Thursday, February 9, 2017

મનોજ શાહ: ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર

અહા! જિંદગી - ફેબ્રુઆરી 2010 /  દિવ્ય ભાસ્કર - ઉત્સવ - દિવાળી 2011 

મનોજ શાહ એ મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક મહત્ત્વના અને બહુ જ ગમતીલા શેડનું નામ છે. કમર્શિયલ રંગભૂમિને સમાંતર જિદપૂર્વક પોતાનો ચોકો બનાવીને તેઓ એક-એકથી ચઢિયાતાં સત્ત્વશીલ નાટકો આપતા જાય છે. આ ખુલ્લા દિલનો એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ખરેખર મળવા જેવો માણસ છે.

 
 

ત્રીજા માળે આવેલા એમના વન બેડ‚મ-હોલ-કિચનની કાળી પડી ગયેલી દીવાલો પર છેલ્લે કોણ જાણે કેટલાં વર્ષો પહેલાં રંગરોગાન થયા હશે. એમણે પહેરેલાં ચોળાયેલાં ટીશર્ટમાં દેખાતું છિદ્ર દીવાલોની દશા સાથે જાણે જુગલબંદી કરે છે. ના, આ છિદ્ર કોઈ ફેશન-સ્ટેટમેન્ટનો હિસ્સો નથી, બલકે એ ખરેખરુ જેન્યુઈન છિદ્ર જ છે. હૉલની મોટી બારી અને પુસ્તકોના વિશાળ કબાટ વચ્ચે બનતો ખૂણો એમની પ્રિય જગ્યા છે. અહીં આરામખુરશીમાં  પગ પર પગ ચડાવીને પુસ્તક વાંચતા વાંચતા તેઓ એકધારા કલાકો પસાર કરી શકે છે. બાજુમાં લેન્ડલાઈન ફોન બેઠો હોય અને એક તરફ સાદો મોબાઈલ ફોન ચાર્જ થતો પડ્યો હોય. પોતાની કરીઅરમાં તેઓ સતત સક્રિય છે એટલે બેઠાડુ જીવન જીવી રહ્યા છે એમ તો કેમ કહેવાય, છતાંય એમના પગના સાંધાનો દુખાવો લાંબા સમયથી શ‚ થઈ ગયો છે  જ. ‘ખાસ કરીને પણ દાદરા ઊતરતી વખતે તકલીફ થઈ જાય છે,’ તેઓ કહે છે, ‘જોકે રોજ જિમમાં જવાનું નિયમિત રાખ્યું છે.’

 અહીં ‘નિયમિત’ શબ્દના પ્રયોગ વિશે જરા શંકા કરવા જેવી ખરી! એ જે હોય તે, પણ તેઓ શરીર સાચવે તે જરૂરી છે. માત્ર પોતાની તબિયત માટે જ નહીં, ગુજરાતી રંગભૂમિના સ્વાસ્થ્ય માટે પણ.

 એ મનોજ સાકરચંદ શાહ છે. મુંબઈની ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર.

 હેય મુંબઈની ગુજરાતી રંગભૂમિ મરવા પડી છે.... હેય ગુજરાતી નાટકોમાં ક્વોલિટીના નામે મોટું મીંડું છે... હેય જાતજાતના જ્ઞાતિમંડળો સાથે આડા સંબંધો બાંધતી ફરતી ગુજરાતી રંગભૂમિ પાસે કેરેક્ટર જેવું કશું રહ્યું નથી... આ પ્રકારના આક્ષેપોના એકધારા વરસાદ વચ્ચે મનોજ શાહ નામનો આ માણસ જાણે કે જીદપૂર્વક પોતાની છત્રી ગુજરાતી તખ્તાની આબરુ પર ધરી રાખીને એને ધોવાઈ જતાં બચાવી રહ્યો છે. આઈડિયાઝ અનલિમિટેડ નામનું પોતાનું બેનર ઊભું કરીને એમણે છેલ્લાં 14 વર્ષોથી કમર્શિયલ રંગભૂમિને સમાંતર પોતાનો ચોકો ધરાર ધમધમતો રાખ્યો છે. ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં કેટલાંય બેનમૂન નાટકો આપનાર આ નિર્માતા-નિર્દેશકે દર્શકોને ચકિત કરી નાખે એવા સુપર ટેલેન્ટેડ કલાકારો અભિનયની દુનિયાને સતત આપ્યા છે અને પોષ્યા છે.

 પ્રલોભનોને વશ ન થવું, મુખ્ય પ્રવાહ સાથે સડસડાટ વહેતા જતાં મનુષ્યપ્રાણીઓનાં મહેણાં-ટોણાં-અવગણનાને ગણકાર્યા વગર  ખુદના કન્વિક્શન પ્રમાણે કામ કરતાં રહેવું અને પોતે સર્જેલા વાતાવરણનું ઝનૂનપૂર્વક રક્ષણ કરવું... બહુ કઠિન હોય છે આ બધું.

 ‘હવે મારા ઓડિયન્સમાં સોલ્ડઆઉટ શો ખરીદનારા મંડળવાળા આવતા બંધ થઈ ગયા છે...’ મનોજ શાહ હસે છે, ‘હવે મારાં ઓડિયન્સમાં સાધુઓ, સ્વામીઓ, સંતો-મહંતો અને ટ્રસ્ટીઓ વધારે હોય છે!’

 વેલ, આ એક સારી નિશાની પણ છે અને કદાચ ચિંતાજનક સંજ્ઞા પણ છે. સાધુ-સંતો-મહંતો-સ્વામીઓને મનોજ શાહનાં નાટકો ઉપરાંત એમની ફકીરી પણ આકર્ષતી હશે? હોઈ શકે. મનોજ શાહ પોતાની ફકીરી સાથે, પોતાના ઘરની કાળી પડી ગયેલી દીવાલો સાથે, પોતાના ટીશર્ટમાં પડી ગયેલાં છિદ્ર સાથે મસ્ત થઈને જીવે છે. અલબત્ત, તેઓ પોતાની ફકીરીને નથી બહાદૂરીનું મેડલ બનાવીને છાતીએ લગાડતા કે નથી તેને ઢાલ તરીકે વાપરતા.

1955માં જન્મેલા મનોજ શાહની ફકીરી ઊકેલવા માટે એમની અમીરીની ઈતિહાસ જરા જોઈ લેવો જોઈએ.
 
‘મારો જન્મ ચોપાટીના દરિયાકાંઠે ઊભેલી એક હોસ્પિટલમાં થયો હતો,’ મુંબઈવાસી મનોજ શાહ કહે છે,  ‘મારાં મધર હંમેશા કહ્યા કરતાં કે તું દરિયાની સામે જન્મ્યો છે એટલે જ દરિયાના મોજાં જેવો થયો છે - કંટ્રોલ કરી ન શકાય એવો!’

 પિતાજી શિપિંગના ક્લીઅરિંગ ફોરવર્ડીંગ એજન્ટ હતા.  પહેલાં માટુંગામાં અને પછી લોઅર પરેલ-ચીંચપોકલી વચ્ચે ડિલાઈ રોડવાળા મકાનમાં મનોજ શાહનું બાળપણ અને જુવાની વીત્યાં. લોકાલિટીમાં એમનું ઘર સૌથી સમૃદ્ધ ગણાતું. ‘આખા એરિયાનો સૌથી પહેલો રેડિયો અને ટેલિફોન અમારે ત્યાં આવેલા. અમને ભાઈબહેનોને સાચવવા બે બાઈઓ રાખવામાં આવેલી. ત્રણ ગાડીઓ હતી. આજે તમારે કઈ ગાડીમાં સ્કૂલે જવું છે એવું પૂછવામાં આવતું,’ તેઓ કહે છે.

 સાકરચંદ શાહ અને સવિતા શાહનાં પાંચ સંતાનોમાં મનોજ શાહનો ક્રમ છેલ્લો. તેમનું હુલામણું નામ ‘રાજીયો’ હતું. રાજીયો અેટલે રાજા શબ્દનું અપભ્રંશ. દોમ દોમ સાહ્યબી રુઢિપ્રયોગનો અર્થ સમજવા માટે પાંચેય ભાઈબહેનોને સ્વાનુભાવ કાફી હતો તેમ અણધારી આપત્તિ કોને કહેવાય તે જાણવા માટે પણ દૂર જવું પડે તેમ નહોતું. મનોજ શાહ હજુ માંડ નવ વર્ષના હતા ત્યાં પિતાજીનું અવસાન થઈ ગયું. ઊકળતા પાણી ભરેલાં પાત્ર પરથી ઢાંકણું ખસેડતાં જ જેમ બાષ્પ હવામાં ભળવા માંડે તેમ શાહ પરિવારની સાહ્યબી ઝપાટાભેર વરાળ બનીને ઉડવા માંડી. યમદેવ જાણે ઘર ભાળી ગયું હોય તેમ મૃત્યની ઘટના સમયાંતરે પુનરાવર્તન પામવા માંડી.

 ‘મારી એક બહેન પણ હું નવ વર્ષનો હતો ત્યારે ગુજરી ગઈ હતી,’ મનોજ શાહ કહે છે, ‘હું તેર વર્ષનો થયો ત્યારે મારા કરતાં મોટો ભાઈ મૃત્યુ પામ્યો અને ઓગણીસ વર્ષની ઉંમરે મેં સૌથી મોટા ભાઈનું અવસાન જોયું...’

 સ્વજનોનાં આટલાં બધાં મૃત્યુઓએ કુમળા કિશોર મન પર તીવ્ર પીડા જન્માવી હશે, નહીં?

 ‘ના!’ મનોજ શાહ નવાઈ લાગે એવી વાત કરે છે, ‘કોણ જાણે કેમ મને ઘરનાઓના મોતથી બહુ દુખ કે અફસોસ નહોતા થતાં. મને કેમ આઘાત નહોતો લાગતો એ હજુય સમજાતું નથી. અમુક યાદો જ‚ર છે. જેમ કે, વચલો ભાઈ ડિટેક્ટિવ ચોપડીઓ બહુ વાંચતો. એ નવી ફિલ્મો હંમેશા ફર્સ્ટ ડે ફસ્ટ શો જોતો. મને સિનેમાનું ખાસ આકર્ષણ ન હતું. મને ડ્રોઈંગ ગમતું અેટલે મોટો ભાઈ મને આર્ટગેલેરીઓમાં લઈ જતો, ચિત્રકારો સાથે ઓળખાણ કરાવતો. એક વાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના કાર્યક્રમ વખતે મને બેકસ્ટેજ લઈ ગયો હતો. ’

 આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘...પણ તેમના અવસાન પછી ઊંડું  દુખ અનુભવાયું નહીં એનું કારણ કદાચ એ હતું કે મારામાં ઈમોશનલ સ્પેસ બહુ ડેવલપ નહીં થઈ હોય, કદાચ સમજણ ઓછી હશે. 14 વર્ષની ઉંમરથી કમાવાની જવાબદારી આવી પડી હતી તે કારણ પણ હોય. મારી પાસે કોઈને યાદ કરીને રડવાનો સમય જ નહોતો. આઈ હેડ ટુ ગો ઓન! સ્વજનોના મોતથી મને કેવું ફીલ થયું હતું તે હું અત્યારે યાદ કરી શકતો નથી. પણ આ બધું, સ્વજનોને ગુમાવવાની પીડા, હજુય મારી ભીતર ક્યાંક ધરબાયેલી પડી હશે કદાચ...’



 માત્ર પરિવારજનોનાં મોત જ નહી, અમીરીમાંથી ગરીબીમાં થઈ ગયેલું પરિવર્તન પણ મનોજ શાહના સંવેદનતંત્ર પર, કોણ જાણે કેમ, ખાસ નોંધાયું નહીં. ઘર ચલાવવાની જવાબદારી આવી પડી એટલે તેમણે જાતજાતનાં કામધંધા કરી જોયાં. રસ્તા પર ઊભા રહીને ડુપ્લિકેટ બ્લાઉઝ પીસ વેચ્યા, ફિનાઈલની ગોળીઓ સુધ્ધાં વેચી.

 ‘આવું બધું કરાય કે ન કરાય એવું વિચારવાનો અવકાશ જ નહોતો. સર્વાઈવલ ઈન્સટિંક્ટ્સ મારી પાસે આપોઆપ આ બધાં કામ કરાવતી હતી... પણ આ બધાં કામધંધાના અનુભવ મને આજે પણ કામ લાગે છે. આજે મને કોઈ પણ કામ કરવામાં શરમ કે નાનપની લાગણી થતી નથી.’

 મનોજ શાહને સ્કૂલની ચાર દીવાલો વચ્ચે અપાતું ભણતર ક્યારેય ચડ્યું નહીં. કોઈ સ્કૂલમાં તેઓ ઝાઝું ટકી શકતા જ નહીં. એમણે કુલ 14 સ્કૂલો બદલી, જેમાં નાઈટ-સ્કૂલ પણ આવી ગઈ અને અમદાવાદનું સી.એન. વિદ્યાલય પણ આવી ગયું. તે પછીય એસએસસી સુધી પણ પહોંચી શકાયું નહીં. કમાવાનું શ‚ કયુર્ર્ં પછી તો આમેય ન ભણવાનું સજ્જડ બહાનું હાથમાં આવી ગયું હતું.  અલબત્ત, વાંચનનો શોખ શ‚આતથી જ રહ્યો જે માતા તરફથી વારસામાં મળ્યો છે.
 
 ‘મારી બા ખૂબ વાંચતી. એને રોજ એક નવું પુસ્તક જોઈએ. મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલી પાર્વતીબાઈ લાઈબ્રેરીમાંથી એ જાતજાતની ચોપડીઓ લઈ આવતી. એકવાર હું માતા-પિતા સાથે ઘોડાગાડીમાં બેસીને ભાંગવાડીમાં નાટક જોવા ગયેલો. સામાજિક નાટક હતું. મને એટલુ યાદ છે કે મંચ પર બે માળની બસ હતી, એક છોકરો તેની નીચે કચડાઈ ગયો હતો, લાકડીવાળી ડોસી કકળાટ કરે અને પછી એક કરુણ ગીત આવે...’

 મનોજ શાહના ચિત્ત પર થયેલો રંગભૂમિનો આ પહેલો નક્કર સ્પર્શ.

 ‘સાત-આઠ વર્ષનો હતો ત્યારે ગણેશોત્સવ વખતે જોયેલું એક મરાઠી નાટક પણ મને યાદ રહી ગયું છે. રાક્ષસનો વિશાળ ચહેરો હોય અને તેની જીભમાંથી એક પછી એક પાત્રો બહાર આવે, તલવારો વીંઝાય, લાઈવ મ્યુઝિક વાગે વગેરે. નવરાત્રિમાં અમારી લોકાલિટીમાં ભવાયા બહુ આવતા. વીસ-પચ્ચીસ ફૂટનો કાપડનો વિશાળ અજગર હોય, તેના પર દેવતાઓ બેઠા હોય... અને પછી ખેલ પૂરો થાય એટલે દેવતા બનેલા કલાકારો ઝોળી લઈને ઓડિયન્સમાં ફરે અને પૈસા માગે!’

 તરૂણાવસ્થા વીતી અને યુવાવસ્થાની શ‚આત થતાં જ ભાવજગતમાં નક્કર સ્પંદનો ઉઠવાના શ‚ થયાં. મનોજ શાહ કહે છે, ‘લોકોએ અમારી અમીરી જોયેલી અને પછી દરિદ્રતા પણ જોઈ. લોકોના મોઢે હું સાંભળતો કે અરેરે, બિચારા કેવા હતા ને કેવા થઈ ગયા... તે વખતે મને થતું કે ના, વી આર ધ બેસ્ટ! મારામાં એક વિદ્રોહી અટિટ્યુડ પેદા થઈ ગયો હતો. અઢાર-વીસ વર્ષની વયે મને થવા માંડ્યું કે મારે બીજાઓ કરતાં અલગ હોવું જ પડે. અલગ હોવું એટલે? કલાકાર હોવું! એટલે બીજા છોકરાઓ સામાન્યપણે ન કરે એવાં કામ હું કરતો. હું સરસ મહેંદી મૂકી આપું. રંગોળી કરી આપું. આ કામ માટે મને ખાસ બોલાવવામાં આવે એટલે મને બહુ ગમે, મારો અહમ્ સંતોષાય!’

