Tuesday, August 16, 2016

ટેક ઓફ: મેલું ઉપાડવું: જે દૃેખાતું નથી એનું અસ્તિત્ત્વ પણ નથી?

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ 

ટેક ઓફ

આજે અસંખ્ય દૃલિતો માટે મેલું ઉપાડવાનું કામ ભૂતકાળ બની ગયું છે. એમનાં સંતાનો ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા અતિદૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે. 



‘અદૃશ્ય ભારત.'
ભાષા સિંહ નામનાં સામાજિક નિસ્બત ધરાવતાં  એક મહેનતુ પત્રકારે લખેલાં હિન્દૃી પુસ્તકનું આ શીર્ષક છે, જેની ટેગલાઈન વધારે ધારદૃાર છે - 'મૈલા ઢોને કે બજબજાતે યથાર્થ સે મુઠભેડ.

મૈલા ઢોના એટલે મેલું ઉપાડવું. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવા. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાનું અતિ હીણપતભર્યું, ઘૃણાસ્પદૃ અને માણસના આત્મસન્માનને હણી નાખતું કામ ભારતમાં અતિદૃલિત ગણાતી આવતી કેટલીક જાતિઓ સદૃીઓથી કરતી આવી છે. ડબ્બા સંડાસ (જેમાં મળમૂત્ર સીધા નીચે રાખેલા ડબ્બામાં પડે, જે સફાઈકામદૃારો પછી ઊંચકીને લઈ જાય), વાડા સંડાસ અથવા શુષ્ક શૌચાલય (જાજરુના નામે ચાર દૃીવાલ ઊભી કરીને તૈયાર કરવામાં આવેલી વાડા જેવી જગ્યા, જેમાં લોકો આવી-આવીને મળત્યાગ કરીને જતા જાય. સફાઈકામદૃાર પછી તેને સાફ કરે), જાહેર શૌચાલયો, સેપ્ટિક ટેન્કો વગેરેને સાફ કરવાનું કામ કરતાં આ લોકો પાછા અશ્પૃશ્ય ગણાય એટલે સમાજના અન્ય વર્ગો એમને દૃૂર રાખે, એમની સાથે અપમાનજનક વર્તન કરે, હડધૂત કરે.

‘અરે પણ આ બધી તો ભૂતકાળની વાતો છે. હવે આપણે ત્યાં ક્યાં અશ્પૃશ્યતા કે મેલું ઉપાડવા જેવાં દૃૂષણો રહ્યા છે?' આવા નિર્દૃોષ સવાલ કરનારાઓના લાભાર્થે સૌથી પહેલાં તો ગયા બુધવારે ટાંકેલા આંકડા ફરી એક વાર નોંધી લઈએ. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. યાદૃ રહે, આ સરકારે ખુદૃે બહાર પાડેલા આંકડા છે. બિનસરકારી આંકડા આના કરતાં મોટા હોઈ શકે.

આપણે વાત માંડી હતી દૃલિત પરિવારમાં જન્મેલા, પારકા લોકોનાં મળમૂત્ર સાફ કરવાની કામગીરી (આપણે પ્રથા કે કુપ્રથાને બદૃલે કામગીરી શબ્દૃ વાપરીશું) વિરુદ્ધ ત્રણ દૃાયકાઓથી સતત લડતા રહેલા અને તાજેતરમાં મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવેલા બેઝવાડા વિલ્સન નામના જેન્યુઈન કર્મશીલની. ૧૯૮૬-૮૭માં તેમના પ્રયત્નોને લીધે પહેલી વાર સરકાર અને મિડીયા હલ્યાં, કર્ણાટકની એક સફાઈકર્મચારીઓની વસાહતમાં રહેતા દૃલિતોને રિહેબિલીટેટ કરવાની (અન્ય કામકાજમાં જોતરવાની) તજવીજ શરુ થઈ. છેલ્લાં પચ્ચીસ-સત્તાવીસ વર્ષથી વિલ્સન જિપ્સીની જેમ ભારતભરમાં ફરતા રહે છે, જ્યાં મેલું ઉપાડવાનું કામ થતું હોય ત્યાં જાતમુલાકાત લે છે. તેઓ સફાઈકામદૃારો સાથે વાતચીત કરે, સમજાવે, તેમની તસવીરો ખેંચે, ડોક્યુમેન્ટેશન કરે અને ડેટા સરકારને પહોંચાડે. સફાઈ કર્મચારી આંદૃોલન (એસકેએ)ના સ્થાપક અને નેશનલ કન્વિનર તરીકે વિહ્લસન અને તેમના સાથીઓ એકધારા પ્રયત્નોને કારણે ૧૯૯૩માં સરકારે એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન્સ (પ્રોહિબિશન) એકટ બનાવ્યો. તે અનુસાર શુષ્ક શૌચાલયનું બાંધકામ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે મેલું ઉપડાવવું અને ઉપાડવું ગેરકાયદૃે બન્યા.

