Saturday, February 1, 2020

...તો ‘દીવાર’માં અમિતાભની માતા વૈજયંતિમાલા હોત!

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 2 February 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
વૈજયંતિમાલાની માફક 84 વર્ષની વયે સંપૂર્ણપણે સક્રિય રહેવા માટે અને મંચ પર સોલો ડાન્સ પર્ફોર્મન્સીસ આપવા માટે કેટલી નિષ્ઠા, મહેનત ને શિસ્ત જોઈએ? લંબાતા જતા આયુષ્યની સાથે ચેતન્ય પણ વધતું જાય ને જીવન પ્રત્યેના વિસ્મયભાવને વળ ચડતી જાય તે માટે શું કરવું જોઈએ?  

મના કપાળમાં ચાંદલા ફરતે લાલચટ્ટાક ઊભી રેખા ખેંચાયેલી છે. કાનમાં મોટાં ઝુમ્મર લટકે છે. હોઠ ડાર્ક મેચિંગ લિપ્સ્ટિકથી રંગાયેલા છે. એમની પહોળી આંખોમાં નિર્દોષ બાળક જેવું પારદર્શક વિસ્મય સતત અંજાયેલું રહે છે. પક્વ ઉંમરે નિર્દોષતા કદાચ સહજપણે સપાટી પર આવી જતી હશે. ચમકતી રેડ-ગોલ્ડન સાડીમાં તેઓ આજેય અત્યંત જાજરમાન દેખાય છે. તમે નાના હતા ત્યારથી એમને સ્ક્રીન પર જોતાં આવ્યા છો. આજે તેમને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો. તમને બરાબર યાદ છે કે તમે બાર-તેર વર્ષના હતા ત્યારે તમારાં મમ્મી-પપ્પા એક વાર એક જૂની ફિલ્મના સ્ક્રીનિંગમાં તમને લઈ ગયાં હતાં. તે બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મનું નામ મધુમતી (1958) હતું. તમને એ પણ બરાબર યાદ છે ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં તમે એ ફિલ્મની હિરોઈનના પ્રેમમાં પડી ચુક્યા હતા. એ નાયિકાનું નામ હતું, વૈજયંતિમાલા. તમારા બાળપણનો એ પહેલો ઑફિશિયલ ક્રશ!
વૈજયંતિમાલા આજે 84 વર્ષનાં થઈ ગયાં છે અને આજે પણ તમને નવેસરથી ક્રશ થઈ જાય એવાં વહાલાં તેમજ પ્રભાવશાળી દેખાય છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ગ્રામોફોન ક્લબ દ્વારા યોજાયેલા એક અફલાતૂન ઑડિયો-વિઝ્યુઅલ પ્રોગ્રામમાં ભાગ લેવા તેઓ ખાસ ચેન્નાઈથી આવ્યાં છે. ઇન ફેક્ટ, આ પ્રોગ્રામ ખાસ તેમને કેન્દ્રમાં રાખીને જ સૂઝપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે. મંચ પર ગોઠવાયેલી વિરાટ ડિજિટલ સ્ક્રીન પર વૈજયંતિમાલાની ફિલ્મોનાં ચુનંદાં ગીતો (અને થોડાં દશ્યો પણ) પેશ થતાં જાય ને  પ્રશ્નોત્તરીના ભાગરૂપે વૈજયંતિમાલા સ્વયં તે ગીતો કે ફિલ્મો સાથે જોડાયેલી સ્મૃતિઓ ઑડિયન્સ સાથે શૅર કરતાં જાય.
