Friday, August 28, 2020

તમારે મર્યા પછી પછી ડિજિટલ અવતાર ધારણ કરવો છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ - 23 ઓગસ્ટ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
અપલોડ વેબ શોનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે.


શ્વર તમને સો વર્ષના કરે, પણ થોડી પળો માટે ધારી લો કે તમે મૃત્યુ પામો છો. છેલ્લી ઘડીએ તમારી પતિ/ પત્ની/ પ્રેમી/ પ્રેમિકા તમારી અંતિમ ઇચ્છા પૂછે છેઃ ડિયર, એટલે તારે હવે પૂરેપૂરા મરી જ જવું છે કે તારો ડિજિટલ અવતાર હું સાચવી રાખું? જો તું હા પાડ તો તારા પાર્થિવ શરીરને અપલોડ કરવાની હું વ્યવસ્થા કરું. આ રીતે આપણે અનંત કાળ સુધી એકબીજાના કૉન્ટેક્ટમાં રહી શકીશું!’  
તમે હા પાડો છો. મૃત્યુ પછી તમે ફાઇવ સ્ટાર નહીં, પણ એક ફિફ્ટીન સ્ટાર લકઝરી રિસોર્ટ જેવી અદભુત જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈ જાઓ છો. જાણે સ્વર્ગ જ જોઈ લો. તમે જાણો છો કે તમે ખુદ અને તમારી આસપાસ જે કંઈ છે તે સઘળું સિમ્યુલેટેડ રિયાલિટી છે, ડિજિટલી ક્રિયેટ કરવામાં આવ્યું છે. 

અહીં ટૅક્નોલોજી નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂકી છે. તમે હથેળી પહોળી કરો એટલે અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચેના એલ આકારમાં ફટાક કરતો મોબાઇલ સ્ક્રીન ઉપસી આવે. વાત પૂરી કરીને તમે મૂઠ્ઠી વાળો એટલે મોબાઇલ ગાયબ થઈ જાય. માનવલોકમાં કોઈ પ્રસંગ હોય તો તમે ડિજિટલી ઉપસ્થિત રહી શકો. મોટી સ્ક્રીન પર તમે હાલતાચાલતા દેખાવ. તમારો દોસ્તાર આ સ્ક્રીન નજીક આવીને તમને કહી પણ શકે કે, સોરી યાર, તું ગુજરી ગયો ત્યારે હું બહારગામ ગયો હતો એટલે તારી અંતિમક્રિયામાં હાજરી નહોતો આપી શક્યો!’ તમે જવાબમાં કહો કે, કશો વાંધો નહીં, બોસ, ચાલ્યા કરે. અચ્છા, તને પેલો કૉન્ટ્રેક્ટ મળવાનો હતો એનું પછી શું થયું?’

વિસ્મિત થઈ જવાય એવી વાત છેને! અપલોડમાં તમને ડગલે ને પગલે તમને આવું વિસ્મય થયા કરશે. અપલોડ એ અમેઝોન પ્રાઇમ વિડિયો પર મૂકાયેલો દસ એપિસોડવાળો નવોનક્કોર વેબ શો છે. શોની વાર્તા 2033ની સાલમાં આકાર લે છે. તમે જો સાયન્સ ફિક્શનના રસિયા હશો તો શો શરૂ થતાં જ તમને બ્લેક મિરર (નેટફ્લિક્સ)નો સેન જુનિપેરો (2016) નામનો અફલાતૂન સ્ટૅન્ડ-અલોન એપિસોડ જરૂર યાદ આવશે. તેમાં સેન જુનિપેરો નામનું એક રળિયામણું નગર છે, જેમાં મૃત્યુ પામેલા લોકોના ડિજિટલ અવતારો વસે છે. સમજોને કે અપલોડ આ જ આઇડિયાનું એક્સટેન્શન છે.

