સંદેશ - સંસ્કાર
પૂર્તિ - 1 એપ્રિલ2018
કોલમઃ મલ્ટિપ્લેક્સ
મિડીયાના દાવપેચ સ્મિતાને બહુ સમજાતા નહીં, જ્યારે શબાના પત્રકારોને
ખાસ્સી ચતુરાઈથી હેન્ડલ કરી શકતાં. ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને પોતાની બાજુ કરી
લેવામાં સ્મિતા કાચાં પડતાં, જયારે આ મામલામાં પણ શબાના વધારે ઉસ્તાદ હતાં. સ્મિતા
પાટિલ માટે ફિલ્મમેકર શ્યામ બેનેગલ ‘ભોળીભટાક’ શબ્દ વાપરે છે.
શબાના આઝમીએ
તાજેતરમાં એક વિડીયો શોમાંકહ્યું હતું કે સ્મિતા પાટિલની હયાતીમાં મેં એના વિશે
અયોગ્ય કહેવાય એવી ભાષામાં ટિપ્પણીઓ કરી હતી અનેમારા આ ગેરવર્તન બદલ મને સખત અફસોસ
છે. સ્મિતાનાં મૃત્યુને ત્રણ દાયકા કરતાંય વધારે સમયગાળો વીતી ચુક્યો છે. વ્યક્તિ
જીવિત ન હોય, પોતાની બાજુ રજૂ કરવાની કે પ્રતિદલીલ કરી શકવાની સ્થિતિમાં ન હોય
ત્યારે સામેના માણસને કોઈ પણ વાત કે કિસ્સાને તોડીમરોડીને પોતાની તરફેણમાં પેશ
કરવાનો છૂટો દોર મળી જતો હોય છે. ધારત તો શબાના પણ એમ કરી શક્યાં હોય, પણ તેને
બદલે એમણે સતત પોતાની ભુલનો જાહેરમાં એકરાર
કર્યો છે. આ એમની મોટપ ગણાય.
શબાના આઝમી અને
સ્મિતા પાટિલ એટલે માત્ર હિન્દી નહીં, પણ ભારતીય સિનેમાની સર્વકાલીન મહાનતમ અભિનેત્રીઓ
તે એક સર્વસ્વીકૃત હકીકત છે.1970ના દાયકામાં હિન્દી સિનેમામાં આર્ટ ફિલ્મોનો
ટ્રેન્ડ શરૂ થયો હતો. શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, મૃણાલ સેનજેવા ફિલ્મમેકરોએ મરીમસાલાથી ભરપૂર ટિપિકલ કમર્શિયલ
ફિલ્મોથી દૂર રહીને રિયલિસ્ટિક ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી જેવા તગડાં કલાકારોનો ઉદય આ જ દૌરમાં થયો. ફર્સ્ટ-ટાઇમ
ડિરેક્ટર શ્યામ બેનેગલે પુનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાંથી તાજી તાજી બહાર આવેલી
શબાના આઝમીને પોતાની ‘અંકુર’
(1974) ફિલ્મ માટે સાઇન કર્યાં. શબાના કરતાં સ્મિતા
પાંચ વર્ષ નાનાં. એ પણ પુનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટની સ્ટુડન્ટ અને ‘મેરે સાથ ચલ’ નામની એની પહેલી ફિલ્મ પણ 1974માં જ
રિલીઝ થઈ હતી. ‘અંકુર’ ફિલ્મે તરત જ શબાનાને એક સુપર ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત
કરી દીધાં, જ્યારે સ્મિતા તરફ સૌનું ધ્યાન એક વર્ષ પછી ‘નિશાંત’ફિલ્મને કારણે ખેંચાયું. આ ફિલ્મ પણ શ્યામ બેનેગલે જ ડિરેક્ટ કરી હતી
અને એમાં શબાના આઝમી પણ હતાં.