1949માં વઝાકી નામની પહેલી તમિળ ફિલ્મ કરી ત્યારે વૈજયંતિમાલા માંડ તેર વર્ષનાં હતાં. નૃત્યોથી ભરપૂર આ ફિલ્મ સુપરહિટ થઈ એટલે હિન્દીમાં બહાર (1951) નામે ફરીથી બનાવવામાં આવી. તેમાં વૈજયંતિમાલાને જ હિરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં. તેમની આ પહેલી હિન્દી ફિલ્મ પણ સફળ રહી. પછી તો એક પછી એક હિન્દી ફિલ્મોની કતાર થઈ ગઈ - નાગિન (1954), બિમલ રૉયની દેવદાસ (1955)...   વૈજયંતિમાલા પહેલાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે, જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવી હોય. તેમની સફળતાને કારણે જ પછી દક્ષિણની નૃત્યપ્રવીણ અભિનેત્રીઓને મુંબઇ ઇમ્પોર્ટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. વહીદા રહેમાન, હેમા માલિની, રેખાથી માંડીને શ્રીદેવી સુધીની બોલિવુડની તમામ સફળતમ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓએ વૈજયંતિમાલાને થેન્ક્યુ કહેવું જોઈએ.  
વૈજયંતિમાલાનો કરીઅરગ્રાફ તો ખેર આપણે જાણીએ છીએ. એમની કેટલીય યાદગાર ફિલ્મો, ગીતો અને નૃત્યોએ આપણું અપાર મનોરંજન કર્યું છે. એમનું કામ આપણી સામૂહિક સ્મૃતિનો હિસ્સો બની ગયું છે. એ વાત અલગ છે કે આજે વૈજયંતિમાલા ખુદ પોતાનાં જ કેટલાંક ગીતોને સહેજ કાં તો સદંતર ભુલી ગયાં છે! કાર્યક્રમમાં પોતાનાં અમુક ગીત-નૃત્યો જોઈને એમને ખુદને હેરત થતી હતી. કાર્યક્રમના એન્કર આરજે યુનુસ ખાને યોગ્ય જ કહેલું કે આપણે આલ્બમ ખોલીને જૂના ફોટાગ્રાફ્સ જોતા હોઈએ ત્યારે ઘણી વાર ખુદને માન્યામાં આવતું હોતું નથી કે આ ફોટામાં દેખાય છે તે ખરેખર હું જ છું? વૈજયંતિમાલાને અત્યારે પોતાનાં અમુક જૂનાં ગીતો જોઈને એક્ઝેક્ટલી એવી જ ફીલિંગ થઈ રહી છે!   

