Wednesday, January 10, 2018

પ્રેમ અને સ્ત્રીની સમસ્યાઓ સૌને એકસરખી સતાવે છે!

Sandesh - Ardh Saptahik Purti - 20 Dec 2017
Take off

ઇલન મસ્ક આ સદીના સૌથી મહત્ત્વના અબજોપતિ બિઝનેસમેન-કમ-ઇન્વેન્ટર ગણાય છે, આવનારા સમયમાં દુનિયાભરના લોકોની લાઇફસ્ટાઇલ પર ઇલન મસ્કે કરેલાં સંશોધનો તીવ્ર અસર કરવાનાં છે, પરંતુ જબરો ગેમ-ચેન્જર ગણાતો આ માણસ પણ પ્રેમસંબંધ અને લગ્નસંબંધમા થતી ઉથલપાથલથી વિચલિત થઈ જાય છે! ઇલન મસ્કમાંથી શીખવા જેવું આ પણ છેઃ ભલે અંગત જીવનમાં ઉથલપાથલ થયા કરે, ભલે પ્રેમજીવન કે લગ્નજીવન ઊંચાનીચું થયા કરે, ભલે બધું હોવા છતાં ખાલીપો, એકલતા અને અસલામતી લાગ્યા કરે, પણ કામ કરતા રહેવાનું, મહેનત કરતા રહેવાની, સર્જન કરતા રહેવાનું!