અપલોડનો હેન્ડસમ નાયક નેથન એક સોફ્ટવેર એન્જિનીયર છે. એ કોઈ જબરદસ્ત પ્રોડક્ટને લૉન્ચ કરવાની અણી પર છે ત્યાં જ એની કમ્પ્યુટર-કંટ્રોલ્ડ, ડ્રાઇવર-રહિત કારનું એક્સિડન્ટ થઈ જાય છે. એની ગર્લફ્રેન્ડ ઇન્ગ્રિડ અતિ ધનિક બાપની ચાંપલી ઔલાદ છે. એ ચિક્કાર પૈસા ખર્ચીને અકસ્માતમાં મૃત્યુ પામેલા નેથનને વૈભવી ડિજિટલ આફ્ટરલાઇફ મળે તેવી વ્યવસ્થા કરે છે. ડિજિટલ આફ્ટરલાઇફ ઑફર કરતી કેટલીય એજન્સીઓ છે ને તેમની વચ્ચે પાછી કટ્ટર હરીફાઈ ચાલે છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની જેમ પ્રવાસીઓને અલગ અલગ પૅકેજ ઑફર કરે તેમ અહીં પણ તમે મરતાં પહેલાં ડિજિટલ આફ્ટરલાઇફ માટેનું પૅકેજ પસંદ કરી શકો છો. નેથન જે એજન્સી દ્વારા અપલોડ થયો છે તેમાં નોરા નામની એક કસ્ટમર કેર રિપ્રેઝન્ટેટિવ કામ કરે છે. નોરા વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી)નાં ડાબલા જેવાં ચશ્માં પહેરે એટલે ડિજિટલ સ્વર્ગમાં નેથન જે કંઈ કરતો હોય તે પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન પર લાઇવ નિહાળી શકે, તેની સાથે વાતો કરી શકે. આપણી હિન્દી પૌરાણિક સિરિયલોમાં જેમ દૈવી પાત્રો ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે ને ગમે ત્યારે અંતર્ધ્યાન થઈ શકે છે તેમ નોરા પણ ઇચ્છે ત્યારે ડિજિટલ સ્વર્ગમાં એન્ટ્રી-એક્ઝિટ મારી શકે છે.     




પછી ઘણું બધું બને છે. નેથન અને નોરા વચ્ચે લાગણીનો સંબંધ વિકસે છે. ધીરે ધીરે ખબર પડે છે કે નેથનનું કાર એક્સિડન્ટમાં મોત નહોતું થયું, બલકે એનું મર્ડર થયું હતું. લવસ્ટોરીમાં હવે થ્રિલ અને સસ્પેન્સનાં તત્ત્વો ઉમેરાય છે. નેથનને એ પણ સમજાય છે કે પોતાના ડિજિટલ અસ્તિત્ત્વનો સંપૂર્ણ કંટ્રોલ તો માનવલોકમાં વસતી પોતાની પ્રેમિકા ઇન્ગ્રિડ મુઠ્ઠીમાં રાખીને બેઠી છે. એ ઇન્ગ્રિડનું રમકડું બની ગયો છે. જેમ કે, ઇન્ગ્રિડ કામાતુર થાય ત્યારે સેક્સ-સુટ પહેરી લે, ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરે ને નેથન સાથે શરીરસુખ માણી લે. નેથનને આ સંબંધમાં ગૂંગળામણ થવા લાગે છે. મરી ગયા પછી પણ તેને સંબંધમાં સ્પેસ જોઈએ છે!  

અપલોડનું ક્લેવર ભલે સાયન્સ ફિક્શન વત્તા રોમાન્ટિક કૉમેડીનું હોય, પણ તમે જેમ જેમ શોમાં આગળ વધતાં જાઓ છો તેમ તેમ તમને સમજાય છે કે વાસ્તવમાં આ એક કટાક્ષિકા છે. હળહળતો ઉપભોક્તાવાદ, અમીર-ગરીબ વચ્ચેનો વર્ગભેદ અને ટૅકનોલોજીની અવળી અસરો પર અહીં સૉલિડ વ્યંગ કરવામાં આવ્યો છે. આ ફીલ ગુડ શોનો કથાપ્રવાહ તમને ક્યારેક ધીમો લાગશે, પણ શોની અફલાતૂન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બધી કસર પૂરી કરી નાખે છે. પ્રાઇમ વિડિયો પર અપલોડ જોઈ કાઢજો. મોજ પડશે.       

0 0 0 

Tuesday, August 11, 2020

પહચાન કૌન?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 9 ઓગસ્ટ 2020

સુશાંત સિંહના કમોત પછી હવે પછી ગૉસિપ જર્નલિઝમ અને બ્લાઇન્ડ આઇટમ્સને હળવાશથી લેવામાં નહીં આવે એ તો નક્કી



