Tuesday, April 7, 2020

ડાયવર્ઝન નહીં, રિવર્સ ગિયર


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 8 એપ્રિલ 2020, બુધવાર
કોલમઃ ટેક ઓફ 
કોરોનાની રસી તો શોધાઈ જશે, પણ ઉપભોક્તાવાદના વાઇરસથી બચવાનો ઉપાય શું?

જે હાથમાં બે સરસ પુસ્તકો છે - સુખનું સરનામું અને મનનો મેડિક્લેઇમ. બન્નેના લેખક એક જ છે - આચાર્ય ઉદયવલ્લભસૂરિ. પોતાનાં ચિંતનાત્મક લેખોમાં જૈનાચાર્યજીએ અમુક એવી વાતો કહી છે જે અત્યારના કોરોના લૉકડાઉનના અનિશ્ચિત અને અસલામતીભર્યા માહોલમાં એકદમ પ્રસ્તુત બની જાય છે.
ઉદાહરણ તરીકે, હવે તો પીછેહઠ એ જ આગેકૂચ શીર્ષકધારી લેખ. આચાર્યશ્રી લખે છે કે આજે પર્યાવરણવાદીઓ ચિંતાતુર છે, અર્થશાસ્ત્રીઓ શોકાતુર છે, મેડિકલ સાયન્સ લાચાર છે. કોઈને ચેન નથી, સૌ ચિંતામાં છે. શૂળની વેદના અસહ્ય છે, પણ કોઈ કોઈને દોષ દઈ શકે તેમ નથી, કેમ કે આ તો આપણે જાતે પેટ ચોળીને ઊભું કરેલું શૂળ છે. અગણિત વર્ષોથી ચાલ્યા આવતા માનવજીવનને અગાઉ ક્યારેય નડ્યા નહોતા એવા પ્રાણપ્રશ્નો આજે આપણને પજવી રહ્યા છે. જળસ્રોતોના તળિયાં હવે દેખાવા માંડ્યાં છે, ખનિજ સંપત્તિ પણ આવનારા દાયકાઓમાં જ ખૂટી જાય એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે, જમીનની ફળદ્રુપતા જાણે ભૂતકાળની વાત બની ગઈ છે. અડાબીડ જંગલોનો કુદરતી વારસો પણ જાળવી શકાયો નથી. પશુ-પક્ષીઓની કંઇકેટલાય પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. કોરોના જેવા વાઇરસને કારણે મહામારીઓ ફેલાય છે તે લટકામાં.
આચાર્ય ઉદયવલ્લભસૂરિ
આચાર્ય ઉદયવલ્લભસૂરિ ઉપભોક્તાવાદને પણ એક વાઇરસ તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે ઉપભોક્તાવાદનો વાઇરસ માણસને એવો લાગ્યો છે કે પછી આ જાતજાતની તકલીફોમાંથી બચવું તેના માટે શક્ય જ નહોતું. અનેક સમસ્યાઓથી ગ્રસ્ત અને ત્રસ્ત માનવજગત આજે એક ત્રિભેટે આવીને ઊભું છે. અવિચારીપણાની તમામ મર્યાદાઓ વટાવી ચુકેલી માણસજાત સામે આજે ત્રણ રસ્તા છે. કયા રસ્તા?
એક, માણસ હજુય ભયજનક વાસ્તવિકતાને સ્વીકારે જ નહીં. શાહમૃગની માફક પ્રગતિના ભ્રમની રેતીમાં મોં ખોંસીને હજુય કહેવાતી પ્રગતિ પાછળની આંધળી દોટ નિરંતર ચાલવા જ દે. ભૂગર્ભના જળભંડારોને પ્રદૂષિત કરતો રહે, જમીનનું ધોવાણ થવા દે, જંગલોનો કચ્ચરઘાણ વાળતો રહે, ખનિજોને બેફામ ખોદીને ખાણોને બોદી બનાવતો રહે, ઉદ્યોગો નાખીને જમીનને અભડાવતો રહે, પશુસૃષ્ટિ પર છરો ફેરવતો રહે, પોતાના સ્વાર્થ ખાતર બીજા માણસોને પણ ધાણી-ચણાની જેમ ઉડાવતો રહે, પોતાના મોજશોખ ખાતર અન્ય લોકો પર બોજ વધારતો રહે. નવી પેઢી જાણે આવવાની જ નથી એમ સમજીને તે બધું જ ચૂસી લે, બધું જ ગળી જાય, બધું જ બગાડી નાખે. આજની વાસ્તવિક અને જીવલેણ સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવીને એ સમસ્યાઓને વધારે વકરાવે અને પોતાની સાથે અન્ય જીવસૃષ્ટિના ગળે પણ ટૂંપો દઈ દે.
માણસજાત સામે બીજો રસ્તો છે, થોડા કામચલાઉ અને ટેક્નિકલ સુધારા કરવાનો. જેમ કે, ઓછું પ્રદૂષણ થાય એવાં વાહનો બનાવવા, પેટ્રોલને બદલે વૈકલ્પિક ચીજ વાપરવી, રિસાઇક્લિંગ વધારવું, વગેરે. આ રીતે ટેમ્પરરી રાહત તો મળે, રોગનું દમન તો થાય, પણ સમસ્યા જડમૂળથી નાબૂદ ન જ થાય.
ત્રીજો રસ્તો શો છે? તે છે, આપણી બેફામ જીવનશૈલીની સર્જરી કરી દેવી! આચાર્યશ્રી કહે છે કે લોકો પોતાની આર્થિક જરૂરિયાતની ચોક્કસ મર્યાદા બાંધે, પોતાનું ધ્યાન બિનભૌતિક, બિનઆર્થિક પુરુષાર્થો તરફ વાળે, જેમાં અધ્યાત્મિક ગતિ મુખ્ય હોય. વિકાસ પર પૂર્ણવિરામ મૂકી દેવાની વાતને પ્રગતિવાદીઓ નકારાત્મક પગલું ગણશે, પણ જૈનાચાર્ય કહે છે તેમ, હકીકતમાં તો આ સવાયું હકારાત્મક પગલું છે.

