Thursday, January 18, 2018

જિંદગીનો કયો પાઠ શીખતાં તમને સૌથી વધારે વાર લાગી હતી?

Sandesh - Ardh saptahik purti - January 17, 2018
ટેક ઓફ

‘જીવનનો કોઈ અનુભવ નકામો જતો નથી. પછી ભલેને એ અનુભવ ગમે તેટલો પીડાદાયી કે ત્રાસજનક કેમ ન હોય. આપણી સાથે જિંદગીમાં જે કંઈ બને છે તેનો હેતુ એ જ હોય છે કે આપણે આપણી જાતને તરાશી શકીએ અને ક્રમશઃ આપણા સાચુકલા વ્યકિતત્વની, આપણાં સત્યની બને તેટલા નજીક જઈ શકીએ. આપણું દુઃખ કે પીડા મહત્ત્વના નથી. આ દુઃખ અને પીડાથી આપણી ભીતર જે નવા ઉઘાડ થાય છે, જે નવાં સત્યો સામે આવે છે તે મહત્ત્વના છે.’


ત્યંત અણિયાળો, વિચારતા કરી મૂકે એવો, અસ્વસ્થ બનાવી દે તેવો સવાલ છે. આ જિંદગીનો કયો પાઠ શીખતાં તમને સૌથી વધારે વાર લાગી હતી? અમેરિકાની ટોક-શો કવીન ઓપ્રા વિન્ફ્રીએ એક ઇન્ટરવ્યૂઅર તરીકે અસંખ્ય લોકોને આ સવાલ કર્યો છે. ઓપ્રા આજકાલ ન્યૂઝમાં છે. હજુ દસેક દિવસ પહેલાં ગોલ્ડન ગ્લોબ ફ્ંકશનમાં લાઇફ્ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ સ્વીકારતી વખતે એણે જોશીલી સ્પીચ આપી હતી. આ સ્પીચ પછી અમેરિકામાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે ૨૦૨૦માં અમેરિકામાં યોજાનારી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં બીજી ટર્મ માટે મેદાનમાં ઉતરનારા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઓપ્રા ઉમેદવાર તરીકે ઝુકાવશે. 

ઓપ્રા અમેરિકાની પહેલી એવી મલ્ટિ-બિલિયોનેર વ્યકિત છે, જે બ્લેક હોય. આજની તારીખે પણ એ સૌથી ધનિક આફ્રિકન-અમેરિકન ગણાય છે. પહેલાં ‘ધ ઓપ્રા વિન્ફ્રી શો’ અને પછી ‘સુપર સોલ સન્ડે’ નામના ટોક શોના જોરે, દુનિયાભરની વગદાર સેલિબ્રિટીઓથી માંડીને સાવ સામાન્ય વ્યકિતઓની મુલાકાતો લઈને, એમની સાથે ખુલ્લા દિલે વાતચીત કરીને અને એમનાં વ્યકિતત્વના અગાઉ કયારેય બહાર આવ્યા ન હોય એવાં પાસાંને કુનેહભેર અને આત્મીયતાપૂર્વક્ સપાટી પર લાવીને ઓપ્રાએ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે.

