Tuesday, August 2, 2016

મલ્ટિપ્લેક્સઃ ઈટ, પ્રે, લવ, ડિવોર્સ!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૩ ઓગસ્ટ  ૨૦૧૬

ટેક ઓફ

સાચો લાઈફ-પાર્ટનર અને અદભુત લગ્નસંબંધની મીઠીમધુર અને અંતરંગ વાતો કરતાં ને તે વિશે દુનિયાને સલાહો આપતાં ‘ઈટ, પ્રે, લવ'નાં લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટે એકાએક ડિવોર્સની ઘોષણા કરતાં અનેક સવાલો ખડા થયા છે. એલિઝાબેથ શું ખરેખર એક પ્રામાણિક અને પારદર્શક સ્ત્રી છે? કે પછી તેઓ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે છળભર્યું જીવન જીવી રહ્યાં છે?



મુદ્દા પર આવતા પહેલાં સૌથી પહેલાં તો ઈકારસ નામનાં એક ગ્રીક મનુષ્યપાત્રને ઓળખી લો. ઈકારસના પિતાએ પીંછા અને મીણ વડે એની પાંખો બનાવી આપી હતી. પિતાએ  સૂચના આપી હતી કે દીકરા, તું બહુ નીચે ય ન ઉડતો કે બહુ ઊંચે પણ ન ઉડતો. નીચે ઉડીશ તો દૃરિયાનાં ઊછળતાં મોજાંથી તારી પાંખો ભીની થઈ જશે ને તું સમુદ્રના પાણીમાં પડીને ડૂબી જઈશ. જો તું બહુ ઊંચે ઉડીશ તો સૂરજના આકરા તાપથી તારી પાંખોનું મીણ પીગળી જશે. ઈકારસમાં વધારે પડતું ગુમાન હતું. એણે પિતાની સૂચના કાને ન ધરી. એ આકાશમાં ખૂબ ઊંચે ઉડ્યો. સૂર્યપ્રકાશને લીધે એની પાંખોનું મીણ પીગળી ગયું, એનું ઉડ્ડયન અટકી ગયું ને એ આકાશમાંથી સીધો સમુદ્રમાં ખાબકીને મૃત્યુ પામ્યો. આ પ્રતીકાત્મક વાર્તાનો સૂર એ છે માણસે એકસટ્રીમ પર નહીં જીવવાનું. મધ્યમમાર્ગ પસંદૃ કરવો. સાવ ઢીલાઢાલા થઈને જીવશો તો ય મોત નિશ્ર્ચિત છે અને ઓવર-કોન્ફિડન્સમાં રહેશો તોય મરવાનું પાક્કું છે.

હજુય મુદ્દા પર આવતા પહેલાં જેક ગિલ્બર્ટ નામના અમેરિક્ન કવિનાં એક કાવ્ય પર નજર ઘુમાવો. કવિતાનું શીર્ષક્ છે, ‘ફેઈિંલગ એન્ડ ફ્લાઈંગ' અર્થાત નિષ્ફળ જવું અને ઉડવું. હવે કવિતાનો મુકત ભાવાનુવાદ જુઓ -

બધા ભુલી જાય છે કે ઈકારસ ભલે મોતને ભેટ્યો પણ એ ઉડ્યો હતો જરુર.
પ્રેમ અને લગ્નનું પણ એવું જ છે. 
પ્રેમ ખતમ થઈ જાય અથવા લગ્ન પડી ભાંગે ત્યારે બધા કહેવા લાગે છે કે 
અમને તો પહેલેથી જ ખબર હતી કે આ સંબંધ લાંબો નહીં ટકે.
બન્ને શાણાં અને સમજદૃાર હતાં તોય એમને કેમ સમજાયું નહીં હોય?  
પણ જો દિૃલ કહેતું હોય કે સંબંધ બાંધવો જ છે તો ભરપૂર તીવ્રતા સાથે બાંધવો. 
 ક્યારેક આકાશમાં અમુક તારા એટલા જોરથી પ્રકાશી ઉઠે છે કે 
જાણકાર તરત કહેશે કે આ તારો ટૂંક સમયમાં ખરી પડવાનો. 
હું સવારે એને પથારીમાં ગાઢ નિદ્રામાં જોતો 
ત્યારે એ અત્યંત માસૂમ લાગતી  
જાણે પરોઢિયાનાં ઝાકળિંબદૃુઓ વચ્ચે ઊભેલું હરણ. 
બપોરે એ દૃરિયામાંથી નહાઈને બહાર નીકળતી ત્યારે  
એની પાછળ ફેલાયેલા બ્લુ સમુદ્ર અને વિરાટ આસમાનને હું તાકી રહેતો.  
જમતાં જમતાં એ વાતો કરતી હોય ત્યારે 
હું એને રસપૂર્વક સાંભળતો. 
અમારાં લગ્ન નિષ્ફળ ગયાં છે એવું કેવી રીતે કહી શકાય? 
હું માનું છું કે ઈકારસ ઉડવામાં નિષ્ફળ નહોતો ગયો. 
બસ, એની વિજયક્ષણ પર પૂર્ણવિરામ મૂકાયું, એટલું જ.




