સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ
ટેક ઓફ
વાંચો-વાંચો-વાંચો. આ છે પહેલો મંત્ર. અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર. જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની.
'સર, મેં ૭૦-૮૦ પાનાંની એક લવસ્ટોરી લખી છે. તો મારે એને ક્યાં એને કેવી રીતે છપાવવી?' *
એક યુવાન વાચક ફોન પર પૃચ્છા કરે છે. વાતચીત પરથી એ ઉત્સાહી અને સિન્સિયર લાગે છે. મુગ્ધ તો ખરો જ. આ યુવાન એના જેવા બીજા અસંખ્ય વાચકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમને લખવાનો શોખ છે અને લેખક બનવાનું સપનું જુએ છે. કોઈને પોતાની વાર્તા-કવિતા છપાવવી છે, કોઈને કોલમ્નિસ્ટ બનવું છે, કોઈને ધારાવાહિક નવલકથા લખવી છે, કોઈને પુસ્તક પ્રગટ કરવું છે. તેઓ ફોન કરે,ઈમેઈલ મોકલે, વોટ્સએપ અને ફેસબુક પર મેસેજ મૂકે, પોતાની કૃતિ વાંચી આપવા માટે વિનંતી કરે.
તેમના અપ્રોચમાં, વર્તન-વ્યવહારમાં, વાત કરવાની રીતમાં એક પ્રકારની નિર્દોષતા હોય છે. તેમનું લખાણ સારું છે કે તદ્દન બાલિશ છે તે બીજા નંબરની વાત થઈ. તેમની પાર વગરની અધીરાઈ, ઉત્કંઠા, ડર અને ક્યારેક નાદાનીયત સમજી શકાય તેવાં હોય છે, કેમ કે એક સમયે આપણે પણ અમુક અંશે આવા જ હતા, લગભગ આવી જ લાગણીઓ અનુભવતા હતા. પ્રત્યેક લેખક સૌથી પહેલાં તો વાચક હોય છે અને આ પ્રકારના તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હોય છે.
અમારા જેવા લેખકોને સૌથી વધારે પૂછાતો અથવા મોસ્ટ ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન (એફએક્યુ) આ હોય છેઃ મને લખવાનો બહુ શોખ છે. મારેય રાઈટર બનવું છે. તો મારે શું કરવું? લેખક બનવાની ઇચ્છા જાગે એટલે સૌથી પહેલાં પોતાની જાતને આ સવાલ ક્રવાનોઃ શું હું ઉત્તમ વાચક છું? ભૂખ્યો ડાંસ માણસ જેમ ભોજન પર તૂટી પડે તે રીતે તમે વાચનસામગ્રી પર તૂટી પડો છો?વાંચવું એટલે માત્ર છાપું અને પૂર્તિની કોલમો વાચંવી એમ નહીં. આ બધું તો ખરું જ, પણ તે સિવાય તમે બીજું શું શું વાંચો છો?અઠવાડિયે, મહિને, બે મહિને, વરસે તમે પાંસ-દસ-વીસ-પચ્ચીસ પુસ્તકો વાંચી નાંખો છો? તમને જેમાં ખૂબ રસ પડે છે તે વિષયનાં પુસ્તકો? પછી તે નવલકથાઓ, વાર્તાસંગ્રહો, કવિતાની ચોપડીઓ, જીવનકથાઓ, સાયન્સ ફ્ક્શિન, નોન-ફ્ક્શિન કંઈ પણ હોઈ શકે.
ઉત્તમ વાચક બનતાં પહેલાં લેખક બનવાનું વિચારવાનું પણ નહીં. કાર ચલાવવાનો ભયંકર શોખ હોય તોય આપણે સીધા ડ્રાઈવિંગ સીટ પર બેસીને હાઈવે પર નીકળી પડતા નથી, રાઈટ? પહેલાં એક્સલરેટર-બ્રેક-ક્લચ કોને કહેવાય તે જાણીએ છીએ,ડ્રાઈવિંગના ક્લાસ લઈએ છીએ, ટેસ્ટ આપીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ અને પછી જ ધીમે ધીમે ટ્રાફિકમાં જવાનું શરૂ કરીએ છીએ. લેખક બનવા માટે પણ આવું જ.
