Wednesday, May 1, 2019

ગુજરાતી કલ્ચર અને સિનેમાઃ ઢોકળા-થેપલાંની પેલે પાર...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 1 મે 2019
ટેક ઓફ
ગુજરાતી ફિલ્મમેકરો, કલાકાર-કસબીઓ અને ઓડિયન્સની નવી તેજસ્વી પેઢી આવી ગઈ છે, ગુજરાતી ગુજરાતી સિનેમાનું આખું ચિત્ર બદલાઈ ચુક્યું છે, છતાં પણ ગુજરાતના કેટલાક નાદાન પત્રકારો, ખાસ કરીને અંગ્રેજી મિડીયા સાથે સંકળાયેલા જર્નલિસ્ટો, શા માટે આજની તારીખે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઢોલીવૂડ જેવો તદન ગંદો, બિભત્સ અને અપમાનજનક શબ્દ વાપર-વાપર કર્યા જ કરે છે? 


રબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળા, શેરબજાર, જય શ્રીકૃષ્ણ, કેમ છો અને મજામાં... આપણને આ બધું વાંચવા-સાંભળવા-બોલવામાં આત્મીય અને વહાલું લાગે છે, પણ આ શબ્દોએ આપણું ઘણું નુક્સાન કર્યું છે, સિનેમાની દષ્ટિએ! પડદા પર ગુજરાતી કલ્ચર અથવા ગુજરાતી પાત્ર દેખાડવું હોય તો ગરબા-થેપલા-શેરબજારનો કોઈક રીતે ઉલ્લેખ કરી દો, પાત્રના મોઢે કઢંગી ગુજરાતી લઢણમાં કશુંક બોલાવડાવી દો એટલે કામ થઈ ગયું. આ પાંચ-સાત વસ્તુઓના લિસ્ટે આળસુ નોન-ગુજરાતી રાઇટર-ડિરેક્ટરોનું કામ આસાન કરી નાખ્યું છે. ઢોકળાં આવી ગયાં? ટિક. કેમ છો-મજામાં થઈ ગયું? ટિક. શેરબજારનો ઉલ્લેખ થઈ ગયો? ટિક. બસ, હવે આના કરતાં વધારે ગુજરાતી કલ્ચર દેખાડવાની જરૂર નથી!

જ્યારે રાઇટર-ડિરેક્ટર ખુદ ગુજરાતી હોય, ફિલ્મની ભાષા ગુજરાતી હોય અને ઓડિયન્સ ગુજરાતી હોય ત્યારે પડદા પર ગુજરાતી સંસ્કૃતિ કેવીક ખૂલે અને ખીલે છે? ન્યુ વેવ ગુજરાતી સિનેમાએ આપણા કલ્ચરને કમસે કમ ઢોકળાં-થપેલાં બ્રાન્ડ જુનવાણી લિસ્ટમાંથી બહાર ખેંચી કાઢવાનું સારું કામ કર્યું છે. આથી જ લવની ભવાઈમાં મલ્હાર ઠાકર દીવમાં ફરતી વખતે આરોહી પટેલને મમ્મીએ ડબ્બામાં પેક કરી આપેલા થેપલાંની વાત કરે છે તો પણ સાંભળવી ગમે છે, કેમ કે અહીં થેપલાં આપણા ઉપર છુટ્ટા ફેંકાતાં નથી, પણ તે સમગ્ર ગુજરાતી માહોલના હિસ્સા તરીકે પેશ થાય છે.

