દિવ્ય
ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 મે 2019
મલ્ટિપ્લેક્સ
આ વખતના શાનદાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મોએ રસિકોનું સૌથી વધારે ધ્યાન
ખેંચ્યું?
તો, જગવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલની ગઈ કાલે એટલે કે 25 મેના રોજ શાનદાર
પૂર્ણાહૂતિ થઈ. પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ, કંગના રનૌત જેવી હિન્દી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીની કેટલીય હસ્તીઓ દર વખતની જેમ આ વખતે પણ લટકમટક કરતી કાન પહોંચી ગઈ
હતી, પણ કમબખ્તી જુઓ. આ વખતે અહીં ભારતીય
સિનેમાનું નામોનિશાન નહોતું. ભલું થજો અચ્યુતાનંદ દ્વિવેદીનું,
જેમની ભલે શોર્ટ ફિલ્મે તો શોર્ટ ફિલ્મે, પણ ભારતનું સમ ખાવા પૂરતું નામ ક્યાંક તો
કમસે કમ નોંધાવ્યું. એમણે એપલ મોબાઇલ ફોનમાં વડે બનાવેલી ગણીને ત્રણ જ મિનિટની ‘સીડ મધર’ નામની શોર્ટ
ફિલ્મ એની કેટેગરીમાં વિજેતા સાબિત થઈ. યુટ્યુબ અવેલેબલ આ ફિલ્મ લેખ પૂરો કર્યા
પછી જોઈ કાઢજો.
ભારતીય સિનેમાને હાલ પૂરતું ભુલી જઈએ (છૂટકો જ
નથી) અને એ જોઈએ કે આ વખતે વિદેશની કઈ ફિલ્મોએ કાનના ઓડિયન્સનું સૌથી વધારે ધ્યાન
ખેંચ્યું. શરૂ કરીએ ઓપનિંગ ફિલ્મથી.
ધ ડેડ ડોન્ટ ડાઇઃ
મરેલાં મરતા નથી. ઝોમ્બી વિશેની ફિલ્મનું આના
કરતાં બહેતર શીર્ષક હોઈ ન શકે. કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મનું વિશેષ
મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફિલ્મોત્સવનો શુભારંભ આ હલકીફૂલકી કોમેડી-હોરર
ફિલ્મથી થયું હતું. નાનકડું નગર છે. અહીં ગંધારાગોબરા ઝોમ્બીઓએ ત્રાસ મચાવ્યો છે.
આ સમસ્યાનો હલ શોધવા પોલીસની એક ટીમને મોકલવામાં આવે છે ને પછી જાતજાતના કારનામા
થાય છે.
વન્સ અપોન અ ટાઇમ ઇન
હોલિવૂડઃ
મસ્ત ટાઇટલ છે. વળી, એમાં કલાકારો એવા છે કે એમનાં નામ કાને પડતાં જ સિનેપ્રેમીઓ
થનગની ઉઠે. - લિઓનાર્ડો ‘ટાઇટેનિક’ ડિકેપ્રિયો, બ્રેડ પિટ, અલ પચીનો! ડિરેક્ટર? ક્વેન્ટિન
ટેરેન્ટિનો! ટૂંકમાં સમજોને કે મણિરત્નમ કોઈ ભવ્યવાતિભવ્ય ફિલ્મ બનાવે ને એમાં
રણવીર સિંહ, આમિર ખાન અને કમલ હાસનને કાસ્ટ કરે તો આપણે જેવા ફિલ્મી રસિયાઓને કેવો
જલસો પડે! બસ, એવું જ આ સુપર કોમ્બિનેશન છે. માસ્ટર ફિલ્મમેકર ટેરેન્ટિનોએ આ
ફિલ્મમાં 1960ના દાયકાના હોલિવૂડની વાત કરી છે. યુટ્યુબ પર જઈને આ (અને અહીં
ઉલ્લેખ પામેલી તમામ) ફિલ્મનું ટ્રેલર જોજો. મજા આવશે.