 મનોજ શાહની ‘કલાકારીગીરી’ નવાં નવાં રંગ‚પ લેવા માંડી, જેમ કે પર્યૂષણ વખતે દેરાસરમાં ધાર્મિક ડાન્સ બેસાડી આપવો, પિક્ચરનાં ગીતો પરથી ધાર્મિક ગીતો લખવાં! ‘નદીયાં ચલે ચલે હૈ ધારા’ ગીતનાં શબ્દો બદલાઈને ‘મહાવીર ચલે ચલે હૈ દ્વારે’ થઈ જાય. આવાં ગીતો ભયાનક બેસૂરા અવાજે ગવાય. આ ગીતોની ચોપડીઓ છપાય અને ધૂમ વેચાય પણ ખરી!

 ‘મારો એક નાગીન ડાન્સ બહુ પોપ્યુલર થઈ ગયેલો. તે કદાચ મારું પહેલું પબ્લિક પર્ફોર્મન્સ!’ મનોજ શાહ આજે આ બધું યાદ કરીને ખડખડાટ હસી પડે છે, ‘મને યાદ છે, ‘નીલકમલ’ ફિલ્મ જોઈને હું ગાંડો ગાંડો થઈ ગયેલો. પછી ગણપતિ વખતે હું સ્ટેજ પરથી એક્ટર રાજકુમારની સ્ટાઈલમાં ડાયલોગ બોલું ને બધા તાળીઓ પાડે. હું રાજકુમારને ખાસ ફોલો કરતો. એક વાર વકતૃત્વ સ્પર્ધામાં  ‘કલમ ઔર તલવાર’  વિષય પર બોલવાનું હતું. એમાંય મેં રાજકુમારની નકલ કરી. ‘હીરરાંઝા’ ફિલ્મમાં એક ડાયલોગ હતો કે તુઝકો પાના જિંદગી હૈ મેરી... અહીં પણ મેં કલમ શબ્દ ફિટ કરી નાખ્યો: કલમ કો પાના જિંદગી હૈ મેરી! આખું ભાષણ આ રીતે ચલાવ્યું અને લોકોએ મોહિત થઈને ગડગડાટ કરી મૂક્યો. તાળીઓનો અવાજ કાનમાં ગૂંજવાથી આપણને થઈ ગયેલું કે આ કામ બેસ્ટ છે, આ જ કરાય, રેકગ્નિશન આમ જ મળે! પોપ્યુલર ક્લીશે એટલે કે વપરાઈને ચૂથ્થો થઈ ગયેલી છતાંય લોકપ્રિય હોય તેવી આઈટમોને કેવી રીતે પર્ફોર્મન્સમાં વણી લેવાય અને ઓડિયન્સની વાહ વાહ કેવી રીતે મેળવાય તેની સૂઝ મારામાં આવી ગઈ હતી... અને આ બધું ફ્રોડ છે, બનાવટી છે, નિમ્ન કક્ષાનું છે તે પણ અંદરખાને મને સમજાતું હતું.’

 મનોજ શાહ જ્યાં રહેતા તે ડિલાઈ રોડ પર મિલો હતી. મિલના કારીગરો દર શનિવારની રાતે ભેગા થઈને અભંગ ગાતા. એકસાથે મંજીરા વાગતા હોય અને સૂર રેલાતા હોય.

 ‘મને સમજાય કે આ સંગીત સાચું છે, જેન્યુઈન છે અને હું દેરાસરમાં જે કરું છું તે ખોટું છે, પણ મને પર્ફોર્મ કરવાનો ચાન્સ દેરાસરમાં જ મળતો. પેલાં ફ્રોડ ગીતો અને ડાન્સથી મને તાત્કાલિક વાહવાહી મળતી અને હું જાણે કે બીજાઓ કરતાં ચડિયાતો છું એવો સંતોષ થઈ જતો... મારી સ્ટ્રગલ તો ચાલુ જ હતી, પણ ધીમે ધીમે જિંદગીને જોવાની દષ્ટિ બદલાતી ગઈ. અભાનપણે મારી અંદર કશુંક બદલાતું જતું હતું. એ શું હતું તે જોકે મને સમજાતું નહોતું...’

 ધીમે ધીમે નવી ‘શોધો’ થતી જતી હતી. મનોજ શાહ તે અરસામાં કાંદા એક્સપોર્ટ કરવાનું કામ કરતા. કાંદા ખરીદવા તેઓ નાસિક નજીક પીંપળ ગામે જતા. તેઓ જે કથ્થાઈ રંગના કાંદા પસંદ કરતા તે છેક પેરિસ જતા.

 ‘ત્યાં મારી ઓળખાણ રામલિંગમ નામના એક મદ્રાસી સાથે થઈ,’ મનોજ શાહ વાત આગળ વધારે છે, ‘સવારના ચાર વાગ્યામાં તે કંઈક મંત્રોચ્ચાર કરતો. મને કશું સમજાય નહીં, પણ એનો ધ્વનિ બહુ ગમે. પછી મને ખબર પડી કે તે સુબ્બાલક્ષ્મીનું કર્ણાટક સંગીત હતું. સુબ્બાલક્ષ્મીને મેં આ રીતે ડિસ્કવર કર્યાં. તે જ રીતે પછી ભીમસેન જોષી મળ્યા.’

 મનોજ શાહ નાના હતા ત્યારે સ્કૂલ જવાના રસ્તે એક હનુમાન મંદિર આવે. ત્યાં રાત્રે ભજન મળે અને પ્રસાદમાં સ્વાદિષ્ટ શીરો મળે. આ પ્રસાદ  સાૌથી પહેલા લેવા માટે છોકરાઓ પડાપડી કરી મૂકે.

 ‘હું ગયો હોઉં શીરા માટે, પણ મળે ભજન... અને સાથે ગાંજા-ચરસ પણ મળે,’ કહીને મનોજ શાહ હસી પડે છે, ‘મેં કશું જ છોડ્યું નથી. ગાંજો, ચરસ, એલએસડી નામનો નશીલો પદાર્થ... 21 થી 25 વર્ષની વચ્ચે દેસી દારુ પણ આવી ગયેલો!’

 મનોજ શાહની છાપ ભલે ‘સિરિયસ નાટ્યકર્મી’ની હોય, પણ તેમની વાતોમાં એકધારા હાસ્ય-મજાક છલકતાં રહે છે. પોતાની જાતને ગંભીરતાથી લેવાની વાત તો જોજનો દૂર રહી, તેઓ સતત ખુદને હળવાશથી લેતા રહે છે, ખુદની મજાક કરતા રહે છે.

 ‘મારું ડાન્સ-ગીતોનું ફ્રોડ ખૂબ ચાલ્યું. મને જુદી જુદી જ્ઞાતિઓના મંડળો અને પછી કોલેજો તરફથી આમંત્રણો મળવા લાગ્યાં. કોઈકેને હું ગરબો બેસાડી આપતો તો કોઈકને ભાંગડા સેટ કરી આપતો. મને સમજાઈ ગયું હતું કે આ દુકાન ચલાવવી હશે તો મારે ડાન્સમાં આગળ વધવું પડશે. મારે સચીન શંકરના ટ્રુપમાં જોડાવું હતું. સચીન શંકર એટલે પંડિત રવિશંકરના ભાઈ અને ઉદય શંકરના શિષ્ય. વેસ્ટર્ન બેલેમાં સચીન શંકરે ખૂબ નામ કાઢ્યું હતું.’


 સચીન શંકરના ગ્ર્ાુપમાં જો કે મનોજ શાહને એન્ટ્રી ન મળી. એનું કારણ હતું. આખા દિવસ કમાવાની ભાંગજડમાં ડાન્સની તાલીમ માટે સમય ક્યાં મળવાનો હતો! જોકે સચીન શંકરે ઉદાર દિલે કહ્યું કે જુવાન, તું ઓફિશીયલી ભલે ન જોડાય પણ તું અહીં આવીને બેસી શકે છે, અમે જે કરીએ છીએ તે જોઈ શકે છે. મનોજ શાહને ‘ડાન્સની દુકાન’ ચલાવવામાં આ એક્સપોઝર ખૂબ કામ આવ્યું. સૌથી પહેલી વાર, લગભગ 1975-76માં, તેમને કે.સી. કોલેજ તરફથી ડાન્સ કોરિયોગ્ર્ાાફ કરાવવાનું આમંત્રણ મળ્યું. ત્યાં લતેશ શાહ સાથે ઓળખાણ થઈ (જે પછીથી સફળ રંગકર્મી બન્યા) અને ધીમે ધીમે તેમના ગ્ર્ાુપમાં સામેલ થઈને મનોજ શાહ એક્ટિંગ કરવા લાગ્યા.

 ‘મેં સૌથી પહેલી વાર ‘નપુંસક’ નામના એબ્સર્ડ નાટકમાં અભિનય કર્યો. ચાર છોકરાઓ યુનિવર્સિટી વિરુદ્ધ, એજ્યુકેશન સિસ્ટમ વિરુદ્ધ સૂત્રો પોકારતા હોય ને એવું બધું. હું એ ચાર છોકરાઓમાંનો એક હતો. મને મજા આવી આ નાટક કરવામાં. તે પછી બીજું એક નાટક કયુર્ર્ં, ‘ભારત હમારી માતા, બાપ હમારા હિજડા’. દેશમાં લદાયેલી કટોકટીનો વિરોધ કરતું આ સ્ટ્રીટ-પ્લે હતું. અમે એટલા બધા એક્સાઈટેડ અને મૂરખ હતા કે જુદા જુદા એરિયામાં એક દિવસમાં 21 શો કર્યા! અમારે કંઈક રેકોર્ડ-બેકોર્ડ બનાવવો હતો. લોકોને આ નાટકમાં ખૂબ મજા પડી ગઈ. જોકે પછી પોલીસ આવીને અમને પકડી ગયેલી.’

 કે.સી. કોલેજ પછી મનોજ શાહનો અડ્ડો બની ગઈ. રસિક દવે, હોમી વાડિયા, શફી ઈનામદાર અને બીજા ઘણા બધા અહીં બેસતા અને તેઓ અભિનયના પેશન બાબતે વધારે સ્પષ્ટ હતા. દરમિયાન મનોજ શાહે ઈપ્ટા (ઈન્ડિયન થિયેટર પીપલ્સ અસોસિયેશન) દ્વારા આયોજિત ઈન્ટરકોલેજિયેટ ફેસ્ટિવલ જોયું અને જાતજાતના એકાંકીઓ જોઈને ઘેલા ઘેલા થઈ ગયા. તેમને બ્રહ્મજ્ઞાન લાધ્યું: ડાન્સ-બાન્સને મારો ગોળી... લાઈફમાં કામ તો આ જ કરાય, નાટકનું! મહેન્દ્ર જોશીએ નૌશિલ મહેતા લિખિત નાટક ‘નૌશિલ મહેતા આત્મહત્યા કર રહે હૈ’ નામનું એકાંકી ડિરેક્ટ કર્યું. મનોજ શાહે મહેન્દ્ર જોશી સામે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોશીએ નામ પૂરતો રોલ આપ્યો, જેમાં એમણે એક જ વાક્ય બોલવાનું હતું અને તે પણ કોરસમાં.

 ‘તે વખતે મેં મનોમન ગાંઠ વાળી લીધી હતી કે જોશી આજે ભલે મને ખૂણામાં ખડો કરી દે, પણ એક દિવસ એવો આવશે જ્યારે મારી અભિનયપ્રતિભાથી આખું સ્ટેજ ચીરાઈ જશે!’ મનોજ શાહ ફરી એક વાર ખુદનો ઉપહાસ કરે છે અને ખડખડાટ હસી પડે છે, ‘રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કામ કયુર્ર્ં હતું ત્યારે સિનેમા માટે પણ મારા મનમાં આવો જ એટિટ્યુડ હતો - એક દિવસ એટલો મોટો ફિલ્મ-એક્ટર બનીશ કે મારી એક્ટિંગની આગથી થિયેટરનો પડદો સળગી જશે! દરેક જોશીલા નવોદિતના મનમાં આવા જ વિચારો રમતા હોય છે...’

 નાગિન ડાન્સ ને એવું બધું કરતી વખતે પબ્લિક પર્ફોર્મન્સનો એકડો તો આપોઆપ ઘૂંટાઈ ગયો હતો. હવે તેના પર પોલિશિંગ થવાનું શ‚ થયું. નૌશિલ મહેતા અને અન્યો સાથે દોસ્તી થઈ, તેમની સાથે સમય પસાર થવા લાગ્યો અને માનસિક વિશ્વ ખૂલવા માંડ્યું.

 ‘મનગમતા મિત્રોનું વર્તુળ આપોઆપ બનવા લાગતું હોય છે,’ મનોજ શાહ કહે છે, ‘મારું વાંચન વધતું ગયું. તમે એકદમ ઉત્સુક અને તૈયાર હો ત્યારે પુસ્તકો આપોઆપ તમારી પાસે આવવા માંડે છે. મને યાદ છે, તે અરસામાં મેં ડી. એચ. લોરેન્સની ‘ધ ફ્લુટ પ્લેયર’ નામની નોવેલ વાંચી હતી. તેમાં વેશ્યાઓ કવિને  કહે છે કે  તમે કમાવાની ચિંતા કર્યા વગર માત્ર કવિતાઓ લખો, અમે તમારો નિભાવ કરીશું. તમે કલાકાર છો તો કલાકાર જ બની રહો. તમે તમારો આત્મા ન વેચો, એ કામ અમારા પર છોડી દો! આ અદભુત મારા મનમાં ચોંટી ગઈ. વાંચનને કારણે મગજમાં બત્તીઓ થવા માંડી હતી. બીજાઓથી અલગ થવાનો જે મોહ હતો તે ઓગળતો ગયો. અત્યાર સુધી કળાના નામે મેં માત્ર બનાવટ કરી હતી તે સમજાતું ગયું.’

 તે પછી આઈએનટીની સ્પર્ધા માટે મનોજ શાહે ‘થિયેટર થિયેટર’ નામનું એક એકાંકી લખ્યું અને ડિરેક્ટ કર્યું. નાટકે ઈનામો તો ખેર ન જીત્યાં, પણ નિર્ણાયકોની પેનલમાં ચંદ્રકાંત બક્ષી હતા, જેમણે વ્યક્તિગત રીતે આ નાટકને ખૂબ વખાણ્યું. તે પછી ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં બંગાળી નાટકો જોવાયાં. ભાષા ન સમજાય, પણ અનુભૂતિ પૂરેપૂરી થાય. અરવિંદ દેશપાંડે અને અમોલ પાલેકરનાં નાટકો પણ માણ્યાં. આ કમાલનું એક્સપોઝર હતું. પ્રવીણ જોશી અને મહેન્દ્ર જોશી કરતાં ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં નાટકોએ ઘણાં વધારે મોહિત કરવા માંડ્યાં હતાં.  કે.સી. કોલેજની લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ થવા માંડયો (મનોજ શાહ કોલેજમાં એટલો બધો સમય વીતાવતા હતા કે સૌને થતું કે આ કોલેજનો જ વિદ્યાર્થી છે!) અને અહીં તેમણે પવનકુમાર જૈનનું ‘પ્રશિષ્ટ જર્મન સાહિત્ય’ જેવાં ઘણાં પુસ્તકો વાચ્યાં. પવનકુમાર જૈન સાથે પછી તો દોસ્તી પણ થઈ જેમના થકી વિશ્વ સાહિત્યનું એક્સપોઝર ખૂબ વધ્યું. પવનકુમાર અને મનોજ શાહ પછી સાથેસાથે સમજતા ગયા  કે સાહિત્યથી આટલા બધા આભા કે મુગ્ધ થવાની જ‚ર નથી, જીવન સ્વયં કોઈ પણ કલાપ્રકાર કરતાં અનેકગણું વધારે અદભુત છે!
 