એક મહિના પહેલાં અમેરિકાની બેસ્ટસેલર લેખિકા એલિઝાબેઝ ગિલ્બર્ટે પોતાનાં ફેસબુક પેજ પર બહુ જ સંયત શબ્દૃોમાં ઘોષણા કરી હતી:

‘હું અને મારો હસબન્ડ બાર વર્ષનાં લગ્નજીવન બાદૃ આપસી સહમતીથી છૂટા પડી રહ્યાં છીએ. છૂટા પડવાનાં અમારાં કારણો બહુ જ અંગત છે. આ નજુક સમયમાં તમે મારી પ્રાઈવસીને જાળવી રાખવામાં મદૃદૃ કરશો એવી આશા રાખું છું. ધિસ ઈઝ અ સ્ટોરી આઈ એમ લિવિંગ - નોટ અ સ્ટોરી ધેટ આઈ એમ ટેલિંગ. (અર્થાત્, આ કંઈ અગાઉ બની ચુકેલી ઘટના નથી. હું આ ક્ષણે આ ઘટનાને જીવી રહી છું, તેમાંથી પસાર થઈ રહી છું.'

આટલું કહીને લેખિકાએ જેક ગિલ્બર્ટની ઉપર ટાંકેલી ઈકારસવાળી કવિતા ફેસબુક પર શેર કરી. સાથે ઉમેર્યું કે અત્યારે મારી સાથે જે કંઈ બની રહ્યું છે તેમાં ટકી રહેવા માટે આ કવિતા મને ખૂબ મદદ કરી રહી છે.

ડિવોર્સ થવા એ કંઈ નવા નવાઈની વાત નથી, પણ એલિઝાબેથ ગિલ્બર્ટના ડિવોર્સના સમાચારથી દૃુનિયાભરમાં ફેલાયેલા એમના લાખો ચાહકો, પ્રકાશનજગત અને સેલિબ્રિટી સરકિટને આંચકો લાગ્યો તેમજ આશ્ર્ચર્ય, કન્ફ્યુઝન અને છેતરાઈ ગયાની મિશ્ર લાગણી ફેલાઈ ગઈ. આવું બનવું સ્વાભાવિક પણ છે. જે લેખિકાએ ‘ઈટ, પ્રે, લવ' જેવું અફલાતૂન આત્મકથનાત્મક પુસ્તક લખ્યું હોય અને જેેણે પોતાનાં લખાણોમાં, ઈન્ટરવ્યુઝમાં, જાહેર પ્રસંગોમાં અને સોશિયલ મિડીયામાં સતત પોતાનાં અદૃભુત લગ્નજીવન વિશે મધમીઠી વાતો કરી હોય એ ઓચિંતા પોતાના ડિવોર્સની ઘોષણા કરે ત્યારે ઝટકો તો લાગે જ.

