Wednesday, February 5, 2020

મરઘીની ડોક અને ખદબદતી જીવાતઃ રાષ્ટ્રીય સુરક્ષા સામે બધું ગૌણ છે


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 5 ફેબ્રુઆરી 2020, બુધવાર
ટેક ઑફ
નૉર્થ-ઈસ્ટમાં અરાજકતા ફેલાવવામાં અને એને મિલીટરી સ્તરે તેમજ રાજકીય સ્તરે વધુને વધુ નબળા પાડતાં જવામાં માત્ર વિદેશી દુશ્મનો જ નહીં, બલ્કે શર્જીલ ઇમામ જેવા દેશદ્રોહીઓને પણ ખૂબ રસ છે


ભારતની કેન્દ્ર સરકાર નામના મદારીએ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અને ભેગાભેગી એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ)ની બિન એવી વગાડી છે કે કેટલાય નાગ અને ઝીણાંઝીણાં જીવજંતુ પોતપોતાના દરમાંથી સળવળ સળવળ થતાં બહાર નીકળીને ધૂણવા લાગ્યાં છે. સારું છે. ઝેરી જીવાત જેટલી મોટી માત્રામાં ખુલ્લામાં આવે એટલું સારું જ છે. તેને ઓળખવામાં ને પછી સાગમટે સૌનો ઉકેલ લાવવામાં મદારીને એટલી આસાની રહેશે. જૂના ને જાણીતા સર્પોની સાથે શર્જીલ ઇમામ નામના કોઈ અજાણ્યા મગતરાએ પણ બહુ ઉછાળા માર્યા. સિલીગુડી કોરિડોર પર કબ્જો જમાવીને ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતથી અલગ કરી નાખવા વિશે એણે આખા દેશ સામે ઝેર ઓક્યું.   
      
શર્જીલના બકવાસને ગંભીરતાથી લેવો જોઈએ કે ન લેવો જોઈએ તેવા પિષ્ટપેષણમાં પડ્યા વિના  સિલીગુડી કૉરિડોર શું છે તે વિગતે સમજી લેવું જોઈએ. ભારતનો નૉર્થ-ઈસ્ટ હિસ્સો એટલે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યો (આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા) વત્તા સિક્કીમ વડે બનતું ઝુમખું. સિલીગુડી કૉરિડોર એટલે આ આઠ રાજ્યોનાં ઝુમખાને ભૌગોલિક સ્તરે અથવા કહો કે જમીની સ્તરે દેશ સાથે જોડી રાખવાનું કામ કરતી સાંકડી પટ્ટી. એને ભારતની ચિકન નૅક તરીકે પણ ઓળખવામાં આવે છે. મરઘીની પાતળી ગરદન જેવી પટ્ટીની લંબાઈ માંડ 22 કિલોમીટર જેટલી હશે. પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ, જલપાઇગુડી અને તરાઈથી શરૂ થઈને આ પટ્ટી ઉત્તર-પૂર્વનાં રાજ્યો સુધી પહોંચે છે. મેઈનલૅન્ડ ઇન્ડિયા અને નૉર્થ-ઈસ્ટનાં આઠ રાજ્યો વચ્ચે જમીનમાર્ગે થતું આવનજાવન, વેપાર, ટુરિઝમ બધું જ સિલીગુડી કૉરિડોર દ્વારા થાય છે. વાસ્તવમાં, કેવળ ટુરિઝમ કે કૉમર્સ માટે જ નહીં, પણ લશ્કરી સ્તરે પણ સિલીગુડી કૉરિડોર અત્યંત મહત્ત્વનો છે, કેમ કે પશ્ચિમ બંગાળના જલપાઇગુડી સ્ટેશનથી શરૂ થતા રેલ-રસ્તા ચીનની સરહદની સામે વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલાં મિલીટરી થાણાં સુધી પહોંચે છે.

ન કરે નારાયણ ને જો સિલીગુડી કૉરિડોરની સાંકડી જમીની પટ્ટીનો નાશ કરવામાં દેશના દુશ્મનો કે દેશદ્રોહીઓ કામિયાબ થઈ જાય તો પરિણામ કેટલું આકરું આવે તેની કલ્પના કરવી અઘરી નથી. આવું થાય તો ભારતનો નૉર્થ-ઈસ્ટ હિસ્સો કપાઈને દેશથી છૂટો પડી જાય. એટલું જ નહીં, ચીની સરહદની લગોલગ આવેલાં આપણાં અગત્યનાં મિલીટરી થાણાં સુધી અસ્ત્રો-શસ્જ્ઞો-સૈનિકો મોકલવાનો ભૂમિમાર્ગ પણ બંધ થઈ જાય.