તો શું કાયદૃો બન્યો એટલે મેલું ઉપાડવાના આખી સમસ્યા સોલ્વ થઈ ગઈ? કાયદૃામાં એવી તાકાત હોત તો જોઈએ જ શું. સરકારે ડિસ્ટ્રીકટ કલેકટરના હાથમાં સત્તા મૂકી હતી કે કાયદૃાનું ઉલ્લંઘન કરનાર સામે એ ત્વરિત પગલાં ભરી શકે, એને સજા ફરમાવી શકે, પણ ૧૯૯૩ થી ૨૦૧૨ સુધીમાં દૃેશના એક પર ડિસ્ટ્રિકટ કલેકટરે એક પણ માણસ સામે કેસ દૃાખલ ન કર્યો! કાયદૃાનું સૌથી વધારે ઉલ્લંઘન તો ખુદૃ સરકાર દ્વારા જ થતું રહ્યું. રેલવે મુસાફરી કરતા અસંખ્ય લોકો ટ્રેનમાં જાજરુએ જાય ત્યારે મળ સીધો નીચે પાટા પર પડે છે. તે દૃૂર કરનાર માટે સરકાર પોતે જ સફાઈકર્મચારીઓને નોકરીએ રાખે છે યા તો કોન્ટ્રે્કટ આપે છે. મ્યુનિસિપાલિટીઓ કમ્યુનિટી લેટ્રીન્સની સફાઈ માટે સફાઈકામદૃારોની ભરતી કરતી રહી. સૌથી રમૂજીકરુણ કિસ્સો તો નિઝામાબાદૃમાં બન્યો. અહીંના કોર્ટ કોમ્પલેકસમાં જ એક ડ્રાય લેટ્રીન હતું. તેને તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું તો સ્વયં કોર્ટે લિખિતમાં આ કામ અટકાવવાનો આદૃેશ આપ્યો! વિહ્લસન અને એમની ટીમે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ફરિયાદૃ કરી કે સ્થાનિક અદૃાલત પોતે જ  કાયદૃાનો ભંગ કરી રહી છે. સુપ્રીમ કોર્ટેે ચોવીસ કલાકમાં તે ડ્રાય લેટ્રીનને તોડી પાડવાનો આદૃેશ આપ્યો!



સરકારી સ્તરે આ હાલત હોય ત્યારે સામાજિક સ્તરે શું હાલત હોય તે સમજી શકાય તેમ છે. ચિત્તોડ જિલ્લાનાં ગામડાગામની કેટલીક સ્ત્રીઓએ એક કાર્યક્રમમાં પોતાની કથની સંભળાવી હતી જેમાં આખા ભારતની હાલતનો પડઘો પડે છે. હજુ થોડાં વર્ષ પહેલાં સુધી મેલું ઉપાડવાનું કામ કરતી આ મહિલાઓ કહે છે કે અમારાં સંતાનો અમારાથી દૃૂર દૃૂર ભાગતાં કેમ કે અમારાં શરીરમાંથી આવતી મળમૂત્રની વાસ એમનાથી સહન ન થતી. એમને અમારી શરમ આવતી અને કહ્યા કરતાં કે મા, દિૃવસમાં તું પાંચ-છ વાર નહાતી કેમ નથી? જેનાં સંડાસ સાફ કરતા હોઈએ તે ઘરની સ્ત્રીઓ આગલા દિૃવસની વધેલી વાસી રોટલી અમારા હાથમાં ન આપે, પણ નીચે ફેંકે. અમારે જમીન પર પડેલી રોટલી ઉંચકી લેવાની. ગામના કૂવાનું પાણી જોઈતું હોય તો બીજા બધા પાણી ભરી ન લે ત્યાં સુધી  કલાકો સુધી રાહ જોવાની. કાં તો અમને એવી જગ્યાએથી પાણી ભરવાનું કહેવામાં આવે જેમાં ક્યારેક મરેલાં પશુપક્ષીની લાશો તરતી હોય. મંદિૃરોમાં એ લોકોના પૂજાપાઠ ચાલતા હોય તો અમારાથી પગથિયાં પણ ન ચડાય. અમે પછી બહારથી જ ભગવાને માથું નમાવીને નીકળી જઈએ.