‘ઈટ, પ્રે, લવ' વિશે આપણે અગાઉ એકાધિક વખત વાત કરી ચુક્યા છીએ છતાં ફરી એક વાર ટૂંકમાં યાદ કરી લઈએ કે બત્રીસ વર્ષની ઉંમરે પહેલા પતિ સાથે છૂટાછેડા થયેલા ત્યારે એલિઝાબેથ તૂટી ગયાં હતાં (હમણાં થયા તે ડિવોર્સ નંબર ટુ છે). માનસિક રીતે, લાગણીના સ્તરે, આર્થિક સ્તરે, બધી રીતે. એમના પ્રકાશકે એમને ઓફર આપી: તમે અમારા ખર્ચે એક વર્ષ દૃુનિયા ફરો, અનુભવ લો અને પાછા આવીને તમારી આત્મકથા પ્રકારનું પ્રવાસવર્ણન લખો. એલિઝાબેથ પહેલાં ચાર મહિના ઈટાલી રહ્યાં, ખૂબ ખાધું-પીધું, દૃોસ્તો બનાવ્યાં. એમની (પહેલા) ડિવોર્સની પીડા આંશિક રીતે હળવી થઈ. પછીના ચાર મહિના તેઓ મુંબઈ નજીક એક આશ્રમમાં રહ્યાં. અહીં યોગસાધના કરી, આધ્યાત્મિકતાની એબીસીડી જાણી. છેલ્લાં ચાર મહિના બાલી (ઈન્ડોનેશિયા)માં ગાળ્યાં. અહીં એમનો ભેટો પોતાના કરતાં સોળ વર્ષ મોટા ફેલિપ નામના બ્રાઝિલિયન આદૃમી સાથે થયો (સાચું નામ જોઝ નુનીસ). એ ડિવોર્સી હતો. એલિઝાબેથને આ પુરુષ અદૃભુત લાગ્યો. જાણે પોતાનો સૉલ-મેટ મળી ગયો હોય, પોતે જેને મેળવવા માટે આખી જિંદગી ઝંખના કરી હતી તે સાચો પ્રેમ પામી લીધો હોય એવી તીવ્ર અનુભૂતિ એમને થઈ. થોડા સમય પછી એલિઝાબેથ અને ફેલિપ પરણી ગયાં. આમ, એક વર્ષની પેઈડ લીવનો સુંદર અંત આવ્યો.

આ આખી વાત ભારે અરસકારક રીતે અલિઝાબેથ ગિલ્બર્ટે ‘ઈટ, પ્રે, લવ' પુસ્તકમાં લખી છે. પુસ્તકનો સૂર એ છે કે એક સંબંધ તૂટે એટલે કંઈ આખેઆખું જીવન અટકી પડતું નથી. સંબંધ તૂટશે એટલે ભયાનક દૃુખ થશે જ. પેટ ભરાઈને દૃુખી થઈ લેવાનું, પણ પછી ઊભા થઈ જવાનું. આત્મવિશ્ર્વાસ સાથે, ગરિમા જળવીને અને માથું ઊંચું રાખીને દૃુખમાંથી બહાર આવી જવાનું. લઘુતાગ્રંથિ કે ગિલ્ટ કે શરમ બિલકુલ નહીં રાખવાનાં. દૃુનિયા ખૂબ મોટી છે. જો તમે ખુદૃને પ્રેમ કરતા હશો અને જો તમારું નસીબ સાથ આપતું હશે તો તમને હૃદૃયનાં ઊંડાણથી પ્રેમ કરવાવાળો સાચો સાથી યા સોલ-મેટ મળશે જ. ૨૦૦૬માં પુસ્તક બહાર પડતાં જ સુપરડુપર હિટ પૂરવાર થયું. આ પુસ્તકે પ્રેમ કે લગ્નસંબંધમાં પીડા અનુભવી રહેલા તેમજ ડિવોર્સને લીધે દૃુખીદૃુખી થઈ ગયેલા અસંખ્ય લોકોને પ્રેરણા આપી. ત્રીસેક જેટલી ભાષામાં એના અનુવાદૃો થયા. લાખો નકલો વેચાઈ. પુસ્તક પરથી હોલિવૂડના ટોપ સ્ટાર્સને ચમકાવતી ફિલ્મ બની. ‘ટાઈમ' મેગેઝિનના દૃુનિયાનાં ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનાં લિસ્ટમાં એલિઝાબેથને સ્થાન મળ્યું. અમુક ટુર ઓપરેટરો રીતસર ‘ઈટ પ્રે લવ' ટુરનાં આયોજન કરવા માંડ્યા, જેમાં એલિઝાબેથ ઈટાલી-ઈન્ડિયા-બાલીમાં જ્યાં જ્યાં રહ્યાં હતાં તે સ્થળો કવર કરવામાં આવતાં! હજુ ચાર મહિના પહેલાં જ ‘ઈટ પ્રે લવ મેઈડ મી ડુ ઈટ' નામનું સિક્વલ પ્રકારનું પુસ્તક સુધ્ધાં બહાર પડ્યું, જેમાં ૪૭ સ્ત્રીઓએ એલિઝાબેથની બુકમાંથી પ્રેરણા લઈને શી રીતે પોતાના જીવનને નવેસરથી ઊભું કર્યું એની વાતો લખી છે!