 દરમિયાન અંજલિ કિચનવેર કંપનીનું માર્કેટિંગનું કામ ચાલતું રહ્યું, જેમાં સમય મેનિપ્યુલેટ થઈ શકતો હતો. 28 વર્ષની ઉંમરે મનોજ શાહનાં લગ્ન થયાં, કલ્પના શાહ સાથે. તેઓ કહે છે, ‘ઈન્ટરકોલેજિયેટમાં મેં ઘણાં નાટકો ડિરેક્ટ કયાર્ર્ં અને આખરે 1983-84માં સૌથી પહેલું ‘દેવકન્યા’ નામનું નાટક પ્રોડ્યુસ તેમજ ડિરેક્ટ કર્યું. શેફાલી શેટ્ટી (હવે શાહ), ચંદ્રકાંત ઠક્કર, કેનિથ દેસાઈએ તેમાં કામ કર્યું. બકુલ ઠક્કરે તે લખ્યું હતું. તેને મેં ફુલલેન્થ કમર્શિયલ નાટક તરીકે ટ્રીટ કયુર્ર્ં હતું પણ ગ્ર્ાાન્ડ રિહર્સલ દરમિયાન જ સમજાઈ ગયું આ ડિઝાસ્ટર છે. પાંચ-સાત શોમાં નાટક બંધ કરી દેવું પડ્યું. ખોટ ખાઈને ચલાવી શકાય એવી તાકાત નહોતી. આ નાટકની નોંધ જ ન લેવાઈ. મિત્રો વઢ્યા. પણ આ અનુભવે મને શીખવ્યું કે પૂરેપૂરી સ્પષ્ટતા હોવી જોઈએ - વિષય વિશેની, ટાર્ગેટ ઓડિયન્સ વિશેની અને જાત વિશેની.  ‘દેવકન્યા’એ મને આર્થિક રીતે અને બીજી બધી રીતે તોડી નાખ્યો. નાટક બનાવવાનો મોહ જાણે કે ખતમ થઈ ગયો. મને થયું કે આપણને હજુ નાટક કેમ બનાવવું એની સમજ પડવાની વાર છે.’

 અલબત્ત, થિયેટર સાથેનો નાતો જોડાયેલો રહ્યો. ‘અશ્વત્થામા’, ‘અત્યારે’, ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ જેવાં નાટકોમાં ક્યારેક નાના રોલ કરી લેતા. ઈમેજ પબ્લિકેશન્સના કાર્યક્રમો માટે નાટકો તૈયાર કરતા, જે ફક્ત એક શો માટે ભજવવાનું હોય. રવિવારે તેઓ ચડ્ડીમાં જ હોય અને તેમના ખભે એક રેક્ઝિનનો થેલો હોય, જેમાં તમામ થિયેટરોનાનાં નામ અને કોન્ટેક્ટ નંબર્સ મોટા અક્ષરે લખ્યા હોય. તેમને એક ઉપનામ મળી ગયું-‘ચડ્ડી!’ તેઓ રશિયન ડાન્સ બેલે, કન્ટેમ્પરરી ડાન્સ, બંગાળી કે અન્યભાષી નાટકો ને એવું બધું જોવા જાય. બહુ સમજ ન પડે તો પણ જુએ. જોન મેથ્યુ મથાન (જેમણે પછી આમિર ખાનને લઈને ‘સરફરોશ’ ફિલ્મ ડિરેક્ટ કરી) સાથે ‘સ્મોધર્ડ વોઈસ’ નામની ફિલ્મ માટે કામ કર્યું. જાણીતા એનિમેટર ભીમસેન એના પ્રોડ્યુસર હતા અને  શ્યામ બેનેગલ ફિલ્મનું પ્રોડકશન હેન્ડલ કરવાના હતા. તે ફિલ્મ તો ખેર ન બની, પણ શીખવાનું ઘણું મળ્યું, મનની ગ્રંથિઓ ઓગળી ગઈ.

 દરમિયાન એક વાર મનોજ શાહે ‘બેગમ બર્વે’ નામનું એક મરાઠી નાટક જોયું અને તેને ગુજરાતીમાં લાવવાની ઈચ્છા થઈ ગઈ. જૂની રંગભૂમિ પર સ્ત્રીનો વેશ ભજવતા અને ખુદને સ્ત્રી સમજવા માંડેલા કલાકારની હૃદય વિંધી નાખે એવી તેમાં વાત છે. અમેરિકાવાસી કવિ-નાટ્યકાર ચંદ્ર શાહે નાટક લખવું શ‚ કયુર્ર્ં અને તેમની પ્રક્રિયા સાત વર્ષ ચાલી. આ નાટક એટલે ‘માસ્ટર ફૂલમણિ’!

‘માસ્ટર ફૂલમણિ’


 ‘નાટક તો લખાયું, પણ તે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવા માટે હું હજુ તૈયાર નહોતો,’ મનોજ શાહ યાદ કરે છે, ‘વળી, મારા નાટકમાં એક્ટિંગ કોણ કરે? આઈ વોઝ અ ફેઈલ્યોર! મેં ઘણા નામાંકિત કલાકારોને નાટક સંભળાવ્યું, પણ કશો મેળ પડતો નહોતો. એક વાર (જાણીતા અંગ્ર્ોજી નાટ્યકર્મી) રામુ રામુનાથનના ઘરે હું બેઠો હતો. એને અને તેની પત્ની કિન્નરીને મેં ‘ફૂલમણિ’ સંભળાવ્યું. બન્ને બહુ મજા પડી. કહે, તું આ કર, જલસો પડી જશે!  તેમની આવી પ્રતિક્રિયાથી મારામાં કોન્ફિડન્સ આવ્યો. તે પછી અમે નાટકની માત્ર િરડીંગ સેશન્સ ગોઠવવાની શ‚ કર્યું. પહેલું રીડીંગ પૃથ્વી થિયેટરમાં કર્યું. પૃથ્વીમાં પછી તો નાટકના રિડીંગનો ટ્રેન્ડ શ‚ થઈ ગયો હતો. કલાકારોની ટીમ ઓડિયન્સ સામે ‘માસ્ટર ફૂલમણિ’ના સંવાદોનું માત્ર ભાવવાહી પઠન કરે. આનો રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો. લગભગ સાતેક રિડીંગ્સ થયાં હશે. ઓિડયન્સના રિએકશનના આધારે સુધારાવધારા સુઝે, ચંદુ સાથે વાત થાય અને ચંદુ અમેરિકાથી નવાં પાનાં ફેક્સ કરે.’

 મૂળ મનોજ શાહને ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ કરવાની ઈચ્છા હતી, પણ આ પ્રોસેસ દરમિયાન તેમને સમજાતું ગયું કે આ ભુમિકા માટે જે પ્રકારની પ્રકારની મુગ્ધતા, જે પ્રકારની સમર્પણવૃત્તિ જોઈએ તે પોતાની ભીતર રહી નથી. મુખ્ય રોલ હવે કોને આપવો? ચિરાગ વોરા નામના પરાગ વિજય દત્ત એક્ટિંગ એકેડેમીમાંથી આવેલા એક નવોસવો છોકરાને આ પ્રોજેક્ટમાં બહુ રસ હતો. અગાઉ કાંતિ મડિયાના કોઈ પ્લેમાં એકાદ નાનકડો રોલ પણ કર્યો હતો.

 ‘મેં ચિરાગને હા પાડતા પહેલાં ત્રણ વર્ષ રખડાવ્યો,’ મનોજ શાહ કહે છે, ‘પણ એ છોકરામાં એટલું બધું પેશન હતું કે સતત મને ફોલૉ કરતો રહ્યો. રિડીંગ દરમિયાન હું અને પરાગ ઝવેરી પહેલેથી હતા, જ્યારે ફૂલમણિ અને સુમન ભજવતા કલાકારો બદલાયા કરે. મેં ચિરાગને અમુક વાર ફૂલમણિનુું કિરદાર વાંચવા માટે આપેલું. સુમનના પાત્ર માટે મેં ઘણા કલાકારોને પૂછેલું. આખરે ઉત્કર્ષ મઝુમદાર મળ્યા અને બ-ત્રણ દિવસમાં એમણે હા પાડી. એમને કદાચ મારી કામ કરવાની શૈલી ગમી હશે.’

 મનોજ શાહ નાટકનું ડિરેકશન લતેશ શાહને સોંપવા માગતા હતા, પણ વાત જામી નહીં એટલે આખરે આ જવાબદારી તેમણે જ ઉઠાવવાનું નક્કી કર્યું. ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ ચિરાગ વોરાને આપવામાં આવ્યો. નાટક મ્યુઝિકલ હતું એટલે ચારેય કલાકારોને ગાવાની તાલીમ આપવામાં આવી. ધીમે ધીમે ટીમ એકઠી થવા માંડી. નાટકમાં ભાંગવાડી એટલે કે જૂની ગુજરાતી રંગભૂમિનો માહોલ હતો એટલે ઊભું વાજું તો જોઈએ જ. ચંદ્ર ચૂડામણિ નામના દેશ-વિદેશમાં પર્ફોર્મ કરી ચૂકેલા એક મરાઠી સજ્જન નાટકમાં લાઈવ વાજું વગાડવા માટે તૈયાર થઈ ગયા. નાટકનું પશ્ચાદભૂ તૈયાર કયુર્ર્ં વિશ્વવિખ્યાત ચિત્રકારમિત્ર ભુપેન ખખ્ખરે. આખરે નાટકના પહેલા પ્રયોગની તારીખ આવી ગઈ - 11 નવેમ્બર, 1999. મતલબ કે ‘દેવકન્યા’ પછી પહેલું નાટક પ્રોડ્યુસ કરવામાં પંદર-સોળ વર્ષ લાગી ગયાં!

 મનોજ શાહ કહે છે, ‘લોકોને નાટક ગમશે કે નહીં તે બાબતે હું ચોક્કસ નહોતો, પણ મને પોતાને આખી પ્રોસેસમાં ખૂબ મજા આવી રહી હતી. પૃથ્વી ફેસ્ટિવલના ભાગ‚પે મુંબઈના હોર્નિમન સર્કલમાં નાટકનો પહેલો શો ભજવાયો. ઓડિયન્સ પાગલ થઈ ગયું. તે ઘડી ને આજનો દી’. લાગલગાટ બાર વર્ષથી ‘માસ્ટર ફૂલમણિ’ના શોઝ થઈ રહ્યા છે.’

 ‘માસ્ટર ફૂલમણિ’એ મનોજ શાહની કારકિર્દીને વેગ આપી દીધો. એમનું આઈડિયાઝ અનલિમિટેડ બેનર પ્રસ્થાપિત થઈ ગયું. ગુજરાતી રંગભૂમિને ચિરાગ વોરા નામનો ટેલેન્ટેડ કલાકાર મળ્યો. ઈવન ઉત્કર્ષ મઝુમદાર, જે અત્યાર સુધી મુખ્યત્ત્વે હિન્દી થિયેટરમાં સક્રિય હતા, તેમના તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું. મનોજ શાહ કહે છે, ‘આ નાટકે મને મારા પોતાના વિશે, મારા ક્રાફ્ટ વિશે દષ્ટિ આપી. મને લાગ્યું કે ભલે એક્ટર તરીકે નહીં તો ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે હું મારા સપનાંને સાકાર થતાં જોઈ શકું છું.’

 મનોજ શાહનું ડિરેકશન અને પ્રોડકશન બન્ને સમાંતર રંગભૂમિના પરિઘમાં રહ્યાં. ઈન્ટરકોલેજિયેટના દિવસોમાં જ ઉત્પલ દત્ત, બાદલ સરકાર અને વિજયા મહેતાનાં નાટકોનાં એક્સપોઝરને લીધે મનોજ શાહના ચિત્તમાં કમર્શિયલ રંગભૂમિના કિંગ ગણાતા પ્રવીણ જોશી અને ઈવન મહેન્દ્ર જોશી ધીમે ધીમે જોશી પશ્ચાદભૂમાં જતા રહ્યા હતા. ‘માસ્ટર ફૂલમણિ’ની સફળતાએ મનોજ શાહની સફર આર્થિક સમૃદ્ધિની શક્યતાવાળા મુખ્ય પથ પર નહીં પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવા એવા સમાંતર રસ્તા પર નિશ્ચિત કરી નાખી. તેઓ કહે છે, ‘મેં નાનપણમાં ભરપૂર સાહ્યેબી પણ જોઈ છે અને પછી પ્રલંબ ગરીબીમાં રસ્તા પર ઊભા રહીને બ્લાઉઝ પીસ અને ઉંદર મારવાની ગોળીઓ પણ વેચી છે. નાણાંનું હોવું અને ન હોવું આ બન્ને અંતિમો મેં જોયાં છે. તેથી જ સવાર-સાંજ ભરપેટ ખાવાનું મળે એટલું પૂરતું છે એવી આડકતરી સમજ કદાચ એ વખતથી મારામાં વિકસી ગઈ હશે અને તેથી જ સમાંતર રંગભૂમિ  તરફ મેં ગતિ કરી હશે.’

‘મરીઝ’


 ‘માસ્ટર ફૂલમણિ’ પછી 2004માં ઓર એક કીર્તિદા નાટક આવ્યું- ‘મરીઝ’. આ નાટક પણ એટલાં જ પેશન, રીચર્સ  અને મહેનતથી બન્યું. ‘મરીઝ’ સાથે પણ ઓર એક વિખ્યાત ચિત્રકાર સંકળાયા-ગુલામ મોહમ્મદ શેખ. આ નાટક સાથે ઓડિયન્સને ચકિત કરી દે તેવી ઓર એક ટેલેન્ટ સ્ફોટ સાથે ઉછળી, જેનું નામ હતું ધર્મેન્દ્ર ગોહિલ. વિનીત શુક્લ લિખિત ‘મરીઝ’ શોઝની ડિમાન્ડ આજે પણ રહે છે.

 તે પછી બીજાં કેટલાય પ્રોડકશન્સ થયા.  અલબત્ત, ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ તો અપવાદ‚પ નાટકો છે,  બાકી મોટા ભાગનાં પ્રોડકશન્સ આંગળીના વેઢે ગણી શકાય એટલા શોઝ પૂરતા સીમિત રહ્યાં. મનોજ શાહ કહે છે,  ‘મારાં પ્રત્યેક પ્રોડકશન પાછળ પુષ્કળ સમય અને શક્તિ ખચાર્ય, ખૂબ રિહર્સલ્સ થાય. તેના ગણ્યાગાંઠ્યા શોઝ જ થવાના છે તેવી સ્પષ્ટતા શ‚આતથી જ સૌના મનમાં હોય છતાંય કોઈના પેશનમાં સહેજ પણ કમી ન આવે. હું આ વાતને આ રીતે જોઉં છું: અમે કેટલા લકી છીએ કે અમારા મનમાં જે નાટકનું સપનું જોયું છે તે બે શો પૂરતું પણ સાકાર થઈ શકે છે! ખરેખરી મજા પ્રોસેસની છે. જો આ પ્રકારનો એટિટ્યુડ જ‚રી છે, કારણ કે એ નહીં હોય તો હું જે કરું છું તે પ્રવૃત્તિ થઈ જ ન શકે.’

 ‘બે શો એનસીપીએમાં કરીશું, બે શો પૃથ્વીમાં કરીશું અને પછી ભુલી જઈશું’ - શ્રીમદ રાજચંદ્ર પર આધારિત ‘અપૂર્વ અવસર’ની શ‚આત  આ જ પૂર્વધારણા સાથે થઈ હતી. ધર્મેન્દ્ર ગોહિલ, પુલકિત સોલંકી અને પ્રતીક ગાંધી - આ ત્રણ જ ટેલેન્ટેડ કલાકારો તેમાં હતા.  રાજુ દવે લિખિત (મનોજ શાહને નવા એક્ટરોની જેમ નવા રાઈટરોની પણ ગંધ આવે છે!) આ નાટકમાં સો-સવાસો વર્ષ પહેલાંની અત્યંત કઠિન ભાષા હતી.  નાટક ઓપન થયું અને તેને અણધારી સફળતા મળી. આઈડિયાઝ અનલિમિટેડના આ સૌથી મોટા હિટ નાટકના શોઝ આજે પણ દેશ-વિદેશમાં યોજાતા રહે છે.

