Sunday, September 29, 2019

હટ કે ફિલ્મ બનાવવાની ધૂન


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 29 સપ્ટેમ્બર 2019
મલ્ટિપ્લેક્સ
બે યંગ ડિરેક્ટરોએ બનાવેલી તાજી ગુજરાતી ફિલ્મો ધૂનકી અને 47 ધનસુખ ભવનમાં શું છે?  


નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ વિડીયોના હોમ પેજને સર્ફ કરતી વખતે અંગ્રેજી, હિન્દી, સાઉથ ઇન્ડિયન, બંગાળી વગેરે જેવી અનેકાનેક ભાષાઓની મનોરંજક દુનિયા આંખ સામે ખૂલી જાય છે. ખૂબ ગાજતા સુપર સેલિબ્રિટીઝના ચહેરાવાળાં પોસ્ટરોની જમઘટ વચ્ચે ગુજરાતી ફિલ્મોનાં પોસ્ટર પણ જોવા મળે ત્યારે આનંદ તો થાય જ. 

બે નવી ગુજરાતી ફિલ્મો સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ પર મૂકાઈ છે - ધૂનકી અને 47 ધનસુખ ભવન. આ બન્ને તાજી ગુજરાતી ફિલ્મો જોવાની ઇચ્છા હોય ને છતાંય મિસ થઈ હોય તો જાણી લો કે અમેઝોન પ્રાઇમ પર હવે આ બન્ને ફિલ્મો અવેલેબલ છે. શું છે બે યંગ ડિરેક્ટરોએ બનાવેલી આ ફિલ્મોમાં?

અનિશ શાહની ‘ધૂનકી’ ફિલ્મમાં બે યંગ કપલની વાત છે. પ્રતીક ગાંધી (એટલે કે એમનું પાત્ર) એક આઇટી પ્રોફેશનલ છે, જે હૈદરાબાદની સરસ અને સલામત જૉબ છોડીને પત્ની સાથે અમદાવાદ શિફ્ટ થાય છે. વિચાર એવો હતો કે આટલે દૂર બિનગુજરાતી રાજ્યમાં લાંબો સમય રહેવાને બદલે ઘરઆંગણે જ સેટલ કેમ ન થવું. હૈદરાબાદનો ફ્લેટ વેચીને એ પૈસામાંથી અમદાવાદમાં એક ફ્લેટ ખરીદી લેવાનું એમનું પ્લાનિંગ છે. પ્રતીક અહીં એક આઇટી ફર્મમાં જૉબ તો કરે છે, પણ અમદાવાદના વર્ક કલ્ચરથી એને ખાસ સંતોષ નથી.

પ્રતીકની ઑફિસમાં દીક્ષા જોશી (એટલે કે એમનું કિરદાર) પણ કામ કરે છે. દીક્ષા પણ આઇટી પ્રોફેશનલ છે ને પાછી વર્કોહોલિક છે. એ સ્વભાવે સૌમ્ય છે, પણ એનું દિમાગ એક સ્વતંત્ર આધુનિકાનું છે. ફોલો યોર પેશન એ વાક્યને ભલે ચવાઈને ચુથ્થો કરી નાખવામાં આવ્યું હોય, પણ જીવનનું આ એક મોટું સત્ય છે. વધારે સ્ટોરી કહેવાશો તો સ્પોઇલર જેવું લાગશે, પણ એટલું સમજી લો કે પ્રતીક જોબ છોડીને પોતાના કૂકિંગના પેશનને ફોલો કરે છે. એ દીક્ષાને કહે છે કે, તું મને કેમ જૉઈન કરતી નથી. આપણે મારાં કામને એક સ્ટાર્ટ-અપને જેમ ટ્રીટ કરીએ. રાંધવાનું કામ મારું, તું (ઝોમેટો કે સ્વિગી ટાઇપની) મોબાઇલ એપ બનાવ, ટેક્નિકલ સપોર્ટ સંભાળી લે. આપણે ઇન્વેસ્ટર લાવીશું, કામ વધારતા જઈશું. પછી શું થાય છે એ તમારે જાતે જોઈ લેવાનું. 



આ ફિલ્મની મજા એ છે કે અહીં કોઈ ખોટો ડ્રામા નથી, હલ્લા-ગુલ્લા નથી, જીવાતાં જીવનની જેમ સહજપણે ઘટનાઓ બનતી જાય છે. કૉન્ફ્લિક્ટ (ટકરાવ)નો કોઈ દુરાગ્રહ નથી. અલબત્ત, પાત્રો અને પિરિસ્થિતિઓ વચ્ચે ઘર્ષણ જરૂર થાય છે, પણ એ જરાય ફિલ્મી નથી, રિઅલિસ્ટિક છે. સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે આ ફિલ્મ કોઈ બીબાંઢાળ પૅટર્નને ફૉલો કરતી નથી. આપણા ટિપિકલ દિમાગને થાય કે જોજે, હમણાં છેને પ્રતીક અને દીક્ષા વચ્ચે અફેર શરુ થઈ જશે, હીરો ડિવોર્સ લઈ લેશે, હિરોઇન સગાઈ તોડી નાખશે, પછી બન્ને પરણી જશે. આમાંથી શું શું હકીકતમાં થાય છે? તમે જોઈ લેજો. ફિલ્મમાં સ્ટાર્ટ-અપ અને આઇટીનો માહોલ તેમજ પરિભાષા બહુ જ ઑથેન્ટિક રીતે ઊપસ્યાં છે. ફિલ્મનો આ બીજો બહુ જ સ્ટ્રોન્ગ પ્લસ પૉઇન્ટ છે. સિદ્ધ્રાર્થ ભાવસારે કંપોઝ કરેલાં ગીતો પણ  સરસ છે.

ધૂનકી’ આશ્ચર્ય થાય એટલી સરળ, અન્ડર-સ્ટેટેડ અને છતાંય મજાની ફિલ્મ છે. એને તમે નિશ એટલે કે ચોક્કસ પ્રકારનો ટેસ્ટ ડેવલપ કરી ચુકેલા પ્રેક્ષકોને જ અપીલ કરી શકે એવી ફિલ્મ પણ કહી શકો. સાધારણ દર્શકને તે બહુ ધીમી અને સપાટ લાગી શકે છે. ‘ધૂનકી’ બૉક્સઑફિસ પર ધૂમ મચાવી શકી નથી એનું આ સૌથી મોટું કારણ છે, પણ જો તમને તાજગીભરી, રિઅલિસ્ટિક અબર્ન ગુજરાતી ફિલ્મ જોવામાં રસ હોય તો ‘ધૂનકી’ તમને જરૂર ગમશે.

રસ તો ’47 ધનસુખ ભવન’ જોવામાં પણ હતો. ખાસ તો એટલા માટે કે તે હૉલિવુડની અફલાતૂન ઑસ્કરવિનિંગ ‘બર્ડમેન’ની માફક આ ફિલ્મને પણ સિંગલ-શોટ ફૉર્મેટમાં શૂટ કરવામાં આવી છે. સિંગલ-શોટ એટલે આપણે રિઅલ ટાઇમમાં ઘટનાઓ જોતા હોઈએ એમ એક પણ કટ વગર ફિલ્મ. વાર્તા વહેતી રહે, કેમેરા સતત ઘૂમતો રહે, વચ્ચે ક્યાંય કટ ન આવે. (અસલી શૂટિંગ વખતે જોકે આખી ફિલ્મને બાર-પંદર શોટ્સમાં વિભાજિત કરી દેવામાં આવી હોય છે.) રાઇટર-ડિરેક્ટર નૈતિક રાવલે અહીં એક સાઇકોલોજિક હૉરર થ્રિલર બનાવવાની કોશિશ કરી છે. તકલીફ એ છે કે આ ફિલ્મ માત્ર એક કોશિશ બનીને રહી ગઈ છે.


