Tuesday, December 17, 2013

મલ્ટિપ્લેક્સ : અંતરંગ આમિર

Sandesh - Sanskaar Purti (Sunday) - 15 Dec 2013 

મલ્ટિપ્લેક્સ

આમિર એક લિવિંગ લેજન્ડ છે. પોતાના સમકાલીનો કરતાં બિલકુલ જુદી જ ભ્રમણકક્ષામાં એ એકધારી ઉર્ધ્વગતિ કરી રહ્યો છે. ખેર,પ્રોફેશનલ સિદ્ધિઓ અલગ વસ્તુ છેપણ અંગત જીવનના તૂટેલા લયને પુનઃ સાંધતા પણ આમિરને સરસ આવડે છે.

૧૮એપ્રિલ, ૧૯૮૬નો એ દિવસ. કોલેજિયન જેવો દેખાતો રૂપકડો છોકરો. ગર્લફ્રેન્ડ લગભગ એની જ ઉંમરની. પ્રેમની તીવ્રતા એટલી વધી ગઈ છે કે પોતાના સંબંધને લોજિકલ લેવલ પર લઈ જવા માટે બન્ને કોર્ટમાં જઈને ગુપચુપ લગ્ન કરી લે છે. વિધિ પતાવીને બન્ને ડાહ્યાંડમરાં થઈને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ પોતપોતાનાં ઘરે જતાં રહે છે. તે દિવસે શારજાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ ચાલી રહી છે. ઈન્ડિયા મેચ જીતી જ જશે એવું લગભગ નિશ્ચિત છે. છોકરો મનોમન ખુશ થઈ રહ્યો છેઃ વાહ! કેટલો સરસ દિવસ છે આજે. સવારે ગર્લફ્રેન્ડ સાથે મેરેજ ને હવે પાકિસ્તાન સામે જીત! પણ આ તો ક્રિકેટ છે. કુછ ભી હો સકતા હૈ. એક છેલ્લો બોલ બચ્યો છે ને જાવેદ મિંયાદાદ કચકચાવીને પેલો અવિસ્મરણીય છગ્ગો ફટકારે છે. પત્યું. એક બોલમાં આખી વાર્તા પલટાઈ જાય છે. ભારત હારી જાય છે, પાકિસ્તાન જીતી જાય છે!
એક દિવસમાં આટલી બધી રોમાંચક ઘટનાઓમાંથી પસાર થનાર પેલો યુવાન એટલે આમિર ખાન અને એની ગર્લફ્રેન્ડમાંથી પત્ની બનેલી યુવતી એટલે રીના દત્તા! ક્રિકેટની જેમ જીવનમાં પણ કંઈ પણ બની શકે છે. લગ્નજીવનનાં ૧૬ વર્ષે એકાએક સમાચાર આવે છે કે બોલિવૂડનાં આદર્શરૂપ ગણાતાં આ દંપતીએ ડિવોર્સ લઈ લીધા છે. આમિરના ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં આંચકો ફેલાઈ જાય છે. હોય નહીં! આમિર અને રીનાના છૂટાછેડા? પણ કેમ? બે સરસ મજાનાં સંતાનો હોવા છતાં લગ્નસંબંધનું તૂટવું એ પીડાદાયક ઘટના છે. આ અત્યંત અંગત બાબત છે, જાહેર જોણું કે પંચાત કે ગોસિપનો વિષય નથી. આમિર અને રીના બન્ને સંપૂર્ણ ગરિમા સાથે મૌન જાળવી રાખે છે.
એક સમયે કંઈકેટલાંય ખૂબસૂરત પડાવોમાંથી પસાર થયેલો ઘનિષ્ઠ સંબંધ વખત જતાં પોતાનું સત્ત્વ ગુમાવીને ભારરૂપ બની જાય, એમ બને. નિર્જીવ બની ગયેલા સંબંધના બોજને ઊંચકીને ચાલવા કરતાં તેના પર પૂર્ણવિરામ મૂકી દેવાથી ઘણી વાર નવી શક્યતાઓ ઊઘડતી હોય છે. આમિરના જીવનમાં નવી શક્યતા અને નવા ઉઘાડ કેવી રીતે સર્જાયા?


