Tuesday, August 6, 2019

અલગ છતાંય લગોલગ


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 7 ઓગસ્ટ 2019 બુધવાર
ટેક ઓફ 
સરખેસરખા લેખકો, કળાકારો, કસબીઓ, અભ્યાસીઓ કોઈ એક રમણીય સ્થળે સહવાસ ગાળે તો શી ઘટના બને?
બ્દોની રાહ જોતો કોરોકટ કાગળ અથવા તો એકધારું સામું તાકી રહેલી કમ્પ્યુટરની ખાલીખમ સ્ક્રીન – એક લેખક માટે આના કરતાં વધારે ડરામણી વસ્તુ સંભવતઃ બીજી કોઈ નથી. શું લખવું એ ભરપૂર એકાગ્રતા સાથે તંગ દોરડા પર વાંસડો લઈને ચાલવા જેવી એકાકી પ્રવૃત્તિ છે? કે પછી, અધ્ધર ઝુલા પર હિંચકતાં હિંચકતાં, એકબીજાના હાથ કે પગના ટેકે ઊંધાચત્તા લટકતાં લકટતાં, એકમેકને કેચ કરતા સરકસના ખેલાડીઓ જેવી સમૂહપ્રવૃત્તિ?
લેખનપ્રક્રિયા મૂળભૂત રીતે એકાકી પ્રવૃત્તિ છે તે સાચું, લખવું એ નાટક કરવા જેવી પર્ફોર્મિંગ આર્ટ નથી જ નથી તે પણ સાચું, પરંતુ સર્જનાત્મકતા અને એકલતા વચ્ચેનો સંબંધ જેવો દૂરથી દેખાય છે એવો સીધો ને સરળ નથી. કમ સે કમ સાહચર્ય શિબિરલેખનની અનુભવકથાઓ તો આવું જ કહે છે. ગુજરાતી સાહિત્યના સક્રિય પ્રેમીઓને ગદ્યપર્વ સામયિક માટે વિશેષ આદર હોવાનો. આ સામયિકે આધુનિક ગુજરાતી વાર્તા અને વાર્તાકારોને સુંદર રીતે પોષ્યાં છે. ગદ્યપર્વની આયુષ્યરેખા પર ભલે પૂર્ણવિરામ મૂકાયું, પણ સામયિકના આકર્ષક ફાંટા જેવી સાહચર્ય લેખનશિબિરનું આયોજન નિયમિતપણે થતું રહ્યું. તેમાં લેખકો ઉપરાંત દરજ્જેદાર ચિત્રકારો અને નાટ્યકારો પણ ભાગ લે. સળંગ ત્રણચાર દિવસ માટે સૌ એકબીજાનાં બાઉન્સિંગ બોર્ડ બને ને આ રીતે સમૂહની વચ્ચે રહીને પણ વ્યક્તિગત સ્તરે સર્જન થતું રહે.            
આમ તો સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમ હેઠળ વર્ષમાં બે-ત્રણ વાર લેખનશિબિરોનું આયોજન હજુ પણ થાય જ છે. ગદ્યપર્વ અને સાહચર્ય લેખનશિબિરનાં જન્મદાતા ભરત નાયક – ગીતા નાયક પણ સુરેશ જોષીના સાહિત્યવિચારોથી જ દીક્ષિત થયેલાં છેને. એકલા લેખનશિબિર શબ્દ પરથી આ પ્રવૃત્તિનો ભાવ કે જાદુ પકડી શકાતાં નથી. તે માટે દીપક દોશીએ સંપાદિત કરેલા સાહચર્યઃ લેખનશિબિરનાં ત્રીસ વર્ષ નામના મસ્તમજાના પુસ્તકમાંથી પસાર થવું પડે. ભરત નાયક એમના લેખમાં સમૂહલેખન પ્રવૃત્તિને આ રીતે ઊઘાડે છેઃ   