કોઈ લેખક વાર્તા લખે ત્યારે પરફેક્શન લાવવા માટે, ધારી અસર ઊપસાવવા માટે એણે રી-રાઇટિંગ કરવું પડે, ચાર-પાંચ ડ્રાફ્ટ તૈયાર કરવા પડે. લેખક તમને વર્ક-ઇન-પ્રોગ્રેસ જેવો પહેલો જ ડ્રાફ્ટ વાંચવા આપે તો વાર્તા તદ્દન કાચી લાગે. આપણને મંચ પર નાટક જોવામાં રસ હોય, ઘરના ડ્રોઇંગરૂમમાં થતા નાટકના રિહર્સલનો વિડીયો જોવામાં નહીં.

’47 ધનસુખ ભવન’ના આ હોમ-વિડીયો જેવા થયા છે. આ ફિલ્મ તમને સતત પહેલા કાચા ડ્રાફ્ટ જેવી લાગ્યા કરે છે. તમને ડિરેક્ટર અને એક્ટરો (ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ, શ્યામ નાયર) શું સિદ્ધ કરવા માગે છે તે સમજાય છે, પણ ફિલ્મ એ સ્તર સુધી પહોંચે એ પહેલાં જ ઊંધે માથે પછડાય છે. ઑડિયન્સને બોર કરવા જેવું પાપ બીજું એકેય નથી. આ ફિલ્મ તમારી ધીરજની કપરી કસોટી કરે છે. અંત આવે ત્યાં સુધીમાં વાર્તા એટલી ચૂંથાય જાય છે કે વાત ન પૂછો. એની વે, નૈતિક રાવલના કશુંક નવું કરવાના જુસ્સાને અને જોખમ ઉઠાવવાની હિંમતને ફુલ માર્ક્સ, પણ કાચી રહી ગયેલી વાનગી જેવી એમની ફિલ્મને પાંચમાંથી દોઢ સ્ટાર.

0 0 0 


Friday, September 27, 2019

કામ અશક્ય લાગે છે? તો તો કરવું જ પડશે!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 Sept 2019 બુધવાર
ટેક ઓફ 
હું ડિપ્રેસ્ડ કે વ્યથિત હોઉં એનો મતલબ એ થયો કે મારી ભીતર કશુંક સમારકામ ચાલી રહ્યું છે.

મારું સંતાન એક વર્ષ કરતાં વધારે નહીં જીવે.
ડૉક્ટર તરફથી આવું વાક્ય સાંભળવું પડે ત્યારે મા-બાપની છાતી ફાટી પડે. દિલ્હીવાસી અદિતી ચૌધરી અને નરેન ચૌધરીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ પણ હચમચી ગયાં હતાં. પહેલાં ખોળાની દીકરીને તેઓ ખોઈ ચુક્યાં હતાં. આ બીજી દીકરી આયેશા હતી અને વિધાતા એની હથેળીમાં પણ લાંબી આયુષ્યરેખા દોરવાનું ભુલી ગયા હતા. આયેશાને સિવીયર ઇન્યુનો-ડેફિસીયન્સી નામનો ડિસઑર્ડર હતો. આ બીમારીનો શિકાર બનેલાં બાળકની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ હોય. સાવ સાદી બીમારીમાં પણ એમનું મોત થઈ શકે. જો આયેશાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો જ પરિસ્થિતિમાં થોડોઘણો ફર્ક પડી શકે એમ હતો. આ ટ્રીટમેન્ટ માટે ખર્ચ દોઢ લાખ પાઉન્ડ (આજના હિસાબે એક કરોડ 33 લાખ રૂપિયા કરતાંય વધારે) ખર્ચ કરવો પડે એમ હતો. ચૌધરી દંપતીના બેન્કખાતામાં તે વખતે બધું મળીને પોણાબે લાખ રૂપિયા માંડ હતાં. છતાંય પતિ-પત્ની દીકરીને લંડન લઈ ગયાં. ત્યાં રેડિયો પર સ્થાનિક લોકોને યથાશક્તિ આર્થિક મદદ કરવા અપીલ કરી. જાણે ચમત્કાર થયો. અજાણ્યા દેશના અજાણ્યા લોકોએ જોતજોતામાં એમની ઝોળી છલકાવી નાખી. મેચિંગ બોનમેરો ન મળ્યો એટલે પિતાનો મિસમેચ્ડ બોનમેરો દીકરીનાં શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. આયેશા જીવી ગઈ.
દુર્ભાગ્યને હજુ સંતોષ નહોતો થયો. આયેશા તેર વર્ષની થઈ ત્યારે એને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીજી ગંભીર બીમારી લાગુ પડી. આ રોગમાં માણસના ફેંફસાં કઠણ થવા માંડે, એની કાર્યશક્તિ તદ્દન ઘટી જાય. આયેશા વ્હીલચેર સાથે બંધાઈ ગઈ, પણ ગજબ હતી આ છોકરી. એણે પોતાનો જીવનરસ સૂકાવા ન દીધો. એ ઝઝૂમતી રહી. પંદરમા વર્ષે, કે જ્યારે એનાથી પૂરાં બે વાક્ય પણ બોલી શકાતાં નહોતાં, ત્યારે ઇન્ક નામના પ્લેટફૉર્મ પર એણે જાહેરમાં લાંબું પ્રવચન આપ્યું. પછી તો વિશ્વવિખ્યાત ટેડ ટોક્સમાં પણ એને આમંત્રણ આપવામાં આવ્યું. ક્રમશઃ મોટિવેશનલ સ્પીકર તરીકે એની શાખ બંધાઈ.
એક દિવસ આયેશાની મમ્મીએ એને ડાયરી આપીને કહ્યુઃ હ્યુ પ્રેધર નામના અમેરિકન લેખકે નોટ્સ ટુ માયસેલ્ફ નામનું અદભુત પુસ્તક લખ્યું છે એમ તું પણ તારા વિચારો આ ડાયરીમાં નોંધતી જા. આયેશાએ લખવા માંડ્યું. આમેય એનો એટિટયુડ હંમેશાં આ જ રહ્યો હતોઃ શું આ કામ મને અશક્ય લાગે છે? તો તો એ કરવું જ પડશે! આયેશાના લખાણને પુસ્તકનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 2015માં અઢાર વર્ષની આયેશાના હાથમાં તાજું છપાઈને આવેલું એનું માય લિટલ એપિફનીઝ (મારાં નાનકડાં સત્યો) પુસ્તક મુકવામાં આવ્યું ત્યારે એની આંખો કામ કરતી બંધ થઈ ગઈ હતી. એ ખુદનાં પુસ્તક પર માત્ર એક વાર હાથ ફેરવી શકી. થોડા કલાકો પછી એ મૃત્યુ પામી.
    
