Tuesday, April 14, 2015

ટેક ઓફ : ટુ સર... વિથ લવ

Sandesh - Ardh Saptahik Purti - 15 April 2015

ટેક ઓફ 

સાહિત્યગુરુ રામનારાયણ વિ. પાઠકે ૫૯ વર્ષની ઉંમરે પોતાના કરતાં ૩૦ વર્ષ નાનાં હીરાબહેન સાથે લગ્ન કર્યાં ત્યારે સમાજમાં ધરતીકંપ થઈ ગયો હતો. આજે તેમનાં ધ્યેયનિષ્ઠ અને લાગણીસભર દાંપત્યજીવનને એક આદર્શ તરીકે જોઈ શકાય છે.



"... આવા રામનારાયણ પાઠક!? જેમની આપણે દ્વિરેફની વાતો વાંચેલી ને તે પરથી તેમની આકૃતિ કલ્પેલી તે આવા - કેવા દેખાવના છે! શરીર ઘણું સુકલકડી, એકવડું અને એકદમ નંખાયેલું લાગ્યું. તેમનું મોઢું કેટલું બધું બેસી ગયેલું! કપાળ કોરેલું હોય તેવું સુરેખ ધ્યાન ખેંચે એવું પુખ્ત ને તેમનું મોટું બધું નાક! બહાર પડતું, પોપટિયું, છેક હોઠ લગી ધસી આવેલું, જોતાં રમૂજ ઉપજે એવું. વળી, હડપચી, જડબાંનો ભાગ વગેરે અંગો પણ ઘણાં ઉઠાવવાળાં, તેથી પણ મોઢું વધારે બેઠેલું લાગતું. તેમના મોઢા પરના ખાડા તે ખાડા નહીં પણ ખાઈઓ હતી! આવી તેમની વિલક્ષણ મુખાકૃતિ."

આ હતી એક કોલેજ સ્ટુડન્ટની પોતાના સર વિશેની ફર્સ્ટ ઇમ્પ્રેશન. બિલકુલ દરિદ્રનારાયણ દેખાતા પાઠકસર ૪૮ વર્ષના, જ્યારે ઉત્સાહથી થનગનતી હીરા મહેતા નામની આ મુગ્ધ કન્યા માંડ ઓગણીસની. ગુરુ-શિષ્યા તરીકે એકમેકનો ઔપચારિક પરિચય થયો હશે ત્યારે બન્નેમાંથી કોઈએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે થોડાં વર્ષો પછી બન્ને પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ જવાનાં છે અને સમાજમાં ભૂકંપ આવી જવાનો છે?

રામનારાયણ વિશ્વનાથ પાઠકની ગયા અઠવાડિયે ૧૨૯મી જન્મજયંતી ઉજવાઈ. 'દ્વિરેફ', 'શેષ' અને 'સ્વૈરવિહારી' જેવાં ત્રણ-ત્રણ ઉપનામ ધરાવતા રા.વિ. પાઠકે ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાકાર, કવિ, નિબંધકાર અને તંત્રી તરીકે એટલું ઉત્તમ અને વિપુલ માત્રામાં કામ કર્યું છે કે 'મૂર્ધન્ય', 'શીર્ષસ્થ', 'પ્રથમકક્ષ' વગેરે જેવાં વિશેષણો જાણે તેમના માટે જ સર્જાયાં હોય એવું લાગે. તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી રામનારાયણ પાઠક લિખિત 'મુકુંદરાય' કે 'ખેમી' જેવી વાર્તાથી ચોક્કસ પરિચિત હશો. મુંબઈનિવાસી હીરા મહેતાએ પણ 'દ્વિરેફની વાતો' ભાગ-૧ ટેક્સ્ટબુક તરીકે ભણી હતી. સમજોને કે આ પુસ્તકે જ તેમના માટે સાહિત્યજગતના દરવાજા ખોલવાનું કામ કર્યું હતું. કોઈ લેખક કે કવિની કૃતિઓ આપણને ખૂબ ગમવા માંડે ત્યારે અનાયાસે આપણાં મનમાં એ સર્જકની એક ઇમેજ ઊભી થઈ જતી હોય છે. હીરા મહેતાના કિસ્સામાં પણ એવું જ બન્યું. એનએનડીટી કોલેજમાં બી.એ. કરી રહ્યાં હતાં ત્યારે એમને ખબર પડી કે એમના ગુજરાતીના સર તરીકે રામનારાયણ પાઠકની નિમણૂક થવાની છે. ધોળકા તાલુકામાં ગાણોલ ગામે જન્મેલા રા.વિ. પાઠક અગાઉ મુંબઈની વિલ્સન કોલેજમાં ભણી ચૂક્યા હતા. પછી અમદાવાદ જઈને થોડાં વર્ષ વકીલાત કર્યા બાદ શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય બન્યા. મુંબઈ આવ્યા ત્યારે એમને ઓલરેડી 'ગાંધીયુગના સાહિત્યગુરુ'નું બિરુદ મળી ચૂક્યું હતું.

