સંદેશ - અર્ધ
સાપ્તાહિક પૂર્તિ - 7 માર્ચ 2018
ટેક ઓફ
કન્ઝ્યુમર
ગુડ્ઝમાં સતત નવું વિજ્ઞાન ઝળકતું રહે છે. આવનારા સમયમાં કઈ ચીજવસ્તુઓ આપણું ધ્યાન
ખેંચવાની છે?
સાયન્સ અને
ટેકનોલોજીના વિકાસનો એક મોટો આશય માણસના જીવનને વધુ ને વધુ સુવિધાભર્યું બનાવવાનો
છે. બજારમાં ઇન્ટ્રોડ્યુસ થતા રહેતા માલસામાનમાં સતત નવું વિજ્ઞાન ઝળકતું રહે છે.
છેલ્લાં પચાસ વર્ષથી સીઇએસ (કન્ઝ્યુમર ઇલેક્ટોનિક શો) નામની કન્ઝયુમર ટેકનોલોજી
સંબંધિત વિરાટ ઇન્ટરનેશનલ ઇવેન્ટ યોજાતી આવી છે, જેમાં દુનિયાભરના મેન્યુફેક્ચર્સ
અને ડેવલપર્સ પોતપોતાની નવી પ્રોડક્ટ દુનિયા સામે મૂકે છે. સીઈએસની લેટેસ્ટ એડિશન
આ વખતે અમેરિકાના લાગ વેગાસ શહેરમાં થોડા સમય પહેલાં યોજાઈ. લગભગ દોઢસો દેશોએ એમાં
ભાગ લીધો હતો, ત્રણસો જેટલી જુદી જુદી સેશન્સ યોજાઈ હતી અને પોણાબે લાખ જેટલા
લોકોએ તેની મુલાકાત લીધી.
સીઈએસમાં જે આજે
ડિસ્પ્લે થાય છે તે આવતી કાલે દુનિયાભરની બજારોમાં ઉપલબ્ધ થશે અને સંભવતઃ આપણાં
ઘરોમાં પણ તે પહોંચશે અને આપણી લાઇફસ્ટાઇલનો હિસ્સો બનશે. આ વખતના સીઇએમાં સૌથી ધ્યાનાકર્ષક
પ્રોડક્ટ્સ કઈ કઈ હતી? જોઈએ.
ફન, ફેમિલી અને
ફ્રિજઃ
આ ઉપકરણને ફ્રિજ
કહીશું, કમ્પ્યુટર કહીશું, મોબાઇલ કહીશું, ટીવી કહીશું કે મ્યુઝિક સિસ્ટરમ કહીશું? વેલ, ફેમિલી હબ
નામનું આ ઉપકરણ કાયદેસર રીતે તો રેફ્રિજરેટર છે, પણ તેનામાં બીજાં કેટલાય
ગેજેટ્સના ગુણ છે. ફ્રિજના દરવાજા પર મોટી ટચ-સ્ક્રીન છે. સવારે પરિવાર માટે બ્રેકફાસ્ટ
બનાવી રહેલી મહિલા ફ્રિજની સામે આવે એટલે ફેસ રેકગ્નિશન ટેકનોલોજીના પ્રતાપે ફ્રિજ
એને 'ઓળખી' જાય. તરત સ્ક્રીન પર એનું આજનું શેડ્યુલ ફ્લેશ કરીને મેડમને યાદ
દેવડાવે કે ધ્યાનમાં મેમ, આજે સાડાઅગિયારે તમારે મિટીંગ છે, સાડાચારે કોન્ફરન્સ
અટેન્ડ કરવાની છે અને સાંજે સાત વાગે બ્યુટીપાર્લરની અપોઇન્ટમેન્ટ છે!