ભયાનક શારીરિક-માનસિક પીડા હોના છતાં આયેશા પોતાનું અઢાર વર્ષનું જીવન એક ઉત્સવની જેમ જીવી ગઈ. એના જીવન અને મૃત્યુને કેન્દ્રમાં રાખીને ધ સ્કાય ઇઝ પિન્ક નામની હિન્દી ફિલ્મ પણ બની છે, જે આવતા મહિને રિલીઝ થશે. આયેશાનાં નાનકડાં અંગ્રેજી પુસ્તકમાં સળંગ લખાણ નથી, પણ છૂટીછવાઈ વિચારકણિકાઓ છે. પુસ્તકના નોંધાયેલાં કેટલાક દમદાર વિચારબિંદુઓ અહીં પ્રસ્તુત છે. ઓવર ટુ આયેશા ચૌધરી...   
આપણા સૌમાં એક વસ્તુ નિશ્ચિતપણે કોમન છે અને એ છે, મૃત્યુ.
- ડેથ (ડી-ઈ-એ-ટી-એચ) એટલે ડ્રોપ એવરીથિંગ એન્ડ ટ્રસ્ટ હિમ (હિમ એટલે ઈશ્વર).
- મારી ગંભીર બીમારીએ મને નાની નાની વસ્તુઓની કદર કરતાં શીખવી દીધું છે. મારી આંખો સાબૂત છે કે જેના થકી હું લીલાં વૃક્ષો જોઈ શકું છું. મારું નાક સાબૂત છે કે જેના લીધે હું વરસાદ અટકી ગયા પછી હવામાં અનુભવાતો ભેજ સૂંઘી શકું છું. મારા કાન સાબૂત છે કે જેના દ્વારા હું મારી માનું હાસ્ય સાંભળી શકું છું. મારી જીભ અને હોઠ સાબૂત છે કે જેના લીધે હું મારા પ્રિયજનો સાથે વાત કરી શકું છું. મારા હાથ સાબૂત છે કે જેના વડે હું ઇચ્છા થાય ત્યારે ચિત્રો બનાવી શકું છું. મારા પગ સાબૂત છે કે જેના કારણે હું હજુ ધરતી પર ચાલી શકું છું. મારે સતત યાદ રાખવું જોઈએ કે, આઇ એમ બ્લેસ્ડ. મારા પર ઈશ્વરના આર્શીવાદ ઉતર્યા છે.  
- ચાલો જીવીએ અને પ્રેમ કરીએ... કોઈ અફસોસ વિના.
- બીજા એવા કેટલાય લોકો હશે જે મારા કરતાંય ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યા હશે, પણ આપણે આપણી જાતમાં જ એટલા ગૂંચવાયેલા રહીએ છીએ. તેના લીધે આપણને ફ્કત ખુદની જ કઠણાઈઓ દેખાય છે ને કાયમ દુખી દુખી જ રહીએ છીએ.
- આટલી બધી લાગણીઓની જરૂર હોય છે ખરી?
- હું ડિપ્રેસ્ડ કે વ્યથિત હોઉં એનો મતલબ એ થયો કે મારી ભીતર કશુંક સમારકામ ચાલી રહ્યું છે.
બીજા લોકો બચી જાય તે માટે આપણે રક્તદાન કરીએ છીએ. મને એ સમજાતું નથી કે જો બીજાઓનો જીવ બચાવવા કે એમનું દરદ ઓછું કરવા આપણે ખુદનું લોહી સુધ્ધાં આપી શકતા હોઈએ તો દુનિયામાં આટલી બધી નફરત શા માટે છે!
- મને લાગે છે કે રાત્રે પથારીમાં પડીને સૂવા માટે આંખો બંધ કરીએ એ ક્ષણે આપણે સૌથી સાચુકલા, સૌથી જેન્યુઇન હોઈએ છીએ.  
- કહે છે કે બીજાઓને પ્રેમ કરતાં પહેલાં પોતાની જાતને પ્રેમ કરો. સાથે સાથે એવું ય કહેવાય છે કે સ્વાર્થી ન બનો. તો કરવાનું શું!



- આપણે જેને ચાહતા હોઈએ એને ક્યારેક એટલાં ઊંચા આસન પર શા માટે બેસાડી દઈએ છીએ કે એમના સુધી પહોંચી જ ન શકાય!
- ઉદાસીનો ઉપાય છે, પ્રિયજનો સાથેનું સંધાન. જો આ સંધાન નહીં રહે તો સમજવાનું કે જમે જિંદગીની બાજી હારી રહ્યા છો.
- જ્યારે તમારાં સુખની લગામ બીજી કોઈ વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે સમજી લો કે તમારી વાટ લાગી ગઈ છે. સતર્ક થઈ જાઓ, તમારી જાતને સંભાળી લો.
- ક્યારેક મને કોઈકની સાથે વાતચીત કરવાની ઇચ્છા એટલા માટે થાય છે મારે સામેની વ્યક્તિનો નહીં, પણ મારો પોતાનો અવાજ સાંભળવો હોય છે.
- જો  તમને લાગતું હોય કે બધું ઠપ્પ થઈ ગયું છે તો એનો એક જ ઉપાય છે – સમય. થોડો સમય જવા દો, બધું ઠીક થવા માંડશે.
- નીચે ગયા વગર તમે ઉપર જઈ શકાતું નથી.
- મારે એટલાં પારદર્શક પણ નથી બનવું કે જેથી કે તમે મારાં મનમાં ચાલતા વિચારો વાંચી લો. સાથે સાથે મારે એવા પણ બનવું નથી કે જેથી હું કૃત્રિમ દેખાઉં. આ બન્નેની વચ્ચેની કોઈ સ્થિતિ છે ખરી?
- ક્યારેક મને કોઈના પ્રત્યે નેગેટિવિ ફીલિંગ જાગે તો એને માફ કરી દેવાને બદલે કે જતું કરવાને બદલે હું એ નકારાત્મક લાગણીને વળગી રહેવામાં વધારે આનંદ અનુભવું છું. નકારાત્મક લાગણીને વળગી રહેવાથી જાણે એક વિચિત્ર પ્રકારના પાવરનો અનુભવ થાય છે, જાણે સામેની વ્યક્તિ કરતાં આપણો હાથ ઊંચો હોય એવું આપણને લાગે છે. આ એક પ્રકારની જાળ છે. એમાં સપડાઈ જવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.
- ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી એવું કહેવાય છે, પણ આ કહેવત માત્ર એ લોકો પૂરતી સાચી છે જેમનામાં તમારી પ્રામાણિકતા સહન કરી શકવાની તાકાત હોય,
- મારા વિચારો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા છે. મને હવે ખરેખર એમની સાથે બનતું નથી!
- જો તમે ખુદની જિંદગી બદલી શકો એમ ન હો તો પણ બીજાઓની જિંદગી તો બદલી જ શકો છો.
- તમને બધી જ હકીકતો અને વિગતોની જાણ હોય એને કારણે પરિસ્થિતિ કંઈ આસાન બની જતી નથી.
- આરોહણ કરવા માટે ઊંચામાં ઊંચું શિખર પસંદ કરો. ખિલખિલાટ હસવા માટે, પ્રકાશિત થઈને લોકો પર છવાઈ જવા માટે ઉદાસમાં ઉદાસ દિવસ પસંદ કરો.  
- કેટલાક શબ્દો સોના કરતાંય વધારે મૂલ્યવાન છે. એ બોલવામાં સંકોચ ન અનુભવો. કહો કે આઇ એમ સોરી. કહો કે હું તને માફ કરું છું. કહો કે થેન્ક યુ. કહો કે તમારું સ્વાગત છે. કહો કે આઇ લવ યુ. કહો કે આઇ લવ યુ ટુ.
...લોંગ લિવ આયેશા!
0 0 0  

Thursday, September 19, 2019

હંસતે હંસત કટ જાએ રસ્તે


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 15  સપ્ટેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
મને લાગ્યું કે જાણે મારો ઈશાન ઉપર બેઠો બેઠો મને આર્શીવાદ આપી રહ્યો છે. મારા દીકરાના મૃત્યુની પીડાને મેં મારી તાકાત બનાવી.  


