Monday, January 29, 2018

સુખી થવા માટે માણસને કેટલી લાઇક્સ જોઈએ?

કોકટેલ ઝિંદગી - જાન્યુઆરી ૨૦૧૮

‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ નાટક દર્શકને હસાવે છે ને હેબતાવે છે, રડાવે છે ને વિચારતા કરી મૂકે છે. આપણે સૌને ‘લાઇક્સ’ ગમે છે, આપણે સૌને બીજાઓની સ્વીકૃતિ જોઈએ છે. આ લાઇક્સ ઊઘરાવવામાં અને સ્વીકૃતિની લાહ્યમાં આખી જિંદગી નીકળી જાય છે. આપણે ભુલી જઈએ છીએ કે જો આપણે ખુદને લાઇક કરીશું, પ્રેમ કરીશું ને સ્વીકારીશું તો બીજા કોઈની લાઇક્સની જરુર નહીં પડે. ભારતની સર્વપ્રથમ લેડી ડોક્ટરના જીવન પર આધારિત નાટકનો આ સંદેશ સૌને સ્પર્શી જાય એવો છે. 




 ‘ના... ના... હું તમારે પગે પડું છું.... છોડો... કહું છું છોડો મને...’

 તાજી તાજી રજ:સ્વલા થયેલી અગિયાર વર્ષની અસહાય કિશોરી પીડાથી કણસી રહી છે. બાળકીને બિસ્તર પર પટકીને એના પર બળજબરી કરી રહેલો પુરુષ હેવાનિયત પર ઉતરી આવ્યો છે. છોકરી કરતાં એ ઉંમરમાં લગભગ ત્રણ ગણો મોટો છે. છોકરીનો કણસાટ ધીમે ધીમે ચીસોમાં પરિવર્તિત થતી જાય છે:

 ‘મને નથી ગમતું... જવા દ્યો કહું છું... બેનપણીઓ મારી રાહ જુએ છે... ઓહ.... રાક્ષસ છો તમે... મારાં કપડાંં... નહીં... મારાં કપડાં ના કાઢો... હું મારી બાને કહી દઈશ... આઘા હટો... નથી સહન થતું... હું મરી જઈશ... આહ....’

 મંચ પર ભજવાતું આ દશ્ય જોઈને તમે ધ્રૂજી ઉઠો છો. આગની જ્વાળા જેવા લાલ પ્રકાશમાં આકાર લેતું આ દશ્ય જોતી વખતે તમને થાય કે આ જલદી પૂરું થાય તો સારું. મંચ પર માત્ર એક જ પાત્ર છે - કિશોરી. એ આમ તો કિશોરી પણ ક્યાં છે. એ પુખ્ત વયની નાયિકા છે, જે પોતાના બાળપણના કારમા અનુભવો ઓડિયન્સ સાથે શેર કરી રહી છે. એેનો અભિનય અને સમગ્ર અસર એવાં તીવ્ર છે કે તમને ખરેખર થાય કે નીચે પટકાઈને આક્રંદ કરી રહેલી કિશોરીના શરીર સાથે અદશ્ય નરાધમ સાચે જ ક્રૂરતા આચરી રહ્યો છે.

 દમદાર લખાણ, કુનેહભર્યું ડિરેક્શન અને શક્તિશાળી અભિનયનું કોકેટલ બને ત્યારે આવી દર્શકના ચિત્તમાં હંમેશ માટે અંકિત થઈ જાય એવી પાવરફુલ મોમેન્ટ મંચ પર સર્જાતી હોય છે. વાત આઇડિયાઝ અનલિમિટેડ બેનરના લેટેસ્ટ નાટક ‘ડો. આનંદબાઈ... લાઇક કમેન્ટ શેર’ વિશે ચાલી રહી છે. ગીતા માણેકે લખેલા અને ડિરેક્ટર-પ્રોડ્યુસર મનોજ શાહે આકાર આપેલા આ અફલાતૂન નાટકને અભિનેત્રી માનસી જોશીએ જીવંત બનાવી દીધું છે. ગુજરાતી રંગભૂમિ પર ધરાર અલગ શૈલીનાં નાટકો ભજવતા રહેવાનો મનોજ શાહને શોખ છે. અહીં ‘શોખ’ની જગ્યાએ જીદ, પેશન, સ્વાભાવિકતા, વળગણ કે પ્રોફેશન જેવા શબ્દો પણ મૂકી શકો. અલગ શૈલીનાં નાટકો એટલે મેઇનસ્ટ્રીમ કમર્શિયલ માપદંડોને ચાતરી જતાં, અર્થપૂર્ણ, સાહિત્યિકિ સ્પર્શ ધરાવતાં અને કલાત્મક ઊંડાણ ધરાવતાં વિચારપ્રેરક નાટકો. છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન આઇડિયાઝ અનલિમિટેડ તરફથી ‘કાર્લ માર્કસ ઇન કાલબાદેવી’, ‘હું... ચંદ્રકાંત બક્ષી’, ‘મોહનનો મસાલો’, ‘ગઠરિયા’ અને ‘પોપકોર્ન વિથ પરસાઈ’ જેવા મસ્તમજાના વન-મેન શોઝ મળ્યા છે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ આ જ શૃંંખલાની તેજસ્વી કડી.

 કોણ હતાં આ આનંદીબાઈ? એવું તો એમણે શું કર્યું હતું કે એમના જીવન પર આખેઆખું નાટક બનાવવું પડે?  આનંદીબાઈ જોશી ભારતનાં સૌથી પહેલાં લેડી ડોક્ટર હતાં એમ કહીએ તો વિગત તરીકે એટલું બરાબર છે, પણ એનાથી આખું ચિત્ર પકડાતું નથી. આજથી દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં દીકરીઓને નિશાળમાં ભણવા મોકલવાને બદલે દસ-અગિયાર-બાર વર્ષની કાચી વયે પરણાવીને સાસરે ધકેલી દેવી સ્વાભાવિક ગણાતું હતું. આવા જમાનામાં આનંદીબાઈ એનાં મા-બાપની ત્રીજી દીકરી, એય રંગે શામળી એટલે માને દીઠી ન ગમે. વાતવાતમાં એને ધીબેડી નાખે. ઢીંગલી સાથે રમવાની ઉંમરે એને એના કરતાં ત્રણ ગણા મોટા પુરુષ સાથે પરણાવી દેવાય એને પોતાને સમાજસુધારક કહેવડાવતો એ ક્રૂર માણસ આ માસૂમ છોકરીને હકથી ચૂંથી નાખે. શરીર પૂરું વિકસે એ પહેલાં એના ગર્ભમાં બીજ રોપાઈ જાય અને ફુલ જેવો દીકરો જન્મતાંની સાથે જ આંખો મીંચી દે. ઠીંગરાઈ જવા માટે, કાયમ માટે કુંઠિત થઈ જવા માટે આટલું પૂરતું નથી શું? પણ આનંદીબાઈ અલગ માટીની બની છે. એની ભીતર કશોક એવો પ્રકાશ છે જે મોટામાં મોટા ચક્રવાત વચ્ચે પણ સતત પ્રજ્વળતો રહે છે. ભયાનક વિષમતાઓની વચ્ચે માર્ગ કરતાં કરતાં આનંદીબાઈ છેક અમેરિકા પહોંચે છે અને હિંદુસ્તાનની સૌથી પહેલી લેડી ડોક્ટર - ક્વોલિફાઈડ ફિઝિશિયન - બને છે!

 - અને પછી વાહવાહી, તાળીઓ, સિદ્ધિઓ, ‘...એન્ડ શી લિવ્ડ હેપીલી એવર આફ્ટર’, રાઇટ? ના. દુર્ભાગ્યના દેવતા હજુ સંતોષ પામ્યા નહોતા. આનંદીબાઈ જીવલેણ ટીબીનો ભોગ બને છે. મેડિકલ પ્રક્ટિસ શરુ કરે પહેલાં જ એના જીવતર પર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. મૃત્યુની ક્ષણે ડો. આનંદીબાઈ જોશીની ઉંમર કેટલી છે? બાવીસ વર્ષ, ફક્ત. ઘટનાપ્રચુર અને અર્થપૂર્ણ જીવન જીવન જીવવા માટે આયુષ્યનો આંકડો કેટલો મોટો હોવો જોઈએ? એક ધક્કા સાથે, એક આઘાત સાથે અચાનક અટકી જતી જીવનરેખા આનંદીબાઈ જેવા સત્ત્વશીલ મનુષ્યજીવને લેજન્ડની ભ્રમણકક્ષામાં મૂકી દે છે.

 ‘બન્યું હતું એવું કે હું મારી ‘કોઈ ગોરી કોઈ સાંવરી’ કોલમ માટે વિષય શોધી રહી હતી,’ લેખિકા ગીતા માણેક કહે છે, ‘આ કોલમમાં હું સંઘર્ષ કરીેને આગળ આવેલી સ્ત્રીઓ વિશે કલમ ચાલવતી. કોલમ માટે વિષયના શોધખોળ દરમિયાન ડો. આનંદીબાઈનું જીવન મારી સામે આવ્યું. એક પ્રચલિત માન્યતા એવી છે કે પતિ ગોપાલરાવ જોશી સમાજસુધારક હતો એટલે આનંદીબાઈ અમેરિકા જઈને મેડિકલ ડિગ્રી મેળવી શકી. હું જેમ જેમ વધારે વાંચતી ગઈ ને એના જીવનકથામાં ઊંડી ઉતરતી ગઈ ત્યારે મને સમજાયું કે આનંદીબાઈ આવા પતિને ‘કારણે’ નહીં, પણ આવો પતિ ‘હોવા છતાં’ આટલું આગળ વધી શકી. આટઆટલી મુશ્રેલીઓ સહીને પણ આનંદીબાઈ એ જમાનામાં અમેરિકા જઈને કેવી રીતે ડોક્ટર બની શકી  હશે! કઈ કક્ષાની આંતરિક તાકાત હશે આ સ્ત્રીમાં! બસ, આ જ બધું મેં આ નાટકમાં રજૂ કરવાની કોશિશ કરી છે.’