ગુજરાતી કલ્ચર એ કંઈ સ્થિર કે જડ વસ્તુ નથી, હોઈ પણ ન શકે. તે એક જીવંત સ્થિતિ છે, જે સમય પ્રમાણે બદલાતી રહે છે. વચ્ચે વર્ષો સુધી ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતી કલ્ચર ગામ, ગાડું અને ગોકીરા વચ્ચે કોહવાઈ ગયું હતું. એ ફિલ્મોમાં મોટા પાઘડા અને ફ્રોક જેવાં કેડિયા પહેરીને હાકોટા પડકારા કરતા પુરુષો તેમજ રંગબેરંગી ઘાઘરી-પોલકાં પહેરીને થનગન કરતી સ્ત્રીઓને જોઈને આપણને થતું કે આ ભવ્ય નરનારીઓ બ્રહ્માંડના કોઈ પણ ગ્રહમાં નિવાસ કરતાં હોઈ શકે, પણ તેઓ ગુજરાતમાં તો નહીં જ રહેતાં હોય!

ગુજરાતી કલ્ચર એટલે માત્ર ખાણીપીણીની કે પહેરવા-ઓઢવાની સ્થાનિક આઇટમો નહીં. કલ્ચર પ્રજાના એટિટ્યુટમાંથી બને છે. એમની સંસ્કારિતા, એમના સામૂહિક ચેતના અને ઇતિહાસબોધમાંથી પ્રગટે છે. પ્રગતિશીલ હોવું, ઉદ્યોગસાહસિક હોવું એ ગુજરાતી સ્વભાવ છે. અજાણ્યા દેશ-વિદેશમાં પણ પોતાનો માર્ગ શોધીને કાબેલિયતના આધારે પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવી એ ગુજરાતી એટિટ્યુડનું અત્યંત દૈદીપ્યમાન પાસું છે. ગુજરાતી કલ્ચરનાં આ પાસાં હજુ ગુજરાતી સિનેમામાં ઊભરવાનાં બાકી છે. કેવી રીતે (અમેરિકા) જઈશ?’ નામની ફિલ્મ જરૂર બની ગઈ, પણ આખી દુનિયામાં પ્રસરી ગયેલા ગુજરાતી ડાયાસ્પોરાની કહાણીઓ હજુ ગુજરાતી સિનેમામાં આવી નથી.  

ગુજરાતી ફિલ્મમેકરો અને કલાકાર-કસબીઓની નવી તેજસ્વી પેઢી આવી ગઈ છે, ગુજરાતી ઓડિયન્સ બદલાઈ ગયું છે, ગુજરાતી સિનેમાનું આખું ચિત્ર પરિવર્તિત થઈ ચુક્યું છે, છતાં પણ ગુજરાતના કેટલાક નાદાન પત્રકારો, ખાસ કરીને અંગ્રેજી મિડીયા સાથે સંકળાયેલા જર્નલિસ્ટો, આજની તારીખે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઢોલીવૂડ જેવો તદન ગંદો, બિભત્સ અને અપમાનજનક શબ્દ વાપર-વાપર કર્યા જ કરે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ઢોલીવૂડ નથી, વહાલા મિત્રો. ઢોલ ને ધીંગાણાનો જમાનો ગયો.  તમારી સમજને અને દષ્ટિને મહેરબાની કરીને જરા અપડેટ કરો. બોલિવૂડ શબ્દ પણ એટલો જ ગંદો છે, પણ તે એટલી હદે ચલણી થઈ ચુક્યો છે કે તેનું હવે કશું થઈ શકે તેમ નથી, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ ડિફાઇન થઈ રહી છે ત્યારે ઢોલીવૂડ શબ્દ સહેજ પણ પ્રચલિત ન થાય તે બાબતે સૌએ સભાન રહેવાનું છે.     