 પછી તો કેટકેટલાં નાટકો -  પ્રાણીઓ પર અત્યાચારની વાત કરતું હૃદયવેધક ‘જીતે હૈં શાન સે’, રવીન્દ્રનાથ ટાગોરનું ‘અચલાયતન’, મણિલાલ નભુભાઈ દ્વિવેદીના વિવાદાસ્પદ જીવનવૃત્તાંત પર આધારિત ‘જલ જલ મરે પતંગ’ (જેમાં, અગેન, ઓર એક વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સન્નિવેશ તૈયાર કર્યો હતો અને વેદીશ ઝવેરી નામનો સુપર ટેલેન્ટેડ અેક્ટર રંગભૂમિને પ્રાપ્ત થયો હતો), આચાર્ય હેમચંદ્ર આચાર્યના જીવન અને કાર્ય પર આધારિત ‘સિદ્ધહેમ’, રાજા ભરથરીની વાત વણી લેતું ‘અમર ફળ’, નરસિંહ મહેતાથી લઈને નર્મદ-મેઘાણી સુધીના મધ્યકાલીન મહાનુભાવોને આવરી લેતું ‘ગુજરાતની અસ્મિતા’, જર્મન ગ્ર્ાીપ શૈલીનું ધીરુબહેન પટેલ લિખિત લેટેસ્ટ ‘મમ્મી તું આવી કેવી?’ વગેરે. મનોજ શાહનાં  નાટકો મુંબઈની ગુજરાતી રંગભૂમિને અત્યંત આકષર્ક શેડ્ઝ અને ટેક્સચર આપે છે, મુંબઈની ગુજરાતી થિયેટર સર્કિટને એક-પરિમાણી બનતાં, તેને તસુએ તસુ ધંધાદારી હોવાના મહેણાંમાથી બચાવી લે છે.

 મનોજ શાહનાં ખુદના સૌથી ફેવરિટ ત્રણ નાટકો કયાં? તેઓ વિચારીને જવાબ આપે છે, ‘એક તો ‘અખો આખાબોલો’. તેનું નોન-લિનીઅર મ્યુઝિકલ ફૉર્મ મને ખૂબ ગમે છે. બીજું, ‘ગુજરાતની અસ્મિતા’. કેટકટલી વિભૂતિઓને હું આ નાટક થકી ઓળખી શક્યો, તેમની રચનાઓની નજીક રહી શક્યો અને લોકો સુધી પહોંચાડી શક્યો. ત્રીજું પિ્રય નાટક, અફકોર્સ, ‘માસ્ટર ફૂલમણિ’.’

 મનોજ શાહનાં મોટા ભાગનાં નાટકોમાં સશક્ત ઐતિહાસિક અને સાહિત્યિક આધાર હોય છે, સંગીત હોય છે, સમૃદ્ધ એસ્થેટિક્સ હોય છે, ચોક્કસ લય હોય છે. જો કે તેમના પર આરોપ છે કે તેઓ એક જ ઘરેડના, જૂનવાણી માહોલવાળા, વ્યક્તિવિશેષ આધારિત નાટકો કયર્ે જાય છે અને ટાઈપકાસ્ટ થતા જાય છે. ઈવન તેમના કલાકારો પણ ફરિયાદ કરતા હોય છે કે મનોજભાઈ,   અમારે હજું ક્યાં સુધી ધોતિયાં પહેર્યે રાખવાનાં છે? શું કહેવું છે મનોજ શાહનું આ વિશે?

 ‘જુઓ, ગવૈયાઓ ચોક્કસ રાગના રિયાઝમાં ત્રીસ-ત્રીસ વર્ષ કાઢી નાખતા હોય છે અને છતાં તેમાં પૂરેપૂરી મહારત હાંસલ કરી શકતા નથી,’ આટલું કહીને તેઓ સ્મિતપૂર્વક ઉમરે છે, ‘મને આખી જિંદગી વ્યક્તિવિશેષનો રિયાઝ કરવામાં કશો વાંધો નથી! આ એટલું મોટું કેનવાસ છે કે ચોર્યાસી ભવ પણ ઓછા પડે. નાટક માત્ર વ્યક્તિવિશેષનું નથી હોતું, બલકે એ પોતાની સાથે તે સમયનું કલ્ચર, નીતિમૂલ્યો, માહોલ, ભાષા આ બધું જ લઈને આવે છે. ખરાબ નાટકો કરવા કરતાં ટાઈકાસ્ટ થવું સારું.  હું મારો રસ્તો, મારું એક્સપ્રેશન શોધી જ લઉં છું. મને ટાઈપકાસ્ટ થઈ જવાનો ડર પણ નથી.’

 તેઓ પોતાની વાતને વધારે વિસ્તારપૂર્વક મૂકે છે, ‘આજે આપણા કાને અંગ્ર્ોજી, હિન્દી, મરાઠી અને બીજી કેટલીય ભાષાઓ પડે છે. ટીવી પર ત્રણસો ચેનલો આવે છે. આવી સ્થિતિમાં શ્રીમદ રાજચંદ્ર, અખો, નર્મદ અને મેઘાણીની ગુજરાતી ભાષા મારાં નાટકો થકી જીવંત રહેતી હોય તો મારા માટે ખૂબ ગર્વ વાત છે. આ મહાનુભાવોનાં કામ અને સાહિત્યની નજીક રહેવાનો લહાવો મને આ નાટકો વગર શી રીતે મળવાનો હતો? મને અને મારી આખી ટીમને આ વ્યક્તિવિશેષોની સાથે જીવવા મળે છે તે મોટા સન્માનની વાત છે. હું તો મેળામાં મારું ચકડોળ ચલાવું છું અને તેમાં અખાને પણ બેસાડું ને રાજા ભરથરીને પણ બેસાડું... ને વચ્ચે વચ્ચે ‘હૂતો હૂતી’ જેવાં નાટકોના લોલીપોપ પણ આપતો રહું!’

 સતત સમાંતર રગંભૂમિ પર રમમાણ રહેતા મનોજ શાહને વિશાળ પ્રેક્ષકવર્ગને સમાવી લેતી કમર્શિયલ રંગભૂમિ હજુય આકર્ષતી નથી? કે પછી કમર્શિયલ રંગભૂમિને મનોજ શાહ આકર્ષક લાગતા નથી? મનોજ શાહ જવાબ આપે છે, ‘ભાઈદાસ-તેજપાલના ઓડિયન્સ માટે નાટક કરવાં મને પુષ્કળ ગમે, અઢળક ગમે, પણ એવી કોઈ કૃતિ હાથવગી નથી.  2008-09માં મેં ‘નમી ગયા તે ગમી ગયા’ નામનું બીજા બેનરનું આઉટ-એન્ડ-આઉટ કમર્શિયલ પ્લે ડિરેક્ટ કર્યું હતું જેના દેશવિદેશમાં 350  શો થયા હતા. આ નાટક કરવાનું કારણ એ હતું કે મારે કલ્પના દીવાન જેવાં સિનિયર એકટ્રેસ સાથે કામ કરવું હતું, અેમની પાસેથી શીખવું હતું. બાકી, ‘જુઓ જુઓ... હું કમર્શિયલ નાટકો પણ સરસ કરી શકું છું’ એવું બીજાઓ સામે પૂરવાર કરવામાં મન રસ છે જ નહીં. મને તો વધારે લોકો, નવા લોકો નાટક જોવા આવે તેમાં રસ છે. જુઓ, દાયકા પહેલાં મારી પાસે માત્ર 30 કલાકાર-કસબીઓની ટીમ હતી, આજે 150ની ટીમ છે. હું જે પ્રકારનું કામ કરું છું તેમાં નવા પ્રેક્ષકો જ નહીં, નવા કલાકારો પણ જોડાય છે. આ મોટા આનંદની વાત છે.’

 એક બાજુ મેઈનસ્ટ્રીમ રંગભૂમિનાં નાટકો છે, જે વીસ-પચ્ચીસ દિવસમાં ઓપન થઈ જાય છે, મંડળોના સોલ્ડ-આઉટ શોઝના જોરે ચાલ્યા કરે છે અને આખી ટીમ સારાં અેવાં નાણાં રળી લે છે. તેની સામે મનોજ શાહ પોતાનાં નાટકો પાછળ મહીનાઓ સુધી પુષ્કળ રીસર્ચ કરે અને કરાવે, કલાકારો સાથે ખૂબ રીડીંગ-રિહર્સલ્સ કર્યા પછીય તેમની સામે પુષ્કળ સમય પસાર કરે. તે પછી કલાકાર-કસબીઓને જે મળે છે તે છે માત્ર સંતોષ, આનંદ અને તાલીમ. આર્થિક વળતરનો સંદર્ભ અહીં ખાસ હોતો નથી. છતાંય મેઈનસ્ટ્રીમ રંગભૂમિના કેટલાય કલાકારો મનોજ શાહ સાથે વચ્ચે વચ્ચે કામ કરવા ઉત્સુક રહે છે. તેની સામે એવાય કેટલાય આર્ટિસ્ટ્સ અને સ્ટાર્સ છે, જે મનોજ શાહની સમાંતર રંગભૂમિને ‘નોનસેન્સ એેક્ટિવિટી’ ગણે છે અને તેમના કામની નોંધ પણ લેતા નથી. શું કહેવું છે મનોજ શાહને તેના વિશે?

 ‘હું વધારે પ્રામાણિક છું કે કમર્શિયલ રંગભૂમિવાળા વધારે પ્રામાણિક છે, આ વધારે સારું કે પેલું વધારે સારું તે કોણ નક્કી કરે, દોસ્ત? કોઈની નિષ્ઠા વિશે ચુકાદો આપવો કે કોઈને જજ કરવા જેવું ફ્રોડ બીજું એકેય નથી. સૌનું પોતપોતાનું કન્વિકશન છે અને સૌ તે મુજબ કામ કરે છે. કેમ, હું પણ વચ્ચે વચ્ચે ‘વોટ્સ યોર રાશિ?’ કે ‘મૌસમ’ જેવી હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં નાનુંમોટું કામ કરી જ લઉં છું ને! તે વખતે ક્યાં જાય છે મારો આદર્શવાદ? ટૂંકમાં, બધા પોતપોતાની જગ્યા પર સાચા છે. ’

 પણ મનોજ શાહને બીજા નિર્માતાઓની જેમ સરસ કમાવાની ઈચ્છા નથી થતી? સાવ ફકીરી તો નહીં, ચુસ્તપણે મધ્યમ-મધ્યમવર્ગીય અવસ્થામાં સપડાયા છે તેમાંથી બહાર આવવાની અપેક્ષા જાગતી નથી?

 ‘ઓહો, મને આર્થિક અપેક્ષા તો પુષ્કળ છે!’ તેઓ પાછા મોટેથી હસી પડે છે અને મસ્તીપૂર્વક કહે છે, ‘ધારો કે કોઈ શેઠિયો આ લેખ વાંચીને મને મારી રીતે નાટકો કરવા માટે 32 કરોડ ‚પિયા ઓફર કરે અને તેમાંથી એક કરોડ ‚પિયા અંગત રીતે વાપરવાની છૂટ આપે તો સૌથી પહેલાં હું મારા ઘરની દીવાલોને કલર કરાવું!’



 અલબત્ત, લાલચ પેદા કરતી પરિસ્થિતિઓ ઊભી થતી રહે જ છે. જેમ કે, ‘સિદ્ધહેમ’ નાટક પછી એક ધાર્મિક વડાએ પ્રસ્તાવ મૂકેલો: જો તમારે ફંડ જોઈતું હોય તો હું શ્રેષ્ઠીઓને વાત કરું, પાંચેક કરોડ ‚પિયા તો ચપટી વગાડતા ઊભા થઈ જશે. મનોજ શાહે તેમના પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી કાઢ્યો હતો. તેઓ કહે છે, ‘કારણ, સૌથી પહેલાં તો તેઓ સાધુ હતા. એ કોઈને કહે અને થર્ડ પર્સન મને ફંડ આપે તે મને માન્ય નથી. આ તો મને દાન મળ્યું કહેવાય. દાનની સાથે શરતો પણ આવે જ. આ શરતો મને બાંધી દેશે, મારી પાસે બાંધછોડ કરાવશે, મને મારા મિજાજ પ્રમાણે કામ કરવા નહીં દે. તે મને સ્વીકાર્ય નથી. મારી પ્રવૃત્તિ અને મારી તાસીર જ મને જીવાડે છે. તેને હું મરવા દઈ ન શકું. હું કંઈ ત્યાગી કે શહીદ નથી. મારા પાળિયાં બંધાય એવી મારી કોઈ ખ્વાહિશ નથી. હું વાણિયાનો દીકરો છું અને જોતજાતના બિઝનેસ કરી ચૂક્યો છું. મારા કેટલાક શુભચિંતકો જ‚ર છે, જે મને કહેતા હોય છે કે મનોજભાઈ, તમે નાટક કરો, તે ચાલે કે ન પણ ચાલે, અમે બેઠા છીએ. પણ આવી સ્થિતિમાં હું બિલકુલ સ્પષ્ટ હોઉં છું.’

 મનોજ શાહનાં પત્ની કલ્પના શાહ અને યુવાન પુત્ર જનમ પણ તેમના પેશન અને મિજાજને સારી રીતે સમજે છે અને સ્વીકારે છે. ફિલ્મો બનાવવી એ મનોજ શાહની પ્રિય ફેન્ટસી છે. એમ તો તેઓ પોતાનું નાનકડું ઓડિટોરિયમ હોય તેવી ખ્વાહિશ પણ ધરાવે છે.

 ‘ઓહ યેસ! હું વર્ષોથી ભારતભરમાં ફરીને ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરું છું. ઈન કેસ, ભવિષ્યમાં ફિલ્મ બનાવવાનો મોકો મળે તો આ મારું હોમવર્ક છે!’ અને પછી ખડખડાટ હસીને મનોજ શાહ વાતચીતનું સમાપન કરે છે, ‘બાકી આપણે 32 કરોડ તો જોઈએ છે જ. ઓકે, 30 કરોડ પણ ચાલશે, બસ?’  

                                                           
                                                                     
                                                                 (સમાપ્ત)

UPDATE




મનોજ શાહનો ઉપરનો ઇન્ટરવ્યુ 2010માં લેવાયો હતો. આજે 2017માં તેમની નાટ્યયાત્રા ક્યાંય આગળ નીકળી ચુકી છે અને તેઓ એકએકથી ચડિયાતા બીજાં કેટલાંય નાટકો આપી ચુક્યા છે. કેટલાય નવા કલાકારો - લેખકો એમના વડે દીક્ષિત થઈ ચુક્યા છે... અને હા, ખુદનું નાનકડું ઓડિટોરિયમ બનાવવાની ખ્વાહિશ હજુય અકબંધ છે!

0 0 0 

Monday, February 6, 2017

‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે?’

Sandesh - Sanskar Purti - 5 Feb 2017
મલ્ટિપ્લેક્સ
એક જાડીયોપાડીયો, છોકરી જેવા હાવભાવ ધરાવતો અને પાર વગરની માનસિક ગ્રંથિઓથી ગ્રસ્ત રહેતો કરણ જોહર નામનો ઓકવર્ડ છોકરો શી રીતે બોલિવૂડનો સૌથી સફળ અને પાવરફુલ હસ્તીઓમાંનો એક બની ગયો?