તમે એક સારું વાક્ય તો જ લખી શકશો જો દસ હજાર સારાં વાક્યો વાંચ્યાં હશે. એક સારી વાર્તા કે લેખ તો જ લખી શકશો જો તમે પાંચસો સારી વાર્તાઓ કે લેખો વાંચ્યાં હશે. તમે નવલકથા લખવાનું તો જ વિચારી શકો છો જો તમે તમે દોઢસો સારી નવલકથાઓ વાંચી હશે. તરુણાવસ્થામાં જ આ વાત દિમાગમાં છપાઈ ગઈ હતી. લેખક બનવા માગતા ઉત્સાહીઓએ સહેજ પણ દલીલબાજી ર્ક્યા વગર આ ફન્ડા સ્વીકારી લેવાના છે.
મારે વાર્તા-નવલકથા લખવી છે એવું કોઈ કહે એટલે એની સામે ફટાક કરતું આ લિસ્ટ ધરી દઉં છું: શું તમે ઓલરેડી પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, મધુ રાયને વાંચી કાઢયા? કુંદનિકા કાપડિયા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટને? આ સિવાય પણ ખૂબ બધાં નામો છે. ઓકે, આ સૌનું સમગ્ર સાહિત્ય ભલે ન વાંચ્યું હોય તોપણ તેમનાં કમસે કમ બેસ્ટ પાંચ-સાત-દસ પુસ્તકો વાંચ્યાં? કવિતા લખવાનો શોખ હોય તો આપણા ભાષાના ગઈ કાલના અને આજના ઉત્તમોત્તમ કવિઓનાં સંગ્રહોમાંથી પસાર થયા? તેમાં રમમાણ રહૃાા? આપણે સવારે જે વાંચ્યું હોય તે સાંજે પણ યાદ હોતું નથી, પણ એવું તે શું છે આ સાહિત્યકારોનાં લખાણમાં કે લોકો પચીસ-પચાસ-સો વર્ષ પછી પણ ભારે રસથી વાંચે છે? અને વાંચીને જબરદસ્ત આંતરિક સમૃદ્ધિનો અનુભવ કરે છે? આ પ્રશ્નોનો જવાબ જાતઅનુભવથી મેળવ્યો?
વાંચતાં વાંચતાં આપણો ટેસ્ટ કેળવાતો જાય છે. ક્યા પ્રકારના લેખકો અને ક્યાં પ્રકારનાં પુસ્તકો આપણને વધારે અપીલ કરે છે તે સમજાતું જાય છે. શક્ય છે કે, તમને ગ્રામ્ય કથાઓ ઓછી અને શહેરી મિજાજવાળું સાહિત્ય વધારે સ્પર્શે. આના કરતાં ઊલટું પણ બને. શક્ય છે કે કોઈ મધુ રાય પાછળ ગાંડા ગાંડા થઈ જાય તો કોઈને મધુ રાય બધુ અઘરા લાગે. ફેર ઈનફ. જ્યાં સુધી વાંચનભૂખ અકબંધ છે ત્યાં સુધી બધું જ માફ. વાંચનની રીતસર ઘેલછા જાગવી જોઈએ. રાત-રાત જાગીને ચોપડી પૂરી કરી નાંખવી, વાંચવામાં એવા ખૂંપી જવું કે ભૂખ-તરસ-ટીવી-ફેસબુક-વોટ્સએપનું ભાન ન રહેવું, મનગમતાં પુસ્તક ખરીદવા બીજાં ખર્ચ પર કાપ મૂકવો - જો તમારામાં આ બધાં લક્ષણો દેખાય તો, કોન્ગ્રેચ્યુલેશન્સ! તમે સાચા રસ્તે જઈ રહૃાા છો.
ગુજરાતી સાહિત્ય પછી હિન્દી અને અંગ્રેજી ભાષા તરફ્ નજર દોડાવવી. અંગ્રેજી પુસ્તકો વાંચવાની ટેવ ખાસ કેળવવી. આગળ જતાં તમારું ગુજરાતી વાંચન મર્યાદિત થઈ જાય અને અંગ્રેજી પુસ્તકોનું વાંચન મોટા ભાગનો સમય રોકી લે એવુંય બને.
