Wednesday, December 11, 2019

હેલ્મેટ ન પહેરવાનું શૂરાતન


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 11 ડિસેમ્બર 2019, બુધવાર
ટેક ઓફ 
હેલ્મેટ પહેરો જ. સરકાર નિયમ રાખે કે કાઢે તેનાથી કશો ફર્ક પડવો ન જોઈએ.

હેલ્મેટ પહેરવાના નિયમના મામલે હમણાં જે હો-હા થઈ તેના સંદર્ભમાં ન્યુ યોર્ક શહેરમાં બનેલો એક કિસ્સો સાંભવવા જેવો છે. ફિલિપ કોન્ટોસ નામનો એક પંચાવન વર્ષીય અમેરિકન. એને ઉઘાડા માથે બાઇક ચલાવવાનો ભારે શોખ. બાઇકર્સના એક ગ્રુપનો એ લીડર પણ હતો. 550 સભ્યોવાળા આ ગ્રુપનું નામ હતું, અમેરિકન બાઇકર્સ એઇમ્ડ ટુવર્ડ્ઝ એજ્યુકેશન. ફિલિપની જેમ આ ગ્રુપના ભાઈલોગને પણ હેલ્મેટ પહેરવી જરાય ન ગમે. ફિલિપ અને એના સાથીઓએ જોરશોરથી એક ઝુંબેશ આદરી હતી – હેલ્મેટમુક્તિ ઝુંબેશ. એમની ડિમાન્ડ હતી કે ન્યુ યૉર્ક સ્ટેટમાંથી હેલ્મેટ પહેરવાનો કાયદો કાઢી નાખો. નથી પહેરવી અમારે હેલ્મેટ, જાઓ.
બન્યું એવું કે એક વાર હાર્લી ડેવિડસન બ્રાન્ડની બાઇક ચલાવતી વખતે ફિલિપ કશાક કારણસર ઊથલીને ઊંધેકાન પછડાયો. એનું માથું ફૂટપાથની ધાર પર જોરથી ટીચાયું. એને તાત્કાલિક હોસ્પિટલભેગો કરવામાં આવ્યો, રસ્તામાં જ એનો જીવ ઊડી ગયો. ડૉક્ટરે કહ્યું, જો ફિલિપે હેલ્મેટ પહેર્યું હોત તો એ બચી ગયો હોત. હેલ્મેટનો વિરોધ કરનારો આદમી હેલ્મેટ ન પહેરવાને કારણે જ મર્યો. અમેરિકન મિડીયામાં આ ઘટના વિશે પછી ખૂબ લખાયું અને ચર્ચાયું.   
ગુજરાતીઓને, ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓને, ફોર ધેટ મેટર, કોઈ પણ વ્યક્તિને હેલ્મેટ પહેરવા સામે વાંધો શા માટે હોવો જોઈએ એ જ સમજાતું નથી. શા માટે આપણને જાહેર જીવનના સીધાસાદા નિયમોનું પાલન કરવામાં ઝાટકા લાગે છે? શા માટે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી વખતે જાણે મોટું પરાક્રમ કરી નાખ્યું હોય એવો રોમાંચ થાય છે? હેલ્મેટ ન પહેરવાનાં બેવકૂફ બહાનાં ને તર્કહીન કારણો સાંભળીને ખરેખર ચક્કર આવી જાય છે. હેલ્મેટ પહેરવાનું ફાવતું નથી, કારણ કે માથું ભારે થઈ જાય છે, શ્વાસ લેવાતો નથી. હેરસ્ટાઇલ ખરાબ થઈ જાય છે, ચશ્માં ઊતારીને પાછાં પહેરવાં પડે છે, ઘોડાને ડાબલાં પહેરાવ્યા પછી તે માત્ર આગળ જ જોઈ શકે એમ અમને માત્ર આગળનું દશ્ય જ દેખાય છે, સાઇડમાં શું ચાલી રહ્યું છે તે સમજાતું નથી.
અરે સાહેબ, ભગવાને ગરદન શા માટે આપી છે? જરા ગરદનને ડાબે-જમણે ઘુમાવવાનું કષ્ટ લોને! કોઈ વળી કહેશે કે સ્કૂટર પાર્ક કર્યા પછી હેલ્મેટને સાથે સાથે ફેરવવી પડે ત્યારે કાખમાં જાણે છોકરું તેડ્યું હોય એવું લાગે છે! અરે? હેલ્મેટ સાથે સાથે શા માટે ફેરવો છો, મહાશય? એક સાદું લૉક ખરીદેને હેલ્મેટને બાઇક સાથે બાંધી કેમ દેતા નથી?
જરાક અમથો વિરોધ થયો ત્યાં ગુજરાતની ઢીલી સરકારે ફટાક્ કરતું જાહેર કરી નાખ્યુઃ તમતમારે કાઢી નાખો હેલ્મેટ. તમારું માથું સુરક્ષિત ન રહે તો અમને કશો વાંધો નથી. બસ, આવતા વર્ષે ગુજરાતનાં છ શહેરોમાં યોજાનારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચુંટણીમાં અમને કશો વાંધો ન આવવો જોઈએ.
શાબાશ!
રાજકોટવાસીઓની જેમ પુનાના રહેવાસીઓને પણ હેલ્મેટ સામે કોણ જાણે શું દુશ્મની છે. તેઓ ક્યાં કારણસર હેલ્મેટનો વિરોધ કરે છે તે સમજવા માટે વચ્ચે એક સર્વે કરાવવામાં આવ્યો હતો. 29 ટકા પુનાવાસીઓએ કહ્યું કે અમને હેલ્મેટ પહેરવાનું ફાવતું નથી, 13 ટકા લોકોએ કહ્યું કે અમને મોંઘીદાટ હેલ્મેટ ખરીદવી પોસાતી નથી, 16 ટકા લોકોનું કહેવું હતું કે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે જ નહીં અને બાકીના 22 ટકા લોકોએ કારણ આપ્યું કે બસ, અમને ખુલ્લા માથે ફરવાની આદત છે જે અમે બદલવા માગતા નથી.
આદત બદલી શકે છે, બદલવી જ જોઈએ. આદર્શ સ્થિતિ તો એ છે કે માત્ર ટુ-વ્હીલર ચલાવનાર જ નહીં, એની પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવી જોઈએ. દિલ્હી અને અન્ય અમુક શહેરોમાં બાઇકચાલક અને એની પાછળ બેસનાર એમ બન્ને વ્યક્તિ હેલ્મેટ પહેરે જ છે. એક્સિડન્ટ થઈ જાય તો જરૂરી નથી કે દર વખતે માથું ફાટી જ જાય, પણ જો નસીબ સારાં ન હોય તો મામલો બગડી શકે છે. સ્કૂટર યા બાઇક પરથી ફેંકાઈ ગયા પછી માથું જમીન, સડક કે ફૂટપાથ સાથે જોરથી અફળાય ત્યારે બ્રેઇન (મગજ) ઝાટકા સાથે આગળ ખસીને ખોપડીના હાડકાં સાથે જોરથી અથડાય છે. તેને કારણે મગજની ચેતાઓ ફાટી જઈ શકે, એને નુક્સાન થઈ શકે. આ નુક્સાન ક્યારેક એટલું ગંભીર હોય કે માણસનો જીવ જઈ શકે.