માણસ પોતાને ઉપભોક્તા તરીકે નહીં, પણ નર્યા માણસ તરીકે જુએ અને વર્તે. વિકાસનો માત્ર દર ન જુઓ, પણ વિકાસનું સ્વરૂપ પણ જુઓ. આ વિકાસથી કોને કેટલો લાભ થવાનો છે? આપણે કેટલી કિંમત ચૂકવવી પડશે? પ્રાણ, પ્રકૃતિ અને પર્યાવરણ પર તેની કેટલી અને કેવી અસર થશે? કામચલાઉ અખતરાવાળા બીજા રસ્તા પર વળવાનો સમય તો ક્યારનો વીતી ચૂક્યો છે. આચાર્ય ઉદયવલ્લભસૂરિ લખે છે, હવે કામચલાઉ ઑલ્ટરેશનને બદલે ટકાઉ વિકાસ તરફની આગેકૂચ (દેખીતી દષ્ટિએ પીઠેહઠ) કરવાનો એલાર્મ કૉલ વાગી રહ્યો છે. રસ્તો ખોદાયેલો હોય ત્યારે રિપેર થાય ત્યાં સુધી કદાચ ડાઇવર્ઝનનો ઉપયોગ થઈ શકે, પણ જયારે દિશા જ ઊંધી હોય ત્યારે રિવર્સ ગિયર સિવાય બીજો કોઈ બીજો કોઈ સાચો ઉપાય હોઈ જ ન શકે.  
મનનો મેડિક્લેઇમ પુસ્તકમાં આચાર્ય ઉદયવલ્લભસૂરિ એક સરસ વાત કહે છે કે પ્રભુ શાસનની મળેલી લગભગ બધી જ આરાધનાઓ એ બીજું કંઈ નથી, પણ ક્રાઇસિસ મેનેજમેન્ટનો એક ભવ્ય કૉર્સ છે. ધ્યાન, અધ્યાત્મ, ધર્મચર્યા, વિવેકપૂર્વક થતો ધાર્મિક આચારવિચાર તે વાસ્તવમાં ચિત્તને પ્રસન્ન રાખીને અને સમાધિને અકબંધ રાખીને જીવને અણીના અવસરે બચાવી લેતી તાલીમ જ છે! કોરોનાની અણધારી ઉપાધિને કારણે દુનિયાની  સામે જે નવાં સત્યો ઊપસી રહ્યાં છે તેના સંદર્ભમાં આ મુદ્દા ખાસ વિચારવા જેવા છે.      
શિશિર રામાવત
shishir.ramavat@gmail.com

No comments:

Post a Comment