Sunday, February 3, 2019

બોલિવૂડ કૉલિંગ

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 ફેબ્રુઆરી 2019

મલ્ટિપ્લેક્સ

દક્ષિણ ભારતીય ફિલ્મો, યુટ્યુબ, નેટફ્લિક્સ જેવાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ, મોડલિંગ વગેરે ક્ષેત્રોમાં હાલ એવી કઈ પ્રતિભાઓ છે જેને બોલિવૂડે તાત્કાલિક ઇમ્પોર્ટ કરી લેવી જોઈએ?


પણે હિંદી સિવાયની ભારતની અન્યભાષી ફિલ્મો, યુટ્યુબની જાતજાતની ચેનલો અને નેટફ્લિક્સ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જુદા જુદા શો એન્જોય કરતા હોઈએ ત્યારે અચાનક કોઈક પ્રતિભા આપણું ધ્યાન એકદમ ખેંચી લે છે. આપણે થાય કે આ છોકરો યા તો છોકરીએ તો બોલિવૂડમાં હોવું જોઈએ! આ રહી એવી કેટલીક પ્રતિભાઓ જે આવનારા ભવિષ્યમાં બોલિવૂડમાં તરખાટ મચાવે તો જરાય આશ્ચર્ય ન પામતા. શરૂઆત એક સાઉથ ઇન્ડિયન હીરોથી કરીએ.   

વિજય દેવરકોંડાઃ

કરણ જોહરે અથવા બોલિવૂડના બીજા કોઈ પણ ટોપ ફિલ્મમેકરે બધાં કામ પડતાં મૂકીને વહેલી તકે આ 29 વર્ષીય એક્ટરને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કિડનેપ કરીને મુંબઈ તાણી લાવવો જોઈએ. હૈદરાબાદી વિજય દક્ષિણ ભારતનો હાલનો સૌથી હેન્ડસમ અને સૌથી કેરિશ્મેટિક યંગ સ્ટાર છે. એને તમે તેલુગુ ફિલ્મોમાં જુઓ, એના કોઈ પણ ઇન્ટરવ્યુમાં જુઓ કે સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે પ્રશ્નોત્તરી કરતા જુઓ, એનો ચાર્મ અને કોન્ફિડન્સ કંઈક અલગ જ લેવલના લાગશે. મૂળ થિયેટર એક્ટર એવા વિજયની પહેલી જ તેલુગુ ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો હતો. એની બીજી ફિલ્મ અર્જુન રેડ્ડી સુપરડુપર હિટ થઈ. એમાં એ માથાફરેલ ડોક્ટર પ્રેમી બન્યો હતો. અજર્ન રેડ્ડી પરથી હાલ બની રહેલી હિન્દી ફિલ્મમાં વિજયવાળો રોલ શાહિદ કપૂર કરી રહ્યો છે. અર્જુન રેડ્ડી પછી વિજયની ત્રણ ફિલ્મો આવી. બધ્ધેબધ્ધી હિટ. આપણી શ્રીદેવીપુત્રી જ્હાનવી કપૂર તો કોફી વિથ કરનમાં બોલી પણ હતી કે મને વિજય દેવરકોંડા સાથે કામ કરવાના બહુ કોડ છે. સાચ્ચે, વિજય સાથે જ્હાનવી અને સારા અલી ખાન જેવી નવી કન્યાઓ જ નહીં, પણ દીપિકા અને આલિયા જેવી એસ્ટાબ્લિશ્ડ હિરોઈનોની જોડી પણ મસ્ત જામે એમ છે.

ભુવન બામઃ

આ ચોવીસ વર્ષનો જુવાનિયો યુટ્યુબ પર ભલભલા ફિલ્મ સ્ટારને પણ ચક્કર આવી જાય એટલો પોપ્યુલર છે. ભારતનો એ સૌથી સફળ યુટ્યુબર છે. બીબી કી વાઇન્સ નામની પોતાની હિન્દી યુટ્યુબ ચેનલ પર એ સમયાંતરે કોમેડી વિડીયો બનાવી બનાવીને મૂક્યા કરે છે જે ગાંડાની જેમ જોવાય છે. હાલ એની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબની સંખ્યા 1 કરોડ 19 લાખ કરતાં પણ વધારે છે. આ આંકડો કેટલો તોતિંગ કહેવાય તે સમજવા માટે જાણી લો કે શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 45 લાખ છે, સલમાન ખાનની કંપની એસકેએફની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબર્સ કેવળ 14 લાખની આસપાસ અને નેટફ્લિક્સ જેવું નેટફ્લિક્સ આજની તારીખે ભારતમાં માત્ર  62 લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. મતલબ કે 24 વર્ષીય ભુવન યુટ્યુબ સબસ્ક્રાઇબર્સના મામલામાં બીજાઓ કરતાં જોજનો આગળ છે.