કાર ઠોકાય ત્યારે સૌથી પહેલું નુક્સાન કારને થાય છે, એની અંદર બેઠેલા માણસોને નહીં. જો એક્સિડન્ટ અત્યંત ખરતનાક હોય તો જ કારમાં મુસાફરી કરનારાઓનો પ્રાણ જાય છે. સાઇકલ, બાઇક કે સ્કૂટર ફરતે કશું આવરણ હોતું નથી. આથી જ રસ્તા પર ટુ-વ્હીલર ચલાવનારાઓ પર સૌથી વધારે જોખમ ઝળુંબતું હોય છે. ભારતમાં દર વર્ષે રોડ એક્સિડન્ટ્સમાં એક લાખ કરતાં વધારે લોકોનાં મોત થાય છે. આમાંથી લગભગ પા ભાગના મોત ટુ-વ્હીલરચાલકોનાં હોય છે.  નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો નોંધે છે કે એકલા 2015માં ભારતમાં 43,540 બાઇક યા સ્કૂટરચાલકોનાં મોત થયાં હતાં, જે તે વર્ષે થયેલાં તમામ પ્રકારના રોડ એક્સિડન્ટ્સનો આ 23 ટકા હિસ્સો હતો. અભ્યાસ કહે છે કે મૃત્યુ પામતા દર દસમાંથી ચાર બાઇકચાલકોનો એટલે કે 40 ટકા લોકોનો જીવ બચી શકે તેમ હોય છે, જો તેમણે હેલ્મેટ પહેરી હોય તો.
હેલ્મેટ પહેરી હોય તો પણ માણસ મરી શકે છે, કેમ કે એક્સિડન્ટમાં મૃત્યુ થવા પાછળ એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. મોટર વેહિકલ એક્ટ, 1988ના સેક્શન 129માં કહેવાયું છે તેમ, આઇએસઆઇનો માકો ધરાવતી હેલ્મેટની જાડાઈ 20-25 મિલીમીટર હોવી જોઈએ અને અંદરની સપાટી પર ફૉમનું વ્યવસ્થિત આવરણ હોવું જોઈએ. ઘણા સ્કૂટર-બાઇકચાલકો હેલ્મેટનો બેલ્ટ બાંધતા નથી. તે પણ ખોટું છે. માણસ બાઇક પરથી પછડાય ને તે સાથે જ બેલ્ટ વગરની હેલ્મેટ દૂર ફંગોળાઈ જાય તો એનો કશો મતલબ રહેતો નથી.
એક બાજુ હેલ્મેટનો વિરોધ થાય છે ને નમાલી સરકાર ઝુકી જાય ત્યારે જોરશોરથી વિજયનાદ કરવામાં આવે છે. બીજી બાજુ, મુકુલ જોશી જેવા સજ્જન છે, જે હેલ્મેટ વિશે જાગૃતિ ફેલાવવા વર્ષો સુધી લાગલગાટ પ્રયત્નો કરતા રહે છે. ટ્રાફિક બાબા તરીકે ઓળખાતા આ નોઇડાવાસી સિનિયર સિટીઝનનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું ત્યારે તેઓ નવેસરથી મીડિયામાં ચમક્યા હતા. 2003ના દિવાળીના દિવસોમાં એક એવી ઘટના બની જેણે મુકુલજીને હલાવી નાખ્યા હતા. અમના ખાસ દોસ્તનો અઢાર વર્ષનો દીકરો સ્કૂટર લઈને ફનફેરમાં ગયેલો. તે પછી ક્યારેય પાછો ન આવ્યો. ભયાનક રોડ એક્સિડન્ટમાં એનું મોત થઈ ગયું. સ્પષ્ટ હતું કે જો એણે હેલ્મેટ પહેરી હોત તો એનો જીવ મોટે ભાગે બચી ગયો હોત.
ફેબ્રુઆરી 2004થી મુકુલ જોશીએ એક પ્રવૃત્તિ શરૂ કરી. એક પોર્ટેબલ લાઉડસ્પીકર લઈને તેઓ નોઇડાના કોઈ પણ ભરચક ભીડવાળા ટ્રાફિક જંક્શન પર પગપાળા પહોંચી જાય અને માઇક પર બોલવાનું શરૂ કરે, ધ્યાન સે સુનો... ઘર પર આપ કા કોઈ ઇંતઝાર કર રહા હૈ... યાતાયાત કે નિયમોં કા પાલન કીજિયે ઔર સુરક્ષિત ઘર પહુંચીએ... આમ બોલતાં બોલતાં તેઓ રેડ સિગ્નલ પાસે ઊભેલા બાઇક અને સ્કૂટરચાલકોને ચોપાનિયાં વહેંચતા જાય. આ ચોપાનિયાંમાં ટ્રાફિકના નિયમો અને ખાસ તો હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે વિગતવાર લખ્યું હોય.
શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કોઈ પાગલ માણસ લાગે છે, પણ ધીમે ધીમે સમજાતું ગયું કે આ તો નિઃસ્વાર્થભાવે થતી પ્રવૃત્તિ છે. મુકુલજી ગાંઠનું ગોપીચંદન કરીને પોતાના પેન્શનના પૈસામાંથી ચોપાનિયાં છપાવે, લોકોમાં તે વહેંચે અને સૌને હેલ્મેટ પહેરવાનો આગ્રહ કરે. મુકુલ જોશીએ લાગલગાટ તેર વર્ષ આ પ્રવૃત્તિ કરી. તેમનું કહેલું હતું કે જો મારા પ્રયત્નોને કારણે કમસે કમ બે-ચાર જિંદગી પણ બચે તો પણ મારી મહેનત લેખે લાગી ગણાશે. એમની મહેનત લેખે લાગી પણ ખરી. એક વાર એક આખો પરિવાર એમને મળવા આવ્યો. પરિવારના વડીલે કહ્યું કે બે દિવસ પહેલાં જ મારા દીકરાનો ગંભીર અકસ્માત થયો, પણ તે બચી ગયો કેમ કે તેણે હેલ્મેટ પહેરી હતી.  તમારી સમજાવટ પછી જ મારા દીકરાએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું હતું ને એટલે અમે સૌ તમારો આભાર માનવા આવ્યા છીએ!
માનવજીવન અત્યંત કિમતી છે. એક માણસ મૃત્યુ પામે છે ત્યારે એની સાથે સાથે કેટલાંય સપનાં રોળાઈ જાય છે, આખો પરિવાર અને એમનું ભવિષ્ય ખળભળી ઉઠે છે. હેલ્મેટ પહેરો જ. સરકાર નિયમ રાખે કે કાઢે તેનાથી કશો ફર્ક પડવો ન જોઈએ.        
 0 0 0 


Tuesday, December 3, 2019

જપાનીઓ સો વર્ષ સુધી સુખી અને સક્રિય કેવી રીતે રહે છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 4 ડિસેમ્બર 2019, બુધવાર
ટેક ઓફ
   'સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.'



બે લેખક દોસ્તારો. એક રહે સ્પેનનાં બાર્સીલોના શહેરમાં ને બીજો રહે જપાની શહેર ટોકિયોમાં. બન્ને એકબીજાનાં કામથી પરિચિત, પણ મળવાનું ભાગ્યે જ બને. આખરે એક દિવસ એમનો મેળાપ થયો. બન્ને વાતોએ વળગ્યા. સાઇકોલૉજી, વેસ્ટર્ન ફિલોસૉફી વગેરેની ચર્ચા થઈ. વાતવાતમાં એક જપાની શબ્દ ઊભર્યોઃ ઇકીગાઈ. આ શબ્દનો અર્થ થાય છે, હંમેશાં સક્રિય રહેવાનો આનંદ. બીજા શબ્દોમાં કહીએ તો, જીવનનો ઉદ્દેશ યા તો પછી સુખી જીવન જીવવાની ચાવી.

જપાનીઓ સામાન્યપણે લાંબું જીવે છે તે આપણે જાણીએ છીએ. દક્ષિણ જપાનમાં ઓકિનાવા નામનો નાના નાના ટાપુઓનો એક સમૂહ છે. કુલ વસ્તી હશે 14.5 લાખ જેટલી. અહીં વસતા દર સો માણસોમાંથી 24 વ્યક્તિઓની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે! દુનિયાના કોઈ પણ હિસ્સા કરતાં આ ઓકિનાવાના નાગરિકોની સરેરાશ ઉંમર વધારે છે. આનું કારણ શું? આ પ્રશ્નનો ઉત્તર શોધવા ઘણાં સંશોધનો થયાં છે. સાદું તારણ એવું નીકળ્યું છે કે પૌષ્ટિક ખાણીપીણી, સરળ જીવન, સમૂહમાં હળીમળીને રહેવાની વૃત્તિ અને સારું હવામાન – આ છે એમના લાંબા અને સુખી જીવનનું રાઝ.

