Friday, September 27, 2019

કામ અશક્ય લાગે છે? તો તો કરવું જ પડશે!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 Sept 2019 બુધવાર
ટેક ઓફ 
હું ડિપ્રેસ્ડ કે વ્યથિત હોઉં એનો મતલબ એ થયો કે મારી ભીતર કશુંક સમારકામ ચાલી રહ્યું છે.

મારું સંતાન એક વર્ષ કરતાં વધારે નહીં જીવે.
ડૉક્ટર તરફથી આવું વાક્ય સાંભળવું પડે ત્યારે મા-બાપની છાતી ફાટી પડે. દિલ્હીવાસી અદિતી ચૌધરી અને નરેન ચૌધરીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ પણ હચમચી ગયાં હતાં. પહેલાં ખોળાની દીકરીને તેઓ ખોઈ ચુક્યાં હતાં. આ બીજી દીકરી આયેશા હતી અને વિધાતા એની હથેળીમાં પણ લાંબી આયુષ્યરેખા દોરવાનું ભુલી ગયા હતા. આયેશાને સિવીયર ઇન્યુનો-ડેફિસીયન્સી નામનો ડિસઑર્ડર હતો. આ બીમારીનો શિકાર બનેલાં બાળકની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ હોય. સાવ સાદી બીમારીમાં પણ એમનું મોત થઈ શકે. જો આયેશાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જ પરિસ્થિતિમાં થોડોઘણો ફર્ક પડી શકે એમ હતો. આ ટ્રીટમેન્ટ માટે ખર્ચ દોઢ લાખ પાઉન્ડ (આજના હિસાબે એક કરોડ 33 લાખ રૂપિયા કરતાંય વધારે) ખર્ચ કરવો પડે એમ હતો. ચૌધરી દંપતીના બેન્કખાતામાં તે વખતે બધું મળીને પોણાબે લાખ રૂપિયા માંડ હતાં. છતાંય પતિ-પત્ની દીકરીને લંડન લઈ ગયાં. ત્યાં રેડિયો પર સ્થાનિક લોકોને યથાશક્તિ આર્થિક મદદ કરવા અપીલ કરી. જાણે ચમત્કાર થયો. અજાણ્યા દેશના અજાણ્યા લોકોએ જોતજોતામાં એમની ઝોળી છલકાવી નાખી. મેચિંગ બોનમેરો ન મળ્યો એટલે પિતાનો મિસમેચ્ડ બોનમેરો દીકરીનાં શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. આયેશા જીવી ગઈ.
દુર્ભાગ્યને હજુ સંતોષ નહોતો થયો. આયેશા તેર વર્ષની થઈ ત્યારે એને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીજી ગંભીર બીમારી લાગુ પડી. આ રોગમાં માણસના ફેંફસાં કઠણ થવા માંડે, એની કાર્યશક્તિ તદ્દન ઘટી જાય. આયેશા વ્હીલચેર સાથે બંધાઈ ગઈ, પણ ગજબ હતી આ છોકરી. એણે પોતાનો જીવનરસ સૂકાવા ન દીધો. એ ઝઝૂમતી રહી. પંદરમા વર્ષે, કે જ્યારે એનાથી પૂરાં બે વાક્ય પણ બોલી શકાતાં નહોતાં, ત્યારે ઇન્ક નામના પ્લેટફૉર્મ પર એણે જાહેરમાં લાંબું પ્રવચન આપ્યું. પછી તો વિશ્વવિખ્યાત ટેડ ટોક્સમાં પણ એને આમંત્રણ આપવામાં આવ્યું. ક્રમશઃ મોટિવેશનલ સ્પીકર તરીકે એની શાખ બંધાઈ.
એક દિવસ આયેશાની મમ્મીએ એને ડાયરી આપીને કહ્યુઃ હ્યુ પ્રેધર નામના અમેરિકન લેખકે નોટ્સ ટુ માયસેલ્ફ નામનું અદભુત પુસ્તક લખ્યું છે એમ તું પણ તારા વિચારો આ ડાયરીમાં નોંધતી જા. આયેશાએ લખવા માંડ્યું. આમેય એનો એટિટયુડ હંમેશાં આ જ રહ્યો હતોઃ શું આ કામ મને અશક્ય લાગે છે? તો તો એ કરવું જ પડશે! આયેશાના લખાણને પુસ્તકનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 2015માં અઢાર વર્ષની આયેશાના હાથમાં તાજું છપાઈને આવેલું એનું માય લિટલ એપિફનીઝ (મારાં નાનકડાં સત્યો) પુસ્તક મુકવામાં આવ્યું ત્યારે એની આંખો કામ કરતી બંધ થઈ ગઈ હતી. એ ખુદનાં પુસ્તક પર માત્ર એક વાર હાથ ફેરવી શકી. થોડા કલાકો પછી એ મૃત્યુ પામી.
    
