Sunday, March 18, 2018

તુમ જો મિલ ગએ હો...

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 18 માર્ચ 2018

મલ્ટિપ્લેક્સ                   

પ્રિયા રાજવંશનું મોત બાથરૂમમાં હૃદય બંધ થઈ જવાને કારણે નહીં, પણ શ્વાસ રૂંધાઈ જવાને કારણે થયું હતું. એનાં માથાં પર ઘાનાં નિશાન જોવા મળ્યાં હતાં, જે વજનદાર વસ્તુના પ્રહારથી થયાં હતાં. ટૂંકમાં, પ્રિયા રાજવંશનું હાર્ટએટેકને લીધે બાથરૂમનું મૃત્યુ થયું હોવાની થિયરી ખોટી નીકળી. તે નેચરલ ડેથ નહીં, મર્ડર હતું.    



શ્રીદેવીનાં મૃત્યુ બાદ આ કમનસીબ ઘટનાક્રમ સાથે સમાનતા ધરાવતી બીજી કેટલીક ઘટનાઓ અને નામો પ્રકાશમાં આવ્યાં. આમાંનું એક નામ એટલે પ્રિયા રાજવંશ, વીતેલા જમાનાની ખૂબસૂરત હિન્દી ફિલ્મી હિરોઈન. જો અઢાર વર્ષ પહેલાં, ટુ બી પ્રિસાઇઝ, 2000ના સાલની 27 માર્ચે પ્રિયા રાજવંશની બાથરૂમમાં હત્યા ન થઈ ગઈ હોત અને વિધાતાએ જો એમની કુંડળીમાં લાંબી જીવનરેખા દોરી હોત તો અત્યારે એ જિંદગીના આઠમા દાયકામાં એક કદમ ઓર આગળ ગયાં હોત.    

વરસાદી રાતમાં 'તુમ જો મિલ ગએ હો તો યે લગતા હૈ' ગાતા ગાતા કાર ડ્રાઇવ કરી રહેલા નવીન નિશ્ચલની બાજુની સીટ પર મુસ્કુરાઈ રહેલી પ્રિયા રાજવંશ આપણને બરાબર યાદ છે. 'હીર રાંઝા'માં ઈશ્કમિજાજી જાની રાજકુમાર સાથે કાવ્યાત્મક સંવાદોની રેમલછેલ કરીને મહોબ્બત વ્યક્ત કરતી પ્રિયાનું સ્મરણ પણ આપણને મીઠું લાગે છે. આવી રૂપકડી અને સોફિસ્ટીકેટેડ સ્ત્રીનું જીવતર કેમ ટૂંકાઈ ગયું? એક્ઝેક્ટલી શું બન્યું હતું તે જરા ફ્લેશબેકમાં જઈને જોઈએ.  

પ્રિયા રાજવંશના રુઈયા બંગલામાં વર્ષોથી કામ કરતી માલા નામની કામવાળી બાઈએ પોલીસને નિવેદન આપ્યું હતું કે 27 માર્ચ 2000ની રાતે હું દૂધ લેવા બહાર ગયેલી. પાછાં આવીને મેં જોયું કે પ્રિયામેડમની ડેડબોડી બાથરૂમમાં પડી છે. હાર્ટએટેક આવી જવાને કારણે એમનું મોત થઈ ગયું હતું. પ્રારંભિક તબક્કે પોલીસે પણ માની લીધું કે કાર્ડિયાક અરેસ્ટને કારણે પ્રિયા રાજવંશનું મૃત્યુ થયું છે, પણ પોસ્ટમોર્ટમ દરમિયાન બહાર આવ્યું કે હાર્ટએટેકની થિયરી ખોટી છે. પ્રિયા રાજવંશનું મોત હૃદય બંધ થઈ જવાને કારણે નહીં, પણ શ્વાસ રૂંધાઈ જવાને કારણે થયું હતું. એનાં માથાં પર ઘાનાં નિશાન પણ હતાં, જે વજનદાર વસ્તુના પ્રહારથી થયાં હતાં. ટૂંકમાં, આ નેચરલ ડેથ નહીં, મર્ડર હતું.

મામલો કોર્ટમાં ગયો. આ ચાર ગુનેગારોને આજીવન કારાવાસની સજા થઈ - કામવાળી બાઈ માલા ચૌધરી, એનો જોડીદાર અશોક ચિન્નપાસ્વામી, વિવેક આનંદ અને કેતન આનંદ. આ આનંદબંધુઓ એટલે ચેતન આનંદના પુત્રો. ચેતન આનંદ એટલે પ્રિયા રાજવંશને ફિલ્મોમાં બ્રેક આપનાર ફિલ્મમેકર ચેતન આનંદ.  પ્રિયા રાજવંશ સાથે પછી એમની લિવ-ઇન રિલેશનશિપ વિકસી જે ચેતન આનંદ જીવ્યા ત્યાં સુધી ટકી રહી. એવું નહોતું કે પ્રિયા રાજવંશને કારણે ચેતન આનંદનું લગ્નજીવન ભાંગ્યું હતું. ચેતન આનંદના ડિવોર્સ થયા બાદ પ્રિયા રાજવંશ એમના જીવનમાં પ્રવેશી હતી.