આ બન્ને લેખકોને થયું કે એમ નહીં, આપણે આ વિષયમાં વધારે ઊંડા ઊતરીએ. તેમણે પ્લાન ઘડી કાઢ્યો. ડાયરી-પેન અને કૅમેરા લઈને તેઓ ઓકિનાવા પહોંચી ગયા. સો વર્ષ વટાવી ચુકેલાં સો તંદુરસ્ત સ્ત્રી-પુરુષોના તેમણે લાંબા ઇન્ટરવ્યુ કર્યા. સૌને પૂછ્યું કે તમારા દીર્ઘ અને સુખી જીવનનું રહસ્ય શું છે? ગામમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. લેખકોએ જોયું કે આ તમામ સુપર સિનિયરો ખુશખુશાલ છે. બધા ખૂબ હસમુખા અને હૂંફાળા છે, સતત ખુદની અને એકમેકની મજાક કર્યા કરે છે. તેમનામાંથી જાણે કે ક્યારેય ન ખતમ થતા આનંદનો અખૂટ ઝરો વહે છે. જાણે કે તેઓ કશુંક ભાળી ગયા છે.

જે સો લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તે તમામેતમામ ઘરમાં શાકભાજી ઊગાડતાં હતા. સૌ કોઈને કોઈ સામાજિક મંડળ કે મિત્રમંડળના સભ્ય હતા, સામાજિક સ્તરે એક્ટિવ હતા. આ સોશિયલ ગ્રુપ્સમાં એમને પરિવાર જેવી જ હૂંફનો અનુભવ થતો હતો. તેઓ હંમેશાં સેલિબ્રેટ કર્યા કરતા. કાં કોઈનો બર્થડે હોય, કાં કોઈક તહેવાર હોય. તેમનું નાચવા-ગાવાનું ચાલતું જ હોય. સંગીત અને નાચગાના જાણે કે એમના દૈનિક જીવનનો એક ભાગ બની ગયો હતો. નાનામાં નાનું કામ પણ તેઓ ખૂબ ઉમંગથી કરે. તેમને પોતાના કલ્ચર અને પરંપરાઓ પ્રત્યે ખૂબ માન. મજાની વાત એ છે કે કોઈ નિષ્ક્રિય ન બેસે. તેઓ તમને સતત બિઝી દેખાય.

સૌની સાથે વાતચીત કરીને, જે કંઈ સામગ્રી મળી એનું વ્યવસ્થિત સંપાદન કરીને વિક્ટર ગાર્શિયા અને ફ્રાન્સિસ મિરેલ્સ નામના આ લેખકોએ સંયુક્તપણે એક અંગ્રેજી પુસ્તક લખ્યુઃ ઇકીગાઈઃ ધ જપાનીઝ સિક્રેટ ટુ અ લોન્ગ એન્ડ હૅપી લાઇફ. 


જીવનમાં માત્ર વર્ષો ઉમેરતાં જવાનો કશો મતલબ હોતો નથી. આપણે વધારે જીવીએ, પણ દુખી થઈને જીવીએ, બીમાર થઈને જીવીએ, પરિવાર પર બોજ બનીને જીવીએ તો તેમાં કશો અર્થ નથી. તન-મન પૂરેપૂરાં સુખી અને સ્વસ્થ હોય તો જ દીર્ઘ આયુષ્ય સાર્થક બને. તો શું છે લાંબી અને આનંદપૂર્ણ જિંદગી જીવવાનું રહસ્ય? આ રહી પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલી ટિપ્સ. હવે પછીના શબ્દો ઓકિનાવાના અલગ અલગ સુપર સિનિયર સિટીઝનના છે. નામનું મહત્ત્વ નથી. તેઓ શું કહે છે તે ધ્યાનથી સાંભળોઃ                
-     - સુખી અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે, ચિંતા નહીં કરવાની. મનથી, દિલથી યુવાન રહેવાનું. બુઢા જેવા વિચારો કે લાગણીઓને નજીક ફરકવા પણ નહીં દેવાની. ખડૂસ નહીં બનો. કોઈની પણ સાથે વાત કરો તો દિલથી વાત કરો, ચહેરા પર સ્મિત લાવીને વાત કરો. જો તમે હસમુખા હશો તો તમારા પૌત્રો, પ્રપૌત્રો સહિત સૌ કોઈના પ્રિય બની શકશો.

-     - અજંપો જેવું લાગતું હોય, મન ઊચ્ચક થઈ ગયું હોય તો તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, ઘરમાંથી બહાર નીકળીને શેરીમાં આવી જાઓ. આવતા-જતાં સૌ કોઈને કેમ છો? મજામાં?’ કહો. સૌ સાથે હળોમળો. હું આવું રોજ કરું છું. પછી ઘરે આવીને મેં ઊગાડેલા શાકભાજી અને ફળફળાદિની સારસંભાળ લઉં છું. બપોરે મારા દોસ્તારો સાથે સમય પસાર કરું છું.

-    -  હું રોજ સવારે છ વાગે ઊઠીને પહેલું કામ બારીનો પડદો હડસેલી મારા બગીચામાં નજર ફેરવવાનું કરું છું. પછી બહાર જઈ છોડવાઓને પાણી પાઉં છું. બગીચામાં એક કલાક પસાર કરું એટલે હું રિલેક્સ થઈ જાઉં. પછી હું ઘરમાં જઈ મારા માટે સવારનો નાસ્તો તૈયાર કરું.

-     - મોટી ઉંમરે દિમાગ સતેજ રાખવાની ચાવી તમારી આંગળીઓમાં છે. યાદ રાખો, તમારી આંગળીઓ અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં સુધી તમારી આંગળીઓ એટલે કે હાથ ચાલતા રહેશે ત્યાં સુધી તમારાં તન-મનની ચુસ્તીદુરસ્તી જળવાઈ રહેશે.

-     - હું રોજ સવારે ચાર વાગે એલાર્મ વાગતાં જ ઉઠી જાઉં છું. પછી કૉફી બનાવીને પીઉં, હાથ ઊંચાનીચા કરું, બીજી કસરત કરું. આમ કરવાથી મારામાં આખો દિવસ એક્ટિવ રહેવાની એનર્જી આવી જાય છે.      
-     - કામ કરો, કામ કરો, કામ કરો. જો તમે એક્ટિવ નહીં રહો તો તમારું શરીર અને મન, બન્ને તંત્ર ખોરવાઈ જશે.

-     - હું રોજ સવારે ઉઠીને મારા બાપ-દાદાઓની તસવીરો સામે અગરબત્તી કરું છું. તમારે તમારા પૂર્વજોને ક્યારેય ભુલવા ન જોઈએ. દિવસમાં પહેલું કામ હું એમના પ્રત્યે કૃતાર્થતા વ્યક્ત કરવાનું કરું છું.


-    -  હું રોજ સવારે ઘરમાં એક્સરસાઇઝ કરું છું. થોડુંક ચાલવા પણ જાઉં છું.

-     - શાકભાજી ખાઓ. મને લાગે છે કે મારા દીર્ઘાયુષનું આ જ રહસ્ય છે.  

-    - સુખી અને લાંબું જીવન જીવવું હોય તો આ ત્રણ વસ્તુ કરવીઃ નિયમિત કસરત, પૌષ્ટિક ભોજન અને લોકો સાથે હળવુંમળવું.