જાણીતા અમેરિકન પાક્ષિક ‘રોલિંગ સ્ટોન’એ ગયા મહિને ઇલન મસ્ક પર કવરસ્ટોરી કરી હતી. આ સ્ટોરી માટે નીલ સ્ટ્રોસ નામના પત્રકાર એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા ત્યારે અમુક એવી ઘટના બની કે જેમાંથી ઇલન મસ્કના વ્યકિતત્વના નવાઈ લાગે એવાં પાસાં સામે આવ્યાં. એક મિનિટ. સૌથી પહેલાં તો એલન મસ્ક એટલે કોણ એ વિશે થોડીક વાત કરી લઈએ.
ઇલન મસ્ક અમેરિકાનો એક અબજોપતિ ઉદ્યોગપતિ છે, પણ છેતાલીસ વર્ષના આ માણસની ઓળખાણ આપવા માટે ‘ઉદ્યોગપતિ’ શબ્દ ઘણો ટૂંકો પડે. ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સે’ એના માટે ‘આર્ગ્યુએબલી ધ મોસ્ટ સકસેસફ્ુલ એન્ડ ઇમ્પોર્ટન્ટ એન્ત્રોપ્રિન્યોર ઇન ધ વર્લ્ડ’ શબ્દપ્રયોગ કર્યો છે. તેણે પ્રભાવશાળી ઔદ્યોગિક સામ્રાજ્ય જમાવ્યું છે તે સાચું, પણ એમનો મૂળ મિજાજ એક એન્જિનિયર અને ઇન્વેન્ટરનો છે. તે પોતાની જાતને ટેકનોલોજિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. ઇલન મસ્ક કુદરતી રીતે જ અત્યંત તેજસ્વી એન્જિનિયર છે.
ઇલન મસ્કે ચચ્ચાર બિલિયન ડોલર કંપનીઓ શરૂ કરી- પેપાલ, ટેસ્લા, સ્પેસએકસ અને સોલર સિટી. આજથી સોળ વર્ષ પહેલાં એમણે પેપાલ નામની ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરતી કંપની સ્થાપી હતી. ટેસ્લા આજે કાર બનાવતી દુનિયાની સૌથી એકસાઇટિંગ કંપની ગણાય છે. પેટ્રોલ-ડીઝલ વગર કેવળ ઇલેકિટ્રસિટીના જોરે ચાલતી આ ગાડીઓ એવો તરખાટ મચાવી રહી છે કે જનરલ મોટર્સ અને જેગુઆર જેવી કંપનીઓને ઘોષણા કરવી પડી કે અમે ક્રમશઃ પેટ્રોલ વડે ચાલતી કારનું ઉત્પાદન બંધ કરીને ઇલેકિટ્રક કાર બનાવવાનું શરૂ કરવાના છીએ. સ્પેસએકસ (સ્પેસ એકસ્પ્લોરેશન) સ્પેસ ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની છે. એ રોકેટો બનાવે છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામના કાયમી અવકાશી મથકમાં કામ કરતા અવકાશયાત્રીઓ માટે જરૂરી માલસામાન પૃથ્વી પરથી મોકલે છે. નાસા જેવી નાસાએ આ ખાનગી કંપનીને મલ્ટિ-બિલિયન ડોલરના કોન્ટ્રેકટ આપ્યા છે. સ્પેસએકસનું લાંબા ગાળાનું મિશન મંગળ અને અન્ય ગ્રહો પર માનવવસાહતો વિકસાવવાનું છે. પૃથ્વી જ્યારે જીવવા જેવી નહીં રહે અને સમગ્ર માનવજાતિનું નિકંદન નિકળી જાય એવી સ્થિતિ આવી જાય એ પહેલાં માણસે બીજા કોઈ ગ્રહ પર શિફ્ટ થયા વગર ચાલશે નહીં. સાયન્સ ફ્કિશન લાગે એવી આ વાત છે. જો બીજું કોઈ મંગળ પર કોલોની બાંધવાની વાતો કરતું હોત તો લોકો એને ગાંડો ગણત, પણ ઇલન મસ્કના પ્રયત્નો અને મહત્ત્વાકાંક્ષાને ગંભીરતાપૂર્વક જોવામાં આવે છે. એમની ચોથી કંપની એટલે સોલર સિટી, જે ઇકો-ફ્રેન્ડલી એનર્જી પ્રોડક્શન અને એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કાર્યરત છે. આ સિવાય ઇલન મસ્ક હાઇપરલૂપ નામની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવી રહૃાા છે, જે પેસેન્જરોને (પૃથ્વી ઉપર જ) રોકેટની ઝડપે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકશે. ઇલન મસ્કના આ તમામ કારોબાર સાચા અર્થમાં ગેમ-ચેન્જર છે.
હોલિવૂડની બમ્પર હિટ સુપરહીરો ફ્લ્મિ ‘આયર્નમેન’ બનાવતી વખતે એક્ટર અને ડિરેકટરે કેરિશ્મેટિક ટેક ટાયકૂન ટોની સ્ટાર્કના કિરદાર માટે રેફરન્સ તરીકે એલન મસ્કને નજર સામે રાખ્યા હતા તે જાણીતી (અને સાચી) વાત છે. ડિરેકટર જોન ફેવવુએ પછી ‘ટાઇમ’ મેગેઝિનમાં લખ્યું હતું કે, ‘દરેક યુગને એલન મસ્ક જેવા વિઝનરી માણસની જરૂર પડતી હોય છે. તેઓ કહે છે કે જાદુ અથવા ચમત્કારની સૌથી નજીકની કોઈ વસ્તુ હોય તો તે એન્જિનિયરિંગ છે. એલન મસ્ક આવું ખરેખર આવું માને છે.’
ઇલન મસ્કની પહેલી પત્ની જસ્ટિને ડિવોર્સ લીધા પછી જાહેરમાં કહૃાંુ છે કે બિલ ગેટ્સ, રિચર્ડ બ્રેન્સન, સ્ટીવ જોબ્સ અને એલન મસ્ક જેવી એકસટ્રીમ સફ્ળતા મેળવવા માટે બે વસ્તુની જરૂર પડે – પાગલપણું અને ગોડલાઇક જીનેટિકસ (અસાધારણ ક્ક્ષાનો શારીરિક-માનસિક-બૌદ્ધિક બાંધો).
જસ્ટિન લેખિકા છે. ૨૦૦૦માં એણે ઇલન સાથે લગ્ન કર્યાં હતાં. એમનો પહેલો દીકરો કશીક બીમારીથી થોડાં અઠવાડિયામાં જ મૃત્યુ પામ્યો. પછી આઇવીએફ્ ટેક્નિકથી જસ્ટિન બે વાર ગર્ભવતી બની. પહેલી વાર ટ્વિન્સ જન્મ્યાં અને બીજી વાર ટ્રિપ્લેટ્સ અવતર્યાં. પાંચેપાંચ દીકરા. જસ્ટિન દોમ દોમ સાહૃાબીમાં જીવતી હતી, પણ તોય એ ખુશ નહોતી. એને સતત થયા કરતું હતું કે હું લેખિકા છું, પણ ઇલન મસ્કની આભામાં મારી ઓળખ સાવ ઢંકાઈ જાય છે. આઠ વર્ષ પછી એ એમના ડિવોર્સ થઈ ગયા. પાંચેય દીકરા પિતા પાસે રહૃાા.
છૂટાછેડાના છ જ અઠવાડિયા પછી ઇલન મસ્કે એસએમએસ કરીને જસ્ટિનને સમાચાર આપ્યાઃ મેં તલુલા રાઇલી સાથે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં અમે પરણવાનાં છીએ. એલન કરતાં ચૌદ વર્ષ નાની તલુલા રાઇલી બ્રિટિશ એકટ્રેસ છે. ૨૦૧૦માં તેઓ પરણ્યાં અને બે જ વર્ષમાં છૂટાછેડા લઈ લીધા. પછી બંને વિચારવા બેઠાં : મારું બેટું છૂટાછેડા લેવામાં ઉતાવળ થઈ ગઈ કે શું? હાલો પાછા લગ્ન કરીએ! તેઓ નવેસરથી પરણ્યાં. સેકન્ડ ઇનિંગ્સ ચાર વર્ષ ચાલી. ફરી પાછા ડિવોર્સ. આ 2016નીી વાત. ઇલન મસ્કના જીવનમાં પછી ત્રીજી સ્ત્રી આવી. અંબર હર્ડ એનું નામ. એ પણ ફ્લ્મિ એકટ્રેસ છે. પછી શું થયું?


