Monday, January 3, 2011

એક સુપરગર્લ, નામે વિપાશા

                                     અહા! જિંદગી - અંક જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત

                                                                કોલમ : ફલક


એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે. પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી...


હસે છે, ખિલખિલાટ હસે છે અને હસતી વખતે એની આંખો, એનો ચહેરો, એનું આખું વ્યક્તિત્ત્વ ગજબનાક રીતે પ્રકાશી ઊઠે છે. તે જોઈને તમે સુખદ કંપ અનુભવો છો. આવું હાસ્ય અને આવો પ્રકાશ તમે વાસ્તવની થપાટોથી અજાણ એવા નિર્દોષ બાળકના ચહેરા સિવાય બીજે ક્યાંય જોયા નથી. એ હસે ત્યારે એવું લાગે કે જાણે તેનું સમગ્ર અસ્તિત્વ, તેની સમગ્ર ચેતના તેની બુદ્ધિશાળી આંખોમાં સમેટાઈ ગયાં છે. હાસ્ય અટકી ગયા પછી એ કશુંક ધ્યાનથી સાંભળતી હોય કે વિચારતી હોય ત્યારે તમે જુઓ છો કે એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે.

પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી.

આ આંખોને પેલે પાર એક મન છે, જે કદાચ બીજા કોઈ પણ પુખ્ત, વિચારશીલ માણસના મન કરતાં ઘણું વધારે જટિલ છે. તેના મનની લીલા સામેની વ્યક્તિને ગૂંચવી નાખે છે, આઘાત આપે છે, છળી ઉઠાય એવાં કલ્પન રચે છે. શું માસૂમિયતનો એક છેડો હિંસાના પ્રદેશને સ્પર્શતો હશે? શું માસૂમિયત એક પરાકાષ્ઠા પછી આપોઆપ વિકરાળ બની જતી હશે? તે સિવાય આવી કૂમળી છોકરી એવું શી રીતે લખી શકે કે -

ચાલ
ભોંક લોકની આંખોમાં ગરમ સળિયો,
ના,
બે અધમૂઈ આંખોમાં ઠંડા
સળિયા,
ને કૂચ કર.

એ તાડન અને આત્મપીડનની ઉપર ક્યાંક ઊભી ઊભી ચુપચાપ બધો તાલ જોયાં કરે છે. મનના પરદા પર પળેપળે આકાર બદલતાં શ્યામલ છાયાચિત્રોની ભાષા ઉકેલવાની શાંત કોશિશ કરતી રહે છે. શક્ય છે કે તેને ઉકેલવામાં બહુ રસ ન પણ હોય. તેને કદાચ આ છાયાચિત્રોને માત્ર નિહાળવાં છે, તેના સાક્ષી બનવું છે, તેને પોતાની કવિતાઓમાં જડી લેવાં છે. તેની કવિતાઓથી ભલે સામેનો માણસ ગૂંચવાય, આઘાત પામે કે છળી ઊઠે, પણ એ સ્વયં સ્થિર છે, શાંત છે.

એક મિનિટ. વિપાશા ખરેખર શાંત છે કે માત્ર શાંત દેખાય છે?

૦ ૦ ૦


A beautiful painting by Anju Dodia
 વિપાશા છેલ્લાં છ વર્ષથી જિદપૂર્વક અમેરિકામાં રહે છે, એકલી, પોતાના હાલી-ચાલી-બોલી ન શકતા શરીર સાથે. આ પસંદગીપૂર્વકની એકલતાને લીધે તે પોતાના મન અને શરીરમાં ઊઠતાં સ્પંદનોને કે તેની ગેરહાજરીને વધારે બારીકાઈથી તેમ જ બહાદૂરીપૂર્વક ઝીલી શકી છે. વિપાશા ૨૦૦૪માં અમેરિકા ગઈ ત્યારે તેનો પહેલો એવોર્ડવિનિંગ કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો - ‘ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો’. હમણા ડિસેમ્બરમાં એ ઈન્ડિયાની મુલાકાતે આવી ત્યારે તેનો બીજો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો - ‘ટાપુઓ પર ફૂદડી’. આ બન્ને સંગ્રહોનાં ભાવવિશ્વો વચ્ચેનું અંતર સ્પર્શી શકાય એવું નક્કર છે. વિપાશાના પ્રકાશક-કમ-મિત્ર-જ્યાદા એવા નૌશિલ મહેતા ‘ટાપુઓ પર ફૂદડી’ વિશે લખે છેઃ ‘અહીં (એટલે કે આ કાવ્યોમાં) એ એકલી નથી. અહીં તો જાણે એકમેકથી તદ્દન ભિન્ન, એકમેક પ્રત્યે અનુકંપા વિનાનાં, જિદ્દી એવાં ત્રણ અસ્તિત્વો છેઃ શરીર, મગજ અને વ્યક્તિચેતના... આ ત્રણેય - હું-મગજ-શરીર - વચ્ચે સતત ખૂનખાર ઝનૂનપૂર્વકની ફેંદાફેંદીનો-ચૂંથાચૂંથીનો તણાવ, એકમેકને પછડાટ આપવાની હોડ આ કાવ્યોના વિષય અને વિશેષ છે.’