 વન-મેન-શો કે વન-વુમન-શો કરવા સહેજ પણ આસાન નથી. ખૂબ બધાં પાત્રોવાળાં સાધારણ નાટકમાં પણ કલાકારે મંચ પર થોડીક વાર માટે એકલા રહેવાનું હોય ત્યારે અંદરથી ડરતો હોય છે કે હું એકલો (કે એકલી) કેવી રીતે પાંચ મિનિટ સુધી ઓડિયન્સને હોલ્ડ કરી શકીશ? જ્યારે ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’માં તો માનસી જોશી એકલાં આખેઆખું નાટક ભજવે છે. અહીં કોઈ સેટ બદલાતો નથી (ઇન ફેક્ટ, આ નાટકમાં કોઈ સેટ જ નથી),  કોસ્ચ્યુમ બદલાતો નથી, વિંગમાં જઈને પીને બે-ત્રણ મિનિટ થાક ખાવાનો મોકો મળતો નથી. કોઈ સાથી કલાકાર નથી, કોઈ ક્યૂ આપવાવાળું નથી, કશીક ભૂલ થાય તો કોઈ સાચવી લેવાવાળું નથી. ટૂંકમાં, કશી જ સપોર્ટ સિસ્ટમ નથી. અહીં તમે છો ને સામે લાઇવ ઓડિયન્સ છે જેમની સેંકડો આંખો તમને સતત વીંધી રહી છે... અને તમારે સવા-દોઢ કલાક સુધી નોન-સ્ટોર પર્ફોર્મ કરીને એમને બાંધી રાખવાના છે! અત્યંત મંજાયેલો અને તગડો કલાકાર જ આ કામ કરી શકે. કાચાપોચાનું કામ નહીં.

 ...અને માનસી જોશીએ જે રીતે આનંદીબાઈના પાત્રને જીવતું કર્યું છે એ પ્રત્યક્ષ જોયા વગર નહીં સમજાય! એ હસે છે, હસાવે છે, રડે છે, રડાવે છે, ચીસો પાડે છે, નાચે છે, ગાય છે અને કૂદતા-ઊછળતા-વહેતા ઝરણાની જેમ પોતાની વાત કહેતી જાય છે. પળે-પળે, આશ્ર્ચર્ય થાય એટલી ત્વરાથી એના ભાવપલટા થાય છે. નવ હજાર કરતાંય વધારે શબ્દોમાં ફેલાયેલી સ્ક્રિપ્ટમાં ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, ક્ચ્છી, બંગાળી જેવી ભાષાઓ ને બોલીઓની છાકમછોળ છે. અભિનય, અંગભંગિમાઓ, વોઇસ મોડ્યુલેશન, મૌન - આ તમામ ઓજારો માનસીએ બખૂબી વાપર્યાં છે. આનંદીબાઈનું સુખ, એનું દુખ, એની રમૂજ, એનું કારુણ્ય, એનો કદીય હાર ન માનવાનો જુસ્સો, એનો જિંદગીને જીવી લેવાનો મિજાજ આ બધું જ માનસીએ ગજબની અસરકારકતાથી પેશ કર્યું છે. કલાકારને માનસિક અને શારીરિક બન્ને સ્તરે થકવી નાખે, નિચોવી નાખે એવું નાટક છે આ. એટલે જ માનસીના સ્ટેમિના માટે દર્શકને માન થયા વગર ન રહે.   

 ‘અત્યાર સુધી મેં જે સોલો પર્ફોર્મન્સીસવાળાં નાટકો કર્યાં હતાં એ બધામાં પુરુષ કલાકારો છે,’ મનોજ શાહ કહે છે, ‘આથી મારા થિયેટર ગ્રુપની અભિનેત્રીઓ મને મેણાંટોણાં મારતી હતી કે મનોજભાઈ, તમે તો કર્યા, પણ કોઈ સ્ત્રીપાત્રનું નાટક ન કર્યું, કેમ કે તે કરવા માટે જે સેન્સિટિવિટી જોઈએ એ તમારામાં નથી. તમને સ્ત્રીઓની ગતાગમ નથી! આઇ વોઝ હર્ટ! એટલે મને થયું કે હું દેખાડી દઉં કે મારામાં પૂરતી સેન્સિટીવિટી છે, હું સ્ત્રીઓને સમજું છું, હું સ્ત્રીઓને ઓળખું છું. બસ, આ પૂરવાર કરવા માટે મેં આ નાટક કર્યું!’

 કહેતાં કહેતાં મનોજ શાહ હસી પડે છે. મૂળ આઇડિયા તો સાત અલગ અલગ સ્ત્રીપાત્રો પસંદ કરીને, અલગ અલગ સાત લેખિકાઓ પાસે વીસ-વીસ મિનિટના મોનોલોગ્સ લખાવીને એનો કોલાજ બનાવવાનો હતો. આ સાતમાંની એક મહિલા એટલે આનંદીબાઈ. બીજાં છ પાત્રોને એક યા બીજા કારણસર આકાર જ મળ્યો નહીં. આથી મનોજ શાહે નક્કી કર્યું કે બાકીની છએ સ્ત્રીઓનું સત્ત્વ આનંદીબાઈમાં ઉમેરીને એનું એકનું જ એક ફુલલેન્થ નાટક બનાવવું.

 નાટક હોય કે ફિલ્મ, એનો પાયો છે લખાણ, સ્ક્રિપ્ટ. લેખક જે લખીને લાવે છે અને પછી નિર્માણપ્રક્રિયા દરમિયાન ડિરેકટરનાં સૂચનો અનુસાર જે નવું ઉમેરે છે કે કાંટછાંટ કરે છે એના પર આખું નાટક ઊભું રહે છે. ગીતા માણેકે એકાધિક નવલકથાઓ લખી છે, નાટકો પણ લખ્યાં છે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ એમનાં સર્વશ્રેષ્ઠ સર્જનોમાં હકથી સ્થાન પામશે. વક્રતા જુઓ. ડો. આનંદીબાઈ વિશે મૂળ તો તેઓ કોલમ લખવાના હતા, પણ મહિલા સામયિકને આ વિષય પસંદ ન પડ્યો ને તેને રિજેક્ટ કરી નાખ્યો. ગીતા માણેકના આ લખાણના, રાધર, કથાવસ્તુના નસીબમાં રુટિન કોલમ નહીં, પણ યાદગાર જીવંત નાટક બનવાનું લખાયું હતું!

 ‘નાટકની પ્રક્રિયા શરુ કરી ત્યારે એના ફોર્મ વિશે મારા મનમાં જરાય સ્પષ્ટતા નહોતી,’ મનોજ શાહ કહે છે, ‘મારે આનંદીબાઈ કેવી બનાવવી છે એ સૂઝતું નહોતું. જાતજાતના પ્રોપ્સ વિચાર્યા હતા - ઢીંગલીઓ, પેઇન્ટિંગ્સ... એ જમાનાનું સંગીત શોધી શોધીને સાંભળ્યું હતું. માનસી મારી સાથે જોડાઈ ત્યારે મેં એને કહ્યું કે હું અત્યારે બિલકુલ બ્લેન્ક છું, પણ આપણે કામ શરુ કરીએ, ફંફોસીએ, ચકાસીએ. આ રીતે યાત્રા કરતાં કરતાં જ આપણને આનંદીબાઈ અને નાટકનું ફોર્મ બન્ને જડી આવશે. એવું જ થયું. એક ડિરેકટર તરીકે હું મારા કલાકાર સામે હંમેશાં પારદર્શક રહું છું. મને કોઈ વસ્તુ ન સમજાતી હોય કે હું અસ્પષ્ટ હોઉં તો એના વિશે પૂરેપૂરો પ્રામાણિક હોઉં છું અને મારા એક્ટર સાથે મૂંઝવણ શેર કરું છું. મારી પારદર્શકતા જોઈને મારો કલાકાર પણ પારદર્શક બને છે. બન્ને વચ્ચે વિશ્ર્વાસ જન્મે છે. મને લાગે છે કે આ ટ્રાન્સપરન્સીમાંથી જ નાટકનું ફોર્મ આકાર લે છે. મારી આ જ પ્રોસેસ છે. ‘મરીઝ’ અને ‘જલ જલ મરે પતંગા’ - આ બે નાટકો અપવાદ હતાં. આમાં હું શરુઆતથી જ એમનાં ફોર્મ વિશે સ્પષ્ટ હતો. એને બાદ કરતાં મારાં મોટાં ભાગનાં નાટકો મેં આ જ રીતે ડિસ્કવર કર્યા ં છે - ટ્રાન્સપરન્સીથી, પારસ્પરિક વિશ્ર્વાસથી, યાત્રા કરતાં કરતાં.’

 ઘૂંઘરાળા વાળવાળી આકર્ષક માનસી જોશી આમ તો મરાઠી રંગભૂમિ અને સિનેમાની એક્ટ્રેસ છે. ભૂતકાળમાં એ મનોજ શાહ સાથે ‘હૂતો હૂતી’, ‘અમરફળ’ અને ‘ડાબો પગ’ જેવાં નાટકોમાં અભિનય કરી ચૂકી છે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’માં નાનકડી આનંદી પર એના પતિ દ્વારા થતા મેરિટલ રેપનું દશ્ય સેટ કરવામાં, એ મોમેન્ટનો સાચો સૂર પકડવામાં ડિરેક્ટર-એક્ટ્રેસની જોડીને આઠ દિવસ લાગી ગયા હતા. નાટક ઇન્ટેન્સ અને આકરું છે, પણ મનોજ શાહે એનું સ્વરુપ સભાનતાપૂર્વક હલકુંફૂલકું રાખ્યું છે. હાસ્ય-મુસ્કાનની વચ્ચે ગાલ પર પડતા તમાચા વધારે ચમચમે છે!

 આ કંઈ મહિલાઓને જ અપીલ કરવાના ઇરાદાથી બનેલું ફેમિનિસ્ટ નાટક નથી. આપણે સૌને ‘લાઇક્સ’ ગમે છે, આપણે સૌને બીજાઓની સ્વીકૃતિ જોઈએ છે. આ લાઇક્સ ઊઘરાવવામાં અને સ્વીકૃતિની લાહ્યમાં આખી જિંદગી નીકળી જાય છે. આપણે ભુલી જઈએ છીએ કે અસલી લાઇક તો આપણી ખુદની છે. જો આપણે ખુદને ગમીશું, પ્રેમ કરીશું ને સ્વીકારીશું તો બીજા કોઈની લાઇક્સની જરુર નહીં પડે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ નાટકનો આ સંદેશ છે, જે સૌને સ્પર્શે છે.

