Saturday, August 17, 2019

હેલ્લારો અને રેવાઃ વોટ નેકસ્ટ?

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 18 ઓગસ્ટ 2019

મલ્ટિપ્લેક્સ

હેલ્લારોઘરઆંગણે રિલીઝ થયા બાદ સંભવતઃ ઓસ્કર તરફ ગતિ કરશે અનૈ રેવાનું ડબ્ડ હિંદી વર્ઝન રિલીઝ થશે.



રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મ અનેહેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ... ગયા અઠવાડિયે આવેલા આ સમાચાર અણધાર્યા પણ હતા અને આત્યંતિક પણ હતા. રેવાને મળેલો અવોર્ડ સૌને સમજાયો, કેમ કે આ ફિલ્મ ઓલરેડી ખૂબ ગાજી ચુકી છે, લોકોએ તે જોઈ છે, માણી છે, વખાણી છે, પણ હેલ્લારોએ લોકોને કન્ફ્યુઝ કરી નાખ્યા! બહુમતી લોકોના મનમાં એ સવાલ ઉદભવ્યો કે આ હેલ્લારો એટલે વળી કઈ ફિલ્મ? (આ કૉલમમાં છ મહિના આ સવાલનો જવાબ અપાઈ ગયો છે.) પબ્લિકની મૂંઝવણ સમજાય એવી હતી, કેમ કે આ ફિલ્મ રિલીઝ થઈ જ નથી. ફિલ્મ તો ઠીક, એનું ટીઝર, ટ્રેલર, પોસ્ટર કે કલાકારોનો કોઈ લૂક પણ હજુ હમણાં સુધી બહાર પડ્યાં નહોતાં. હેલ્લારોના રાઇટર-ડિરેક્ટર અભિષેક શાહે છ મહિના પહેલાં પોતાની ફિલ્મના મેકિંગ વિશે તો ખૂલીને વાત કરી હતી, પણ વિધિવત પ્રમોશન શરૂ થાય તે પહેલાં ફિલ્મનું કોઈ વિઝ્યુઅલ તેઓ રિલીઝ કરવા માગતા નહોતા.

ફેર ઇનફ. મજા જુઓ. હેલ્લારોની ટીમ હજુ રિલીઝ અને પ્રમોશનની સ્ટ્રેટેજીને અંતિમ આકાર આપે તે પહેલાં નેશનલ અવોર્ડ્ઝ ઘોષિત થઈ ગયા અને આ ફિલ્મ એકાએક સૌને જીભે ચડી ગઈ. હજુય ઘણા લોકો જોકે હેલ્લારોને મળેલા બેસ્ટ ફિચર ફિલ્મના નેશનલ અવૉર્ડની ગંભીરતા સમજ્યા નથી. આમાં અમુક મિડીયાના પ્રતિનિધિઓ પણ આવી ગયા. વાતને વિગતવાર સમજી લઈએ. આ વખતે નેશનલ અવૉર્ડ્ઝ માટે ભારતભરની કુલ 419 ફિલ્મોએ અલગ અલગ 31 કેટેગરીમાં ભાગ લીધો હતો. દરેક ભાષાની અલાયદી કેટેગરીમાં એક શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત કરવામાં આવે છે. એ ન્યાયે રેવાને ગુજરાતી સિનેમાની કેટેગરીમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો. તો પછી હેલ્લારોને કયો અવોર્ડ મળ્યો? વેલ, હેલ્લારો હિન્દી અને ગુજરાતી સહિતની તમામ ભારતીય ભાષાઓમાં બનેલી બધ્ધેબધ્ધી ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પૂરવાર થઈને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ જીતી ગઈ છે. અંધાધૂન, બધાઈ હો, પદ્માવત, ઉડી અને ઇવન રેવાને મળેલા નેશનલ અવોર્ડઝ કરતાં પણ હેલ્લારોને મળેલો સ્વર્ણકમલ નેશનલ અવોર્ડ સૌથી ઉપર છે. ગુજરાતી સિનેમા અને નેશનલ અવોર્ડ્ઝના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે.