આ લેખની શરૂઆત જ્યાંથી કરી હતી તે ‘રોલિંગ સ્ટોન’ મેગેઝિનવાળા ઇન્ટરવ્યૂની વાત હવે આવે છે. ઇલન મસ્કને મળવા પત્રકાર નીલ સ્ટ્રોસ એમની સ્પેસએકસની ઓફ્સિ ગયા. થોડા દિવસો પહેલાં જ ઇલન મસ્કે એક ઇવેન્ટમાં ભારે ધામધૂમથી ટેસ્લાનું મોડલ થ્રી દુનિયા સામે મૂક્યું હતું. ‘રોલિંગ સ્ટોન’નો પત્રકારે ૩૫ હજાર ડોલરની આ ઇલેકિટ્રક કારના મુદ્દાથી ઇન્ટરવ્યૂની શરૂઆત કરી, પણ ઇલન મસ્કનું ધ્યાન કયાંક્ બીજે હતું. કહેઃ મને જરા વોશરૂમ જઈ આવવા દો. મારા મનમાં અત્યારે થોડી ગડમથડ ચાલી રહી છે. હંુ જરા મારું દિમાગ શાંત કરી આવું.
પાંચ મિનિટ થઈ. દસ મિનિટ થઈ. પંદર મિનિટ થઈ. ઇલન મસ્ક પાછા ન ર્ફ્યા. આખરે થોડી વારે ઓફ્સિના એક માણસ સાથે પાછા ર્ફ્યા. એમનો ચહેરો સાવ ઉતરી ગયો હતો. સાહેબનો મૂડ બદલાયેલો જોઈને પત્રકારે કહ્યું કે સર, જો અત્યારે ફાવે એવું ન હોય તો રહેવા દઈએ, આપણે ઇન્ટરવ્યૂ નવેસરથી શેડયુલ કરીશું. ઇલન મસ્કે કહ્યું, ‘ના ના, આપણે અત્યારે જ વાતચીત પતાવી નાખીએ. મને રિધમમાં આવતા થોડી વાર લાગશે એટલું જ…’ પછી ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘મારી ગર્લફ્રેન્ડ સાથે મારું બ્રેકઅપ થઈ ગયું છે. હું ખરેખર એના પ્રેમમાં હતો… મને બહુ તકલીફ્ થઈ રહી છે.’
પત્રકારને હવે સમજાયું કે ઇલન હમણાં પંદર-વીસ મિનિટ માટે શા માટે ગાયબ થઈ ગયા. તેઓ અંબર હર્ડ સાથે ફોન પર વાત કરી રહૃાા હતા અને સંબંધ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકીને પાછા આવ્યા હતા. થોડી વાર અટકીને ઇલન મસ્ક કહેવા માંડયા, ‘મેં એની સાથે નહીં, પણ એણે મારી સાથે બ્રેકઅપ કર્યું છે એમ કહેવું જોઈએ. છેલ્લાં કેટલાય અઠવાડિયાઓથી હું ખૂબ પીડાઈ રહૃાો છું. ખૂબ જ. એક બાજુ અંબર સાથે માથાકૂટ ચાલી રહી હતી અને બીજી બાજુ મારે ટેસ્લાનું મોડલ-થ્રી લોન્ચ કરવાનું હતું. પેલી ઇવેન્ટ વખતે મારે મારી અંદર હતું એટલું બધું જોર લગાવવું પડયું કે જેથી લોકો સામે સ્વસ્થ દેખાઉં. હું સવારથી બહુ જ ડિપ્રેસ્ડ હતો. મારે મારી જાતને સમજાવવી પડી કે પર્સનલ લાઇફ્માં ભલે ગમે એટલી ઉથલપાથલ થાય, પણ એક વાત સતત યાદ રાખવાની છે કે ખૂબ બધા લોકો મારા પર ડિપેન્ડન્ટ છે. સો જસ્ટ ડુ ઇટ! મારું ફાટ ફાટ થઈ રહેલું દિમાગ થોડું શાંત થાય એટલા માટે તે દિવસે જિંદગીમાં પહેલી વાર મેં મેડિટેશન કર્યું હતું.’