બી.એ.ના સેકન્ડ અને થર્ડ યરમાં ઐચ્છિક વિષય તરીકે ગુજરાતી પસંદ કરનારાં હીરાબહેન આખા ક્લાસમાં એકલાં જ. એમની ઓળખાણ કરાવતી વખતે આચાર્યે રા.વિ. પાઠકને કહેલું, "આ બહેન હીરા. સાહિત્યનાં સારા રસવાળાં, વ્યાસંગવાળાં છે. કાવ્ય વગેરે લખે પણ છે. તેને શીખવતા તમને ઘણો આનંદ થશે, જોજો." પાઠકસરનો પરિચય કરાવતા કહેલું, "રામનારાયણભાઈ ભારે મોટા વિદ્વાન છે. તેમને આખું ગુજરાત ઓળખે છે. આપણી સંસ્થાનું આ સદ્ભાગ્ય કે તેમના જેવાનો આપણને લાભ મળ્યો." જોકે, પાઠકસરને જોઈને હીરાબહેન જરાય પ્રભાવિત ન થયાં, ઊલટાના સરનો દેખાવ એમને ભારે રમૂજી લાગ્યો!

રામનારાયણ પાઠકના સૂના વ્યક્તિત્વનું કારણ હતું, ૩૧ વર્ષની ભરજુવાનીમાં તેઓ વિધુર થઈ ગયા હતા. ત્યાર બાદ પુત્રીનું પણ મૃત્યુ થઈ ગયું. તેમણે બીજાં લગ્ન ન જ કર્યાં. દોઢ દાયકા કરતાં વધારે સમયથી તેઓ મૂંગે મોંએ અને સ્વૈચ્છિક રીતે એકાકી જીવન જીવી રહ્યા હતા. ન કોઈ જતન કરવાવાળું, ન કોઈ હૂંફ આપવાવાળું. કારમી એકલતાએ એમના શરીરને ભલે કૃશ કરી નાખ્યું હોય, પણ આંતરિક ચેતના અકબંધ હતી. હીરાબહેન પાઠક 'રા.વિ. પાઠક પરિશીલન ગ્રંથ'માં સંગ્રહાયેલા એક સ્મૃતિલેખમાં લખે છે, "તેમના વણપોષાયેલા, વણસંભળાયેલા ક્ષીણ શરીરમાં ભારે ચમકદાર, તેજસ્વી ને સ્ફૂર્તિલી તેમની આંખો હતી. જાણે તેમની સમસ્ત શક્તિના પ્રતીકસમી. એ આંખોના નૂર વિશે મારા મને પ્રથમ દિવસની પ્રારંભિક ક્ષણોમાં જ નોંધ લઈ લીધી હતી."



ગુજરાતીના ક્લાસમાં હીરાબહેન એકલાં જ વિદ્યાર્થિની એટલે રા.વિ. પાઠકનું સમગ્ર અટેન્શન એમને મળે. આ એક આદર્શ ગુરુ-શિષ્યાની જોડી હતી. સમય જતાં હીરાબહેનના પરિવાર સાથે પણ તેમનો પરિચય થયો. થોડાંક વર્ષ બાદ રા. વિ. પાઠક અમદાવાદ પાછા આવી ગયા. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા, પણ વેકેશન અચૂકપણે મુંબઈમાં ગાળતા. મુંબઈમાં હીરાબહેનનાં ઘરે જ ઊતરવાનું રહેતું. પછી તો હીરાબહેન પણ એસએનડીટી કોલેજમાં પ્રાધ્યાપિકા બન્યાં.