થોડા અઠવાડિયાં પહેલાં ઓપ્રાનું અફ્લાતૂન પ્રોડક્શન વેલ્યુ ધરાવતું એક ઉત્તમ અંગ્રેજી પુસ્તક બહાર પડયું. એનું શીર્ષક છે, ‘ધ વિઝડમ ઓફ્ સન્ડે’. નીચે ટેગલાઇન છે – ‘લાઇફ્ ચેન્જિંગ ઇનસાઇટ્સ એન્ડ ઇન્સ્પિરેશનલ કન્વર્સેશન્સ’. મમરાની ગુણીની જેમ નાહક્ના ફ્ુલી ગયેલાં પોપટીયા ચિંતનાત્મક ચોપડાઓથી આજે બજાર છલકાય છે. આવા માહોલમાં જ્યારે આવું કોઈ સરસ પુસ્તક આવે ત્યારે ધ્યાન ખેંચાયા વગર ન રહે.
ઓપ્રાએ પોતાના ‘સુપર સોલ સન્ડે’ શો માટે કંઈકેટલાય વિચારકો, કલાકારો, આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરી ચુકેલા લોકોની મુલાકાતો લીધી છે. કુલ બસ્સો કરતાંય વધારે કલાકના રેકોર્ડિંગ્સમાંથી એણે પોતાને સૌથી સ્પર્શી ગયેલા અંશોને અલગ તારવીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આમાં એણે આમંત્રિત વ્યકિતઓના વિચારોની સાથે સાથે પોતાની અંતરંગ વાતો પણ વણી લીધી છે. ઓપ્રાએ ખુદ જીવનમાં બહુ બધી તડકી-છાંયડી જોઈ છે. એ લખે છેઃ
‘જીવનનો કોઈ અનુભવ નકામો જતો નથી. પછી ભલેને એ અનુભવ ગમે તેટલો પીડાદાયી કે ત્રાસજનક કેમ ન હોય. આપણી સાથે જિંદગીમાં જે કંઈ બને છે તેનો હેતુ એ જ હોય છે કે આપણે આપણી જાતને તરાશી શકીએ અને ક્રમશઃ આપણા સાચુકલા વ્યકિતત્વની, આપણાં સત્યની બને તેટલા નજીક જઈ શકીએ. આપણું દુઃખ કે પીડા મહત્ત્વના નથી. આ દુઃખ અને પીડાથી આપણી ભીતર જે નવા ઉઘાડ થાય છે, જે નવાં સત્યો સામે આવે છે તે મહત્ત્વના છે.’
આપણી ભીતર થતાં આ ઉઘાડને જોતાં, સમજતાં અને સ્વીકારતા આવડવું જોઈએ. દુઃખ આપણને જે વસ્તુ સમજાવવા માટે આવ્યું હોય છે તેને ઉકેલતાં આવડવું જોઈએ. ન આવડતું હોય તો સતત શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.
ઓપ્રા નાની હતી, માંડ નવેક વર્ષની, ત્યારથી એનું જાતીય શોષણ શરૂ થઈ ગયેલું. કઝિન દ્વારા, અંકલ દ્વારા, એક ફેમિલી ફ્રેન્ડ દ્વારા. સેકસ્યુઅલ અબ્યુઝનો આ ભયાનક તબક્કો કયાંય સુધી લંબાયો હતો. બાળપણમાં ભોગવવા પડતા સેકસ્યુઅલ અબ્યુઝના કાળા પડછાયા આખી જિંદગી પર પડતા હોય છે. ઓપ્રાએ આખરે વર્ષો પછી પોતાના જ શોમાં આ વાત દુનિયા સામે મૂકી હતી. ઓપ્રા લખે છેઃ
‘હું ફિઝિકલ અને સેકસ્યુઅલ અબ્યુઝનો ભોગ બનતી ત્યારે મૂંગીમંતર બની જતી. આ ઘટનાક્રમની મારા પર એવી અસર થઈ કે પછી વર્ષો સુધી જ્યારે પણ કોઈ તકલીફ્દાયક કે અનકર્મ્ફ્ટેબલ પરિસ્થિતિ ઊભી થાય કે હું તરત કોચલામાં છુપાઈ જતી, ચુપ થઈ જતી, મારી લાગણીઓને કચડી નાખતી અને જે કંઈ હાથમાં આવે તે ખાવા લાગતી.’


