મિડ-ડે તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત
આ છે અસલી દબંગ!
ત્રણ-ત્રણ હથોડાછાપ હીરોને એકસાથે સહન કરવા માટે સિંહ જેવું કલેજું જોઈએ એવી એક સામાન્ય છાપ છે. પણ આ ફુલ-ટુ કોમડી એન્ટરટેઈનર શરૂ થાય એની થોડી જ મિનિટોમાં દર્શક કમ્ફર્ટેબલ થઈ જાય છે અને સ્માઈલ કરતાં કરતાં વાર્તાના પ્રવાહ સાથે વહેવા લાગે છે.
રેટિંગ ઃ અઢી સ્ટાર
‘સલમાન ખાને ‘દબંગ’માં એવું તે શું નવું કરી નાખ્યું છે? આવું બધું તો હું વીસ વર્ષ પહેલાં કરી ચૂક્યો છું.’
તાજેતરમાં સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં આવું વિધાન કર્યું ત્યારે એમાંથી જલન અને ચી઼ડની બૂ આવતી હતી. જોકે ‘યમલા પગલા દીવાના’ જોતી વખતે લાગે કે આધેડ વય વટાવી ચૂકેલા અને બોલીવૂડ સરકસની લગભગ બહાર થઈ ગયેલા સનીનો કાંકરો સાવ કાઢી નાખવા જેવો નથી. જો તક મળે તો સની પાજી હજુય દબંગવેડા કરીને સૉલિડ ધમાલ મચાવી શકે છે.
‘યમલા પગલા દીવાના’ બાય-વન-ગેટ-થ્રી-ફ્રી ઓફર જેવી છે. સની દેઓલના ચાહકોને (હા, હજુય થોડાઘણા બચ્યા છે પૃથ્વીના પટ પર) પેકેજ ડીલમાં ભેગેભેગા ધર્મેન્દ્ર અને બોબી દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મ જોતાં લાગે કે ધર્મેન્દ્ર ભલે ઘરડો થયો, લેકિન મા કસમ, ઉનકી બુઢી રગોં કે ખૂન અભી ભી દૌડતા હૈ. બોબી દેઓલની વાત કરીએ તો... જવા દોને યાર.
દેઓલના દીધેલા
ફિલ્મની શરૂઆતમાં દીકરાઓ કુંભના મેળામાં કે એવી જ કોઈ જગ્યાએ ખોવાઈ જાય અને છેલ્લે ચમત્કારિક રીતે બધા ભેગા થઈ જાય આ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મ્યુલા હજુ હમણાં સુધી મસાલા હિન્દી ફિલ્મોની ફેવરિટ હતી. એની ઠઠ્ઠામશ્કરી થતી હોય તેવા ઢાળમાં અહીં ધર્મેન્દ્રનો પરિવાર વિખેરાઈ ગયો છે. સની પોતાની ફિરંગી બીવી, બચ્ચાં અને મા સાથે કેનેડામાં સેટલ થયો છે, જ્યારે ગામના ઉતાર જેવો ધર્મેન્દ્ર આઈટમ ગર્લ્સને બકીઓ ભર્યા કરે છે અને નાના દીકરા બોબી સાથે બનારસમાં નોનસ્ટોપ ચારસોવીસી કરે છે. સની એમનો અતોપતો જાણવા ઈન્ડિયા આવે છે અને ફટ્ કરતાં શોધી પણ લે છે. બોબીબબુઆ એક સ્ટાઈલિશ સરદારણી (નવોદિત કુલરાજ રંધાવા)ના પ્રેમમાં પડે છે. મોટા ભાઈ અને ડેડી ડિયર તેને યેન કેન પ્રકારેણ પરણાવી દે છે. ખૂબ બધા ભંકસ પછી આખરે ખાઈ, પીને સૌ ભાંગડા કરે છે.
ઢાઈ કિલો કી કોમેડી
ધર્મેન્દ્ર, સની અને બોબી જેવા ત્રણ-ત્રણ હથોડાછાપ ભાયડાઓને એકસાથે સહન કરવા માટે સિંહ જેવું કલેજું જોઈએ એવી એક સામાન્ય છાપ છે. પણ બાય ગોડ, ફિલ્મ શરૂ થાય એની થોડી જ મિનિટોમાં તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ છો અને સ્માઈલ કરતાં કરતાં વાર્તાના પ્રવાહ સાથે વહેવા લાગો છે. ‘યમલા પગલા દીવાના’ આઉટ-એન્ડ-આઉટ કોમિક એન્ટરટેઈનર છે. પ્રોડયુસર-ડિરેક્ટર સમીર કાર્ણિક બિલકુલ સ્પષ્ટ છે કે એમને શું બનાવવું છે અને શું બતાવવું છે. પોતાના ઉદ્દેશમાં તેઓ ખાસ્સા સફળ થયા છે.
દેઓલ ત્રિપુટી અભિનયના અજવાળાં પાથરવા માટે ક્યારેય જાણીતી નહોતી. પણ છતાંય તેમનામાં (ખાસ કરીને બન્ને સિનિયરોમાં) એક પ્રકારનો ચાર્મ હજુય સચવાયો છે. આર્ટિસ્ટિક કે એસ્થેટિક લેવલ પર તેઓ અપીલ ભલે ન કરી શકે, પણ સામાન્યપણે તેઓ ઓડિયન્સના દિલ સુધી પહોંચી જતા હોય છે. આ ફિલ્મમાં ત્રણેયની આપસી કેમિસ્ટ્રી સ્વાભાવિકપણે જ ખૂબસૂરત રીતે ઉપસી છે.