યા શુક્રવારે વિગતવાર નોંધ લેવાનું મન થાય એવી ફિલ્મ આવી - ધ સ્કાય ઇઝ પિન્ક. અહીં ફિલ્મ આવી એટલે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું, એમ. આપણે ત્યાં વિધિવત આ ફિલ્મ 11 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ટાઇટલ અંગ્રેજી છે, પણ ફિલ્મ છે હિન્દીમાં.

ફિલ્મ જોયા વગર એના વિશે લખવું હંમેશાં જોખમી હોય છે, પણ જો ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ભૂતકાળમાં તગડું કામ કરી ચુકી હોય અને એમના બાયોડેટામાં દમદાર ફિલ્મો બોલતી હોય તો આ જોખમ ઉઠાવવા જેવું ખરું. ધ સ્કાય ઇઝ પિન્કમાં ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપડા, દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર ફેમ ઝાયરા વસિમ અને નવોદિત રોહિત સરાફ મુખ્ય કલાકારો છે. શોનાલી બોઝે આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. જુહી ચતુર્વેદી સહલેખિકા છે. શોનાલી બોઝના નામે રાઇટર-ડિરેક્ટર તરીકે બીજી બે ફિલ્મો બોલે છે - અમુ (2005) અને માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ (2015), આ સિવાય એમણે ચિત્તાગોંગ (2012) નામની ફિલ્મ ફક્ત લખી છે. અમુને નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે. જો તમે માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ જેવી અત્યંત સંવેદનશીલ અને ખાસ્સી બોલ્ડ ફિલ્મ જોઈ હશે તો સેરિબ્રલ પૉલ્સીનો ભોગ બનેલી વ્હીલચેરબદ્ધ યુવતીના રોલમાં કલ્કિ કોચલીનનો અભિનય ભુલી શક્યા નહીં હો.

માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ માટે શોનાલીની કઝિન સિસ્ટર માલિની પ્રેરણારૂપ બની હતી. માલિની સેરિબ્રલ પૉલ્સીનો શિકાર છે. ધ સ્કાય ઇઝ પિંકમાં પણ એક બિમારીની વાત છે અને તે પણ આયેશા ચૌધરી નામની અસલી વ્યક્તિના જીવન પર આધારિત છે. દિલ્હીવાસી આયેશા (જન્મઃ 1996, મૃત્યુઃ 2015) છ મહિનાની થઈ ત્યારે ખબર પડી કે એને સિવીયર ઇન્યુનો-ડેફિસીયન્સી (એસસીઆઇડી) નામનો ડિસઑર્ડર છે. આ બીમારીનો શિકાર બનેલાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ અત્યંત ક્ષીણ હોય. શરદી જેવી સાદી બીમારીમાં પણ એમનું મોત થઈ શકે. ઇંગ્લેન્ડમાં આયેશાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. એને કારણે એ જીવી તો ગઈ, પણ હંમેશ માટે સાજી સારી ન થઈ. 2010માં એને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીજી બીમારી લાગુ પડી. એ રોગના પેશન્ટનાં ફેંફસા વ્યવસ્થિત કામ ન કરી શકે. માણસ ચાર પગથિયાં ચડે તો પણ હાંફી જાય. મજાની વાત એ હતી કે આટઆટલી તકલીફો હોવા છતાં આયેશાનો જિંદગી જીવવાનો જુસ્સો ઢીલો પડતો ન હતો. પંદર વર્ષની ઉંમરે એણે ઇન્ક નામના પ્રતિષ્ઠિત પ્લેટફૉર્મ પર પહેલી વાર મોટિવેશનલ સ્પીચ આપી. એ સતત હસતી રહી, લડતી રહી, જુદી જુદી સભાઓમાં લોકોને પાનો ચડે જાય એવાં પ્રેરણાદાયી વકતવ્યો આપતી રહી. એણે ખુદના સંઘર્ષોને વર્ણવતું માય લિટલ એપિફનીઝ (એટલે કે મારાં નાનાકડાં સત્યો અથવા મારી નાનકડી આત્માનુભૂતિઓ) નામનું પુસ્તક પણ લખ્યું. દુર્ભાગ્યે, પુસ્તક છપાઈને હાથમાં આવે એની થોડી જ કલાકો પહેલાં જ આયેશાનું મૃત્યુ થયું.

Shonali Bose

શોનાલી બોઝને આયેશાની કથા સ્પર્શી જવાનું એક મજબૂત કારણ હતું. એમણે સ્વયં મૃત્યુને ખૂબ નજીકથી નિહાળ્યું છે. પોતાના સોળ વર્ષના સગા દીકરા ઈશાનનું મૃત્યુ. એ ઇલેક્ટ્રિક રેઝરથી શેવિંગ કરી રહ્યો હતો ત્યારે વીજળીનો જબરદસ્ત કરંટ લાગ્યો ને એ મૃત્યુ પામ્યો. શોનાલી એ અરસામાં માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ લખવાનું વિચારી રહ્યાં હતાં. એક વિડીયો ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, મને ઈશાનના મૃત્યુના આઘાતમાંથી બહાર આવતાં નવ મહિના લાગ્યા. ઈશાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. મને ડર હતો કે આ દિવસે મારી શી હાલત થશે, પણ મેં નક્કી કર્યું હતું કે હું રડીશ નહીં. મારા ઈશાનનો જન્મ થયો એ તો અત્યંત શુભ દિવસ હતો ને હું એના બર્થડે પર ખુશ રહીશ. એવું જ થયું. હું ધરાર મોઢું હસતી રાખતી હતી કે પરાણે ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી એમ નહીં, પણ એ દિવસે સવારથી જ મારી અંદર સહજપણે આનંદના ઝરણાં ફૂટી રહ્યાં હતાં. જાણે કે મારો ઈશાન ઉપર બેઠો બેઠો મને આર્શીવાદ આપી રહ્યો હતો. મારા દીકરાના મૃત્યુની પીડાને મેં મારી તાકાત બનાવી. મેં લખવાનું શરૂ કર્યું. ત્રીસ જ દિવસમાં મેં માર્ગારિટા વિથ અ સ્ટ્રૉની સ્ક્રિપ્ટ લખી નાખી.