૧૯૯૯માં 'લગાન' માટે આમિર બસમાં સવાર થઈને કચ્છમાં લોકેશન શોધી રહ્યો હતો ત્યારે કિરણ રાવ નામની યુવતી સાથે એની પહેલી વાર મુલાકાત થઈ હતી. આમિર તે વખતે હેપીલી મેરિડ હતો. ઈન ફેક્ટ, પત્ની રીનાએ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકેની કઠિન જવાબદારી ઉપાડી હતી. કિરણ નામની દિલ્હીથી આવેલી આ નવીસવી છોકરી ડિરેક્ટર આશુતોષ ગોવારીકરની થર્ડ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તે દિવસે બસમાં કિરણના મનમાં આવેલો સૌથી પહેલો વિચાર આ હતોઃ આવડો મોટો સુપરસ્ટાર અલગ કારમાં જવાને બદલે અમારી સૌની સાથે બસમાં ટ્રાવેલ કરે છે ને પાછો સૌને હાય-હેલો કરે છે ને સૌનાં નામ પણ પૂછે છે! કિરણના મનમાં પડેલી આમિરની સૌથી પહેલી ઈમ્પ્રેશન મારા-તમારા જેવા તદ્દન સીધાસાદા, રેગ્યુલર અને નોન-ફિલ્મી માણસ તરીકે પડી, જે સાચી હતી. 'લગાન'ના નિર્માણ દરમિયાન કિરણની જવાબદારી હતી, સવારના પહોરમાં કલાકારોને હેર-મેકઅપ-કોસ્ચ્યૂમ સાથે રેડી કરીને લોકેશન પર સમયસર પહોંચાડી દેવાની. એક સીનમાં ગામડિયા ભુવન બનેલા આમિરે કાનમાં એરિંગ્સ પહેરવાનાં હતાં. એની નજર કિરણના કાન પર પડી. એણે કહ્યું: યાર, તારાં એરિંગ્સ જરા ટ્રાય કરવા દેને! કિરણના એરિંગ્સ એને એવાં ગમી ગયાં કે પછી આખી ફિલ્મમાં એ જ પહેર્યાં.
'લગાન' બની ગઈ. સુપરડુપર હિટ થઈ. ઓસ્કર સુધી પહોંચી ગઈ ને પછી ટીમ વીખરાઈ ગઈ. 'દિલ ચાહતા હૈ'ના ગોવાના શેડયુલ દરમિયાન અચાનક આમિરનો ભેટો કિરણ સાથે થઈ ગયો. કિરણ 'દિલ ચાહતા હૈ'ની પ્રોડક્શન ટીમ સાથે ગોવા પૂરતી સંકળાયેલી હતી. કિરણે હસીને હળવેકથી યાદ કરાવ્યું: આમિર, તે દિવસે તેં મારાં એરિંગ્સ લીધાં એ લીધાં, મને હજુ સુધી એ પાછાં નથી મળ્યાં! કિરણે તો મજાક કરી હતી, પણ આમિર પત્ની રીનાને લઈને હોટેલ તાજના શોપિંગ આર્કેડમાંથી ખરેખર એરિંગ્સ ખરીદી લાવ્યો ને કિરણને આપ્યાં. આમિરના મનમાં કિરણની સ્પષ્ટ નોંધ 'એરિંગ્સવાલી લડકી' તરીકે થઈ. એવી ચશ્મીશ લડકી કે જે બ્રાઈટ છે, ખુશમિજાજ છે, વાતોડિયણ છે અને કાયમ હસતી હોય છે!