આ ફ્રિજ અંદર
મૂકેલી ચીજવસ્તોના ફાટા પાડી શકે છે. તમે મોલમાં માલસામાન લેવા ગયા હો ત્યારે
મોબાઇલ કાઢીને 'લાઇવ ફોટોગ્રાફ્સ'
જોઈ લેવાના જેના પરથી તમને ખબર પડે કે ફ્રિજમાં
ટમેટાં તો હજુ પડ્યાં છે, પણ ચાર દિવસ પહેલા ખરીદેલી ભીંડા, કોબી, શિમલા મિર્ચ અને
ફ્રુટ્સ ખતમ થઈ ગયાં છે. તમે એ પણ જોઈ શકો કે જ્યુસની બોટલ તેમજ માખણ પણ પૂરું
થવાની અણી પર પડશે. જેવું તમે આ ખરીદો એટલે આપોઆપ ફ્રિજના ડેટામાં વિગતો અપડેટ થઈ
જાય.
બચ્ચાઓ ફ્રિજની
ટચ-સ્ક્રીન પર ચિતરામણ કરી શકે એને તેની ડિજિટલ પ્રિન્ટ ફ્રિજ પરથી જ ઇમેઇલ પણ કરી
શકે. તમને મન થાય કે ચાલો આજે મારે કોઈક નવી વાનગી ટ્રાય કરવી છે, તો ફ્રિજની ટચ-સ્ક્રીન
પર તમે રેસિપી સર્ફ કરીને એનો વિડીયો જોઈ શકો. તમને રાંધતા રાંધતા ટીવી જોવાનું મન
થયું તો ટચ-સ્ક્રીન પળવારમાં ટીવી-સ્ક્રીન બની જાય. આર.ડી. બર્મનનાં ગીતો
સાંભળવાનં મન થાય તો ફ્રિજ તમારાં મનગમતાં સંગીતના સૂર રેલાવા માંડે. સેમસંગ
કંપનીએ બનાવેલું આ અજબગજબનું ફ્રિજ પોપ્યુલર બન્યું જ સમજો.
ભૂંગળાની જેમ વળી જતું ટીવીઃ
આપણે અત્યાર
સુધી છાપાનું ભૂંગળું વાળતા હતા, પોસ્ટરનું ભૂંગળું વાળતા હતા. હવે આપણે ટીવીનું
ભૂંગળું પણ વાળી શકીશું. એલજી કંપનીએ 65 ઇંચની રોલેબલ ઓએલઇડી સ્ક્રીન બનાવી છે (ઓએલએઇડી
એટલે ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ). ઇચ્છા
થાય ત્યારે ટીવી સ્ક્રીનને રોલ કરો અને ઇચ્છા થાય ત્યારે ખોલીને, દીવાલ પર ટાંગીને
એના પર શ્રીદેવીની ફિલ્મો જુઓ. અત્યાર સુધીની આ સૌથી મોટી અને સૌથી એડવાન્સ્ડ
રોલેબલ સ્ક્રીન છે.
ઓલ-ઇન-વન વેનઃ
ટોયોટાએ ઇ-પેલેટ
નામનું વાહન બનાવ્યું છે. એનામાં કાર, ટ્રક, છકડો વગેરેનું કોમ્બિનેશન થયું છે. આ
મલ્ટિપર્પઝ વેહિકલની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તે ટેક્સીની જેમ લોકોને
તેમજ માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરી શકે છે, તે હરતીફરતી
દુકાન કે હરતીફરતી ઓફિસની જેમ વર્તી શકે
છે, એનો તમે ફૂડ ટ્રક એટલે કે ચલતાફિરતા રેસ્ટોરાંની જેમ ઉપયોગ કરી શકે છો અને એને
મોબાઇલ હોમ તેમજ વેનિટી વેનની જેમ પણ ટ્રીટ કરી શકો છો. સમયની સાથે લોકોની
લાઈફસ્ટાઇલ જે ઝડપે બદલાઈ રહી છે તે જોતાં આ વાહન લોકપ્રિય બને તો નવાઈ નહીં.