રોકેટમેનઃ
વેસ્ટર્ન પોપ મ્યુઝિકની દુનિયામાં એલ્ટન જોનનું મોટું નામ છે. આ
ગાયક-ગીતકાર-મ્યુઝિક કમ્પોઝર એક
જીવતેજીવ લેજન્ડ બની ગયેલી વ્યક્તિ છે, જેમના જીવન પરથી ‘રોકેટમેન’ નામની ફિલ્મ
બની છે. રોયલ મ્યુઝિક એકેડેમી ઓફ મ્યુઝિકમાં એમણે વીતાવેલાં પ્રારંભિક વર્ષો, નશીલા
દ્વવ્યોથી દૂર રહેવા માટે કરવો પડેલો સંઘર્ષ, પોતાના સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને
સ્વીકારવા માટે કરવો પડેલી સ્ટ્રગલ (તેઓ ગે છે) – ફિલ્મમાં એલ્ટન જોનના જીવનના એક
ચોક્કસ તબક્કા પર ફોકસ કરવામાં આવ્યું છે. એલ્ટને જોન ખુદ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર
છે. ગયા ઓસ્કરમાં પોપ આઇકન ફ્રેડી મર્ક્યુરીના જીવન પર બનેલી બાયોપિક ‘બોહેમિઅન
રાપસોડી’એ સપાટો બોલાવી દીધો હતો. આથી એલ્ટન જોનની બાયોપિક આપોઓપ
હોટ-એન્ડ-હેપનિંગ બની ગઈ છે.
એટલાન્ટિક્સઃ
કાન ફિલ્મ ફેસ્ટિવલના મુખ્ય કોમ્પિટીશન સેક્શનમાં
કોઈ બ્લેક મહિલા ફિલ્મમેકરની ફિલ્મ પસંદ થઈ હોય એવું આ વખતે પહેલી વાર બન્યું. ‘એટલાન્ટિક્સ’ એ મેટી ડિઓપ
નામની બ્લેક ફિલ્મમેકરની કરીઅરની સૌથી પહેલી ફિચર ફિલ્મ છે. પોતાની જ એક શોર્ટ
ફિલ્મનો આધાર લઈને મેટીએ આ ફુલલેન્થ ફિલ્મ બનાવી છે. આફ્રિકાના સેનેગલ દેશના કેટલા
પુરુષો શી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને બોટમાં દરિયો પાર કરી યુરોપ પહોંચે છે
એની આમાં વાત છે. એક સ્ત્રીનો પ્રેમી અચાનક ગાયબ થઈ જાય છે. પ્રેમીના મિત્રોની
ફદફદી ગયેલા લાશો દરિયાકાંઠેથી મળી આવે છે. સ્ત્રીને સમજાતું નથી કે એનો પ્રેમી
સફળતાપૂર્વક દરિયો પાર કરી શક્યો હશે કે દરિયાદેવે એનો પણ ભોગ લઈ લીધો હશે.
પેઇન એન્ડ ગ્લોરીઃ
વર્લ્ડ સિનેમામાં પેડ્રો આલ્મોદોવર નામના ફ્રેન્ચ ફિલ્મમેકરનું મોટું નામ
છે. અતરંગી અને હટકે ફિલ્મો બનાવવા માટે એ જાણીતા છે. આ વખતે તેઓ પેનેલોપી ક્રુઝ
અને એન્ટોનિયો બેન્ડેરસને ચમકાવતી ‘પેઇન એન્ડ ગ્લોરી’ નામની ફિલ્મ સાથે ઉપસ્થિત થયા હતા. આ બન્ને અદાકાર સાથે પેડ્રો
ભૂતકાળમાં એકાધિક ફિલ્મો બનાવી ચુક્યા છે. આ ફિલ્મમાં બુઢા થઈ ગયેલા એક સુપરસ્ટાર
ફિલ્મમેકરની વાત છે, જે પોતાનું બાળપણ, મા, દોસ્તારો, સાથે કામ કરી ચુકેલા કલાકાર-કસબીઓને
યાદ કરે છે અને જીવનનાં નવાં સત્યો પામે છે. પેડ્રોની અગાઉની ફિલ્મોની માફક આ
ફિલ્મ પણ ખાસ્સી બોલ્ડ અને ઇમોશનલ છે.