એકમેક સાથેના સંબંધ વિશે આમિર અને કિરણ બન્નેએ ખૂલીને વાતો કરી છે. ર૦૦૩માં કિરણ સાથે પાછો ભેટો થયો ત્યારે આમિરના ડિવોર્સ થઈ ચૂક્યા હતા. આમિર કોકાકોલા માટે મોડેલિંગ કરી રહ્યો હતો. આ એડ્સનું પ્રોડક્શન એની જ કંપની કરી રહી હતી. કિરણ આ પ્રોજેક્ટમાં એની સાથે જોડાઈ. એકમેકની સાથે ખૂબ બધો સમય વિતાવ્યો હોય એવું આ વખતે પહેલી વાર બન્યું. બન્ને સિંગલ હતાં, એક જ એરિયા બાન્દ્રામાં રહેતાં હતાં એટલે પ્રસંગોપાત કામ ન હોય તો પણ હળવામળવાનું શરૂ થયું. કિરણને શરૂઆતમાં એ જાણવામાં રસ હતો કે આમિર ખાન નામનો આ માણસ એક્ઝેક્ટલી છે કેવો. એને આમિરની સાદગી અને વૈચારિક સ્પષ્ટતા ગમતા હતા. હળવામળવાનું વધ્યું એટલે ધીમે ધીમે આમિર માણસ તરીકે ગમવા લાગ્યો. એની બીજી ખૂબીઓ દેખાવા માંડી.
આમિરના મનમાં ડિવોર્સનો ઘા સાવ તાજો હતો. એની માનસિક સ્થિતિ એવી હતી કે નવી રિલેશનશિપ વિશે વિચારી સુધ્ધાં ન શકે. એનું પીવાનું ખૂબ વધી ગયું હતં. મૂડ ઠેકાણે રહેતો નહોતો, પણ ધીમે ધીમે આમિરને પ્રતીતિ થવા લાગી કે કિરણની સાથે હોઉં છું ત્યારે હું ખરેખર ખુશ હોઉં છું. એક વાર એ કોઈક કામસર લંડન ગયેલો. હોટેલના કમરામાં દુઃખી દુઃખી થઈને એકલો બેઠો હતો ત્યાં અચાનક કિરણનો ફોન આવ્યો. અમસ્તો જ. કેમ છો-કેમ નહીં પૂછવા માટે. આમિરને કોઈ વાત કરવાવાળું આત્મીય માણસ જોઈતું હતું. અડધી-પોણી કલાક સુધી એ કિરણ સાથે વાતો કરતો રહ્યો. ફોન પૂરો થયો ત્યાં સુધીમાં એ એકદમ મૂડમાં આવી ગયો હતો. તે વખતે આમિરને પહેલી વાર તીવ્રતાથી લાગ્યું કે અરે યાર, આ છોકરી ખરેખર મારી ઉદાસી દૂર કરી શકે છે,મને સુખી કરી શકે છે!
આમિરે સૌથી પહેલાં પોતાની કઝીન નુઝહત (ઈમરાન ખાનની મમ્મી)ને વાત કરી કે આ કિરણ મને ખરેખર ગમી રહી છે. નુઝહતે સલાહ આપી કે આમિર, તું અત્યારે એટલો બધો ઈમોશનલી ડેમેજ્ડ છો કે આ સ્થિતિમાં કોઈ મોટો નિર્ણય લેવાની ભૂલ ન કરતો. જો તને કિરણની કદર હોય, તને એ ખરેખર ગમતી હોય અને તને લાગતું હોય કે તમારી રિલેશનશિપને આગળ વધારી શકાય તેમ છે તો પ્લીઝ, અત્યારે તું અટકી જા. તારી જાતને સ્પેસ આપ. કિરણને સ્પેસ આપ. તારા મનને શાંત થવા દે અને પછી વિચાર કે તમે લોકો ખરેખર શું કરવા માગો છો.