બે જીવતી, જાગતી, ધબકતી વ્યક્તિઓનાં હૃદય-બુદ્ધિના તાર જોડાઈ ગયા હોય, એક નિશ્ચિત કેમિસ્ટ્રી રચાઈ ચૂકી હોય ત્યારે ઉંમરનો ભેદ અપ્રસ્તુત બની જાય છે. પ્રેમસંબંધ બંધાવાનું નિર્મિત હોય તો સંંબંધ બંધાઈને રહેતો જ હોય છે. હીરાબહેન કહે છે, "એક વાર અમે રજાઓ વરસોવાના સેનેટોરિયમમાં ગાળવાનું ઠરાવેલું. અમારો તો ગુરુ-શિષ્યાનો જ સંબંધ રહેતો અને કોઈ વાર પણ એમને કે મને એકાંતમાં કશી અણઘટતી છૂટ લેવાનો વિચાર સુધ્ધાં આવેલો નહીં, પણ આ દિવસોમાં એ માંદા પડયા. સાતેક દિવસની એ માંદગી દરમ્યાન મેં ખૂબ પ્રેમથી એમની સારવાર કરી. એ માંદગી ગયા પછી પણ એ નંખાઈ ગયેલા અને સૂતા હતા ત્યારે મેં એમના માથા ઉપર હાથ ફેરવવા માંડયો. ત્યારે મારો હાથ પકડી લઈને એ બોલ્યાઃ "મારા જીવન પર તારો પ્રભાવ કેટલો બધો વધી રહ્યો છે એની તને ખબર છે?" અને હું દ્રવી ગઈ. તે જ ક્ષણે મારા મનમાં જીવન સમર્પણનો જે અસ્પષ્ટ ભાવ હતો તે સ્પષ્ટ થયો. હું એમને સમર્પિત થઈ ચૂકી."

પાઠકસાહેબ અને હીરાબહેનના સંબંધ વિશે પરિચિતોમાં ગુસપુસ તો ક્યારની થવા માંડેલી. ૧૯૪૫ના ઉનાળુ વેકેશનમાં એ બન્ને તીથલમાં એક મકાન ભાડે રાખી રહેવા ગયેલાં ત્યારે નિબંધકાર-વિવેચક યશવંત પ્રાણશંકર શુક્લ (જે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા) તેમના મહેમાન બનેલા. એક સાંજે તીથલના દરિયાકાંઠે ત્રણેય ફરવા ગયાં. સૂર્યાસ્ત થતાં રેતીમાં વાતો કરતાં બેઠાં. હીરાબહેને પાઠકસાહેબને સંકેત કર્ર્યોઃ "વાત કરો." પાઠકસાહેબ ટટ્ટાર થયા, સહેજ પ્રયત્નપૂર્વક હસ્યા. પછી કહે, "ભાઈ યશવંત, હીરા સાથે હું લગ્ન કરું તો તમને કેવું લાગે?" યશવંત શુક્લે તરત જ જવાબ આપ્યો, "બહુ સારું લાગે." ત્રણેય વચ્ચે મૌન પ્રસરી ગયું. પાછા ઘરે પહોંચ્યાં ત્યાં સુધી ત્રણેય ખામોશ રહ્યાં. વાળુ કરવા બેઠા ત્યારે હીરાબહેને પૂછયું કે તમે કેમ વિચાર કરવાનો સમય લીધા વગર તરત જ તમારો પ્રતિભાવ આપી દીધો? યશવંત શુક્લે કહ્યું, "આનો વિચાર તો લોકો ક્યારનાયે કરાવતા જ રહ્યા છે. એટલે મારે કશો નવો વિચાર કરવાનો હતો જ નહીં." એમણે કહ્યું કે પણ લોકોને તો અજુગતું લાગશેને? શુક્લજીએ જવાબ આપ્યો, "જરૂર લાગશે, પણ જો તમે બે નિર્ણય પર આવ્યાં હો તો લોકો જખ મારે છે. તમે નિર્ણય કરવા સ્વતંત્ર છો અને મને પોતાને એમાં કશું અજુગતું લાગતું નથી."

હીરાબહેનના પરિવારને આ નિર્ણય વિશે જાણ કરવાની જવાબદારી યશવંત શુક્લને જ સોંપવામાં આવી. આ બધું યશવંત શુક્લે સ્વયં પોતાના સ્મૃતિલેખમાં વર્ણવ્યું છે.