 ‘હું નાટકથી ખૂબ સંતુષ્ટ છું,’ ગીતા માણેક કહે છે, ‘લખતી વખતે મેં કલ્પ્યું હતું એના કરતાં ઘણું વધારે સુંદર મનોજભાઈએ તે બનાવ્યું છે.’

 મનોજ શાહ નાટકથી ખૂબ ખુશ છે, પણ સંતુષ્ટ નથી. ‘નાટક હંમેશાં સમયની સાથે ઇવોલ્વ થતું હોય છે,’ તેઓ સમાપન કરે છે, ‘અમુક વાક્યો, અમુક ગૂઢાર્થો, અમુક સૂચિતાર્થો રિયાઝ થતો જાય એ પછી જ ધીમે ધીમે ઊઘડે. આ નાટકમાં પણ એવું જ થવાનું. પચાસમા શો પછી મને આ સવાલ પૂછજો. તે વખતે હું કદાચ સંતુષ્ટ હોઈશ!’     

000

Saturday, January 20, 2018

સ્ટોરી છાપો… પછી ભલે જે થવું હોય તે થાય!

Sandesh - Sanskar Purti - January 21, 2018
મલ્ટિપ્લેક્સ
ફિલ્મનો સ્ટોરી-આઇડિયા સાંભળવો, અફલાતૂન કાસ્ટિંગ કરવું,  તડામાર તૈયારીઓ આરંભવી, શૂટિંગ કરવું, પોસ્ટ પ્રોડક્શન પતાવવું અને આ રીતે  'ધ પોસ્ટ' જેવી વર્લ્ડ-કલાસ ફ્લ્મિ તૈયાર કરીને ધામધૂમથી રિલીઝ પણ કરી દેવી - આ આ બધું નવ  જ મહિનાની અંદર શક્ય છે?  જો  તમે સ્ટીવન  સ્પિલબર્ગ હો તો બિલકુલ શક્ય છે!
The Post: Steven Spielberg (center) with Meryk Streep and Tom Hanks 

ઓસ્કર એવોર્ડ્ઝ અને ૪૦ ઓસ્કર નોમિનેશન્સ.




હજુ થોડા દિવસો પહેલાં જ રિલીઝ થયેલી હોલિવૂડની ફ્લ્મિ ‘ધ પોસ્ટ’ તમે જોતા હો ત્યારે તમારા મનના એક ખૂણામાં આ આંકડા ઉછળકૂદ કર્યા કરે છે. મનના બેકગ્રાઉન્ડમાં ‘…એન્ડ ઓસ્કર ગોઝ ટુ’વાળી ઘોષણા પછી વાગતું પેલું ‘ઢેન્ટેંણેંએએએ….’ ટાઇપનું ભવ્ય સંગીત ગૂંજતું રહે તે પણ શકય છે. કારણ સાદું છે. ‘ધ પોસ્ટ’ના નાયક ટોમ હેન્ક્સ છે, નાયિકા મેરીલ સ્ટ્રીપ છે, ડિરેકટર સ્ટીવન સ્પિલબર્ગ છે અને હોલિવૂડનાં આ ત્રણેય મહારથીઓએ સાથે મળીને અત્યાર સુધીમાં ટોટલ નવ ઓસ્કર એવોર્ડ્ઝ ઘર ભેગાં કરી નાખ્યા છે. ત્રણ મેરિલના, બે ટોમ હેનક્સના અને બે સ્પિલબર્ગના. આ ઉપરાંત ત્રણેયના મળીને કુલ 40 ઓસ્કર નોમિનેશન્સ તો લટકામાં!
ઉત્તેજના તો ‘ધ પોસ્ટ’ની ઘોષણા થઈ ત્યારથી જ ફેલાવા માંડી હતી. સ્પિલબર્ગ અને ટોમ હેન્ક્સ અગાઉ ચાર ફ્લ્મિોમાં સાથે કામ કરી ચૂકયા હતા (‘સેવિંગ પ્રાઇવેટ રાયન’, ‘ધ ટર્મિનલ’, ‘કેચ મી ઇફ્ યુ કેન, ‘બ્રિજ ઓફ્ સ્પાઇઝ’), પણ સ્પિલબર્ગ અને મેરીલ સ્ટ્રીપે કયારેય સાથે કામ નહોતું કર્યું. તે જ પ્રમાણે ટોમ હેન્ક્સ અને મેરીલ સ્ટ્રીપ પણ કયારેય સ્ક્રીન પર સાથે દેખાયાં નહોતાં. સ્પિલબર્ગ-ટોમ-મેરીલનું ખતરનાક કોમ્બિનેશન જોઈને સિનેમાના રસિયાઓના થનગનાટનો પાર નહોતો રહૃાો. સૌથી મજાની વાત તો આ છેઃ ફ્લ્મિ અપેક્ષા અને હાઇપ બંનેને સરસ રીતે સંતોષે છે.
શું છે ‘ધ પોસ્ટ’માં? સૌથી પહેલાં તો ‘ધ પોસ્ટ’ એટલે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’, અમેરિકાના સૌથી સફ્ળ અને સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંનું એક. આ ફ્લ્મિ સત્યઘટના પર આધારિત પોલિટિકલ-કમ-જર્નલિસ્ટિક ડ્રામા છે. પત્રકારત્વ કેન્દ્રમાં હોય એવી ‘સિટીઝન કેન’, ‘ધ ઇનસાઇડર’, ‘ઓલ ધ પ્રેસિડન્ટ્સ મેન’, ‘સ્પોટલાઇટ’ વગેરે જેવી ફ્લ્મિો આપણે અગાઉ જોઈ ચૂકયા છીએ. ‘ધ પોસ્ટ’માં પેન્ટાગોન પેપર્સ તરીકે કુખ્યાત થયેલા અને અમેરિકન સરકારે કરેલી ભયંકર ભૂલો, છબરડા અને જૂઠાણાં વિશે વટાણા વેરી નાખતા હજારો પાનાંમાં ફેલાયેલાં અત્યંત ખાનગી ડોકયુમેન્ટ્સ કેન્દ્રમાં છે.
૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલું વિયેતનામ વોર અમેરિકાને બહુ મોંઘું પડયું હતું. આ યુદ્ધમાં ૫૮ હજાર કરતાં વધારે અમેરિકન સૈનિકોએ જીવ ખોયો હતો. જો અમેરિકા વટમાં રહૃાું ન હોત, પોતાને જ તમાચા મારીને ગાલ લાલ રાખવાની નીતિને વેળાસર તિલાંજલિ આપી દીધી હોત તો કેટલાય સૈનિકોનો જીવ બચી ગયો અને દેશની તિજોરીને ઘા પર ઘા ન પડ્યા હોત. અમેરિકન પ્રશાસને આ વર્ષોમાં જે કંઈ ગોબાચારી કરી હતી એનું વિગતે વર્ણન કરતા અતિ સંવેદનશીલ અને કોન્ફ્ડિેન્શિયલ ડોકયુમેન્ટ્સ સૌથી પહેલાં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અને પછી ‘ઘ વોશિંગ્ટન પોસ્ટ’ના હાથમાં આવ્યા. 
ફ્લ્મિની સ્ટોરી એવી છે કે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ની પ્રકાશક કેથરિન ગ્રેહામ (મેરીલ સ્ટ્રીપ) ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે. એ છાપાની માલિકણ ખરી, પણ એની પાસે નથી પત્રકારત્વનો મિજાજ કે નથી એવી કોઈ તાલીમ. એના પિતાજીએ આ છાપું શરૂ કરેલું અને એનો હસબન્ડ સસરાજીનો ઉત્તરાધિકારી બન્યો. કોઈક કારણસર હસબન્ડ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો ને આખા છાપાની જવાબદારી કેથરિન પર આવી પડી. આત્મવિશ્વાસનો અભાવ હોવાથી કેથરિન મોટેભાગે તો આસપાસના પુરુષો જે કંઈ કહે એ પ્રમાણે કરતી રહે છે. આ પુરુષોમાં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના બાહોશ એડિટર-ઇન-ચીફ્ બેન બ્રેડલી (ટોમ હેન્ક્સ) પણ આવી ગયા. હજુ હમણાં જ કેથરિને ઇનિશિયલ પબ્લિક ઓફ્રિંગ (આઇપીઓ) લાવીને કંપનીને આર્થિક રીતે પગભગ બનાવવાની તજવીજ કરી હતી ને ત્યાં પેન્ટાગોન પેપર્સની મોકાણ શરૂ થઈ.