ભયાનક શારીરિક-માનસિક પીડા હોના છતાં આયેશા પોતાનું અઢાર વર્ષનું જીવન એક ઉત્સવની જેમ જીવી ગઈ. એના જીવન અને મૃત્યુને કેન્દ્રમાં રાખીને ધ સ્કાય ઇઝ પિન્ક નામની હિન્દી ફિલ્મ પણ બની છે, જે આવતા મહિને રિલીઝ થશે. આયેશાનાં નાનકડાં અંગ્રેજી પુસ્તકમાં સળંગ લખાણ નથી, પણ છૂટીછવાઈ વિચારકણિકાઓ છે. પુસ્તકના નોંધાયેલાં કેટલાક દમદાર વિચારબિંદુઓ અહીં પ્રસ્તુત છે. ઓવર ટુ આયેશા ચૌધરી...   
આપણા સૌમાં એક વસ્તુ નિશ્ચિતપણે કોમન છે અને એ છે, મૃત્યુ.
- ડેથ (ડી-ઈ-એ-ટી-એચ) એટલે ડ્રોપ એવરીથિંગ એન્ડ ટ્રસ્ટ હિમ (હિમ એટલે ઈશ્વર).
- મારી ગંભીર બીમારીએ મને નાની નાની વસ્તુઓની કદર કરતાં શીખવી દીધું છે. મારી આંખો સાબૂત છે કે જેના થકી હું લીલાં વૃક્ષો જોઈ શકું છું. મારું નાક સાબૂત છે કે જેના લીધે હું વરસાદ અટકી ગયા પછી હવામાં અનુભવાતો ભેજ સૂંઘી શકું છું. મારા કાન સાબૂત છે કે જેના દ્વારા હું મારી માનું હાસ્ય સાંભળી શકું છું. મારી જીભ અને હોઠ સાબૂત છે કે જેના લીધે હું મારા પ્રિયજનો સાથે વાત કરી શકું છું. મારા હાથ સાબૂત છે કે જેના વડે હું ઇચ્છા થાય ત્યારે ચિત્રો બનાવી શકું છું. મારા પગ સાબૂત છે કે જેના કારણે હું હજુ ધરતી પર ચાલી શકું છું. મારે સતત યાદ રાખવું જોઈએ કે, આઇ એમ બ્લેસ્ડ. મારા પર ઈશ્વરના આર્શીવાદ ઉતર્યા છે.  
- ચાલો જીવીએ અને પ્રેમ કરીએ... કોઈ અફસોસ વિના.
- બીજા એવા કેટલાય લોકો હશે જે મારા કરતાંય ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યા હશે, પણ આપણે આપણી જાતમાં જ એટલા ગૂંચવાયેલા રહીએ છીએ. તેના લીધે આપણને ફ્કત ખુદની જ કઠણાઈઓ દેખાય છે ને કાયમ દુખી દુખી જ રહીએ છીએ.
- આટલી બધી લાગણીઓની જરૂર હોય છે ખરી?
- હું ડિપ્રેસ્ડ કે વ્યથિત હોઉં એનો મતલબ એ થયો કે મારી ભીતર કશુંક સમારકામ ચાલી રહ્યું છે.
બીજા લોકો બચી જાય તે માટે આપણે રક્તદાન કરીએ છીએ. મને એ સમજાતું નથી કે જો બીજાઓનો જીવ બચાવવા કે એમનું દરદ ઓછું કરવા આપણે ખુદનું લોહી સુધ્ધાં આપી શકતા હોઈએ તો દુનિયામાં આટલી બધી નફરત શા માટે છે!
- મને લાગે છે કે રાત્રે પથારીમાં પડીને સૂવા માટે આંખો બંધ કરીએ એ ક્ષણે આપણે સૌથી સાચુકલા, સૌથી જેન્યુઇન હોઈએ છીએ.  
- કહે છે કે બીજાઓને પ્રેમ કરતાં પહેલાં પોતાની જાતને પ્રેમ કરો. સાથે સાથે એવું ય કહેવાય છે કે સ્વાર્થી ન બનો. તો કરવાનું શું!