ધ સ્કાય ઇઝ પિન્કના રિસર્ચ માટે શોનાલી બોઝ પહેલી વાર આયેશાની મમ્મીને મળ્યાં ત્યારે ઘણી બધી વાતો થઈ. આયેશાને એક ભાઈ છે. એનું નામ છે, ઈશાન. આ કેવો અજબ યોગાનુયોગ. મને એવું જ લાગ્યું કે જાણે મારો દીકરો પણ પણ ઇચ્છે છે કે આ ફિલ્મ બને, શોનાલી કહે છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. લગભગ આઠ મહિના સુધી ટુકડાઓમાં કામ ચાલતું રહ્યું. શૂટિંગ દરમિયાન એક દિવસ અજબ ઘટના બની. એક અસલી હોસ્પિટલમાં અમુક દશ્યો ફિલ્માવાનાં હતાં. હોસ્પિટલમાં ડિસઇન્ફેક્ટન્ટની ચોક્કસ પ્રકારની વાસ આવ્યા કરતી હોય છે. ગંધ સાથે સ્મૃતિઓ પણ સંકળાયેલી હોય છે. હોસ્પિટલનો માહોલ અને પેલી લાક્ષાણિક ગંધને કારણે શોનાલી બોઝની ભીતર દીકરાનું કોઈક એવું સ્મરણ ટ્રિગર થઈ ગયું કે તેઓ ચાલુ શૂટિંગે, સો-સવાસો લોકોના યુનિટની વચ્ચે એકાએક હૈયાફાટ રડી પડ્યાં. શોનાલી કહે છે, હું દોડીને કોઈ ખૂણામાં કે બાથરૂમમાં ન જતી રહી, હું મારી ચેર પર જ બેઠી રહી ને ખૂબ રડી. પછી હું મારી ટીમના એકેએક સભ્યને ભેટી. સૌને સમજાવ્યું કે મારી અંદર શું ચાલતું હતું. મેં એમને એમ પણ કહ્યું કે શૂટિંગની પ્રોસેસ દરમિયાન મને આવો ઊભરો ફરી પાછો આવે ને હું ફરીથી આ જ રીતે રડી પડું એવુંય બને, બટ ઇટ્સ ઓકે. આવું થાય ત્યારે મારે કે તમારે ઑકવર્ડ ફીલ કરવાની બિલકુલ જરૂર નથી. આ પ્રસંગ પછી આખા યુનિટ સાથે મારો સંબંધ વધારે ઘનિષ્ઠ બની ગયો.     



ફિલ્મમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરે આયેશાનાં મમ્મી- પપ્પાનો રોલ કર્યો છે. સહેજે સવાલ થાય કે જો આખી ફિલ્મ આયેશા (એટલે ઝાયરા વસિમ)ની આસપાસ ઘુમરાતી હોય તો પ્રિયંકા અને ફરહાન જેવાં એ-ગ્રેડ એક્ટર્સ શા માટે તેમાં કામ કરવા તૈયાર થાય? આનો જવાબ ફિલ્મની સ્ક્રિપ્ટમાં છે. ફિલ્મમાં પ્રિયંકા અને ફરહાનનાં 25 વર્ષના સંબંધને મૃત્યુની ધાર પર ઊભેલી દીકરીના દષ્ટિકોણથી જોવામાં આવ્યો છે. આ રોતલ સ્ક્રિપ્ટ નથી, બલ્કે એમાં જીવનને ઉત્સવને જેમ જીવવાની વાત થઈ છે. 

ફિલ્મ ખરેખર પ્રોમિસિંગ છે, નહીં? 
       
0 0 0



Tuesday, September 17, 2019

કલા, ક્રિયેટિવિટી અને કરિયાણું


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 18 Sept 2019 બુધવાર 
ટેક ઓફ 
લેખક, અદાકાર, ચિત્રકાર કે કોઈ પણ કલાકાર હોવું તે વાત છે, પણ એને કારણે તમે કંઈ આપોઆપ બીજાઓથી ચડિયાતા બની જતા નથી.

હું તો ક્રિયેટિવ માણસ છું. મારે કલાની ઉપાસના કરવાની હોય. જો કલાકાર બન્યા પછી પણ મારે જો આવું જ બધું કરવાનું હોય તો એના કરતાં મેં કરિયાણાની દુકાન ન ખોલી નાખી હોત!’
આ પ્રકારના વાક્યપ્રયોગો આપણે વાતચીત, વકતવ્ય કે લખાણમાં ઘણી વાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. આપણને થઈ શકે કે વાહ, જો તો! આ માણસને પોતાની કલા માટે કેટલું પૅશન છે. આપણે કદાચ એ જોતાં નથી કે એણે પોતાની કલાના વખાણ કરવાની સાથે સાથે કરિયાણાના વેપારીને તુચ્છ ગણી નાખ્યો છે. મારી કલા ઊંચી, કરિયાણાની દુકાન નીચી. મારી ક્રિયટિવિટી મહાન, કરિયાણાના વેપારી હોવું  નિમ્ન કક્ષાનું કામ. કેમ ભાઈ, કરિયાણાની દુકાન સામે તને શો વાંધો છે? કરિયાણાનો વેપારી આખો દિવસ મહેનત કરે છે, કાયદાને અનુસરે છે, ટેક્સ ભરે છે, પોતેય કમાય છે અને દુકાનમાં બે-ચાર જણાને કામ પર રાખીને એમને ય પગાર આપે છે. તું તારી કલામાં માહેર હો તો અભિનંદન, ઓલ ધ બેસ્ટ, પણ કરિયાણાની દુકાન ચલાવવી એ ઊતરતી કક્ષાનું કામ છે એવું તું શું કામ માને છે અને શા માટે બીજાઓની સામે એવું પ્રસ્થાપિત કરવા માગે છે?
અહીં કરિયાણાની દુકાન ન ખોલી નાખી હોતની જગ્યાએ એના કરતાં હું કારકૂન ન બની ગયો હોત, એના કરતાં હું સરકારી નોકરી ન કરતો હોત પણ હોઈ શકે. કારકૂન હોવું, સરકારી નોકરી કરવી એ શું શરમની વાત છે? તમે લેખક કે કવિ હો, ચિત્રકાર હો, એક્ટર-ડિરેક્ટર હો, ગાયક હો કે એવું કંઈ પણ હો તે સારી વાત છે. પ્રતિભાવાન હોવું, કલાકાર હોવું, સરસ્વતીની કૃપા હોવી એ સારું જ છે, પણ એને કારણે તમે કંઈ આપોઆપ બીજાઓથી ચડિયાતા બની જતા નથી. દરેક કામ મહત્ત્વનું છે, દરેક ક્ષેત્રનું પોતાનું ગૌરવ છે. હું આર્ટિસ્ટ છું એટલે હું નાઇન-ટુ-ફાઇવની નોકરી કરનાર વ્યક્તિ કરતાં કે દુકાન ખોલીને બેઠેલા વેપારી કરતાં સુપિરીયર છું એવું કોણે કહ્યું? પોતાને કલાકાર કે ક્રિયેટિવ ગણાવીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો માણસ અસલિયતમાં કામચોર અને માણસ તરીકે તદ્દન વાહિયાત કે નઠારો હોઈ શકે છે.   
નાનપણથી અમુક બાબતો આપણાં દિમાગમાં એવી જડાઈ ગઈ છે કે એક વ્યક્તિ અથવા ક્ષેત્રની તરફેણમાં પ્રશંસાત્મક સૂરે બોલતી-સાંભળતી વખતે સૂક્ષ્મ રીતે અન્ય કોઈકનો અનાદર થઈ રહ્યો છે એવું આપણે નોંધતા પણ નથી. આ પ્રકારની અભિવ્યક્તિ પ્રત્યે સભાન બનવું પડશે. એક જોક ખૂબ પ્રચલિત છે. પિતા-પુત્ર વચ્ચે સંવાદ ચાલે છેઃ જો બેટા, તું જો બારમા ધોરણમાં સારા ટકા લઈ આવીશ તો બાઇક લઈ આપીશ. દીકરો કહે છે, સારા માર્ક્સ ન આવ્યા તો?’ પિતાશ્રી કહે છે, તો રિક્ષા.      
આ જોક કહેતી કે સાંભળતી વખતે આપણે હસીએ છીએ, પણ એવું વિચારતા નથી કે આ મજાકમાં આડકતરી રીતે રિક્ષાચાલકનું અપમાન થઈ રહ્યું છે. રિક્ષાચાલક એક શ્રમજીવી માણસ છે. શ્રમ કરીને પોતાનું ને પોતાના પરિવારનું પેટ ભરતી કોઈ પણ વ્યક્તિ માટે કેવળ સન્માન જ હોય.
શબ્દોમાં ખૂબ શક્તિ છે. એને કાળજીપૂર્વક વાપરવા જોઈએ. સવારે અમુક નિશ્ચિચ સમયે ડોરબેલ વાગે એટલે કિચનમાંથી મમ્મી બૂમ પાડે, રાજુ, કચરાની ટોપલી બહાર મૂક તો. કચરાવાળાં બહેન આવ્યાં લાગે છે. કચરાવાળાં બહેન? કચરો તમે કર્યો છે, કચરાવાળાં તમે છો. આ જે બહેન આવ્યાં છે એ કચરાવાળાં નહીં પણ સફાઈવાળાં બહેન છે. સફાઈ કામદાર એ સરસ શબ્દપ્રયોગ છે અને એ જ વપરાવો જોઈએ. ફ્લાઇટમાં ખાવાનું સર્વ થઈ ગયા પછી એરહોસ્ટેસ મોટો કોથળો લઈને ટ્રેશ પ્લીઝ... ટ્રેશ પ્લીઝ કરતી પસાર થાય છે, જેમાં આપણે ખાલી બોક્સ, કાગળનાં ગ્લાસ, વપરાયેલા ટિશ્યુ પેપર જેવી નકામી ચીજો નાખીએ છીએ. તમે જેને કચરાવાળાં બહેન કહો છો એ મહિલા એક્ઝેક્ટલી આ જ કામ તમારી બિલ્ડિંગના એકેએક ઘરે જઈને કરે છે.

