Wednesday, April 25, 2018

અણઉકેલ્યા કોયડાને ઉકેલવાનો તરવરાટ


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 11 એપ્રિલ 2018 

કોલમઃ ટેક ઓફ                      

એવરેસ્ટના ભાવિ વિજેતાઓ' એડમન્ડ હિલેરી અને તેનઝિંગ ઓછામાં ઓછી તકલીફ સાથે ચઢાણ કરી શકે તે માટે એમની ટીમના બાકીના સભ્યોએ કેટલો જબરદસ્ત પરિશ્રમ કર્યો હશે, એકબીજા સાથે કેટલું સોલિડ કો-ઓર્ડિનેશન કર્યુ હશે! પાક્કી ખબર હોય કે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવાનું નથી, છતાંય બીજી કોઈ વ્યક્તિને સફળતા અને યશ મળે તે માટે ખુદના જીવને જોખમમાં મૂકવા માટે કેટલી પ્રચંડ નૈતિક તાકાત જોઈએ!


ફળતા એકાકી નથી હોતી. વ્યક્તિગત લાગતી સફળતા પણ સંપૂર્ણપણે વ્યક્તિગત હોતી નથી. સફળ માણસને સિદ્ધિની સપાટી સુધી પહોંચાડવા માટે કેટલાય લોકોએ મદદ કરી હોય છે, ભોગ આપ્યો હોય છે, એમના માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી આપ્યું છે. એમના નક્કર યોગદાન વગર જે-તે વ્યક્તિ સિદ્ધિ ન મેળવી શકી હોત તેવું ચોક્કસ બને. બને છે એવું કે સફળતાના ઝળહળાટમાં એકલી મુખ્ય વ્યક્તિ જ પ્રકાશિત થતી રહે છે, બીજાઓ પશ્ચાદભૂમાં ધકેલાઈ જાય છે.

29 મે 1953ના રોજ સવારે સાડા-અગિયાર વાગે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકીને અમર થઈ જનાર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્કેને આખી દુનિયા ઓળખે છે, પણ આ બન્નેને લિટરલી સિદ્ધિના શિખર પર પહોંચાડનાર માર્ગદર્શક કોણ હતા? એવું તો ન જ હોયને કે એક સુંદર સાંજે દારૂ પીતાં પીતાં હિલેરી-તેનઝિંગ નક્કી કરે કે હાલો હાલો, એવરેસ્ટ ચડી આવીએ અને બીજા દિવસે તેઓ થેલો ભરીને ઉપડી જાય ને સટ સટ સટ કરતાં હિમાલયનું સર્વોચ્ચ શિખર સર કરી નાખે! ઉત્તમોત્તમ કક્ષાના સાહસ માટે ઉત્તમોત્તમ કક્ષાની તૈયારી કરવી પડે, ઉત્તમોત્તમ કક્ષાનું માર્ગદર્શન મેળવવું પડે.

એવરેસ્ટ-આરોહણની ગતિવિધિઓ તો છેક 1907માં શરૂ થઈ ચૂકી હતી, હિલેરી-તેનઝિંગે સિદ્ધિ મેળવી એનાં 46 વર્ષ પહેલાં! દુનિયાભરના સાહસવીરોએ એવરેસ્ટ સર કરવાની કોશિશ કરી હતી. એવરેસ્ટની ઊંચાઈ 29,૦35 ફૂટ અથવા 8848 મીટર જેટલી છે. એડવર્ડ નોર્ટન નામનો એક પર્વતારોહક તો છેક 28,150 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયો હતો. અહીંથી શિખર ફક્ત 879 ફૂટ દૂર હતું, પણ વધારે સમય ટકી શકાય તેમ નહોતું એટલે એણે પાછા વળી જવું પડ્યું હતું. મેલોરી અને ઇરવિન નામના અન્ય બે સાહસિકોએ આ સાહસ દરમિયાન જીવ ગુમાવ્યો હતો, પણ એક શક્યતા એવી છે કે તેઓ કદાચ ઓલરેડી એવરેસ્ટ સર કરી ચુક્યા હતા અને પાછા ફરતી વખતે તેમનું મોત થયું. ઇન ધેટ કેસ, એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકનાર માનવી મેલોરી અને ઇરવિન ગણાય, હિલેરી અને તેનઝિંગ નહીં!
John Hunt