કોઈ પણ પ્રજાના કલ્ચરનો સીધો સંબંધ એમના ભાષા-સાહિત્ય સાથે હોવાનો. ગુજરાતી પડદા પણ ગુજરાતી સાહિત્ય કેટલું ઝિલાયું છે? બહુ નહીં. ધ્રુવ ભટ્ટની તત્ત્વમસિ પરથી બનેલી સુંદર ફિલ્મ રેવા એક તાજું અને ગર્વ થાય એવું ઉદાહરણ છે. જયંત ખત્રીની ધાડ વાર્તા પરથી બનેલી એ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ લાંબા સંઘર્ષ પછી રજૂ થઈ, પણ મુખ્યઃ વ્યવસ્થિત ડિસ્ટ્રિબ્યુશન અને એક્ઝિબિશનના અભાવે  અપેક્ષિત પ્રભાવ પાડ્યા વિના ઓલવાઈ ગઈ. ભૂતકાળમાં નજર કરીએ તો, ભવની ભવાઈ, માનવીની ભવાઈ, કંકુ, ઝેર તો પીધાં છે જાણી જાણી, કાશીનો દીકરો માલવપતિ મુંજ વગેરે જેવી ફિલ્મોનો આધાર ગુજરાતી સાહિત્યકૃતિઓ હતી. મધુ રાયની  અફલાતૂન કિમ્બલ રેવન્સવૂડ પરથી તો આશુતોષ ગોવારીકરે પ્રિયંકા ચોપડાને લઈને વોટ્સ યોર રાશિ?’ નામની હિન્દી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ, પણ કોઈ ગુજરાતી ફિલ્મમેકરે કિમ્બલ રેવન્સવૂડ પરથી ગુજરાતી ફિલ્મ બનાવવા જવી છે.   



કેટલી બધી સાહિત્યકૃતિઓ પરથી ગુજરાતી બની શકે એમ છે. કુન્દનિકા કાપડીઆની સાત પગલાં આકાશમાં નવલકથાએ તે ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે હલચલ પેદા કરી નાખી હતી. આ ફેમિનિસ્ટ કૃતિ આજે એક સુંદર ગુજરાતી ફિલ્મનો પાયો બની શકે છે. ચંદ્રકાંત બક્ષીની પેલેસિસિસ સંપૂર્ણતઃ સિનેમેટિક છે અને આજની તારીખે પણ તારોતાજા લાગે છે. ધીરુબહેન પટેલની આગંતુક, વર્ષા અડાલજાની ખરી પડેલો ટહુકો... આ બધી દમદાર કૃતિઓ એવી છે જે અત્યારના અબર્ન ગુજરાતી ફોર્મેટમાં પણ સરસ ફિટ થઈ જાય છે.    
   
ગુજરાતે સહેલી કેટલીક દુર્ઘટનાઓ આપણી સામૂહિક સ્મૃતિનો અંશ બની બની ગઈ છે. આ પીડાદાયી સ્મૃતિ પણ આપણા કલ્ચરનું જ એક પાસું છે. કચ્છનો ભૂકંપ આપણે ક્યારેય ભૂલી શકવાના નથી. આ ભૂકંપના પશ્ચાદભૂ પર સરસ ગુજરાતી ફિલ્મ બની શકે. મચ્છુ નદીની હોનારત પરથી ઓલરેડી મચ્છુ નામની ફિલ્મ બની રહી છે. કાને પડતી ખબરો પરથી આ એક આશાસ્પદ ફિલ્મ લાગે છે. ગોધરાકાંડ પરથી અસરકારક ગુજરાતી ફિલ્મ બની  શકે. કેમ નહીં? ગુજરાતના જન્મ સાથે જોડાયેલું મહાગુજરાત આંદોલનની આસપાસ સરસ ઐતિહાસિક કહાણી ગૂંથાઈ શકે. ગુજરાતે દેશ-દુનિયાને કેટલાય મહાન વિભૂતિઓ આપી છે. બાયોપિકના કેટલાય વિષયો ગુજરાતી લેખકો-ડિરેક્ટરોની રાહ જોઈને બેઠા છે.