‘ઈટ પ્રે લવ' પુસ્તકે રીતસર એલિઝાબેથની લાઈફ બનાવી નાખી. દૃુનિયાભરમાં ફરવાનું, લેકચર આપવાના, ચાહકોને મળવાનું, બેન્ક બેલેન્સ તગડી બનાવવાની. એમની વાતો, મુલાકાતો અને લખાણો પરથી સતત એ વાત ઘૂંટાતી રહી કે સંબંધમાં એકવાર ભાંગતૂટ થઈ હોય તો પણ સાચો પ્રેમ અને સાચો લાઈફ-પાર્ટનર મળવાે શક્ય છે, લગ્ન પછી પ્રિય પાત્ર સાથે અત્યંત સુમેળભર્યું જીવન જીવવું શક્ય છે. એલિઝાબેથ ખુદ આ વાતનું જીવતુંજાગતું ઉદૃાહરણ બની ગયાં. એક વાર ઓપ્રા વિન્ફ્રેને આપેલા ટીવી ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે હસું-હસું ચહેરે વાત કરી હતી કે, ‘યુ નો વોટ, મારો હસબન્ડ શું કહે છે? એ કહે છે કે સ્ત્રીનું સ્થાન કિચનમાં જ છે. કેવી રીતે? સ્ત્રીએ મસ્ત વાઈનનો ગ્લાસ લઈને કિચનમાં જવાનું, ખુરસી ખેંચવાની અને પછી પગ પર પગ ચડાવીને પોતાના માટે રાંધી રહેલા પુરુષને જોયા કરવાનો! હું સાંજે ઘરે આવું એટલે મારો વર એકઝેકટલી આ જ રીતે મને કિચનમાં બેસાડે છે ને પછી પ્રેમથી કહે કે લિઝ, ચાલ હવે બોલ, આજે આખા દિૃવસમાં શું શું થયું? મને બધી વાત કર. મારે સાંભળવું છે! ને પછી હું વાઈનનાં સિપ લેતી બોલતી જાઉં ને એ રાંધતો રાંધતો ભારે રસપૂર્વક મારી વાતો સાંભળતો રહે...'

આ જ ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે આગળ કહેલું, 'મને ઘણી વાર વિચાર આવે છે કે મેં એવું તે શું મહાન કરી નાખ્યું છે કે મને આવો પતિ ને આવું ઉત્કૃષ્ટ જીવન મળ્યું? મારી ફ્રેન્ડે એક વાર મને સમજાવેલું કે લિઝ, તું ખુદૃ તારી જાતને એટલા માન  અને ગરિમાથી ટ્રીટ કરે છે કે તારી આસપાસના લોકો આપોઆપ તને આ રીતે ટ્રીટ કરવા પ્રેરાય છે.'

એક આદર્શ પ્રેમસંબંધ અને આદર્શ લગ્નજીવનની સજ્જડ ઈમેજ બનતી જતી હતી ત્યાં એકાએક, કશા જ પૂર્વસંકેત વગર ધડામ કરતા સમાચાર આવે છે કે એલિઝાબેથ ગિલ્બર્ટ અને જોઝ નુનીસ ડિવોર્સ લઈ રહ્યાં છે!

એલિઝાબેથના ચાહકોનું માથું ચકરાઈ જવું સ્વાભાવિક છે. જો વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી તો એલિઝાબેથ એકધારી લગ્નજીવનની મીઠી મધુરી વાતો કર્યાં કરતાં હતાં તે શું હતું? ડિવોર્સનો નિર્ણય કંઈ રાતોરાત તો નહીં લેવાયો હોય. ધીમે ધીમે બધું બિલ્ડ-અપ થઈ રહ્યું હશે. તો પછી, વાચકો સાથે કાયમ બધી વાતો શેર કરતાં એલિઝાબેથે આ વસ્તુ કેમ છુપાવી? હજુ થોડા મહિનાઓ પહેલાં જ ‘ઈટ, પ્રે, લવ'નાં પ્રકાશનને દસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્પેશિયલ એડિશન બહાર પાડવામાં આવી હતી, દૃુનિયાભરમાં સેમિનાર યોજાયા હતા, પેલું 'ઈટ પ્રે લવ મેડ મી ડુ ઈટ' નામનું નવું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું ને મોટા પાયે તેની પબ્લિસિટી કરવામાં આવી. ટીવી પર કંઈકેટલાય ઈન્ટરવ્યુ આવ્યા હતા. તે વખતે પણ એલિઝાબેથે સુષ્ઠુ સુષ્ઠુ વાતો જ કરી હતી. અરે, હજુ ત્રણ મહિના પહેલાં જ એલિઝાબેથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારું લગ્નજીવન મસ્ત ચાલી રહ્યું છે... વી આર પ્રીટી સ્ટેડી!