બીજા સવાલ એ આવ્યો કે રિલીઝ થઈ ન હોય એવી ફિલ્મને નેશનલ અવોર્ડ મળી શકે? જવાબ છે, સેન્સર સેર્ટિફિકેટ મેળવી ચુકેલી કોઈ પણ ફિલ્મ નેશનલ અવોર્ડમાં અપ્લાય કરવા માટે અને જીતવા માટે ક્વૉલિફાઇડ ગણાય છે, તેની થિયેટ્રિકલ રિલીઝ બાકી હોય તો પણ. હેલ્લારોએ એટલે જ વેળાસર સેન્સર સર્ટિફિકેટ મેળવી લીધું હતું.

ગુજરાતી સિનેમાના ચાહકોને બાકાયદા ગર્વ થાય એવા આ આનંદના સમાચાર વચ્ચે અપ્રિય લાગે એવી બાબતો પણ ધ્યાનમાં આવી. ગયા વર્ષે વિલેજ રૉકસ્ટાર નામની આસામી ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. વિજેતાઓની ઘોષણ થયા પછી થોડા જ કલાકોમાં વિલેજ રૉકસ્ટારનાં મેકર રીમા દાસનો ચહેરો લગભગ તમામ નેશનલ ન્યુઝ ચેનલ્સની સ્ક્રીન પર ચમકતો હતો, એના બાઇટ્સ અને ઇન્ટરવ્યુઝ લેવાતા હતા. હેલ્લારોના કેસમાં આવું ન બન્યું. સર્વશ્રેષ્ઠ પુરવાર થયેલી આ ગુજરાતી ફિલ્મને નેશનલ મિડીયાએ શા માટે અવગણના કરી? જોકે જ્યારે સ્થાનિક મિડીયા જ હેલ્લારોની સિદ્ધિનું ગાંભીર્ય સમજવામાં અને તેને સન્માનપૂર્વક ટ્રીટ કરવામાં કાચી પડી હોય ત્યારે નેશનલ મિડીયા વિશે શી ફરિયાદ કરવી? 

Abhishek Shah

ખેર, મહત્ત્વનો સવાલ આ છેઃ હવે શું? હેલ્લારોના રાઇટર-ડિરેક્ટર અભિષેક શાહ આનંદપૂર્વક કહે છે, નેશનલ અવોર્ડઝની ઘોષણા પછી ઉઠેલી આંધી શમે પછી અમે જરા સ્પષ્ટપણે વિચારી શકીશું કે અમારો હવે પછીનો એકશન પ્લાન એક્ઝેક્ટલી શો છે. હેલ્લારોના પ્રમોશન અને રિલીઝનું પ્લાનિંગ તો અમે એક મહિનાથી ઓલરેડી શરૂ કરી દીધું હતું. મંઝિલ અથવા કહો કે રસ્તો એ જ છે, પણ નેશનલ અવોર્ડને કારણે હવે અમારા પ્લાનિંગની ડિઝાઇન બદલાઈ ગઈ છે.

નેશનલ અવોર્ડ કરતાં વધારે સશક્ત પ્રમોશનલ ટૂલ બીજું કયું હોવાનું! હેલ્લારો ઓક્ટોબરના અંતમાં અથવા મોડામાં મોડું નવેમ્બરમા પ્રારંભમાં દમામભેર રિલીઝ થશે. અભિષેક શાહ કહે છે, અમને ભારતભરમાં ફોન આવી રહ્યા છે. આ ફિલ્મમાં, એની રિલીઝમાં ઘણા લોકોને રસ પડ્યો છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, પણ ઓવરસીઝ રિલીઝમાં, એને જુદી જુદી ભાષાઓમાં ડબ કરવામાં રસ ધરાવનારાઓના ફોન આવી રહ્યા છે. અરે, હેલ્લારોને ચીનમાં રિલીઝ કરવામાં રસ ધરાવનારાઓએ પણ અમારો સંપર્ક કર્યો છે. મને તો એ વિચારીને મોજ પડી રહી છે કે આપણા કચ્છનો ભાતીગળ પરિવશ ધરાવતી ફિલ્મ ચીનના થિયેટરોમાં કેવી લાગશે!’