ગુજરાતનાં જુદાં જુદાં નગરો, જગ્યાઓ અને તેમનો મિજાજ ગુજરાતી કલ્ચર ઘડવામાં મહત્ત્વનો હિસ્સો નોંધાવે છે. અમદાવાદની સાબરમતી નદી અને એના કાંઠે ઊભેલી પતંગ હોટલના ડ્રોન શોટ્સ જોઈજોઈને ગુજરાતી ઓડિયન્સ બોર થઈ ગયું છે. એમને ગુજરાતી ફિલ્મોમાં સુરતના ફ્લાયઓવર્સ જોવા છે, વડોદરાનું ગરિમાપૂર્ણ સોફિસ્ટીકેશન જોવું છે, રાજકોટનો ધમધમાટ જોવો છે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ, જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રી, મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી  - આ બધું ગુજરાતી ફિલ્મોની વાર્તાના અથવા વાતાવરણનો હિસ્સો હોઈ શકે છે. જો સૈરાટ પ્રકારની ફિલ્મમાં ગુજરાતનાં આધુનિક ગામડાં સેન્સિબલ રીતે પડદા પણ આવે તો અર્બન ઓડિયન્સને પણ તે ગમવાનું જ છે. આજે ગુજરાતી ગામડિયા પાસે ઇન્ટરેન્ટવાળો સ્માર્ટફોન છે અને તેઓ યુટ્યુબ અને નેટફ્લિક્સ પર એ સઘળું કોન્ટેન્ટ જોઈ શકે છે જે એમના હમઉમ્ર શહેરી ગુજરાતીઓ જુએ છે. ગામડાની યુવતી એ જ શેમ્પૂથી વાળ ધૂએ છે, જે મુંબઈના જુહુમાં રહેતી આધુનિકા વાપરતી હોય. નાટ્યાત્મક રીતે બદલાઈ ચુકેલો અથવા બદલાઈ રહેલો ગ્રામ્ય માહોલ એ ગુજરાતના ગતિશીલ કલ્ચરનું પ્રતીક છે.             

ગુજરાતી કલ્ચરના નામે કંઈ પણ પીરસી દેવામાં આવશે તો તે નહીં જ ચાલે. જેમ કે, ધ ગુડ રોડ જેવી અપ્રામાણિક, સ્યુડો અને ઘટિયા ફિલ્મને ગુજરાતી કલ્ચર સાથે કોઈ લેવાદેવા નહોતી. નવું ગુજરાતી સિનેમા હજુ બાલ્યાવસ્થામાં છે. બાળપણ અને તરુણાવસ્થામાં થતી બધી ભૂલો ગુજરાતી ફિલ્મો કરશે જ. દક્ષિણ ભારતમાં ચારેય ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધમધમે છે એનું એક મોટું કારણ એ છે કે દક્ષિણની જનતાને હિન્દી ફિલ્મો સાથે ખાસ નિસબત નથી. ત્યાં સ્થાનિક ફિલ્મો એ સ્થાનિક પોપ્યુલર કલ્ચરનો અત્યંત મહત્ત્વનું અંગ છે. બોલિવૂડ છોડો, અહીં હોલિવૂડની એ જ ફિલ્મોનું સ્વાગત થાય છે જે સ્થાનિક સાઉથ ઇન્ડિયન ભાષામાં ડબ થઈ હોય. સિનેમા આખરે તો ધંધો છે. ડિમાન્ડ અને સપ્લાયનું સાદું ગણિત અહીં પણ લાગુ પડે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોમર્સના સ્તરે દક્ષિણની ઇન્ડસ્ટ્રી જેટલી સંભવતઃ ક્યારેય ફૂલીફાલી નહીં શકે, કેમ કે ગુજરાતી પ્રજા પર હિન્દી એન્ટરટેઇનમેન્ટની પ્રચંડ અસર છે. હિન્દી પોપ્યુલર કલ્ચરમાં ગુજરાતીપણું ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળા, શેરબજાર, જય શ્રીકૃષ્ણ અને કેમ છો પૂરતું સીમિત રહી જતું હોય તો પણ!

0 0 0  



No comments:

Post a Comment