સિલીગુડી કૉરિડોરની સાથે સાથે ડોકલામ વિશે પણ જાણી લેવું જોઈએ. ભારતના ઉત્તર-પૂર્વે ડોકલામ નામનો 89 ચોરસ કિલોમીટરનો જમીની હિસ્સો આવેલો છે. તે વિવાદિત એરિયા છે, કેમ કે ત્રણ-ત્રણ દેશની સરહદ અહીં એકમેકને સ્પર્શે છે – ભારત, ચીન અને ભુતાન. કાયદેસર રીતે ડોકલામ ભુતાનનો હિસ્સો છે, પણ ચીનનો ડોળો લાંબા સમયથી તેના પર તકાયેલો છે. તમને યાદ હોય તો ચીને વચ્ચે છેક ડોકલામ એરિયા સુધી પાક્કો રોડ બનાવ્યો હતો. ભારતે ચીનના આ પગલાનો વિરોધ કર્યો હતો. ચીન થોડો સમય ચુપ બેઠું, શાંતિનું નાટક કરેલું, પણ પછી પાછું અસલિયત પર ઉતરી આવ્યું હતું.

સવાલ થાય કે ચીન ડોકલામમાં રસ્તો બનાવે એની સામે ભારતને શા માટે વાંધો હોવો જોઈએ? તમે નક્શો જોશો તો તરત સમજાશે કે તિબેટમાં આવેલી ચંબી વેલી ડોકલામથી સાવ પાસે છે. ચંબી વેલીથી સિલીગુડી પણ એકદમ નજીક છે. હવે જો ચીન ડોકલામ સુધી બનાવી કાઢેલા રસ્તાને થોડોક ઑર લંબાવે, લશ્કરી હિલચાલ વધારી દે અને ધારો કે ભવિષ્યમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો આ પાક્કા રસ્તાને કારણે પોતાના સૈનિકો તેમજ હથિયારોને ભારતીય સીમા સુધી પહોંચાડવાનું કામ ચીન માટે સાવ આસાન થઈ જાય. યુદ્ધ જેવા અસ્થિર માહોલમાં ડોકલામ પર કબ્જો જમાવી દીધા પછી ચીન સૌથી પહેલું કામ શું કરે? ભારતની ચિકન નૅકને મરડી નાખવાનું. મરઘીની પાતળી ડોકને મરડી નાખવામાં કેટલી વાર લાગે?  સિલીગુડી કૉરિડોરનું ધનોતપનોત કાઢીને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોને ભારતથી અલગ કરી દેવામાં ચીન પળનોય વિલંબ ન કરે. પેલો શર્જીલ નામનો છછૂંદર પણ આ સિલીગુડી કૉરિડોરને જ બાનમાં લેવાનો  બકવાસ કરી રહ્યો છે.  



ચીનનો એક મનસુબો રહ્યો છે કે ભારતની ઉત્તર-પૂર્વીય સરહદ તરફ બને એટલો પગપેસારો કરવો ને પછી લાગ જોઈને ઘા મારી દેવો. ચીને ડોકલામ વિસ્તારમાં ઊંચું ઑબ્ઝર્વેશન ટાવર બનાવી નાખ્યો હતો, બન્કર બનાવ્યાં હતાં, હેલિપેડ તૈયાર કર્યા હતાં, તિબેટમાં નવાં એરપોર્ટ તૈયાર કરવાની હિલચાલ શરૂ કરી હતી – આ તમામ ગતિવિધિની ઇન્ફર્મેશન આપણી ગુપ્તચર સંસ્થા રૉ (રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ) સરકારને લાંબા સમયથી આપતી રહી છે. એક સમયે એક અસર એવી પણ ઊભી થતી હતી કે નૉર્થ-ઈસ્ટમાં આટલા બધા ટેરરિસ્ટ ગ્રુપ અને અલગાવવાદીઓ સક્રિય છે, રૉ અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) બન્ને તરફથી સેન્સિટીવ ઇન્ફર્મેશન સરકાર સુધી સતત પહોંચતી રહી છે, પણ દેશવિરોધી તત્ત્વોને ડામી દેવા માટે લશ્કરી સ્તરે જોઈએ એટલું જોર લગાડવામાં આવતું નથી? અરે, આપણા સૈનિકોને એક તબક્કે સૂચના આપવામાં  ઘૂસી જાય તો પણ એમના પર ફાયરિંગ કરવાનું નથી. વધારે આક્રમક બનાવાને બદલે જાણે ગો સ્લોનો આદેશ અપાઈ ગયો હતો.  