હિલેરી અને તેનઝિંગના 'સાહેબ' કોણ હતા? કોની દોરણવી હેઠળ તેઓ આ સિદ્દિ મેળવી શક્યા? ઉત્તર છે, જોન હન્ટ. એમનો જન્મ ભારતમાં થયો હતો. ટુ બી પ્રિસાઇઝ, શિમલામાં. દસ વર્ષની ઉંમરથી તેમણે પહાડો ખૂંદવાની શરૂઆત કરી દીધી હતી. આગળ જતા તેઓ બ્રિટીશ આર્મીમાં ઓફિસર બન્યા. 1953માં એમને કહેવામાં આવ્યુઃ તમે બ્રિટિશ માઉન્ટ એવરેસ્ટ એક્સપિડીશનની આગેવાની લો. આ આમંત્રણથી એકલા જોન હન્ટને જ નહીં, લાગતાવળગતા ઘણા લોકોને આશ્ર્યર્ય થયું. સૌના મનમાં એમ જ હતું કે આ જવાબદારી એરિક શિપ્ટન નામના સાહસવીરને સોંપવામાં આવશે, કેમ કે એમની પાસે હિમાલચ ચડવાનો અનુભવ હતો. અગાઉ એવરેસ્ટ ચડવા ગયેલી એક બ્રિટીશ ટુકડીનું નેતૃત્ય પણ એરિક શિપ્ટને કર્યું હતું. જોકે એરિકના સાહસવીરોને જોકે સફળતા નહોતી મળી.

ખેર, જોન હન્ટે અમુક અનુભવી અને અમુક ઊભરતા ચુનંદા દસ પર્વતારોહકોની ટીમ તૈયાર કરી. દસ જણામાંથી આઠ અંગ્રેજ હતા, બે ન્યુઝીલેન્ડના હતા. આ ઉપરાંત એક ક્વોલિફાઇડ ડોક્ટર, એક શરીરશાસ્ત્રી હતો અને એક ફોટોગ્રાફર પણ હતો. આ ત્રણેય પોતપોતાનાં ફિલ્ડમાં પ્રોફેશનલ પણ હતા અને સાથે સાથે અઠંગ પર્વતારોહકો પણ હતા!

માણસ જીવની બાજી લગાવીને પહાડો શા માટે ખૂંદતો હશે? માત્ર થ્રિલ માટે? આનો જવાબ જોન હન્ટના શબ્દોમાં જ વાંચવા જેવો છે. પોતાની ટીમ લઈને એવરેસ્ટ-આરોહણ શરૂ કરતાં પહેલં જોન હન્ટે એક લેખ લખ્યો હતો. મહેન્દ્ર મેઘાણીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે. 'મિલાપની વાચનયાત્રાઃ 1953' પુસ્તકમાં આ લેખ ઉપરાંત એરિક શિપ્ટને લખેલો ઓર મસ્તમજાનો લેખ પણ સમાવવામાં આવ્યો છે. જોન હન્ટ લખે છેઃ

'કોઈને થશે કે અમે શા માટે આમ પહાડો ચડવા નીકળતા હશું?... હું ધારું છું કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં માનવીના પુરુષાર્થની પાછળ જે પ્રયોજન પડેલું હોય છે તે જ અમારા પ્રયાસનું પણ મુખ્ય કારણ ગણાવી શકાયઃ એક અણઉકેલ્યા કોયડાને ઉકેલ શોધવાનો તરવરાટ એ અમારું પ્રયોજન. મનુષ્યે હજી જેની ઉપર પગ ન મૂક્યો હોય તેવું પ્રત્યેક શિખર તે પહાડખેડુઓ માટે એક અણઉકેલ્યા કોયડા સમાન જ છે.'

આગળ લખે છેઃ

'એક વાત હું બિલકુલ સ્પષ્ટ કરી દેવા માગું છું તે એ કે એવરેસ્ટ ઉપર ચડવાની કોઈ હરીફાઈમાં અમે ઊતર્યા હોઈએ એવી ભાવના અમારા અમારા મનમાં સમૂળગી નથી... અવરેસ્ટ પર અમે સૌથી પહેલાં ચડી શકીએ તો તેનો આનંદ તો થાય જ, પણ અમારે મન મહત્ત્વની વાત એવરેસ્ટનો પડકાર ઝીલવાની છે - બીજાઓ સાથે શરતમાં ઊતરવાની નહીં. વળી, સમગ્ર ટુકડીરૂપે અમે આ કોયડો ઉકેલવા નીકળ્યા છીએ, તે છતાં, એવરેસ્ટની ટોચે પ્રથમ પહોંચવાનું સદભાગ્ય પોતાને સાંપડે તેવી ગુપ્ત ઝંખના અમારે દસેયના દિલમાં લપાયેલી ન પડી હોય તો જ તેની નવાઈ લાગે.'

