સ્લગઃ મલ્ટિપ્લેક્સ
આ વર્ષે કઈ નવી ફિલ્મો રિલીઝ થવાની છે? ૨૦૧૦માં નવોદિત ડિરેક્ટરોએ ઉત્તમ ફિલ્મો આપી. આ વખતે કોણ બાજી મારી જવાનું?
`
-----------------------
સમય નામના ઉપકરણને નક્કી કોઈએ ફાસ્ટ ફોરવર્ડ મોડમાં મૂકી દીધું લાગે છે. તે સિવાય એકવીસમી સદીનો બીજો દાયકો આટલો જલદી કેવી રીતે બેસી જાય! આ દશકાનાં પહેલાં વર્ષમાં બોલીવૂડમાં શું શું બનવાનું? શું ૨૦૧૦ની જેમ ૨૦૧૧નું વર્ષ પણ ઉર્જાથી છલકાતાં અને ક્રિયેટિવિટીથી ઊછળતાં નવાં નામો હાઈજેક કરી જવાનું છે?
બોલીવૂડમાં નવી ટેલેન્ટની જાણે કે વસંત બેઠી છે. ખાસ કરીને ડિરેકશનનાં ક્ષેત્રમાં ખૂબ બધી આશાસ્પદ પ્રતિભાઓનું આગમન થયું છે અને હજુય થવાનું છે. આગળ વધતાં પહેલાં ગયા વર્ષની સૌથી ધ્યાનાકર્ષક, દમદાર અને સત્ત્વશીલ ફિલ્મો તરફ નજર દોડાવો અને જુઓ કે એમાંની કેટલી બધી ફિલ્મો ફર્સ્ટ-ટાઈમ-ડિરેક્ટરોએ બનાવી છે!
Udaan: Vikramditya Motwane |
Pipli Live: Anusha Rizvi |
Tere Bin Laden: Abhishek Sharma |
યાદ રહે, આપણે સૌથી વધુ કમાણી કરનારી નહીં, પણ સૌથી સુંદર ફિલ્મોની વાત કરી રહ્યા છીએ. કોમેડીના નામે ત્રાસજનક મસાલો પીરસાતો હોય ત્યારે ‘તેરે બિન લાદેન’ તાજગીની લહેરખી જેવી સાબિત થઈ. એના ડિરેક્ટર હતા અભિષેક શર્મા. ‘વેક અપ સિડ’ના ડિરેક્ટર અયાન મુખર્જીની નોંધ પણ લેવી જોઈએ. એક વાત તમે નોંધી? આ નવા નિશાળિયાઓમાંથી કોઈને ફેન્સી બજેટ આપવામાં આવ્યું નહોતું, તમામ ફિલ્મો ભારતમાં જ શૂટ થઈ હતી અને પાકિસ્તાની કિરદારોવાળી ‘તેરે બિન લાદેન’ સિવાયની બધેબધી ફિલ્મો નિતાંતપણે ભારતીય સેન્સિબિલીટી ધરાવતી હતી. આ બહુ સારી નિશાની છે. તેજીલા તોખાર જેવા આ બધાય ફિલ્મમેકર્સનું હવે પછીનું કામ જોવાની ઇંતેજારી રહેવાની. થ્રી ચિયર્સ ફોર યંગ બ્લડ!
આ વર્ષે પણ ઘણાં નવાં નામો દેખાવાનાં. માત્ર ૨૦૧૧ના પહેલા ર્ક્વાટરમાં રિલીઝ થનારી ફિલ્મોની જ વાત કરીએ તો ‘નો વન કિલ્ડ જેસિકા’ ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાની બીજી ફિલ્મ છે. અગાઉ તેમણે ‘આમિર’નો સ્ક્રીનપ્લે લખેલો અને ‘બારહ આના’ ડિરેક્ટ કરેલી. ‘ધોબી ઘાટ’ની કિરણ રાવ, ત્રીસ વર્ષેય સિંગલ રહી જનારી મહિલાઓના ફ્રસ્ટ્રેશનને રમૂજી-કરૂણ રીતે પેશ કરતી ‘ટર્નીંગ થર્ટી’ની અલંકૃતા શ્રીવાસ્તવ તેમ જ વિનય પાઠકમાહી ગિલને ચમકાવતી ‘ઉટપટાંગ’ નામની ફિલ્મના ડિરેક્ટર શ્રીકાંત વેલાગાલેતી સાવ નવાંસવાં છે. ખેર, આ ત્રણેયના નિર્દેશનમાં કેટલું વિત્ત છે એ તો ફિલ્મ જોયા પછી જ સમજાશે.