શબાના અને
સ્મિતાએ પાંચ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે –‘નિશાંત’ (1975),‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’ (1981),‘મંડી’ (1983),‘અર્થ’ (1983) અને 0ઊંચ નીચ બીચ0 (1989). શબાના-સ્મિતા બન્ને એકબીજીના
માથાં ભાંગે એટલી પ્રતિભાવાન હતાં, બન્ને એક પ્રકારની ફિલ્મો કરતાં હતાં, બન્નેની સિનેમેટિક સેન્સિબિલિટી એકસમાન હતી, બન્નેનાં નામ
એકશ્ર્વાસે – એકસાથે લેવાતાં હતાં. એટલી હદે કે, શબાનાએ ખુદ
કહ્યું છે તેમ, હું ‘શબાના પાટિલ’ હતી અને એ ‘સ્મિતા આઝમી’! તેમની વચ્ચે હરીફાઈ થવી સ્વાભાવિક હતી. શરૂઆતમાં સ્પર્ધાનું તત્ત્વ
એટલું બોલકું નહોતું, પણ મહેશ ભટ્ટની ‘અર્થ’ પછી માહોલ
ગરમાઈ ગયો.
‘અર્થ’ એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે, જે હિન્દી સિનેમાના તમામ પ્રેમીઓએ
અવશ્યપણે જોવી જોઈએ. હજુ સુધી જોઈ ન હોય તો હવે જોઈ લેજો. યુટ્યુબ પર આખેઆખી ફિલ્મ
અવેલેબલ છે. સ્ટોરી એવી છે કે પૂજા (શબાના આઝમી)ના પતિ ઇન્દર (કુલભૂષણ ખરબંદા)નું કવિતા
(સ્મિતા પાટિલ) સાથે એક્સ્ટ્રામેરીટલ અફેર ચાલી રહ્યું છે. શબાના સ્મિતાને બહુ
વીનવે છે, આજીજી કરે છે. માનસિક રીતે બીમાર અનેતીવ્ર અસલામતી અનુભવી રહેલી
સ્મિતા આખરે કુલભૂષણ ખરબંદા સાથેનો છેડો ફાડી નાખે છે. કુલભૂષણ શબાના પાસે પાછો
ફરે છે. શબાનામાંહવે આત્મસન્માન અને આત્મવિશ્વાસ બન્ને જાગી ચુક્યા છે. એ
કુલભૂષણને સવાલ કરે છેઃ ધારો કે મારે કોઈ પરપરુષ સાથે સંબંધ હોત અને જો હું તારી
પાસે પાછી ફરી હોત તો શું તું મને સ્વીકારી લે? ઇન્દર કહે છેઃ
ના. શબાના આટલું જ કહે છેઃ ગુડબાય ઇન્દર.. અને પછી પીઠ ફેરવીને જતી રહે છે. ફિલ્મ
અહીં પૂરી થાય છે.
‘અર્થ’ સાઇન કરતી વખતે સ્મિતા સારી રીતે જાણતાં હતાં કે ઓડિયન્સની
સહાનુભૂતિ અબળા પત્નીનો રોલ કરી રહેલી શબાનાને મળવાની છે,આમ છતાંય એમણે પરસ્ત્રીનું
કિરદાર ભજવવાનું પસંદ કર્યું. સ્મિતાની આ પસંદગીને કારણે સૌને નવાઇ લાગી હતી, પણ
સ્મિતાએ અધર વૂમનના પાત્રમાં પડકાર જોયો. ‘અર્થ’ મૂળભૂત રીતે શબાનાની ફિલ્મ છે તે હકીકતથી વાકેફ હોવા છતાં એમણે
એટલું કમાલનું પર્ફોર્મન્સ આપ્યું કે નર્વસ બ્રેકડાઉનની ધાર પર પહોંચી ગયેલી
ઇન્સિક્યોર પારકી સ્ત્રીના પાત્રને અવિસ્મરણીય બની ગયું.
