સંદેશ - સંસ્કાર
પૂર્તિ - 15 એપ્રિલ 2018
મલ્ટિપ્લેક્સ
વરૂણ ધવનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે ફિલ્મમેકર પપ્પા ડેવિડ ધવનના
જૂના, જાણીતા, સલામત પણ સાવ સત્ત્વ વગરના રુટ પર ગાડી હંકાર્યે રાખવાને બદલે એ તરત
બાયબાસ પકડીને બહેતર રસ્તા પર આવી ગયો. એણે એક કરતાં વધારે વખત પૂરવાર કર્યું છે
કે એને ઠાલા સ્ટારડમમાં નહીં, બલકે એક અભિનેતા તરીકે વિકસવામાં પણ રસ છે.
'સબ ફિલ્મેં હિટ
હો રહી હૈ સાલે કી. પતા નહીં કૈસા નસીબ લે કર પૈદા હુઆ હૈ કમીના!'
અર્જુન કપૂરે એક
ઇન્ટરવ્યુમાં વરૂણ ધવન માટે મજાકમાં અને મિત્રભાવે આ મતલબનાં ઉચ્ચારણો કર્યાં
હતાં. અર્જુનની હૈયાવરાળ સમજી શકાય એવી છે. નવી પેઢીના હીરો જ શું કામ, સિનિયરો પણ
બળી બળીને બેઠા થઈ જાય એવો વરૂણનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. ફિલ્મી દુનિયામાં એ
લોન્ચ થયો એ વાતને હજુ માંડ છ વર્ષ થયા છે. આટલા સમયગાળામાં એણે નવ ફિલ્મો કરી. આ
નવેનવ ફિલ્મો કાં તો હિટ, સુપર હિટ યા તો સેમી હિટ થઈ છે. ફિલ્મ ઇન્ડ્ટ્રીનો બીજા
ક્યો સિનિયર કે જુનિયર સ્ટાર છાતી ફૂલાવીને 100 ટકા સક્સેસ રેશિયો ધરાવતો હોવાનો દાવો
કરી શકે એમ છે?
આ શુક્રવારે
વરૂણની દસમી ફિલ્મ રિલીઝ થઈ. આ મહિનો ભલે એપ્રિલ રહ્યો, પણ ફિલ્મનું નામ 'ઓક્ટોબર' છે. શૂજિત સરકાર જેવા ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા ડિરેક્ટરે તે બનાવી છે. ઓક્ટોબર ફિલ્મ
વરૂણની સફળતાની કૂચકદમને આગળ ધપાવે છે કે બ્રેક મારે છે તે આજકાલમાં જ સ્પષ્ટ થઈ
જશે.
2012માં વરૂણની
સાથે આ બે નવોદિતો પણ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મથી બોલિવૂડમાં લોન્ચ થયાં હતાં -
આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા. કરણ જોહરે ડિરેક્ટ કરેલી 'સ્ટુડન્ટ ઓફ ધ યર' રિલીઝ થઈ ત્યારે વરૂણ 24 વર્ષનો હતો. આજે
એ ત્રીસનો થયો ને હજુય એ ક્યુટ દેખાય છે ને એનો છોકરડા જેવો ચાર્મ અકબંધ રહ્યો છે.
કરણ જોહરનાં ત્રણેય સ્ટુડન્ટ્સમાંથી આલિયા ભટ્ટ અભિનયના મામલામાં સૌથી બ્રિલિયન્ટ
સાબિત થઈ તે સાચું, પણ બોક્સઓફિસના સંદર્ભમાં તેનો ટ્રેક રેકોર્ડ વરૂણની માફક
હંડ્રેડ પરર્સન્ટ નથી. (યાદ કરો, આલિયાની મહાબોરિંગ 'શાનદાર'.) સિદ્ધાર્થ મલ્હોત્રાની તો આખી કરીઅર હિટ અને ફ્લોપ વચ્ચે હિંચકા
ખાતી રહી છે. એક બાજુ સિદ્ધાર્થની 'એક વિલન' અને 'કપૂર એન્ડ સન્સ' જેવી સફળ ફિલ્મો કરે છે તો બીજી બાજુ 'બાર બાર દેખો' અને 'અ જેન્ટલમેન' જેવી બેક-ટુ-બેક બબ્બે સુપરફ્લોપ ફિલ્મો આપી આખો કેસ બગાડી નાખે છે.
