Friday, October 29, 2010

રિવ્યુઃ દાયેં યા બાયેં

મિડ-ડે તા. ૩૦ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત




સ્વીટ અને સિમ્પલ


આ ભલે એવી મહાન ફિલ્મ ન હોય કે તમને તાત્કાલિક નેશનલ અવોર્ડ આપી દેવાનું મન થાય, પણ જો કશુંક સીધુંસાદું અને ‘હટ કે’ જોવું હોય તો આ ફિલ્મ તમારા માટે જ છે.


રેટિંગ ઃ અઢી સ્ટાર

-----------------------------------------



ભલું થજો મલ્ટિપ્લેક્સ કલ્ચરનું!



‘દાયેં યા બાયેં’ જેવી ફિલ્મ જોવાની તક મળે ત્યારે સિનેમાપ્રેમીના હ્યદયમાંથી દિલથી આવા આશીર્વાદ નીકળ્યા વગર ન રહે. અગાઉ કલ્પના પણ થઈ ન શકતી તેવા નિતનવા વિષયો પર આજે સરસ મજાની ફિલ્મો બની શકે છે, ડબ્બામાં પૂરાઈ રહેવાને બદલે કે માત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સ પૂરતી સીમિત રહેવાને બદલે તે રૂપાળાં મલ્ટિપ્લેક્સીસમાં રિલીઝ થાય છે અને તમે એયને બર્ગર-પેપ્સી-પોપકોર્નનો કોમ્બો લઈને તેને ટેસથી માણી પણ શકો છો. ‘દાયેં યા બાયેં’ નાનકડી ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મ છે, જે બોલીવૂડના ટિપિકલ મસાલાથી જોજનો દૂર છે. અહીં નથી હીરોહિરોઈન કારણ વગર લંડન-ન્યુયોર્કની સડકો પર ઝાટકા મારીમારીને ડાન્સ કરતાં, નથી લોહીના ફૂવારા ઉડતા કે નથી મુણી બદનામ થતી. અહીં ખૂબસુરત પહાડી ગામ છે, અસલી લોકો છે, સરળ વાર્તા છે અને ચહેરા પર સતત સ્મિત ફરકતું રહે તેવી શુદ્ધ હ્યુમર છે.



લાલ મોટર આવી....



ઉત્તરાંચલ રાજ્યનું કાંડા નામનું ખોબા જેવડું ગામ, જેમાં વસતો નાયક આદર્શવાદી કલાકાર જીવ છે. એ મુંબઈ ગયો હતો ફિલ્મો-સિરિયલો-ગીતો લખવા ને નામ કમાવા, પણ કંઈ મેળ ન પડ્યો એટલે ધોયેલા મૂળાની જેમ પાછો આવી જાય છે. મુંબઈથી તે પ્લાસ્ટિકના હાથા જેવું રમકડું લાવ્યો છે. રાતે ઓરડાના બારીબારણાં બંધ કરીને અને શર્ટ કાઢીને ઊલટો સૂઈ જાય એટલે પત્ની પેલા હાથા વડે તેની પીઠ ખંજવાળી આપે. એક દિવસ કોઈ ટીવી કોન્ટેસ્ટમાં લાલચટાક લકઝરી કાર માટે હીરો એક જોડકણું લખી મોકલે છે ને ઈનામ જીતી જાય છે. ઈનામ એટલે કાર પોતે. જે ગામમાં કદાચ મોટરસાઈકલ પણ નથી ત્યાં આવડી મોટી અસલી મોટર આવી જતાં ધમાલ મચી જાય છે. હીરોએ તેને બજારની વચ્ચોવચ્ચ પાર્ક કરી રાખવી પડે છે, કારણ કે ઊંચાઈ પર આવેલા તેના ઘર સુધી પહોંચવા માટે પાતળી પગદંડી પર કાર જઈ શકે તેમ જ નથી. શરૂઆતમાં તો આનંદ આનંદ થઈ જાય છે, પણ બહુ જલદી એકલા હીરોને જ નહીં, બલકે આખા ગામને સમજાય જાય છે કે આ કાર રાખવી એ તો ધોળો હાથી પાળવા કરતાંય વસમું કામ છે. પછી ?