-     - મારા જીવનનો સૌથી મોટો ઉદ્દેશ જ આ છે – દોસ્તો સાથે સમય વીતાવવો. અમે બધા રોજ ભેગા થઈને દુનિયાભરની વાતો કરીએ છીએ. મને ખબર હોય છે કે આ બધા મને રોજ મળવાના છે. મારા જીવનનો આ સૌથી મોટો સધિયારો છે.

-     - તમે જેમને ચાહતા હો તે સ્વજનો અને પ્રિયજનો સાથે રોજ વાતચીત કરવી – આ છે દીર્ઘાયુષનું રહસ્ય.

-     - હું રોજ સવારે સાડાસાતે ઘરની બહાર શેરીમાં ખુરસી નાખીને બેસું છું. પછી રસ્તે આવતાં-જતાં લોકોનું હાથ હલાવીને, હસીને અભિવાદન કરું. કેમ છો – કેમ નહીં કરું. સ્કૂલે જતાં બાળકોને સંભાળીને જજો, હં એવું કહું. એકાદ કલાક પછી ઘરમાં જઈને મારાં કામે વળગી જાઉં.

-     - મારી દિનચર્યા કંઈક આવી છે. રોજ સવારે પાંચ વાગ્યે હું ઘરની બહાર નીકળી જાઉં. કલાક-દોઢ કલાક ચાલું. પછી સીધો મારા મિત્રને ઘરે જાઉં. અમે સાથે ચા-પાણી કરીએ. લાંબા આયુષ્યનું આ જ તો સિક્રેટ છે – લોકો સાથે હળીમળીને આનંદ કરવાનો ને ફરતાં રહેવાનું.      

-     - હું રોજ હું મારી જાતને કહું છું, મારો આજનો દિવસ એકદમ મજામાં જવાનો, મારી તબિયત ટનાટન રહેવાની. હું આજે પણ ભરપૂર જીવીશ.

-     - હું એકસો બે વર્ષનો થયો, પણ મને નથી લાગતું કે હું વૃદ્ધ છું. મારે તો હજુ કેટલું બધું કરવાનું બાકી છે.

-     - હસો. હસતા રહો. હસવા કરતાં વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી.

-     - તમારાં પૌત્રો અને પ્રપૌત્રો સાથે નાચો, ગાઓ, રમો. જીવનમાં આનાથી વધારે સુંદર બીજું કશું જ નથી.

-     - હું બીજાઓને કામ આવું છું, સ્વયંસેવક તરીકે કામ કરું છું. જેમ કે, કોઈ બીમાર હોય તો મારી કારમાં એને હોસ્પિટલે લઈ જઉં, વગેરે. સમાજે મને ખૂબ આપ્યું છે. મારે હવે સમાજ માટે મારાથી થાય એટલું કરવું છે.   

કેટલી સીધીસાદી અને સરળ વાતો. ન કોઈ ભારેખમ ફિલોસૉફી, ન કોઈ હાઇ ફન્ડા થિયરી. આપણે નાહકનું બધું ગૂંચવી મારતા હોઈએ છીએ. બાકી જીવનનાં મહાનતમ સત્યો ખરેખર સૌથી સરળ હોય છે એવું તમને પણ નથી લાગતું? 

0 0 0 



Wednesday, November 27, 2019

મને જૂની લડાઈઓમાં નહીં, નવાં યુદ્ધોમાં રસ છે!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 27 Nov 2019 બુધવાર 
ટેક ઓફ 
'નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.

પણે હજુ ભારતીય કુળના સુપર સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર)ની વાત માંડી જ હતી ત્યાં ઑર એક સરસ ન્યુઝ આવ્યા છે. પ્રતિષ્ઠિત ફૉર્ચ્યુન મૅગેઝિને માઇક્રોસોફ્ટના હૈદરાબાદી સીઇઓ સત્યા નડેલાને બિઝનેસપર્સન ઑફ ધ યર 2019 ઘોષિત કર્યા છે. થોડા દિવસો પહેલાં હાર્વર્ડ બિઝનેસ રિવ્યુએ વર્લ્ડક્લાસ કંપનીઓ ચલાવતા દુનિયાના સો સર્વશ્રેષ્ઠ સીઈઓની સૂચિ બહાર પાડી હતી, જેમાં ત્રણ નૉન રેસિડન્ટ ઇન્ડિયન્સ ટૉપ-ટેનમાં સ્થાન પામ્યા છે -   અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). અજય બંગાના સક્સેસ ફન્ડા વિશે આપણે ગયા બુધવારે વિગતે વાત કરી હતી. આજે બાકીના બે સીઈઓનો વારો.
કમ્પ્યુટર સાથે પનારો પડતો હશે તે વાચકો ફોટોશોપ સોફ્ટવેર અને પીડીઓફ ફાઇલથી સારી રીતે પરિચિત હોવાના. આ બન્ને અડોબી કંપનીની પ્રોડક્ટ્સ છે. આ સિવાય ઇલસ્ટ્રેટર, પેજમેકર, ઇનડિઝાઇન, પ્રીમિયર પ્રો જેવાં અડોબી કંપનીનાં બીજાં કેટલાંય સોફ્ટવેર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. 2007માં અડોબીના સીઇઓ બનેલા શાંતનુ નારાયણનો સૌથી મોટો સિદ્ધાંત આ છેઃ પ્રિઝર્વીંગ સ્ટેટસ કૉ ઇઝ નોટ અ વિનિંગ બિઝનેસ સ્ટ્રૅટેજી. આનો અર્થ છે, જે છે, જેટલું છે એટલું સાચવીને બેસી રહેવાથી જંગ જીતી શકાશે નહીં. સમયની સાથે બદલાવ તો લાવવો જ પડે.
શાંતનુ સીઈઓ બન્યા તે પહેલાં પણ અડોબી કંપની ફોટોશોપ, પેજમેકર જેવા સોફ્ટવેર વેચતી જ હતી. એક વાર ગ્રાહકને સોફ્ટવેરનું બૉક્સ વેચીને પછી ભૂલી જવાનું. માત્ર અડોબી જ નહીં, સોફ્ટવેર બનાવતી તમામ કંપનીઓ આમ જ કરતી હતી. અડોબીના વડા બન્યા પછી શાંતનુએ નિર્ણય લીધો કે આપણે પ્રોડક્ટ્સ નહીં, પણ સબસ્ક્રિપ્શન (લવાજમ) વેચીશું. ગ્રાહકો લવાજમ ભરે એટલે અમુક સમયગાળા માટે જ તેઓ આપણા ફોટોશોપ અને અન્ય સોફ્ટવેર વાપરી શકે. આપણે ગ્રાહકો સાથે સતત રિમોટલી જોડાયેલા રહેવાનું. સમયમર્યાદા પૂરી થાય એટલે ગ્રાહકો નવેસરથી લવાજમ ભરવું પડે. લવાજમ ન ભરે તો તેઓ સોફ્ટવેર ન વાપરી શકે.