ફિલ્મમેકર કરણ જોહરની આત્મકથા ‘એન અનસ્યુટેબલ બોય’ આજકાલ ન્યૂઝમાં છે. આ અંગ્રેજી પુસ્તકમાં એણે પોતાના જીવનના ચડાવ-ઉતાર, ફ્લ્મિી લોકો સાથેના સંબંધો, પોતાના સ્ત્રૈણ હોવા વિશે અને સેકસ્યુઆલિટી વિશે આશ્ર્ચર્ય થાય એટલી નિખાલસતાથી લખ્યું છે. પુસ્તકનો એક અંશ અહીં જોઈએ. વાત છે કરણ અગિયાર-બાર વર્ષનો ટાબરિયો હતો ત્યારની. ભણવામાં કે બીજી એકેય પ્રવૃત્તિમાં કશું જ ઉકાળી ન શકતા કરણને પંચગીનીની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ રાજીખુશીથી જવા તૈયાર તો થઈ ગયો, પણ હોસ્ટેલમાં પગ મૂક્તાં જ એના દુઃખનો પાર ન રહૃાો. એણે ભાગી જવાની કોશિશ કરી, પકડાઈ ગયો, બધા વચ્ચે અપમાનિત થયો. પાંચ જ દિવસમાં એ ધોએલા મૂળાની જેમ પંચગીનીથી પાછો મુંબઈ આવી ગયો. હવે આગળની વાત એના શબ્દોમાં જ સાંભળો. ઓવર ટુ કરણ…
                                                 0 0 0 
ને બિસ્તરાં-પોટલાં સાથે પાછો આવેલો જોઈને મારી મમ્મી ગુસ્સે થઈ ગઈ. એણે ધક્કો મારીને પોતાના કમરાનો દરવાજો બંધ કરી દીધો ને ખુદ અંદર પૂરાઈ ગઈ. છેક સાંજે એણે મને પોતાની પાસે બોલાવ્યો. એમનું પહેલું જ વાકય આ હતું: ‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે? તું ભણવામાં મીડિયોકર છો, તને સ્પોર્ટ્સમાં જરાય રસ નથી, તું ફ્રેન્ડ્સ બનાવી શકતો નથી. શું મારે એવા છોકરાને ઉછેરીને મોટો કરવાનો છે જેના હોવા – ન હોવાથી દુુનિયામાં કોઈને કશો ર્ફ્ક પડતો ન હોય? તારે કશુંક કરી દેખાડવું કે નથી કરી દેખાડવું? દીકરા, તું કંઈપણ કર, પણ જે કરે તે સારામાં સારી રીતે કર. કાં તું સારું ગાતા શીખ અથવા મહેનતુ સ્ટુડન્ડ બનીને ભણવામાં સારામાં સારા માર્ક્સ લઈ આવ અથવા કોઈ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધ. તકલીફ એ  છે કે તું આમાંનું કશું જ કરતો નથી. કરવા માગતો જ નથી. તારે ખાલી આખો દિવસ મારી પાછળ પાછળ ફર્યા કરવું છે. જો, હું આ હવે બિલકુલ ચલાવી નહીં લઉં. મને એવા છોકરાની મા બનવામાં કોઈ રસ નથી જે તમામ ચીજોમાં ઢબુનો ઢ જેવો હોય.’ 
હું ચુપચાપ સાંભળતો રહૃાો.
‘તને શું સારું આવડે છે?’ મમ્મી પૂછતી રહી, ‘એવી કઈ વસ્તુ છે જેમાં તું આગળ વધી શકે એમ છે એમ તને લાગે છે?’
હું શું બોલું? મમ્મીએ કહેલી એકેએક વાત સાચી હતી. એ મને સ્પોર્ટ્સ કેમ્પમાં મોકલે, આર્ટ ક્લાસ જોઈન કરાવે, પણ હું બધું અડધેથી પડતું મૂકી દેતો. કોણ જાણે કેમ, મને કશું જ કરવાનું મન જ ન થતું. હું જાડીયો હતો, મારા હાવભાવ અને વાત કરવાની રીત છોકરી જેવાં હતાં. તેને લીધે મારા મનમાં એટલી બધી ગ્રંથિઓ ઘર કરી ગઈ હતી કે હું બહારની દુનિયા સાથે હળવાભળવાનું સતત ટાળ્યા કરતો.

મારી ગ્રીન લોન્સ સ્કૂલમાં મિસ ડોરિસ નામનાં ટીચર ઇન્ટરેકટ ક્લબ નામની એક કલબ ચલાવતાં, જેમાં વકતૃત્વ સ્પર્ધા, ડિબેટ, નાટક વગેરે જેવી એકિટવિટીઝ થતી. હું આ ક્લબની ગતિવિધિઓનેે જોયા કરતો, પણ હું એટલો શરમાળ હતો કે તેમાં ભાગ ન લઈ શકતો. એક દિવસ આ ક્લબ ચાલતી હતી તે કલાસની અંદર જવાને બદલે હું કાચના બારણાની બહાર ઊભો ઊભો ડોકિયાં કરી રહૃાો હતો. મારા પર ધ્યાન પડતાં મિસ ડોરિસે મને બોલાવ્યો. કહે, ‘કાં તો તું અંદર આવ અથવા ઘરે જતો રહે. આમ બહાર ઊભા ઊભા ડોકિયાં ન કર. બોલ, તારે ઇન્ટરેકટ કલબમાં જોઈન થવું છે?’
‘આઈ ડોન્ટ નો.’
‘કશો વાંધો નહીં. એક કામ કર. અંદર આવ. મારી સામે બેસ. આજની આપણી એકિટવિટી છે, ‘વન મિનિટ’.’
આ એકિટવિટીમાં એક મોટા બાઉલમાં નાની ચિઠ્ઠીઓ મૂકી હોય. સૌએ વારાફરતી એક-એક ચિઠ્ઠી ઊપાડવાની. પછી તેમાં જે શબ્દ લખ્યો હોય તે વિષય પર એક મિનિટ સુધી અટકયા વગર સડસડાટ બોલવાનું. ‘કુછ કુછ હોતા હૈ’માં પેલો એક મિનિટવાળો જે સીન છે તેની પ્રેરણા મને આના પરથી મળી હતી. એક પછી એક સૌ બોલતા ગયા. છેલ્લે મારો વારો આવ્યો. મારી ચિઠ્ઠીમાં લખ્યું હતું – મધર. ‘કુછ કુછ હોતા હૈ’માં નાની અંજલિની ચિઠ્ઠીમાંથી પણ આ જ શબ્દ નીકળે છે. મારા સંકોચનો પાર ન હતો, છતાંય કોણ જાણે કેમ મેં મા વિશે બોલવાનું શરૂ કરી દીધું. હું એકઝેકટલી શું બોલ્યો હતો તે મને અત્યારે યાદ નથી, પણ એટલું જરૂર યાદ છે કે મારું બોલવાનું પૂરું થયું પછી સૌએ તાળીઓ પાડી હતી. સૌએ પહેલી વાર મારો અવાજ સાંભળ્યો હતો. હું ઇન્ટરેકટ કલબમાં જોડાઈ ગયો.
એક વાર મને કાવ્યપઠનની ઇન્ટર-સ્કૂલ સ્પર્ધામાં ઉતારવામાં આવ્યો. મને અને બીજા એક છોકરાને ચર્ચગેટ પાસે વાયએમસીએમાં લઈ જવામાં આવ્યા. બોમ્બેની મોટી મોટી સ્કૂલોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અચાનક એક છોકરો મારી પાસે આવીને કહે, ‘હું બોમ્બે સ્કોટિશમાં ભણું છું. તું?’
‘ગ્રીન લોન્સમાં.’
આ છોકરાનો ચહેરો પરિચિત લાગતો હતો, પણ એને કયાં જોયો હતો તે યાદ આવતું નહોતું. એણે મને પૂછયું, ‘તું યશ અંકલ અને હીરુ આન્ટીનો દીકરો છેને?’
‘હા.’
‘હું યશ અંકલ અને પેમ આન્ટીનો દીકરો છું.’
‘ઓહ, તું આદિ છો!’
મને એકદમ યાદ આવ્યું કે બે વર્ષ પહેલાં કોઈ બર્થડે પાર્ટીમાં મેં એને જોયો હતો. યશરાજ બેનરના સર્વેસર્વા આદિત્ય યશ ચોપડા સાથે થયેલી આ મારી પહેલી વાતચીત.
હું અને આદિ બંને સ્પર્ધાના ફાયનલ રાઉન્ડ માટે કવોલિફાય થઈ ગયા, જોકે ફાયનલ કોમ્પિટિશન વખતે આદિની એક્ઝામ હોવાથી ભાગ નહોતો લીધો. એક મહિના પછી અમને સ્પીચ લખવાનું કહેવામાં આવ્યું. નશીલી ડ્રગ્સનું દૂષણ કે એવો કોઈક વિષય હતો. મને લખવાનું બહુ ગમતું. મેં મિશન બનાવી લીધું હતું કે સારામાં સારી સ્પીચ લખવી. આખરે સ્પર્ધાનો દિવસ આવ્યો. બોમ્બેની તમામ બેસ્ટ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને ટીચરો હાજર હતા. નિર્ણાયક તરીકે પર્લ પદમસી અને શેરનાઝ પટેલ જેવાં મોટા માથાં સામે બેઠા હતાં. સ્પર્ધાનું સ્ટાન્ડર્ડ ખરેખર ખૂબ ઊંચું હતું. બધા સ્પર્ધકો સરસ બોલ્યા. આખરે રિઝલ્ટની જાહેરાત થઈ. થર્ડ પ્રાઈઝ, સેકન્ડ પ્રાઈઝ અને છેલ્લે ર્ફ્સ્ટ પ્રાઈઝ.
‘એન્ડ ધ વિનર ઈઝ… ફ્રોમ ગ્રીન લોન્સ હાઈ સ્કૂલ… કરણ જોહર!’
હું શોકડ હતો. કોઈએ મને ધક્કો મારીને સ્ટેજ પર મોકલ્યો. હું ઝોમ્બીની જેમ ઉપર ગયો. મને તોતિંગ કપ આપવામાં આવ્યો. આ બધું સપનાં જેવું લાગતું હતું. ઘરે જઈને મમ્મી સામે કપ ધરીને મંે કહૃાું, ‘મમ્મી, હું ર્ફ્સ્ટ આવ્યો!’

મમ્મી રડવા લાગી. જિંદગીમાં હું પહેલી વાર હું કશુંક જીતીને લાવ્યો હતો. મારા હરખપદૂડા પપ્પાએ આખા ગામને ફોન કરી નાખ્યાઃ મારો દીકરો વકતૃત્વ સ્પર્ધામાં ર્ફ્સ્ટ આવ્યો! મમ્મી-પપ્પા બન્નેમાંથી કોઈને માન્યામાં નહોતું આવતું કે અમારો ડોબો દીકરો ખરેખર કોઈ સ્પર્ધામાં વિજેતા બન્યો છે. બીજે દિવસ સ્કૂલમાં એસેમ્બલી દરમિયાન અમારાં પ્રિન્સિપાલ મિસિસ બજાજે ગર્વભેર જાહેરાત કરી કે ઇન્ટર-સ્કૂલ ઇલોકયુશન કોમ્પિટિશનમાં આપણી સ્કૂલ વિજેતા બની હોય એવું આટલાં વર્ષોમાં પહેલી વાર બન્યું છે અને આ શકય બન્યું છે કરણ જોહર નામના સ્ટુડન્ટને લીધે. 
મને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. હું ઇન્સ્ટન્ટ સ્ટાર બની ગયો. મારા નસીબે કરવટ બદલી હોય અથવા મારી લાઈફ્માં વિરાટ પરિવર્તન આવ્યું હોય તો તેનું કારણ આ કપ છે. બસ, તે પછી સ્કૂલમાં કે સ્કૂલની બહાર કોઈપણ સ્પર્ધા હોય – વકતૃત્વ, ડિબેટ, નાટક – એમાં હું હોઉં, હોઉં ને હોઉં જ, એટલું જ નહીં, વિજેતા પણ હું જ હોઉં. સ્પોર્ટ્સમેન તરીકે હું જે મેદાનમાં નહોતો કરી શકતો તે હું સ્ટેજ પર વક્તા તરીકે કરી શકતો હતો. મારી હિન્દી અને અંગ્રેજી બંને સ્પીચ સરસ હતી. મારી સ્પીચ હંમેશા રમૂજી રહેતી. મારામાં સ્ટેજ-ફિયર નહોતો. સ્ટેજ પર હોઉં ત્યારે સામે જાણે કોઈ જ બેઠું ન હોય તે રીતે હું પર્ફેાર્મ કરી શકતો. સમજોને કે સ્કૂલની એકસ્ટ્રા-કરિકયુલર એકિટવિટીઝ પર હું છવાઈ ગયો હતો. હું હજુય શરમાળ, અંતર્મુખ અને ઓકવર્ડ હતો, પણ સ્ટેજ પર બહુ જ કોન્ફ્ડિન્ટ બની જતો. મારી આખી પર્સનાલિટી બદલાઈ રહી હતી. હું વધારે ફ્રેન્ડલી બન્યો. મેદસ્વી અને સ્ત્રૈણ હોવાની જૂની સમસ્યાઓ એમની એમ હતી, પણ એની તીવ્રતા હવે ઘટી ગઈ હતી. મેં પણ કશુંક અચીવ કર્યું છે એ હકીકતના આનંદમાં આ સમસ્યાઓનું દુઃખ દબાઈ જતું. મારો આત્મવિશ્વાસ વધ્યો એની સીધી અસર પરીક્ષાના પરિણામો પર પણ પડી. મને હવે સરસ માર્ક્સ મળવા લાગ્યા. હવે ફ્રેન્ડ્ઝ ઘરે આવતા, મને તેઓ પોતાને ત્યાં બર્થડે પાર્ટી વગેરેમાં બોલાવતા. મને સ્પોટલાઈટમાં રહેવું ગમવા લાગ્યું.
આજે પાછું વળીને જોઉં છે ત્યારે મને સમજાય છે કે મારું બોર્ડિંગ હાઉસમાંથી પાછું ફરવું, મારી મમ્મીનું લેકચર સાંભળવું અને પહેલી વાર વક્તૃત્વ સ્પર્ધામાં કપ જીતવો – મારા જીવનની આ ડિફાઈનિંગ મોમેન્ટ્સ છે.

આખરે એક દિવસ આવ્યો જ્યારે હું સ્કૂલની વક્તૃત્વ સ્પર્ધામાં છેલ્લી વાર ભાગ લઈ રહૃાો હતો. મને યાદ છે, હું બોલવા ઊભો થયો ત્યારે અનાઉન્સરે કહૃાું હતું કે આજે આપણે છેલ્લી વાર કરણ જોહરની સ્પીચ સાંભળીશું. હું સુપરસ્ટાર સ્પીકર બની ચૂકયો હતો. મારી છેલ્લી સ્પીચ પણ સરસ રહી. સૌએ તાળીઓ પાડીને મને વધાવી લીધો. મને યાદ છે, સ્ટેજ પરથી નીચે ઉતરી રહૃાો હતો ખબર નહીં કેમ, મને એકાએક એવું ફીલ થયું કે મારી અંદર ખાસ પ્રકારની એનર્જી, વાઈબ્રેશન્સ અથવા આભા પેદાં થઈ ચૂકયાં છે. તે વખતે મારી ભીતર એક લાગણી જાગી, મને તીવ્રતાથી અહેસાસ થયો કે જિંદગીમાં આગળ જઈને હું ખૂબ ફેમસ બનવાનો છું…
                                            0 0 0 
વું જ થયું. કરણ જોહરે પચ્ચીસ-છવીસ વર્ષની ઉંમરે સુપરહિટ ‘કુછ કુછ હોતા હૈ’ બનાવી ત્યારથી એ ફેમસ માણસ છે. તમને અંગત રીતે એની ફ્લ્મિો ગમે કે ન ગમે, એની વાત કરવાની રીત, એના ટીવી શોઝ, એન્કરિંગ વગેરે પસંદ પડે કે ન પડે, પણ કરણ જોહર છેલ્લાં પંદર-વીસ વર્ષોથી હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ પાવરફુલ પોઝિશન ધરાવે છે તે હકીકત છે. એની કંપની ધર્મા પ્રોડકશન્સ આજે બોલિવૂડના સૌથી સફ્ળતમ બેનર્સમાં સ્થાન પામે છે. કરણે કેટલાય એકટરો અને ડિરેકટરોને લોન્ચ કરીને તેમની કરિયર બનાવી છે. સ્ત્રૈણ હોવા છતાં, એની સેકસ્યુઆલિટી વિશે સતત મજાકો થતી હોવા છતાં કરણે હતાશ થઈને પોતાના જીવનને જાતજાતની ગ્રંથિઓમાં ગૂંચવી નાખ્યું નથી. એ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસના જોરે સતત વિકસતો ગયો છે. કરણ જોહરને કમસે કમ આ બાબત પૂરતો જશ તો આપવો જ જોઈએ. એક ફ્લ્મિમેકર અને સેલિબ્રિટી તરીકે એ તમને મીડિયોકર લાગતો હોય, તો પણ.
0 0 0 

Thursday, February 2, 2017

અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો?