 જ્યારથી સુશાંત સિંહનું મોત થયું છે ત્યારથી આ એક શબ્દપ્રયોગ સતત ઊછળ્યા કરે છે – બ્લાઇન્ડ આઇટમ્સ. સુશાંત સિહંને માનસિક રીતે તોડી પાડવામાં આ બ્લાઇન્ડ આઇટમ્સનો પણ ફાળો છે એવો આરોપ છે. બ્લાઇન્ડ આઇટમ એટલે, સાદી ભાષામાં, નામ આપ્યા વગર કરવામાં આવતી કૂથલી, જે છાપા-મૅગેઝિનમાં છપાય, વેબસાઇટ પર મૂકાય યા તો સોશિયલ મિડિયા પર શૅર થાય. બ્લાઇન્ડ આઇટમમાં જે-તે વ્યક્તિ વિશે એટલી બધી હિન્ટ આપી દેવામાં આવે કે વાંચનારને તરત સમજાઈ જાય કે કોના વિશે વાત થઈ રહી છે.

ધારો કે તમે અભિષેક બચ્ચન વિશે ગપગોળા ફેલાવવા માગો છો. તમે શું કરશો? તમે આવી કંઈક બ્લાઇન્ડ આઇટમ લખશોઃ બોલિવુડના એક મહાન સુપરસ્ટારનો ફ્લૉપ દીકરો, જે એક બ્યુટીક્વીનને પરણ્યો છે, તે બેકાર થઈને લાંબા સમયમાં ઘરમાં નવરો બેઠો છે. એની બ્યુટીક્વીન પત્ની પણ ફિલ્મસ્ટાર છે. આ ફ્લૉપ ફિલ્મી હીરો હવે ડ્રગ્ઝના રવાડે ચડી ગયો છે. સાંભળવામાં આવ્યું છે કે એ રૂપ રૂપના અંબાર જેવી પોતાની બ્યુટીક્વીન પત્ની પર હાથ ઉપાડવા લાગ્યો છે. બન્ને હવે ડિવૉર્સ લેવાની અણી પર છે.

આમાં ક્યાંય અભિષેક બચ્ચન એવો ઉલ્લેખ થયો? ના. છતાંય વાંચનારા સમજી ગયા કે વાત અભિષેક બચ્ચન વિશે જ થઈ રહી છે. આ બ્લાઇન્ડ આઇટમ છે. કોઈના અંગત જિંદગી વિશે નિમ્ન કક્ષાની વાત કરવા, ચારિત્ર્યહનન કરવા, જીવનશૈલી કે પ્રોફેશનલ લાઇફ વિશે અફવા ફેલાવવા અથવા ક્યારેક માત્ર મસ્તી ખાતર બ્લાઇન્ડ આઇટમ્સ લખવામાં આવે છે. માત્ર ફિલ્મસ્ટારો વિશે જ બ્લાઇન્ડ આઇટમ લખાય છે એવું નથી. સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા રાજકારણીઓ, સફળ બિઝનેસમેન, સોશ્યલાઇટ્સ, સ્ટાર લેખકો-પત્રકારો, ઘર્મગુરુઓ આ સૌ બ્લાઇન્ડ આઇટમનો વિષય બની શકે છે. 

બ્લાઇન્ડ આઇટમ એ પીળા પત્રકારત્વનો જ એક હિસ્સો છે. બ્લાઇન્ડ આઇટમમાં કહેવાયેલી વાત દર વખતે તદ્દન ખોટી જ હોય એવુંય નથી. ઘણી વાર પત્રકાર પાસે સાચી માહિતી હોય, પણ તે ઑફ-ધ- રેકૉર્ડ કહેવાઈ હોય, વાતને સાબિત કરી શકાય એવા પૂરાવા ન હોય ત્યારે જે-તે વાતને બ્લાઇન્ડ આઇટમ તરીકે છાપી મારવામાં આવે. ઘણી વાર માત્ર નિંદારસ સંતોષવા, વાચકોને ચટપટું લખાણ પિરસવા જ્યાંત્યાંથી કાને પડેલી વાતોમાં મીઠુંમરચું ભભરાવીને, બે વત્તા બે બાવીસ કરીને બ્લાઇન્ડ આઇટમ લખી નાખવામાં આવે છે. પોતાના વિશે આવું લખાણ વાંચીને માણસ આકળવિકળ થઈને રદિયો કે આકરી પ્રતિક્રિયા આપે તો એને જ નુક્સાન થાય. સૌથી પહેલાં તો, આ રીતે એ ખુદ સામે ચાલીને સ્વીકારી લે છે કે બ્લાઇન્ડ આઇટમમાં જે માણસ વિશે લખાયું છે તે હું જ છું. બીજું, લખાણમાં ક્યાંય સ્પષ્ટપણે કોઈનું નામ લખાયું ન હોવાથી કાનૂની રીતે લખનારને સકંજામાં ન લઈ શકાય.