ઓકે, ન્યુકમર્સનું ચેપ્ટર પૂરું કરીને હવે એ જોઈએ કે ૨૦૧૧માં ટોપ સ્ટાર્સને ચમકાવતી કઈ ફિલ્મો આવવાની છે? સૌથી પહેલાં તો, આવતા મહિને રિલીઝ થનારી વિશાલ ભારદ્વાજની પ્રિયંકા ચોપડાને ચમકાવતી ‘સાત ખૂન માફ’ ભારે ઈન્ટરેસ્ટિંગ લાગે છે. ખાનલોગની વાત કરીએ તો શાહરૂખ ખાન અને કરીના કપૂરની ‘રા.વન’ આવશે. જોકે ‘રોબો’ની સ્પેશિયલ ઈફેક્ટ્સ અને ‘ટૂનપુર કા સુપરહીરો’ની થીમ જોયા પછી શાહરૂખ ટેન્શનમાં આવી ગયો છે. શાહરૂખની ‘ડોનટુ’ પણ આવશે. કરીના બોયફ્રેન્ડ સૈફ અલી ખાન સાથે ‘એજન્ટ વિનોદ’માં દેખાશે. કરીના ઓર એક ખાન સાથે પણ દેખાવાની છે સલમાન ખાન સાથે ‘બોડીગાર્ડ’માં. સલમાનની આ વર્ષે બિઝી બિઝી રહેવાનો છે. એની ‘રેડી’ ઉપરાંત ‘કિક’, ‘મોસ્ટ વોન્ટેડ’, ‘પાર્ટનર-ટુ’, ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માંથી અમુક રિલીઝ થશે અને બાકીની ફિલ્મોનું કામ આગળ વધશે. અક્ષય કુમાર આ વખતે ‘પતિયાલા હાઉસ’ અને ‘થેન્ક્યુ’ ઉપરાંત કદાચ ‘આસમાન’ (સંજય દત્ત કેટરીના) અને કદાચ ‘હેરાફેરી’ સિરીઝની આગલી કડીમાં દેખાય. ‘રેડી’ અને ‘થેન્કયુ’ બન્નેના ડિરેક્ટર અનીસ બઝમી છે. અનીસભાઈને ટાઈટલમાં અંગ્રેજી શબ્દ સિવાય કશું ચાલતું નથી. અભિષેક ‘દમ મારો દમ’ (કંગનાબિપાશા), ‘ગેમ’, ‘ધૂમ-થ્રી’, ‘દોસ્તાના-ટુ’ અને ‘પ્લેયર્સ’માં જોર દેખાડશે.
રણબીર કપૂર શામાં જોવા મળશે આ વર્ષે? ઈમ્તિયાઝ અલીની ‘રોકસ્ટાર’, અનુરાગ બાસુ ડિરેક્ટેડ ‘બરફી’ (પ્રિયંકા ચોપડા) અને અસીનઝિયા ખાન સાથેની ‘આપ કા સાયા’માં. ૨૦૧૦માં બે મોટી ફિલ્મોનો માર ખાઈ ચૂકેલો હ્યુતિક રોશન આ વર્ષે ‘જિંદગી ના મિલેગી દોબારા’ અને સંભવતઃ ‘અગ્નિપથ’ના રિમેકમાં ચમકશે. શાહિદ કપૂર પહેલી વાર ડિરેકશન કરી રહેલા પપ્પા પંકજ કપૂરની ‘મૌસમ’ (સોનમ કપૂર) ઉપરાંત ‘જનમ જનમ કા સાથે હૈ હમારા તુમ્હારા’ (કેટરીના-સોનાક્ષી સિંહા)માં દેખાશે.
આમિર ખાન રીમા કાગતીની ફિલ્મ શરૂ તો કરશે, એ રિલીઝ ક્યારે થાય એ ભગવાન જાણે. આમિરની અનુરાગ કશ્યપના ડિરેકશનમાં બનનારી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’ની (કેટરીના સાથે) વાત પણ વચ્ચે ચાલી હતી. આમિરના પ્રોડકશન હાઉસમાં બનેલી ‘દિલ્હી બેલી’ (ઈમરાન ખાન) રિલીઝ થાય એટલી વાર છે. ઈમરાનની કરીના સાથે ‘શોર્ટ ટર્મ શાદી’ કાં તો આ વર્ષે રિલીઝ થાય યા તો પછી આવતા વર્ષે.
શું ૨૦૧૧નું વર્ષ માત્ર ટિપિકલ બોલીવૂડ મસાલામાં જ રચ્યુંપચ્યું રહેશે કે કોઈ નવી સિનેમેટિક સિદ્ધિ, નવા બ્રેક-થ્રૂ પણ જોવા મળશે? જસ્ટ વેઈટ એન્ડ વોચ!
શો સ્ટોપર
કરીનાને ઈન્ડસ્ટ્રીમાં ક્યાં કોઈ સિરીયસલી લે છે? પણ જો તે એમ કહેતી હોય કે હિરોઈનોમાં એના સિવાય મને એકને જ એક્ટિંગ કરતાં આવડે છે તો, ફોર અ ચેન્જ, એની વાત માની લઈએ.
- પ્રિયંકા ચોપડા
No comments:
Post a Comment