બીજાઓનું મેલું સાફ કરવું ગેરકાયદૃેસર છે એની ખબર પડતાં આમાંની કેટલીક મહિલાઓએ સિસ્ટમની સામે થવાનો નિર્ણય લીધો. જે સુંડલામાં તેઓ મળ-કચરો ભરતાં હતાં તે સુંડલા સળગાવી નાખ્યાં. એમણે મેલું સાફ કરવાની ના પાડી એટલે ગામવાળાઓ હેરાન કરવાનું શરુ કર્યું. એમને ટોન્ટ મારવા લાગ્યા કે તમે સફાઈ નહીં કરો તો જાશો ક્યાં? કરિયાણાની દૃુકાનેથી એમને કરિયાણું ન મળે. કેશકર્તનની દૃુકાને વાળ ન કાપે. અરે, દૃાયણ એમની મહિલાઓની સુવાવડ કરવા પણ ન આવે. સ્વજનનું મોત થાય તો ગામનું સ્મશાન વાપરી ન શકાય. લાશ બાળવા કશેક દૃૂર જવું પડે. ગામમાં કામ મળતું બંધ થયું એટલે એમણે કામની શોધમાં ૧૪-૧૫ કિલોમીટર દૃૂર બીજાં ગામે જવું પડતું. મહિલાઓ આખરે હિંમત કરીને અન્યાયકર્તાઓ સામે કેસ ઠોકી દૃીધો. પોતાના પર થઈ લઈ રહેલા ભેદૃભાવનો વિડીયો ઉતાર્યો. તેઓ કેસ જીતી ગયા. ગામલોકોએ પછી નછૂટકે અમને કામ આપવું પડ્યું ને અમારી સાથે માણસ જેવો વહેવાર કરવો પડ્યો.

પણ આ તો બીજા રાજ્યની વાત છે, આપણા ગુજરાતમાં આવું કશું બનતું નથી એવું કહેનારાઓએ લેખની શરુઆતમાં જેને ઉલ્લેખ કર્યો છે તે ‘અદૃશ્ય ભારત' પુસ્તકમાંથી ગુજરાત વિશેનું પ્રકરણ વાંચવું જોઈએ. ગુજરાતમાં મોદૃી સરકાર હતી ત્યારે ગુજરાતને ‘નિર્મલ રાજ્ય' ઘોષિત કરીને દૃાવો કરવામાં આવ્યો હતો કે અમારે ત્યાં મેલું ઉપાડવાની કુપ્રથા નાબૂદૃ થઈ ગઈ છે. જોકે ૨૦૦૬ થી ૨૦૦૯ દૃરમિયાન જમીની સ્તર પર અભ્યાસ થયા, સર્વે કરવામાં આવ્યા અને સરકારી દૃાવા પોકળ સાબિત થયા. લેખિકા ભાષા સિંહે નોંધ્યું છે તે પ્રમાણે ૨૦૦૬માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદૃીએ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસને ગુજરાતમાં મેલું ઉપાડવાની સ્થિતિ વિશે એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ આ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો, પણ સરકારે ન તેનો સ્વીકાર કર્યો કે ન તેની વિગતો બહાર પાડી. છાનબીન પછી આખરે ખબર પડી કે રિપોર્ટમાં માત્ર એ ગામડાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની વસ્તી દૃસ હજાર કરતાં વધારે હોય. આ માપદૃંડ અનુસાર જ્યાં મેલું ઉપાડવાનું પ્રથા ચાલતી હતી એવાં મોટા ભાગનાં ગામડાંને રિપોર્ટમાં ગણતરીમાં જ લેવાયાં નહોતાં. રિપોર્ટમાં લખાયું હતું કે (૨૦૦૬ સુધીમાં) ગુજરાતનાં ૨૪૫૬ પરિવારો જ  મેલું ઉપાડવાનું કામ કરે છે. દૃલિત સંગઠનોનું કહેવું હતું કે ગુજરાતના ૧૮,૫૦૦ ગામડાંમાંથી ૧૨,૫૦૦ ગામડાંમાં દૃલિત સમુદૃાયો રહે છે. સિલેકિટવ બનવાને બદૃલે આ તમામને ધ્યાનમાં લો તો જ સાચી તસવીર સામે આવે. નવસર્જન સંસ્થાએ ૨૦૦૬માં ગુજરાતમાં મેલું ઉપાડનારોની સંખ્યા ૫૫,૦૦૦ જેટલી આંકી હતી. છેલ્લા એક દૃાયકામાં આ આંકડો ધડામ્ કરતો શૂન્ય પર પહોંચી ગયો હશે એવું માની લઈએ એટલા ભોળા તો આપણે નથી જ.