બ્રિટનનું સન નામનું ટૅબ્લોઇડ ગૉસિપ માટે શરૂઆતથી બદનામ છે. ધ ન્યુ યૉર્ક પોસ્ટ અખબારની પેજ સિક્સ નામની ગૉસિપ કૉલમ બ્લાઇન્ડ આઇટમ્સ માટે કુખ્યાત છે. સુશાંત સિંહ વિશે બ્લાઇન્ડ આઇટમ્સ લખનાર ફિલ્મ જર્નલિસ્ટ રાજીવ મસંદનું નામ ઊછળ્યું છે. રાજીવ મસંદ આમ  તો ભારતના ટોપ-ફાઇવ ફિલ્મ જર્નલિસ્ટ્સમાં હકથી સ્થાન પામે એવું નામ છે, પણ સુશાંતના કેસમાં છીંડે ચડ્યો એ ચોર જેવો ઘાટ થયો છે. મેઇનસ્ટ્રીમ છાપાં-મૅગેઝિનોના ડાયરી પેજ પર યા તો ફિલ્મી વિભાગમાં કેટલાય પત્રકારો વર્ષોથી બ્લાઇન્ડ આઇટમ લખતા આવ્યા છે. ગૉસિપ તો ફિલ્મ જર્નલિઝમનો અવિભાજ્ય હિસ્સો છે. આપણે ત્યાં  શોભા ડેના તંત્રીપદ હેઠળ 1971માં લૉન્ચ થયેલા સ્ટારડસ્ટ મૅગેઝિનની મૂળભૂત તાસીર જ ગૉસિપ કરવાની હતી. સ્ટારડસ્ટ સફળ થયું એટલે પહેલાં અંગ્રેજી અને પછી પ્રાદેશિક ભાષાના મેઇનસ્ટ્રીમ મિડિયામાં ગૉસિપ છપાવા લાગી.   

અગાઉ વાત માત્ર પ્રિન્ટ મિડિયા સુધી સિમિત રહેતી હતી, પણ ડિજિટલ મિડિયાના વિસ્ફોટ પછી સેંકડો-હજારો વેબસાઇટ્સ પર ખાસ કરીને ફિલ્મી હસ્તીઓ વિશે મન ફાવે તેમ આડેધડ લખાવા લાગ્યું. પોતાને હોલિવૂડના એન્ટરટેઇનમેન્ટ લૉયર ગણાવતો એક અનામી અમેરિકન બ્લાઇન્ડ આઇટમ્સનો શહેનશાહ ગણાય છે. તે ક્રેઝી ડે એન્ડ નાઇટ્સ નામની વેબસાઇટ ચલાવે છે. સુશાંત પર જેણે ખાસ ત્રાસ વર્તાવ્યો હતો તેમાં રાજીવ મસંદની ઓપન મૅગેઝિનમાં આવતી વીક્લી કૉલમ ઉપરાંત પિન્કવિલા ડૉટકૉમ, ઓપિનિએટેડ ઇન્ડિયન ડૉટકૉમ અને વનશોટવનપ્લેસ ડૉટકૉમ જેવી વેબસાઇટ્સ મુખ્ય છે. જે કંઈ બાકી હતું તે સોશિયલ મિડિયાએ પૂરું કર્યું. 

મિડિયાને બ્લાઇન્ડ આઇટમ્સ માટેનો મસાલો પૂરો પાડવામાં બોલિવુડમાં કામ કરતી પીઆર (પબ્લિક રિલેશન) એજન્સીઓ મોખરે છે. હવે ચિત્ર એવું ઊભું થયું છે કે, કોઈ સ્ટારની ઇમેજ ખરાબ કરવી હોય, તેને અનપ્રોફેશનલ, લંપટ કે નિષ્ફળ ચિતરવો હોય તો હરીફ એક્ટર (કે કોઈ પણ) પીઆર એજન્સી દ્વારા મિડિયામાં આસાનીથી બ્લાઇન્ડ આઇટમ્સ પ્લાન્ટ કરાવી શકે છે. ગ્લેમરની દુનિયામાં જાડી ચામડીના થયા વગર ચાલે નહીં, પણ સુશાંત સંવેદનશીલ માણસ હતો. પોતાના વિશે ફેલાતી અફવાઓથી એ ખૂબ વિચલિત થઈ જતો. 