સની દેઓલના વ્યક્તિત્વમાં માસૂમિયત અને મર્દાનગીનું જબરું કોમ્બિનેશન છે. અહીં બમ્યુર્ડા-ટીશર્ટ અને ફેન્સી પાઘડીમાં એ ક્યુટ દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દી ફિલ્મી હીરોની છાતીના વાળ સાગમટે સફાચટ થઈ ગયા છે, પણ સની અસલી જાટ છે. શરીર પરના વાળ આજકાલના છોકરડાઓ શૅવ કરે, સની નહીં! અહીં સની પાજી ખૂબ ખીલ્યા છે. ક્લાઈમેક્સમાં એ કહે છેઃ અબ મુઝે અપની અસલી ઔકાત દિખાની પડેગી... અને પછી ભૂકંપ આવી જાય એટલા ચા સ્વરે લાંબી ત્રાડ પાડે છે. ફિલ્મનો આ સૌથી રમૂજી ટુકડો છે. સની પોતાના ઢાઈ કિલોના હાથથી એકબે વાર ‘ગદર’ સ્ટાઈલથી પાણીની ડંકી સુદ્ધાં ઉઠાવે છે. બોબી દેઓલ પાણીની ટાંકી પર ચડીને ‘શોલે’નો સુસાઈડવાળા ડાયલોગ બોલીને પછી કહે છેઃ આ જૂનું થઈ ગયું, આજના જમાનામાં આવું બધું ન ચાલે. દેઓલ ત્રિપુટીએ પોતાની જાત પર કરેલી મજાક આનંદ કરાવે છે.
ફર્સ્ટ હાફ કેનેડા અને બનારસમાં ફેલાયેલો છે. ઈન્ટવલમાં સમોસા ખાતા ખાતા તમે વિચારો છો કે અત્યાર સુધી તો મજા આવી, પણ સેકન્ડ હાફમાં ટેમ્પો જળવાઈ રહેશે ખરો? ગુડ ન્યુઝ એ છે કે હિરોઈનના અનુપમ ખેર સહિતના પાંચ જડભરત ભાઈઓ અને કઝીન પોલી (સુચેતા ખન્ના)ને લીધે ઈન્ટવલ પછી કોમેડીને લટાની વધારે ઘૂંટાય છે. જાતજાતના છબરડાથી ભરપૂર સેકન્ડ હાફ ગુજરાતી કોમેડી નાટક જેવી ફીલ ધરાવે છે.
આ ફિલ્મમાં ત્રણ કલાકારોએ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. બનારસના ઘાટ પર ધરાર ટૂંકી ચડ્ડી પહેલીને ફર્યા કરતી હિરોઈન કુલરાજ રંધાવાને તમે ‘કરીના કરીના’ સિરિયલના ટાઈટલ રોલમાં જોઈ છે. ગાલમાં ચોર્યાસી લાખ વહાણ ડૂબી જાય એટલા ભવ્ય ખંજન ધરાવતી કુલરાજના ભાગે સુંદર દેખાવા સિવાય ખાસ કંઈ આવ્યું નથી. સરસ છે એની સ્ક્રીન પ્રેઝન્સ. હાલ ‘લાપતાગંજ’માં દેખાતી સુચેતા ખન્નાએ એનઆરઆઈને પરણવા માટે ઝાંવા મારતી ભોટ સરદારણીના રોલમાં સુપર્બ કામ કર્યું છે. મૂળ ગુજરાતી રંગભૂમિના કલાકાર અમિત મિસ્ત્રી પણ સરસ ધ્યાન ખેંચે છે.
‘યમલા પગલા દીવાના’માં ઈમોશનલ ટ્રેક અને બોબી દેઓલ બન્ને ટૂંકા પડે છે. હિરોઈન બોબીના ભાગે આવી છે એટલે ટેક્નિકલી એ ફિલ્મનો હીરો ગણાય, પણ ફર્સ્ટ હાફમાં હિરોઈન સાથેનો એનો પેમલાપેમલીનો ખેલ જામતો નથી. ફિલ્મમાં સાત-સાત મ્યુઝિક ડિરેક્ટરો છે અને ઝાઝા રસોઈયાએ ખિચડી સાવ બગાડી છે. વારે વારે આવી પડતાં ગીતો સખત બોરિંગ છે. એકમાત્ર ટાઈટલ સોંગ (જે મૂળ ‘પ્રતીજ્ઞા’ના ગીતનું રિમિક્સ છે) સારું છે.
‘યમલા પગલા દીવાના’ મૂળભૂત રીતે રમૂજી ફિલ્મ છે અને આ ડિપાર્ટમેન્ટ તગડું છે. કોમેડી ભલે બ્રેઈનલેસ રહી, પણ આજકાલ રિલીઝ થતી ત્રાસજનક કોમેડી કરતાં આ ફિલ્મ બહેતર છે. ઓર ક્યા ચાહિયે?
000
No comments:
Post a Comment