‘અર્થ’નો પેલો પાર્ટી સીન ખૂબ વખણાયો છે. એક મહેફિલમાં ભયાનક માનસિક પીડા
અનુભવી રહેલી શબાના દારૂના નશામાં ધમાલ કરે છે અને સ્મિતાને વેશ્યા સુધ્ધાં કહી
બેસે છે. મહેશ ભટ્ટે કહે છે,‘આ સીન અમે મોડી સાંજે ભારે ઉતાવળમાં
શૂટ કર્યો હતો, કારણ કે ફિલ્મનું બજેટ સાવ પાંખું હતું અને એકસ્ટ્રા કલાકારોને અમે
ઓવર-ટાઇમના પૈસા આપી શકીએ એમ નહોતા. સ્મિતાએ એ અરસામાં અમિતાભ બચ્ચનની ‘શક્તિ’ ફિલ્મ સાઇન કરી હોવાથી એકાએક સ્ટાર ગણાવા લાગી હતી. કદાચ એટલે જ
પેલા પાર્ટી સીન વખતે એને અવઢવ થઈ રહી હતી. આ આખા દશ્યમાં શબાના એને બધાની બચ્ચે
ભચંકર અપમાનિત કરે છે, પણ સ્મિતા કશું જ રિએક્ટ કરતી નથી. મુદ્દો એ હતો કે જે સ્ત્રી
શરાબના નશામાં ચકચૂર હોય, જેનો પતિ એને છોડીને જતો રહ્યો હોય અને જેપરસ્ત્રીને
ભાંડતી વખતે ખુદને પણ અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હોય એની સામે તમે શું
રિએક્શન આપી શકો? સ્મિતાના ગળે મારી આ વાત ઉતરી ગઈ અને એણે કશો જ વિરોધ વગર આ સીન શૂટ
કર્યો.’
આ ફિલ્મ માટે
શબાનાને નેશનલ અવોર્ડ મળ્યો. તે સાથે જ શબાના-સ્મિતા વચ્ચેનું કોલ્ડ વોર વધારે
તીવ્ર બની ગયું. છંછેડાયેલી સ્મિતાએ આક્ષેપ કર્યો કે મહેશ ભટ્ટે આ ફિલ્મમાં મારા
રોલ કરતાં શબાનાના રોલને વધારે મજબૂત બનાવીને મને છેતરી છે. કેટલાય અઠવાડિયાઓ સુધી
સ્મિતાએ મહેશ ભટ્ટ સાથે વાત ન કરી. આખરે એક દિવસ આકસ્મિકપણે પાર્ક હોટલનાં પગથિયાં
પર બન્ને આમનેસામને થઈ ગયાં. સ્મિતાએ બખાળા કાઢાવાનું શરૂ કરી દીધું. મહેશ ભટ્ટે એને
કહ્યું, ‘મારી આંખોમાં જો. હું તને સાવ સાચું કહું છું. તારી સાથે મેં કોઈ
અપ્રામાણિકતા કરી નથી. તને નીચા દેખાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. એક ફિલ્મમાં
બબ્બે ધરખમ અભિનેત્રીઓનાં કિરદારો વચ્ચે સંતુલન જાળવવામાં,બન્નેની
પ્રતિભાને પૂરતો ન્યાય મળે એવી રીતે ફિલ્મ બનાવવામાં કદાચ હું જ કાચો પડ્યો છું.’ આ સાંભળીને સ્મિતાની આંખો છલકાઈ ઉઠી. એ જોરથી મહેશ ભટ્ટને ભેટી પડી
અને કહ્યું, ‘મારે તારું શું કરવું?આઇ કાન્ટ ઇવન હેટ યુ!’
....અને બસ,
સ્મિતા અને મહેશ ભટ્ટ વચ્ચે પાછી દોસ્તી થઈ ગઈ.
મિડીયાની વાતને
બઢાવીચઢાવીને રજૂ કરવાની આદતને કારણે શબાના-સ્મિતા વચ્ચેનું યુદ્ધ હતું તેના કરતાં
વધારે વિકરાળ લાગતું ગયું. ફિલ્મો વિશે લખતા પત્રકારોમાં રીતસર બે છાવણી પડી ગઈ
હતી. શબાના-સ્મિતા વચ્ચે ક્યારેય દોસ્તી ન થઈ શકી એનું એક કારણ મિડીયાની એકધારી
ચંચૂપાત પણ હતું. એક સામાન્ય મત એવો હતો કે મિડીયાના દાવપેચ સ્મિતાને બહુ સમજાતા નહીં,
જ્યારે શબાના પત્રકારોને ખાસ્સી ચતુરાઈથી હેન્ડલ કરી શકતાં. શબાનાના કવિ પતિ કૈફી
આઝમી અને અભિનેત્રી માત્રા શૌકત આઝમી પોતપોતાની રીતે સેલિબ્રિટી હતાં. હાઇ-પ્રોફાઇલ
લાઇફ શબાનાએ નાનપણથી બહુ નજીકથી જોઈ હતી. ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને પોતાની બાજુ કરી
લેવામાં સ્મિતા કાચાં પડતાં, જયારે આ મામલામાં પણ શબાના વધારે ઉસ્તાદ હતાં.
