Sandesh - Sanskaar Purti - 12 April 2015
મલ્ટિપ્લેક્સ
'પરિંદા'માં કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય એવું રિઅલિઝમ હતું. 'સત્યા', 'બેન્ડિટ કવીન', 'વાસ્તવ'જેવી ફિલ્મોને આવવાને તો હજુ ઘણી વાર હતી. ફિલ્મોમાં આવું જ હોય, ફિલ્મ તો આમ જ બનાવાય એ પ્રકારની કેટલીય પ્રચલિત માન્યતાઓનો 'પરિંદા'એ ભાંગીને ભુક્કો કરી નાખ્યો. કેટલાય નવા ટ્રેન્ડ્ઝ પેદા કર્યા. હિન્દી સિનેમાના પ્રેમીઓ જ નહીં, નવી પેઢીના ફિલ્મમેકરો માટે પણ 'પરિંદા' એક ટેકસ્ટબુક જેવી બની રહી.
A poster of Parinda |
તો, લગભગ પાંચ વર્ષથી બની રહેલી 'બ્રોકન હોર્સીસ' આખરે આ શુક્રવારે આખરે રિલીઝ થઈ ખરી. આ પ્રોપર હોલિવૂડ ફિલ્મ છે, જેના ડિરેકટર-પ્રોડયુસર કોઈ અમેરિકન કે એનઆરઆઈ નહીં, પણ પાક્કા બમ્બૈયા વિધુ વિનોદ ચોપડા છે. સહલેખક તરીકે અમદાવાદના અભિજાત જોશીનું નામ બોલે છે. 'બ્રોકન હોર્સીસ' એટલે અનિલ કપૂર-જેકી શ્રોફ-માધુરી દીક્ષિત-નાના પાટેકરને ચમકાવતી 'પરિંદા'ની અંગ્રેજી રીમેક. ૧૯૮૯ના અંતમાં એટલે સમજોને કે લગભગ પચીસ વર્ષ પહેલાં 'પરિંદા' રિલીઝ થઈ હતી. તેની વાર્તામાં આમ જુઓ તો કશું નવું નથી. બે ભાઈઓ છે, ભયંકર સંઘર્ષ કરીને આગળ આવ્યા છે, વિલન નાના ભાઈ અને એની પત્નીને ખતમ નાખે છે અને મોટો ભાઈ એનો બદલો લે છે. બસ, આટલી જ વાત, પણ ફિલ્મનું ડિરેકશન, વાર્તાને આગળ વધારવાની નરેટિવ સ્ટાઇલ, અભિનય અને ટેક્નીકલ પાસાં એવાં ગજબનાક હતાં કે પ્રેક્ષકો, સમીક્ષકો અને ઇવન ઇન્ડસ્ટ્રીના લોકો ફિલ્મ જોઈને ચકિત થઈ ગયા હતા.
'પરિંદા'માં કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય એવું રિઅલિઝમ હતું. 'સત્યા', 'બેન્ડિટ કવીન', 'વાસ્તવ'જેવી ફિલ્મોને આવવાને તો હજુ ઘણી વાર હતી. ફિલ્મોમાં આવું જ હોય, ફિલ્મ તો આમ જ બનાવાય એ પ્રકારની કેટલીય પ્રચલિત માન્યતાઓનો 'પરિંદા'એ ભાંગીને ભુક્કો કરી નાખ્યો. કેટલાય નવા ટ્રેન્ડ્ઝ પેદા કર્યા. હિન્દી સિનેમાના પ્રેમીઓ જ નહીં, નવી પેઢીના ફિલ્મમેકરો માટે પણ 'પરિંદા' એક ટેકસ્ટબુક જેવી બની રહી. હિન્દી સિનેમામાં કલ્ટ કલાસિક ગણાતી આ અફલાતૂન ફિલ્મનાં મેકિંગ વિશે આજે વિગતે વાત કરવી છે.