અલિઝાબેથને ટીકાકારોને જલસો પડી ગયો છે. તેઓ કહે છે કે અમે તો ગયા વર્ષે એલિઝાબેથ અને જોઝે એમની દૃુકાન તેમજ ઈટાલિયન શૈલીનું ભવ્ય મકાન વેચવા કાઢ્યાં હતાં ત્યારે જ સમજી ગયા હતા કે કંઈક લોચો છે. એલિઝાબેથ ચહેરા પર સ્માઈલ ચીપકાવીને ડાહી ડાહી વાતો કરતાં રહ્યાં ને સુંદર પ્રેમભર્યું જીવન શી રીતે જીવવું તે વિશે લોકોને સુફિયાણી સલાહો આપતાં રહ્યાં, કેમ કે તે ‘સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ' હતી, એમણે ‘ઈટ, પ્રે, લવ મેડ મી ડુ ઈટ' પુ્સ્તક વેચવાનું હતી ને ખૂબ બધી ઈવેન્ટ્સ કરવાની હતી. આથી એમણે ખેંચાય એટલું ખેંચ્યા કર્યુ્ં. ડિવોર્સ એના માટે પર્સનલ નહીં, પણ પ્રોફેશનલ ડિઝાસ્ટર છે. છૂટાછેડાને લીધે ‘ઈટ પ્રે લવ'ની આખી થિયરી જ સમૂળગી ખોટી પડી છે.  



જોકે એલિઝાબેથના વફાદૃાર ચાહકો આવું માનતા નથી. એમનું કહે છે કે સંબંધમાં બંધાયેલી બે વ્યકિત અલગ પડે તેનો અર્થ એવો નહીં કે આખો સંબંધ જ ખોટો હતો. આખરે વાત તો જાત સાથે અને એકબીજા સાથે સચ્ચાઈપૂર્વક વર્તવાની છે. અઠંગ ચાહકો તો એલિઝાબેથે જે શાલીનતાથી ડિવોર્સની વાત જાહેર કરી છે તેનાથી ઑર પ્રભાવિત થયા છે. ઈકારસની જેમ જોઝ સાથેનો સંબંધ ભલે ડૂબી ગયો, પણ બન્નેનું ઉડ્ડયન સાચું હતું, પ્રામાણિક હતું, ભરપૂર પેશનવાળું હતું. આ ઉડ્ડયન ઝાઝું ન ટક્યું તે અલગ વાત થઈ.

ટૂંકમાં, લગ્નના મામલામાં કશું નક્કી નથી હોતું. તમે ખોટી વ્યકિત સાથે પરણો કે સાચી વ્યક્તિ સાથે પરણો, ડિવોર્સ આ બન્ને કેસમાં શક્ય છે! એલિઝાબેથ ગિલ્બર્ટે એકાએક ડિવોર્સની ઘોષણા કરતાં અનેક સવાલો ખડા થયા છે.  શું તેઓ પોતાની ઈમેજના ગુલામ બની ગયાં છે? સફળતાનાં મોજાં પર સતત સવાર રહેવા માટે અને પોતે જે આભા ઊભી કરી છે તેને જાળવી રાખવા માટે છળભર્યું જીવન જીવતાં રહ્યાં છે? તેઓ જે જીવે છે એવું જ લખે છે કે પછી અમુક પ્રકારનું લખી શકાય તે માટે હાથે કરીને અનુભવો 'ઊભા' કરે છે? કે પછી, તેઓ ખરેખર એક પ્રામાણિક અને પારદર્શક સ્ત્રી છે અને ખુદવફાઈને સાચું જીવન જીવવા માટેની પૂર્વશરત ગણે છે? શક્ય છે કે હવે પછી કદાચ એલિઝાબેથ મિસ્ટર રાઈટ સાથેનું લગ્નજીવન પણ કેમ ન ટક્યું તે વિશે ઓર એક નવું સિકવલ ટાઈપનું પુસ્તક લખે અને તેનું શીર્ષક રાખે - ‘ઈટ, પ્રે, લવ, મેરેજ, ડિવોર્સ'!

0 0 0


No comments:

Post a Comment