Sandesh - Ardh Saptahik purti - 1st Feb 2017 
Take off

‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે.'

Gandhi during WWI, as organizer of the Indian Volunteer Corps, London, 1914

દુનિયાને અહિંસા જેવા અદ્ભુત શસ્ત્રની ભેટ આપનાર મહાત્મા ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને દિલપૂર્વક ટેકો આપ્યો હતો તે વળી કેવું! ચોથી ઓગસ્ટ ૧૯૧૪ના રોજ ફર્સ્ટ વર્લ્ડ વોરની જાહેરાત થઈ હતી અને તેના બે દિવસ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. લંડન પહોંચીને એમણે ત્યાં વસતા ભારતીયોની મિટિંગ બોલાવી. ગાંધીજીએ કહૃાું કે જે ભારતીયો ઈંગ્લેન્ડમાં રહે છે તેમણે અંગ્રેજ સરકારને આ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાથી થાય એટલી સઘળી મદદ કરવી જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓની માફ્ક ઈંગ્લેન્ડમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ લશ્કરમાં ભરતી થવું જોઈએ. સ્વાભાવિક રીતે જ તરત સામી દલીલ થઈ કે, ‘અંગ્રેજો માલિક છે, આપણે ગુલામ છીએ. ગુલામે શા માટે  માલિકને સહકાર આપવો જોઈએ? જે ગુલામ સ્વતંત્ર થવા માગે છે એના માટે તો પોતાનો માલિક સંકટમાં હોય તે જ સારું ગણાયને! આ તો આપણા માટે સારો અવસર આવ્યો ગણાય. આપણે આવા સમયે જ અંગ્રેજો સામે આપણી માગણી રજૂ કરવી જોઈએ.’
પણ આ દલીલોની ગાંધીજી પણ કોઈ અસર થઈ નહોતી. ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ  બિરલાએ ‘બાપુ’ નામના પુસ્તકમાં ગાંધીજીના આ વિરોધીભાસી વલણ વિશે આખું પ્રકરણ લખ્યું છે. બિરલા નોંધે છે કે સૌથી પહેલાં તો, બાપુને નહોતું લાગતું કે ભારતીયો ગુલામીની કક્ષાએ પહોંચી ગયા છે. વળી, ગાંધીજીને એવો વિશ્વાસ હતો કે જો આપણે અંગ્રેજોનો પ્રેમ સંપાદન કરી શકીશું તો જ પરિસ્થિતિમાં ફેરફાર થશે. સંકટમાં આવી પડેલા અંગ્રેજોને મદદરૂપ થઈશું તો શકય છે કે એમનું હ્ય્દયપરિવર્તન થાય અને ભારતીયો પ્રત્યેનો એમનો વ્યવહાર બદલાય.
આખરે પ્રથમ વિશ્વયુદ્ધના માહોલ વચ્ચે લંડનમાં ભારતીય સ્વયંસેવકોની એક ટુકડી તૈયાર કરવામાં આવી. મજા જુઓ. આ ટુકડીની મદદ સ્વીકારવા માટે તે વખતના ભારતમંત્રી લોર્ડ ક્રૂ તૈયાર નહોતા! ખૂબ બધી આનાકાની પછી માંડ તેમણે ભારતીય વોલેન્ટિયર્સની સેવા સ્વીકારવાની હા પાડી. દક્ષિણ આફ્રિકામાં વસતા ગાંધીજીના સાથીદારોએ આ સાંભળ્યું ત્યારે એમની નવાઈનો પાર ન રહૃાો. એક બાજુ ગાંધીજી અહિંસાની ઉપાસના કરે છે અને બીજી બાજુ ભારતીયોને વિશ્વયુદ્ધમાં સામેલ કરે છે! આ તો વળી કેવી બેવડી નીતિ! આ વિશે ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા કંઈક આવી હતીઃ


‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. અહિંસા એક વિશાળ ધર્મ છે. માણસ એક પણ ક્ષણ જાણે-અજાણ્યે હિંસા કર્યા વિના જીવિત રહી શકતો નથી. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે. અહિંસાનો પૂજારી પોતાના ધર્મનું યથાર્થ પાલન એવી સ્થિતિમાં જ કરી શકે જ્યારે એના તમામ કર્મોનો એક જ સ્ત્રોત હોય. એ સ્ત્રોત છે દયા. જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અહિંસાના ઉપાસકનો પ્રથમ ધર્મ છે યુદ્ધ બંધ કરાવવું. જો યુદ્ધ રોકવાની શકિત નથી તો ભલે યુદ્ધમાં કદાચ સામેલ હોય, પણ સાથેસાથે એ રાષ્ટ્રોને, દુનિયાને અને પોતાની જાતને યુદ્ધથી મુકત રાખવાનો પ્રયત્ન પણ નિરંતર કર્યા કરે છે.’
ગાંઘીજીએ ન યુદ્ધ વિરુદ્ધ બગાવત કરી, ન ઈંગ્લેન્ડની સરકાર તેની નીતિનો ત્યાગ ન કરે ત્યાં સુધી સત્યાગ્રહ કે અસહકાર કર્યો કે ન કાનૂનભંગ કરીને જેલમાં ગયા. આ બધું કરવા માટે તેઓ પોતાની જાતને અયોગ્ય માનતા હતા. આથી તેમણે અંગ્રેજોને સાથ આપવાનો રસ્તો અપનાવ્યો. ઘનશ્યામદાસ બિરલા અહીં સ્પષ્ટ શબ્દોમાં લખે છેઃ
‘ગાંધીજીનો આ તર્ક કંઈક લૂલો લાગે છે, પણ ગાંધીજી કઈ રીતે નિર્ણય પહેલાં કરે છે અને દલીલો પછીથી ઊપજાવી કાઢે છે તેની ચર્ચા પછીથી કરીશું. તર્ક મજબૂત ન હોય તો ભલે ન હોય, પણ ગાંધીજીના આત્માને જે સમયે જે સત્ય લાગ્યું તેની જ પાછળ તેઓ ચાલ્યા. એમના તર્કોમાં જાણી જોઈને આત્મવંચના નથી હોતી. મૂળ વાત એમ હતી કે એમને બ્રિટિશ શાસનપદ્ધતિમાં અનહદ શ્રદ્ધા હતી.’
ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફેર્ડને પત્રમાં લખ્યું હતું કે, ‘હું માનું છું કે આ (વિશ્વયુદ્ધ જેવા) ભયંકર સમયે બ્રિટિશ રાષ્ટ્રને, જેના અમે અન્ય રાષ્ટ્રોની જેમ અત્યંત નજીકના ભવિષ્યમાં ભાગીદાર બનવાની આશા રાખીએ છીએ, તેને પ્રસન્નતાપૂર્વક અને સ્પષ્ટ મદદ કરવી જોઈએ. એ પણ સત્ય છે કે અમારી આ ઇચ્છાની પાછળ એ આશા છે કે એમ કરવાથી અમે અમારા (ભારતને આઝાદ કરવાના) ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકીશું… હું એવું ઇચ્છું છું કે ભારત દરેક સશકત યુવાનોને બ્રિટિશ રાષ્ટ્રના રક્ષણ માટે હોમી દે… મારા દેશબાંધવોેને હું પ્રતીતિ કરાવવા માગું છું કે જો આપણે (બ્રિટિશ) સામ્રાજ્યની સેવા કરીશું તો એ ક્રિયામાંથી જ આપણને સ્વરાજ્ય મળી ગયું એમ સમજવું.’

Gandhi (circled) with the Indian Ambulance Corps

ગાંધીજીને આટલો બધો ભરોસો હતો અંગ્રેજો પર! બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે ભારતે પોતાના યુવાનોનું બલિદાન આપ્યું, ધન આપ્યું. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પણ ભારતને સ્વતંત્રતા તો ન જ મળી, ઊલટાનું, ૧૯૧૯ની તેરમી એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં ભયાનક હત્યાકાંડ થઈ ગયો. અંગ્રેજો પર ગાંધીજીને  જે વિશ્વાસ હતો તેના પર કારમો ઘા થયો. જોકે ગાંધીજીના વ્યવહારમાં કોઈ ફરક ન પડયો. વર્ષો વીત્યાં. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ગાંધીજીને આ વખતે અંગ્રેજો પર શ્રદ્ધા નહોતી. એમણે અસહકારનું આંદોલન ચાલુ રાખ્યું, પણ આ સંકટના સમયમાં ઈંગ્લેન્ડની પરેશાની ન વધે તેનો ખ્યાલ પણ રાખ્યો. પોતાના લેખો, ભાષણો અને તત્કાલીન વાઈસરોય સાથેની મુલાકાતો દરમિયાન ગાંધીજીએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે આ વખતે ભારતીયો અંગ્રેજોને ફ્કત નૈતિક સ્તરે જ ટેકો આપશે, ભૌતિક સ્તરે નહીં.
બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે એટલા બધા પરાધીન નહોતા. નવેક પ્રદેશોમાં પ્રાંતીય સ્વરાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. કેન્દ્રમાં પણ સ્વરાજ્યનું વચન અપાઈ ગયું હતું. આપણે પૂર્ણ સ્વરાજ્ય તરફ્ આગળ વધી ચૂકયા હતા. ગાંધીજીની દષ્ટિએ અહિંસાની જીવંત કસોટીનો સમય હવે આવી ગયો હતો. અહિંસાના પ્રયોગની સફ્ળતાનું પ્રદર્શન કરવું હોય તો આ ઉત્તમ અવસર હતો. એવું જ થયું. ભયંકર હિંસાનો પ્રતિકાર અહિંસા જેવા આધ્યાત્મિક અને ચમત્કારિક શસ્ત્રથી થઈ શકે છે તે એમણે દુનિયા સામે પુરવાર કરી બતાવ્યું.
ઘનશ્યામદાસ બિરલા ઉપરાંત જમનાલાલ બજાજ પણ ગાંધીજી સાથે આત્મીયતાભરી નિકટતા ધરાવતા હતા. આ બંને અત્યંત ધનાઢય ઉદ્યોગપતિઓ ગાંધીજીના  આર્થિક મહાબાહુ તરીકે ઓળખાતા હતા. તેમના વિશે વધારે વાતો આવતા અઠવાડિયે.

0 0 0  

Tuesday, January 31, 2017

મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે?

Sandesh - Ardh Saptahik purti - 25 Jan 2017
ટેક ઓફ
‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’



રસ સવાલ છે. જિનિયસ લોકો, સફ્ળ માણસો, બીજાઓ માટે રોલમોડલ બની ચૂકેલી વ્યકિતઓનું રોજિંદુ શેડયુલ કેવું હોય છે? એમનું જાગવાનું-સૂવાનું-કામ કરવાનું ટાઈમટેબલ કેવું હોય છે? મેસન કરી નામના એક અમેરિકન પત્રકાર-લેખકના મનમાં આ પ્રશ્ન પેદા થયો. એણે જુદાં જુદાં ક્ષેત્રોની પ્રેરણારૂપ વ્યકિતઓની લાઈફ્સ્ટાઈલ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. જે કંઈ માહિતી મળતી ગઈ તે એણે પોતાના બ્લોગ પર શેર કરવા માંડયું. ત્યાર બાદ આ જ વિષય પર એક પુસ્તક લખ્યું – ‘ડેઈલી રિચ્યુઅલ્સઃ હાઉ આર્ટિસ્ટ્સ વર્ક’. ૧૬૧ જેટલા લેખકો, ચિત્રકારો, સંગીતકારો, ચિંતકો, વૈજ્ઞાાનિકો, ગણિતશાસ્ત્ર્રીઓ અને રાજકીય વ્યકિતઓની વાતો એણે આ પુસ્તકમાં વણી લીધી છે.
સફ્ળ માણસોની કામ કરવાની આદત, રિલેકસ થવાની આદત અને અન્ય લાક્ષણિકતાઓમાં કયાંક એની સફ્ળતાની એકાદ-બે ચાવી છુપાયેલી હોવાની. પુસ્તક વિદેશી છે એટલે એમાં જે લોકો વિશે વાત થઈ છે તે પણ વિદેશી છે. એમાંના અમુકના નામ અને કામ તમને કદાચ અજાણ્યા લાગે તો લાગવા દેજો. મહત્ત્વ એમના વિશેની વિગતોનું છે.
એક સવાલ અવારનવાર પૂછાતો હોય છે કે દિવસનો કયો સમય વધારે ક્રિયેટિવ ગણાય? સવાર કે રાત? આનો કોઈ નિશ્ચિત ઉત્તર નથી. મહાત્મા ગાંધીના ઘનિષ્ઠ ગણાતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ નોંધ્યું છે તે પ્રમાણે, ગાંધીજી સવારે ચાર વાગે ઉઠી જતા. પછી હાથ-મોં ધોઈને પ્રાર્થના કરવા બેસે. નાસ્તો કરીને ફરવા નીકળે ને ત્યાર બાદ કામે લાગી જાય. નવેક વાગે તેલમાલિશ કરાવે. માલિશ કરાવતી વખતેય કામ તો ચાલુ જ હોય. પછી સ્નાન કરે. સ્નાન બાદ અગિયાર વાગે ભોજન લઈ એક વાગ્યા સુધી કામ કરે. બપોરે એકથી બેની વચ્ચે સૂઈ જાય. (ગાંઘીજી ગમે તેમ તોય કાઠિયાવાડી તો ખરા જ ને!) બે વાગે ઉઠીને શૌચક્રિયા કરવા જાય. ત્યાર બાદ પેટ પર માટીનો પાટો બાંધીને આરામ કરે. સૂતાં સૂતાં કામ તો જોકે ચાલતું જ હોય. ચાર વાગે કાંતવા બેસે. પછી લખવા-વાંચવાનું શરૂ થાય. સાંજે પાંચ વાગે તો વાળુ એટલે કે રાત્રિભોજન કરી લે. પછી ફરી પાછા લખવા બેસવાનું. સાત વાગે પ્રાર્થના. તે પછી થોડું કામ ને પછી રાત્રે સાડાનવની આસપાસ સૂઈ જવાનું. જરૂર પડ્યે ગાંઘીજી મધરાતે બે વાગે ઉઠીને કામ આરંભી દેતા. 