વૈજયંતિમાલાએ આ ઉંમરે પણ પોતાનું રમતિયાળપણું જાળવી રાખ્યું છે. મંચ પર વૈજયંતિમાલા અને એન્કરની ખુરસી સામસામે નહીં, પણ બાજુબાજુમાં, સહેજ ત્રાંસી ગોઠવામાં આવી હતી. એન્કર સાથે વાત કરતી વખતે વૈજયંતિમાલાને પોતાની ગરદન વધારે ઘુમાવવી પડતી હતી. આથી તેમણે ખુરસીઓનો એંગલ બદલવાની સૂચના આપી. સાથે સાથે મસ્તીથી યુનુસ ખાનને કહી પણ દીધુઃ તમે મારાથી આટલા દૂર કેમ બેઠા છો? મારી નજીક બેસશો તો હું વિરોધ નહીં કરું!’
જોકે વીસ વર્ષ ભરપૂર કામ કર્યા બાદ 1968માં ફિલ્મજગતને તિલાંજલિ આપ્યા પછી વૈજયંતિમાલા ફરી ક્યારેય કોઈ ફિલ્મી કિરદારની નજીક ન ફરક્યાં. વીતેલાં વર્ષોની કેટલીય અભિનેત્રીઓ પુનઃ આગમન કર્યું છે, પણ મારે ફરીથી ફિલ્મોમાં કામ નથી જ કરવું તેવા નિર્ણય પર વૈજયંતિમાલા અડગ રહ્યાં. એટલેસ્તો ક્રાંતિ (1981) ફિલ્મમાં વૈજયંતિમાલાને લેવાની મનોજકુમારની ઇચ્છા પૂરી ન થઈ શકી. વૈજયંતિમાલા આવી કેટલીય અજાણી કે ઓછી જાણીતી વાતો ઑડિયન્સ સાથે શૅર કરે છે. જેમ કે, યશ ચોપડા દીવાર (1975)માં અમિતાભ બચ્ચનની માતાના રોલમાં વૈજયંતિમાલાની વરણી કરવા માગતા હતા. વૈજયંતિજીને મનાવવા યશ ચોપડા અને સુપરહિટ લેખકજોડી સલીમ-જાવેદ ચૈન્નાઈ ગયા હતા. વૈજયંતિમાલાને જોઈને યશ ચોપડા બોલી ઉઠેલા, તમે તો બહુ યંગ દેખાવ છો. તમને બુઢા દેખાડવા માટે ખૂબ બધો મેકઅપ કરવો પડશે. જો જ તમે અમિતાભ અને શશી કપૂરની મા તરીકે કન્વિન્સિંગ લાગશો!’ જોકે વૈજયંતિમાલા ન માન્યાં તે ન જ માન્યાં. આખરે દીવારમાં નિરુપા રૉયને કાસ્ટ કરવામાં આવ્યાં.
શું તમે એ જાણો છો કે આંધી (1975) ફિલ્મ ગુલઝારસાહેબે વૈજયંતિમાલાને ધ્યાનમાં રાખીને લખી હતી? મેં ગુલઝારસાહેબને પૂછેલું કે આ ફિલ્મ શાના વિશે છે? તેમણે કહ્યું, ઇંદિરા ગાંધી વિશે. હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ના રે ના, મારે કંઈ પોલિટિશિયન નથી બનવું. તે વખતે મને કલ્પના સુધ્ધાં ક્યાંથી હોય કે ભવિષ્યમાં હું વિધિવત્ રાજકારણમાં પ્રવેશ કરીને મેમ્બર ઑફ પાર્લામેન્ટ બનીશ!’ આટલું કહીને વૈજયંતિમાલા ઉમેરે છે, મેં આંધી ન કરી તે વાતનો મને અફસોસ ક્યારેક થાય છે. એમ તો મેં ગુરુ દત્તની મિસ્ટ એન્ડ મિસિસ ફિફ્ટીફાઇવ પણ ઠુકરાવી દીધી હતી.
એવી કોઈ ફિલ્મ છે જે વૈજયંતિમાલા પોતાનાં સક્રિય વર્ષો દરમિયાન કરવા માગતાં હતાં, પણ ન કરી શક્યાં? હા. દેવદાસઅને મધુમતી જેવી બબ્બે શાનદાર ફિલ્મ બનાવ્યા બાદ બિમલ રૉય વૈજયંતિમાલા સાથે ત્રીજી ફિલ્મ બનાવવા માગતાં હતાં - બંદિની (1963). વાતચીત પણ શરૂ થઈ ચુકી હતી, પણ કોઈક કારણસર વૈજયંતિમાલા બંદિની ન જ કરી શક્યાં ને તે ફિલ્મે નૂતનના બાયોડેટામાં સ્થાન મેળવી લીધું.       
દરેક કિરદાર જ્યારે કાગળ પર સર્જાય છે ત્યારે ઉપરવાળો તેને ભજવનારનું નામ અદશ્યપણે લખી નાખતો હશે? ભારતનાટ્યમનો રિયાઝ કરવાનું, ડાન્સ પર્ફોર્મન્સીસ આપવાનું વૈજયંતિમાલાએ જીવનના કોઈ તબક્કે બંધ કર્યું નથી. અભિનેત્રી તરીકે કરીઅર પૂર્ણ કળાએ ખીલી હતી ત્યારે પણ નહીં. આજે 84 વર્ષ વયે પણ તેઓ ભરતનાટ્યમનાં સોલો પર્ફોર્મન્સીસ આપે છે. કેટલી નિષ્ઠા, કેટલી મહેનત, કેટલી શિસ્ત ને કેટલો સ્ટેમિના જોઈએ તેના માટે? વૈજયંતિમાલા કંઈ અમસ્તા જ લેજન્ડ નથી કહેવાયાં!
0 0 0 


No comments:

Post a Comment