ફિલ્મમેકર શ્યામ બેનેગલ, સ્મિતા પાટિલ માટે ‘ભોળીભટાક’ શબ્દ વાપરે છે.
શબાના-સ્મિતા
વચ્ચેની ચડસાચડસી વિશે મહેશ કહે છે, ‘પોતાને ઉડવા માટે ખુલ્લું આકાશ મળે તે માટે
બે અત્યંત પ્રતિભાવંત અભિનેત્રીઓ વચ્ચે થયેલો એ સંઘર્ષ હતો. ઘણી વાર ક્રિયેટિવ
એનર્જી માણસને આક્રમક બનાવી દેતો હોય છે. શબાના અને સ્મિતા બન્નેને એકબીજાની
ટેલેન્ટ માટે ખૂબ માન હતું. સ્મિતાએ જોકે ક્યારેય કબૂલ ન કર્યું કે શબાનાને કારણે
એની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, પણ શબાના ચોક્કસપણે કબૂલ કરતી કે સ્મિતાને કારણે
પોતે ડિસ્ટર્બ્ડ રહે છે. મને યાદ છે,સ્મિતાના દેહાંત પછી શબાનાએ જાહેરમાં
કહેલું કે હું હવે દરિદ્ર થઈ ગઈ છે, કેમ કે મારી સામે હવે હરીફાઈ રહી નથી, મને શ્રેષ્ઠ આપવા માટે મજબૂર કરી દે એવી કોઈ પ્રતિસ્પર્ધી રહી નથી.
મને નથી લાગતું કે ભારતની બીજી કોઈ ટોચની અભિનેત્રીએ આટલી પ્રામાણિક કબૂલાત
ક્યારેય કરી હોય.’
સ્મિતાને કારણે
શબાનાને પડકાર અને પ્રેરણા બન્નેનો અનુભવ થતો. બન્નેને ભલે એકબીજા સાથે બનતું નહીં, પણ એકમેકના પરિવાર પ્રત્યે તેઓ ખૂબ આદરભાવ ધરાવતાં. શબાના એક કિસ્સો
અવારનવાર કહે છે. ‘બાઝાર’ (1982)નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આખું યુનિટ કોઈ હોટલમાં
ઉતર્યું હતું. સ્મિતા લીડ હિરોઈન હતી એટલે સૌથી મોટો કમરો એને આપવામાં આવેલો.
ફિલ્મમાં શબાનાનાં મમ્મી શૌકત આઝમીની પણ એક નાની ભુમિકા હતી. સ્મિતાને ખબર પડી કે
શૌકત શૂટિંગ માટે આવવાનાં છે અને સૌની સાથે આ હોટલમાં ઉતરવાનાં છે. એમણે તરત
પોતાનો કમરો ખાલી કરી આપ્યો અને ચુપચાપ નાના કમરામાં શિફ્ટ થઈ ગયાં. એમનો આગ્રહ
હતો કે શૌકત આઝમી સિનિયર એકટ્રેસ છે, શબાનાનાં મમ્મી છે એટલે હોટલનો સૌથી
સારો કમરો તો એમને જ મળવો જોઈએ!
સામે પક્ષે
સ્મિતાના પરિવારને પણ શબાના પર પૂરો ભરોસો હતો. સ્મિતાનો દીકરો પ્રતીક શબાનાને
માસી કહીને બોલાવે છે. સ્મિતાના દેહાંતના બહુ વર્ષો બાદ એના પરિવારે એક વાર
શબાનાને કહેલું કે બેટા, પ્રતીકની કરીઅરનું ધ્યાન હવે તારે જ રાખવાનું છે!
છેલ્લા શ્વાસ
લીધા ત્યારે સ્મિતા પાટિલની ઉંમર 31 વર્ષ હતી. ફક્ત 31 વર્ષ! સ્મિતાની જીવનરેખા જો લંબાઈ
હોત એમણે કેવા કમાલનાં પર્ફોર્મન્સીસ આપ્યાં હોત અને શબાના સાથેની સ્પર્ધાએ કેવાં નવાં
નવાં પરિમાણો ધારણ કર્યાં હોત તે કેવળ એક કલ્પનાનો વિષય છે.
No comments:
Post a Comment