Tuesday, April 7, 2015

ટેક ઓફ : સ્ત્રીઓને શું જોઈએ?

Sandesh - Ardh Saptahik purti - 8 April 2015
ટેક ઓફ 
ભારતનાં ઉત્તમ નીતિમૂલ્યો જાળવી રાખીને એમાં પશ્ચિમનાં શ્રેષ્ઠ પાસાં ઉમેરવાં છેબેસ્ટ-ઓફ-બોથ-ધ-વર્લ્ડ્ઝનું અદ્ભુત કોકટેલ બનાવવું છે? કે પછી આપણું જે કંઈ સારું છે એને ફગાવી દઈને પશ્ચિમનો કચરો સંઘર્યા કરવો છે? ચોઇસ આપણે જ કરવાની છે.


ક વિરાટ લોખંડી ગોળો કલ્પી લો. એ પહાડ પરથી ગબડતો ગબડતો નીચે આવી રહ્યો છે. આ ગોળાને બ્રેક મારી શકાય તેમ નથી. ખાઈમાં અથવા તો સીધી સપાટી પર પટકાશે પછી જ એની ગતિ ધીમે ધીમે અટકશે. આપણી સંસ્કૃતિનું જે રીતે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે તે પ્રક્રિયાને પહાડ પરથી ઝપાટાભેર ગબડી રહેલા વિરાટ ગોળા સાથે સરખાવો. આ પ્રક્રિયાને અટકાવી નહીં શકાય. ગોળો પડતો-આખડતો નીચેની ગતિ કરશે જ, એણે કરવી જ પડશે, જ્યાં સુધી એક સંતુલન બિંદુ નહીં આવે ત્યાં સુધી.
તાજેતરમાં દીપિકા પાદુકોણ જેવી દેશની ટોપ એક્ટ્રેસને ચમકાવતા 'માય ચોઇસ' વીડિયોને લીધે જે બુમરાણ મચ્યું તે સંભવતઃ આ ગબડતા ગોળાને અટકાવવા માટેનું બુમરાણ છે. વીડિયોમાં એવું તે શું છે કે લોકો આકળવિકળ થઈ ગયા? જે વાચકોને હજુ સુધી જાણ નથી થઈ તેમની જાણકારી માટે નોંધવાનું કે બે મિનિટના આ બ્લેક-એન્ડ-વ્હાઇટ વીડિયો અથવા શોર્ટ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે બીજી ૯૮ સ્ત્રીઓને એક પછી એક ઝપાટાભેર દેખાડવામાં આવે છે. બેકગ્રાઉન્ડમાં દીપિકાના સપાટ અવાજમાં'નારીવાદી' ઉચ્ચારણો સંભળાતાં રહે છે. આ નારીવાદી નારાના કેટલાક અંશઃ
"મારુંં શરીર, મારુંં મન, મારી ચોઇસ. હું મનફાવે એવાં કપડાં પહેરુંં, પછી ભલે મારો આત્મા નગ્ન ભટકતો હોય. હું સાઇઝ ઝીરો રહું કે સાઇઝ પંદર થઈ જાઉં, એ મારી ચોઇસ છે. એ લોકો (એટલે કે સ્ત્રીને ઊતરતી સમજનારાઓ) પાસે મારા આત્માને માપવાની માપપટ્ટી છે પણ નહીં અને ક્યારેય હશે પણ નહીં... લગ્ન કરવાં કે ન કરવાં, લગ્ન પહેલાં સેક્સ માણવું, લગ્નસંબંધની બહાર પરપુરુષો સાથે સેક્સ માણવું કે બિલકુલ સેક્સ ન માણવું - આ મારી ચોઇસ છે. હું કામચલાઉ પ્રેમ કરુંં કે કાયમ વાસનામાં સળગતી રહું એ મારી ચોઇસ છે. હું પુરુષને પ્રેમ કરુંં, સ્ત્રીને પ્રેમ કરુંં કે બન્નેને પ્રેમ કરુંં એ મારી ચોઇસ છે. હું મનફાવે ત્યારે ઘરે આવી શકું છું. હું સવારે ચાર વાગ્યે ઘરે પાછી ફરુંં તો તારે નારાજ નહીં થવાનું. હું સાંજે છ વાગ્યે પાછી આવી જઉં તો તારે ખોટેખોટા હરખાઈ નહીં જવાનું. સંતાન પેદા કરવાં કે ન કરવાં એ મારી ચોઇસ છે..." વગેરે વગેરે.
બાકીનો પ્રલાપ તો જાણે ઠીક છે, પણ લગ્નબાહ્ય લફરાં કરવાં એ મારી મુનસફીની વાત છે એવા મતલબની જે વાત કહેવાઈ છે તેણે સૌથી તીવ્ર પ્રતિક્રિયાઓ જન્માવી છે. નેચરલી. આ કયા પ્રકારનો નારીવાદ છે? આમાં સ્ત્રીને કઈ બાબતમાં સપોર્ટ કરવાની,કઈ જાતના સશક્તીકરણની અને કેવા પ્રકારના સમાન તક-સ્વાતંત્ર્ય-અધિકાર આપવાની વાત કહેવાઈ છે? આ નારીવાદ નથી, નારીવાદની ભદ્દી મજાક છે, એનું અપમાન છે. સ્ત્રી-પુરુષ સમાનતા એક ઉત્તમ ભાવના છે, પણ આ વીડિયોને તેની સાથે કે વુમન એમ્પાવરમેન્ટના કોન્સેપ્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