મામલો મિલકતનો હતો. ચેતન આનંદ જુહુમાં દરિયાકાંઠે ઊભેલો પોતાનો હાઇક્લાસ બંગલો પ્રિયા તેમજ બન્ને પુત્રો એમ ત્રણેયના નામે લખી ગયા હતા. ઘણી થિયરીઓ વહેતી થયેલી એ વખતે. નાણાભીડનો સામનો કરી રહેલાં પ્રિયા રાજવંશ બંગલો વેચી, પોતાના હિસ્સો લઈ, બાકીના જીવન માટે આર્થિક રીતે સિક્યોર થઈ જવા માગતાં હતાં, પણ ચેતનપુત્રોને આ મંજૂર નહોતું. પિતાની 'બીજી બૈરી' સાથે એમને બનતું નહોતું. આનું પરિણામ આખરે ન આવવા જેવું આવ્યું.
Priya Rajvansh with Chetan Anand

પ્રતિભા, પ્રભાવ અને પોઝિશનની દષ્ટિએ શ્રીદેવીની સામે પ્રિયા રાજવંશની કોઈ વિસાત નથી, પણ અપમૃત્યુ ક્યારેક આખા જીવનને રસપ્રદ બનાવી દે છે, તે અસાધારણ ન હોય તો પણ. પ્રિયા રાજવંશનું મૂળ નામ વીરા સુંદર સિંહ. શિમલામાં એનો જન્મ અને ઉછેર. નાટકોમાં ભાગ લેવાનું પ્રિયાએ સ્કૂલ-કોલેજમાં જ શરૂ કરી દીધું હતું. એમના પિતાની યુનાઇટેડ નેશન્સ દ્વારા લંડનમાં ફોરેસ્ટ કન્ઝર્વેટર તરીકે નિમણૂક થઈ એટલે આખો પરિવાર ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયેલો. અહીં પ્રિયાએ રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક્સમાં એડમિશન લીધું. કોઈ ફોટોગ્રાફરે લંડનમાં રૂપકડી પ્રિયાની તસવીરો ખેંચી જે કોઈક રીતે હિન્દી મુંબઈમાં ચેતન આનંદના હાથમાં આવી. (દેવ આનંદ અને 'ગાઇડ' ફિલ્મ બનાવનારા વિજય આનંદ બન્ને ચેતન આનંદના સગા ભાઈ થાય.) ચેતન આનંદ એ અરસામાં 'હકીકત' નામની ફિલ્મ માટે નવી હિરોઈનની તલાશમાં હતા. પ્રિયાનો ફોટોગ્રાફ જોતાં જ એમના દિમાગમાં ઘંટડી વાગી કે બસ, હિરોઈન તરીકે તો હું આને જ સાઇન કરીશ. એમણે પ્રિયાનો સંપર્ક કર્યો, ભારત તેડાવી. આ રીતે પ્રિયાની ફિલ્મી કરીઅરની શરૂઆત થઈ.

'હકીકત' વખતે પ્રિયા માંડ બાવીસ વર્ષની હતી. ચેતન આનંદ એના કરતાં વીસ વર્ષ મોટા. પ્રિયા મુંબઈમાં એકલી અને ચેતન આનંદ ડિવોર્સી, એકાકી. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. તેમણે કદી કાયદેસર લગ્ન ન કર્યાં, પણ આજીવન એક યુગલની જેમ રહ્યાં.

'હકીકત' (1964) પછી પ્રિયા રાજવંશે કુલ છ ફિલ્મો કરી. બીજી ફિલ્મ 'હીર રાંઝા' છેક છ વર્ષ પછી આવી, 1970માં. ત્યાર બાદ 'હિદુંસ્તાન કી કસમ' (1973), 'હંસતે જખ્મ' (1973), 'સાહિબ બહાદૂર' (1977), 'કુદરત' (1981) અને 'હાથોં કી લકીરેં' (1986) આવી. આ સાતેયના ડિરેક્ટર ચેતન આનંદ. પ્રિયાએ એમના સિવાય બીજા કોઈ ફિલ્મમેકર સાથે એક પણ ફિલ્મ ન કરી. ચેતન આનંદ પ્રત્યેનું પ્રિયા સમર્પણ સંપૂર્ણ હતું. ચેતન આનંદે જોકે પ્રિયાને કાસ્ટ કર્યા વગર કેટલીક ફિલ્મો જરૂર બનાવી. ચેતન આનંદની તમામ ફિલ્મોના કામકાજમાં પ્રિયા ઊંડો અને સક્રિય રસ લેતી, પોતે એમાં અભિનય ન કરવાનો હોય તો પણ. 