આનાં બે વર્ષ પહેલાં, એટલે કે 1951માં, એરિક શિપ્ટનની ટુકડીએ એવરેસ્ટ સુધી પહોંચવાનો નવો રૂટ ચકાસ્યો હતો. 1952માં એક સ્વિસ ટુકડી આ જ રૂટ પર થઈને લગભગ છેડા સુધી પહોંચી ગઈ હતી. જોન હન્ટ અને એમની ટીમ પણ આ જ રસ્તા પર આગળ વધવા માગવા હતા. જોન હન્ટ સતત એ વાતે સભાન હતા કે આ કંઈ એમનું નવી નવાઈનું સાહસ નથી. જે કથાનો મોટો ભાગ ઓલરેડી આલેખાઈ ચુક્યો છે તેને જ તેમની ટીમે આગળ વધારવાનો છે. અગાઉ એવરેસ્ટ સર કરવાની કોશિશ કરનારાઓએ જે જ્ઞાન અને માહિતી શેર કરી હતી તે બદલ પોતે ઋણી છે એવું તેમણે જાહેરમાં કહેલું. આ નમ્રતા, આ સદભાવના જરૂરી હોય છે કોઈ પણ સફળતાવાંછુ માણસ માટે.


અગાઉના સાહસિકોના અનુભવો પરથી એક વાત સ્પષ્ટ થઈ ચુકી હતી કે 23,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા પછી જ ખરી મુશ્કેલી શરૂ થાય છે. ક્રમે ક્રમે વધુને વધુ ઊંચાઈના વાતાવરણથી ટેવાતા જવાની (એક્લેમેટાઇઝ થવાની) માણસની ક્ષમતાની અહીં સીમા આવી જાય છે. પછી સ્નાયુઓ ઢીલા પડવા માંડે, ઠંડી સહન કરવાની તાકાત ઘટતી જાય, ભૂખ-તરસ મરી જાય, ઊંઘવાથી પણ મન-શરીરને આરામ ન મળે. પરિણામે માણસની શક્તિ અને સ્ટેમિના સાવ ઓછાં થઈ જાય. માણસ જેમ જેમ ઉપર ચડતો જાય તેમ તેમ એને એવા વાતાવરણનો ભેટો થતો જાય કે જેનાથી તેનું શરીર ક્યારેય ટેવાયેલું હોતું નથી. ભલભલા પવર્તારોહક માટે મનોબળ અને તનોબળ ટકાવી રાખવાનું મુશ્કેલ બનતું જાય. હજારો ફૂટનું અંતર કાપી ચુકેલો માણસ આ છેવટના ચઢાણ દરમિયાન ભાંગી પડતો હોય છે. એવરેસ્ટ શિખર ૨૯,૦35 ફૂટ ઊંચું છે. મતલબ કે અત્યંત વિષય પરિસ્થિતિમાં પર્વતખેડુએ 6,000 ફૂટ ચડવાનું હોય0 23,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગયા પછી બાકીના 6,000 ફૂટના ચઢાણ માટે પાક્કા ચાર દિવસ અને ત્રણ રાત જોઈએ. રાતવાસો કરવા માટે રસ્તામાં ત્રણ અલગ અલગ જગ્યાએ ટેન્ટ ઊભાં કરવાં પડે. એવરેસ્ટ પર માત્ર ચડવાનું જ નથી, પાછા પણ આવવાનું છે. જતી વખતે જે ટેન્ટ ઊભાં કર્યાં હોય તે વળતી યાત્રા દરમિયાન પણ કામ આવે. જોન હન્ટ લખે છેઃ

'રાતવાસા માટેની આ છાવણીઓ માટે તંબૂઓ જોઈએ, કોથળા-પથારી જોઈએ, ઓઢવાનાં જોઈએ, ખોરાક અને રાંધવાનાં સાધનો જોઈએ ને પર્વતારોહણ માટેનો સરંજામ જોઈએ. આ બધું કાંધે નાખીને 23,000 ફૂટ પછીની ઊંચાઈઓએ પહોંચાડવું જોઈએ... એવરેસ્ટના ભાવિ વિજેતાઓની કાંધ ઉપર જ આ વધુ બોજ લાદીએ તો તો એમનું કાર્ય વધુ અશક્ય જ બને છે. એટલે જેમને ટોચ સુધી જવાનું ન હોય તેવા બીજા માણસો પાસે એ સામાન ઉપડાવવો પડે છે. બહુ ઊંચાઈએ આવેલી છાવણીઓ બને તેટલી નાની રાખવા માટે આ સામાન ઉપાડનારી ટુકડીઓને પણ વારાફરતી મોકલવી પડે છે. અટલે તમામ જરૂરી સરંજામ ઉપર પહોંચાડતા કેટલાંય દિવસનો ગાળો વીતી જાય છે, અને એ સમયગાળો લંબાતો જાય છે કારણ કે એટલી બધી ઊંચાઈએ માણસ બહુ મર્યાદિત બોજો ઉપાડી શકે છે. 25,000 ફૂટ ઉપર ગયા પછી વીસેક રતલનો ભાર જ તેનાની ઉપડે છે.'