ગોલ્ડન રૂલ નંબર ટુ. લખવાનો રિયાઝ શરૂ કરો. શરૂઆત ડાયરીથી કરો. સરસ મજાનો બસ્સો પાનાંનો ફુલસ્કેપ ચોપડો લઈ આવો. રોજ એમાં કંઈક ને કંઈક લખો. એક પાનું, બે પાનાં, ત્રણ પાનાં. કંઈ પણ લખો. મનમાં ઘુમરાતા વિચારો વિશે, દોસ્તો -પરિવારના સભ્યો - સગા-સંબંધી વિશે, સમાજમાં ને દેશમાં બનતી ઘટના વિશે, જે પુસ્તક વાંચી રહૃાા હો તેના વિશે, સરસ ગમી ગયેલા લેખ વિશે, મનગમતી ફ્લ્મિ-ટીવી શો-નાટક વિશે, કંઈ પણ. રોજેરોજ નિયમિતપણે શિસ્તપૂર્વક લખતા રહેવાથી ધીમે ધીમે ભાષા ઘડાતી જશે, લખાણમાં સફાઈ આવતી જશે, વ્યાકરણ અને જોડણી આવડતાં જશે, અભિવ્યક્તિની સમજ અને કૌશલ્ય કેળવાતાં જશે, આત્મવિશ્વાસ દઢ બનતો જશે. પત્રલેખન પણ એક સરસ એક્ટિવિટી છે, પણ આ ડિજિટલ જમાનામાં તે અપ્રસ્તુત બની ગઈ છે.
તો, વાંચો-વાંચો-વાંચો. આ પહેલો મંત્ર. અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર. જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની. સદ્નસીબે નાની ઉંમરે જ આ મંત્રો આપોઆપ મળી ગયા હતા, જે આજની તારીખેય કામ આવે છે.
ઓકે. ફાયનલી તમે વાર્તા (કે લેખ, કવિતા કે કંઈ પણ) લખવાના તબક્કા સુધી પહોંચો છો. જે લખ્યું છે તેને ફરી ફરીને લખવાનું,બે-ત્રણ-ચાર કે તેનાથીય વધારે ડ્રાફ્ટ લખીને લખાણને બને એટલું સુરેખ બનાવવાની કોશિશ કરવાનું. જેમના પર તમને ભરોસો હોય તેવા મિત્ર કે પરિચિતના અભિપ્રાય અનુસાર તમારાં લખાણમાં નવેસરથી સુધારાવધારા કરો. યાદ રાખો, આળસ કરવાથી નહીં ચાલે. છાપાં મેગેઝિનમાં ગમતા લેખકને પોતાની કૃતિ ભલે મોકલો, પણ 'વાંચી આપો... વાંચી આપો' એમ કરીને પાછળ નહીં પડવાનું. કેમ કે પ્રોફેશનલ લેખકો પાસે પોતાનાં કામના સંદર્ભમાં એટલું બધું વાંચવાનું કાયમ પેન્ડિંગ પડયું હોય છે કે ઈરાદો હોય તોપણ તેમની પાસે તમારું કાચુંપાકું લખાણ વાંચી આપવાનો સમય ન હોય તેવું બિલકુલ બને. ખૂબ ધીરજ જાળવીને, સહિષ્ણુતાપૂર્વક, ભલે મોડો તો મોડો પણ જવાબ આપવાનું લેખક માટે સહેલું હોતું નથી તે અનુભવે સમજાય છે. ક્યારેક કોઈ લેખક તરફથી જવાબ ન મળે તો ખોટું નહીં લગાડવાનું. જો સૂચનો મળે તો પૂરી નિષ્ઠાથી પાલન કરવાનું.
ક્યાં ક્યાં છાપાં-મેગેઝિનમાં ટૂંકી વાર્તા-કવિતા વગેરે છપાય છે તેની તમને ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો લાઈબ્રેરીમાં જઈને વ્યવસ્થિત સમજી લેવાનું. અમુક છાપાં-મેગેઝિન દિવાળી અંક અને વાર્ષિક અંકમાં ખૂબ બધી વાર્તાઓ પ્રકાશિત કરે છે. બસ, તેમને સુંદર-સુઘડ અક્ષરમાં લખેલી અથવા પ્રિફરેબલી ટાઈપ કરેલી કૃતિ મોકલો અને જવાબની રાહ જુઓ. અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં નવોદિતો માટે પણ લિટરરી એજન્ટ્સ હોય છે, જે તમારી કૃતિની છપાવવાની માથાકૂટ સંભાળી લે છે. આપણે ત્યાં આવી લકઝરી નથી એટલે બધું જાતે જ કરવું પડશે. કૃતિ 'સાભાર પરત' થાય તો નિરુત્સાહી બિલકુલ નહીં બનવાનું. ભલભલા લેખકોની કૃતિઓ શરૂઆતમાં સાભાર પરત થઈ હતી. અરે, જાણીતા બની ગયા પછી પણ થાય છે. પાછી ફરેલી કૃતિને અન્ય પ્રકાશનમાં ટ્રાય કરો. હિંમત નહીં હારવાની. અહીં જ તમારામાં કેવુંક ઝનૂન અને લગની છે તેની કસોટી થશે. મેઈનસ્ટ્રીમ છાપાં-મેગેઝિનોમાં છપાતી વાર્તાઓની ગુણવત્તા કાયમ ટનાટન હોય છે તે જરૂરી નથી. 'પરબ'-'શબ્દસૃષ્ટિ' જેવાં સાહિત્યિક સામયિકોની વાત અલગ છે. આવી કોઈ જગ્યાએ તમારી વાર્તા-કવિતા છપાય તો સમજવાનું કે તમને હવે ખરેખર લખતા આવડવા માંડયું છે. ચિયર્સ!
