Wednesday, February 20, 2019

હિપ હોપ કલ્ચરઃ આક્રોશમાંથી ફૂટેલું ખરબચડું સત્ય


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 ફેબ્રુઆરી 2019 
ટેક ઓફ 
અમેરિકામાં હિપ હોપ સંગીત સમાજના દમિત, શોષિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા ગરીબ વર્ગના અપમાનબોધમાંથી ફાટ્યું હતું. ઇન્ડિયન હિપ હોપ જેવી કોઈ વસ્તુ છે ખરી?

ન્ડિયન હિપ હોપ જેવી કોઈ વસ્તુ છે ખરી? તાજેતરમાં રિલીઝ થયેલી ગલી બોય નામની અફલાતૂન ફિલ્મ અને તેના ગેમ-ચેન્જર પૂરવાર થયેલા સંગીતના પ્રતાપે આ પ્રશ્ન એકાએક સપાટી પર આવી ગયો છે. હિપ હોપ મ્યુઝિકનું ગોત્ર અમેરિકન છે, પણ જે રીતે જીન્સથી માંડીને બર્ગર સુધી અને વેલેન્ટાઇન ડેથી લઈને લિવ-ઇન રિલેશનશિપ સુધીની અસંખ્ય વસ્તુઓ, રીત-રિવાજો અને વ્યવહારો આપણે પશ્ચિમના કલ્ચરમાંથી ઊંચકીને પોતાનાં બનાવી નાખ્યાં છે, તે રીતે હિપ હોપ સંગીત પણ મૂળ અમેરિકન હોવા છતાં એની ઇન્ડિયન છટા વિકસી ગઈ છે.     
હિપ હોપ એ માત્ર સંગીતનો એક પ્રકાર નથી. હિપ હોપ એક કલ્ચર છે. તે અમેરિકાનું સંભવતઃ સૌથી ગતિશીલ પોપ (પોપ્યુલર) કલ્ચર છે. એમાંથી સંગીત ઉપરાંત નવા ડાન્સ મૂવ્ઝ અને નવી ફેશન સ્ટાઇલ પણ ઊભરતાં રહે છે અને જોતજોતામાં તે મેઇનસ્ટ્રીમ બનીને આખી દુનિયામાં ફેલાઈ જાય છે.  હિપ હોપ કલ્ચર માટે અનફિલ્ટર્ડ ટ્રુથ એવો શબ્દપ્રયોગ થાય છે. ગાળ્યાં વગરનું, તોલમાપ કર્યા વગરનું આકરું સત્ય! હિપ હોપ સંગીત રૉ છે. એ ખરબચડું અને ખૂંચે એવું છે. એમાં સુંવાળપ નથી. હિંસા અને દર્દનું તત્ત્વ જેટલું હિપ હોપમાં છે એટલું સંભવતઃ સંગીતના બીજા કોઈ પ્રકારમાં નથી.
હિપ હોપ સંગીત સમાજના દમિત, શોષિત, ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના દબાયેલા આક્રોશમાંથી ફૂટ્યું છે. હિપ હોપ કલ્ચરનો ઉદભવ 1973માં ન્યુ યોર્કના બ્રોન્ક્સ વિસ્તારમાં થયો હતો. હર્ક નામના એક ડીજે (ડિસ્ક જોકી), જે મૂળ જમૈકન હતો, એણે પોતાની બહેન માટે હેલોવીન ડાન્સ પાર્ટી ગોઠવી હતી. ડીજે હર્કે સંગીત વગાડતાં વગાડતાં કંઈક નવીન અખતરો કર્યો, જે લોકોને એ બહુ ગમ્યો. 
ડીજેનું કામ માત્ર સંગીત મિક્સ-એન્ડ-મેચ કરવાનું નથી. અનુભવી અને હોશિયાર ડીજે ટર્નટેબલ પર ડિસ્ક ફેરવતાં ફેરવતાં ભેગાભેગો કશુંક લયબદ્ધ અને ઝપાટાબંધ બોલતો પણ જાય છે. તે એકદમ સંગીતમય ન હોય, પણ એમાં શબ્દોનો પ્રાસ મળતો હોય, એક પ્રકારનો લય હોય, કોઈ ચોક્કસ મુદ્દા પર વાત કહેવાતી હોય અને શબ્દો ઠાંસી ઠાંસીને ભર્યા હોય. આને રેપ સોંગ કહે છે. (આર-એ-પી રેપ. આર-એ-પે-ઈ રેપ એટલે બળાત્કાર. આ આખા લેખમાં જ્યાં રેપ શબ્દ આવે ત્યાં સંગીત સાથે સંબંધ ધરાવતો આર-એ-પી રેપ શબ્દ મનમાં લાવવો.) રેપ સોંગમાં જાણે મશીનગન ચાલતી હોય એટલી ત્વરાથી શબ્દો ફેંકાતા રહે છે. આથી ત્રણ મિનિટના સામાન્ય ગીત કરતાં એક રેપ સોંગમાં ઘણા વધારે શબ્દો સમાયેલા હોય છે. એક સાદા ગીત કરતાં એક રેપ સોંગ ઘણું વધારે વ્યક્ત કરી શકે છે.  