અ હિડન લાઇફઃ
જેમણે ટેરેન્સ મલિકની ‘ધ ટ્રી ઓફ લાઇફ’ (શૉન પેન,
બ્રેડ પિટ) જોઈ છે તેઓ આ ફિલ્મના અફલાતૂન વિઝ્યુઅલ્સને ભુલી શક્યા નહીં હોય.
ટેરેન્સ મલિકને મોટા પડદા પર નિતનવા અખતરા કરવાનો ભારે શોખ છે. જોકે આ વખતે તેઓ ‘અ હિડન લાઇફ’ નામની વ્યવસ્થિત
નરેટિવ સ્ટ્રક્ચર ધરાવતી ફિલ્મ લઈને આવ્યા હતા. આમાં એક અસલી ઓસ્ટ્રિયન આદમીની વાત
છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લડવાની ના પાડી દેતાં એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
હતો.
ડિયેગો મેરાડોનાઃ
ટાઇટલ પરથી જ સમજાય જાય છે કે આ ફિલ્મ
આર્જેન્ટિનાના દંતકથારૂપ ફૂટબોલર મેરેડોનાના જીવન પર આધારિત છે. આ ડોક્યુમેન્ટરી
છે, જે ભારતીય મૂળિયાં ધરાવતા ફિલ્મમેકર આસિફ કાપડિયાએ બનાવી છે. એમણે
સિંગર-પર્ફોર્મર એમી વાઇનહાઉસના જીવન પરથી બનાવેલી ડોક્યુમેન્ટરીને 2016માં ઓસ્કર
મળેલો. એની પહેલાં આસિફે આર્ટન સેના નામના બ્રાઝિલિયન મોટર-રેસિંગ ચેમ્પિટન પર આ જ
પ્રકારની ફિલ્મ બનાવી હતી. ટૂંકમાં, સમજોને કે આસિફને વ્યક્તિવિશેષનાં જીવન પરથી
ડોક્યુમેન્ટરી બનાવવાની સારી ફાવટ છે. અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવેલા મેરાડોનાના
ચાહકોને આ ફિલ્મ જોવાની મજા આવી જવાની.
નામોલ્લેખ કરવો પડે એવી આ સિવાયની ઘણી ફિલ્મો છે
- ‘સોરી વી મિસ્ડ
યુ’ (જેના બ્રિટિશ
ડિરેક્ટર કેન લોચ 82 વર્ષના છે. એમ તો ટેરેન્સ મલિક પણ પિચોતેરના થયા), કોરીઅન ફિલ્મમેકર બોગ જૂન-હૂએ બનાવેલી ‘પેરેસાઇટ’, કેનેડાના તોફાની ફિલમમેકર ગણાતા ઝેવિયર ડોલનની ‘મેટિઆસ એન્ડ
મેક્ઝિમ’ વગેરે. એમેઝોન પ્રાઇમના
બ્રાન્ડ-ન્યુ શો ‘ટુ યંગ ટુ ડાઈ’ નામના પહેલા બે એપિસોડનું સ્ક્રીનિંગ પણ આ વખતના કાન ફિલ્મોત્મસવમાં
થયું. આ લેખમાં ઉલ્લેખ પામેલી ફિલ્મોનાં નામ નોંધી રાખજો, કેમ કે આગામી ઓસ્કર સિઝન
સુધી તે એકધારાં ગાજતાં રહેવાનાં છે.
0 0 0