કેથરિને નિર્ણય લેવાનો છે કે પેન્ટાગોન પેપર્સના આધારે તૈયાર થયેલા સનસનાટીપૂર્ણ અહેવાલ પોતાના છાપામાં છાપવો કે ન છાપવો? અહેવાલ છપાય તો અમેરિકામાં ધમાલ મચી જાય તે નિશ્ચિત છે. તત્કાલીન પ્રેસિડન્ટ નિક્સને ખાનગી સરકારી દસ્તાવેજોને જાહેર કરી નાખવાના ‘ગુના’ બદલ કાનૂની પગલાં ભરીને ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને ઓલરેડી ચૂપ કરી નાખ્યું હતું. પત્રકારત્વનો ધર્મ કહે છે કે સરકારે કરેલી ગોબાચારીની વિગતો જનતા સામે આવવી જ જોઈએ, પણ ધારો કે કોર્ટમાં પહોંચી ચૂકેલા આ કેસનો ચુકાદો અખબારોની વિરુદ્ધ આવ્યો તો જેલભેગા થવંુ પડે ને કેથરિનની આખી કંપની પડી ભાંગે.
કેથરિન આખરે નીડર બનીને નિર્ણય લે છેઃ સ્ટોરી છાપો. પછી ભલે જે થવું હોય તે થાય! ફ્રન્ટ પેજ સ્ટોરી છપાય છે. અમેરિકાનાં બીજાં છાપાં પણ હિંમતભેર આ સ્ટોરીનું ફેલો-અપ કરીને જાણે કે કેથરિન અને બ્રેડલીની પડખે ઊભાં રહે છે. આખરે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છેઃ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નું કૃત્ય ગેરકાનૂની નથી. એમણે જે કર્યું છે તે એમનો પત્રકારત્વસિદ્ધ અધિકાર છે. આ જ તો અખબારી સ્વાતંત્ર્ય છે! પેન્ટાગોન પેપર્સની સ્ટોરી ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ને એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દે છે. પછી તો બહુ જ વગોવાયેલું વોટરગેટ કૌભાંડ પણ આ જ અખબાર બહાર પાડે છે જેના પરિણામે પ્રેસિડન્ટ નિકસને રાજીનામું આપવું પડે છે.
આ ફ્લ્મિની કથા પાછળની કથા પણ ઇન્ટરેસ્ટિંગ છે. પોતે આવી કોઈ ફ્લ્મિ બનાવવાના છે એની હજુ ગયા ફેબ્રુઆરી સુધી સ્ટીવન સ્પિલબર્ગને કલ્પના સુદ્ધાં નહોતી. એક બાજુ એમની ‘રેડી પ્લેયર વન’ નામની સાયન્સ ફ્કિશનનું પોસ્ટ પ્રોડકશન ચાલી રહૃાું હતું (આ ફ્લ્મિ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે) અને બીજી બાજુ તેમણે ‘ધ કિડનેપિંગ ઓફ્ એડગાર્ડો મોર્ટારા’ નામની આગામી ફ્લ્મિની તૈયારીઓ આંરંભી દીધી હતી. વાસ્તવમાં ‘ધ કિડનેપિંગ…’ની વાર્તા એમના મનમાં છ વર્ષથી ઘુમરાતી હતી, સ્ક્રિપ્ટિંગ પણ લગભગ પૂરું થઈ ગયું હતું. ફ્કત મુખ્ય કિરદાર માટે છ વર્ષના બાળકલાકારને ફાયનલાઈઝ કરવાનો બાકી હતો. સ્પિલબર્ગે લગભગ ત્રણ હજાર બાળકલાકારોનાં ઓડિશન્સની ટેપ જોઈ કાઢી, પણ એક પણ ટાબરિયો એમના મનમાં વસ્યો નહીં. આખી ફ્લ્મિ આ ચાઇલ્ડ આર્ટિસ્ટના ખભા પર ઊભી હોવાથી એની પસંદગીમાં બાંધછોડ કરવાનો સવાલ જ ઊભો થતો નહોતો.
શૂટિંગ શરૂ થવાને હવે થોડા અઠવાડિયા જ બાકી રહૃાા હતા. દરમિયાન સ્પિલબર્ગ પર એમના એજન્ટનો ફોન આવ્યોઃ હું તમને એક સ્ક્રિપ્ટ મોકલું છું. પેન્ટાગોન પેપર્સની થીમ છે, સરસ છે. સમય મળે ત્યારે નજર ફેરવી લેજો. માત્ર ધ્યાન અન્યત્ર પરોવવાના આશયથી સ્પિલબર્ગે સ્કિપ્ટ હાથમાં લીધી. વાંચતાની સાથે જ તેઓ ગેલમાં આવી ગયા. એમણે પોતાના કો-પ્રોડયૂસરને કહૃાું: હું ‘ધ કિડનેપિંગ…’નું શૂટિંગ કેન્સલ કરી રહૃાો છું અને એને બદલે રાતોરાત એક નવી ફ્લ્મિ પર કામકાજ શરૂ કરી રહૃાો છું... અને હા, આ ફ્લ્મિ કોઈપણ ભોગે આ જ વર્ષે (એટલે કે ૨૦૧૭માં જ) રિલીઝ થઈ જવી જોઈએ!
સ્પિલબર્ગની ઉત્તેજના સમજી શકાય એવી હતી. પેન્ટાગોન પેપર્સની વાર્તા આજના સમયમાં પણ પહેલાં એટલી જ, રાધર પહેલાં કરતાંય વધારે રિલેવન્ટ છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લેઆમ મીડિયા સામે કિન્નાખોરી રાખે છે તે આખી દુનિયા જાણે છે. ફ્રીડમ ઓફ્ પ્રેસ પર આખી દુનિયામાં અવારનવાર ઘા થતા રહે છે. અલબત્ત, વાંકમાં માત્ર સત્તાધારીઓ જ નથી. મીડિયાની ખુદની વિશ્વસનીયતા પણ સતત ઝંખવાઈ રહી છે. પેઇડ મીડિયા (એટલે કે યોગ્યતા કે સચ્ચાઈની પરવા કર્યા વગર પૈસા લઈને કંઈપણ છાપી આપતું કે નાણાં લઈને સાચી માહિતી દબાવી દેતું ધંધાદારી મીડિયા)નો ઉપાડો વધી ગયો છે. જાણે પત્રકારત્વના પવિત્ર સિદ્ધાંતો અને આદર્શો જાણે ભૂતકાળની કે નકામી વાત હોય એવો માહોલ ઊભો થવા માંડ્યો છે. આવી સ્થિતિમાં આ ફ્લ્મિ કાળાડિબાંગ આકાશમાં ચમકતી વીજળી જેવી અસર ઊભી કરી શકે. સો મણનો સવાલ એ હતો કે શું ગણતરીના મહિનાઓમાં આવી મહત્ત્વના વિષય પર ફ્લ્મિ બનાવીને રિલીઝ કરવું પ્રેક્ટિકલી શક્ય છે?

સ્પિલબર્ગે પોતાની ટીમની મેરેથોન મિટિંગ બોલાવી. લાંબી ચર્ચાને અંતે તારણ નીકળ્યું કે જો યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે તો આ શકય છે!
ફ્લ્મિની લેખિકા લિઝ હાનાએ આ સ્ટોરી મેરીલ સ્ટ્રીપને ઓલરેડી સંભળાવી દીધી હતી. મેરીલ તૈયાર હતાં એટલે સ્ટીવન સ્પિલબર્ગને જાણે ગોળનું ગાડું મળી ગયું. એમણે પોતાના જુના સાથી ટોમ હેન્કસનો સંપર્ક કર્યો. એમણે ફ્ટાક કરતી હા પાડી દીધી. સ્ટીવન સ્પિલબર્ગના ડિરેકશનમાં મેરીલ સ્ટ્રિપ સાથે કામ કરવાની તક કેવી રીતે જતી કરાય?
સ્પિલબર્ગે બંને મુખ્ય કલાકારોને હોમવર્કના ભાગરૂપે આ બે પુસ્તકો પકડાવી દીધાં. એક તો સ્વર્ગસ્થ કેથરિન ગ્રેહામની આત્મકથા ‘પર્સનલ હિસ્ટરી’ અને બીજું બેન બ્રેડલીનું પુસ્તક ‘અ ગુડ લાઇફ્ઃ ન્યૂઝપેપરિંગ એન્ડ અધર એડવન્ચર્સ’. મેરિલે પોતાની રીતે પણ સારું એવું રિસર્ચ કર્યું. કેથરિનને આત્મકથા લખવામાં મદદ કરનાર એવલિન સ્મોલ નામની લેખિકા સાથે એમણે કેટલીય બેઠકો કરીને કેથરિન કેવી વ્યકિત હતી એ વિગતે જાણ્યું. ‘પર્સનલ હિસ્ટરી’નું ઓડિયો વર્ઝન પણ ઉપલબ્ધ હતું, જે મેરિલે રિવાઇન્ડ કરી કરીને કેટલીય વાર સાંભળ્યું.
સ્ક્રિપ્ટમાં સુધારાવધારા કરવાનું કામ શરૂ થયું. ૨૦૧૫ની ઓસ્કર સીઝનમાં ખૂબ ગાજેલી જર્નલિઝમના થીમવાળી ‘સ્પોટલાઇટ’ ફિલ્મના લેખક જોશ સિંગરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. સ્ટીવન સ્પિલબર્ગ એક વાતે બિલકુલ સ્પષ્ટ હતા કે મારે આ ફ્લ્મિને સસ્પેન્સ ડ્રામાની જેમ ટ્રીટ કરવી છે. ગુંડાની પાછળ પોલીસ પડી હોય ને જે રીતે દિલધડક દ્રશ્યો સર્જાય બસ એવી જ રીતે આ ફ્લ્મિમાં પત્રકારોની ચેઝ સિકવન્સ હોય એવી થ્રિલ ઊભી થવી જોઈએ.
ન્યૂયોર્કમાં જ એક જૂની બિલ્ડિંગમાં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નો સેટ ઊભો કરવામાં આવ્યો. હવે સિત્તેરના દાયકમાં પ્રેસમાં વપરાતા લિનોટાઇપ મશીનો શોધવાના હતા. ફ્લ્મિના પ્રોડકશન ડિઝાઈનર સાચુકલા મશીનો શોધવા માટે અડધું અમેરિકા ખૂંદી વળ્યા, પણ મશીન આખરે ન્યૂયોર્કમાંથી, જે જગ્યાએ સેટ લગાવવામાં આવ્યો હતો એનાથી છેટે ત્રીજી જ બિલ્ડિંગમાંથી મળી ગયાં. કાંખમાં છોકરું ને ગામમાં ઘમાઘમ તે આનું નામ!
પ્રિ-પ્રોડક્શનનું કામ બાર અઠવાડિયાં ચાલ્યું. ૩૦ મેએ શરૂ કરવામાં આવેલું શૂટિંગ માત્ર સાઠ જ દિવસમાં, જુલાઇની ૨૮ તારીખે, પૂરું પણ થઈ ગયું. ૬ નવેમ્બરે સાઉન્ડ મિકિંસગ સાથેનો ફયનલ કટ તૈયાર થયો ને અઠવાડિયા પછી, ૧૩ નવેમ્બરે ફ્લ્મિ અમેરિકાના લિમિટેડ થિયેટરોમાં રિલીઝ કરી દેવામાં આવી. એક વર્લ્ડ-કલાસ ફ્લ્મિનો આઇડિયા સાંભળવાથી શરૂ કરીને, ફ્લ્મિ બનાવીને રિલીઝ કરવામાં સ્પિલબર્ગે પૂરા નવ મહિના પણ ન લીધા!
મિડીયા અને સત્તાધારી વચ્ચેની તલવારબાજીમાં રસ પડતો હોય અથવા તો સ્પિલબર્ગ, ટોમ હેન્કસ કે મેરીલ સ્ટ્રીપ આ ત્રણેયના યા તો ત્રણમાંથી કોઈ એકના પણ ફેન હો તો ‘ધ પોસ્ટ’ જરૂર જોજો. જલસો પડશે.
0  0 0 .