'વોગ' નામનું ફેશનના ક્ષેત્રમાં ખાસ્સું ઇન્ફ્લ્યુએન્શિયલ ગણાતું એક અમેરિકન મેગેઝિન છે. દુનિયાભરના ૨૩ દેશોમાં એની સ્વતંત્ર આવૃત્તિઓ છપાય છે. ૨૦૦૭થી ભારતમાં 'વોગ' છપાવાનું શરૂ થયું. અતિ હાઈ ફેશન અને લાઇફસ્ટાઇલના લેખો-ફોટાઓ છાપતું આ 'નિશ' મેગેઝિન ઓડકાર અને વા-છૂટ પણ અંગ્રેજીમાં કરતા મુઠ્ઠીભર ઉચ્ચભ્રૂ વર્ગ સુધી માંડ પહોંચે છે. ગયા ઓક્ટોબરમાં ઇન્ડિયન 'વોગ'ની સાતમી એનિવર્સરી નિમિત્તે એ લોકોએ વોગ એમ્પાવર નામનું ઇનિશિએટિવ શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમણે માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઝને લઈને કેટલીક શોર્ટ ફિલ્મ્સ બનાવી છે, જે ખરેખર સરસ છે. આ વખતે મેગેઝિનની એડિટોરિયલ અને ખાસ તો માર્કેટિંગ ટીમના આઠ-દસ માણસોમાં એરકન્ડિશન્ડ કોન્ફરન્સ રૂમમાં બેઠા બેઠા વિચાર્યું હશે કે હાલો હાલો, આ વખતે સરસ કરતાં એવંુ કશુંક હટકે બનાવીએ કે તરત લોકોનું ધ્યાન ખેંચાય. આજકાલ કઈ હિરોઇન હોટ-એન્ડ-હેપનિંગ છે? દીપિકા પાદુકોણ. એને લઈ લો. કોની પાસે વીડિયો બનાવડાવીશું? દીપિકાની 'ફાઇન્ડિંગ ફેની' નામની ફિલ્મ ડિરેક્ટ કરનાર હોમી અડજાણિયા પાસે. સ્ક્રિપ્ટ કોની પાસે લખાવીશું? 'ફાઇન્ડિંગ ફેની'ના રાઇટર કેરસી ખંભાતાને જ આ કામ સોંપોને. દોસ્તીના કમ્ફર્ટ ઝોનમાં વીડિયોની 'ક્રિએટિવ' ટીમ તૈયાર થઈ એટલે કેરસીભાઈએ નારીવાદના નામે તદ્દન છીછરાં, થર્ડ રેટ અને ઘટિયાં વાક્યોે ઘસડી માર્યાં. વીડિયોમાં બાકીની જે સ્ત્રીઓ દેખાય છે એમાંની કેટલીયને શૂટિંગ દરમિયાન સ્ક્રિપ્ટ શું છે તે પણ જાણ નહોતી. મેન્ટલ હેલ્થ જેવા ગંભીર ક્ષેત્રમાં હિંમતભેર કામ કરવાની શરૂઆત કરનારી દીપિકાએ જે આબરૂ ઊભી કરી હતી તે સઘળી આ 'માય ચોઇસ' વીડિયોએ ધોઈ નાખી. આ વીડિયો જોઈને થોડા વાહ-વાહ કરનારા પણ નીકળ્યા, પણ ચારે તરફથી આ ગિમિકને જે રીતે ગાળો પડી છે તે જોઈને 'વોગ'ની એડિટોરિયલ ટીમ ડઘાઈ ગઈ હશે. માર્કેટિંગવાળા જોકે હરખાતા હશે, કેમ કે આ જોણાંને કારણે 'વોગ' મેગેઝિન અને એમનું વોગ એમ્પાવર નામનું ઇનિશિએટિવ એકદમ ન્યૂઝમાં આવી ગયાં. 'માય ચોઇસ' વીડિયો ભયાનક ઝડપે વાઇરલ થઈ ગયો. કમેન્ટ્સનો વરસાદ વરસ્યો. દીપિકા ભારદ્વાજ નામની એક મહિલાએ એવી સચોટ,લોજિકલ અને જડબાતોેડ પ્રતિક્રિયા આપી કે 'વોગ'વાળાએ ગભરાઈને એની કમેન્ટ ડિલીટ કરી નાખવી પડી. શું લખાયું હતું એની કમેન્ટમાં? સાંભળોઃ
"જો લગ્ન બહાર શારીરિક સંબંધો બાંધવાને તું તારી ચોઇસ સમજતી હોય તો પત્ની સિવાયની સ્ત્રીઓ સાથે સંબંધો બાંધવા એ પુરુષની ચોઇસ છે. તો પછી જેની-તેની સાથે સૂઈ જતા પતિને તારે વુમનાઇઝર કે લફરેબાજ નહીં કહેવાનો અને એના આવા વર્તાવથી દુઃખ પણ નહીં લગાડવાનું. એ તને ગમે તેવી સમજે કે તારા વિશે ગમે તેવો અભિપ્રાય ધરાવે, એ એની ચોઇસ છે! તું સ્વેચ્છાએ પુરુષ સાથે શરીરસુખ માણે અને પછી એ તારી સાથે લગ્ન કરવાની ના પાડે તો રેપ-રેપનું બુમરાણ મચાવીને એના પર કેસ નહીં ઠોકી દેવાનો, કેમ કે તારી સાથે પરણવું કે ન પરણવું એ એની ચોઇસ છે. જો પુરુષને લગ્ન કરવા માટે ફક્ત ગોરી-ગોરી છોકરી જ જોઈતી હોય તો એને સેક્સીસ્ટ કે રંગભેદી નહીં કહેવાનો. એ કાળી-ધોળી-લાંબી-ટૂંકી ગમે તેવી કન્યાને પસંદ કરે છે, એ એની ચોઇસ છે. માલદાર બાપની દીકરીને પરણીશ તો એ પુષ્કળ માલમલીદો સાથે લેતી આવશે અને લાઇફ આસાન થઈ જશે એવી ગણતરી કરીને એ શ્રીમંત પરિવારમાં પરણવા માગતો હોય તોય એને દહેજનો લાલચુ નહીં કહેવાનો, કારણ કે પૈસાવાળી છોકરી સાથે શાદી કરવી કે નહીં એ એની ચોઇસ છે. લગ્ન પહેલાં કે પછી એ સ્ત્રીને પ્રેમ કરે, પુરુષને પ્રેમ કરે કે કોઈને પણ પ્રેમ ન કરે, એની મરજી. તારે એને નપુંસક, નમાલો કે ગે કહીને ઉતારી નહીં પાડવાનો કે એના પર કોઈ જાતની કાર્યવાહી નહીં કરવાની.