'પરિંદા' રિલીઝ થઈ ત્યારે વિધુ વિનોદ ચોપડા ૩૭ વર્ષના હતા. જેકી-અનિલ ૩૩ વર્ષના અને ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવેલી માધુરી દીક્ષિત માંડ બાવીસની. 'પરિંદા' અને 'રામ-લખન' બન્ને એક જ વર્ષમાં આવી. પહેલાં 'રામ-લખન', પછી 'પરિંદા'. અનિલ-જેકી-માધુરી બન્નેમાં કોમન હતાં. હકીકતમાં જેકી ઉંમરમાં અનિલ કપૂર કરતાં થોડા મહિના નાનો છે, પણ મેચ્યોર દેખાવને કારણે બન્ને ફિલ્મમાં અનિલ નાના ભાઈનો રોલ કરે છે અને જેકી મોટા ભાઈનો. વિધુ વિનોદ ચોપડાએ અગાઉ ફકત એક જ ફિલ્મ બનાવી હતી, 'ખામોશ'. શબાના આઝમી-અમોલ પાલેકરને ચમકાવતી આ એક ફાંકડી સસ્પેન્સ-થ્રિલર હતી, પણ એના પર આર્ટ ફિલ્મનંુ લેબલ ચોંટી ગયેલું. 'ખામોશ'ને ખરીદવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર તૈયાર થતો નહોતો તે દોઢ વર્ષ ડબ્બામાં પડી રહેલી એ ગાળામાં વિનોદના ફ્રસ્ટ્રેશનનો પાર નહોતો. એમણે નક્કી કરી લીધું કે જો આવી માથાઝીંકથી બચવું હશે તો પાક્કી કમર્શિયલ ફિલ્મ જ બનાવવી પડશે. એમણે વાર્તા વિચારી કાઢી. એક દિવસ ભયંકર ધૂંધવાટમાં કોઈકને લખવા બેસાડી દીધોઃ 'હું બોલતો જાઉં છું. તું લખતો જા. લિખ પહેલી લાઇન. દો ભાઈ હૈ. છોટા ભાઈ ભૂખા હૈ. રો રહા હૈ. બડા ભાઈ કહેતા હૈઃ રોતા ક્યું હૈ? મૈં હૂં ના ઈધર...' આ હતો કાગળ પર ઉતરેલો 'પરિંદા'નો પહેલો ડાયલોગ.
નાનો ભાઈનો રોલ અનિલ કપૂર કરશે તે પાક્કું હતું. વિધુની ઇચ્છા મોટા ભાઈ તરીકે અમિતાભ બચ્ચનને અને વિલન અન્ના શેઠના રોલમાં નસીરુદ્દીન શાહને લેવાની હતી. પરિસ્થિતિવશ નસીરની જગ્યાએ નાના પાટેકરને ગોઠવવા પડયા. અગાઉ ત્રણેક ઓફબીટ ફિલ્મો કરી ચૂકેલા નાના પાટેકરની આ સૌથી પહેલી કમર્શિયલ ફિલ્મ હતી. માધુરીનું રીતસર ઓડિશન લેવામાં આવ્યું હતું. મોટા ભાઈ તરીકે જેકી શ્રોફને લેવાનું સૂચન અનિલ કપૂરનું હતું. એણે જેકીને દોસ્તીદાવે અધિકારપૂર્વક કહ્યું: "જેકી, એક ફિલ્મ છે, તારે એ કરવાની છે." જેકી કહે, "કોણ છે ડિરેકટર-પ્રોડયુસર?" અનિલ કહે, "વિધુ વિનોદ ચોપડા." જેકીએ વિનોદનું નામ પણ નહોતું સાંભળ્યું. પૂછપરછ આગળ વધીઃ "મારો રોલ શું છે?" અનિલે કહ્યું, "મારા મોટા ભાઈનો." જેકી ભડક્યો, "હું તારાથી મોટો દેખાઉ છું એનો મતલબ એવો નહીં કે દર વખતે તું મને મોટો ભાઈ બનાવી દે! બડા ભાઈ-બડા ભાઈ કરીને તું તો મને ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ કરાવી દઈશ!"
અનિલે હાર ન માની. એણે કારમાં જેકીને એક ગીત સંભળાવ્યું જે ફિલ્મમાં વપરાવાનું હતું. ગીત હતું, 'તુમ સે મિલ કે... ઐસા લગા તુમ સે મિલ કે...' જેકીને ઈમ્પ્રેસ્ડ થઈ ગયો. એને થયું કે જે ડિરેકટર આર.ડી. બર્મન પાસેથી આવું અફલાતૂન ગીત કઢાવી શકે છે તે ફિલ્મ પણ હાઈકલાસ બનાવશે. પૂછ્યું: "ભીડુ, આ ગીત કોના પર પિકચરાઈઝ થવાનું છે?" અનિલ ડરતા ડરતા કહેઃ "મારા પર." બીજો કોઈ એકટર હોત તો આ ઓર નારાજ થઈ જાત, પણ જેકીએ ઊલટી પ્રતિક્રિયા આપીઃ "હવે તો હું હંડ્રેડ પર્સન્ટ આ ફિલ્મ કરીશ!"
