Sandesh - Ardh Saptahik purti - January 10, 2018
ટેક ઓફ
' હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે... દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી.'
' હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે... દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી.'
‘ઈ.સ. ૧૮૬૧ના માર્ચ મહિનાની ૮મી તારીખે રાત્રે દશ કલાકે હું પારિસમાં દાખલ થયો. શહેર સુધારાના ખરચને કાજે કેટલાક માલ ઉપર શહેરમાં પેસતાં જકાત લે છે. એ જકાત લેનારાએ મારી તથા મારી સાથે આવેલા સઘળા ઉતારુઓની પેટીઓ ઉઘાડીને જોઈ. મારી સિરોઈ જોઈને અજબ થયા. મારા એક સાથીએ ફ્રેંચ ભાષામાં તેમને કહ્યું કે, એમાં પાણી છે. તેઓએ પહેલું તો ન માન્યું, ને કહ્યું કે પાણી લાવવાનું શું કામ છે, પારિસમાં બહુ પાણી છે. તેમાંના એકની હથેળીમાં મેં પાણી રેડયું, તે તેણે ચાખ્યું ત્યારે માન્યું, પણ તેમનું અચરજ ઓછું થયું નહીં.’
આ દોઢ સદી પહેલાંનું ગુજરાતી ગદ્ય છે, જે લેખક અને સમાજસુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું છે. આજના આખા લેખમાં અવતરણ ચિહનમાં મૂકાયેલા ફ્કરાની જોડણી મૂળ લખાણ પ્રમાણે જ રાખી છે. મહિપતરામ લિખિત ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ પ્રકાશિત પ્રવાસગ્રંથ ગણાય છે. એ પહેલાં જો કે અપવાદરૂપે કેટલાક પારસી લેખકોએ લખેલાં પ્રવાસકથાના પુસ્તકો બહાર પડયાં હતાં. વિખ્યાત હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ નીલકંઠ એ મહિપતરામના પુત્ર થાય. મહિપતરામ પેરિસ ગયેલા ત્યારે એકત્રીસ વર્ષના હતા. એમનું ‘જૂના જમાનાનું’ ગુજરાતી અને પેરિસનું વર્ણન બન્ને જબરાં ચાર્મિંગ છે. જુઓઃ
આગળ લખે છેઃ
‘કવિ પ્રેમાનંદ ભટ્ટે દ્વારિકાનું વર્ણન કર્યું છે. જો તેણે હાલનું પારિસ શહેર જોયું હોત તો દ્વારિકાને એથી (એટલે કે પેરિસથી) વધારે સારી બનાવત તથા તેેેને વૈંકુઠને બદલે પારિસની ઉપમા આપત.’
આજે વિદેશપ્રવાસો અને વિદેશવર્ણનના પુસ્તકો બન્ને સામાન્ય બની ગયાં છે. વિદેશથી આવેલા ગ્રીનકાર્ડ હોલ્ડર મુરતિયો અને કન્યા વધારે ડિમાન્ડમાં રહે છે, પણ દોઢ સદી પહેલાં દરિયો ઓળંગીને પરદેશ જનારને હિંદુ સમાજ વટલાઈ ગયેલો માનતો. ‘અમર પ્રવાસનિબંધો’માં સંપાદક ભોળાભાઈ પટેલ નોંધે છે એમ, મહિપતરામ ૧૮૬૦માં ઈંગ્લેન્ડ ગયેલા ત્યારે ભારે ઊહાપોહ થયેલો અને એમને નાતબહાર મૂકવામાં આવેલા.