વિચાર એવો જાગ્યોઃ સરખેસરખા લેખકો, કળાકાર, કસબી, અભ્યાસી કોઈ એક રમણીય સ્થળે સહવાસ ગાળે તો શી ઘટના બને? વળી સરખેસરખા મળે તો ગાંઠના ખર્ચે મળે. ખોટ પડ્યે બીજા ઉમેરે. અને મળીએ ત્યારે, દરમિયાન ને પછી કોઈ ઔપચારિકતા ન હોય, કોઈ વિઘિ ન હોય, કોઈ નિષેધ ન હોય તો?... સાહચર્યશિબિરમાં લેખન કોઈએ નવુંનક્કોર આદર્યું. કોઈએ આદર્યું અધૂરું હોય એ પૂરું કર્યું. કોઈએ પૂરું કર્યું હોય એ ભેગું આણ્યું. જેટલું નીવડ્યું એ વખાણ્યું. કોઈએ કાચું કાપ્યું હોય એમણે મઠાર્યું. કોઈકે રદ કર્યું ને નવું માંડ્યું. લેખન કરનારાનાં વિચારવિમર્શ – વાદ – ચર્ચા ચાકમાં ચાલ્યાં... અહીં તો બેઉ નહીં, બધા જ બળિયા. કોઈ જેર થયું. કોઈએ જીવતદાન મેળવ્યું. કોઈ વધેરાયું. કોઈકે ચાંદ મેળવ્યા. કોઈકને મળ્યું ટાઢા પાણીનું સ્નાન.
આ બધા બળિયા ને સરખેસરખા દર વર્ષે ક્યાં ભેગા થાય? દીવ, દમણ, તીથલ, રાજકોટ, લુણાવાડા, નવસારી, સાપુતારા, માથેરાન, લોનાવાલા, ખંડાલા ઇત્યાદિમાંથી ક્યાંય પણ. જગ્યાઓ પણ કેવી આકર્ષક! લેખનશિબિરમાં એકલું લેખન જ ન થાય. એક બાજુ લખાતું જાય ને બીજી બાજુ, ભરત નાયક કહે છે તેમ, બપોરનાં ભાણાંને બિયરનો છંટકાવ થાય, સૂરજ આથમ્યે વાળુમાં વ્હિસ્કી વિથ સોડા’!

સાહચર્ય લેખનશિબિરમાં કેવાં દશ્યો ઊભાં થાય? હર્ષદ ત્રિવેદીના શબ્દોમાં કહીએ તો, સ્ક્રિપ્ટ વિનાના ત્રણ-ચાર દિવસ ચાલે એવા નાટક જેવાં! હર્ષદ ત્રિવેદીએ કેટલાંક સુંદર શબ્દચિત્રો દોર્યાં છેઃ
કિરીટ (દૂધાત) મોટા ફાફડા જેવા ગોળ ગોળ અક્ષરે લખે. લખે ત્યારે આખું શરીર લેખનના લયમાં હલ્યા કરે. એનું મોટું માથું સમગ્ર શરીરના લયમાં ન ગોઠવાય. વારે વારે નાક સાફ કર્યા કરે. એક પેરેગ્રાફ લખે ને ઊભો થાય. બે-ચાર આંટા આંટા મારી આવે. લખતા હોય એને સળી ન કરે, પણ જે વિચાર્યા જ કરતા હોય એમને જઈને કહે, સાલ્લું આ લખવાનો જબ્બર કંટાળો આવે છે નંઈ?’... બિપિન (પટેલ)ની લેખનપ્રક્રિયા તદ્દન જુદી. એકાદ પાનું લખ્યા પછી કોઈને ન બતાવે તો ચેન ન પડે. કહેવું જોઈએ કે આ બધા મિત્રો અદભુત હતા. એને પાનો ચડાવે. બિપિન લખતો રહે ને એની વાર્તા પૂરી થાય ત્યારે સમગ્ર વિશ્વ હાશકારો અનુભવે... ભરતભાઈ (નાયક) એમનું લખાણ વાંચવાના હોય એ સાંજથી જ ગીતાબહેન (નાયક)નાં રુંવાડાં ઊભાં થઈ ગયાં હોય. પઠન દરમિયાન અમે કંઈક હલનચલન કરીએ તો એ અકળાઈ જાય. વણકહ્યે પણ એમની  અપેક્ષા એવી કે રાજાની સવારીમાં ચૂં-ચાં ન ચાલે.
અફ કોર્સ, બૌદ્ધિક તડાફડી પણ થાય જ. જેમ કે, બિપિન પટેલની એક વાર્તાના અંત વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે પ્રબોધ પરીખે ટિપ્પણી કરી કે આપણને સુખાંત ફાવી ગયો છે. ખાધું પીધું ને રાજ કર્યુંમાં મહાલવાની સદીઓથી પડેલી ટેવ જતી નથી. આજની માનવ, આધુનિક માનવ સુખી કેવી રીતે હોઈ શકે? વી ઓલ આર કન્ડેમ્ડ ટુ લિવ. તરત કિરીત દૂધાતે દલીલ કરી કે વિદેશી સાહિત્ય વાંચી વાંચીને આપણે એમની સમસ્યાઓને આપણી કરીને મનમાં રોપી દઈએ છીએ ને આપણાં સર્જનોમાં પણ એનાં ચાળાં પાડીએ છીએ બિપીન પટેલે ઉર્મેયું કે આપણાં ને એમનાં જેમ જીવન નોખાં તેમ દુખ પણ નોખાં. આપણને કઈ એકલતા પીડે છે? આપણે (એટલે કે ભારતીયો, પૂર્વના લોકો) એકલા છીએ જ નહીં. આપણે સમૂહમાં રહેનારા અને મોટેથી બોલનારા છીએ. તેથી વાર્તાનો સુખદ અંત બિલકુલ હોઈ શકે છે!


