Monday, May 20, 2019

ડાન્સના દેવતા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 19 જાન્યુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
તે દિવસે મેં મારા છોકરાઓની આંખોમાં આગ જોઈ હતી. એક ગજબનું પેશન, હિંમત ન હારવાનું ઝનૂન…



ડાન્સર છોકરાઓ 2012માં વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશિપમાં આઠમા ક્રમે આવ્યા ત્યારે એમના સંઘર્ષ અને સિદ્ધિ પરથી પ્રેરાઈને રેમો ડિસોઝાએ એબીસીડી-ટુ બનાવી હતી. એ વખતે રેમોએ અને આ ધમ્માલ ફિલ્મ જોઈ ત્યારે આપણે ક્યાં કલ્પ્યું હતું કે ભવિષ્યમાં આ યુવાન ડાન્સરો પરથી નવેસરથી એક આખેઆખી ફિલ્મ બનાવવી પડે એટલા બધા આગળ વધી જશે!

વાસ્તવિકતા કલ્પના કરતાં વધારે વિચિત્ર જ નહીં, વધારે ભવ્ય અને વધારે પ્રભાવશાળી પણ હોઈ શકે છે. મુંબઇના ધ કિંગ્સ નામના ગ્રુપે તાજેતરમાં વર્લ્ડ ઓફ ડાન્સ નામનો અમેરિકન ટેલેન્ટ રિયાલિટી શોની ત્રીજી સિઝન જીતી લઈને એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં હુલ્લડ મચાવી દીધું છે. નોર્થ અમેરિકા, સાઉથ એમરિકા, યુરોપ અને એશિયાના કંઈકેટલાય દેશોના પચ્ચીસ કરતાં વધારે ઉત્તમોત્તમ ડાન્સરોએ આ શોમાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું સ્તર માની ન શકાય એટલી ઊંચી સપાટી પર હતું... અને એમાં આપણા મુંબઈના આ પંદર છોકરાઓનું ગ્રુપ બીજાઓને ક્યાંય પાછળ રાખી દઈને નંબર વન પોઝિશન તેમજ એક મિલિયન ડોલરનું પ્રાઇસ મની જીતી ગયુ. એ પણ બોલિવૂડનાં ગીતો પર ડાન્સ કરીને!


ધ કિંગ્સ ગ્રુપના 17થી 29 વર્ષના છોકરાઓ આંખો પર વિશ્વાસ ન કરી શકાય, શ્વાસ અધ્ધર થઈ જાય, ભૌતિકશાસ્ત્રના નિયમોની ઐસીતૈસી થઈ જાય એવા ડાન્સ કરે છે. ધ કિંગ્સના ડાન્સની ક્લિપ્સ હવે સોશિયલ મિડીયા પર દુનિયાભરમાં વાઇરલ થઈ ગઈ છે. જે કોઈ આ ક્લિપ્સ જુએ છે એ સૌ હાંકાબાંકા થઈ જાય છે. જાણે તીર છૂટતાં હોય એમ ડાન્સરો ઓચિંતા સનનન કરતો હવામાં ઉછળશે, શરીર રબરનું બનેલું હોય એમ ઉપરાછાપરી ગુંલાટ મારશે. અત્યંત કોમ્પ્લીકેટેડ સ્ટેપ્સ અને કમ્પોઝિશન્સ, પણ એના એક્ઝિક્યુશનમાં ગજબની ચોક્સાઈ. એકેએક સેકન્ડની પાક્કી ગણતરી. જો એક સેકન્ડ કે બીટ આઘીપાછી થઈ ગઈ તો સામસામી અથડામણ કે અકસ્માત થયાં જ સમજો.


..અને અકસ્માત થયા પણ હતા. આપણે ટીવી પર ફાયનલ પ્રોડક્ટ જોઈએ છીએ, પણ રિહર્સલમાં આ ડાન્સરોએ કેવી પીડા ભોગવી હશે એ તો બિહાન્ડ-ધ-સીન્સ વિડીયો જોઈએ ત્યારે ખબર પડે. એક રાઉન્ડના રિહર્સલ દરમિયાન એક ડાન્સરનો પગ એટલી ખરાબ રીતે મચકોડાઈ ગયો કે એ ઊભો પણ રહી શકતો નહોતો. શૂટને બે દિવસની વાર હતી ત્યાં બીજા એક ડાન્સરનો પગ ભાંગ્યો. સૌના ટેન્શનનો પાર નહીં. ઘાયલ ડાન્સરોએ કહ્યુઃ ના, કંઈ પણ થાય, અમે ડાન્સ કરીશું જ!

લાઇવ શૂટિંગનો સમય આવ્યો ત્યારે સૌથી વધારે ઘાયલ ડાન્સરને બન્ને બાવડેથી પકડીને સ્ટેજ પર ચડાવવામાં આવ્યો. લંગડાતા લંગડાતા એણે પોઝિશન લીધી. ડાન્સ શરૂ થયો. આઠમી જ સેકન્ડે ડાન્સરોએ બેક-ફ્લિપ (ઊલટી ગૂંલાટ) મારવાની હતી... ને પેલા ઘાયલ છોકરાએ પરફેક્ટ બેક-ફ્લિપ મારી! ગીત આગળ વધતું ગયું. સાજાસારા ડાન્સરની શારીરિક બળની પણ ભયાનક કસોટી થઈ જાય એવાં સ્ટેપ્સ અને કમ્પોઝિશન્સ વીજળીની ઝડપે આવતાં ગયાં ને ઘાયલ ડાન્સરે એક પણ ભૂલ વગર આખેઆખો ડાન્સ પૂરો કર્યો. કોણ જાણે ક્યાંથી અને કેવી રીતે એનામાં અમાનવીય તાકાત આવી ગઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ શોના નિર્ણાયકોની આંખો ફાંટી ગઈ. ગીત પૂરું થતાં જ ચિચીયારીઓ અને તાળીઓની આંધી ઉઠી ને પેલો ડાન્સર ફસડાઈ પડ્યો. તરત વ્હીલચેરમાં બેકસ્ટેજ લઈ જઈને એની સારવાર શરૂ કરી દેવામાં આવી.