Thursday, January 18, 2018

જિંદગીનો કયો પાઠ શીખતાં તમને સૌથી વધારે વાર લાગી હતી?

Sandesh - Ardh saptahik purti - January 17, 2018
ટેક ઓફ

‘જીવનનો કોઈ અનુભવ નકામો જતો નથી. પછી ભલેને એ અનુભવ ગમે તેટલો પીડાદાયી કે ત્રાસજનક કેમ ન હોય. આપણી સાથે જિંદગીમાં જે કંઈ બને છે તેનો હેતુ એ જ હોય છે કે આપણે આપણી જાતને તરાશી શકીએ અને ક્રમશઃ આપણા સાચુકલા વ્યકિતત્વની, આપણાં સત્યની બને તેટલા નજીક જઈ શકીએ. આપણું દુઃખ કે પીડા મહત્ત્વના નથી. આ દુઃખ અને પીડાથી આપણી ભીતર જે નવા ઉઘાડ થાય છે, જે નવાં સત્યો સામે આવે છે તે મહત્ત્વના છે.’


ત્યંત અણિયાળો, વિચારતા કરી મૂકે એવો, અસ્વસ્થ બનાવી દે તેવો સવાલ છે. આ જિંદગીનો કયો પાઠ શીખતાં તમને સૌથી વધારે વાર લાગી હતી? અમેરિકાની ટોક-શો કવીન ઓપ્રા વિન્ફ્રીએ એક ઇન્ટરવ્યૂઅર તરીકે અસંખ્ય લોકોને આ સવાલ કર્યો છે. ઓપ્રા આજકાલ ન્યૂઝમાં છે. હજુ દસેક દિવસ પહેલાં ગોલ્ડન ગ્લોબ ફ્ંકશનમાં લાઇફ્ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ સ્વીકારતી વખતે એણે જોશીલી સ્પીચ આપી હતી. આ સ્પીચ પછી અમેરિકામાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે ૨૦૨૦માં અમેરિકામાં યોજાનારી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં બીજી ટર્મ માટે મેદાનમાં ઉતરનારા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઓપ્રા ઉમેદવાર તરીકે ઝુકાવશે. 

ઓપ્રા અમેરિકાની પહેલી એવી મલ્ટિ-બિલિયોનેર વ્યકિત છે, જે બ્લેક હોય. આજની તારીખે પણ એ સૌથી ધનિક આફ્રિકન-અમેરિકન ગણાય છે. પહેલાં ‘ધ ઓપ્રા વિન્ફ્રી શો’ અને પછી ‘સુપર સોલ સન્ડે’ નામના ટોક શોના જોરે, દુનિયાભરની વગદાર સેલિબ્રિટીઓથી માંડીને સાવ સામાન્ય વ્યકિતઓની મુલાકાતો લઈને, એમની સાથે ખુલ્લા દિલે વાતચીત કરીને અને એમનાં વ્યકિતત્વના અગાઉ કયારેય બહાર આવ્યા ન હોય એવાં પાસાંને કુનેહભેર અને આત્મીયતાપૂર્વક્ સપાટી પર લાવીને ઓપ્રાએ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે.

થોડા અઠવાડિયાં પહેલાં ઓપ્રાનું અફ્લાતૂન પ્રોડક્શન વેલ્યુ ધરાવતું એક ઉત્તમ અંગ્રેજી પુસ્તક બહાર પડયું. એનું શીર્ષક છે, ‘ધ વિઝડમ ઓફ્ સન્ડે’. નીચે ટેગલાઇન છે – ‘લાઇફ્ ચેન્જિંગ ઇનસાઇટ્સ એન્ડ ઇન્સ્પિરેશનલ કન્વર્સેશન્સ’. મમરાની ગુણીની જેમ નાહક્ના ફ્ુલી ગયેલાં પોપટીયા ચિંતનાત્મક ચોપડાઓથી આજે બજાર છલકાય છે. આવા માહોલમાં જ્યારે આવું કોઈ સરસ પુસ્તક આવે ત્યારે ધ્યાન ખેંચાયા વગર ન રહે.
ઓપ્રાએ પોતાના ‘સુપર સોલ સન્ડે’ શો માટે કંઈકેટલાય વિચારકો, કલાકારો, આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરી ચુકેલા લોકોની મુલાકાતો લીધી છે. કુલ બસ્સો કરતાંય વધારે કલાકના રેકોર્ડિંગ્સમાંથી એણે પોતાને સૌથી સ્પર્શી ગયેલા અંશોને અલગ તારવીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આમાં એણે આમંત્રિત વ્યકિતઓના વિચારોની સાથે સાથે પોતાની અંતરંગ વાતો પણ વણી લીધી છે. ઓપ્રાએ ખુદ જીવનમાં બહુ બધી તડકી-છાંયડી જોઈ છે. એ લખે છેઃ
‘જીવનનો કોઈ અનુભવ નકામો જતો નથી. પછી ભલેને એ અનુભવ ગમે તેટલો પીડાદાયી કે ત્રાસજનક કેમ ન હોય. આપણી સાથે જિંદગીમાં જે કંઈ બને છે તેનો હેતુ એ જ હોય છે કે આપણે આપણી જાતને તરાશી શકીએ અને ક્રમશઃ આપણા સાચુકલા વ્યકિતત્વની, આપણાં સત્યની બને તેટલા નજીક જઈ શકીએ. આપણું દુઃખ કે પીડા મહત્ત્વના નથી. આ દુઃખ અને પીડાથી આપણી ભીતર જે નવા ઉઘાડ થાય છે, જે નવાં સત્યો સામે આવે છે તે મહત્ત્વના છે.’
આપણી ભીતર થતાં આ ઉઘાડને જોતાં, સમજતાં અને સ્વીકારતા આવડવું જોઈએ. દુઃખ આપણને જે વસ્તુ સમજાવવા માટે આવ્યું હોય છે તેને ઉકેલતાં આવડવું જોઈએ. ન આવડતું હોય તો સતત શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.
ઓપ્રા નાની હતી, માંડ નવેક વર્ષની, ત્યારથી એનું જાતીય શોષણ શરૂ થઈ ગયેલું. કઝિન દ્વારા, અંકલ દ્વારા, એક ફેમિલી ફ્રેન્ડ દ્વારા. સેકસ્યુઅલ અબ્યુઝનો આ ભયાનક તબક્કો કયાંય સુધી લંબાયો હતો. બાળપણમાં ભોગવવા પડતા સેકસ્યુઅલ અબ્યુઝના કાળા પડછાયા આખી જિંદગી પર પડતા હોય છે. ઓપ્રાએ આખરે વર્ષો પછી પોતાના જ શોમાં આ વાત દુનિયા સામે મૂકી હતી. ઓપ્રા લખે છેઃ
‘હું ફિઝિકલ અને સેકસ્યુઅલ અબ્યુઝનો ભોગ બનતી ત્યારે મૂંગીમંતર બની જતી. આ ઘટનાક્રમની મારા પર એવી અસર થઈ કે પછી વર્ષો સુધી જ્યારે પણ કોઈ તકલીફ્દાયક કે અનકર્મ્ફ્ટેબલ પરિસ્થિતિ ઊભી થાય કે હું તરત કોચલામાં છુપાઈ જતી, ચુપ થઈ જતી, મારી લાગણીઓને કચડી નાખતી અને જે કંઈ હાથમાં આવે તે ખાવા લાગતી.’


ઓપ્રા મોટા ભાગનું જીવન સ્થૂળકાય રહી છે એનું કારણ આ જ. એ સફ્ળ થઈ અને ખુદ સેલિબ્રિટી બની ગઈ પછી એક કિસ્સો બન્યો હતો. એકવાર એ પોતાના પિતાના ઘરે ગયેલી. દરમિયાન જે માણસે નાનપણમાં એનું જાતીય શોષણ કર્યું હતું એ ઘરે આવ્યો ને એના પિતા સાથે ગામગપાટાં હાંકવા લાગ્યો. ઓપ્રા કિચનમાં જઈને એ માણસ માટે ચા-નાસ્તો તૈયાર કરવા માંડી! એ માણસે પાછા વખાણ પર કર્યા કે ઓપ્રા, તારા હાથની રસોઈ મને પહેલેથી જ ખૂબ ભાવે છે. ઓપ્રા ખામોશ બની ગઈ. એક અક્ષર સુદ્ધાં બોલી ન શકી. ઓપ્રા કહે છેઃ
‘આજે હવે પાછું વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે તે ક્ષણે હું ફરી પાછી પેલી નવ વર્ષની છોકરી બની ગઈ હતી જેને હંમેશાં ડર રહેતો કે જો એ ફરિયાદ કરશે તો ઘરવાળા ઊલટાનો એનો જ વાંક કાઢશે. મને મોડું મોડું સમજાયું કે આ મારો સ્વભાવ બની ગયો હતો. મોટી થઈ ગયા પછી પણ પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ્માં કશુંક ન ગમે એવું બને કે હું અપસેટ હોઉં તો હું ચુપ થઈ જતી – પેલી નવ વર્ષની છોકરીની જેમ અથવા કિચનમાં પેલા નરાધમ માટે ચા-નાસ્તો તૈયાર કરી રહેલી યુવતીની જેમ. મેં આખરે મારી જાતને શીખવ્યું કે મનમાં જાગતી લાગણીઓને દબાવી ન દેવી, એને વ્યકત કરી નાખવી. પછી ભલે સામાવાળાને ખોટું લાગે. ભલે સંબંધ તૂટી જાય. જીવનના પ્રત્યેક સ્તરે બને એટલી સચ્ચાઈપૂર્વક જીવવું જોઈએ. આકરી ઘડીઓમાં સહમીને ચુપ થઈ જવાને બદલે મેં વિવેકપૂર્વક મનમાં જે કંઈ હોય તે બોલવાનું શરૂ કર્યુ. આ મારા માટે બહુ મોટી આઝાદી હતી. જીવનનો આ એક પદાર્થપાઠ શીખતાં મને સૌથી વધારે વાર લાગી હતી.’
આપણી સાથે કશુંક ખોટું થાય ત્યારે એનો ઉપાય શોધવા આપણે ઘાંઘા થઈને બહાર ફાંફાં મારીએ છીએ. ‘હું જ કેમ?’, ‘મારી સાથે જ આવું કેમ થયું?’, ‘વ્હાય મી?’ એવા બધા સવાલ કરવાને બદલે એક વાત સમજી લેવી જોઈએ કે જે કંઈ થયું છે તે કંઈ ઓચિંતા કે અણધાર્યું થયું નથી. આપણી જિંદગી સતત આપણને કશુંક કહેતી હોય છે, સંદેશો આપવા – સમજાવવા માગતી હોય છે, આપણને એક જુદી દિશા તરફ્ ધકેલવા માગતી હોય છે, ક્દાચ એક નવું બારણું ખોલવા માગતી હોય છે કે જ્યાંથી આપણે એક નવી યાત્રા શરૂ કરી શકો. ઓપ્રા એટલે જ કહે છે કે –
‘જીવનમાં મુસીબતો અને પડકારો ખરેખર તો સરસ મજાની તક લઈને આવતાં હોય છે. આપણા વિશેની નવી સચ્ચાઈ જાણવાની તક, આપણાં વ્યકિતત્વનું નવું સેન્ટર ઓફ્ ગ્રેવિટી યા તો ગુરુત્વમધ્યબિંદુ શોધવાની તક. આથી જીવનમાં આવી પડતા પડકારો કે પીડાનો વિરોધ ન કરવો. વિરોધ કરશો તો ઉલટાનો સંઘર્ષ વધશે. જો તમે સચ્ચાઈની સામે લડતા હશો તો કદી જીતી શકવાના નથી. સત્યને પારખતા અને સ્વીકારતા શીખી લેવું.’
ઓપ્રાના પુસ્તકમાં જુદા જુદા વિચારકોએ શી વાતો કરી છે? તે વિશે ફરી ક્યારેક.