ડીજે હર્ક માત્ર વિડીયો જોકી નહોતો, તે એમસી પણ હતો. એમસી એટલે માઇક્રોફોન કંટ્રોલર, માઇક્રોફોન ચેકર, મ્યુઝિક કમેન્ટેટર અથવા એવી વ્યક્તિ હુ મૂવ્ઝ ધ ક્રાઉડ.  એક ગીત પૂરું થયા પછી બીજા ગીત પર જતાં પહેલાં વચ્ચેના ભાગમાં એમસી ઝપાટાબંધ રેપ સોંગ ગાય. એમાં આગલા ગીતનું ઇન્ટ્રોડક્શન પણ આવી જાય અને એ સિવાય પોતે જે કંઈ વાત કરવી હોય તેનો સમાવેશ પણ થઈ જાય. એમસી જેટલો વધારે અનુભવી એટલા એના લિરિક્સ (ગીતના શબ્દો) વધારે ઇન્ટરેસ્ટિંગ.
વીજે હર્કના આ સંગીતમય અખતરા લોકોને ગમવા લાગ્યા. એણે પછી તો કેટલીય જગ્યાએ તે અજમાવ્યા. એનું જોઈને બીજા લોકોએ પણ શરૂ કર્યું. નાઇટ ક્લબ્સમાં, ડાન્સ પાર્ટીઓમાં એમસીનાં આ પ્રકારનાં પર્ફોર્મન્સીસ લોકોને વિશેષપણે આકર્ષવા લાગ્યાં. તેમાં બ્રેકડાન્સના અવનવાં સ્ટેપ્સ ઉમેરાયાં. બ્રેકડાન્સર્સ માટે બી-બોય્ઝ અને બી-ગર્લ્સ જેવા શબ્દો ચલણમાં આવ્યા. આ બધી માધ્યમો હતાં, મનની લાગણીઓને વાચા આપવાનાં. એમાં ગ્રાફિટીનો પણ ઉમેરો થયો. ગ્રાફિટી એટલે જાહેર દીવાલો પર કલર સ્પ્રે કરીને લાઉડ ચિત્રો દોરવાં કે લખાણ લખવું. આ પ્રતીકાત્મક ચિત્રો અને લખાણ સામાન્યપણે સોશિયલ કોમેન્ટ્રી પ્રકારનાં હોય. ડિસ્ક જોકી (અથવા એમસી), રેપ સોંગ્સ, બ્રેકડાન્સિંગ અને ગ્રાફિટી - આ ચારેય અભિવ્યક્તિઓનો સરવાળો સંયુક્તપણે હિપ હોપ કલ્ચર તરીકે ઓળખાયો.
હિપ હોપ સંગીતની લોકપ્રિયતાનું એક મોટું કારણ એ છે કે તે રચવા માટે સંગીતની ઊંડી તાલીમ લેવાની કે મોંઘાં ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડતી નથી. તમારો અવાજ અદભુત હોય તે જરૂરી નથી. અરે, તમને ગાતાં ન આવડતું હોય તો પણ ચાલે! રેપ સોંગ્સ લખવા માટે શબ્દો કે ભાષા પર પ્રભુત્વ હોવાની પણ કશી આવશ્યકતા નથી. તમે બોલચાલના શબ્દોથી મનની વાત કહી શકો એટલું પૂરતું છે! સ્નૂપ ડોગ, ડો. ડ્રે વગેરેએ હિપ હોપ સંગીતને એક ઊંચાઈ સુધી લઈ જવામાં મોટો ફાળો આપ્યો છે. આજની તારીખે એમિનેમ, ફિફ્ટી સેન્ટ, જે-ઝી, એકોન (જેણે શાહરૂખ ખાનવાળી ફિલ્મ રા.વનમાં છમ્મકછલ્લો ગીત ગાયું હતું), બ્લેક આઇડ પીઝ, ટી-પેઇન વગેરે સૌથી વધારે પોપ્યુલર હિપ હોપ મ્યુશિયન્સ છે.