અગાઉ આવું કોઈએ ક્યારેય કર્યું નહોતું. સોફ્ટવેર્સનાં વેચાણની આખેઆખી સ્ટ્રૅટેજીને ધરમૂળથી બદલી નાખવામાં ખૂબ મોટું જોખમ હતું, પણ શાંતનુએ પોતાની ટીમને કન્વિન્સ કરી. નિર્ણય અમલમાં મૂકાયો. અડોબીએ દાખલ કરેલું આ સબસ્ક્રિપ્શન મૉડલ એટલું બધું સફળ નીવડ્યું કે સોફ્ટવેરની દુનિયા ખળભળી ગઈ. ડિજિટલ માર્કેટિંગની આખી નવી બજાર ખૂલી ગઈ. માઇક્રોસોફ્ટ જેવી આઇટી સેક્ટરની જાયન્ટ કંપનીએ સુધ્ધાં આ મોડલ અપનાવવું પડ્યું. શાંતનુએ વર્ષો પહેલાં ભવિષ્ય ભાખેલું કે આવનારો સમય ડિજિટલ માર્કેટિંગનો હશે. એમની ભવિષ્યવાણી યથાતથ સાચી પડી છે.
શાંતનુ નારાયણ ડિસેમ્બર 2007માં અડોબીના સીઈઓ બન્યા તે પછી કંપનીના શેરમાં 600 ટકા ઉછાળો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 24 બિલિયન ડૉલર હતું. શાંતનુએ સંચાલન સંભાળ્યું પછી આ આંકડો વધીને 125 બિલિયન ડૉલર (8960 અબજ રૂપિયા)ને સ્પર્શી ગયો છે.
શાંતનુ નાના હતા ત્યારથી એમનામાં પાર વગરની કુતૂહલવૃત્તિ હતી. તેમની ઇચ્છા પત્રકાર બનવાની હતી. તેઓ જોકે બન્યા એન્જીનિયર, પણ એમની કુતૂહલવૃત્તિ આજ સુધી યથાવત્ રહી છે. તેઓ કહે છે, અમે તો છીએ જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના બિઝનેસમાં. ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી (બૌદ્ધિક ઉત્સુકતા)ને, નવા પ્રયોગોને અને અખતરાઓને અમે ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ. 
શાંતનુ નારાયણે ગયા વર્ષે લાસ વેગાસમાં અડોબી કંપનીના તેર હજાર કર્મચારીઓ માટે એક વિરાટ સંમેલન યોજ્યું હતું. તેમાં એમણે કહેલી એક વાત સોફ્ટવેર સિવાયની પ્રોડક્ટ્સને પણ લાગુ પડે તેવી છે. તેમણે કહ્યું હતું કે, એક જ પ્રકારની વસ્તુ જુદી જુદી કેટલીય કંપનીઓ બનાવતી હોય છે. આ બધી પ્રોડક્ટસની ગુણવત્તામાં કંઈ ઝાઝો ફર્ક હોતો નથી. આજે લોકો એક્સપિરીયન્સ ખરીદે છે, પ્રોડક્ટ નહીં. તમારી પ્રોડક્ટ વાપરતી વખતે ગ્રાહકને મજા આવવી જોઈએ. તેમને પ્રોડક્ટ વિશેની અમુક જ વિગતો યાદ રહેશે, પણ પ્રોડક્ટ વાપરવાનો અનુભવ તેઓ નહીં ભુલે. કોઈ પણ બ્રાન્ડ સાથે આ જ રીતે ગ્રાહકનું સંધાન થતું હોય છે. તમારી પ્રોડક્ટની ડિઝાઇન જેટલી ઉત્તમ હશે, ગ્રાહકનો અનુભવ એટલો જ સુખદ પૂરવાર થવાનો.
છેલ્લે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાની વાત કરીએ. દુનિયામાં જબરદસ્ત ટેકનોલોજીકલ ક્રાંતિ આણીને આપણા સૌની લાઇફસ્ટાઇલ પર તીવ્ર અસર પેદા કરનારી સૌથી મહત્ત્વની કંપનીઓમાં માઇક્રોસોફ્ટનું નામ મોખરે ગણાય. બિલ ગેટ્સ તો માઇક્રોસોફ્ટ સ્થાપના કરીને, કંપનીને ઊંચાઈ પર પહોંચાડીને સીઈઓના પદ પરથી 2000ની સાલમાં રિટાયર થઈ ગયા હતા. સ્ટીવ બમર નામના મહાશયને નવા સીઇઓ બનાવવામાં આવ્યા ને તે સાથે જ માઇક્રોસોફ્ટની અધોગતિ શરૂ થઈ. 2014માં જ્યારે સત્યા નડેલાને નવા સીઇઓ તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે કંપનીની અતિ વિચિત્ર અવસ્થામાં હતી. માઇક્રોસોફ્ટે નોકિયા કંપની સાથે કરેલું મોંઘુંદાટ જોડાણ નિષ્ફળ પૂરવાર થયું હતું. માઇક્રોસોફ્ટની ખુદની પ્રોડક્ટ વિન્ડોઝ-એઇટને સાવ ઠંડો આવકાર મળ્યો હતો. કંપનીના શેર ગગડીને ભયજનક સપાટીએ પહોંચી ગયા હતા. માઇક્રોસોફ્ટની આભા ઝાંખી પડી ગઈ હતી. ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં થયેલી નવી નવી કેટલીય લોકપ્રિય શોધો (સોશિયલ મીડિયા વગેરે)ની બસ માઇક્રોસોફ્ટ ચુકી ગયું હતું. આવી સ્થિતિમાં કંપનીના વડા બનવું કેટલું પડકારજનક હોવાનું તે સમજી શકાય છે.

સત્યાએ એક જગ્યાએ સરસ કહ્યું છે, મને જૂની લડાઈઓમાં રસ નથી. મારે નવાં યુદ્ધો લડવાં છે. સત્યાએ સીઈઓની પોસ્ટ સંભાળ્યા બાદ કેટલાક કપરા નિર્ણયો લીધા. સૌથી પહેલાં તો નોકિયા સાથેનું જોડાણ રદ કર્યું. જે બસ ચૂકાઈ ગઈ છે એની પાછળ દોડવાને બદલે ક્લાઉડ સર્વિસ  જેવા નવા ઊભરી રહેલા માર્કેટ તરફ નજર દોડાવી. ત્રણ વર્ષમાં જાણે જાદુ થયો. માઇક્રોસોફ્ટનો આર્થિક વિકાસ 84 ટકા જેટલો વધી ગયો. કંપનીના શેરનો ભાવ એટલો ઊંચકાઈને એવી સપાટીએ પહોંચ્યો જેટલો બિલ ગેટ્સ વખતે પણ નહોતો પહોંચ્યો. છેલ્લા આર્થિક વર્ષમાં માઇક્રોસોફ્ટે કરેલી ચોખ્ખી આવકનો આંકડો જ 39.2 બિલિયન ડોલર (2810 અબજ રૂપિયા) જેટલો છે. સત્યાના રાજમાં માઇક્રોસોફ્ટ બ્રાન્ડ માત્ર આળસ મરડીને માત્ર બેઠી નથી થઈ, બલકે, ધમધમાટ કરતી દોડવા લાગી છે. માઇક્રોસોફ્ટની મૂળ તાસીર નવી નવી ટેકનોલોજી શોધવાની છે. વચ્ચેનાં વર્ષોમાં કંપનીનો આ મિજાજ કોણ જાણે ક્યાંક દબાઈ ગયો હતો. કંપનીના વાતાવરણમાં એક પ્રકારનું બંધિયારપણું આવી ગયું હતું, અમલદારશાહી ચલણમાં આવી ગઈ હતી. સત્યાએ સીઈઓની ખુરસી પર બેસતાંની સાથે જ આ માહોલ બદલાઈને ગતિશીલ થવા માંડ્યો. સત્યાને માઇક્રોસોફ્ટના તારણહારનું બિરુદ અમસ્તું મળ્યું નથી.
સત્યા નડેલા એક જગ્યાએ કહે છે, વચ્ચેનાં વર્ષોમાં માઇકોસોફ્ટની છાપ એવી પડી ગઈ હતી કે જાણે અમને બધી ખબર છે. મેં કંપનીના આ નો-ઇટ-ઑલ માઇન્ડસેટને બદલીને લર્ન-ઇટ-ઑલકલ્ચર દાખલ કરવાની કોશિશ કરી. અમને બધું આવડે છે એમ નહીં, પણ અમારે બધું શીખવું છે, એમ.
કશુંક નવું શીખતા હોઈએ કે કરતાં હોઈએ ત્યારે નિષ્ફળ પણ જવું પડે. સત્યા કહે છે, નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.
સત્યાને વાંચનનો પુષ્કળ શોખ છે. નવું શીખવા માટે, નવી પ્રેરણાઓ મેળવવા માટે તેઓ પુસ્તકોને  પોતાની પ્રેરણાનો મુખ્ય સ્રોત ગણાવે છે. સત્યાની સફળતામાં ઇગો વગરના એમના સૌમ્ય સ્વભાવનો પણ મોટો ફાળો છે. સત્યાએ સ્વયં હિટ રિફ્રેશ નામનું સુંદર પુસ્તક લખ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયા ન હોય એવાં લોકોને પણ ખૂબ મજા પડે એવું આ પુસ્તક વાંચવા જેવું છે.
 0 0 0 

Saturday, November 23, 2019

‘હેલ્લારો’ પછી શું?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 Nov 2019
મલ્ટિપ્લેક્સ
'આગવાળા સીન પછી સ્ટંટ ડિરેક્ટરને વળગીને હું જે રડ્યો છું! આટલું બધું હું જિંદગીમાં અગાઉ એક જ વખત રડ્યો હતો - મારા ફાધરનાં મૃત્યુ વખતે.