0 0 0 

Monday, January 15, 2018

ઇંગ્લાંડ, દેન્માર્ક, પારિસઃ નાતબહાર થવું પડે તોય વિદેશપ્રવાસ કરવા!

Sandesh - Ardh Saptahik purti - January 10, 2018
ટેક ઓફ

હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે... દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી.' 


‘ઈ.સ. ૧૮૬૧ના માર્ચ મહિનાની ૮મી તારીખે રાત્રે દશ કલાકે હું પારિસમાં દાખલ થયો. શહેર સુધારાના ખરચને કાજે કેટલાક માલ ઉપર શહેરમાં પેસતાં જકાત લે છે. એ જકાત લેનારાએ મારી તથા મારી સાથે આવેલા સઘળા ઉતારુઓની પેટીઓ ઉઘાડીને જોઈ. મારી સિરોઈ જોઈને અજબ થયા. મારા એક સાથીએ ફ્રેંચ ભાષામાં તેમને કહ્યું કે, એમાં પાણી છે. તેઓએ પહેલું તો ન માન્યું, ને કહ્યું કે પાણી લાવવાનું શું કામ છે, પારિસમાં બહુ પાણી છે. તેમાંના એકની હથેળીમાં મેં પાણી રેડયું, તે તેણે ચાખ્યું ત્યારે માન્યું, પણ તેમનું અચરજ ઓછું થયું નહીં.’
આ દોઢ સદી પહેલાંનું ગુજરાતી ગદ્ય છે, જે લેખક અને સમાજસુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું છે. આજના આખા લેખમાં અવતરણ ચિહનમાં મૂકાયેલા ફ્કરાની જોડણી મૂળ લખાણ પ્રમાણે જ રાખી છે. મહિપતરામ લિખિત ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ પ્રકાશિત પ્રવાસગ્રંથ ગણાય છે. એ પહેલાં જો કે અપવાદરૂપે કેટલાક પારસી લેખકોએ લખેલાં પ્રવાસકથાના પુસ્તકો બહાર પડયાં હતાં. વિખ્યાત હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ નીલકંઠ એ મહિપતરામના પુત્ર થાય. મહિપતરામ પેરિસ ગયેલા ત્યારે એકત્રીસ વર્ષના હતા. એમનું ‘જૂના જમાનાનું’ ગુજરાતી અને પેરિસનું વર્ણન બન્ને જબરાં ચાર્મિંગ છે. જુઓઃ
‘પારિસમાં હું આઠ દહાડા રહૃાો. તેમાં ખાવાના અને ઊંઘવાના વખત સિવાય જરાએ પગવાળીને બેઠો નથી,  ફર ફર કર્યા કીધું. પારિસ સુંદરપણામાં, તથા શોભાયમાન બાંધણીમાં લંડનથી ઘણું ચઢતું છે. એવું કહેવાય છે કે આખી પૃથ્વી ઉપર એના જેવી શોભા બીજા કોઈ શહેરમાં નથી. હાલ વસતી આશરે પંદર લાખની ગણાય છે. (આજે, ૨૦૧૮માં, પેરિસની વસતી આશરે બાવીસ-ત્રેવીસ લાખ છે.) યુરોપના ધનવાન લોકોને મોજ ભોગવવી હોય છે ત્યારે પારિસ આવીને રહે છે. ત્યાં સારો મઝાનો તડકો પડે છે, ટાઢનું દુખ નથી, ઉદ્યોગ ઘણો છે, પણ લોકો મોજી ઘણા છે, તેથી જ્યાં જોઈએ ત્યાં આનંદ થતો દેખાય છે.’

આગળ લખે છેઃ
‘કવિ પ્રેમાનંદ ભટ્ટે દ્વારિકાનું વર્ણન કર્યું છે. જો તેણે હાલનું પારિસ શહેર જોયું હોત તો દ્વારિકાને એથી (એટલે કે પેરિસથી) વધારે સારી બનાવત તથા તેેેને વૈંકુઠને બદલે પારિસની ઉપમા આપત.’


આજે વિદેશપ્રવાસો અને વિદેશવર્ણનના પુસ્તકો બન્ને સામાન્ય બની ગયાં છે. વિદેશથી આવેલા ગ્રીનકાર્ડ હોલ્ડર મુરતિયો અને કન્યા વધારે ડિમાન્ડમાં રહે છે, પણ દોઢ સદી પહેલાં દરિયો ઓળંગીને પરદેશ જનારને હિંદુ સમાજ વટલાઈ ગયેલો માનતો. ‘અમર પ્રવાસનિબંધો’માં સંપાદક ભોળાભાઈ પટેલ નોંધે છે એમ, મહિપતરામ ૧૮૬૦માં ઈંગ્લેન્ડ ગયેલા ત્યારે ભારે ઊહાપોહ થયેલો અને એમને નાતબહાર મૂકવામાં આવેલા.
મહિપતરામની જેમ કરસનદાસ મૂળજીએ પણ એ જમાનામાં વિલાયતનો પ્રવાસ કર્યો હતો. કરસનદાસ મૂળજી (જન્મઃ ૧૮૩૨, મૃત્યુઃ ૧૮૭૧) એટલે મહારાજ લાયેબલ કેસવાળા નીડર સમાજસુધારક {nkhks ÷kÞuƒ÷ fu‚ðk¤k ™ezh ‚{ks‚wÄkhf, જેમના જીવન અને કર્મના આધારે સૌરભ શાહે 'મહારાજ' નામની મસ્તમજાની રિચર્સ-બેઝ્ડ નવલકથા લખી છે. કરસનદાસ મૂળજીએ લખેલું ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ નામનું પુસ્તક ૧૮૬૬માં પ્રગટ થયું. પ્રસ્તાવનામાં તેઓ લખે છેઃ
‘ઈ.સ. ૧૮૬૩માં ઇંગ્લાંડમાં પ્રવાસ કરી આવ્યા પછી મને એમ લાગ્યું કે બે પ્રવાસથી મારા મનમાં જે વિચારો ઉપજ્યા છે તે પ્રગટ કરીને મારા દેશીઓની સેવામાં મુકું – આ ઇચ્છાથી મેં આ ગ્રંથ તઇયાર કરયો છે.’
કરસનદાસ ઈંગ્લેન્ડ ગયા એ જમાનામાં એડનબરો (એટલે કે એડનબર્ગ) શહેરની વસતી આશરે સવાબે લાખ જેટલી હતી. આજે ૧૫૫ વર્ષ પછી આસપાસના સબર્બ્સ વગેરે મળીને એડનબર્ગ સિટી રિજનની વસતી લગભગ ૧૪ લાખ જેટલી છે. કરસનદાસ લખે છેઃ
‘સવારના ઉઠીને બારીનો પડદો ઉઘાડીને જોઉં છઉં તો આઃ હા! કેવો સુંદર દેખાવ મારી સામે પડયો! એક તો એડિનબરોનું શેહેર આખા યુનાઈટેડ કિંગડમમાં ખૂબસૂરત અને સોહામણું કહેવાય છે અને જે મહોલ્લામાં હું ઉતર્યો હતો તે મોહલ્લો સઉથી સરસ ગણાય છે. એટલા માટે મારી આંખને જે આનંદ ઉપજ્યો તેમાં પૂછવું શું?’
ઈંગ્લેન્ડ ફ્રીને પાછા વતન આવેલા કરસનદાસ નાતના જુલમથી બચી જાય એવું શી રીતે બને. ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ પુસ્તકના ‘પ્રવાસનો છેડો’ શીર્ષકધારી પ્રકરણમાં તેઓ લખે છેઃ
‘વિલાયત જનાર પહેલા થોડાએક ગૃહસ્થો પર દુખ પડયાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના. ભાઈ મહીપતરામ ઉપર આ બાબતમાં દુખ પડયું તે જોઈને જેમ હું અટકયો નહીં, તેમ મને જોઈને બીજાઓ અટકશે નહીં એમ હું માનું છુ… હું છેલ્લી વાર ફ્રીથી કહું છઉં કે મારા પ્રવાસ વિશે લોકો ગમે તેમ બોલો પણ તેનું ફ્ળ રૂડું જ નિપજશે એવી હું આશા રાખું છઉં.’