હીરાબહેનના ઘરે જાણ થતાં જ તાંડવ થઈ ગયું. કુટુંબમાં પિતાતુલ્ય મનાતા પાઠકસાહેબ સાથે ૨૯ વર્ષનાં હીરાબહેન લગ્ન કરવાનાં હશે એવું તો સપનામાંય ક્યાંથી ધાર્યું હોય! સદ્ભાગ્યે હીરાબહેન પર કોઈ પાબંદી લગાવવામાં નહોતી આવી. આખરે હીરાબહેનના પરિવારને જાણ કર્યા વગર સાદી હિન્દુવિધિથી ૫૮ વર્ષના રામનારાયણ પાઠકે, પચીસ વર્ષના વૈધવ્ય વેંઢાર્યા બાદ, પોતાના કરતાં અડધી ઉંમરનાં હીરાબહેન સાથે મુંબઈમાં લગ્ન કર્યાં. લગ્નવિધિ વખતે પન્નાલાલ પટેલ, કરસનદાસ માણેક, ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકાર મિત્રો-શુભેચ્છકો હાજર હતા. સિનિયર સિટીઝન જુવાન સ્ત્રી સાથે લગ્ન કરે તો આજની તારીખેય લોકોનાં ભવાં ચડી જાય. કલ્પના કરો કે આજથી ૭૦ વર્ષ પહેલાં, ૧૯૪૫માં, આ સમાચાર ફેલાયા પછી કેવો ઊહાપોહ થયો હશે. રા.વિ. પાઠક સેલિબ્રિટી હતા એટલે ખળભળાટ અખબારોમાં પણ પ્રસર્યો. અરે, ગાંધીજી અને વલ્લભભાઈના જે પત્રો આવેલા એમાં પણ નારાજગી વર્તાતી હતી.

આ કંઈ મુગ્ધભાવે કે બીજા કોઈ હેતુથી થયેલાં લગ્ન નહોતાં. એક પ્રખર સાહિત્યકાર અને એક તેજસ્વી સ્ત્રીએ સમજીવિચારીને આ પગલું ભર્યું હતું. સમયની સાથે વિરોધ શમતો ગયો. સમાજમાં બન્નેનો આદરપૂર્વક સ્વીકાર થયો. ટોચના સાહિત્યપુરુષ તરીકે રા.વિ. પાઠકનો જે મહિમા હતો તેમાં વૃદ્ધિ થતી ગઈ. અંતરંગ મિત્રોને બન્નેના અદ્ભુત દાંપત્યનો અહેસાસ થયા વગર ન રહેતો. બન્નેનું ધ્યેયનિષ્ઠ જીવન હતું. બન્ને વાંચે, વિચારે, ચર્ચા કરે. ઘરે મિત્રો આવે ત્યારે કલાકો સુધી ગોષ્ઠિઓ ચાલે. એક આદર્શ પત્નીની માફક હીરાબહેન પાઠકસાહેબની નાની-મોટી તમામ બાબતોની ચીવટપૂર્વક કાળજી લે.

રા.વિ. પાઠક અને હીરાબહેનનું દાંપત્યજીવન દસ વર્ષ ટક્યું. હાર્ટએટેકમાં રા.વિ. પાઠકનું મૃત્યુ થયું. હીરાબહેન પાઠક ક્રમશઃ ઉત્તમ કવયિત્રી અને વિવેચક તરીકે ઊભર્યાં. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત કેટલાંય સન્માનો પ્રાપ્ત થયાં. 'પરલોકે પત્ર'માં એમણે પાઠકસાહેબને ઉદ્દેશીને અત્યંત સંવેદનશીલ પત્રકાવ્યો અથવા કાવ્યપત્રો લખ્યાં છે. ખરેખર, લગ્નસંબંધમાં વર્ષોના આંકડાનું ક્યાં કશું મહત્ત્વ હોય છે. ચાલીસ-પચાસ વર્ષ એક છત નીચે જીવેેલાં પતિ-પત્નીનું લગ્નજીવન ખાલીખમ ને ખોખલું હોઈ શકે છે, જ્યારે સચ્ચાઈપૂર્વક જિવાયેલું મુઠ્ઠીભર વર્ષોનું સહજીવન આયુષ્યની છેલ્લી ક્ષણ સુધી ચાલે એટલું ભાથું બાંધી દેતું હોય છે...

                                                                   0 0 0 

1 comment:

  1. કંઇક નવુ જાણવા મળ્યુ.....

    ReplyDelete