જેકીની ઈમેજ એ વખતે દેખાવમાં હેન્ડસમ પણ એકિટંગમાં ડોબા અભિનેતાની હતી. ખેર, વિધુ વિનોદ ચોપડાએ એને પોતાના ઘરે બોલાવીને સ્ક્રિપ્ટની ફાઇલ વાંચવા આપી. થોડી વાર પછી ફાઇલ બંધ કરીને જેકીએ ઘોષણા કરી દીધીઃ મૈં તેરી ફિલ્મ કરુંગા! વિનોદને એમ કે જેકીને સ્ક્રિપ્ટ બહુ ગમી ગઈ લાગે છે, પણ એને ક્યાં ખબર હતી કે જેકી હાથમાં ફકત ફાઈલ પકડીને બેસી રહેલો. એણે જિંદગીમાં ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ વાંચી જ નથી. વાંચવાના નામ માત્રથી એને ત્રાસ થતો. એક પાનું પૂરું કરે ત્યાં સુધીમાં ઊંઘ આવવા માંડતી! જેકી બહુ સરળ અને મસ્તમૌલા આદમી છે. એણે વિનોદને એ જ વખતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: "ભીડુ, યે જો તુને બડે ભાઈ કા જો રોલ લિખા હૈ વો બડા મુશ્કિલ હૈ. અપુન કો એકિટંગ-બેકિટંગ નહીં આતા. તુ સમ્હાલ લેના!" વિનોદ અવાચક થઈ ગયા. જેકીએ વિદાય લે તે પહેલાં વિનોદે એના હાથમાં એેક ચિઠ્ઠી પકડાવીને કહ્યું: "રોજ સવારે ઉઠીને તારે સો વાર આ ચિઠ્ઠી વાંચવાની." શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? 'આઈ કેન એકટ!'
'પરિંદા'ની કેમરા પાછળની ટીમ જબરદસ્ત હતી. સિનેમેટોગ્રાફર તરીકે બિનોદ પ્રધાન, એડિટર તરીકે વિધુ વિનોદ ચોપડાની પ્રથમ પત્ની રેણુ સલુજા, ગીતોનાં પિક્ચરાઈઝેશનમાં આસિસ્ટ કરવા માટે સંજય લીલા ભણસાલી અને ફરાહ ખાન. 'પરિંદા'માં વિનોદે પડછાયાનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. ફિલ્મનો લૂક નક્કી કરવા માટે તેઓ પોતાના સિનેમેટોગ્રાફર સાથે જુદા જુદા પેઈન્ટર્સનાં ચિત્રોને રેફરન્સ મટીરિયલ તરીકે રીફર કરે, ચિત્રોની શૈલી પરથી ફિલ્મની વિઝ્યુઅલ થીમ ક્યા પ્રકારની હોઈ શકે તેના આઈડિયા મેળવે. 'પરિંદા'થી માંડીને 'બ્રોકન હોર્સીસ' સુધીની પોતે ડિરેકટ કરેલી તમામ ફિલ્મોની વિઝ્યુઅલ થીમ વિનોદે આ રીતે નક્કી કરી છે.
વિનોદને પોતાની આવડત પર ગજબનો કોન્ફિડન્સ. ક્યારેક કોઈ એકટર કહે કે વિનોદ, આ ડાયલોગ બરાબર નથી તો એ ફટાક કરતા કહી દેઃ તો તૂ લિખ લે ના અપને હિસાબ સે! અનિલ કપૂર એકાદ-બે વાર કહેલું કે ફલાણા સીનના એડિટમાં મજા આવતી નથી. વિનોદ કહ્યું: તો તું બેસી જા એડિટર સાથે, તારી રીતે સીન મઠારી લે! વાસ્તવમાં વિનોદને ખબર જ હોય કે પોતે જે રીતે સીન વિચાર્યો છે તે બેસ્ટ છે, છતાંય એ એકટરો-ટેકિનશિયનોને અખતરા કરવા માટે ભરપૂર છૂટ આપે. આખરે સામેના માણસને સમજાયા વગર ન રહે કે વિનોદનું વર્ઝન જ બરાબર હતું.