વાત ચાઈનીઝ સબટાઇટલ્સ પૂરતી સીમિત રહેવાની હોય તો બરાબર છે. બાકી કચ્છી કિરદારો ચાઇનીઝ ભાષામાં ડાયલોગબાજી કરવા લાગે તે ન ચાલે! હેલ્લારોનું ચીનગમન થશે કે નહીં તે હાલ આપણે જાણતા નથી, પણ રેવાનું હિંદીકરણ થઈ ચુક્યું છે તે હકીકત છે. રેવાના પ્રોડ્યુસર પરેશ વોરા કહે છે, નર્મદા નદી ગુજરાતને જેટલી પ્રિય છે એટલી જ, કદાચ એના કરતાંય વધારે મધ્યપ્રદેશને વહાલી છે. રેવાના ચાલીસેક ટકા ડાયલોગ્ઝ આમેય હિંદીમાં છે. ફિલ્મનું હિંદી ડબિંગ અમે ગુજરાતી ડબિંગની સાથે સાથે, તેને સમાંતરે કરી નાખ્યું હતું. થોડા દિવસ પહેલાં અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત માટે રેવાના હિંદી ડબ્ડ વર્ઝનનું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું હતું. હિંદી વર્ઝન એટલું અસરકાર થયું છે કે મોહનજી માની નહોતા શક્યા આ મૂળ ગુજરાતી ફિલ્મ છે!’

Reva

રેવાનાં અફલાતૂન ગીતો, કે જેમાંના મોટા ભાગનાં નાયક ચેતન ધનાનીએ લખ્યાં છે, તેનું પણ હિંદીકરણ કરીને રિ-કંપોઝ કરવામાં આવ્યાં છે. એક માત્ર કાળો ઘમ્મરિયાળો જામો ગીતને યથાવત રહેવા દેવામાં આવ્યું છે, કેમ કે તે ગુજરાતી લોકગીત છે.

રેવાની વિનિંગ ટીમ એટલે કે ડિરેક્ટરજોડી રાહુલ ભોળે – વિનિત કનોજિયા અને પ્રોડ્યુસર પરેશ શાહ હાલ એમની આગામી ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ લૉક કરીને પ્રિ-પ્રોડક્શનની ગતિવિધિઓમાં બિઝી છે. સુરતમાં બનેલા ઘટનાક્રમ પર આધારિત આ રિયલિસ્ટિક ફિલ્મનું શૂટિંગ બે-ત્રણ મહિનામાં શરૂ થઈ જવાનું.

એક એમ્બિશિયસ સવાલઃ શું હેલ્લારો હવે ઓસ્કરમાં જશે? વેલ, 2011માં નિયમ બનેલો કે બેસ્ટ ફિચર ફિલ્મ તરીકેનો નેશનલ અવોર્ડ જીતી લેનારી ભારતીય ફિલ્મને જ ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં ઇન્ડિયન એન્ટ્રી તરીકે મોકલી દેવી. આ નિયમનો જોકે અમલ થયો નથી. બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકેલી ફિલ્મ ઓસ્કરમાં જાય પણ ખરા, ન પણ જાય. જેમ કે 2014ની નેશનલ અવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ કોર્ટને ઓસ્કરમાં મોકલવામાં નહોતી આવી. એ જ રીતે ઇન્ટરોગેશન નામની સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઓસ્કર એન્ટ્રી બની, પણ તેણે બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ નહોતો મળ્યો. છેલ્લા બે વર્ષથી એવું બને છે કે નેશનલ અવોર્ડ જીતનાર ફિલ્મો (ન્યુટન અને વિલેજ રોકસ્ટોર)ને જ ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરી લેવામાં આવી. શું આ સિલસિલો આ વર્ષે પણ ચાલુ રહેશે? આનો જવાબ અત્યારે કોઈ પાસે નથી, પણ હા, હેલ્લારો ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ થાય એવા ચાન્સ ઊજળા છે. બહુ જ ઊજળા!         

0 0 0



No comments:

Post a Comment