કરસનદાસ મૂળજી

ગોંડલનાં મહારાણી નંદકુંબરબાએ છેક ૧૯૦૨માં, એટલે કે આજથી ૧૧૬ વર્ષ પહેલાં ૭૦૦ પાનાનું ‘ગોમંડળ પરિક્રમ’ નામનો પ્રવાસવર્ણનનો દળદાર ગ્રંથ બહાર પાડેલો. મહારાણી કયાં કયાં ફરી આવેલાં? ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટલી, બેલ્જિયમ, હોલેન્ડ, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, પોર્ટુગલ, જર્મની, ઓસ્ટ્રિયા, ગ્રીસ, રશિયા, તુર્કસ્તાન, અમેરિકા, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા અને સિલોન! મહારાણીએ વિદેશ કે વિદેશીઓથી સહેજ પણ બિનજરૂરી રીતે પ્રભાવિત થયા વિના બહુ જ સુંદર ભાષામાં વર્ણન કર્યું છે. એમના પુસ્તકના ‘દેન્માર્ક’ નામના પ્રકરણમાં નોંધાયેલાં નિરીક્ષણો જુઓઃ
‘સામટી રીતે જોતાં અમુક અમુક લોકમાં અમુક અમુક ખાસ ગુણ દીઠામાં આવે છે. ઈંગ્લેન્ડના લોક સાહસિક, ઉદ્યોગી ને હિમ્મતબાજ છે, તેમ રીતભાતમાં કંઈક અતડા છે. સ્કોટલેન્ડના બહાદુર, કરકસરિયા ને વિદ્યાવિનોદી છે. આયરલેન્ડના સભ્ય પણ સ્વભાવે ઉતાવળા છે. ફ્રાન્સના મોજી, સુઘડ પણ કંઈક પતરાજીખોર ને જલદી ઉશ્કેરાઈ જાય એવા છે. નાર્વેના લોક ભલા અને કરકસરિયા છે. સ્વિડનના પંડિત થવાને યોગ્ય પણ તેજમાં મંદ છે. ડેન લોક (એટલે કે ડેન્માર્કના લોકો) સુલેહને ચાહનારા, બળવાન પણ પૂર્વજોના સાહસને વીસરી જનાર છે. ડચ લોકો કસાયેલા શરીરના ને પુષ્ટ છે. સ્વિસલોક સાદા ને સ્વદેશ-પ્રીતિવાળા છે. ઇતાલીના લોક દેખાવડા, ચતુર પણ ગંદા, આળસુ અને કોતાબાજ છે.'
ઈંગ્લેન્ડ વિશે મહારાણીએ સચોટ ટિપ્પણી કરી છેઃ
‘ઈંગ્લંડ અગ્નિરૂપ છે! તમામ દેશની પેદાશ હજમ કરી જાય છે!’
વિદેશીઓ સાથે ભારતીય પ્રજાની સ્વસ્થ અને નિર્ભીક તુલના કરવાનું મહારાણી ચુકતા નથી. એક જગ્યાએ તેઓ લખે છેઃ
‘એક સમય એવો હતો કે, આ નાનકડા દેશના (ડેન્માર્કના) વીરપુરુષોએ દક્ષિણ યૂરોપના ઘણાખરા દેશ સ્વાધીન કીધા હતા ને ઉત્તરમાં ઈંગ્લંડનો મુલક તો કેવળ એમની સત્તા નીચે આવી ગયો હતો… એ પરાક્રમ કયાં ગયું?… હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે. પરાક્રમ વગરનો માણસ નિરુદ્યમી ને નિરુત્સાહી થાય છે. તેથી લક્ષ્મી ને સ્વતંત્રતા ત્યાં રહેતી નથી ને પરિણામે તેને દરિદ્ર ને પરતંત્ર થવું પડે છે… દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી. આ હાલત ખરેખર શોચનીય છે.’


મહારાણીનો આ અણિયાળો મિજાજ જોઈને સ્વામી સચ્ચિદાનંદ અને એમનાં પ્રવાસવર્ણનો યાદ આવી ગયાને! આખી દુનિયા ફરીને પહેલાં મુંબઇ અને ત્યાંથી ધરમપુર થઈને વતન પાછાં ફ્રેલાં ગોંડલના રાણીબાએ શું કર્યું? ગાયની પરિક્રમા! ગોંડલ નામનું મૂળ ગોમંડળ શબ્દમાં છે. ગોમંડળ અપભ્રંશ થઈને ગોંડળ બન્યું અને ગોંડળનું પછી ગોંડલ થઈ થયું. ગોમંડળ એટલે પૃથ્વીની ગોળાકાર સપાટી. આપણાં શાસ્ત્રોમાં પૃથ્વીને ગાય સ્વરૂપ તરીકે કલ્પવામાં આવી છે. ગાય પૃથ્વીનું પ્રતીક છે. ગૌપ્રદક્ષિણા અને પૃથ્વીપ્રદક્ષિણાનું ફ્ળ એકસમાન ગણાય છે. આથી મહારાણી નંદકુંવરબાએ ગોંડલ પાછાં ફરીને સૌથી પહેલાં ગાયની પ્રરિકમ્મા કરી કે જેથી એમની સાચુકલી પૃથ્વી પ્રદક્ષિણા દરમિયાન જાણે-અજાણે જે કંઈ પાપ થઈ ગયાં હોય એ સરભર થઈ જાય!
સો વાતની એક વાત. પાપ પડે કે નાતના લોકો ઈર્ષ્યા કરે, વિદેશપ્રવાસ કરવાના એટલે કરવાના!

0 0 0 

Thursday, January 11, 2018

એક પોર્નસ્ટારનું પત્રકારત્વ

કોકટેલ ઝિંદગી - અંક ડિસેમ્બર ૨૦૧૭

ફન એટ ફેસબુક



 Cocktail Kumar
 2 hr   

 ભાઈલોગ, સાંભળોે! અમેરિકાની પોર્નસ્ટાર નંબર વન મિઆ ખલીફા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી મારવાની છે. ઢેન્ટેણેંણેંણેં.....!

  Like                    Comment         Share

 Chetan Patel, Kamlesh  Sanghavi and 220 others                                                            42 Commetns 31 Shares

 Romesh Patel લાયા લાયા કોકટેલકુમાર... તમે બાકી ડિસેમ્બરની ઠંડી ઉડાડી દે એવા સમાચાર લાયા!
  Like . Reply   5   .   1 hr 59 minutes ago     
   
 Dipak Jivani Oh my God! What? Nooooo!! Mia Khalifa in an Indian film? I don't believe this!
 Like . Reply   4     .   1 hr 58 minutes ago     

 Arvind Maheshari  Cocktail Kumar, તમે મરવાના થયા છો. આ પોસ્ટ વાંચીને સુગાળવાઓ અને નારીવાદીઓ ભૂરાયા થશે અને તમારી બેન્ડ બજાવી નાખશે, તમે લખી રાખો!
  Like . Reply   5   .   1 hr 59 minutes ago

 P. J. Patel સુગાળવા અને નારીવાદીઓ જ નહીં, ઢોંગીડાઓ પણ ભાલા લઈને દોડી આવશે!
 Like . Reply  5   .   1 hr 59 minutes ago     
       
 Rameshbhai Sagathiya  આ મિઆ ખલીફા વળી કોણ છે? પહેલી વાર નામ સાંભળ્યું.
 Like . Reply  1   .    1 hr 56 minutes ago

  Chitan Popat કેમ, ઉપર વાંચ્યું નહીં? ચોખ્ખું લખ્યું તો છે. મિઆ પોર્નસ્ટાર છે. હવે મહેરબાની કરીને એવું નહીં પૂછતા કે પોર્નસ્ટાર એટલે વળી શું?
    Like . Reply 2  .   1 hr  56 minutes ago   
 
  Hiren Shah LOLz... ROFL!!
  Like . Reply  1   .    1 hr 56 minutes ago

  Chintan Popat Rameshbhai Sagathiya સતયુગમાં જીવે છે. 
  Like . Reply  1   .    1 hr 56 minutes ago

 Rakesh Mamtora મિઆ કઈ ફિલ્મમાં આવવાની છે એ તો કહો. બોલિવૂડના આવા ગરમાગરમ ન્યુઝ આપણા ધ્યાનમાં કેમ આવ્યા નહીં.
 Like . Reply  3   .     1 hr 47 minutes ago

 Cocktail Kumar અરે, આ બોલિવૂડના ન્યુઝ નથી, Rakesh Mamtora. ઓમાર લુલુ નામના એક મલયાલમ ફિલ્મ ડિરેક્ટર છે. એમની એક સેક્સ કોમેડી ખૂબ હિટ થઈ છે. આ ડિરેક્ટરે હમણાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ આ સેકસ કોમેડીની સિક્વલની તૈયારી કરી રહ્યા છે અને તેના માટે એમણે મિઆ ખલીફાનો અપ્રોચ કર્યો છે. આ ફિલ્મમાં મિઆ આઇટમ સોંગ પર ડાન્સ કરશે અને સાથે સાથે ટચુકડો રોલ પણ કરશે. 
 Like . Reply  16   .    1 hr 44 minutes ago

 Amrita Sonanki Cocktail Kumar, ફેસબુક જેવા જાહેર માધ્યમમાં પોર્નોેગ્રાફીમાં કામ કરનારીઓ વિશે આમ છડે ચોક મોટે મોટેથી વાત કરતાં તમને શરમ નથી આવતી? તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. 
 Like . Reply   1 hr  43 minutes ago

 Arvind Maheshari તમારી બેન્ડ બજવાની શરુઆત થઈ ગઈ, Cocktail Kumar!
 Like . Reply   5   .   1 hr 59 minutes ago     

 Nirav Pathak મિઆ ખલીફા જન્મે અમેરિકન નથી. આરબ દેશની છે, આઇ થિંક. 
 Like . Reply   2   .     1 hr 41 minutes ago
 

 Jayesh Dave મિઆ મૂળ લેબનનની છે. સાવ નાની હતી ત્યારે મા-બાપ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. ત્યાં જ એ ‘મેચ્યોર’ થઈ. હવે કાયદેસર રીતે એ અમેરિકન નાગરિક જ છે. હમણાં જ વિકિપિડીયા ખોલીને વાંચ્યું. 
 Like . Reply    2  .      1 hr 40 minutes ago