બીજા યંગ સ્ટાર્સની વાત કરીએ તો અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર,
સુશાંત સિંહ રાજપૂત, આયુષ્યમાન ખુરાના સહિતના એ આખી બેચના સિતારાઓ નિયમિતપણે
નિષ્ફળતાનો સ્વાદ ચાખતાં રહે છે. એક માત્ર વરૂણે જ કોણ જાણે ક્યા સાધુબાબા પાસેથી
દોરાધાગા કરાવી આવ્યો છે કે 'ફ્લોપ' શબ્દ એની આસપાસ
ફરકવાનું નામ સુધ્ધાં લેતો નથી. કમસે કમ ગયા શુક્રવાર સુધી તો નહીં જ.
ઘણા લોકો વરૂણને
ગોવિંદા અને સલમાન ખાનની ભેળપુરી જેવો ગણે છે. આ નિરીક્ષણમાં અમુક અંશે તથ્ય પણ
છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર' પછી રિલીઝ થયેલી વરૂણની બીજી ફિલ્મ 'મૈં તેરા હીરો' હતી, જે એના પપ્પાશ્રી ડેવિડ ધવને
બનાવી હતી. ગોવિંદાને 'બ્રાન્ડ ગોવિંદા' બનાવનાર ડેવિડ ધવન છે. આ
એક્ટર-ડિરેક્ટરની જોડીએ 19 ફિલ્મો કરી છે! સલમાન ખાને કોઈ એક ડિરેક્ટર સાથે કરીઅરની સૌથી વધારે ફિલ્મો કરી હોય
તો એ ડેવિડ ધવન છે - પૂરી નવ ફિલ્મો! દેખીતું છે કે 'મૈં તેરા હીરો'માં અને પછી 'જુડવા-ટુ'માં વરૂણ ધવનનાં પર્ફોર્મન્સમાં ગોવિંદા-સલમાનની ધેરા શેડ્ઝ દેખાવાના
જ. વરૂણે એક ઇન્ટરવ્યુમાં કહેલું પણ ખરું કે, હું ગોવિંદા સર અને સલમાન સર જેવો
શોટ આપું તો મારા ડેડી બહુ રાજી થાય છે!
ખૂબ બધી હિટ
ફિલ્મો આપનાર ડેવિડ ધવનનું બોલિવૂડમાં નામ છે, પણ સાથે સાથે અર્થહીન અને ક્યારેક
વલ્ગર ચાળાં ભભરાવેલી મસાલા કોમેડી ફિલ્મોના મેકર તરીકે તેઓ બદનામ પણ છે. વરૂણનો
સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે પપ્પાજીના જૂના, જાણીતા, સલામત પણ સાવ સત્ત્વ વગરના
રુટ પર ગાડી હંકાર્યે રાખવાને બદલે એ તરત જ બાયબાસ પકડીને બહેતર રસ્તા પર આવી ગયો.
'સ્ટુડન્ટ ઓફ ધ યર' રિલીઝ થઈ પછી તરત જ એણે 'બદલાપુર' જેવી ડાર્ક, ઓફબીટ અને નવાનિશાળીયા માટે ખાસ્સી અઘરી કહેવાય એવી
ફિલ્મ પસંદ કરી હતી. 'બદલાપુર' રિલીઝ થાય તેની પહેલાં 'મૈં તેરા હીરો' અને 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી પ્રોપર
મેઇન્સ્ટ્રીમ ફિલ્મો આવી ગઈ. આ બન્ને ફિલ્મો હિટ થઈ એટલે ઇન્ડસ્ટ્રીમાં વરૂણનું
સ્થાન ઓર મજબૂત બન્યું જેનો સીધો ફાયદો 'બદલાપુર'ને મળ્યો.