અહીં ઉલ્લેખ પામેલાં બધાં જ આધુનિક ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલાં આદરપાત્ર નામો છે. આ ઉપરાંત હિમાંશી શેલત, બાબુ સુથાર, કાનજી પટેલ, બકુલ ટેલર, મનોજ શાહ સહિતના બીજાં ઘણાં સર્જકો-અભ્યાસુઓ આ એલિટ અને કેવળ આમંત્રણ દ્વારા જ પ્રવેશી શકાય એવી લેખનશિબિરનાં માનીતાં સભ્યો છે. સાહચર્ય લેખનશિબિરો ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ અને અતુલ ડોડિયા જેવા ચિત્રકારોની વિશ્વસ્તરે પહોંચેલી ક્રિયેટિવિટીના ગ્રાફની પણ સાક્ષી છે. લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને સાહચર્યની શિબિરોએ શું શું આપ્યું? ઘણું બધું. જેમ કે, ભૂપેન ખખ્ખરે શિબિરમાં જ અડધુંપડધું સર્જેલું  અફલાતૂન નાટક મોજીલા મણિલાલ, જેનું ડિરેક્શન જોકે મહેન્દ્ર જોશીએ કર્યું હતું.
હર્ષદ ત્રિવેદીનું આ નિરીક્ષણ પણ સરસ છેઃ (સાહચર્ય લેખનશિબરમાં ભાગ લેનારા) આ સૌ સાહિત્યકારો અલગ અલગ પ્રદેશના. લખે ગુજરાતીમાં જ પણ દરેકની ગુજરાતી જુદી. પાત્ર-પરિવેશ નોખાંનોખાં, પરિણામે વૈવિધ્ય અને આશ્ચર્યનો તો પાર જ નહીં. હાજર હોય એની વાતો તો થાય જ પણ ગેરહાજર હોય ને જેના પરિચયમાં આવ્યા હોય એની પણ વાત થાય. સ્થૂળ-સૂક્ષ્મ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય ઉપસ્થિત થઈ ગયું હોય એવું જગત લાગે.
ફરી એ જ સવાલ. મિત્રોના સંગાથમાં ખીલી શકતા કલાકારોની વાત અલગ છે, પણ સ્વભાવે અંતર્મુખ, ઓછાબોલા, ઇવન સોશિયલી ઑકવર્ડ એવા સર્જકોને આટલા બધા લોકો સાથે રહેવાનું, લખવાનું ને પાછું શેર કરવાનું કેવી રીતે ફાવે? એમના માટે આ પ્રકારની શિબિરો કેવી રીતે ઉપકારક બને? આનો જવાબ કદાચ અજય સરવૈયા પાસે છે. એમને સાહચર્ય લેખનશિબિરમાં જવું એટલા માટે ગમતું કે, કશુંક બને, ઘટે એટલા માટે નહીં, કળા કે જીવનનો અર્થ મળી જાય કે શોઘી લેવાય એવી રોમેન્ટિક ભ્રમણા માટે પણ નહીં, પણ આમ આ રીતે, જુદી જુદી રીતે સાથે હોઈ શકાય એવી અનુભવની શક્યતાનો તાગ કાઢવા, કોઈ ફોર્મલ ચોક્કસ માળખા વિના, જેથી ફ્રીડમ શ્વાસ લઈ શકે, પ્રતિભા આકાર લઈ શકે, જેથી જાતને તપાસી શકાય, અન્યને સમજી શકાય...
જો આટલું મળી શકતું હોય તો વધારે જોઈએ પણ શું! સર્જન અમુક સંજોગોમાં જ થાય ને અમુક સંજોગોમાં ન જ થાય એવી પૂર્વધારણાઓમાં બંધાઈ રહેવા જેવું નથી. ક્રિયેટિવિટીનો તો સ્વભાવ છે માણસને આશ્ચર્યચકિત કરવાનો. આ આશ્ચર્યો એકાંતમાં પણ સર્જાય ને સમૂહમાં પણ સર્જાય, ખરું?
0 0 0   

No comments:

Post a Comment