મિડ-ડે, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત
રંગબેરંગી રામકથા
અદભુત નહીં, પણ સુંદર. આ ફિલ્મની ગુણવત્તા ભારતમાં તૈયાર થયેલી અગાઉની એનિમેશન ફિલ્મો કરતાં ક્યાંય ચડિયાતી છે.
રેટિંગ ઃ ત્રણ સ્ટાર
થોડા સમય પહેલાં ‘૩૦૦’ નામની અફલાતૂન અંગ્રેજી ફિલ્મ આવી હતી. જૂના જમાનાના ગ્રીક યોદ્ધાઓની વાત કહેતી આ ફિલ્મમાં તમામ પુરુષો એકબીજાની ઝેરોક્સ કોપી જેવા દેખાતા હતા અને માતાની કૂખને બદલે જાણે ફેક્ટરીમાં પેદા થયાં હોય તે રીતે સૌની અલમસ્ત બોડી પર રૂપાળા સિક્સ પેક હતા. આ સૌનાં શરીરો જેન્યુઈન હતાં કે પછી બીજાં કેટલાંય દશ્યોની જેમ અહીં પણ કમ્પ્યુટર વડે કારીગીરી કરીને ધારી ઈફેક્ટ પેદા કરવામાં આવી હતી તે વિષે ખાસ્સી ચર્ચા ચાલી હતી. જ્યારે ‘નોર્મલ’ ફિલ્મમાં સિક્સ પેક ઉમેરવાનો મોહ જતો કરી શકાતો ન હોય તો નખશિખ એનિમેશન ફિલ્મમાં રોકવાવાળું જ કોણ છે?
ફિલ્મમેકર કેતન મહેતાની માયા એન્ટરટેઈનમેન્ટે લિમિટેડે તૈયાર કરેલી ‘રામાયણ ધ એપિક’ના ચીફ એનિમેટરને નક્કી સિક્સ પેકનું વળગણ છે. માત્ર બે પગાળા મનુષ્યો, દેવો અને દાનવો જ નહીં, બલકે પશુ (વાનરો) અને પક્ષીઓ (જટાયુ) સુદ્ધાં સિક્સ પેક ધરાવે છે! મજાની વાત એ છે કે સ્ક્રીન પર આ બધું સુંદર દેખાય છે.
હે રામ!
રામાયણ અને મહાભારત આપણી આ બણે આદિકથાઓનાં કથાકથન, પાત્રોનું વૈવિધ્ય, નાટ્યાત્મકતા અને લાગણીઓના આરોહઅવરોહની બાબતમાં સર્વોત્કૃષ્ટ છે અને રહેશે. આ ફિલ્મ રામવનવાસથી શરૂ થાય છે અને સીતા હરણ, શબરીમિલન, વાલીમિલન, હનુમાનનું લંકાગમન, અશોકવનમાં સીતા-હનુમાન મિલન, લંકાદહન, રાવણસેના સાથે મહાયુદ્ધ, રાવણનો વધ અને આખરે રામના રાજ્યાભિષેકની ઘટના પર વિરામ લે છે. દોઢેક કલાકના ગાળામાં રામાયણના લગભગ તમામ મહત્ત્વના પ્રસંગો આવરી લેવાની કોશિશ કરવામાં આવી છે.
રંગ અને કલ્પના
અગાઉ ‘બાળ ગણેશ’ જેવી કેટલીક ટુડાયમેન્શનલ એનિમેશન ફિલ્મો આવેલી, જેને ખરેખર તો કાર્ટૂન ફિલ્મો કહેવી જોઈએ, કારણ કે ચાવી દીધેલાં રમકડાંની જેમ હાલતાંચાલતાં તેનાં પાત્રો કેરિકેચર કે કાર્ટૂન જેવા વધારે લાગતાં હતાં. તેમની સાથે તુલના કરવામાં આવે તો વિઝયુઅલ ક્વોલિટીના સ્તરે ચેતન દેસાઈએ ડિરેક્ટ કરેલી થ્રી-ડાયમેન્શનલ ‘રામાયણ ધ એપિકે’ મોટી હરણફાળ ભરી છે. (અહીં થ્રી-ડી એટલે ચશ્માં પહેરીને જોવામાં આવતી ફિલ્મ એ અર્થ ન લેવો.) ‘રામાયણ’ની એકેએક ફ્રેમ દિલથી સજાવવામાં આવી છે. અફલાતૂન કલર કોમ્બિનેશન, ખૂબસૂરત પાત્રો અને અને તેમના હલનચલનમાં વર્તાતી સ્મૂધનેસ સુંદર પરિણામ લાવે છે.