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ સવારે સાડાસાતે ઊઠીને બે કલાક સુધી પથારીમાંથી ઊભા ન થતા. બ્રેકફાસ્ટ કરવો, મુખ્ય છાપાં અને પત્રો વાંચવા તથા એકાધિક સેક્રેટરીઓને સૂચનાઓ  કે ડિકટેશન આપવું – આ બધું જ તેઓ આ બે કલાક દરમિયાન પથારીમાં જ પડયા પડયા કરી નાખતા. તાજા તાજા ભૂતપૂર્વ બનેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સવારે સાત વાગે ઊઠીને, વેઈટ્સ અને કાર્ડિયો જેવી એકસરસાઈઝ પતાવીને નવ વાગતા પહેલાં પોતાની ઓફ્સિ પહોંચીને કામ શરૂ કરી દેતા. રાતે ફેમિલી સાથે ડિનર કર્યા બાદ કેટલીય વાર તેઓ પાછા ઓફ્સિ આવી જતાં અને રાતના દસેક વાગ્યા સુધી કામ કર્યા કરતા.
એનેલિટિકલ સાઈકોલોજિના જન્મદાતા ગણતા કાર્લ જંગનું સ્પષ્ટ કહેવું હતું કે, ‘દિવસના મહત્ત્વના કામકાજ તો શરીર-મન થાકે એ પહેલાં જ પતી જવાં જોઈએ. થાકીને ચૂર થઈ ગયો હોય, કંટાળેલો હોય, એનાં તન-મનને આરામની જરૂર હોય છતાંય ઢસરડો કરતો હોય એ માણસ નક્કી મૂરખ હોવાનો.’ મોઝાર્ટ સવાર છ વાગે ઊઠીને રાત્રે એક વાગ્યા સુધી મ્યુઝિક લેસન, કોન્સર્ટ, મિટિંગ વગેરેમાં બિઝી રહેતા. આઈરિશ કવિ-લેખક જેમ્સ જોય્સ સવારે દસ વાગે ઊઠતા. એક કલાક સુધી પથારીમાં જ પડયા રહેતા. પછી ઊઠીને નહાતા, શેવિંગ કરતા અને પિયાનો વગાડવા બેસતા. આ બધા કાર્યક્રમ પતે પછી બપોરે તેમને લખવાનો મૂડ ચડતો. અમેરિકન લેખક જોન અપડાઈક શિસ્તપૂર્વક વહેલી સવારે લખવા બેસી જતા. તેઓ કહેતા, ‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’
અમુક ક્રિયેટિવ વ્યકિતઓ માટે ચાલવા જવાની એકસરસાઈઝ બહુ જ અગત્યની હોય છે. પગની મૂવમેન્ટ્સ એમના દિમાગને ગતિશીલ રાખે છે. સોરેન કિકેગાર્ડ નામના ડેનિશ ચિંતકને ચાલતાં ચાલતાં અચાનક કંઈક નવો વિચાર આવતો તો તેઓ ઝપાટાબંધ ઘર તરફ્ પાછા પાછળ વળી જતા અને વોકિંગ સ્ટિક અને છત્રી સમેત સ્ટડીરૂમમાં ધસી જઈને ફ્ટાફ્ટ લખવા બેસી જતા. બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સ સવારે નહીં પણ બપોરે ચાલવા નીકળતા. મહાન જર્મન કમ્પોઝર અને પિયાનિસ્ટ બીથોવન પણ જમ્યા બાદ પગ છૂટો કરવા નીકળતા. તેઓ ખિસ્સામાં કાગળ અને પેન્સિલ અચૂક રાખતા કે જેથી અચાનક કોઈક ધૂનની પ્રેરણા મળે તો એના નોટેશન્સ ટપકાવી શકાય. ક્રિયેટિવ અથવા ‘ઊંચા માંહૃાલા’ વિચારો કયારેક દિમાગમાંથી સાવ છટકી જતાં હોય છે એટલે તે નાસીને અદશ્ય થઈ જાય અથવા ભુલાઈ જાય તે પહેલાં નોંધી લેવા જોઈએ!

પોતે રોજ કેટલું લખે છે એનો લેખકે હિસાબ રાખવો જોઈએ? નોબલ પ્રાઈઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વે રોજ પોતે કેટલા શબ્દો લખ્યા એનો રીતસર ચાર્ટ બનાવતા, કે જેથી ખુદને ઉલ્લુ બનાવી ન શકાય! બી.એફ્. સ્કિનર નામના અમેરિકન લેખક-સાઈકોલોજિસ્ટ લખવા બેસે ત્યારે રીતસર ટાઈમર સેટ કરતા અને પછી કલાક દીઠ કેટલા શબ્દો લખ્યા એનો નિયમિત ચાર્ટ બનાવતા.
સમજદાર જીવનસાથી કે પાર્ટનર પર પણ કયારેક ઘણી વાતો નિર્ભર કરતી હોય છે. માનસશાસ્ત્રના પિતામહ એવા સિગ્મન્ડ ફ્રોઈડની પત્ની માર્થા એમની ખૂબ સેવા કરતી. ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢીને બ્રશ પર લગાડવાનું કામ સુદ્ધાં સિગ્મન્ડ ફ્રોઈડ જાતે ન કરતા. ફ્રોઈડ નસીબદાર ગણાય. બાકી કંકાસણી પત્નીના પતિઓએ પણ ઉત્તમ સર્જન કર્યા હોવાના ઘણા દાખલા છે. અંગ્રેજ લેખિકા જેન ઓસ્ટિન પરણ્યાં નહોતાં. પણ એમની બહેન કસાન્ડ્રા ઘરનું તમામ કામ પતાવી નાખતી કે જેથી જેન પોતાની તમામ શકિત લખવામાં પરોવી શકે.
મહાન કલાકારોમાંથી કેટલાકનું એક કોમન લક્ષણ મર્યાદિત સામાજિક જીવન છે. ફ્રેન્ચ લેખિકા- ફેમિનિસ્ટ સિમોન દ બુવ્વા કયારેક કોઈ પાર્ટીમાં ન જતાં, કોઈ આમંત્રણ ન સ્વીકારતાં કે ન લોકો સાથે સાથ હળતાંભળતાં. એમણે પ્રયત્નપૂર્વક આ પ્રકારની લાઈફ્સ્ટાઈલ વિકસાવી હતી. ચિત્રકાર પિકાસો દોસ્તોને હળવામળવા માટે અડધો રવિવાર અલાયદો રાખતા. બાકીના દિવસોમાં માત્ર કામ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં.

સો વાતની એક વાત. ઉત્તમ સર્જન કરવા માટે કોઈ એક જડબેસલાક પદ્ધતિ કે નિયમો હોતાં નથી. સર્જનશકિત ધરાવતા સફ્ળ માણસો પોતાની તાસીર પ્રમાણે ખુદની પદ્ધતિ વિકસાવી લેતા હોય છે.
0 0 0 

તમે મારી સાથે સૂવા આવશો, પ્લીઝ?

Sandesh - Sanskaar purti - 29 Jan 2017
મલ્ટિપ્લેક્સ 
રિતેશ બત્રાને ‘ધ લન્ચબોક્સ’ નામની એક જ ફ્લ્મિ બનાવવાનો અનુભવ છે છતાંય એને હોલિવૂડ અને ઇંગ્લેન્ડમાં ફ્લ્મિો બનાવવાની તક કેવી રીતે મળી? તે પણ મોટા ગજાના ઇન્ટરનેશનલ કલાકારોને લઈને?
Our Souls at Night: (L to R) Robert Redford, Ritesh Batra and Jane Fonda

ક નાનકડા શાંત નગરમાં એક વૃદ્ધા રહે છે. વિધવા છે. ઉંમર હશે સિત્તેરેક વર્ષ. વાળ સફેદ થઈ ગયા છે, પણ શરીર સ્વસ્થ છે. એક સાંજે એ પાડોશીના ઘરે જાય છે. પાડોશી પણ એકલો છે, વિધુર છે અને લગભગ એની જ ઉંમરનો છે. બંને લાંબા અરસાથી એક જ ગલીમાં રહે છેે એટલું જ, બાકી એકમેકના ઘરે જવાનો પ્રસંગ અગાઉ કયારેય આવ્યો નથી.
પ્રારંભિક ઔપચારિકતા પૂરી કરીને વૃદ્ધા સહેજ સંકોચાઈને મુદ્દા પર આવે છે, ‘હું તમારી પાસે એક પ્રપોઝલ લઈને આવી છું.’
‘કેવી પ્રપોઝલ?’ આદમી પૂછે છે.
‘જુઓ, આપણે બેય એકલાં જીવ છીએ. કેટલાય વર્ષોથી હું મારી રીતે જીવું છું. મારા ખ્યાલ પ્રમાણે તમારું પણ એવું જ છે. મને વિચાર આવ્યો કે… તમે કયારેક મારા ઘરે રાત્રે મારી સાથે સૂવા આવો તો કેવું?’
‘એટલે?’ વૃદ્ધ એને તાકી રહે છે, ‘હું સમજ્યો નહીં.’
‘હું સેક્સની વાત નથી કરતી. મારી સેક્સની ઇચ્છા તો વર્ષો પહેલાં મરી પરવારી છે. હું કંપનીની વાત કરું છું. શું છે કે બુઢાપામાં રાત કેમેય કરીને નીકળતી નથી. મારે પછી નછૂટકે ઊંઘવાની ગોળી ખાવી પડે છે, પણ આ ગોળી લઉં એટલે બીજા દિવસે સુસ્તીનો પાર નહીં.’
‘હા, મને એનો અનુભવ છે.’
‘એટલે મને એમ કે જો રાતે કોઈ સારો સથવારો મળે તો જરા સારું પડે. તમારા જેવો સારો માણસ બાજુમાં સૂતો હોય, નિકટતા હોય, અંધારામાં પડયા પડયા મોડે સુધી વાતો થતી હોય તો શું છે કે પછી ઊંઘ વ્યવસ્થિત આવી જાય. બોલો, શું વિચાર છે તમારો?’
‘બોલો, કયારથી સાથે સૂવાનું શરૂ કરવું છે?’
‘અવર સોલ્સ એટ નાઈટ’ નામની નવલકથાનો આ ઉઘાડ છે. કલ્પના કરો કે જે વાર્તાની શરૂઆત જ આવી કમાલની હોય તે આખેઆખી કૃતિ કેટલી સુંદર હોવાની. કેન્ટ હરુફ નામના અમેરિકન લેખકે પોતાની પાછલી ઉંમરે આ નવલકથા લખી હતી, જે ૨૦૧૫માં પ્રકાશિત થઈ. આ એમના જીવનની અંતિમ કૃતિ બની રહી.

Charlotte Rampling and Jim Broadent in The Sense of an Ending

મૂળ વિષય પર આવતા પહેલાં બીજી એક મસ્તમજાની નવલકથા વિશે ટૂંકમાં જાણી લઈએ. એનું શીર્ષક છે, ‘ધ સેન્સ ઓફ અેન એન્ડિંગ’. જુલિયન બાર્ન્સ નામના બ્રિટિશ લેખકે લખેલી આ નવલકથાને ૨૦૧૧માં પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ મળ્યું હતું. આ કથાના કેન્દ્રમાં પણ એક વૃદ્ધ ડિવોર્સી આદમી છે. ટોની વેબ્સ્ટર એનું નામ. એક દિવસ એને ટપાલમાં પ૦૦ પાઉન્ડનો ચેક મળે છે. આ રકમ એને એક વસિયતના ભાગ રૂપે મળ્યો છે. વસિયત બનાવનાર સ્ત્રીને એ જિંદગીમાં એક જ વાર મળ્યો હતો. તે પણ ચાલીસેક વર્ષ પહેલાં. આ સ્ત્રીની વેરોનિકા નામની દીકરી એક જમાનામાં ટોનીની ગર્લફ્રેન્ડ હતી. વેરોનિકા સાથે ટોનીનું ખરાબ રીતે બ્રેકઅપ થઈ ગયું હતું, બંને વચ્ચે કોઈ સંપર્ક રહૃાો નહોતો, પણ વેરોનિકાની મા તરફ્થી આ નાનકડી રકમનો અણધાર્યો વારસો મળ્યો એટલે ટોનીને થાય છે કે વેરોનિકા સાથે વાત કરવી જોઈએ.
ટોની જુવાનીમાં મહત્ત્વાકાંક્ષી અને ઉત્પાતિયો માણસ હતો. એને ખૂબ વાંચવા જોઈએ, ખૂબ સેક્સ કરવા જોઈએ. જોકે વેરોનિકા સાથેનો એનો સંબંધ કયારેય શરીરસુખના તબક્કા સુધી પહોંચ્યો નહોતો. ટોનીને એડ્રીઅન નામનો બુદ્ધિશાળી અને આદર્શવાદી દોસ્તાર હતો. વેરોનિકા સાથે બ્રેકઅપ થયા બાદ એને ખબર પડી હતી કે એની અને એડ્રીઅન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો છે. થોડા સમય પછી એવા સમાચાર આવ્યા હતા કે એડ્રીઅને આત્મહત્યા કરી નાખી છે. ટોની પછી બીજી એક યુવતી સાથે પરણ્યો અને છૂટો પણ પડી ગયો. ઘણું બધું બની ગયું હતું છેલ્લાં ચાર દાયકામાં. ટોની એક જગ્યાએ સરસ વાત કરે છે કે, ‘માણસ વીસ કે ત્રીસ વર્ષનો થાય પછી એની પર્સનાલિટી લગભગ થીજી જતી હોય છે. જિંદગીના પહેલા બે-ત્રણ દાયકામાં જે શીખાઈ ગયું તે શીખાઈ ગયું. પછી માણસની માત્ર ઉંમર વધે છે, એ પોતાનામાં ખાસ નવું કશું ઉમેરી શકતો નથી.’
ચાલીસ વર્ષનાં વહાણાં વાઈ ગયા પછી ટોની અને વેરોનિકાનો ભેટો થાય છે. જિંદગીની કેટલીય બાબતોના અધૂરા રહી ગયેલા હિસાબ-કિતાબ પૂરા કરવાની કોશિશ થાય છે અને એક ખટમીઠા બિંદુ પર વાર્તા પૂરી થાય છે.
‘અવર સોલ્સ એટ નાઈટ’ અને ‘ધ સેન્સ ઓફ અેન એન્ડિંગ’ – આ બંને અંગ્રેજી નવલકથાઓમાં ઘણાં તત્ત્વો કોમન છે. બંનેમાં તૂટતા અને જોડાતા સંબંધોની વાત છે, બંનેમાં એકલતા સામે ઝઝૂમી રહેલાં અને પાછલી વયે પોતાના આખા જીવનનું મૂલ્યાંકન કરી રહેલાં પાત્રો છે, બંનેમાં કિરદારો પોતપોતાનાં સત્યો શોધવાની મથામણ કરે છે. આ સિવાય પણ એક વસ્તુ બંનેમાં કોમન છે. તે એ કે વાચકો અને વિવેચકો બંનેને સ્પર્શી ગયેલી આ બેય નવલકથાઓ પરથી ફ્લ્મિો બની છે અને તે ફ્લ્મિ બનાવનાર વ્યકિત એક જ છે – રિતેશ બત્રા! રિતેશ બત્રા એટલે એ બમ્બૈયા ફ્લ્મિમેકર, જેણે ૨૦૧૩માં ઇરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને ‘ધ લંચબોકસ’ નામની અફ્લાતૂન ફ્લ્મિ બનાવી હતી. રિતેશની આ પહેલી જ ફ્લ્મિ હતી. કાન સહિત કેટલાય પ્રતિષ્ઠિત ફ્લ્મિ ફેસ્ટિવલમાં ડંકો વગાડી આવેલી આ નાનકડી ઇન્ડિપેન્ડન્ટ ફ્લ્મિને પછી કરણ જોહરે ખરીદીને દુનિયાભરમાં રિલીઝ કરી હતી.
રિતેશ બત્રા આજકાલ ન્યૂઝમાં છે. ‘વરાયટી’ નામનું અમેરિકન સામયિક નિયમિતપણે ‘ડિરેકટર્સ ટુ વોચ- આઉટ’ પ્રકારનું લિસ્ટ બહાર પાડે છે. અત્યંત આશાસ્પદ હોય એવા, ભવિષ્યમાં જેની પાસેથી ખૂબ ઊંચી અપેક્ષા રાખી શકાય એવા આખી દુનિયામાંથી કાળજીપૂર્વક પસંદ કરેલા દસ સુપર ટેલેન્ટેડ ડિરેકટરોને આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવે છે. એક સમયે ક્રિસ્ટોફર નોલન (‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’) અને બેન એફ્લેક (‘આર્ગો’) જેવા તેજસ્વી નામો આ લિસ્ટમાં ચમકયાં હતાં. આંતરરાષ્ટ્રીય ફ્લ્મિ વર્તુળો તેમજ મીડિયા ‘વરાયટી’ના આ લિસ્ટને ખૂબ ગંભીરતાથી લે છે. ‘વરાયટી’ની આ વખતની લેટેસ્ટ ટોપ-ટેન સુચિમાં રિતેશ બત્રાનું નામ પણ મૂકવામાં આવ્યું છે. મજા જુઓ. આ માણસની હજુ એક જ ફ્લ્મિ રિલીઝ થઈ છે, બીજી ફ્લ્મિ (‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’)નું સ્ક્રીનિંગ ફ્કત એકાદ-બે ફ્લ્મિ ફેસ્ટિવલમાં થયું છે અને ‘અવર સોલ્સ ઈન ધ નાઈટ’નું તો હજુ પોસ્ટ પ્રોડકશન વર્ક ચાલી રહ્યું છે. આમ છતાં એનું નામ દુનિયાના સૌથી આશાસ્પદ યુવાન ડિરેકટર તરીકે લેવાઈ રહ્યું છે. યાદ રહે, આ બંને અંગ્રેજી ફ્લ્મિો જરાય મામૂલી નથી. ‘અવર સોલ્સ ઈન ધ નાઈટ’માં એકટર-ડિરેકટર રોબર્ટ રેડફોર્ડ (‘આઉટ ઓફ્ આફ્રિકા’, ‘ઇન્ડિસન્ટ પ્રપોઝલ’) અને જેન ફેન્ડા (‘કલુટ’, ‘કમિંગ હોમ’) મેઈન રોલ કરે છે. આ બંને કલાકારો બબ્બે ઓસ્કર એવોર્ડ્ઝ જીતીને બેઠાં છે અને બેયની ગણના હોલિવૂડના લેજન્ડ્સ તરીકે થાય છે.
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ના મુખ્ય કલાકાર જિમ બ્રોડબેન્ટને  ‘આઈરીસ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટર તરીકેનો ઓસ્કર મળ્યો હતો, જ્યારે શાર્લોટ રેમ્પલિંગ (‘સ્ટારડસ્ટ મેમરીઝ’ – વૂડી એલનની ફ્લ્મિ, ‘મોં આવુર’, ‘ફોર્ટીફાઈવ યર્સ’)ને ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં કેટલાય ઊંચા માંહૃાલા ખિતાબો મળી ચૂકયા છે. પ્રતિષ્ઠા પામેલી સાહિત્યકૃતિઓ પરથી ઊંચા ગજાના કલાકારોને લઈને ફ્લ્મિો બની રહી હોય અને તેના ડિરેકશન માટે માત્ર એક જ ફ્લ્મિનો અનુભવ ધરાવતા ઇન્ડિયન ડિરેકટરને સાઈન કરવામાં આવે તે જેવી તેવી વાત નથી.
Ritesh Batra