કોઈ કામ નાનું નથી કે હલકું નથી. કામ, કામ છે. આપણે હજુય કામમાં ખૂબ ઊંચ-નીચ જોઈએ છીએ. પશ્ચિમમાં ટોઇલેટ સાફ કરવા આવતા જેનિટરને નીચી નજરે જોવામાં આવતો નથી. જેનિટર અને સવારે જેનું ઘર સાફ કર્યા હોય એ ઘરનો માલિક સાંજે બારમાં ચિયર્સ... કહીને સમકક્ષની જેમ બિયર પી શકે છે. કામની આભડછેટ આપણે હજુય દૂર કરી શક્યા નથી.
કહેવતો અને રુઢપ્રયોગોની દુનિયા ઘણીવાર ક્રૂર બની જાય છે. સમયની સાથે એમાં સરવાળા-બાદબાકી થતાં રહેવા જોઈએ. હરિજન અને વાલ્મીકિ સમાજ માટે વપરાતાં મૂળ અપમાનજનક શબ્દ હવે આપણે ત્યાં જાહેરમાં લખી-બોલી શકાતા નથી એ સારી વાત છે. આપણી કહેવતો અને રુઢિપ્રયોગોએ જ્ઞાતિઓને હડફેટમાં લઈ લીધી છે એનું કારણ જૂના જમાનાની વર્ણવ્યવસ્થા છે. કોઈ વ્યક્તિ વાહિયાત કે મૂરખ જેવું વર્તન કરે તો એના માટે સાવ હજામ જેવો છે એવો પ્રયોગ થાય છે, જે વ્યક્તિગત બોલચાલમાં પણ બંધ થઈ જવો જોઈએ જોઈએ. કેશકર્તન કરવું એ હલકું કામ નથી. એ મહેનત અને આવડતનું કામ છે. ફૂવડ દેખાતી સ્ત્રી માટે ગાંગલી ઘાંચણ જેવો અપમાનજનક શબ્દ વપરાય છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી કહેવતમાં સ્પષ્ટ વર્ગભેદ છે. આમાં તેલ કાઢવાનું કામ કરનાર તેલીને નીચી નજરે જોવાયો છે. વાસ્તવમાં મૂળ કહેવત આવી છેઃ ક્યાં રાજા જ અને ક્યાં ગાંગેય અને તેલંગણ?’ માળવાના રાજા ભોજે ચેદીદેશના રાજા ગાંગેય અને તેલંગણાના રાજા આ બન્નેને હરાવીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. એના કારણે આ તુલનાત્મક કહેવત બની, જે કાળક્રમે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી બની ગઈ.  
આખેઆખા શહેર, પ્રાંત કે જ્ઞાતિને કોઈ ગુણાવગુણ કે લાક્ષાણિકતાના આધારે શી રીતે ડિફાઇન કરી નાખવામાં આવતા હશે તે સમજાતું નથી. અમદાવાદી હરામજાદી જેવો તદ્દન હીન કક્ષાનો શબ્દપ્રયોગ આજે પણ બોલચાલમાં થતો રહે છે. કાઠિયાવાડીને કહેવાતું હોય છે કે, જેટલા તારી પાઘડીમાં આંટા એટલા તારા પેટમાં આંટા. અર્થાત કાઠિયાવાડીઓ કુટિલ હોય છે, એના પેટમાં પાપ હોય છે. આ પ્રકારની જનરલાઇઝ્ડ અને આપત્તિજનક કહેવતો, પ્રયોગો અને માનસિકતાથી દૂર જ રહેવાનું હોય. 
મનુષ્ય હોવાનો આપણને જબરો ફાંકો છે. આપણને તો પ્રાણીઓને તુચ્છ ગણવામાં કે એમનામાં ય ઊંચ-નીચનો ભેદભાવ કરી નાખવામાં પણ કશો જ વાંધો નથી. આપણા માટે અમુક પ્રાણી પૂજનીય, આદરણીય છે જ્યારે અમુક હલકાં, નકામાં, ફાલતુ. અણસમજુ માણસ માટે સાવ ગઘેડા જેવો છે એવો પ્રયોગ કરતી વખતે આપણે ગધેડાને નિમ્ન કક્ષાએ મૂકી દઈએ છીએ. ગધેડો, ગધેડો છે. એ પણ ગાય કે ઘોડાની માફક કુદરતનું જ સર્જન છે. એનામાં જર્મન શેફર્ડ કૂતરા જેવી બુદ્ધિ ન હોય તો ન હોય. શિયાળને આપણે લુચ્ચું ઘોષિત કરી દીધું છે. કોઈને ગાળ આપવી હોય તો સાલા સુવર બોલવામાં આપણને કશો જ વાંધો નથી. કાદવ પસંદ હોવો એ ભૂંડની ભૂંડસહજ લાક્ષાણિકતા છે. બિલાડી આડે ઉતરે તો દિશા ફેરવી નાખતાં ભવ્ય નરનારીઓ આજે પણ જગતમાં વસે છે. વહુ મરી કે ઉંદરડી મરી બધું સરખું જ એવી એક કહેવત છે. એનો અર્થ એ કે જેમ તુચ્છ ઉંદરડી મરે તો એનું દુખ ન હોય એમ પુત્રવધૂ મૃત્યુ પામે તો એનું દુખ પણ ન હોય. હા, પુત્ર સો વર્ષ જીવવો જોઈએ! આ કહેવતમાં સ્ત્રી અને માદા ઉંદર બન્ને માટે અનાદર છે.
કહેવતો અને રુઢિપ્રયોગો જે-તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક સચ્ચાઈને આધારે ઘડાતાં હોય છે ને પ્રચલિત બનતાં હોય છે. ખોટા સંદર્ભ પ્રસ્થાપિત કરતી કહેવતો અને રુઢિપ્રયોગો ક્રમશઃ દૂર થતાં જવા જોઈએ. નવાં સત્યો અને આધુનિક માનસિકતાને દઢ બનાવવા માટે, કલાકાર અને કરિયાણાના વેપારી વચ્ચેનો કાલ્પનિક વર્ગભેદ દૂર કરવા માટે આ જરૂરી છે!      
 0 0 0 