હિપ હોપનો સંબંધ મુખ્યત્વે આફ્રિકન-અમેરિકન યુથ સાથે છે. જેમની પાસે પૂરતા નાણાં નથી, કામ નથી, સામાજિક મોભો નથી, જેમણે જીવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવો પડે છે તેઓ પોતાની મનની ભડાસ હિપ હોપ સંગીત રચીને કાઢવા લાગ્યા. અશ્વેત પ્રજાએ આમેય સદીઓથી ખૂબ સંઘર્ષ જોયો છે. તેઓ રંગભેદ અને અમાનવીય ગુલામીપ્રથાનો ભોગ બની ચુક્યા છે. ઇવન આજની તારીખે પણ તેમની રેસીઝમની ફરિયાદ અટકી નથી. ભૂતકાળમાં તદન છેવાડાનું જીવન જીવતા અશ્વેત લોકો મનોરંજન માટે ભેગા થઈને રાઇમિંગ ગેમ્સ એટલે કે પ્રાસ મળે એ પ્રકારના જોડકણાં જેવા ગીતો બનાવીને ગાતા. અત્યારની અશ્વેત પ્રજાને આ અપમાનબોધ તેમજ ઓરલ ટ્રેડિશન વારસામાં મળ્યો છે, જે હવે રેપ સોંગ્સ અને હિપ હોપ કલ્ચરના સ્વરૂપમાં વ્યક્ત થાય છે.
પશ્ચિમમાં, ખાસ કરીને અમેરિકામાં રાજકારણીઓ અને મિડીયાનો એક વર્ગ યુવાવર્ગમાં વિકરી ગયેલી હિંસાવૃત્તિ માટે હિપ હોપ કલ્ચર તરફ આંગળી ચીંધે છે. એક વર્ગ માને છે કે હિપ હોપમાં કળાના નામે જે ફૂવડગીરી પેશ થાય છે તેનાથી સમગ્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બદનામ થઈ રહી છે. આની સામે હિપ હોપનો બચાવ કરનારાઓ કહે છે કે આ કલ્ચર યા તો સંગીત કંઈ હિંસાને ગ્લોરીફાય કરતું નથી. અમુક રેપ સિંગર્સ પોતાના રોજિંદા જીવનના સંઘર્ષોની વાત કરતાં કરતાં વચ્ચે વચ્ચે ક્યારેક હિંસાની વાત કરી નાખે છે એટલું જ. આ શાબ્દિક હિંસા શા માટે અને ક્યાંથી આવી છે એ તો તમે જુઓ! સંગીતને સેન્સર કરવાને બદલે આ પોલિટિશીયનો અને ચોખલિયાઓ આર્થિક તેમજ સામાજિક અસમાનતા દૂર કરવાની કોશિશ કેમ કરતાં નથી? સમાજના ગરીબ (વાંચોઃ અશ્વેત) વર્ગને પૂરતું શિક્ષણ, તબીબી સવલત વગેરે મળી રહે તે દિશામાં કેમ પૂરતાં પગલાં ભરતાં નથી?
આની પ્રતિદલીલમાં કહેવાય છે કે ક્યાં સુધી આ લોકો લઘુમતી-લઘુમતી અને અન્યાય-અન્યાયના (લિટરલી) ગાણાં ગાયા કરશે? એમના ઉત્થાન માટે અમેરિકન સરકાર વર્ષોથી કામ કરી જ રહી છે. જેમને મહેનત કરવી છે, જેમનામાં ધગશ છે તે ગરીબીના દલદલમાંથી બહાર આવે જ છે, સફળતા પામે જ છે. અરે, બરાક ઓબામા જેવી અશ્વેત વ્યક્તિ અમેરિકાના પ્રેસિડન્ટપદ સુધી પહોંચી ગઈ. બાકી મહેનત કરવાને બદલે જેમને માત્ર અન્યાયના મંજિરા વગાડવા છે ને વાતવાતમાં વિક્ટિમ કાર્ડ આગળ ધરવું છે એમનું કશું ન થઈ શકે.