નરી નિર્દોષતા



ફિલ્મ બેલા નેગીએ લખી પણ છે અને ડિરેક્ટ પણ કરી છે. ફિલ્મના આખેઆખા પેકેજમાં થયેલો અસલી ભારતીય વઘાર ફિલ્મની જાન છે. પાત્રાલેખન મજાનાં થયાં છે. વર હવે કાયમ માટે મુંબઈથી પાછો આવી ગયો છે તે સમજાતાં હીરોની પત્નીને ફ્રસ્ટ્રેશનનો પાર નથી. વર બાપડો બેઠો બેઠો વાંસળી વગાડે તે એ પણ તેનાથી સહન થતું નથી. એ તરત છણકો કરશે, ‘બાંસુરી મત મજાઓ,ઘર મેં સાંપ આ જાતે હૈં....’ હીરોની સાળી ગામના એક નવરાધૂપ બેવડા છોકરા સાથે નયનમટકા અને ચિટ્ઠીચપાટી કરે છે. છોકરીને પેલી મોટરમાં ભગાડીને લઈ જવા માટે છોકરો ખાસ ચોરીછૂપીથી ડ્રાઈવિંગના ક્લાસ લે છે. જે નિશાળમાં હીરો ભણાવે છે ત્યાં ત્રણ કમ્પ્યુટર છે, પણ હરામ બરાબર કોઈને ચાલુ કરતાં પણ આવડતું હોય તો. નિશાળના ઉત્સાહી પ્રિન્સિપાલ શેક્સપિયરની અમર કૃતિ ‘હેમલેટ’ને ‘હેલ્મેટ’ કહે છે અને ભૂગોળ ભણાવતાં શિક્ષિકા વિદ્યાર્થીને ચાલુ ક્લાસે પોતાનું સ્વેટર ગૂંથવા બેસાડી દે છે. હીરોનું વિચિત્ર જીન્સનો ઘરમાંથી બહાર ઘા થઈ જાય છે. પછીના શોટમાં આપણે જોઈએ છે કે કોઈ ખેતરમાં ચાડિયો આ જ પેન્ટ પહેરીને ઊભો છે. આવી તો ઘણી મોમેન્ટ્સ છે. રમૂજ અને વ્યંગ માટેની એક પણ જગ્યા ડિરેક્ટરે છૂટવા દીધી નથી.



ગામમાં કાર આવે છે પછી વાતને વળ ચડે છે. મોટરના કોઈએ કલ્પના પણ કરી ન હોય તેવા ઉપયોગો થાય છે.. રાઈટર-ડિરેક્ટરની પ્રકૃતિ નિરાંતે વાર્તા કરવાની છે. તેને લીધે જોકે સેકન્ડ હાફમાં ફિલ્મ ધીમી પડી જાય છે. ફિલ્મના ટેકિનકલ પાસાં આશ્ચર્ય થાય એટલી હદે સારાં છે. સિનેમેટોગ્રાફરે ખૂબસૂરત પિક્ચર પોસ્ટકાર્ડ જેવું ગામ, તેનાં મકાનો અને આસપાસના ઈલાકા ખૂબસૂરતીથી ઝીલ્યાં છે. શાર્પ એડિટિંગ ફિલ્મની અપીલ તીક્ષ્ણ બનાવે છે.



હીરો તરીકે ટેલેન્ટેડ દીપક ડોબ્રિયલ છે. દીપકને આપણે ‘મકબૂલ’, ‘ઓમકારા’ અને ‘ગુલાલ’ જેવી ફિલ્મોમાં જોયો છે. અહીં તેણે નાયકની આદર્શ હીરોગીરી, છટપટાહટ અને ખુદ્દારી જેવા ભાવોને હાસ્યરસમાં ઝબોળીઝબોળીને સરસ ઊપસાવ્યા છે. લાલલાલ ટમેટા જેવા ગાલવાળો દીકરો બનતો બાળકલાકાર ભારે ક્યુટ છે. પૂરક પાત્રોમાં લેવાયેલા મોટા ભાગના અજાણ્યા કલાકારો સક્ષમ પૂરવાર થાય છે.



‘દાયેં યા બાયેં’ કંઈ એવી મહાન નથી તમને તાત્કાલિક નેશનલ અવોર્ડ આપી દેવાનું મન થાય, પણ જો તમારે કશુંક સિમ્પલ પણ સરસ અને ‘હટ કે’ જોવું હોય તો આ ફિલ્મ તમારા માટે છે. બાકી જો રેગ્યુલર હિન્દી ફિલ્મો વગર તમારી મનોરંજનભૂખનો ઉધ્ધાર થવાનો ન હોય તો એક વીક સુધી થોભી જવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.



૦૦૦

No comments:

Post a Comment