આ જ સ્થિતિને પ્રિયાના ભાઈ ગુલ્લુ સિંહ અલગ રીતે જુએ છે. પ્રિયાના ખૂનકેસના ચુકાદા બાદ એક મુલાકાતમાં એમણે કહેલું, 'પ્રિયાની કરીઅર બનાવનારા પણ ચેતન આનંદ હતા અને કરીઅર ખતમ કરનારા પણ ચેતન આનંદ જ હતા. પ્રિયાની જિંદગીની સૌથી મોટી ટ્રેજેડી જ આ હતી - ચેતન આનંદનું એના જીવનમાં પ્રવેશવું. મારી બહેન અભિનયના મામલામાં પેશનેટ હતી, પણ ચેતને એને બીજા કોઈ ફિલ્મમેકર સાથે કામ કરવાની મંજૂરી ન આપી. આ બાબત પ્રિયાની કારકિર્દી માટે ઘાતક પૂરવાર થઈ. પ્રિયાનો એક જ પ્રોબ્લેમ હતો અને તે એ કે એ ચેતન આનંદ પ્રત્યે વધારે પડતી વફાદાર હતી. એણે પોતાની લાઇફના ત્રીસ-ત્રીસ વર્ષ ચેતન આનંદની ઇચ્છા-અનીચ્છા પ્રમાણે કાઢી નાખ્યાં.'


બન્ને વચ્ચે કોઈ પણ યુગલની જેમ નાના મોટા ઝઘડા અને દલીલબાજી થતાં, પણ સમગ્રપણે પ્રિયા આ સંબંધમાં સુખી હતી એવું એમના મિત્રોનું કહેવું હતું. સંબંધના નીતિનિયમો માત્ર સમાજ કે પરંપરા જ નહીં, પણ એ સંબંધથી બંધાયેલાં સ્ત્રી અને પુરુષ પણ વ્યક્તિગત સ્તરે ઘડતાં હોય છે. બન્ને વચ્ચે સંબંધ મજબૂત હોવા છતાં પ્રિયા અલગ ઘરમાં રહેતી. દિવસમાં બે વખત એ ચેતન આનંદના બંગલે આવતી અને એમની સાથે સમય પસાર કરતી. પ્રિયા અને ચેતન આનંદ ફિલ્મી પાર્ટીઓમાં ભાગ્યે જ દેખાતાં, પણ પસંદગીના દોસ્તોને ઘરે આમંત્રણ અપાતું, મહેફિલો જામતી. પ્રિયા સ્વભાવે એકદમ બહિર્મુખ અને જીવંત, જ્યારે ચેતન આનંદની પ્રકૃતિ ધીરગંભીર. બન્ને એકબીજાની કંપનીમાં ખીલતાં. કહે છે કે કાયદેસર રીતે લગ્ન કરીને રીતસર પતિ-પત્ની બનવામાં બન્નેમાંથી કોઈને ખાસ રસ નહોતો. લગ્ન તેમના માટે કેવળ એક ઔપચારિકતા હતી. ઘારો કે રીતસર પ્રભુતામાં પગલાં પાડ્યાં હોત તો પણ એમના સંબંધમાં ખાસ કશો ફર્ક ન પડત. કદાચ.  

પ્રિયાના નિધનના ચાર વર્ષ પહેલાં, 1996માં, ચેતન આનંદનું મૃત્યુ થયું. ત્યાર બાદ પરિસ્થિતિમાં નાટ્યાત્મક પલટો આવ્યો. ચેતન આનંદના દીકરાઓ તો ઠીક, ઘરની કામવાળી માલાનું વર્તન પણ એના પ્રત્યે કઠોર થવા માંડ્યું. પ્રિયાએ વિદેશમાં વસતા પોતાના ભાઈઓને કાગળો લખ્યાં હતાં, જેમાં પોતે ખૂબ ભયભીત છે એવા મતલબનો સૂર રહેતો. ઘરે દોસ્તોનો આવરોજાવરો ઓછો થઈ ગયો. પ્રિયા ઘણી વાર બંગલો વેચીને, પોતાનો ભાગ લઈને ચંડીગઢમાં સેટલ થવાનું વિચારતી, પણ મિત્રોએ એને એમ કરતાં રોકી હતી.

પ્રિયા રાજવંશ બંગલો વેચીને કે વેચ્યા વગર ચેતન આનંદના પુત્રોનાં વર્તુળમાંથી અને મુંબઈમાંથી બહાર નીકળી ગયાં હોત તો એમના જીવનનો ઘાતક અંત ન આવ્યો હોત? ખેર, જીવનમરણના હિસાબકિતાબમાં આવા 'જો' અને 'તો' નો કોઈ મતલબ હોતો નથી.
      
0 0 0  


No comments:

Post a Comment