આજે મેન્ટલ હેલ્થ એક મોટો મુદ્દો છે. સુશાંત સિંહના કમોતનું સાચું કારણ બહાર આવવાનું હજુ બાકી છે, પણ પત્રકારત્વમાં હવે પછી ગૉસિપને હળવાશથી લેવામાં નહીં આવે એ તો નક્કી.     

shishir.ramavat@gmail.com




Thursday, July 16, 2020

ગુજરાતી ભાષા ફાવે તેમ લખાય, એમ?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 જુલાઈ 2020

ટેક ઓફ
અત્યાર સુધી માત્ર છાપામાં લખનારા અને ટીવીવાળા ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. સોશિયલ મિડીયાને કારણે આજે સાડાછ કરોડ ગુજરાતીઓને માતૃભાષા પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો છે.

સોશિયલ મિડીયા જેવું લેવલર બીજું એકેય નથી. લેવલર એટલે બધાને એક જ સ્તર પર લાવી દેતી વસ્તુ. ફેસબુક નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને જે પ્લેટફૉર્મ આપે છે તે જ પ્લેટફૉર્મ તમને પણ આપે છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ટ્વિટની તરત નીચે તમારું ટ્વિટ હોઈ શકે છે. માત્ર ફેમસ વ્યક્તિની જ નહીં, તમારી પોસ્ટ પણ વાઇરલ થઈને હજારો-લાખો લોકો સુધી પહોંચી શકે છે, જો તે દમદાર હશે તો. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો છાપામાં લેખો લખીને પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હતા. આજે સમગ્ર પ્રજા ગમે ત્યારે સોશિયલ મિડીયા પર જઈને પોતાનું મંતવ્ય જણાવી શકે છે, અહેવાલ આપી શકે છે, પોતાના ગમા-અણગમા દુનિયા સામે બેધડક રજૂ કરી શકે છે. સરસ વાત છે આ.

સોશિયલ મિડીયાને કારણે આજે અસંખ્ય લોકો ગુજરાતીમાં લખતા થયા છે. ગુજરાતી ભાષાને, ફોર ધેટ મેટર, ચલણમાં હોય તેવી કોઈ પણ ભાષાને, જીવંત ને ધબકતી રાખી શકવાની સોશિયલ મિડીયાની તાકાત જબરદસ્ત છે. આ અદભુત વાત છે. તકલીફ એ છે કે સોશિયલ મિડીયા બેધારી તલવાર જેવું છે. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો કે પછી ગુજરાતી ન્યુઝ ચેનલોવાળા જ ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે સોશિયલ મિડીયાને પ્રતાપે સાડાછ કરોડ ગુજરાતીઓ માતૃભાષા પર ગમે ત્યારે, દિવસ-રાત દરમિયાન કેટલીય વાર, સતત અત્યાચાર કરી શકે છે.   

ગોબરું, ચિતરી ચડે એવું, માથામેળ વગરનું, દમ વગરનું... આપણે કેવું ગુજરાતી લખીએ છીએ સોશિયલ મિડીયા પર? જરા થોભીને જુઓ તો ખરા. માત્ર ઉચ્ચ કક્ષાની સાહિત્યિક ભાષામાં જ લખવું જોઈએ તેવું કોઈ કહેતું નથી. તે જરૂરી પણ નથી ને શક્ય પણ નથી, પણ સાહેબ, ગુજરાતીમાં લખતી વખતે ભાષાનું થોડુંઘણું માન તો જાળવો. બેઝિક નિયમો તો પાળો. ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચીએ યા તો વોટ્સએપ પર કોઈનું ફૉરવર્ડ મળે ત્યારે લખાણનો  મુદ્દો સમજાય જાય, માણસ શું કહેવા માગે છે એટલી ખબર ખબર પડી જાય એટલે આપણને સંતોષ થઈ જાય છે. તે લખાણની ભાષા, વ્યાકરણ, વાક્યોનું બંધારણ, જોડણી વગેરે તમ્મર ચડી જાય તેટલાં વાહિયાત હોય તો પણ આપણને ફર્ક પડતો નથી. આપણા પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. ગંદી ગુજરાતીમાં લખાયેલો પ્રેરણાદાયી ક્વૉટ કે ટુચકો આપણે ફટાફટ વાંચી જઈએ છીએ ને પાછા તેને શૅર કે ફોરવર્ડ પણ કરી નાખીએ છીએ. ભાષાના મામલામાં આપણી ઉદારતાનો જોટો જડે તેમ નથી.