- આપણે જેને ચાહતા હોઈએ એને ક્યારેક એટલાં ઊંચા આસન પર શા માટે બેસાડી દઈએ છીએ કે એમના સુધી પહોંચી જ ન શકાય!
- ઉદાસીનો ઉપાય છે, પ્રિયજનો સાથેનું સંધાન. જો આ સંધાન નહીં રહે તો સમજવાનું કે જમે જિંદગીની બાજી હારી રહ્યા છો.
- જ્યારે તમારાં સુખની લગામ બીજી કોઈ વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે સમજી લો કે તમારી વાટ લાગી ગઈ છે. સતર્ક થઈ જાઓ, તમારી જાતને સંભાળી લો.
- ક્યારેક મને કોઈકની સાથે વાતચીત કરવાની ઇચ્છા એટલા માટે થાય છે મારે સામેની વ્યક્તિનો નહીં, પણ મારો પોતાનો અવાજ સાંભળવો હોય છે.
- જો  તમને લાગતું હોય કે બધું ઠપ્પ થઈ ગયું છે તો એનો એક જ ઉપાય છે – સમય. થોડો સમય જવા દો, બધું ઠીક થવા માંડશે.
- નીચે ગયા વગર તમે ઉપર જઈ શકાતું નથી.
- મારે એટલાં પારદર્શક પણ નથી બનવું કે જેથી કે તમે મારાં મનમાં ચાલતા વિચારો વાંચી લો. સાથે સાથે મારે એવા પણ બનવું નથી કે જેથી હું કૃત્રિમ દેખાઉં. આ બન્નેની વચ્ચેની કોઈ સ્થિતિ છે ખરી?
- ક્યારેક મને કોઈના પ્રત્યે નેગેટિવિ ફીલિંગ જાગે તો એને માફ કરી દેવાને બદલે કે જતું કરવાને બદલે હું એ નકારાત્મક લાગણીને વળગી રહેવામાં વધારે આનંદ અનુભવું છું. નકારાત્મક લાગણીને વળગી રહેવાથી જાણે એક વિચિત્ર પ્રકારના પાવરનો અનુભવ થાય છે, જાણે સામેની વ્યક્તિ કરતાં આપણો હાથ ઊંચો હોય એવું આપણને લાગે છે. આ એક પ્રકારની જાળ છે. એમાં સપડાઈ જવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.
- ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી એવું કહેવાય છે, પણ આ કહેવત માત્ર એ લોકો પૂરતી સાચી છે જેમનામાં તમારી પ્રામાણિકતા સહન કરી શકવાની તાકાત હોય,
- મારા વિચારો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા છે. મને હવે ખરેખર એમની સાથે બનતું નથી!
- જો તમે ખુદની જિંદગી બદલી શકો એમ ન હો તો પણ બીજાઓની જિંદગી તો બદલી જ શકો છો.
- તમને બધી જ હકીકતો અને વિગતોની જાણ હોય એને કારણે પરિસ્થિતિ કંઈ આસાન બની જતી નથી.
- આરોહણ કરવા માટે ઊંચામાં ઊંચું શિખર પસંદ કરો. ખિલખિલાટ હસવા માટે, પ્રકાશિત થઈને લોકો પર છવાઈ જવા માટે ઉદાસમાં ઉદાસ દિવસ પસંદ કરો.  
- કેટલાક શબ્દો સોના કરતાંય વધારે મૂલ્યવાન છે. એ બોલવામાં સંકોચ ન અનુભવો. કહો કે આઇ એમ સોરી. કહો કે હું તને માફ કરું છું. કહો કે થેન્ક યુ. કહો કે તમારું સ્વાગત છે. કહો કે આઇ લવ યુ. કહો કે આઇ લવ યુ ટુ.
...લોંગ લિવ આયેશા!
0 0 0  

No comments:

Post a Comment