ધ કિંગ્સ ગ્રૂપના લીડર સુરેશ મુકુંદ એક ઇન્ટરવ્યુમાં કહે છે, તે દિવસે મેં મારા છોકરાઓની આંખોમાં આગ જોઈ હતી. એક ગજબનું પેશન, હિંમત ન હારવાનું ઝનૂન… અને આવી કટોકટી એક વાર નહીં, લગભગ દરેક રાઉન્ડમાં સર્જાઈ હતી. ઘણી વાર તો મેં ખુદ આખેઆખું પર્ફોર્મન્સ પહેલી વાર સીધું સ્ટેજ પર જ જોયુ હોય એવું બનતું. ફાયનલ રાઉન્ડ પછી વિજેતા તરીકે અમારું નામ અનાઉન્સ થયું ત્યારે મારી આંખ સામે અમારી અત્યાર સુધીની આખી સફરનું ફ્લેશબેક ઝબકી ગયો હતો.

સફર પણ કેવી. 2009માં સુરેશ મુકુંદ અને એના સાથી વર્નન મોન્ટેરોએ સાથે મળીને મુંબઇના વસઈ સબર્બમાં એક ડાન્સ ગ્રુપ શરૂ કર્યું હતું. એ વખતે સુરેશની ઉંમર માંડ વીસેક વર્ષ. વસઈથી નાલાસોપારા વિસ્તારના છોકરાઓ એમાં જોડાયા હતા. સાવ સાધારણ કે ગરીબ ઘરના છોકરા. પહેરવા માટે શૂઝ પણ ન હોય. કપડાં ફાટેલાં હોય. બાપડા એવા રાંક કે જમીન પર કે ગમે ત્યાં ઊભડક બેસી જાય. ઘરમાં મા-બાપ ગુસ્સો કરે કે આખો દિવસ નાચ્યા કરવાથી પેટ નહીં ભરાય.... પણ છોકરાઓ પર ડાન્સનું ભૂત સવાર થયું હતું.



2009માં જ સોની ટીવી પરથી ટેલિકાસ્ટ થતો બૂગી વૂગી ડાન્સ રિયાલીટી શો આ ગ્રુપે જીતી લીધો. આ હતી એમની પહેલી જીત. શોના નિર્ણાયકો જજ જાવેદ જાફરી અને નાવેદેએ દસ વર્ષ પહેલાં કહેલું કે આ છોકરાઓમાં કોઈ પણ ઈન્ટરનેશનલ ડાન્સ ગ્રુપને ટક્કર આપી શકે એટલી પ્રતિભા છે. સુરેશના દિમાગમાં આ શબ્દો કોતરાઈ ગયા.

પછી ડાન્સ રિયાલિટી શોનો સિલસિલો ચાલ્યો. એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા (2010, વિનર), ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ (2010માં થર્ડ અને 2011માં વિનર) અને પછી 2015માં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશિપમાં થર્ડ પોઝિશન. ત્યાર બાદ એમના જીવન પરથી એબીસીડી-ટુ બની, જેમાં સુરેશનો રોલ વરૂણ ધવને કર્યો. પછી ગ્રુપમાં ભંગાણ પડ્યું. સુરેશે અમુક જૂના અને અમુક નવા ડાન્સરો સાથે કિંગ્સ યુનાઇટેડ અથવા ધ કિંગ્સ ગ્રુપ શરૂ કર્યું. આ ગ્રુપે તાજેતરમાં અમેરિકામાં વર્લ્ડ ઓફ ડાન્સશો જીતી લઈને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે

અમારા ગ્રુપમાં એક છોકરો 19 વર્ષનો છે ને એના પપ્પા વોચમેન છે, સુરેશ કહે છે, અમને મળેલા એક મિલિયન ડોલર (લગભગ સાત કરોડ રૂપિયા) અમે સરખે ભાગે વહેંચીશું. મારા કેટલાય છોકરાઓ હજુ ભાડાના ઘરમાં રહે છે. એમના હવે ઘરનાં ઘર બનાવવામાં મદદ મળશે.

ઘ કિંગ્સને હવે દુનિયાભરમાંથી શોઝ માટે ઓફર મળે છે. રિયાલિટી શોઝ કરવાનો તબક્કો હવે પૂરો થયો. હવે સુરેશ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા પર ધ્યાન આપશે. એ બોલિવૂડમાં પહેલાં કોરિયોગ્રાફર અને પછી ડિરેક્ટર બનવા માગે છે. મુંબઈના  ગલી બોય્ઝ આજે ગ્લોબલ સ્ટાર્સ બની ગયા છે. ગજબની પ્રેરણા આપે એવી એમની કહાણી છે. યુટ્યુબ પર જઈને ધ કિંગ્સનાં ડાન્સ પર્ફોર્મન્સીસ, બિહાઇન્ડ-ધ-સીન્સ અને મુલાકાતો જરૂર જોજો. એક શેર લોહી ચડી જશે.  

0 0 0

No comments:

Post a Comment