કરીઅરની આ ચોથી જ ફિલ્મથી વરૂણે જાણે જાહેર કરી દીધું કે ખબરદાર મને ચીલાચાલુ
ફિલ્મો કરનારો દમ વગરનો હીરો માની લીધો છે તો!
એમ તો 'હમ્પ્ટી શર્મા...'માં પણ વરૂણનાં પર્ફોર્મન્સ સરસ હતું. આમાં
એ કોઈ એનઆરઆઈ કે સ્ટાઇલિશ બોમ્બે-બોય નહીં,
બલકે બાઘ્ઘો દેસી યુવાન બન્યો હતો. આ રોલમાં એ ખાસ્સો કન્વિન્સિંગ લાગતો હતો.
એટલેસ્તો એના કરીઅરનું સૌથી મોટું ઓપનિંગ (એટલે ફિલ્મ રિલીઝ થાય તે દિવસનું
બોક્સઓફિસ કલેક્શન) આ 'હમ્પ્ટી શર્મા...'ના નામે નોંધાયું. 'બદલાપુર' પછી 'એબીસીડી-ટુ'માં એણે ધર્મેશ સર અને પુનિત જેવા દેશના
બેસ્ટ ડાન્સર્સમાં સ્થાન પામતી 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' ટીવી શો ફેમ પ્રતિભાઓ સાથે સીધો મુકાલબલો કર્યો ને ડિસ્ટીંક્શન સાથે
પાસ પણ થયો. તે પછીની 'દિલવાલે' ફિલ્મ આમ તો શાહરુખ અને કાજોલની ગણાય. રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરેલી
આ ફિલ્મમાં હરખાઈ જવાય એવું કશું નહોતું. તોય તે સેમી-હિટ તો જરૂર થઈ. સગા મોટા
ભાઈ રોહિત ધવનની 'ઢિશૂમ' વરૂણની કરીઅરની સૌથી નબળી ફિલ્મ છે. સદભાગ્યે તેણે અબાઉ એવરેજ
બિઝનેસ કર્યો એટલે 'ફ્લોપ'ના લેબલથી આબાદ બચી ગઈ.
તે પછી આવી 'હમ્પ્ટી શર્મા...'ની સિક્વલ, 'બદરીનાથ કી
દુલ્હનિયા'. સુપરહિટ. અત્યાર સુધીમાં વરૂણને બોલિવૂડમાં પાંચ વર્ષ થઈ ગયાં હતાં. 'બદરીનાથ...' સુધીની એની આઠ ફિલ્મોનો ટોટલ બિઝનેસ
હતો 692 કરોડ રૂપિયા. આઠમાંથી ત્રણ ફિલ્મો મોંઘેરી હંડ્રેડ કરોડ ક્લબમાં સ્થાન
પામતી હતી. ત્યાર બાદ રિલીઝ થયેલી 'જુડવા-ટુ' પણ સફળ થતાં
વરૂણ ઘવન બોલિવૂડનો આઇએસઆઇ માર્કાવાળો સુપરસ્ટાર છે તે વાત કોઈને શંકા ન રહી.
આ જ કારણ હતું
કે 'ઓક્ટોબર'નું કાસ્ટિંગ કરતી વખતે શૂજિત સરકારના મનમાં વરૂણનો વિચાર સુધ્ધાં
નહોતો આવ્યો. શૂજિત આ ફિલ્મના મેઇન લીડ માટે કોઈ સાવ અજાણ્યા એક્ટરને લેવા માગતા
હતા. વરૂણ જોકે લાંબા સમયથી શૂજિતને કહ્યા કરતો હતો કે સર, મારે તમારી સાથે કામ
કરવું છે. સ્ટ્રગલર માણસ બધા પાસે કામ માગતો ફરે તે સમજી શકાય એવું છે, પણ અફલાતૂન
ટ્રેક રેકોર્ડ ધરાવતો સ્ટાર સાથેથી કામ કરવાની ઉત્સુકતા વારંવાર વ્યક્ત કરે તે
તદ્દન જુદી બાબત થઈ. એક વાર શૂજિત સાંજે વહેલા પરવારી ગયા. એમને યાદ આવ્યું કે
વરૂણ ક્યારનો પોતાને મળવાની વિનંતી કરતા મેસેજ મોકલ્યા કરે છે, અત્યારે સમય મળ્યો
છે તો એને મળી લઉં. એમણે વરૂણને ફોન કર્યોઃ વરૂણ, હમણાં જ મારી ઓફિસ આવી જા. વરૂણ
કહેઃ સર, થોડોક ટાઇમ આપશો? અત્યારે મારી હાલત સાવ લઘરવઘર છે.