વિચાર કરો કે 'એવરેસ્ટના ભાવિ વિજેતાઓ' એટલે કે એડમન્ડ હિલેરી અને તેનઝિંગ ઓછામાં ઓછી તકલીફ સાથે આગળ વધી શકે તે માટે ટીમના બાકીના સભ્યોએ કેટલો જબરદસ્ત પરિશ્રમ કર્યો હશે, એકબીજા સાથે કેટલું સોલિડ કો-ઓર્ડિનેશન કર્યુ હશે! પાક્કી ખબર હોય કે ઇતિહાસમાં મારું નામ નોંધાવાનું નથી, છતાંય હિલેરી અને તેનઝિંગને સફળતા મળે તે માટે પોતાના જીવને જોખમમાં મૂકવા માટે કેટલી પ્રચંડ નૈતિક તાકાત જોઈએ!  

હિલેરી (ઉંમર 33 વર્ષ) અને તેનઝિંગ (42 વર્ષ)ને વિજય અપાવનાર એમના સાથીઓનાં નામ પણ જાણી લોઃ સૌથી પહેલાં તો આ એક્સપિડીશનના ટીમલીડર જોન હન્ટ (42 વર્ષ), પછી બ્રિટિશ લશ્કરી અફસર ચાર્લ્સ વાઇલી (૩૩ વર્ષ), વિલ્ફ્રેડ નોઇસ નામના શિક્ષક અને લેખક (૩૫ વર્ષ), જ્યોર્જ લો નામનો ન્યૂઝીલેન્ડનો શિક્ષક (૨૮ વર્ષ)જ્યોર્જ બેન્ડ નામનો ભૂસ્તરશાસ્ત્રનો વિદ્યાર્થી જે ટીમનો સૌથી જુવાન મેમ્બર હતો (૨૪ વર્ષ), માઇકલ વેસ્ટમેકોટ (૨૮ વર્ષ), થોમસ બર્ડિલોન નામનો રોકેટ સાયન્ટિસ્ટભારત-બર્મામાં લશ્કરી કામગીરી બજાવી ચૂકેલા આલ્ફ્રેડ ગ્રેગરી (૪૦ વર્ષ)ચાર્લ્સ ઇવાન્સ (૩૪ વર્ષ)ટી. આર. સ્ટોબર્ટ નામના પ્રાણીશાસ્ત્રી જે અવ્વલ દરજ્જાનો ફોટોગ્રાફર પણ હતો (૩૫ વર્ષ)માઇકલ વોર્ડ નામનો એક્સપિડીશન ડોક્ટર (૨૮ વર્ષ) અને ગ્રિફિથ પઘ નામના સ્કીઇંગમાં વિન્ટર ઓલિમ્પિક્સ કક્ષાએ ભાગ લઈ ચૂકેલો ઔર એક ડોક્ટર. ઓર એક વાત ધ્યાનમાં લો. આ આખું સાહસ બ્રિટીશરોનું હતું, પણ જે બે જણા યશસ્વી બન્યા એમાંનો કોઈ બ્રિટનનો નહોતો. એડમન્ડ હિલેરી ન્યુઝીલેન્ડનો હતો અને તેનઝિંગ નેપાળી શેરપા હતો!

એવરેસ્ટ સર કરવાનું હિલેરી અને તેનઝિંગ જેટલું કૌવત સંભવતઃ એમના સાથીઓમાં પણ હતું જ, પણ એમની હથેળીની યશરેખા કદાચ આ બન્ને જેટલી બળૂકી નહોતી! સર્વપ્રથમ એવરેસ્ટ-આરોહણની વાત આવે ત્યારે હિલેરી અને તેનઝિંગની સાથે એમના જાબાંઝ સાથીઓનું પણ સ્મરણ કરીએ.
  
0 0 0 

No comments:

Post a Comment