”ધ લન્ચબોકસ’ પછી હું એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહૃાો હતો તે દરમિયાન મને ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ની ઓફર થઈ હતી,’ રિતેશ બત્રા એક મુલાકાતમાં કહે છે, ‘મેં આ નવલકથા ઓલરેડી વાંચેલી હતી. ખાસ ફ્લ્મિ માટે લખાયેલી સ્ક્રિપ્ટ પર કામ કરવું સહેલું છે, છપાયેલી અને વખણાયેલી નવલકથાને ફ્લ્મિ સ્વરૂપ આપવું અઘરું છે. એક તો, તમારે મૂળ કૃતિને વફાદાર રહેવું પડે અને પાછું, તમારે પોતાના તરફ્થી કશાક નવાં તત્ત્વો એમાં ઉમેરવા પડે. મારી સૌથી મોટી કસોટી ત્યારે થઈ જ્યારે ‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ નવલકથાના લેખક  જુલિયન બાર્ન્સ પોતે ફ્લ્મિના સ્ક્રીનિંગમાં બેઠા. ફ્લ્મિ જોઈને તેઓ બહુ જ ખુશ થયા. મને દિલથી અભિનંદન આપ્યા. મારા માથા પરથી મોટો બોજ ઉતરી ગયો. જ્યારે બુકર પ્રાઈઝવિનર લેખક પોતે પોતાના પુસ્તક પરથી બનેલી ફ્લ્મિથી સંતુષ્ટ હોય તો તેના કરતાં મોટી વાત બીજી કઈ હોવાની. એમણે મને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો જે મેં મઢાવીને રાખ્યો છે.’
‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’નું કામકાજ હજુ ચાલી રહ્યું હતું ત્યાં રિતેશને ફોન આવ્યો કે રોબર્ટ રેડફોર્ડ તમારી સાથે વાત કરવા માગે છે. રોબર્ટે રેડફોર્ડે એમને મળવા અમેરિકા બોલાવ્યા. મિટિંગ દરમિયાન એમણે ધડાકો કર્યો કે રિતેશ, હું ‘અવર સોલ્સ એટ નાઈટ’ નવલકથા પરથી ફ્લ્મિ પ્રોડયૂસ કરવા માંગું છું. મેઈન રોલ પણ હું જ કરીશ. મારી ઇચ્છા છે કે એનું ડિરકશન તું કરે. બોલ કરીશ?
‘રોબર્ટ રેડફોર્ડ જેવી હસ્તીને તમે ના કેવી રીતે પાડી શકો?’ રિતેશ કહે છે, ‘જુઓ, તમે આવી બધી વસ્તુઓ
પ્લાન કરી શકતા નથી. ઇટ જસ્ટ હેપન્સ. હું એવું વિચારવા બેસતો નથી કે મારામાં એવું તે વળી શું ખાસ છે કે આ લોકો આટલી ઇમ્પોર્ટન્ટ બ્રિટિશ અને હોલિવૂડની ફ્લ્મિો મને ડિરેકટ કરવા માટે આપે છે? બાકી મારા પપ્પા તો મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા ને મમ્મી આજની તારીખેય યોગની ટીચર તરીકે કામ કરે છે. ફ્લ્મિલાઈન સાથે મારી ફેમિલીને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. સિનેમા પ્રત્યે મને નાનપણથી આકર્ષણ હતું એટલે ઇકોનોમિકસનું ભણીને આ ફ્લ્ડિમાં આવી ગયો. એનીવે, મારી ખુદની સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ બનાવવાની હજુ બાકી જ છે. આ બંને વિદેશી ફ્લ્મિો રિલીઝ થઈ જશે પછી એનું કામકાજ શરૂ કરીશ.’

‘ધ સેન્સ ઓફ એન એન્ડિંગ’ તેમજ ‘અવર સોલ્સ એટ નાઈટ’ આપણે ત્યાં રિલીઝ થાય ત્યારે અચૂકપણે જોઈશું જ, પણ તેની પહેલાં આ બંને નવલકથાઓ ઓનલાઈન ઓર્ડર કરીને વાંચી પણ કાઢીશું. સવાલ જ નથી.
                                          0 0 0 

Friday, January 20, 2017

સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 18 Jan 2017
ટેક ઓફ
વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.

વિશ્વવિખ્યાત રશિયન-અમેરિકન લેખિકા એન રેન્ડની સર્વપ્રથમ નવલકથા ‘આઈડીઅલ’ તેમનાં મૃત્યુનાં ૩૪ વર્ષ પછી, છેક ૨૦૧૫માં બહાર પડી. આ આખા ઘટનાક્રમ વિશે આપણે ગયા બુધવારે વિગતવાર વાત કરી હતી.  એક સજ્જ, પ્રમાણિક લેખક શા માટે પોતાના સર્જનને કયારેક લોકોની સામે મૂકવાનું પસંદ કરતો નથી? શા માટે અમુક ઉત્તમ કૃતિઓ સર્જકના મૃત્યુ પછી પ્રકાશમાં આવે છે? આનાં અનેક કારણો હોઈ  શકે છે.
નોબલ પ્રાઈઝ વિનર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની આત્મકથનાત્મક કૃતિ  ‘અ મૂવેબર ફીસ્ટ’ તેમની આત્મહત્યાના ત્રણ વર્ષ પછી બહાર પડી હતી. હેમિંગ્વએ ચાર લગ્નો કર્યાં હતાં. બાવીસ વર્ષે પહેલાં લગ્ન કર્યાં બાદ ૧૯૨૦ના દાયકમાં તેઓ પત્ની સાથે પેરિસ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેઓ એક અખબારના ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ‘અ મુવેબલ ફીસ્ટ’માં તેમણે પેરિસ શહેર વિશે, પોતાનાં નવા નવા લગ્નજીવન વિશે અને લેખક બનવાના પોતાના પ્રયાસો વિશે ખૂલીને લખ્યું છે. માનસિક બીમારીઓનો ભોગ બની ચૂકેલા હેમિંગ્વેએ રિવોલ્વરથી આત્મહત્યા કરી ત્યારે તેઓ ૬૨ વર્ષના હતા. ‘અ મૂવેબલ ફીસ્ટ’ પુસ્તક્ એમની ચોથી પત્નીએ એડિટ કરીને છપાવ્યું હતું.
બ્રિટિશ લેખિકા વર્જિનિયા વૂલ્ફ્ની કહાણી પણ કંઈક અંશે હેમિંગ્વે જેવી જ છે. બંને સમકાલીન હતાં. વર્જિનિયા ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.
જર્મન વાર્તાકાર-નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કા ફ્કત ચાલીસ વર્ષ જીવ્યા. તેઓ ઇન્શ્યોરન્સ ઓફ્સિર તરીકે કામ કરતા રહૃાા અને બાકીના સમયમાં ચુપચાપ લખતા રહૃાા. જીવતેજીવ તેમણે પોતાનું એકપણ લખાણ ન છપાવ્યું. તેઓ તો ઇચ્છતા હતા કે મૃત્યુ પછી તેમની તમામ હસ્તપ્રતો બાળી નાખવામાં આવે, પણ એક જાણકાર મિત્રે એમની આ  મરણોત્તર ઇચ્છા ધરાર પૂરી ન કરી. તેમણે કાફ્કાનું લખાણ છપાવ્યું અને કાફ્કા વીસમી સદીના સૌથી પ્રભાવશાળી લેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા! કાફ્કાની જેમ એન ફ્રેન્ક પણ જર્મન હતાં, જેમણે તરુણવયે લખેલી નોંધપોથી ‘અ ડાયરી ઓફ્ અ યંગ ગર્લ’ જગમશહૂર બની ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન ફ્રેન્ક એમના પરિવાર સાથે કેવી રીતે બે વર્ષ સુધી નાઝીઓની નજરથી બચીને જેમતેમ જીવતાં રહૃાાં તેની બહુ જ હ્ય્દયસ્પર્શી વાત આ પુસ્તકમાં છે. એન ફ્રેન્કનો પરિવાર આખરે પકડાઈ ગયેલો. સૌને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાં જ એન ફ્રેન્કે જીવ ખોયો. એન ફ્રેન્કની ઇચ્છા હતી કે એમની ડાયરી છપાઈને લોકો સુધી પહોંચે. દીકરીની આ ઇચ્છા પછી એમના પિતાએ પૂરી કરી. આખા પરિવારમાંથી એક માત્ર એમના પિતાજી જીવતા રહી શકયા હતા.
ઓસ્કરવિનિંગ ‘અ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’ (૨૦૧૧) ફ્લ્મિ આપણે થિયેટરમાં જોઈ શકયા નહોતા, કેમ કે તેના કંપાવી મૂકે એવા સેકસ્યુઅલ હિંસાનાં દશ્યો સામે આપણા સેન્સર બોર્ડને વાંધો પડી ગયો હતો. આ ફ્લ્મિ આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પરથી બની છે. એના સ્વીડિશ લેખક સ્ટીગ લાર્સન જાણીતા પત્રકાર હતા, જે માત્ર શોખ ખાતર નવલકથાઓ લખતા. સ્ટીગે ત્રણ ક્રાઈમ-નોવેલ્સની શૃંખલા લખી હતી –  ‘ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’, ‘ધ ગર્લ હુ પ્લેય્ડ વિથ ફાયર’ અને ‘ધ ગર્લ હુ કિકડ ધ હોર્નેટ્સ નેસ્ટ’. ૨૦૦૪માં પચાસ વર્ષની વયે સ્ટીગનું મૃત્યુ થયું પછી આ કૃતિઓ અચાનક એમની ગર્લફ્રેન્ડની નજરે ચડી. એણે આ નવલકથાઓ છપાવી, જે ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની.

આ તો થઈ વિદેશી લેખકોની વાતો. ગુજરાતી સાહિત્યજગતમાં કઈ કૃતિઓ લેખકના મૃત્યુ બાદ વિખ્યાત બની છે? કવિ નર્મદે (૧૮૩૩-૧૮૮૬) પોતાની આત્મકથા ‘મારી હકીકત’ લખીને છપાવી રાખેલી, પણ તેમની ઇચ્છા હતી કે આ પુસ્તક એમના મૃત્યુ પછી જ બજારમાં મૂકાય. એવું જ થયું. આપણી ભાષાના મહાન સાક્ષર એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮)એ સોળેક વર્ષ સુધી નિરંતરપણે અંગત ડાયરી લખી હતી. કેમય કરીને દમન ન થઈ શકતી પોતાની હવસવૃત્તિ, ગુપ્તરોગો, પત્ની સાથેના સંબંધો વગેરે વિશેનું એમનું લખાણ એવું હેબતાવી દે એવું છે કે આપણને થાય કે એક લેખક, ચિંતક અને લોકશિક્ષક તરીકે કીર્તિ પામેલા માણસનું અંગત જીવન આટલું કુરુપ કેવી રીતે હોઈ શકે? ૧૯૭૯માં મણિલાલનું ‘આત્મચરિત્ર’ બહાર પડયું ત્યારે હોબાળો મચી ગયો હતો, જે સ્વાભાવિક હતો.
ડાયરીલેખન તો ગાંધીજીના અંગત મદદનીશ એવા મહાદેવ દેસાઈએ પણ કર્યું હતું, પણ અલગ પ્રકારનું. ૧૯૪૨માં તેમના નિધન થયું તે પછી છ વર્ષે  ‘મહાદેવભાઈની ડાયરી’નો પહેલો ભાગ બહાર પડયો. ૧૯૮૦ સુધી ક્રમશઃ સત્તર ભાગ પ્રકાશિત થતા ગયા. 
માત્ર છવ્વીસ વર્ષનું આયુષ્ય પામેલા કવિ કલાપીની તમામ કાવ્યરચનાઓ તેમના મૃત્યુ બાદ પ્રગટ થઈ હતી. ‘કલાપીનો કેકારવ’ સંગ્રહનું મરણોત્તર પ્રકાશન મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાન્તના હાથે થયું હતું. યોગાનુયોગ જુઓ. કાન્ત પોતાના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ને જોવા પામ્યા ન હતા. ૧૬ જૂન ૧૯૨૩ના રોજ  ‘પૂર્વાલાપ’ બહાર પડયો અને એ જ દિવસે એમનું મૃત્યુ થયું. કલાપીની જેમ રાવજી પટેલ પણ સાવ કાચી વયે મૃત્યુ પામ્યા હતા – ૨૯ વર્ષે. રાવજી પટેલના ‘અંગત’ અને મણિલાલ દેસાઈના ‘રાનેરી’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું હતું.
૧૯૬૪માં ધૂમકેતુનું નિધન થવાથી એમની ‘ધ્રૂવદેવી’ નામની ઐતિહાસિક નવલકથા અધૂરી રહી ગઈ હતી. ગુણવંતરાય આચાર્યે આ નવલકથા પૂરી કરવાના આશયથી હાથમાં લીધી હતી. ત્રણેક પ્રકરણો લખ્યાંય ખરા, પણ તેમનું ય અવસાન થઈ જતાં નવલકથા પાછી અધૂરી રહી ગઈ. આખરે ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોષીએ આ નવલકથા અપૂર્ણ સ્વરુપમાં પ્રગટ કરી. રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ત્રિશંકુ’ નવલકથા તેમના મૃત્યુ બાદ બહાર પડી હતી. ઝવેરચંદ મેઘાણી ૮ માર્ચ ૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એના એકાદ દિવસ પહેલાં જ તેમણે સંપાદિત કરેલા ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના પ્રૂફ જોવા માટે આવ્યા હતા. અણધાર્યા મૃત્યુને કારણે તેમની ‘કાળચક્ર’ નામની નવલકથા અધૂરી રહી ગઈ. આ નવલકથામાં આગળ તેઓ આઝાદ હિંદ ફોજ અને લોકક્રાંતિની વાતોને વણી લેવા માગતા હતા. મેઘાણીના મૃત્યુના એક મહિના બાદ ‘સોરઠી સંતવાણી’ અને ‘કાળચક્ર’ (અપૂર્ણ સ્વરુપમાં) પ્રગટ કરવામાં આવ્યાં. ‘સોરઠી સંતવાણી’માં સંગ્રહાયેલાં પ્રાચીન ભજનોની સીડી આગામી માર્ચમાં બહાર પડવાની છે, મેઘાણીની ૭૦મી પુણ્યતિથિએ.
સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત ખરેખર સમજાય એવું હોતું નથી!
0 0 0