શૂજિત કહેઃ કશો વાંધો નહીં. લઘરવઘર હાલતમાં આવી જા.
વરૂણ ગયો. શૂજિત
સરકાર સાથે લાંબી ચર્ચા થઈ. કોઈની સાથે માત્ર ફોનથી, વોટ્સએપ પર કે સોશિયલ મિડીયા
દ્વારા સંપર્કમાં હોવું એક વાત છે અને એ જ વ્યક્તિને પ્રત્યક્ષ, સદેહે મળવું તે
તદન જુદી વાત છે. શૂજિત સરકારે જોયું કે આ
છોકરો હિટ સ્ટાર હોવા છતાં એના દિમાગમાં હવા નથી. પોતાની જ પિપૂડી વગાડ્યે રાખવાને
બદલે એ સામેના માણસને ધ્યાન દઈને સાંભળે છે. એનો ઉમળકો અને ઉત્સુકતા બનાવટી નથી. એ
જેન્યુઇન છે. એની વાત કરવાની રીતમાં, એની આંખોમાં, એની બોડી લેંગ્વેજમાં
પ્રામાણિકતા વર્તાય છે. ચર્ચા કરતાં કરતાં વરૂણથી ચાનો કપ પણ ઢોળાયો. શૂજિતે આ પણ
નોંધ્યું. વાતચીત પતાવીને વરૂણ ગયો તે સાથે જ શૂજિત સરકારે મોબાઇલ ઉપાડીને ફિલ્મના
પ્રોડ્યુસર અને લેખિકા જુહી ચતુર્વેદીને વારફરતી ફોન કરીને કહ્યુઃ 'ઓક્ટોબર'માં આપણે કોઈ ન્યુકમર છોકરાને લેવા માગતા હતા, પણ મને લાગે છે કે મને
આપણો હીરો મળી ગયો છે!
આ પઢીના બીજાં
હીરો-હિરોઇનોની જેમ વરૂણનું કમ્યુનિકેશન પણ ખૂબ સારું છે. પોતાના મનની વાત એ અસરકારક
રીતે પેશ કરી શકે છે. એ પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુમાં વાત કરતો હોય ત્યારે
એની વૈચારિક સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. એની ફિલ્મોની પસંદગી જોઈને, એ જે રીતે
પોતાની કરીઅરને આગળ ધપાવી રહ્યો છે તે જોઈને લાગે છે કે એને ઠાલા સ્ટારડમમાં રસ
નથી, એક અભિનેતા તરીકે પોતે વિકસતો રહે તે માટે પણ એ સભાન છે.
એક્ટર ગમે તેટલો
પ્રતિભાશાળી હોય, જેન્યુઇન હોય, મહેનતુ હોય, કમ્યુનિકેશનમાં સારો હોય અને સ્માર્ટ
હોય તો પણ એને નિષ્ફળતા મળ્યા કરે ને એની કરીઅર ડચકાં ખાધાં કરે, એમ બને. રણબીર
કપૂરનું ઉદાહરણ આપણી સામે છે. આથી જ માનવું પડે કે ખાસ કરીને કળાનાં ક્ષેત્રોમાં
નસીબ નામનું તત્ત્વ બહુ જોર કરતું હોય છે ખરું. અત્યાર સુધી તો નસીબે વરૂણને સતત
સાથ આપ્યો છે. જોઈએ, આગળ શું થાય છે.
0 0 0
No comments:
Post a Comment