અહીં નીલા રંગના રામની આંખા પણ નીલી એટલે કે બ્લુ રંગની છે. લક્ષ્મણની આંખો બ્રાઉન છે, જ્યારે સીતાની આંખોનો શેડ કંઈક જુદો જ છે. અહીં રાવણ ચંગીઝખાન જેવો દેખાય છે. કમાનમાંથી સનનન કરીને છૂટતું તીર હોય, વરસતા વરસાદમાં લડી રહેલા વાલી-સુગ્રીવનો એરિઅલ શોટ હોય કે દરિયામાંથી પ્રગટ થતાં સર્પમાતા હોય અહીં એસ્થટિક્સ અને કલ્પનાશીલતાને અહીં છૂટો દોર આપી દેવામાં આવ્યો છે. આપણે રામાયણ, કે ફોર ધેટ મેટર, કોઈ પણ દૈવી પાત્રોને રવિ વર્મા શૈલીની તીવ્ર અસર ધરાવતી કેલેન્ડર આર્ટના રૂપમાં જોવા ટેવાયેલા છીએ. અહીં આ પરંપરાગત ફોર્મની સાથે આધુનિકતાનું સરસ કોમ્બિનેશન થયું છે. જેમ કે, કિષ્કિંધા નગરીમાં નૃત્ય કરતાં વાનરોવાળી ભવ્ય સિકવન્સ જેમ્સ કેમરોનની ‘અવતાર’ ફિલ્મની યાદ અપાવશે.
હોલીવૂડની ફિલ્મોની જેમ આપણે ત્યાં પણ એનિમેશન ફિલ્મોમાં સ્ટારલોકોએ અવાજ આપવાનો રિવાજ શરૂ થયો છે. અહીં રામસીતાનો અવાજ અનુક્રમે મનોજ વાયપેયી અને જુહી ચાવલાએ આપ્યો છે, હનુમાનનો અવાજ મુકેશ રિશીએ આપ્યો છે, જ્યારે રાવણ આશુતોષ રાણાના અવાજમાં બરાડે છે. આ બધાનો શાબ્દિક અભિનય સરસ છે. સંવાદો સંસ્કૃતપ્રચુર નથી, બલકે સાદગીભર્યા છે. જો કે સીતાનું અપહરણ કરવા આવેલા રાવણના મોઢે ‘ગુસ્સે મેં તુમ ઔર ભી સુંદર લગતી હો’ જેવો ટિપિકલ ફિલ્મી ડાયલોગ વિચિત્ર લાગે છે. એક ટેક્નિકલ મુદ્દો એ છે કે ‘અપહરણ’ શબ્દ કે ‘હરણ થઈ જવું’ શબ્દપ્રયોગ આ ઘટનાના ઘણા સમય પછી રચાયા હોવા જોઈએ. અહીં સીતા રાવણને કરગરતી વખતે લગભગ તરત જ, લંકા પહોંચતા પહેલાં જ આ શબ્દપ્રયોગ કરવા લાગે છે.
ટૂંકા ગાળામાં ખૂબ બધા પ્રસંગો આવરી લેવાના હોવાથી ફિલ્મમાં ઘણી જગ્યાએ ગાડી ફાસ્ટ ફોરવર્ડમાં ચાલે છે. રામ-હનુમાનનો સ્નેહસંબંધ સુરેખ રીતે ઉપસી શક્યો નથી તેનું એક કારણ આ છે. અમુક વિગતદોષ નિવારી શકાઈ હોત. જેમ કે, અપહરણ થતાં જ ભીક્ષામાં આપવા માટે સીતાએ લાવેલાં ફળો જમીન પર ફેકાઈ જાય છે. પછીના શોટમાં તમામ ફળો અદશ્ય છે. આ ફિલ્મનું ઈરિટેટિંગ પાસું એકધારું ચાલ્યાં કરતું કર્કશ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. મો઼ડર્ન ઓરકેસ્ટ્રેશન સાથે સારંગ દેવ પંડિતે કમ્પોઝ કરેલાં ગીતો અતિ સાધારણ છે.
હોલીવૂડની એનિમેશન ફિલ્મોની સરખામણીમાં ‘રામાયણ’માં ભલે ભાખોડિયા ભરે છે, પણ આખો દિવસ ટીવી પર ‘શીન ચેન’ અને ‘કિટરેત્સુ’ જેવા કંગાળ ચાઈનીઝ કાર્ટૂન સિરીઝો જોયા કરતાં બચ્ચાલોગને આ રંગબેરંગી ફિલ્મ બતાવવા જેવી છે. તેમની સાથે તેમનાં દાદાદાદી પણ ફિલ્મ એન્જોય કરી શકશે.
૦૦૦
No comments:
Post a Comment