હિપ હોપ કલ્ચર સ્વયં એક પ્રકારની આઇડેન્ટિટી ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે. સફળ હિપ હોપ આર્ટિસ્ટને તરત મોટી મ્યુઝિક કંપનીઓ ઊંચકી લે છે. આ આર્ટિસ્ટની લગામ કંપનીના હાઇ પ્રોફાઇલ (મોટે ભાગે ગોરા) સાહેબલોકોના હાથમાં આવી જાય છે. હિપ હોપ સંગીત કેવળ અશ્વેત પ્રજાની વાચા ન બની રહેતાં તે મેઇનસ્ટ્રીમ બને તેમજ દુનિયાભરના લોકોને રસ પડે અને તે માટે તેમાં અન્યાય-આક્રોશ સિવાયના વિષયો પર ઉમેરવામાં આવે છે. જે-ઝી સહિતના બીજા ઘણા ઉત્તમ હિપ હોપ આર્ટિસ્ટોના અમુક વિડીયો તમે જોશો તો એમાં ગ્લેમર, અર્ધનગ્ન કન્યાઓ અને ભૌતિકવાદની રેલમછેલ હોય છે. આવા હાડોહાડ શરીરવાદી ગીતો તેમજ વિડીયો માટે એમની ટીકા પણ થાય છે, કારણ કે હિપ હોપ કલ્ચરનો સંબંધ વૈભવમાં નહીં, પણ વંચિત હોવામાં છે!
અમેરિકાના પ્રભાવમાં આપણે ત્યાં જે હિપ હોપ કલ્ચર વિકસ્યું છે તેમાં પણ પુષ્કળ ગ્લેમર છે. યો યો હની સિંહ, બાદશાહ કે અન્ય ગાયકોનાં અમુક છીછરાં ગીતોમાં પાર્ટી, દારુ અને છોકરીના અંગઉપાંગના વર્ણનોની જમઘટ હોય છે. ગલી બોયના સંગીતથી એકાએક સૌને ભાન થયું છે કે ખરું ઇન્ડિયન હિપ હોપ તો આવું હોય. તેમાં ગરીબ પણ દિલદાર, મહત્ત્વાકાંક્ષી અને મહેનતકશ લોકોના સંઘર્ષનો પડઘો પડતો હોવો જોઈએ. ગલી બોયમાં હીરો રણવીર સિંહ કહે છે, અપના ટાઇમ આયેગા. લાગે છે, ઇન્ડિયન હિપ હોપ કા ટાઇમ ફાઇનલી આ ગયા!  

0 0 0 

No comments:

Post a Comment