જોકે તાજેતરમાં આસામમાં જે મહત્ત્વનું ડેવલપમેન્ટ થયું છે તે આખા દેશ માટે ગુડ ન્યુઝ છે. આસામના બોડો ઉગ્રવાદીઓ લાંબા સમયથી અલગ બોડોલેન્ડની માગણી કરતા આવ્યા છે. નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલેન્ડ (એનડીએફબી) નામનું અત્યંત ખતરનાક મિલિટરી ગ્રુપ એમાંનું એક. દિલ્હીની કેન્દ્ર સરકાર તેની સાથે શાંતિકરાર પર સહી કરાવવામાં સફળ નીવડ્યું છે. લાંબા અરસાથી અલાયદા બોડોલેન્ડની માગણી કરતું ધ ઑલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ) પણ  આ કરારમાં સહી કરી છે. એગ્રીમેન્ટ એવું છે કે આ જૂથો હવે અલગ બોડોલેન્ડ કે યુનિયન ટેરિટરીની માંગણી કરવાનું (એટલે કે આ વિસ્તારમાં હિંસાપૂર્ણ અરાજકતા પેદા કરવાનું) હવે બંધ કરશે ને બદલામાં ભારત સરકાર આ આદિવાસી વિસ્તારને વિશેષ રાજકીય અને આર્થિક લાભ આપશે.    

નૉર્થ-ઈસ્ટમાં અરાજકતા ફેલાવવાનું, એને અંદરથી અને બહારથી ખોખલા કરતાં જવાનું, એને મિલીટરી સ્તરે અને રાજકીય સ્તરે શક્ય એટલી વધારે રીતે વધુને વધુ નબળું પાડતા જેવું – આ એક એવું ષડયંત્ર છે જેને અંજામ આવવાનું સપનું માત્ર વિદેશી દુશ્મનો જ નહીં, બલ્કે શર્જીલ ઇમામ જેવી પેલી દેશી જીવાત પણ જોવા માંડી હતી. એ વાત અલગ છે કે શર્જીલનો સંબંધ ચીનની ગ્રાન્ડ ડિઝાઇન સાથે નહીં પણ ઇસ્લામિક તાકાતો સાથે હોવાનો.    
   
ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અને રૉના ભૂતપૂર્વ ચીફ અજિત દોવલ વર્ષોથી કહેતા આવ્યા છે કે ભારત પર બહારના દેશો કરતાં આતંરિક સ્તરે વધારે જોખમ છે. 2006માં રિડીફ માટે શીલા ભટ્ટેને આપેલા ઇન્ટરવ્યુમાં અજિત દોવલે કહેલું કે, ભારતની ઇન્ટરનલ સિક્યોરિટી સામે સૌથી મોટો ખતરો જો કોઈએ પેદા કર્યો હોય તો તે છે બાંગલાદેશી ઘુસણખોરો. ઇલીગલ ઘૂસણખોરોની ચકાસણી કરવા અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા બેસીએ તો આ આખી વિધિ પૂરી કરતાં બસ્સો વર્ષ લાગે કેમ કે આ ઘૂસણખોરોની સંખ્યા બે કરોડ જેટલી છે! ધારો કે ઘૂસણખોરોને દેશની સરહદની બહાર ધકેલીએ તો પણ બાંગલાદેશની સરકાર તેને સ્વીકારશે નહીં. ભારતની કોર્ટ ઘૂસણખોરને બાંગલાદેશી પૂરવાર કરે એટલે બાંગલાદેશની સરકારે એના માટે ફ્લાઇટની ટિકિટ ખરીદવી પડે, તે હેમખેમ પોતાના ઘરે પહોંચી જાય ત્યાં સુધી એના ખાવાપીવાની વ્યવસ્થા કરવી પડે. બાંગલાદેશનું પ્રશાસન એટલે જ કેટલાય કેસીસમાં ભારતના ચુકાદાને સ્વીકારતી નથી. કેટલાય ઘુસણખોર એવા છે જેમને બાંગલાદેશભેગો કરી દેવામાં આવ્યા હોય તો પણ થોડા દિવસો પછી પાછા ભારતમાં ઘુસી જાય છે.

આ ઘૂસણખોરોમાં મોટા ભાગના લાચાર લોકો હોવાના, પણ ખતરનાક આતંકવાદીઓને તેમની સાથે ભળી જવામાં કેટલી વાર લાગે? ઘૂસણખોરોની માત્રા જ્યારે લાખોમાં હોય ત્યારે તેમાંથી પાંચ-પચ્ચીસ-પચાસ આતંકવાદીઓ કે ભાંગફોડિયા તત્ત્વોને શોધવાનું અત્યંત કપરું પૂરવાર થાય. અજિત દોવલે આ ચિંતા તેર-ચૌદ વર્ષ પહેલાં વ્યક્ત કરેલી, જે આજે પણ પ્રસ્તુત છે. બૉર્ડર મેનેજમેન્ટ આજની તારીખે પણ ભારત માટે એક અત્યંત ગંભીર સમસ્યા છે. ભારત પાસે પોતાનું પાક્કું નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ શા માટે હોવું જોઈએ તેનો જવાબ અહીં મળે છે. એનઆરસી તેમજ સિલીગુડી કૉરિડોરને ઉડાવી દેવાની વાતો કરતા શર્જીલ જેવાં તત્ત્વોને નેશનલ સિક્યોરિટીના સંદર્ભમાં જ ટ્રીટ કરવા પડે.             
0 0 0



No comments:

Post a Comment