ફિલ્મના ભલે ગમે તેટલા વખાણ થતા હોય, પણ કોઈ પણ ફિલ્મમેકરને પોતાની કૃતિથી સોએ સો સંતોષ ન જ થાય, આજકાલ જે સૉલિડ ન્યુઝમાં છે એ હેલ્લારો ફિલ્મના ડિરેક્ટર અને કૉ-રાઇટર અભિષેક શાહ વાતચીતની શરૂઆત કરે છે, જો ફિલ્મમેકર પોતાની જ ફિલ્મના પ્રેમમાં પડીને માનવા લાગે કે પોતે અદભુત વસ્તુ બનાવી નાખી છે તો નક્કી એની થૉટ-પ્રોસેસમાં કશીક ગરબડ હોવાની!’

ભારતની તમામ ભાષાની બધ્ધેબધ્ધી ફિલ્મોને પાછળ રાખીને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ જીતી જનાર હેલ્લારોથી ઑડિયન્સ અતિ ખુશ છે. ફિલ્મને જે કક્ષાનો પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી હેલ્લારોની ટીમ અતિ અચંબિત છે, પણ ફિલ્મે જન્માવેલા તીવ્ર ઉન્માદ વચ્ચે અભિષેકે પોતાની સમતા આકર્ષક રીતે જાળવી રાખી છે. હેલ્લારોએ પહેલા વીકમાં કેટલો બિઝનેસ કર્યો? સંબંધિત ટીમ મેમ્બરને પાક્કી પૃચ્છા કરીને અભિષેક આંકડો ટાંકે છે, પાંચ કરોડ રૂપિયા.  

હેલ્લારો નખશિખ પરફેક્ટ ન હોવા છતાં ઉત્તમ ફિલ્મ છે. ફિલ્મનાં પાત્રોની ભાષા અને પહેરવેશ વિશે અભિષેક કહે છે, અમે ફિલ્મની ભાષા જાણી જોઈને નિર્ભેળ કચ્છી નહીં, પણ બધાને સમજાય એવી ગ્રામ્ય ગુજરાતી રાખી છે. નાયિકાઓએ આભલા કે ભરતગૂંથણવાળાં કપડાં શા માટે પહેર્યાં નથી તે સમજાવવા માટે તો આખેઆખો ફ્લેશબેક મૂક્યો છે. બિનજરૂરી વિવાદ ન થાય તે માટે અમે કોઈ ચોક્કસ સ્થાનિક કોમના પહેરવેશનો સંદર્ભ સભાનતાપૂર્વક ટાળ્યો છે.

ફેર ઇનફ. હેલ્લારોનાં ગીત-સંગીત-કોરિયોગ્રાફી-પર્ફોર્મન્સીસના બે મોઢે વખાણ થાય છે. તેનો ક્લાઇમેક્સ એટલો પ્રભાવશાળી છે કે એની પ્રશંસાના વજન નીચે ફિલ્મની સંભવતઃ એટલી જ સશક્ત ઑર એક સિકવન્સનો અવાજ થોડો દબાઈ ગયો છે. તે છે, તરસ છીપાવ્યા પછી ઢોલી દાંડી પીટે છે અને સ્ત્રીઓ જ્યારે પહેલી વાર ગરબો કરે છે, તે દશ્ય. આ એક લાંબો, 2 મિનિટ 46 સેકન્ડ્સનો  સિંગલ-શોટ છે, જેમાં ખૂબ બધું બને છે. કોઈ સ્ત્રી આનંદથી હિલ્લોળે ચડી છે તો કોઈ ભયભીત છે. કોઈ પાપનો બોજ અનુભવે છે તો કોઈ મૂંઝારો. સજ્જડબમ પાંજરુ પહોળું થવાની આ પહેલી ક્ષણ છે. અભિષેક કહે છેઃ



અમે જ્યારે રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે સમીર તન્નાએ સૂચન કર્યું હતું કે આ સીનમાં નાયિકાઓની લાગણીઓને અલગ અલગ શોટ્સમાં વિભાજિત કરવાને બદલે આ આખી સિકવન્સને સળંગ શૂટ કરવી જોઈએ. સિનેમેટોગ્રાફર ત્રિભુવન બાબુ તો જાદુગર છે જ, પણ આ ચોક્કસ દશ્ય માટે કિશોર જાઘવનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેઓ સ્ટેડી-કેમ ઓપરેટર છે. તેમણે પોતાના શરીર પર ચાલીસ-પચાસ કિલો વજનનો કેમરા બાંધ્યો હતો. આમથી તેમ દોડીને, ગોળ ગોળ ઘુમીને, ખુદને બેલેન્સ કરતાં કરતાં, અગાઉથી નક્કી થયું હતું તે પ્રમાણે ફ્રેમિંગ મેન્ટેઇન કરતાં કરતાં એમણે આખું દશ્ય શૂટ કર્યું છે. અમુક બીટ પર ચોક્કસ નાયિકાની એન્ટ્રી કેપ્ચર થાય, ક્યાંક કેમેરા પાત્રની નજીક જઈને એના હાવભાવ પકડે, ક્યાંક કેમેરા પાછળ જાય, ચોક્કસ સમયે ઢોલી દેખાવો જોઈએ - આ તમામ મૂવમેન્ટ્સ સહેજ પણ ગરબડ વગર કેમેરામાં ઝિલાવી જોઈએ. આ સિકવન્સમાં કેમેરા 360 ડિગ્રીએ  ગોળ ગોળ ઘુમે છે એટલે ફ્રેમમાં કલાકારો સિવાય બીજું કશું જ ઝડપાવું ન જોઈએ. શૂટિંગ વખતે અર્શ - સમીર તન્નાની દીકરી તમન્ના કે જે એમને આસિસ્ટ કરે છે એ, વિવેક ગાંજાવાલા નામનો બીજો એક આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર, ત્રિભુવન બાબુ, એમનો આસિસ્ટન્ટ, ફિલ્મનું મેકિંગ શૂટ કરી રહેલો માણસ અને હું – આટલા લોકોનું ટોળું કિશોર જાધવની પાછળ પાછળ દોડાદોડ કરતું હતું. અમે રિહર્સલ એટલાં બધાં કર્યાં હતાં કે ત્રણ જ ટેકમાં શોટ ઓકે થઈ ગયો. હેલ્લારોના મેકિંગની મારી ત્રણ બેસ્ટ મોમેન્ટ્સમાંની આ એક.

અને બાકીની બે મોમેન્ટ્સ?