નેનુંનાનોમાંથી’ - આ અક્ષરોને મૂળ શબ્દથી અલગ પાડી દેવાનો કાયદો ક્યારથી અમલમાં આવી ગયોલોકો લખશે કે - 

નરેન્દ્ર મોદી ને દેશ ચલાવતા આવડતો નથી
કોરોના નો કાળો કેરલૉકડાઉન માં છૂટ અપાશે
અમિતાભ બચ્ચન થી ચડિયાતો કોઈ એક્ટર નથી.... 

અરે સાહેબ, નરેન્દ્ર મોદી ને કે નરેન્દ્ર મોદીને
કોરોના નો કે કોરોનાનો
લૉકડાઉન માં કે લૉકડાઉનમાં
બચ્ચન થી કે બચ્ચનથી? 

ને-નો-માં-થી... આ અક્ષરોની પહેલાં સ્પેસ શા માટે ઘુસાડી દો છો તમે? આ ગુજરાતી ભાષા છેહિન્દી નથી. હિન્દીમાં આ પ્રકારના અક્ષરો છૂટ્ટા પડી જાયપણ ગુજરાતીમાં નો-ની-નુ-ના-ને જેવાં વિભક્તિનાં પ્રત્યયો અને માં-થી જેવા અક્ષરો આગલા શબ્દની સાથે જોડાયેલા જ રહે.


લોકો દલીલ કરશે કે એ તો અમે મોબાઇલમાં ગુજરાતી ટાઇપ કરતા હોઈએ ત્યારે શબ્દ પૂરો થાય પછી આપોઆપ સ્પેસ થઈ જાય છે. એમાં અમે શું કરીએઆ ટેક્નોલોજીકલ ગરબડ છે તે સાચી વાત છે. જ્યાં સુધી ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, સેમસંગ જેવી કંપનીઓ આ ક્ષતિ પર કામ નહીં કરે ત્યાં સુધી આ ગરબડ થતી રહેશે, પણ સાહેબ, તમે પોતે સ્પેસ દૂર કરીને શબ્દને વ્યવસ્થિત કેમ કરતા નથી? શા માટે તમે ઊંધું ઘાલીને ટાઇપ કર્યા જ કરો છો ને બિનજરૂરી સ્પેસ હટાવ્યા વગર, લખાણને એડિટ કર્યા વગર ફેસબુક કે વૉટ્સએપ પર ચડાવી દો છો?

રસ્તાઓ પર તોતિંગ હોર્ડિંગ અને પોસ્ટરોમાં, છાપા-મૅગેઝિન-ટીવી પર જોવા મળતી મોંઘીદાટ જાહેરાતોમાં આવી ભયાનક ભૂલો આંખ પર સતત અથડાતી રહે છે. થથરી ઉઠાય છે આ ગંદવાડ જોઈને. એડવર્ટાઇઝમેન્ટ પાછળ હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખનારા વિજ્ઞાપનદાતાઓ પોતાની પ્રોડક્ટની એડમાં સાચી ગુજરાતી ભાષા વાપરવાનો આગ્રહ કેમ રાખતા નહીં હોય? જાહેરાત તૈયાર કરનારી એડ એજન્સીઓને ખુદને સમજાતું નહીં હોય કે લખાણમાં ગુજરાતી ભાષાનો દાટ વળી ગયો છે? શું તેઓ તદ્દન અભણ કોપીરાઇટરોને નોકરીએ રાખતા હશેશું તેઓ તેલુગુ અને તમિલભાષીઓ પાસે ગુજરાતી જાહેરાતો લખાવતા હશે? શક્ય છે, બિલકુલ શક્ય છે. કદાચ તેઓ પરગ્રહના નિવાસીઓ પાસે સસ્તામાં ગુજરાતી કોપીરાઇટિંગ કરાવતા હોય એવુંય બને. તે સિવાય આટલી બધી ભૂલો કેવી રીતે રહી જાય?     

સો વાતની એક વાત. અત્યાર સુધી લિખિત ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાની જવાબદારી મુખ્યત્ત્વે સાહિત્યકારો, છાપાં-મૅગેઝિનો, ટીવી ચેનલો-અને એડ એજન્સીઓ પર હતી. હવે આ જવાબદારી સોશિયલ મિડીયા પર માતૃભાષામાં પોતાની વાત રજૂ કરતા તમામ ગુજરાતીઓ ઉપાડી લેવાની છે. 




Tuesday, July 14, 2020

ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો છે!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 જૂલાઈ 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.