Wednesday, September 11, 2019

એક અધૂરી પ્રેમકથા


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 11 સપ્ટેમ્બર 2019

ટેક ઓફ
મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે...


મે એમને ચાહી શકો અથવા ધિક્કારી શકો, પણ તમે એમની અવગણના તો ન જ કરી શકો. આ વાક્ય ઘણી હસ્તીઓ માટે સાચી રીતે કે ખોટી રીતે વપરાતું રહે છે. વિખ્યાત અને વિવાદાસ્પદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસેન અથવા એમ. એફ. હુસેન (જન્મઃ 17-9-1915, મૃત્યુઃ 9-6-2011) એક એવી હસ્તી છે, જેમના માટે આ વાક્ય એકદમ બંધ બેસે છે. હુસેનસાહેબને લાંબું જીવવાની ઘણી ખ્વાહિશ હતી. તેઓ લાંબું જીવ્યા પણ ખરા. આવતા મંગળવારે એમની જન્મતિથિ છે. એમ.એમ. હુસેનની ઘણી બાબતો આપણને ખૂંચી છે, વાંધાજનક લાગી છે, પણ આજના લેખનો મુદ્દો એ નથી. એમના ચિત્રકળા કે વ્યવહાર-વર્તણૂકની અણગમતી બાબતો તરફ નજર કર્યા વગર આજે આપણે એમના વ્યક્તિત્ત્વના એક અંગત અને સંવેદનશીલ પાસા વિશે વાત કરવી છે.     

એક વાર મુંબઈના આશિષ નાગપાલ નામના એક આર્ટ ગેલેરીના માલિકે એમને પૂછેલુંઃ ‘હુસેનસા’બ, તમારામાં આટલું બધું જોશ છે, આટલો ઉત્સાહ છે... શું છે તમારા આ એનર્જી રહસ્ય?’ એમ.એફ. હુસેને તરત જવાબ આપ્યો હતોઃ ‘હું દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખું છું!’

હુસેનસાહેબ આખાબોલા માણસ હતા. ‘અન અનફિનિશ્ડ પોટ્રેઈટ ઓફ એમ.એફ. હુસેન’ નામના ઈલા પાલ લિખિત અધિકૃત જીવનકથામાં હુસેનસાહેબે પોતાની કેટલીય નાજુક અને અંગત વાતો બેધડક કરી છે. દર વીસ વર્ષે સ્ત્રી બદલી નાખવાની વાત કરતા હુસેનસાહેબના જીવનમાં આવેલી સૌથી ખાસ સ્ત્રી કોણ હતી? કદાચ, સુરૈયા. ના, અભિનેત્રી સુરૈયા નહીં, હમીદ નામના એમના નાનપણના દોસ્તારની આ જ નામ ધરાવતી નાની બહેન. એમ.એફ. હુસેન પાછળ હજુ સાહેબનું છોગું લાગ્યું નહોતું ત્યારની આ વાત છે. હુસેન ત્યારે સોળ વર્ષના હતા. સુરૈયા માંડ પંદરેક વર્ષની. કદાચ એનાથી પણ નાની. બહુ જ સુંદર હતી એ. બિન્ધાસ્ત પણ એવી જ. હુસેન એના ઘરે ગયા હોય ત્યારે વધારે એ સમય રોકાઈ શકે તે માટે સુરૈયા કોઈને કોઈ કારણ  ઊભું કરતી. જરૂર ન હોય તોય ભાઈનો સંદેશો હુસેનને પહોંચાડવા આવતી. આ બધા પરથી હુસેનને લાગતું કે આપણે પણ સુરૈયાને ગમીએ છીએ તો ખરા જ!

એક વાર હુસેને ખુલ્લા ખેતરમાં બેઠાબેઠા સુરૈયાને એક લાંબોલચ્ચ પ્રેમપત્ર લખી નાખ્યો. ‘પણ આ કાગળમાં મેં એટલી બધી ફિલોસોફી ઠાલવી હતી કે ન પૂછો વાત!’ હુસેનસાહેબ આ કિસ્સો યાદ કરીને પછી હસી પડતા, ‘તેમાં મેં ઉર્દૂ અને પર્શિયન કવિતાઓ ય છાંટી હતી. સુરૈયાને આપતાં પહેલાં આ લેટર મેં હમીદને વંચાવેલો. આવો ભારેખમ પ્રેમપત્ર વાંચીને હમીદ હસી પડેલો. મને કહે, જા, આપી દે સુરૈયાને.’

પણ એમ પ્રેમપત્ર આપવાની હિંમત કેવી રીતે ચાલે? હુસેનને પહેલેથી જ ચિત્રકામ સારું આવડે એટલે સુરૈયાના આખા ઘરના તમામ અરીસા અને કબાટ પર મોર, પોપટ, તળાવ ને એવું બધું ચિતરવામાં ખૂબ સમય પસાર કર્યો પણ સુરૈયાના હાથમાં પેલો કાગળ ન જ મૂકી શક્યા. આ છોટીસી લવસ્ટોરીનો ત્યાં જ અંત આવી ગયો. આમેય  સુરૈયાના પિતાજીને ફક્કડ ગિરધારી જેવા હુસેન દીઠા નહોતા ગમતા. એમને થતું કે આખો દિવસ ચિતરામણ કર્યા કરતો આ છોકરો આગળ જતા પોતાનાં બીવી-બચ્ચાંનું શું પેટ ભરવાનો? સુરૈયા માટે તો હું પૈસાદાર ઘરનો વેપારધંધો કરતો છોકરો શોધીશ. થયું પણ એમ જ. સુરૈયા પરણીને સાસરે પાકિસ્તાન ચાલી ગઈ.