 Vimal Zaveri આ ગંદીગોબરી ભમરાળી બ્લુ ફિલ્મોમાં કામ કરનારાનાં પોતાનાં નામ પણ જાહેર કરે છે? આ લોકોમાંય નંબર વન, નંબર ટુ એવું બધું હોય છે એવી આજે ખબર પડી.
 Like . Reply   7  .     1 hr 37 minutes ago

 Jayesh Dave અરે Vimal Zaveri, નામની ક્યાં કરો છો, ફોેરેનમાં તો પોર્નફિલ્મોના અવોર્ડ ફંકશન પણ થાય છે અને બેસ્ટ પર્ફોેર્મર્સને ધામધૂમથી સ્ટેજ પર ઇનામો અપાય છે. પોર્ન તો મલ્ટિ-બિલિયન ડોલર ઇન્ડ્સ્ટ્રી છે, સાહેબ. 
 Like . Reply   3   .     1 hr 35 minutes ago

 Mustafa Bakili  મિઆ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની છે એ બધા ગપગોળા છે, Cocktail Kumar. ‘બિગ બોસ’વાળા દર વર્ષે સિઝન શરુ કરતાં પહેલાં આવું જ કરે છેને? ‘આ વખતે મિઆ ખલીફા કોન્ટેસ્ટન્ટ બનવાની છેે’ એ ટાઇપની ખબર ફેલાવશે. તરત જ મિડીયામાં ને બીજે બધે ‘બિગ બોસ’ અને મિઆની ચર્ચા થવા માંડશે.. આ રીતે ‘બિગ બોસ’ની  સિઝન શરુ થતાં પહેલાં જ ન્યુઝમાં આવી જાય, ફોકટની પબ્લિસિટી મળી જાય. સિઝન શરુ થાય ત્યારે ખબર પડે કે બિગ બોસ હાઉસમાં મિઆ-ફિઆનો કોઈ અતોપોત નથી. આ બધી ટ્રિક્સ છે, લોકોનું ધ્યાન ખેંચવાની. પેલો સાઉથ ઇન્ડિયન ફિલ્મમેકર પણ પોતાની ફિલ્મની પબ્લિસિટી કરવા મિઆ-મિઆના મંજીરાં વગાડતો લાગે છે. 



 Pooja Mewada  આ વખતે ‘બિગ બોસ’માં ગામના ઉતાર જેવા ચક્રમ લોકોને જ ભર્યા છે. 
 Like . Reply    6   .  Reply  5      .   1 hr 32 minutes ago

 
  Ekta A. શું લાગે છે, આ વખતે ‘બિગ બોસ’ કોણ જીતશે?

  Vivek Ramanuj  શિલ્પા શિંદે. સવાલ જ નથી.

  Ekta A.  ભાભીજી (બિગ બોસ કે) ઘર પર હૈ! 

  Rohan Kashyap મને લાગે છે કે શિલ્પા શિંદે અને હીના ખાનમાંથી એક જીતશે. બેય ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ છે. ભૂતકાળમાં ‘બિગ બોસ’માં ટીવીસ્ટારો જીત્યા છે. 

  Johnny Mehta શિલ્પા શિંદે, હીના ખાન, વિકાસ ગુપ્તા અને અર્શી ખાન - આ ચારને હું ફાઇનલ ફોરમાં જોઉં છું.

 Mustafa Lokhandwala  ‘બિગ બોસ’માં ભાગ લીધા પછી જે રીતે સની લિઓની જેવી એક્સ પોર્ન-સ્ટાર બોલિવૂડની હિટ હિરોઈન બનીને છવાઈ ગઈ છે એ જોતાં ‘બિગ બોસ’વાળા દર વખતે આવા ગતકડાં ન કરે તો જ નવાઈ.
 Like . Reply   6   .     1 hr 32 minutes ago

 Cocktail Kumar મિઆ ખલીફાને જરા જુદા સંદર્ભમાં જોવાની જરુર છે. એના નામે મિડલ ઇસ્ટના મુસ્લિમ દેશોમાં મોટી ક્ધટ્રોવર્સી થઈ ચુકી છે. એક પોર્ન વિડીયોમાં એણે કામક્રીડા કરતી વખતે હિજાબ પહેરેલો. હિજાબ એટલે મુસ્લિમ મહિલાઓ પોતાનું આખું માથું અને કાન ઢંકાઈ જાય એ રીતે સ્કાર્ફ જેવું મર્યાદાસૂચક કપડું વીંટાળી રાખે છે, તે. બસ, પત્યું. આ પોર્ન વિડીયોને લીધે ખાસ કરીને મિઆના વતન લેબેનોનમાં હોબાળો મચી ગયો. આ છોકરીએ ઇસ્લામ ધર્મનું અને લેબેનોન દેશનું નામ બોળ્યું છે એવો જોરદાર કકળાટ થયો. મિઆના નામના ફતવા બહાર પડ્યા. એનું માથું ધડથી ઉડાવી દેવાની ધમકીઓ મળી. લેબેનોનમાં ઇન્ટરનેટ પર પોર્ન વેબસાઇટ્સ પર સેન્સરશિપ લદાઈ ગઈ ગઈ એનું મુખ્ય કારણ મિઆનો આ હિજાબવાળો પોર્ન વિડીયો હોવાનું કહેવાય છે. મિઆનાં સગાં મા-બાપે તો એની સાથે સંબંધ કાપી નાખ્યો છે.
 Like . Reply    20.  1 hr 30 minutes ago



 Rupesh Trivedi એ જ લાગની છે. આવી નાલાયક છોકરીનું માથું ખરેખર ધડથી ઉડાવી દેવું જોઈએ.
 Like . Reply  ((થમ્સ અપનું નિશાન))1 hr 30 minutes ago
 

 Sachin Vora શા માટે, Rupesh Trivedi? મિઆ ખલીફા એક પુખ્ત, ભણેલીગણેલી અને સ્વતંત્ર સ્ત્રી છે. પોતાના શરીર સાથે શું કરવું ને શું ન કરવું એ એણે એકલીએ નક્કી કરવાનું છે. એને રોકવાવાળા તમે કોણ? 
 Like . Reply  1 hr 27 minutes ago

 Rupesh Trivedi શાબાશ! મહાન નારીવાદી બોલ્યા! કોઈ પોર્ન ફિલ્મમાં છોકરી આખું શરીર ઊઘાડું રાખે, પણ પોતાનું માથું ઓમકાર કે ગણેશની કે કોઈ પણ હિન્દુ દેવદેવીના પ્રિન્ટવાળી ચુંદડીથી ઢાંકી રાખે તો તમને ચાલશે, Sachin Vora?
 Like . Reply  5   .        1  hr 25 minutes ago


 Sachin Vora હા, હા, એમાં શું. કેવી પ્રિન્ટવાળી ચુંદડી વાપરવી એ નક્કી કરવાનો એને હક છે. 
 Like . Reply  .  1 hr   25 minutes ago minutes ago

 Hiten Jobanoutra What? Shame on you, Sachin Vora.
 Like . Reply   5.      1 hr 24 minutes ago

 Ajay Prajapati  કોઈ આ Sachin Voraનું માથું ધડથી ઉડાડી દો. હદ કરે છે માણસ.
 Like . Reply   4   .  1 hr   22minutes ago

 Cocktail Kumar પ્લીઝ, કોઈ ધર્મને આ ચર્ચામાં ન લાવો. હવે કોઈએ ધર્મના નામે અહીં મારામારી કરી છે તો હું તરત કમેન્ટ ડીલીટ કરી નાખીશ.
 Like . Reply  13   .     1 hr 21 minutes ago

 Rupesh Trivedi ધર્મ તો સૌથી પહેલાં તમે લાવ્યા, Cocktail Kumar. તમે જ હિજાબવાળી વાત લખી.
 Like . Reply  1 hr 21 minutes ago

  Cocktail Kumar મેં માત્ર હકીકત લખી છે, એક વિગત તરીકે. શા માટે મિઆ ખલીફાનું નામ આટલું જાણીતું બની ગયું છે તે બતાવવા માટે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબાર અને ‘ન્યુઝવીક’ મેગેઝિન જેવા અતિ પ્રતિષ્ઠિત અમેરિકન પ્રકાશનો મિઆ ખલીફાના ઇન્ટરવ્યુ કર્યા છે. એને સભાઓમાં ભાષણ આપવા માટે આમંત્રણો અપાય છે. મિઆ, બાય ધ વે, પોર્નના કામકાજમાંથી ક્યારની રિટાયર થઈ ચુકી છે. 
 Like . Reply   20 .   1 hr 21 minutes ago

 Bhavin Galaiya તંબૂરો રિટાયર થઈ છે! નેટ ઉપર સૂંડલામોઢે એના વિડીયો પડ્યા છે. હવે એ એકલી એકલી વેબકેમેરા સામે ગંદા ચાળાં કરીને પૈસા કમાય છે.
 Like . Reply  1 hr 20 minutes ago

 Rakesh Mamtora રિટાયર થઈને મિઆ હવે કરે છે શું? સમાજસેવા?
 Like . Reply   1 hr 20 minutes ago



 Cocktail Kumar હવે એ યુટ્યુબ પર કોઈક ડેઈલી સ્પોર્ટસ શો હોસ્ટ કરે છે અને પોતાને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ કહેવડાવે છે. 
 Like . Reply    5.   1 hr 18 minutes ago
   

 અંધેરીનો અળવીતરાે  What? સ્પોર્ટસ જર્નલિસ્ટ? માર્યા ઠાર.
 Like . Reply  hr 18 minutes ago


 Rakesh Mamtora  એક પોર્નસ્ટાર જર્નલિઝમ કરે એવા દહાડા પણ પત્રકારત્વમાં આવશે એવું કદી કલ્પ્યું હતું? 
 Like . Reply  1 hr 18 minutes ago

 Cocktail Kumar આ એકવીસમી સદીના મિડીયામાં કંઈ પણ શક્ય છે, યારોં. ચિયર્સ!
 Like . Reply     17.  1 hr 18 minutes ago
 


  (નોધ:  આ કોલમમાં ઉલ્લેખ પામેલાં તમામ નામો કાલ્પનિક છે.)

 0 0 0