યાદ રહે, ઇલન મસ્ક જેવા અત્યંત બાહોશ, અતિ તેજસ્વી અને સુપરડુપર સકસેસફ્ુલ માણસના આ શબ્દો છે. ઇલન મસ્ક ‘રોલિંગ સ્ટોન’ના પત્રકારને એકાએક પૂછે છે, ‘તમારા ધ્યાનમાં એવું કોઈ પાત્ર છે જેની સાથે હું ડેટિંગ કરી શકું? મારી લાઇફ્સ્ટાઇલ એવી થઈ ગઈ છે કે હું બહાર લોકોને મળી પણ શકતો નથી.’ પછી ધીમા અને સહેજ ધ્રૂજતા અવાજે ઉમેરે છે, ‘મારે લાંબા ગાળાનો સંબંધ જોઈએ છે. મને વન-નાઇટ-સ્ટેન્ડમાં રસ નથી. મારે સિરીયસ કંપેનિયન જોઈએ છે, સોલ-મેટ પ્રકારની…’
કયા પત્રકારે એવી કલ્પના કરી હોય કે ઇલન મસ્ક જેવો માણસ આવો સવાલ કરશે? જર્નલિસ્ટ ઠાવકાઈથી કહે છે કે મિસ્ટર ઇલન, ખોટી ઉતાવળ ન કરો. નવું પાત્ર શોધતાં પહેલાં તમે આમાંથી પૂરેપૂરા બહાર આવી જાઓ અને જરા આત્મમંથન કરો કે શા માટે તમારા સંબંધો ટકતા નથી. ઇલન મસ્કે માથું ધૂણાવીને કહ્યું, ‘જો હું પ્રેમમાં ન હોઉં, જો હું લોંગ-ટર્મ રિલેશનશિપ ન હોઉં તો સુખી રહી શકું જ નહીં.’ પત્રકાર કહ્યું કે સુખી હોવા માટે, આનંદમાં રહેવા માટે જો કોઈના પર આટલો બધો આધાર રાખવો પડે એ તો ખોટું કહેવાય. ઇલન મસ્કે દ્દઢતાથી કહ્યું, ‘હું આવું નથી માનતો. મને લાઇફ્માં કોઈક તો જોઈએ જ. એ સિવાય હું ખુશ રહી શકું જ નહીં. રાત્રે એકલા સૂવું પડે એ સ્થિતિ મને મોત જેવી લાગે છે. આવડા મોટા ઘરમાં કોઈ ન હોય, તમે હોલમાં ચાલતા હો તો તમારા બૂટના અવાજના પડઘા ખાલી ઘરમાં અથડાતા હોય, તમારી પથારી ખાલી હોય… આવી સ્થિતિમાં માણસ કેવી રીતે ખુશ રહી શકે?’
કલ્પના કરો. એકવીસમી સદીનો દુનિયાનો સૌથી મહત્ત્વનો ગણાતો બિઝનેસમેન-કમ-સંશોધક આવું કહે છે. એની વિચારસરણી કેટલી સાચી કે ખોટી છે તે અલગ મુદ્દો છે, પણ જોવા જેવી વાત એ છે ક્ે પ્રેમની સમસ્યાને કારણે એ ઢીલો થઈ જાય છે, પાછો પડી જાય છે. એ પ્રેમમાં ને સંબંધમાં અસલામતી અનુભવે છે, વલ્નરેબલ બની જાય છે. ઇલન મસ્ક જેવા ઇલન મસ્કને જો સ્ત્રી સાથેનો સંબંધ આટલી હદે પજવી શકતો હોય તો બીજાઓની શી વાત કરવી!
ઇલન મસ્કના કિસ્સામાંથી શીખવા જેવું આ પણ છેઃ ભલે અંગત જીવનમાં ઉથલપાથલ થયા કરે, ભલે પ્રેમજીવન કે લગ્નજીવન ઊંચાનીચું થયા કરે, ભલે બધું હોવા છતાં ખાલીપો, એકલતા અને અસલામતી લાગ્યા કરે, પરંતુ કામ કરતા રહેવાનું, મહેનત કરતા રહેવાની, સર્જન કરતા રહેવાનું! જો કૌટુંબિક જીવન કે અંગત જીવન સખળડખળ હોય તો એક જાડી દીવાલ ચણાઈ જવી જોઈએ, પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફની વચ્ચે. સો વાતની એક વાત. અંગત જીવનમાં બનતી અપ્રિય ઘટનાઓની માઠી અસર કામ પર અને કરીઅર પર બિલકુલ પડવી ન જોઈએ!

0 0 0 

No comments:

Post a Comment