Tuesday, December 11, 2018

ફિલ્મ, ફોટોગ્રાફ અને દર્પણ


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 9 ડિસેમ્બર 2018
કોલમઃ મલ્ટિપ્લેક્સ
ફિલ્મ બનાવતી વખતે ડિરેક્ટર પ્રામાણિક રહ્યો હતો કે બનાવટ કરી રહ્યો હતો તે ઓડિયન્સ શી રીતે પકડી પાડે છે?  

ક સુંદર સાંજે રિતેશ બત્રા ટ્વિટર પર જાહેરાત કરે છે કે મારી આગામી ફિલ્મ ફોટાગ્રાફનું પ્રિમીયર અમેરિકામાં 24 જાન્યુઆરી, 2019થી શરૂ થનારા દસ દિવસીય સન્ડેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવાનું છે. આ ટ્વિટ ન્યુઝ બની જાય છે એનું કારણ છે. રિતેશ બત્રાએ લખેલી અને ડિરેક્ટ કરેલી ધ લન્ચબોક્સનામની હૃદયસ્પર્શી ફિલ્મ આપણને હજુય બરાબર યાદ છે અને લાંબા સમય સુધી યાદ રહેવાની છે. ઇરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી આ ફિલ્મ વિદેશમાં સૌથી વધારે કમાણી કરનારી 2013ની ત્રીજા નંબરની ફિલ્મ હતી (પહેલી બે ફિલ્મો હતી, ધૂમ થ્રી અને ચેન્નાઈ એક્સપ્રેસ). કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવી લૉ-બજેટ, સીધીસાદી ફેસ્ટિવલ ફિલ્મ વિદેશમાંથી હંડ્રેડ કરોડ કરતાંય વધારે રૂપિયા કમાવી આપશે.  

ધ લન્ચબોક્સરિતેશ બત્રાની કરીઅરની સૌથી પહેલી ફુલલેન્થ ફિચર ફિલ્મ. કલ્પના કરો, આ એક જ ફિલ્મના જોરે રિતેશને બબ્બે હોલિવૂડની ફિલ્મો ડિરેક્ટ કરવાની ઓફર મળે છે - ધ સેન્સ ઓફ એન્ડિંગ અને અવર સોલ્સ એટ નાઇટ. બન્ને નવલકથા પર આધારિત. બન્નેમાં ખમતીધર કલાકારો. બન્ને ગયા વર્ષે મર્યાદિત થિયેટરોમાં રિલીઝ થઈ અને બન્નેની તારીફ થઈ. આ પ્રકારનું ઇન્ટરનેશનલ કરીઅર ધરાવતા આ ફિલ્મમેકરની હવે પછીની ફિલ્મ વિશે જાણવામાં ફિલ્મરસિયાઓને રસ હોય જ. બીજું કારણ એ પણ છે કે ફોટોગ્રાફમાં નવાઝુદ્દીન સિદ્દીકી મેઇન રોલમાં છે. નવાઝુદ્દીન એક એવા સ્ટાર-એક્ટર છે જેનો ચાહકવર્ગ રાત્રે ન વઘે એટલો દિવસે વધી રહ્યો છે. 

શું છે ફોટોગ્રાફમાં? મુંબઇનો એક સ્ટ્રગલિંગ ફોટોગ્રાફર (નવાઝુદ્દીન) મુખ્ય નાયક છે. એનાં દાદીમા એને પરણાવવા માટે ભારે ઉતાવળાં થયાં છે. દાદીમાની કટ-કટથી કંટાળેલા નવાઝુદ્દીનનો ભેટો એક તદ્દન અજાણી અને શરમાળ યુવતી (સાન્યા મલ્હોત્રા) સાથે થાય છે. નવાઝુદ્દીન એને કન્વિન્સ કરે છે કે તું દાદીમા સામે મારી ફિયાન્સે હોવાનું નાટક કર. બાકીનું બધું હું સંભાળી લઈશ. આ રીતે નવાઝુદ્દીન અને સાન્યા વચ્ચે પરિચય થાય છે. બન્નેમાંથી કોઈને અંદાજ નથી કે એમનો સંબંધ માત્ર દાદીમા સામે નાટક કરવા પૂરતો સીમિત રહેવાનો નથી, બલ્કે હંમેશ માટે પલટાઈ જવાનો છે!