Javed Siddiqui

બોલિવુડનાં નૃત્યોને એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચાડનાર જન્નતનશીન કોરિયોગ્રાફર સરોજ ખાનનું સ્મરણ કરીને આપણે ગયા રવિવારે શરૂ કરેલી વાતને આગળ વધારીએ. વાત એમ હતી કે ભારતમાં કટોકટી લદાયેલી હતી તે અરસામાં મુંબઈની હોટલ પ્રેસિડન્ટમાં વર્લ્ડક્લાસ બંગાળી ફિલ્મમેકર સત્યજિત રાય અને જાવેદ નામના એક યુવા પત્રકારની મિટીંગ થાય છે. કશી જ પિષ્ટપિંજણ કર્યા વિના સત્યજિત રાય યુવાનના હાથમાં અંગ્રેજીમાં લખાયેલી એક ફિલ્મની સ્ક્રિપ્ટ પકડાવીને કહે છેઃ આના ડાયલોગ્ઝ તારે લખવાના છે! આશ્ચર્ય અને આનંદથી મૂઢ થઈ ગયેલો યુવાન પોતાની મિત્ર શમા ઝૈદીના ઘરે પહોંચી જાય છે,

યાર, શમા! આ મુનશી પ્રેમચંદની વાર્તા છે ને સત્યજિત રાય જેવા મહાન ફિલ્મમેકર તેના પરથી ફિલ્મ બનાવવા માગે છે, જાવેદે કહ્યું, સંવાદોમાં ક્યાંક જરાક અમથી પણ ભૂલ થઈ ગઈ તો લોકો મને પકડીને મારશે.

રિલેક્સ! કોઈ તને નહીં મારે.

આખરે એવું નક્કી થયું કે જાવેદ અને શમા બન્ને સાથે મળીને આ ફિલ્મના સંવાદો લખશે. શમા પાસે ગરમ હવા સહિતની કેટલીક ફિલ્મોનું સહલેખન લખવાનો અનુભવ હતો. મુનશી પ્રેમચંદનીશતરંજ કે ખિલાડી નામની ટૂંકી વાર્તા પરથી સિનિયર બંગાળી લેખક માણિકદાએ અંગ્રેજીમાં હાઇક્લાસ સ્ક્રીનપ્લે તૈયાર કર્યો હતો. 1850ના દાયકામાં આકાર લેતી આ કથામાં મિરઝા સજ્જાદ અલી અને મિર રોશન અલી નામના અવધમાં વસતા બે કુલીન પુરુષો કેન્દ્રમાં છે. તેમને શતરંજ રમવાનો ગજબનો શોખ છે. તેમની શતરંજની ચાલ અને અસલી રાજકીય કાવાદાવા બન્ને સમાંતરે ચાલ્યા કરે છે. સત્યજિત રાયની આ પહેલી હિન્દી ફિલ્મમાં સંજીવ કુમાર, સઈદ જાફરી, અમઝદ ગબ્બર ખાન, શબાના આઝમી, ફારુક શેખ અને ગાંધી ફિલ્મના ડિરેક્ટર રિચર્ડ એટનબરોની તેમાં અભિનય કરવાનાં હતાં.      

હવે સવાલ એ ઊભો થયો કે જો ફિલ્મના સંવાદો ઓગણીસમી સદીની અવધ ભાષામાં લખાશે તો ઑડિયન્સને કશું સમજાશે નહીં. સંવાદો એવી રીતે લખાવા જોઈએ જે આસાનીથી સમજાય પણ જાય ને તેમાંથી જૂના જમાનાની લખનવી સુવાસ પણ આવ્યા કરે. આ કામ કોને સોંપવું? પ્રોડ્યુસર સુરેશ જિંદાલના મનમાં રાજિન્દરસિંહ બેદીનું નામ હતું. સંજીવકુમાર ઇચ્છતા હતા કે સંવાદો ગુલઝાર પાસે જ લખાવવા જોઈએ. શબાના આઝમી અને આર્ટ ડિરેક્ટર બંસી ચંદ્રગુપ્તાનું સૂચન હતું કે આ કામ કૈફી આઝમી (શબાનાના પિતા) કરતાં બહેતર બીજું કોઈ ન કરી શકે. આ સિવાય અખ્તર-ઉલ-ઇમાન નામના લેખક પણ રેસમાં શામેલ હતા. માણિકદાએ કહ્યું કે રાજિન્દરસિંહ બેદી અને ગુલઝાર ઉચ્ચ દરજ્જાના લેખકો છે તેની ના નહીં, પણ તેમનું બૅકગ્રાઉન્ડ પંજાબનું છે. તેઓ કદાચ લખનવી સેન્સિબિલિટીથી એટલી હદે વાકેફ ન પણ હોય. અખ્તર-ઉલ-ઇમાને અગાઉ બી.આર. ચોપરાની ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા. આ પ્રકારનું લખાણ આપણી ફિલ્મમાં નહીં ચાલે.