ભુવન બામ પોતાની કોમેડી સ્ક્રિપ્ટ ખુદ લખે છે. આઠ-દસ જેટલા કેરેક્ટર્સ પોતે એકલો જ ભજવે છે, જેમાં ત્રણ યુવાન દોસ્તાર, એમના સ્કૂલ ટીચર, મેઇન છોકરાના મમ્મી-પપ્પા-મામા વગેરે આવી ગયા. અવાજ અને ગેટ-અપ બદલી-બદલીને એ સૌની આબાદ એક્ટિંગ કરે છે.  ભુવનની ટેક્નિકલ પ્રોસેસ સાવ સાદી છે. એક હાથમાં મોબાઇલ પકડવાનો, ખુદનું શૂટિંગ કરવાનું, જાતે એડિટ કરવાનું, ઇન્ટરનેટ પર ફ્રીમાં  અવેલેબલ હોય એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરી દેવાનું ને પછી વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી દેવાનો. સિમ્પલ. હા, ભુવનની કોમેડીમાં ગાળોની ભરમાર હોવાથી ચોખલિયા લોકોને તે ગમતી નથી. જોકે ભારતમાં ઝપાટાબંધ વિકસી રહેલી  સ્ટેન્ડ કોમેડી અને રમૂજના અન્ય પ્રકારોને લીધે ગાળો ધીમે ધીમે મેઇનસ્ટ્રીમ બની રહી છે. એટલેસ્તો યંગસ્ટર્સને ઉપરાંત વડીલોને પણ ભુવનના વિડીયોમાં સોલિડ મજા પડે છે. ભુવનના એક-એક વિડીયોને એક-દોઢ-બે કરોડ જેટલા તોતિંગ વ્યુઝ મળે છે.  શાહરૂખ જેવા શાહરૂખે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભુવનની યુટ્યુબ ચેનલ પર આવવું પડે છે. ભુવન સિંગર-કંપોઝર પણ છે. વચ્ચે એણે પ્લસ માઇનસ નામની એક સરસ શોર્ટ ફિલ્મમાં દિવ્યા દત્તા સાથે એક્ટિંગ કરી હતી. એ હાલ બીબી કી વાઇન્સ નામની ફુલલેન્થ ફિલ્મ લખી રહ્યો છે. એનું પ્રિમીયર યુટ્યુબ પર જ આ વર્ષને અંતે થશે. આ જુવાનિયાનો જો હિંદી ફિલ્મોવાળા સ્માર્ટ રીતે ઉપયોગ કરે તો એ મોટા પડદે એ તરખાટ મચાવી શકે એમ છે. 

પ્રાજક્તા કોળીઃ

પ્રાજક્તા પણ બહુ જ પોપ્યુલર યુટ્યુબર છે. મોસ્ટલી સેન નામની એની ચેનલને 31 લાખ કરતાં વધારે સબસ્ક્રાઇબર્સ છે. અત્યંત ચુલબુલી, બોલકી, રમતિયાળ અને દર્શકો સાથે તરત કનેક્ટ થઈ જાય એવી હૂંફાળી એની પર્સનાલિટી છે. પ્રાજક્તાની શિસ્ત અને મહેનત એટલે કહેવું પડે. અઠવાડિયામાં એ એક નહીં, ત્રણ ત્રણ નવા વિડીયો અપલોડ કરે છે. ભુવન બામના વિડીયો ટેક્નિકલી સાવ સાદા હોય છે, પણ પ્રાજક્તા એના કોમેડી વિડીયો પાછળ ખૂબ જહેમત ઉઠાવે છે. પ્રાજક્તા યુટ્યુબ પર ઓલરેડી સ્ટાર સ્ટેટસ ભોગવે છે. એ મીટ-અપ ઇવેન્ટ ગોઠવે છે ત્યારે એને જોવા-સાંભળવા દસ-દસ હજાર લોકોની મેદની ઉમટી પડે છે. વચ્ચે વોટ્સએપ પર ફેલાતા ફેક ન્યુઝ વિશેની એડમાં એ ચમકી હતી. એ યુનાઈટેડ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાના ઓબામા ફાઉન્ડેશને પોતાની એક ઇવેન્ટમાં ભારતીય યુટ્યુબ ક્રિએટર તરીકે પ્રાજક્તાને ખાસ અમેરિકા તેડાવી હતી. મિથિલા પાલકર નામની ચુલબુલી છોકરી ઓલરેડી યુટ્યુબ પરથી ઊંચકાઈને ફિલ્મસ્ટાર બની ચુકી છે. પ્રાજક્તા ઇઝ નેક્સ્ટ-ઇન-લાઇન. બસ, કોઈ ફિલ્મમેકરની નજર પડે એટલી વાર છેઍ