એક તો ઓબ્વિયસલી, ફિલ્મનો ક્લાઇમેક્સ. બે કેમેરા સેટ-અપ સાથે સતત બે રાત સુધી ક્લાઇમેક્સનું શૂટિંગ ચાલ્યું હતું. મને યાદ છે, એક રાતે મેં 65 જેટલા શોટ્સ લીધા હતા. એક તો કચ્છની ઠંડી ને પાછું કૃત્રિમ વરસાદમાં ભીંજાવાનું. શૂટિંગ વખતે બહેનો રીતસર ધ્રૂજતી હતી. બે શોટ્સની વચ્ચે અમે એમને ધાબળા ઓઢાડતાં, એમને તાપણાં પાસે બેસાડતાં. જમીન પર કીચડ થઈ જવાને કારણે બાપડી ક્યારેક લપસી પડતી. અભિનેત્રીઓને મેં એવી બ્રિફ આપી હતી કે આ સિકવન્સમાં તમારે જીવ પર આવીને ગરબા કરવાના છે. મનમાં એવો ભાવ રાખવાનો છે કે જાણે આ રણમેદાન છે, આ ગરબા પછી તમારે જાણે કે મરી જવાનું છે. તમારી સામે પુરુષો તલવાર લઈને ઊભા છે ને તમારી પાસે ગરબા સિવાય બીજું કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. તમારી આંખોમાં, ચહેરા પર ભયાનક તાકાત હોવી જોઈએ. ગરબે ઘુમતી વખતે મનમાં ગાળો બોલજો, જિંદગીમાં કોઈને નફરત કરી હોય તો તે યાદ કરજો.

હેલ્લારોનો આ અંત ઑડિયન્સ ભુલી શકવાનું નથી. ફિલ્મના મેકિંગ દરમિયાન ત્રીજી યાદગાર ક્ષણ ઢોલીનો ફ્લેશબેક શૂટ કરતી વખતે આવી. શૂટિંગના 30-32 દિવસ પૂરા થઈ ગયા હતા. બાકીની આખી ફિલ્મ શૂટ થઈ ગઈ હતી. કલાકારો પૅકઅપ કરીને ક્ચ્છ છોડીને પોતાપોતાના ઘરે જતા રહ્યા હતા. હવે ગામલોકો ઢોલીના પરિવારને ભૂંગા સહિત સળગાવી મારે છે એ જ દશ્ય ફિલ્માવવાનું બાકી હતું. ફાયર સિકવન્સમાં એક્સપર્ટાઇઝ ધરાવતી ટીમ મુંબઈથી આવી હતી. શૂટિંગ શરૂ થયું ને અભિષેકનું મન ભારે થવા માંડ્યું.

મેં તો અમદાવાદના મારા ઘરમાં ટેબલખુરસી પર બેસીને કાગળ પર લખી નાખ્યું હતું કે ઢોલીની પત્ની-દીકરી આગમાં બળીને ભડથું થઈ જાય છે ને એ પોતે દાઝી જાય છે... પણ અહીં આ લોકો ખરેખર પોતાના શરીર પર આગ ચાંપી રહ્યા હતા. અફ કોર્સ, એ પ્રોફેશનલ અને અનુભવી લોકો હતા, પણ તોય એમને આ ફાયર-સ્ટંટ કરતાં જોઈને હું કાંપી ઉઠ્યો હતો. છેલ્લા એક મહિનાના શૂટ દરમિયાન મારી ટીમ જે રીતે ભયંકર તાપ અને ટાઢમાં હેરાન થઈ હતી તે બધું પણ મને યાદ આવતું હતું. જયેશ મોરે (ઢોલી)ના છેલ્લા આક્રંદવાળા શોટ પછી મને પૂછવામાં આવ્યું કે સર, બધું બરાબર છે? મારાથી હવે ન રહેવાયું. છેલ્લા એક મહિનાથી જે ડૂમો છાતીમાં દબાવી રાખ્યો હતો તે હવે ધક્કા સાથે ઊછળ્યો... ને સ્ટંટ ડિરેક્ટરને વળગીને હું જે રડ્યો છું! આટલું બધું હું જિંદગીમાં અગાઉ એક જ વખત રડ્યો હતો - મારા ફાધરનાં મૃત્યુ વખતે.


           
આ ધન્યતાની, કૃતકૃત્યતાની લાગણીનો ઉછાળ હતો. અત્યારે સૌના મનમાં જે સવાલ ઉછળી રહ્યો છે તે આ છેઃ હેલ્લારો પછી શું? આઇ ડોન્ટ નો!’ અભિષેક હસીને સમાપન કરે છે, મને હિન્દી ફિલ્મોની ઑફર પણ આવી છે, પણ આ તબક્કે હું જાણતો નથી કે મારી હવે પછીની ફિલ્મ કઈ હશે અને તે કઈ ભાષામાં હશે. માત્ર એટલી ખબર છે કે મારી આગલી ફિલ્મનો વિષય પણ એવો જ હશે જે મને ખુદને અત્યંત સ્પર્શી ગયો હોય.

બિલકુલ. આખરે તો હૃદયને આંદોલિત કરી નાખનારા વિચારમાંથી જ હેલ્લારો જન્મતો હોય છે!  

shishir.ramavat@gmail.com



Wednesday, November 20, 2019

સુપર સીઈઓના સક્સેસ ફન્ડા


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 Nov 2019 બુધવાર
ટેક ઓફ 
મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. યાદ રાખો, તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો.

રા વિચારો. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ નામનું પ્રતિષ્ઠિત અમેરિકન મૅગેઝિન પાક્કા સર્વે અને ટકોરાબંધ માપદંડોના આધારે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ ચલાવતા એકસો શ્રેષ્ઠતમ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ ઓફિસર (સીઈઓ)ની સૂચિ તૈયાર કરે છે. આ લિસ્ટના ટૉપ ટેનમાં ત્રણ ભારતીય નામ ઉપસે છે અને આ ત્રણેય જણા હૈદરાબાદની એક જ સ્કૂલમાં ભણ્યા છે! આ ત્રણ સુપર સીઇઓ એટલે ફોટોશોપ, પીડીએફ જેવાં કેટલાંય કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી કંપની અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). આ ત્રણેય જણા હૈદરાબાદ પબ્લિક સ્કૂલ (એચપીએસ)ના વિદ્યાર્થી છે.
અમેરિકાવાસી અજય બંગાના પિતાજી ઇન્ડિયન આર્મીમાં જનરલ હતા. તેઓ પિતાજીની માફક ફૌજી તો ન બન્યા, બલ્કે આઇઆઇએમ-અમદાવાદમાંથી એમબીએ કરીને ક્રમશઃ માસ્ટરકાર્ડના સીઈઓ થયા. માસ્ટરકાર્ડ બ્રાન્ડના ક્રેડિટ કાર્ડ્સ દુનિયાભરના લોકો વાપરે છે. આજની તારીખે માસ્ટરકાર્ડ કંપનીની ટોટલ ઇક્વિટી 497 બિલિયન ડોલર એટલે કે 35,649 અબજ રૂપિયા જેટલી છે. કંપનીના આ ઠાઠમાઠનો જશ યોગ્ય રીતે જ અજય બંગાની ટકોરાબંધ લીડરશિપને અપાય છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની સલાહકાર સમિતિના સભ્ય રહી ચુકેલા અજય બંગાની સુપર સક્સેસનું રહસ્ય શું છે? તેઓ કેવી રીતે સાડાતેર હજાર જેટલા કર્મચારીઓ ધરાવતી આટલી વિરાટ મલ્ટિનેશનલ કંપનીને સફળતાપૂર્વક સંચાલન કરે છે? મિડીયાને આપેલા કંઈકેટલાય ઇન્ટવ્યુઝ, જાહેર ઇવેન્ટ્સ, કોલેજ-યુનિવર્સિટીઓના પદવીદાન સમારંભમાં આપેલાં પ્રવચન વગેરેમાં તેઓ પોતાની ફિલોસોફી અને કાર્યપદ્ધતિ વિશે અવારનવાર વાત કરતાં રહે છે. એમની વાતો મોટી કંપનીના મોટા સાહેબોને જ નહીં, પણ કોઈ પણ ટીમ લીડરે ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. કપડાંના શોરૂમમાં પાંચ માણસો કામ કરતા હોય તો શોરૂમનો માલિક આ પાંચ માણસોનો ટીમ લીડર છે. 
અજય બંગાએ એક જગ્યાએ કહેલું, આર્મીમાં જનરલ જેવા ઊંચા હોદ્દા પર રહી ચુકેલા મારા પપ્પા બધા સાથે એકસરખી સહજતાથી હળીભળી શકતા. એમની સામે કોઈ સિનિયર ફૌજી ઓફિસર હોય કે એમનો ડ્રાઇવર હોય, એમના વર્તાવમાં કશો ફર્ક ન પડતો. નાનામોટાનો ભેદભાવ કર્યા વગર તેઓ સૌને એકસરખું માન આપે. મારી કંપનીમાં મેં આવું જ કલ્ચર વિકસાવ્યું છે. અમારી ન્યુ યોર્ક સ્થિત હેડઑફિસમાં મારા સૌથી પાક્કા દોસ્તાર કોણ છે, ખબર છે? છાપાં નાખવા આવતા છોકરાઓ! હું રોજ સવારે એમની સાથે દુનિયાભરની વાતો કરું છું.