"લગ્ન પછી માબાપની સાથે રહેવું કે નહીં તે એ નક્કી કરશે. તારે એને અલગ થઈ જવા માટે દબાણ નહીં કરવાનું,કેમ કે માબાપના ઘરમાં રહેવું તે એની ચોઇસ છે અને લગ્ન કરીને તું તારી મરજીથી એના ઘરમાં રહેવા આવી છે. તારી ઇચ્છાઓ અને માગણીઓ સંતોષાતી રહે એટલા ખાતર એ જાણે મશીન કે રોબો હોય એમ એની પિદૂડી નહીં કાઢવાની. એ પણ માણસ છે અને એની પાસે પણ તારા જેટલા જ અધિકારો તેમજ ગમા-અણગમા છે. દીપિકા પાદુકોણ અને આ વીડિયોમાં વ્યક્ત થયેલા વિચારો સાથે સંમત થતી સ્ત્રીઓ મનફાવે તે રીતે, પોતાની ચોઇસ પ્રમાણે જીવી શકે છે, પણ પછી સમાજ તમને ગમે તે દૃષ્ટિએ જુએ, તમારે એ ચૂપચાપ સ્વીકારી લેવાનું, કારણ કે તમારા વિશે કેવો અભિપ્રાય બાંધવો એ સમાજની ચોઇસ છે."   