Bezwada Wilson

બેઝવાડા વિલ્સનના અંદૃાજ પ્રમાણે ૨૦૧૨માં ભારતમાં મેલું ઉપાડતાં પરિવારોની સંખ્યા ૧૩ લાખ જેટલી હતી. દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરીનો સંદૃતર સફાયો કરી નાખવા માટે સરકારે અત્યાર સુધીમાં ૧૫ કરતાં વધારે વખત ડેડલાઈન પાછળ ઠેલી છે. છેલ્લે ૨૦૧૨ની ૧૫ ઓગસ્ટે દિૃલ્હીના લાલ કિહ્લલા પરથી પ્રવચન આપતી વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન િંસહે સ્વયં દૃેશમાં હજુય મેન્યુઅલ સ્કેવેન્જિંગ થાય છે એવું સ્વીકારીને તેને સંપૂર્ણપણે નાબુદૃ કરવાનો ઈરાદૃો વ્યકત કર્યો હતો.

વિલ્સન પૂછે છે, ‘આપણે કોમનવેલ્થ ગેમ્સ કે બીજી પ્રેસ્ટિજિયસ ઈવેન્ટ્સ ગોઠવીએ છીએ ત્યારે કઈ રીતે યેનકેન પ્રકારેણ ડેડલાઈનનું પાલન કરીએ છીએ? ત્યારે કેમ અતિવૃષ્ટિ થાય, કરપ્શન કે એવું કશું જ નડતું નથી? તો પછી મેલું ઉપાડવા જેવી જઘન્ય કુપ્રથાની નાબૂદૃી માટેની ડેડલાઈન શા માટે સતત પાછળ ઠેલાતી રહે છે?'

મેલું ઉપાડતા અમુક દૃલિતોએ પણ પોતાની માનસિકતા બદૃલવાની, પોતાના આત્મસન્માનને વધારે મજબૂત બનાવવાની જરુર છે. તેઓ શા માટે વાસી ખાવાનું લેવા માટે હજુય બીજાઓનાં ઘરે જાય છે? શા માટે ગટરમાં ઉતરતી વખતે સરકાર દ્વારા અપાતી માસ્ક વગેરે પહેરતાં નથી ને અકસ્માતનો ભોગ બને છે? શા માટે એમને અપાયેલાં સારાં રહેણાંકમાં રહેવા જવાને બદૃલે જુની ઓરડીમાં સાંકડમોંકડ રહેવાનું પસંદૃ કરે છે?



આજે અસંખ્ય દૃલિતો માટે આ કામ ભૂતકાળ બની ગયું છે. તેઓ અન્ય રિસ્પેકટેબલ કામો કરે છે, એમનાં સંતાનો મેલું ઉપાડવાના કોન્સેપ્ટ માત્રથી જોજનો દૃૂર છે, તેઓ ભણે છે, ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા દૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે.

ધારો કે કાલથી મેલું ઉપાડવાનું કામ એક ઝાટકે બંધ કરી નાખવામાં આવે તો એના વિકલ્પ તરીકે આપણી પાસે શું છે? નવસર્જન સંસ્થાના સ્થાપક અને દૃાયકોઓથી દૃલિતોના ઉત્થાન માટે કામ કરી રહેલા માર્ટિન મેકવાન કહે છે, ‘આપણે અંતરિક્ષમાં જઈ આવ્યા, જાતજાતના આવિષ્કારો કર્યાં તો શું મેલું સાફ કરવા માટેની ટેકનોલોજી ન અપનાવી શકીએ? વિદૃેશોમાં આ બધું શી રીતે થાય છે?'

આખા દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરી સંપૂર્ણપણે દૃૂર થવામાં કેટલો સમય લાગે એમ છે?

‘સમજોને, સિત્તેર-એંસી વર્ષ...' માર્ટિન મેકવાન જવાબ આપે છે.

આ સમયગાળો થથરાવી મૂકે તેવો છે...  

0 0 0

No comments:

Post a Comment