નિખિલ શર્માઃ
આ જુવાનિયો પણ ધ્ચાનાકર્ષક યુટ્યુબ સેલિબ્રિટી છે.  એની મુંબાઇકર નિખિલનામની ચેનલના બાવીસ લાખ કરતાં વધારે સબસ્ક્રાઇબર્સ છે. એણે શરૂઆત તો બાઇકર તરીકે કરી હતી. એ પોતાની બાઇક પર લેહ-લડાખ ગયો હતો અને રોજે રોજ પોતાની વિડીયો ડાયરી ઇન્ટરનેટ પર શેર કરી હતી. પછી કાશ્મીરથી કન્યાકુમારી બાઇક પર મુસાફરી કરેલા. એના પણ વ્લોગ (વિડીયો બ્લોગ) બનાવ્યા. એની પોપ્યુલારિટી ઝપાટાભેર વધતી ગઈ. હવે તો એને દુનિયાભરમાંથી જુદી જુદી ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળે છે, અલગ અલગ દેશોના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી પણ એને પેઇડ હોલિડે ઓફર થાય છે. નિખિલ આજના શહેરી યંગસ્ટર જેવો જ છે – લહેરીલાલો, કેરફ્રી છતાંય મહત્વાકાંક્ષી અને મહેનતુ. એ કુદરતી રીતે સ્ટાઇલિશ અને ચાર્મિંગ બંદો છે. એના ચાહકોને તે ખૂબ આત્મીય અને પોતાનો માણસ લાગે છે. બોલિવૂડના કોઈ ફિલ્મમેકર ચાન્સ લઈને નિખિલનું ગ્રુમિંગ કરે અને જો નસીબ પણ સાથ આપે તો એની સામે નવું આકાશ ખૂલી શકે એમ છે.

ધ્રુવ સહગલઃ
આજકાલ ધ્રુવ સહગલને આપણે આલિયા ભટ્ટ સાથે ઉબર ઇટ્સની ટીંડા મોમેન્ટ્સવાળી એડમાં જોઈએ છીએ. ધ્રુવ જેટલો સહજ એક્ટર છે એના કરતાં ઘણો વધારે ચડિયાતો લેખક છે. નેટફ્લિક્સ પર એની લિટલ થિંગ્સ સિરીઝની સિઝન ટુ જોઈ છે તમે? મિથિલા પાલકર અને ધ્રુવ એમાં યંગ લિવ-ઇન કપલ બન્યાં છે. ધ્રુવે ખુદ આ શો લખ્યો છે. આમાં કોઈ મોટો ડ્રામા બનતો નથી, અસાધારણ પરિસિથિતિઓ સર્જાતી નથી, સસ્પેન્સ નથી, વેબ-સિરીઝ હોવા છતાં સેક્સ પણ નથી. માત્ર રોજ-બ-રોજની, નાની નાની, સહજ ઘટનાઓનું આલેખન છે, છતાંય શો જલસો કરાવે છે. બોલિવૂડે ધ્રૂવને ફટાક કરતો ઊંચકી લેવા જેવો છે. એક્ટર કરતાંય ખાસ તો રાઇટર તરીકે.

દિનેશ મોહનઃ
બહુ કરી જુવાનિયાઓની વાતો. હવે એક કમાલના વડીલની વાત કરીએ. આ સાઠ વર્ષીય સિનિયર સિટીઝનનું નામ છે, દિનેશ મોહન. અંગત જીવનમાં ભયાનક ઉથલપાથલ અને તીવ્ર ડિપ્રેશનના લાંબા ગાળામાંથી પસાર થયા બાદ, શરીર પર સવાસો કિલો ખડકી દીધા બાદ, 57 વર્ષની ઉંમરે આ માણસ પોતાના જીવની લગામ ફરી હાથમાં લે છે. આકસ્મિક રીતે એ મોડલિંગના ક્ષેત્ર તરફ ધકેલાય છે ને જોતજોતામાં સુપરમોડલ તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે છે. દિનેશ મોહન મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતા છે. યુટ્યુબ પર એમના વિડીયો જોજો. શોર્ટ ફિલ્મોમાં તો એ ઓલરેડી એક્ટિંગ કરી ચુક્યા છે ને અવોર્ડ પણ જીતી ચુક્યા છે, પણ એમનો દેખાવ એટલો જાજવલ્યમાન અને પ્રભાવશાળી છે કે મોટો પડદો જ એમની પસર્નાલિટીને યોગ્ય ન્યાય આપી શકે. અગાઉ વાત કરી તે તમામ યંગસ્ટર્સ કરતાં બોલિવૂડમાં દિનેશ મોહનની સફળતાના ચાન્સ સૌથી વધારે છે!

0 0 0 



No comments:

Post a Comment