પશ્ચિમનું સિનેમા, ટીવી, સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ વગેરે પશ્ચિમની વેલ્યૂઝ અથવા નીતિમૂલ્યો પોતાની સાથે લેતું આવે છે. આ જ તો પશ્ચિમીકરણની પ્રક્રિયાને વેગ આપનારાં માધ્યમો છે. પશ્ચિમનું જ્ઞાાન, કળા, ઉચ્ચતા-ગુણવત્તા-શ્રેષ્ઠતાનો આગ્રહ, સમયની સાથે તાલ મિલાવતો આધુનિક મિજાજ, સ્વચ્છતા, એટિકેટ આ બધું આપણને પ્રચંડ આકર્ષે છે. આ ઉત્તમ અને અપનાવવા જેવી બાબતો છે, પણ પશ્ચિમનું કંઈ બધું જ શ્રેષ્ઠ નથી. હોઈ પણ ન શકે. શહેરી ભારતના પશ્ચિમીકરણની પ્રક્રિયામાં ત્યાંની કેટલીક નઠારી બાબતો પણ આપણા માહોલમાં ભળી ગઈ છે. 'વોગ'ના વીડિયોમાં વ્યક્ત થયેલી બેવકૂફ સ્વચ્છંદતા એનું એક નાનું ઉદાહરણ છે. પશ્ચિમનું ધમાકેદાર સંગીત આપણે ત્યાં આવ્યું તો પાછળ પાછળ ભયાનક અશ્લીલ પોર્નોગ્રાફિક ગીતો પણ આવ્યાં,જે હની સિંહ નામના છીછરા ગવૈયાએ ગાઈ નાખ્યાં. પશ્ચિમની પોર્ન ઇન્ડસ્ટ્રીની જેમ આપણે ત્યાં પણ વહેલામોડા પોર્ન સ્ટાર્સ અને પોર્ન સુપરસ્ટાર્સ આવી જાય અને એ લોકોને અવોર્ડ્ઝ સુધ્ધાં આપવાનું શરૂ થાય તો આશ્ચર્ય નહીં પામવાનું.
આવું બધું થવાનું જ. સમયની સાથે એની માત્રા સતત વધતી જવાની. પશ્ચિમની કેટલીય ઉત્તમ ચીજોની સાથે સાથે ત્યાંનો ગંદવાડો પણ આપણે ત્યાં આવવાનો. પહાડ પરથી પશ્ચિમીકરણનો વિરાટ ગોળો ગબડી રહ્યો છે. એને બ્રેક નહીં જ લાગે. આપણી સામે આ પ્રશ્નો છાતી કાઢીને ઊભા છેઃ ભારતનાં ઉત્તમ નીતિમૂલ્યો જાળવી રાખીને એમાં પશ્ચિમનાં શ્રેષ્ઠ પાસાં ઉમેરવાં છે? બેસ્ટ-ઓફ-બોથ-ધ-વર્લ્ડ્ઝનું અદ્ભુત કોકટલ બનાવવું છે? કે પછી, આપણું જે કંઈ સારુંં છે એને ફગાવી દઈને પશ્ચિમનો કચરો સંઘર્યા કરવો છે? પૂર્વ-પશ્ચિમની સેળભેળથી આંધાધૂંધી થવાની જ, પણ આખરે ચોઇસ તો આપણે જ કરવાની છે.
                                         0 0 0 

No comments:

Post a Comment