મહિપતરામની જેમ કરસનદાસ મૂળજીએ પણ એ જમાનામાં વિલાયતનો પ્રવાસ કર્યો હતો. કરસનદાસ મૂળજી (જન્મઃ ૧૮૩૨, મૃત્યુઃ ૧૮૭૧) એટલે મહારાજ લાયેબલ કેસવાળા નીડર સમાજસુધારક {nkhks ÷kÞuƒ÷ fu‚ðk¤k ™ezh ‚{ks‚wÄkhf, જેમના જીવન અને કર્મના આધારે સૌરભ શાહે 'મહારાજ' નામની મસ્તમજાની રિચર્સ-બેઝ્ડ નવલકથા લખી છે. કરસનદાસ મૂળજીએ લખેલું ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ નામનું પુસ્તક ૧૮૬૬માં પ્રગટ થયું. પ્રસ્તાવનામાં તેઓ લખે છેઃ
‘ઈ.સ. ૧૮૬૩માં ઇંગ્લાંડમાં પ્રવાસ કરી આવ્યા પછી મને એમ લાગ્યું કે બે પ્રવાસથી મારા મનમાં જે વિચારો ઉપજ્યા છે તે પ્રગટ કરીને મારા દેશીઓની સેવામાં મુકું – આ ઇચ્છાથી મેં આ ગ્રંથ તઇયાર કરયો છે.’
કરસનદાસ ઈંગ્લેન્ડ ગયા એ જમાનામાં એડનબરો (એટલે કે એડનબર્ગ) શહેરની વસતી આશરે સવાબે લાખ જેટલી હતી. આજે ૧૫૫ વર્ષ પછી આસપાસના સબર્બ્સ વગેરે મળીને એડનબર્ગ સિટી રિજનની વસતી લગભગ ૧૪ લાખ જેટલી છે. કરસનદાસ લખે છેઃ
‘સવારના ઉઠીને બારીનો પડદો ઉઘાડીને જોઉં છઉં તો આઃ હા! કેવો સુંદર દેખાવ મારી સામે પડયો! એક તો એડિનબરોનું શેહેર આખા યુનાઈટેડ કિંગડમમાં ખૂબસૂરત અને સોહામણું કહેવાય છે અને જે મહોલ્લામાં હું ઉતર્યો હતો તે મોહલ્લો સઉથી સરસ ગણાય છે. એટલા માટે મારી આંખને જે આનંદ ઉપજ્યો તેમાં પૂછવું શું?’
ઈંગ્લેન્ડ ફ્રીને પાછા વતન આવેલા કરસનદાસ નાતના જુલમથી બચી જાય એવું શી રીતે બને. ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ પુસ્તકના ‘પ્રવાસનો છેડો’ શીર્ષકધારી પ્રકરણમાં તેઓ લખે છેઃ
‘વિલાયત જનાર પહેલા થોડાએક ગૃહસ્થો પર દુખ પડયાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના. ભાઈ મહીપતરામ ઉપર આ બાબતમાં દુખ પડયું તે જોઈને જેમ હું અટકયો નહીં, તેમ મને જોઈને બીજાઓ અટકશે નહીં એમ હું માનું છુ… હું છેલ્લી વાર ફ્રીથી કહું છઉં કે મારા પ્રવાસ વિશે લોકો ગમે તેમ બોલો પણ તેનું ફ્ળ રૂડું જ નિપજશે એવી હું આશા રાખું છઉં.’
કરસનદાસ મૂળજી |
ગોંડલનાં મહારાણી નંદકુંબરબાએ છેક ૧૯૦૨માં, એટલે કે આજથી ૧૧૬ વર્ષ પહેલાં ૭૦૦ પાનાનું ‘ગોમંડળ પરિક્રમ’ નામનો પ્રવાસવર્ણનનો દળદાર ગ્રંથ બહાર પાડેલો. મહારાણી કયાં કયાં ફરી આવેલાં? ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટલી, બેલ્જિયમ, હોલેન્ડ, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, પોર્ટુગલ, જર્મની, ઓસ્ટ્રિયા, ગ્રીસ, રશિયા, તુર્કસ્તાન, અમેરિકા, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા અને સિલોન! મહારાણીએ વિદેશ કે વિદેશીઓથી સહેજ પણ બિનજરૂરી રીતે પ્રભાવિત થયા વિના બહુ જ સુંદર ભાષામાં વર્ણન કર્યું છે. એમના પુસ્તકના ‘દેન્માર્ક’ નામના પ્રકરણમાં નોંધાયેલાં નિરીક્ષણો જુઓઃ
‘સામટી રીતે જોતાં અમુક અમુક લોકમાં અમુક અમુક ખાસ ગુણ દીઠામાં આવે છે. ઈંગ્લેન્ડના લોક સાહસિક, ઉદ્યોગી ને હિમ્મતબાજ છે, તેમ રીતભાતમાં કંઈક અતડા છે. સ્કોટલેન્ડના બહાદુર, કરકસરિયા ને વિદ્યાવિનોદી છે. આયરલેન્ડના સભ્ય પણ સ્વભાવે ઉતાવળા છે. ફ્રાન્સના મોજી, સુઘડ પણ કંઈક પતરાજીખોર ને જલદી ઉશ્કેરાઈ જાય એવા છે. નાર્વેના લોક ભલા અને કરકસરિયા છે. સ્વિડનના પંડિત થવાને યોગ્ય પણ તેજમાં મંદ છે. ડેન લોક (એટલે કે ડેન્માર્કના લોકો) સુલેહને ચાહનારા, બળવાન પણ પૂર્વજોના સાહસને વીસરી જનાર છે. ડચ લોકો કસાયેલા શરીરના ને પુષ્ટ છે. સ્વિસલોક સાદા ને સ્વદેશ-પ્રીતિવાળા છે. ઇતાલીના લોક દેખાવડા, ચતુર પણ ગંદા, આળસુ અને કોતાબાજ છે.'