છેલ્લે એક જ નામ બચ્યું – કૈફી આઝમી. એમની પાસે હીર રાંઝા અને ગરમ હવા જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો લખવાનો અનુભવ પણ હતો. કૈફીસાહેબ અને સત્યજિત રાય જેવા બે દિગ્ગજો વચ્ચે મિટીંગ ગોઠવાઈ. તકલીફ એ થઈ કે કૈફી આઝમીને અંગ્રેજીમાં ફાંફા, જ્યારે સત્યજિત રાય ફક્ત બંગાળી અને અંગ્રેજી સિવાયની ત્રીજી કોઈ ભાષામાં કમ્યુનિકેટ ન કરી શકે. શબાના કહે, કશો વાંધો નહીં. 

સંવાદલેખનની આખી પ્રોસેસ દરમિયાન મારા પિતાજી માટે હું ટ્રાન્સલેટર અને દુભાષિયાનું કામ કરીશ. સત્યજિત રાયનું માનવું હતું કે ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો હોય છે. એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી ન જ હોવી જોઈએ. સત્યજિત રાયે પોતાની ટીમને કહ્યું, તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.

આ તબક્કે શમા ઝૈદી, કે જે શતરંજ કે ખિલાડી માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાનાં હતાં, તેમણે સૂચન કર્યુઃ જાવેદ સિદ્દીકી નામનો એક યંગ જર્નલિસ્ટ છે, મુંબઇના ઉર્દૂ અખબારમાં સરસ કૉલમો લખે છે, એમને અજમાવી જુઓ. સત્યજિત રાયે કહ્યુઃ તો પછી છોકરાને મેસેજ આપ કે મને આવીને મળી જાય. આ રીતે સત્યજિતદા અને જાવેદ સિદ્દીકીની મુલાકાત થઈ.

તહેરાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને આઠ દિવસ પછી સત્યજિત રાય મુંબઇ પાછા ફર્યા ત્યાં સુધીમાં તો જાવેદ સિદ્દીકી અને શમા ઝૈદીએ સાથે મળીને આખી ફિલ્મના સંવાદો લખીને તૈયાર કરી નાખ્યા હતા! ફરી પાછી મિટીંગ ગોઠવાઈ. હોટલની રૂમમાં આ વખતે સત્યજિત રાય ઉપરાંત માણિકદા, પ્રોડ્યુસર જિંદાલ, આર્ટ ડિરેક્ટર ઉપરાંત ઉર્દૂ ભાષાના ધૂરંધર નિષ્ણાતો પણ હાજર હતા. કોઈથી ન અંજાવાનો જર્નલિસ્ટીક મિજાજ ધરાવતા જાવેદ સિદ્દીકીએ એક પછી એક સીનના સંવાદો મોટેથી વાંચવાનું શરૂ કર્યું. દોઢ કલાકના પઠન બાદ સવાલો પૂછાયા. જાવેદ અને શમાએ સંતોષકારક જવાબો આપ્યા. મિટીંગનું પરિણામ આવી ગયું. શતરંજ કે ખિલાડીના સંવાદલેખક તરીકે જાવેદ સિદ્દીકીનું નામ ફાયનલ થઈ ગયું.

આ રીતે જાવેદ સિદ્દીકીની ક્રિયિટિવ યાત્રાની શરૂઆત થઈ. પછી તો એમણે કેટલીય લેન્ડમાર્ક કૃતિઓ લખી - ઉમરાવ જાન જેવી આર્ટિસ્ટિક અને બાઝીગર, ડર, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે, રાજા હિંદુસ્તાની જેવી સુપરહિટ મેઇનસ્ટ્રીમ ફિલ્મો, તુમ્હારી અમૃતા નાટક, ભારત એક ખોજ ટીવી સિરીઝ વગેરે. ખુદ સત્યજિત રાયે જે હીરાને પસંદ કર્યો હોય તે ન ચમકે તો જ નવાઈ!


shishir.ramavat@gmail.com