ઓપ્રા મોટા ભાગનું જીવન સ્થૂળકાય રહી છે એનું કારણ આ જ. એ સફ્ળ થઈ અને ખુદ સેલિબ્રિટી બની ગઈ પછી એક કિસ્સો બન્યો હતો. એકવાર એ પોતાના પિતાના ઘરે ગયેલી. દરમિયાન જે માણસે નાનપણમાં એનું જાતીય શોષણ કર્યું હતું એ ઘરે આવ્યો ને એના પિતા સાથે ગામગપાટાં હાંકવા લાગ્યો. ઓપ્રા કિચનમાં જઈને એ માણસ માટે ચા-નાસ્તો તૈયાર કરવા માંડી! એ માણસે પાછા વખાણ પર કર્યા કે ઓપ્રા, તારા હાથની રસોઈ મને પહેલેથી જ ખૂબ ભાવે છે. ઓપ્રા ખામોશ બની ગઈ. એક અક્ષર સુદ્ધાં બોલી ન શકી. ઓપ્રા કહે છેઃ
‘આજે હવે પાછું વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે તે ક્ષણે હું ફરી પાછી પેલી નવ વર્ષની છોકરી બની ગઈ હતી જેને હંમેશાં ડર રહેતો કે જો એ ફરિયાદ કરશે તો ઘરવાળા ઊલટાનો એનો જ વાંક કાઢશે. મને મોડું મોડું સમજાયું કે આ મારો સ્વભાવ બની ગયો હતો. મોટી થઈ ગયા પછી પણ પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ્માં કશુંક ન ગમે એવું બને કે હું અપસેટ હોઉં તો હું ચુપ થઈ જતી – પેલી નવ વર્ષની છોકરીની જેમ અથવા કિચનમાં પેલા નરાધમ માટે ચા-નાસ્તો તૈયાર કરી રહેલી યુવતીની જેમ. મેં આખરે મારી જાતને શીખવ્યું કે મનમાં જાગતી લાગણીઓને દબાવી ન દેવી, એને વ્યકત કરી નાખવી. પછી ભલે સામાવાળાને ખોટું લાગે. ભલે સંબંધ તૂટી જાય. જીવનના પ્રત્યેક સ્તરે બને એટલી સચ્ચાઈપૂર્વક જીવવું જોઈએ. આકરી ઘડીઓમાં સહમીને ચુપ થઈ જવાને બદલે મેં વિવેકપૂર્વક મનમાં જે કંઈ હોય તે બોલવાનું શરૂ કર્યુ. આ મારા માટે બહુ મોટી આઝાદી હતી. જીવનનો આ એક પદાર્થપાઠ શીખતાં મને સૌથી વધારે વાર લાગી હતી.’
આપણી સાથે કશુંક ખોટું થાય ત્યારે એનો ઉપાય શોધવા આપણે ઘાંઘા થઈને બહાર ફાંફાં મારીએ છીએ. ‘હું જ કેમ?’, ‘મારી સાથે જ આવું કેમ થયું?’, ‘વ્હાય મી?’ એવા બધા સવાલ કરવાને બદલે એક વાત સમજી લેવી જોઈએ કે જે કંઈ થયું છે તે કંઈ ઓચિંતા કે અણધાર્યું થયું નથી. આપણી જિંદગી સતત આપણને કશુંક કહેતી હોય છે, સંદેશો આપવા – સમજાવવા માગતી હોય છે, આપણને એક જુદી દિશા તરફ્ ધકેલવા માગતી હોય છે, ક્દાચ એક નવું બારણું ખોલવા માગતી હોય છે કે જ્યાંથી આપણે એક નવી યાત્રા શરૂ કરી શકો. ઓપ્રા એટલે જ કહે છે કે –
‘જીવનમાં મુસીબતો અને પડકારો ખરેખર તો સરસ મજાની તક લઈને આવતાં હોય છે. આપણા વિશેની નવી સચ્ચાઈ જાણવાની તક, આપણાં વ્યકિતત્વનું નવું સેન્ટર ઓફ્ ગ્રેવિટી યા તો ગુરુત્વમધ્યબિંદુ શોધવાની તક. આથી જીવનમાં આવી પડતા પડકારો કે પીડાનો વિરોધ ન કરવો. વિરોધ કરશો તો ઉલટાનો સંઘર્ષ વધશે. જો તમે સચ્ચાઈની સામે લડતા હશો તો કદી જીતી શકવાના નથી. સત્યને પારખતા અને સ્વીકારતા શીખી લેવું.’
ઓપ્રાના પુસ્તકમાં જુદા જુદા વિચારકોએ શી વાતો કરી છે? તે વિશે ફરી ક્યારેક.

0 0 0 

No comments:

Post a Comment