અજય બંગા દાઢી-પાઘડીધારી શિખ છે. જ્યાં પણ જાય ત્યાં તરત અલગ પડી જાય. ખાસ કરીને અહીં અમેરિકામાં અને પશ્ચિમના બીજા દેશોમાં, અજય બંગા કહે છે, મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. જ્યાં સુધી હું ખુદના બેકગ્રાઉન્ડનો પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે સ્વીકાર નહીં કરું ત્યાં સુધી અન્ય માહોલમાં, અન્ય કલ્ચરમાં હું સારી રીતે નહીં જ ગોઠવાઈ શકું. યાદ રાખો, તમારું કામ એ તમારી ઓળખ છે, તમારું બેકગ્રાઉન્ડ એ તમારી ઓળખ નથી. તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો. એમને તમારા વર્તન અને આશય સાથે નિસબત છે, તમે કઈ જ્ઞાતિના છો કે કયા ગામ કે શહેરથી આવો છો એવી બધી વાતોમાં નહીં.
નિષ્ફળતા કોને ગમે? અજય બંગા કહે છે કે સમસ્યાઓ કે મોકાણના સમાચારથી દૂર નહીં ભાગવાનું, એમને આવકારવાના. તમને સમસ્યા વિશે ખબર જ નહીં હોય તો એને નિવેડો કેવી રીતે લાવશો? ક્યારેય ખરાબ સમાચાર લાવનારને શિક્ષા નહીં કરવાની. ડોન્ટ શૂટ ધ મેસેન્જર! અજય બંગાએ પોતાના સ્ટાફને કહી રાખ્યું છે કે તમે મને ગુડ ન્યુઝ આરામથી આપશો તો ચાલશે, પણ બેડ ન્યુઝ ફટાફટ આપી દેવાના!
ટીમ લીડર પાસે દરેક વખતે પોતાના પ્રોજેક્ટ કે કામ વિશેનો બધ્ધેબધ્ધો ડેટા, બધ્ધેબધ્ધી માહિતી ન પણ હોય. આગળ વધવા માટે ડેટા અપૂરતો હોય તો પણ ઘણી વાર કોઠાસૂઝના આધારે નિર્ણયો લેવા પડતા હોય છે, ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવું પડતું હોય છે. એવુંય બને કે ટીમ લીડરના નિર્ણય ટીમના તમામ સભ્યોને ન પણ ગમે. ટીમ લીડરે ક્યારેક અળખામણા પણ બનવું પડે. ઉત્તમ લીડર સાંભળે બધાનું, પણ કરે એ જ જે ખુદને ઠીક લાગે છે અને જે કંપનીના હિતમાં છે. અજય બંગા કહે છે, અમે માસ્ટરકાર્ડમાં એક નિયમ કર્યો છે. ધારો કે અમારી કંપનીની દુનિયાભરની કોઈ પણ શાખાનો મેનેજર હેડક્વાર્ટરને કશીક રિકવેસ્ટ કે પ્રપોઝલ મોકલે અને જો બે વીકમાં હેડક્વાર્ટર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળે તો જે-તે પ્રપોઝલ સ્વીકારાઈ ગઈ છે એવું માનવું!’     
ધારો કે તમે જે પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો તે સફળ ન થયો તો? તમારી કંપની કોઈ ચોક્કસ પ્રોડક્ટ બનાવતી હોય, પણ નવી ટેકનોલોજીને કારણે કે બીજા કોઈ પણ કારણસર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ સાવ ઘટી ગઈ તો? મોબાઇલ આવ્યા એટલે પેજર નકામાં થઈ ગયાં, સીડી આવી એટલે કેસેટ નકામી થઈ ગઈ એવું કંઈક. આવી સ્થિતિમાં શું કરવું? અજય બંગા કહે છે કે ઝપાટાભેર બદલાતા આજના જમાનામાં તમારી પૈસા વૈકલ્પિક પ્લાનિંગ હોવું જ જોઈએ. તમારી પાસે પ્લાન બી જ નહીં, પ્લાન સી અને પ્લાન ડી પણ તૈયાર હોવો જોઈએ.

બાહોશ સીઈઓને સમસ્યાનું પિષ્ટપિંજણ કરવામાં નહીં, બલકે ઉકેલ શોધવામાં રસ હોવાનો. એમને સપાટી ઉપરની છીછરી વિગતોમાં નહીં, પણ મામલામાં ઊંડા ઉતરીને સચ્ચાઈ જાણવામાં રસ હોવાનો. અજય બંગાએ એક સરસ કિસ્સો શૅર કર્યો છે. એક વિદેશી બેન્ક ફડચામાં જવાની તૈયારીમાં હતી. માસ્ટરકાર્ડ કંપનીને આ બેન્ક સાથે ખાસ્સો પનારો પડ્યો હતો. સવાલ એ ઊભો થયો કે બેન્ક ઉઠી જાય ત્યાં સુધી કંપનીમાં કોઈને ખબર જ ન પડી? અજય બંગાને કહેવામાં આવ્યું કે આ ફલાણા મેનેજરની ભુલ છે. એણે જો કામમાં બરાબર ધ્યાન આપ્યું હોત તો આપણે વેળાસર ચેતી ગયા હોત. જો કોઈ સામાન્ય સીઈઓ હોત તો આવું ફીડબેક મળતાંની સાથે જ એણે મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. અજય બંગાએ શું કર્યું? એમણે સમસ્યાને સમજવામાં ચાર-પાંચ દિવસ ફાળવ્યા. તેમને ધીમે ધીમે સમજાતું ગયું કે પેલા મેનેજરની કશી ભુલ નહોતી. એણે કટોકટીને રોકવા માટે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કર્યું જ હતું. ઇન ફેક્ટ, એની જગ્યાએ જો ખુદ અજય બંગા હોત તો પણ આ પરિસ્થિતિ પેદા થયા વગર ન રહી હોત. લોકોના આશ્ચર્ય વચ્ચે અજય બંગાએ પેલા મેનેજરને કાઢી તો ન મૂક્યો, બલકે એને સ્પેશિયલ બોનસ આપ્યું!         
આ તો થઈ વિશ્વના બેસ્ટ પર્ફોર્મિગ સીઈઓના ટોપ ટેન લિસ્ટમાં સ્થાન પામેલા ત્રણ ભારતીય સીઈઓમાંના એકની વાત. બાકીના બે મહાનુભાવો એટલે કે અડોબીના શાંતનુ નારાયણ અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલાના સક્સેસ ફન્ડા વિશેની વાતો હવે પછી.
000