યંત્રમાનવ... ખાસ સિનિયર સિટીઝનો માટેઃ
બુઢાપો. બીમારી
અને એકલતા - આના જેવું ખતરનાક કોમ્બિનેશન બીજું એકેય નથી. આથી ખાસ વરિષ્ઠ નાગરિકો
માટે એલીક્યુ નામનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રીવન સોશિયલ રોબો તૈયાર કરવામાં
આવ્યો છે. એનું એક જ કામ છે - બુઢા માણસોને નાનાંમોટાં કામમાં મદદ કરવી, કોઈ
માણસની મદદ વિના તેઓ સ્વતંત્રપણે રોજિંદા કામકાજ કરી શકે તે સુનિશ્ર્ચિત કરવું.
કહે છે કે આ રોબો 'ઇન્ટ્યુટિવ ટેકનોલોજી'થી સજ્જ છે. મતલબ કે રોબો ખુદ 'કળી' યા તો 'વિચારી' શકશે કે મારા માલિકને ક્યારે શેની
જરૂર પડવાની છે.
...અને યંત્ર-કૂતરોઃ
આપણે યંત્રમાનવો
તો જોયા છે, પણ હવે યંત્ર-કૂતરા પણ માર્કેટમાં આવી ગયા છે. જેમ કે સોનીએ આઇબો
નામનો અતિ ક્યુટ રોબો-ડોગ બનાવ્યો છે. તે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ છે, એનામાં પાવરફુલ
સેન્સર તેમજ કેમેરા જડેલા છે અને તે વાઇ-ફાઇ તેમજ ફોરજી કનેક્ટિવિટી પણ ધરાવે છે. ફેસ
રેકિગ્નશન ટેકનોલોજીના પ્રતાપે આ રોબો-ડોગ તમારા પરિવારના સભ્યોને 'ઓળખી' કાઢે છે ને
એમને જોતાં જ હરખપદૂડો થઈ જાય જાય છે. એ તમારી આંગળી સાથે પોતાનું નાક ઘસીને વહાલ
વ્યક્ત કરી શકે છે. આ શ્ર્વાન ટેસથી ઘરમાં હરી ફરી શકે છે અને તમે કહો તે પ્રમાણે
મૂવમેન્ટ કરી શકે છે. બેસ્ટ વાત તો આ છેઃ એ ઘરમાં કે બીજે ક્યાંય પણ સૂ-સૂ કરતો
નથી કે ભયંકર ભસાભસ કરીને મહેમાનોને ડરાવતો નથી0 આ યાંત્રિક કૂતરો હાલ માત્ર
જપાનમાં અવેલેબલ છે. ટૂંક સમયમાં તે આપણે ત્યાં પણ અસલી કૂતરાં સાથે સ્પર્ધામાં
ઉતરશે.
વચ્યુઅલ રિઆલિટી જિમઃ
વર્ચ્યુઅલ
રિયાલિટી એટલે શું એ તમે ઓલરેડી જાણો છો. તમે ખાસ પ્રકારનાં ડાબલાં જેવાં વર્ચ્યુઅલ
રિયાલિટી ચશ્માં પહેરો એટલે આસપાસના માહોલથી કપાઈને એક જુદી જ દુનિયામાં પ્રવેશી
જાઓ. તમે કેવળ એક ઓડિયન્સ ન રહો, પણ જે-તે દશ્યનો હિસ્સો બની જાઓ. આ દશ્ય તમારી
સામે, પાછળ, ડાબે-જમણે, ઉપરનીચે ફેલાયેલું હોય. બ્લેક બોક્સ વીઆર નામની કંપની ખાસ
પ્રકારનાં જિમ તૈયાર કરી રહી છે. એમાં મોશન-ટ્રેકિંગ કન્ટ્રોલર્સ અને વિશેષપણે
ડિઝાઇન કરેલાં વર્કઆઉટ કરવા માટેનાં સાઘનો છે. અહીં પ્રવેશતાંની સાથે તમને સવાલ
થશે કે આ કોઈ જિમ છે કે વિડીયો ગેમ? તમે ટ્રેડિંગ મિલ પર દોડતા હો તો તમારી સામે વિશાળ સ્ક્રીન પર દશ્ય
બદલાતું જશે. તમે ભલે તમારા ઘરથી દસ મિનિટના અંતરે આવેલા જિમમાં કસરત કરતા હો, પણ
તમને લાગશે કે જાણે તમે અમેરિકાના માયામી બીચ પર જોગિંગ કરી રહ્યા છો અથવા
આફ્રિકાની કોઈ પહાડ પરની કાચી સડક પર સાઇકલ ચલાવી રહ્યા છો. આ ટેકનોલોજીને કારણે
એક્સરસાઇઝ કરવાનો આખો અનુભવ જ બદલાઈ જશે. આ તો હજુ વચ્યુઅલ રિયાલિટી ફિટનેસ
માર્કેટનું પહેલું ડગલું છે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા.