'પરિંદા'માં બિયરનો મગ, વાયરના ગૂંચળા, દરવાજાનો નૉબ વગેરે જેવી નિર્જીવ વસ્તુઓના ખૂબ બધા કલોઝ-અપ છે. આવું ઓડિયન્સે અગાઉ ભાગ્યે જ જોયું હતું. એક સીનમાંથી બીજા સીનમાં જવા માટે સાંધા અથવા તો ટ્રાન્ઝિશન તરીકે વિનોદ સાઉન્ડ કટ્સનો કમાલ ઉપયોગ કરી જાણે છે. જેમ કે, ફિલ્મના અંતભાગમાં હતાશ થઈ ચુકેલો, ભાંગી પડેલો જેકી મોટેથી ચિલ્લાય છે. નેકસ્ટ શોટમાં આ ચીસનો અવાજ ગેટ વે ઓફ ઇન્ડિયા પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઊજવવા ભેગા થયેલા હજારો માણસોના કોલાહલમાં ભળી જાય છે અને તે સાથે જ નવી સિકવન્સ શરૂ થાય છે.
Madhuri Dixit in classing love-making scene of Parinda |
'પરિંદા'ના કલાઇમેક્સમાં આવતાં અનિલ કપૂર-માધુરી દીક્ષિતના સુહાગ રાતવાળા લવ-મેકિંગ સીનનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. હિન્દી સિનેમામાં અગાઉ કદાચ ક્યારેય કોઈ લવમેકિંગ સીન આટલા આવેગ અને એસ્થેટેકિસ સાથે પેશ થયો નહોતો. આ દશ્યમાં અનિલ અને માધુરીને નિર્વસ્ત્ર અવસ્થામાં સાંકેતિક રીતે સંવનન કરતાં દેખાડવામાં આવ્યાં છે. વિનોદ સામે પડકાર આ હતો કે લવસીનમાં સહેજે કોમ્પ્રામાઈઝ ન કરવું, પણ તે એવી રીતે શૂટ કરવો કે ઓડિયન્સમાંથી કોઈને સીટી મારવાનું કે ગંદી કોમેન્ટ કરવાનું સૂઝે નહીં.વળી, આ સીન સેન્સર બોર્ડમાંથી પણ પાસ થવો જોઈએ.
વિનોદે તૈયારી માટે પોતાની બીજા નંબરની પત્ની શબનમ સુખદેવ અને સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાનની મદદ લીધી. અંધકારમાં શબનમના ઉઘાડા હાથ, પીઠ, ગરદન પર ટોર્ચ ફેંકીને એના પ્રકાશમાં સ્ટિલ કેમેરાથી તસવીરો ખેંચી. તસવીરોમાં આ અંગોનો આકાર સૂચવતી પ્રકાશિત રેખાઓ અને સ્કિનનું ટેક્સ્ચર - એટલું જ દેખાતું હતું. વિનોદે આ ફોટોગ્રાફ્સ પછી માધુરી દીક્ષિતને બતાવીને કહ્યું કે મારે સ્ક્રીન પર આ પ્રકારની ઈમ્પેકટ જોઈએ છે. આ દશ્યમાં માધુરીએ ભદ્દુ અંગપ્રદર્શન કરવાનું હતું જ નહીં. આખરે મુંબઈના ઈરોસ સિનેમામાં વિનોદે પહેલી વાર ઓડિયન્સ સાથે આ ફિલ્મ જોઈ ત્યારે આ સુહાગરાતની સિકવન્સ વખતે ન એક પણ સીટી ન વાગી કે ન કોઈ વલ્ગર કોમેન્ટ થઈ. ઓડિયન્સ આ સીન વખતે સ્થિર થઈ થઈ ગયું હતું. વિનોદની છાતી પરથી મોટો બોજ ઊતરી ગયો.
Nostalgia: Vidhu Vinod Chopra (L) discussing the making of Parinda with Anil Kapoor, Jackie Shroff and Anurag Kashyap |
'પરિંદા'નો ખરો સીન-સ્ટીલર યા તો સરપ્રાઈઝ પેકેજ જેકી શ્રોફ સાબિત થયો. ફિલ્મને બબ્બે નેશનલ અવોર્ડ્ઝ મળ્યા, ઓસ્કર અવોર્ડ્ઝમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ભારતીય એન્ટ્રી તરીકે તેની પસંદગી થઈ. 'પરિંદા'ના મેકિંગ વિશે વિનોદ-જેકી-અનિલનાં લાઈવ ડિસ્કશનનો વિડિયો યુટયુબ પર જોવો જેવો છે. હવે 'પરિંદા' પરથી બનેલી 'બ્રોકન હોર્સીસ'નું શું થાય છે તે જોવાની મોજ પડશે.
0 0 0
No comments:
Post a Comment