આમિરે બહેનની સલાહ માની. એણે કિરણને કહી દીધું કે પ્લીઝ, મને લાગે છે કે આપણે હવે હળવામળવાનું બંધ કરીએ. પણ પછી આમિરને જ સવાલ થયો કે આવું હું શું કામ કરું છું? કિરણ સૌથી પહેલાં તો મારી બહુ સારી ફ્રેન્ડ છે. એની હાજરીમાં હું સૌથી વધારે રિલેક્સ્ડ ફીલ કરું છું, એની સાથે મનની કોઈ પણ વાત, કોઈ પણ લાગણી શેર કરી શકું છું, હું જેવો છું એવો આખો ને આખો વ્યક્ત થઈ શકું છું. તો પછી અંતર શું કામ? પછીની મુલાકાતમાં આમિરે કિરણને કહ્યું: મને લાગે છે કે આપણે આપણી રિલેશનશિપને અજમાવવી જોઈએ. વ્હાય ડોન્ટ યુ મૂવ ઈન? આપણે એક છત નીચે રહીશું તો એકમેકને વધારે સારી રીતે ઓળખી શકીશું અને પછી આપણે નક્કી કરી શકીશું કે રિલેશનશિપને નેકસ્ટ લેવલ પર લઈ જવી છે કે કેમ.
આમિર અને કિરણની લિવ-ઈન રિલેશનશિપ દોઢ વર્ષ ચાલી. પછી કુદરતી રીતે જ તેઓ ડિસિઝન પર પહોંચી ગયાં કે ઓકે ફાઈન, ચાલો હવે પરણી જઈએ! આમિર-કિરણ લગ્ન વગર પણ સુખી જ હતાં, પણ કિરણનાં મમ્મી-પપ્પા અને બીજા સગાંવહાલાંનું કહેવું હતું કે જો તમારે ભેગાં જ રહેવું હોય તો લગ્ન કેમ કરી લેતાં નથી?
અને બસ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. આજે આમિર-કિરણનો દીકરો આઝાદ બે વર્ષનો થઈ ગયો છે. પૂર્વ-પત્ની રીનાનાં બન્ને સંતાનો સાથે કિરણના સુમેળભર્યા, દોસ્તીના સંબંધ છે. આમિરે રિલેશનશિપની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી કે મારાં સંતાનોને વિશ્વાસમાં લીધા વગર હું એક પગલું પણ નહીં ભરું. ફિલ્મી હસ્તી તરીકે આમિર એક લેજન્ડ છે, જબરદસ્ત નિષ્ઠા અને પરિશ્રમના પ્રતાપે પોતાના સમકાલીનો કરતાં બિલકુલ જુદી જ ભ્રમણકક્ષામાં એ એકધારી ઉર્ધ્વગતિ કરી રહ્યો છે. એની આગામી 'ધૂમ-થ્રી'સંભવતઃ બોક્સઓફિસ પર ઘણાં રેકોર્ડ્ઝ તોડશે એવી હવા બની રહી છે. ખેર, પ્રોફેશનલ સિદ્ધિઓ અલગ વસ્તુ છે, પણ અંગત જીવનના તૂટેલા લયને પુનઃ સાંધતા પણ આમિરને સરસ આવડે છે.
શો-સ્ટોપર

રણબીરનાં લગ્ન કેટરીના સાથે થશે ત્યારે હું મારી ભાભી કેટરીનાના તમામ સુપરહિટ સોંગ્સ પર સોલો ડાન્સ કરવાની છું. મેં તો લગ્નમાં કયો ડ્રેસ પહેરવો છે તે પણ નક્કી કરી લીધું છે!
- કરીના કપૂર (કોફી વિથ કરણમાં કરેલો એકરાર)

1 comment:

  1. ખુબજ ઉચ્ચ શૈલી નુ લખાણ અને સિમ્પ્લિસિટી થી ભરપુર અને ધારદાર સમજાવટ પણ એથીકલી ખોટી સમજણ કેમ સ્વીકારવી ?

    ReplyDelete