ઈંગ્લેન્ડ વિશે મહારાણીએ સચોટ ટિપ્પણી કરી છેઃ
‘ઈંગ્લંડ અગ્નિરૂપ છે! તમામ દેશની પેદાશ હજમ કરી જાય છે!’
વિદેશીઓ સાથે ભારતીય પ્રજાની સ્વસ્થ અને નિર્ભીક તુલના કરવાનું મહારાણી ચુકતા નથી. એક જગ્યાએ તેઓ લખે છેઃ
‘એક સમય એવો હતો કે, આ નાનકડા દેશના (ડેન્માર્કના) વીરપુરુષોએ દક્ષિણ યૂરોપના ઘણાખરા દેશ સ્વાધીન કીધા હતા ને ઉત્તરમાં ઈંગ્લંડનો મુલક તો કેવળ એમની સત્તા નીચે આવી ગયો હતો… એ પરાક્રમ કયાં ગયું?… હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે. પરાક્રમ વગરનો માણસ નિરુદ્યમી ને નિરુત્સાહી થાય છે. તેથી લક્ષ્મી ને સ્વતંત્રતા ત્યાં રહેતી નથી ને પરિણામે તેને દરિદ્ર ને પરતંત્ર થવું પડે છે… દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી. આ હાલત ખરેખર શોચનીય છે.’
મહારાણીનો આ અણિયાળો મિજાજ જોઈને સ્વામી સચ્ચિદાનંદ અને એમનાં પ્રવાસવર્ણનો યાદ આવી ગયાને! આખી દુનિયા ફરીને પહેલાં મુંબઇ અને ત્યાંથી ધરમપુર થઈને વતન પાછાં ફ્રેલાં ગોંડલના રાણીબાએ શું કર્યું? ગાયની પરિક્રમા! ગોંડલ નામનું મૂળ ગોમંડળ શબ્દમાં છે. ગોમંડળ અપભ્રંશ થઈને ગોંડળ બન્યું અને ગોંડળનું પછી ગોંડલ થઈ થયું. ગોમંડળ એટલે પૃથ્વીની ગોળાકાર સપાટી. આપણાં શાસ્ત્રોમાં પૃથ્વીને ગાય સ્વરૂપ તરીકે કલ્પવામાં આવી છે. ગાય પૃથ્વીનું પ્રતીક છે. ગૌપ્રદક્ષિણા અને પૃથ્વીપ્રદક્ષિણાનું ફ્ળ એકસમાન ગણાય છે. આથી મહારાણી નંદકુંવરબાએ ગોંડલ પાછાં ફરીને સૌથી પહેલાં ગાયની પ્રરિકમ્મા કરી કે જેથી એમની સાચુકલી પૃથ્વી પ્રદક્ષિણા દરમિયાન જાણે-અજાણે જે કંઈ પાપ થઈ ગયાં હોય એ સરભર થઈ જાય!
સો વાતની એક વાત. પાપ પડે કે નાતના લોકો ઈર્ષ્યા કરે, વિદેશપ્રવાસ કરવાના એટલે કરવાના!
0 0 0
0 0 0
No comments:
Post a Comment