈયાના પિતાજીને ફક્કડ ગિરધારી જેવા હુસેન દીઠા નહોતા ગમતા. એમને થતું કે આખો દિવસ ચિતરામણ કર્યા કરતો આ છોકરો આગળ જતા પોતાનાં બીવી-બચ્ચાંનું શું પેટ ભરવાનો? સુરૈયા માટે તો હું પૈસાદાર ઘરનો વેપારધંધો કરતો છોકરો શોધીશ. થયું પણ એમ જ. સુરૈયા પરણીને સાસરે પાકિસ્તાન ચાલી ગઈ.

સુરૈયા શબ્દનો અર્થ શું થાય છે, જાણો છો?’ એમ.એમ. હુસેન પોતાની જીવનકથામાં કહે છે, ‘સુરૈયા એટલે આકાશમાં રચાતું સાત તારાઓનું ઝૂમખું. સપ્તર્ષિ. એક પર્શિયન શેર છે -
રિશ્તે અવ્વલ યું નાદાં મેમાર કઝ
વા સુરૈયા મી રવાદ દીવાર કઝ
આનો મતલબ છે, જો કડિયાએ પાયામાં મૂકેલી પહેલી જ ઇંટ ખામીવાળી હશે તો એના પર ઊભી થયેલી ઈમારત પણ ખામીવાળી જ હોવાની, પછી ભલેને તે આકાશના સપ્તર્ષિ જેટલી ઊંચી કેમ ન હોય. સુરૈયા સાથેના મારા સંબંધના પાયામાં મેં પહેલી જ ઇંટ ખોટી મૂકી દીધી હતી...’

વર્ષો પછી, ૧૯૯૦માં, હુસેનસાહેબે પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી. તે વખતે તેઓ ૭૫ વર્ષના હતા.  પહેલી વાર વડા પ્રધાન બનીને તાજાંતાજાં ડિસમિસ થયેલા બેનઝીર ભુટ્ટોના તેઓ મહેમાન બન્યા. બીજા ઘણા લોકોને મળ્યા. પેઈન્ટિંગ્સ પણ બનાવ્યા. પાકિસ્તાની મીડિયાએ હુસેનસાહેબ વિશે ખૂબ લખ્યું.

આ સિવાય મેં કશુંક કર્યું. જાણો છો, શું? એક બપોરે હું સુરૈયાના ઘરે ગયો. મારો એક જૂનો મિત્ર મારી સાથે આવેલો. સુરૈયા તો ખુદાને પ્યારી થઈ ચૂકી હતી. તેના પતિ પણ નહોતા રહ્યા. તેમના દીકરાઓ અને તેમનાં બીવીબચ્ચાં ઘરે હતાં.’

શરૂઆતમાં તો સુરૈયાના દીકરાઓએ હુસેનસાહેબ સાથે બહુ ખરાબ વર્તન કર્યું, મોટા દીકરાએ તો એમને ગેટ આઉટ સુધ્ધાં કહી દીધું. જોકે થોડી વારે સૌ ટાઢા પડ્યા. એક દીકરો અંદર જઈને ફેમિલી આલબમ  લઈ આવ્યો.

આલબમનાં પાનાં ફરતાં ગયાં તેમ તેમ મારો ફફડાટ વધતો ગયો,’ હુસેનસાહેબ કહે છે, ‘કારણ કે મારે વૃદ્ધ થઈ ગયેલી, કરચલીઓવાળી, અશક્ત સુરૈયાને નહોતી જોવી. સદનસીબે એવો એક પણ ફોટો નહોતો. હા, ગ્રુપ ફોટોગ્રાફ્સ હતા, સિત્તેરના દાયકાના, પણ તે એટલા દૂરથી લેવાયેલા કે સુરૈયા તેમાં દેખાતી પણ નહોતી. સુરૈયા પરણી ગઈ પછી એની સાથે મારી ક્યારેય વાત નહોતી થઈ. મને ફક્ત તેનો ચહેરો યાદ હતો... અને મારા માટે એ જ મહત્ત્વનું હતું. સુરૈયાના ચહેરાની સ્મૃતિ છ-છ દાયકાઓથી મારાં મનમાં સચવાયેલી હતી અને તેમાં ખલેલ નહોતી પહોંચાડવી...’

હુસેનસાહેબ અને તેમના મિત્ર આખરે જવા માટે ઊભા થયા. તેઓ દરવાજાની બહાર નીકળે તે પહેલાં સુરૈયાના મોટા દીકરાએ તેમને અટકાવ્યા અને ધીમેથી પૂછ્યુંઃ હુસેનસા’બ, તમારે અમ્મીનો ફોટો જોઈએ છે?

હુસેનસાહેબ માની ન શક્યા. હજુ થોડા સમય પહેલાં પોતાને ઘરમાંથી હાંકી કાઢવા માગતો  માણસ આ શબ્દો ઉચ્ચારી રહ્યો છે? આટલું ઓછું હોય તેમ મોટા દીકરાએ ઉમેર્યુંઃ તમારે અમ્મીની કબર જોવી હોય તો હું તમને ત્યાં પણ લઈ જઈ શકું છું...

મેં સુરૈયાની મજાર પર પ્રાર્થના કરી,’ એમ.એફ. હુસેન કહે છે, ‘મને એવું લાગ્યું કે જાણે હું સુરૈયાનું ઋણ ઉતારી રહ્યો છું, જાણે કે એના આત્માને મુક્તિ આપી રહ્યો છું. હું મારી હોટલના રૂમ પર પાછો ફર્યો, પણ હું ખૂબ બેચેન હતો. આખી રાત મને ઊંઘ ન આવી. અચાનક મધરાતે મને છાતીમાં તીવ્ર પીડા ઊપડી. હું પથારીમાં બેઠો થઈ ગયો. મારાથી શ્વાસ નહોતો લેવાતો. હું રડવા માંડયો. હું બેફામ રડ્યો, આખી જિંદગીમાં ક્યારેય ન રડ્યો હોઉં એટલું રડ્યો. મારાં આંસુ અટકવાનું નામ નહોતાં લેતાં. આખરે મારું રુદન અટક્યું. મને અપાર શાંતિનો અનુભવ થયો. બાળક જન્મે છે ત્યારે જીવનની શરૂઆત રડવાથી કરે છે. આ રુદન પછી મને લાગ્યું કે જાણે આ ધરતી પર શરૂ થયેલી મારી સફર આખો ચકરાવો લઈને પાછી એ જ બિંદુ પર પહોંચી ગઈ છે. હવે કોઈ ઈચ્છા બાકી રહી નથી, હવે કોઈ અફસોસ નથી...’

એમ. એફ. હુસેને એક કવરમાં સુરૈયાની તસવીર સાચવીને રાખી મૂકી હતી. આ કવર પર એમણે લખ્યું હતુંઃ

ઓલ માય લાઈફ આઈ હેવ વેઈટેડ ફોર યુ, એન્ડ વ્હાઈલ વેઈટિંગ, હાઉ મેની આઈ હેવ લવ્ડ.’ એટલે કે મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે...
ખરેખર, અવ્યક્ત અને અધૂરા રહી ગયેલા સંબંધમાં એક પીડામિશ્રિત સૌંદર્ય હોય છે. તે સંબંધ હંમેશાં એક કસક બનીને રહી જતા હોય છે, જીવનની અંતિમ ક્ષણ સુધી.

0 0 0 




No comments:

Post a Comment