આ ફેંદાફેંદી અને ચૂંથાચૂંથીનું એક ઉદાહરણ જુઓ-

એક હથેળીમાં
મગજ


એક હથેળી પર
શરીર.

અફળાયાં
બન્ને એકબીજાં
સાથે.

ભુક્કા ઊડ્યા,
થોડું ચાલી
તણખાના
અજવાળામાં.

ભળી ગઈ
જમીન પર
પથરાયેલા
ભુક્કામાં.




જીવનના ચોથા દાયકાનો પ્રારંભ ઝાઝો દૂર ન હોય એવા બિંદુ પર ઊભેલી બીજી કોઈ પણ સ્ત્રી કરતાં - સ્ત્રી જ શા માટે? - બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વિપાશાનાં સંવેદનવિશ્વનો નક્શો જુદી રીતે દોરાયો હશે? ધારો કે એમ હોય તો પણ ‘ટાપુઓ પર ફૂદડી’નાં કાવ્યોને માત્ર વિપાશાની આત્મ-અભિવ્યક્તિના ચોકઠામાં કેદ કરી દેવાની જરૂર નથી. વિપાશા જ્યારે એમ લખે કે -

જીવન ચકડોળ
ચાલે
ધમધમ
સંભળાય
બસ ખાલીખમ
અવાજો.

- ત્યારે સહેજે સવાલ જાગે કે આ અવાજો, આ ખાલીપો શું તમામ સંવેદનસભાન વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવતી હોતી નથી શું? વિપાશાની કવિતાઓની અપીલ ખાસ્સી વ્યાપક છે. આ સંગ્રહ પ્રમુખપણે વિપાશાનું અંગત એક્સપ્રેશન હોવા છતાં તેમાંની કેટલીય કવિતાઓમાં વ્યક્ત થયેલી લાગણીઓ ઘણા વિશાળ ફલક પર વિહરે છે.

એની ને મારી
વચ્ચે
લડાઈ
ચાલતી લાગે
છે.
જોઈએ
કોણ જીતે છે:
જીવન
કે
હું?

આ પ્રકારનાં દ્વંદ્વનો સામનો આપણે સૌએ કર્યો હોય છે. સંદર્ભો આપણા હોય, સ્વરૂપ આપણે આપ્યું હોય, પણ દ્વંદ્વ અનુભવાય છે એ તો નક્કી.

૦ ૦ ૦

વિપાશાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો ત્યારે તેના પિતાએ એને કાળજીપૂર્વક ઊંચકી હતી, કપડાંનું નિર્જીવ પોટલું ખભે નાખ્યું હોય તેમ, અને પછી ધીમે ધીમે સીડી ઊતરી ગયા હતા. શરીર એ જ છે, પણ આ વિપાશા આજે અમેરિકામાં પોતાના સહાયકની પોસ્ટ માટે હિસ્પેનિક કે આફ્રો-અમેરિકન કે યુરોપિયન ઉમેદવારોની જાતે પસંદગી કરે છે, મોજથી શોપિંગ કરવા ઊપડી જાય છે, પોતાના રહેઠાણથી ઘણે દૂર ક્રિયેટિવ રાઈટિંગના ઈવનિંગ ક્લાસ અટેન્ડ કરે છે. ક્લાસ પૂરા થયા પછી બીજા સ્ટુડન્ટ્સ જતા રહ્યા હોય અને ઘેરાઈ ચૂકેલા વેરાન અંધકારમાં વિપાશા વ્હીલચેર પર મોડી પડેલી બસની રાહ જોતી બેઠી હોય, પોતાનાં મન અને કહ્યું ન માનતા શરીર સાથે, એકલી. અને પછી એ લખે કે -

મનની નસોમાં અટવાઈને તાકે છે
તીક્ષ્ણ આંખો, બેબાકળી નહીં, અફાટ
ધીરજ પોતાનામાંથી ઊપજાવતી.


ધીરજ, ખુદવફાઈ, આત્મસન્માન, આત્મબળ... આ બધા શબ્દોથી વિપાશા ખૂબ આગળ નીકળી ચૂકી છે . જીવન અને તેની વચ્ચે ચાલતી લડાઈ એ ક્યારની જીતી ચૂકી છે. મગજ અને શરીર ભલે ફક્કડ જીવતાં હોવાનો ડોળ કરે, ખાનગી બાતમી એ છે કે એ બન્ને થરથર કાંપે છે. મગજ અને શરીર બેયને બરાબરનો પરચો મળી ચૂક્યો છે, વિપાશા નામની આ સુપરગર્લનો.

૦ ૦ ૦

No comments:

Post a Comment