સુરૈયા શબ્દનો અર્થ શું થાય છે, જાણો છો?’ એમ.એમ. હુસેન પોતાની જીવનકથામાં કહે છે, ‘સુરૈયા એટલે આકાશમાં રચાતું સાત તારાઓનું ઝૂમખું. સપ્તર્ષિ. એક પર્શિયન શેર છે -
રિશ્તે અવ્વલ યું નાદાં મેમાર કઝ
વા સુરૈયા મી રવાદ દીવાર કઝ
આનો મતલબ છે, જો કડિયાએ પાયામાં મૂકેલી પહેલી જ ઇંટ ખામીવાળી હશે તો એના પર ઊભી થયેલી ઈમારત પણ ખામીવાળી જ હોવાની, પછી ભલેને તે આકાશના સપ્તર્ષિ જેટલી ઊંચી કેમ ન હોય. સુરૈયા સાથેના મારા સંબંધના પાયામાં મેં પહેલી જ ઇંટ ખોટી મૂકી દીધી હતી...’

વર્ષો પછી, ૧૯૯૦માં, હુસેનસાહેબે પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી. તે વખતે તેઓ ૭૫ વર્ષના હતા.  પહેલી વાર વડા પ્રધાન બનીને તાજાંતાજાં ડિસમિસ થયેલા બેનઝીર ભુટ્ટોના તેઓ મહેમાન બન્યા. બીજા ઘણા લોકોને મળ્યા. પેઈન્ટિંગ્સ પણ બનાવ્યા. પાકિસ્તાની મીડિયાએ હુસેનસાહેબ વિશે ખૂબ લખ્યું.

આ સિવાય મેં કશુંક કર્યું. જાણો છો, શું? એક બપોરે હું સુરૈયાના ઘરે ગયો. મારો એક જૂનો મિત્ર મારી સાથે આવેલો. સુરૈયા તો ખુદાને પ્યારી થઈ ચૂકી હતી. તેના પતિ પણ નહોતા રહ્યા. તેમના દીકરાઓ અને તેમનાં બીવીબચ્ચાં ઘરે હતાં.’

શરૂઆતમાં તો સુરૈયાના દીકરાઓએ હુસેનસાહેબ સાથે બહુ ખરાબ વર્તન કર્યું, મોટા દીકરાએ તો એમને ગેટ આઉટ સુધ્ધાં કહી દીધું. જોકે થોડી વારે સૌ ટાઢા પડ્યા. એક દીકરો અંદર જઈને ફેમિલી આલબમ  લઈ આવ્યો.

આલબમનાં પાનાં ફરતાં ગયાં તેમ તેમ મારો ફફડાટ વધતો ગયો,’ હુસેનસાહેબ કહે છે, ‘કારણ કે મારે વૃદ્ધ થઈ ગયેલી, કરચલીઓવાળી, અશક્ત સુરૈયાને નહોતી જોવી. સદનસીબે એવો એક પણ ફોટો નહોતો. હા, ગ્રુપ ફોટોગ્રાફ્સ હતા, સિત્તેરના દાયકાના, પણ તે એટલા દૂરથી લેવાયેલા કે સુરૈયા તેમાં દેખાતી પણ નહોતી. સુરૈયા પરણી ગઈ પછી એની સાથે મારી ક્યારેય વાત નહોતી થઈ. મને ફક્ત તેનો ચહેરો યાદ હતો... અને મારા માટે એ જ મહત્ત્વનું હતું. સુરૈયાના ચહેરાની સ્મૃતિ છ-છ દાયકાઓથી મારાં મનમાં સચવાયેલી હતી અને તેમાં ખલેલ નહોતી પહોંચાડવી...’

હુસેનસાહેબ અને તેમના મિત્ર આખરે જવા માટે ઊભા થયા. તેઓ દરવાજાની બહાર નીકળે તે પહેલાં સુરૈયાના મોટા દીકરાએ તેમને અટકાવ્યા અને ધીમેથી પૂછ્યુંઃ હુસેનસા’બ, તમારે અમ્મીનો ફોટો જોઈએ છે?

હુસેનસાહેબ માની ન શક્યા. હજુ થોડા સમય પહેલાં પોતાને ઘરમાંથી હાંકી કાઢવા માગતો  માણસ આ શબ્દો ઉચ્ચારી રહ્યો છે? આટલું ઓછું હોય તેમ મોટા દીકરાએ ઉમેર્યુંઃ તમારે અમ્મીની કબર જોવી હોય તો હું તમને ત્યાં પણ લઈ જઈ શકું છું...

મેં સુરૈયાની મજાર પર પ્રાર્થના કરી,’ એમ.એફ. હુસેન કહે છે, ‘મને એવું લાગ્યું કે જાણે હું સુરૈયાનું ઋણ ઉતારી રહ્યો છું, જાણે કે એના આત્માને મુક્તિ આપી રહ્યો છું. હું મારી હોટલના રૂમ પર પાછો ફર્યો, પણ હું ખૂબ બેચેન હતો. આખી રાત મને ઊંઘ ન આવી. અચાનક મધરાતે મને છાતીમાં તીવ્ર પીડા ઊપડી. હું પથારીમાં બેઠો થઈ ગયો. મારાથી શ્વાસ નહોતો લેવાતો. હું રડવા માંડયો. હું બેફામ રડ્યો, આખી જિંદગીમાં ક્યારેય ન રડ્યો હોઉં એટલું રડ્યો. મારાં આંસુ અટકવાનું નામ નહોતાં લેતાં. આખરે મારું રુદન અટક્યું. મને અપાર શાંતિનો અનુભવ થયો. બાળક જન્મે છે ત્યારે જીવનની શરૂઆત રડવાથી કરે છે. આ રુદન પછી મને લાગ્યું કે જાણે આ ધરતી પર શરૂ થયેલી મારી સફર આખો ચકરાવો લઈને પાછી એ જ બિંદુ પર પહોંચી ગઈ છે. હવે કોઈ ઈચ્છા બાકી રહી નથી, હવે કોઈ અફસોસ નથી...’

એમ. એફ. હુસેને એક કવરમાં સુરૈયાની તસવીર સાચવીને રાખી મૂકી હતી. આ કવર પર એમણે લખ્યું હતુંઃ

ઓલ માય લાઈફ આઈ હેવ વેઈટેડ ફોર યુ, એન્ડ વ્હાઈલ વેઈટિંગ, હાઉ મેની આઈ હેવ લવ્ડ.’ એટલે કે મેં આખી જિંદગી તારી પ્રતીક્ષા કરી છે, અને તારી રાહ જોતા જોતા કોણ જાણે કેટલીય વ્યક્તિઓને મેં પ્રેમ કર્યો છે...
ખરેખર, અવ્યક્ત અને અધૂરા રહી ગયેલા સંબંધમાં એક પીડામિશ્રિત સૌંદર્ય હોય છે. તે સંબંધ હંમેશાં એક કસક બનીને રહી જતા હોય છે, જીવનની અંતિમ ક્ષણ સુધી.

0 0 0