હવે જોકે, ફેસબુકને કારણે ઊભરતા લેખકોની 'સાભાર પરત'ની પીડા ખાસ્સી ઓછી થઈ ગઈ છે. અહીં તો સૌ પોતાનું લખાણ દુનિયા સાથે શૅર કરી શકે છે. લખાણ કાલુંઘેલું ન હોય તો પણ લાઈક્સ અને 'વાહ વાહ' મળવા લાગે છે. સોશિયલ મીડિયા પર મળી જતી આ ઈન્સ્ટન્ટ સ્વીકૃતિ ખતરનાક નીવડી શકે છે. નબળું લખનારો ભ્રમમાં જીવ્યા કરે છે અને પોતે કેટલા છીછરા પાણીમાં ઊભો છે તેનો એને અંદાજ આવતો નથી. આથી આપણે પોતે જ પોતાના અત્યંત કડક જજ બનવાનું છે. સોશિયલ મીડિયાના પ્લસ પોઈન્ટ્સ પણ છે. શૅર થયેલી કૃતિને યોગ્ય વ્યક્તિઓ દ્વારા મળતી કમેન્ટ્સ ચોક્કસ ઉપયોગી બને છે. ફેસબુક પર અવારનવાર મુગ્ધ થઈ જવાય એવાં સુંદર લખાણ આપણે સૌએ જોયાં છે. આ જ પૂર્તિ પર તમે જેમને વાંચો છો એ પ્રતિભાશાળી સાથી કોલમ્નિસ્ટ અભિમન્યુ મોદી ફેસબુકની ડિસ્કવરી છે. અક્ષય આંબેડકર નામના યુવાનની અફ્લાતૂન ફેસબુક પોસ્ટ્સ વાંચો તો તમને થાય કે આ કોઈ ઘડાયેલા ફિલ્મ કોલમ્નિસ્ટનું લખાણ છે. અભિષેક અગ્રાવત પોતાની ક્ષિતિજ વિસ્તારશે તો એમને ફુલફ્લેજ્ડ લેખક-વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થતાં કોઈ રોકી શકવાનું નથી. અવનિ દલાલ અને જિતેશ દોંગાની નવલકથા પહેલાં ડિજિટલ માધ્યમમાં વખણાઈ હતી. પછી તેનું પ્રિન્ટ વર્ઝન બહાર પડયું. જેન્યુઈન પ્રતિભા હશે, ખૂબ મહેનત કરવાની તૈયારી હશે અને સ્વસ્થ સેલ્ફ્-જજમેન્ટ હશે તો ફેસબુક એક અસરકારક લોન્ચિંગ પેડ બની શકે છે.
પુસ્તક શી રીતે છપાવવું તે પાછો અલગ અને કોમ્પ્લિકેટેડ વિષય થયો. તેના વિશે ફરી ક્યારેક. સો વાતની એક વાત એ કે લેખક બનવા માટે કોઈ શોર્ટ કટ્સ નથી. લેખનકળા સાધના અને પરિશ્રમનો વિષય છે. જો આ બે વસ્તુ કરી શકતા હોઈએ તો જ મેદાનમાં ઊતરવાનું. કુદરતી પ્રતિભા તો ખરી જ. આ એક એવી સાધના છે જે કોઈ પણ ઉંમરે કરી શકાય છે. તકલીફો અને અવરોધો આવે તો (આવશે જ) ફરિયાદો નહીં કરવાની. કોઈએ આપણાં લમણે બંદૂક ધરીને લેખક બનવાની ફરજ પાડી નહોતી,ખરું? ઓલ ધ બેસ્ટ.
0 0 0
No comments:
Post a Comment