નખની આંગળીએ ટેકનોલોજીઃ
જમાનો વેરેબલ
ટેકનોલોજીનો છે. હજુ સુધી ફિટનેસ વેરેબલ પ્રોડક્ટસ સામાન્યપણે કાં તો કમર પર યા તો
કાંડા પર પહેરવામાં આવતી હતી, પણ લ ઓરિઅલ કંપનીએ બનાવેલું ટચૂકડું યુવી સેન્સર
ટ્રેકર તમારે આંગળીના નખ પર ચીટકાડી દેવાનું છે. તમે જિમમાં એકસરસાઈઝ કરતા હો કે
બીજી કોઈ પણ એક્ટિવિટી કરતા હો, આ ઉપકરણ તમારું બ્લેડપ્રેશર, હૃદયના ધબકારા વગેરે
માપતું રહેશે. તમારી તબિયતની વિગતો તેમજ એક્સરસાઈઝ રુટિનનો ડેટા તમારા મોબાઇલમાંથી
તે સીધો ઊંચકી લેશે. તબિયત બગડવાના સંકેત મળે કે તરત જ તમને અને લાગતાવળગતા લોકોને
તે એલર્ટ સુધ્ધાં કરી દેશે.
ડાયાબિટીક મોજાઃ
ખાસ ડાયાબિટીસના
દર્દીઓ માટે સાઇરેન નામની કંપનીએ વિશેષ પ્રકારનું ન્યુરોફ્રેબ્રિક તૈયાર કરીને
ડાયાબિટીક મોજાં બનાવ્યાં છે. એમાં સેન્સર જડેલાં છે. મધુપ્રમેહના દર્દી આ મોજાં
પહેરી રાખે એટલે ચોવીસે કલાક એકધારા શરીરના તાપમાનમાં થતા ફેરફાર પર નજર રાખી શકાય.
પગમાં ઇન્જરી થાય ત્યારે શરીરના તાપમાનમાં ફર્ક પડતો હોય છે. આત્યંતિક કેસમાં
આંગળીઓ કપાવવી પડતી હોય છે. ડાયાબિટીક મોજાં પહેરેલાં હોય તો આ પ્રકારની કટોકટીને
ટાળી શકાય. આ મોજાંને વોશિંગ મશીનમાં ધોઈ શકાય છે. વળી, એને મોબાઇલની જેમ ચાર્જ
કરવાની પણ કશી જરૂર હોતી નથી.
આવાં તો ખૂબ બધાં ઉપકરણો ડિસ્પ્લે થયા હતા સીઇએસ શોમાં. હવે જોવાનું એ છે કે આ બધાં ઉપકરણોમાંથી કયું ઉપકરણ
ક્યારે ભારતની કન્ઝ્યુમર માર્કેટમાં ત્રાટકે છે અને એમાંથી ખિસ્સાને પોસાય એવાં ગેજેટ્સ
ક્યાં છે.
0 0 0
No comments:
Post a Comment