રિતેશ બત્રા અને નવાઝુદ્દીન અગાઉ ધ લન્ચબોક્સમાં સાથે કામ કરી ચુક્યા છે. નવોદિત સાન્યા મલ્હોત્રા પાસે માત્ર દંગલનો અનુભવ હતો. બધાઈ હો અને ફટાકાને હજુ ઘણી વાર હતી. ફોટોગ્રાફમાં નવાઝુદ્દીન જેવા દમદાર એક્ટર સાથે કામ કરવાનું હોવાથી એની નર્વસનેસનો પાર ન હતો.    

એમ તો ધ લન્ચબોક્સ બનાવતાં પહેલાં રિતેશ બત્રાની હાલત પણ સાન્યા જેવી જ હતીને! અગાઉ એમણે માત્ર ત્રણેક શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. ફુલલેન્થ ફિલ્મ લખવાની ને ડિરેક્ટ કરવાની ઇચ્છા ઘણી, પણ શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? રિતેશે જાણકાર ફિલ્મમેકરોને મળીને એમની પાસેથી સમજવાની કોશિશ કરી. રિતેશને કહેવામાં આવ્યું કે, દોસ્ત, જસ્ટ બી યોરસેલ્ફ. તારા કામમાં તારું અસલી વ્યક્તિત્ત્વ છતું થવું જોઈએ. રિતેશ મૂંઝાયાઃ બી યોરસેલ્ફ સૂત્ર બરાબર છે, પણ મારે એક્ઝેક્ટલી કરવાનું શું છે? કામમાં મારું અસલી વ્યક્તિત્ત્વ કેવી રીતે છતું થાય? રિતેશ કેટલાક વધુ લોકોને મળ્યા. નવી શીખામણ મળીઃ રિતેશ, તારે એ જ લખવાનું જેના વિશે તને ખબર હોય. રિતેશ વધારે મૂંઝાયાઃ પણ મને તો કશી ખબર નથી. તો હું શું લખું?

Ritesh Batra

આમાંને આમાં બે વર્ષ જતાં રહ્યાં. એક દિવસ અચાનક રિતેશના દિમાગમાં બત્તી થઈઃ મારો નાયક ચોર, ડાકુ, ગેંગસ્ટર, રાજકારણી કે ગાંધી-મંડેલા ન જ હોઈ શકે. આ લોકોની લાર્જર-ધેન-લાઇફ દુનિયા કેવી હોય છે તે હું જાણતો નથી. હું તો આમઆદમીના જીવનથી પરિચિત છું. સીધાસાદા, રુટિન જીવન જીવતા, આપણાં મમ્મી-પપ્પા-કાકા-કાકી-મામા-માસી-પાડોસી જેવા સાધારણ લોકો. તેઓ રોજેરોજ, વર્ષો સુધી, દાયકાઓ સુધી એકસરખું બીબાંઢાળ જીવન જીવ્યે જ જાય છે, કેમ કે તેમના પર પરિવાર અને પ્રિયજનોની જવાબદારી છે. રિતેશે નક્કી કરી લીધું કે બસ, મારી ફિલ્મના કિરદારો આવાં જ હશે. સાધારણ, રુટિન, મારા-તમારા જેવાં.

આટલી માનસિક સ્પષ્ટતા થયા બાદ રિતેશે ધ લન્ચબોક્સના સ્ટોરી-સ્ક્રીનપ્લે લખવાનું શરૂ કર્યું. એક વિધુર ક્લર્ક છે, એક દુખી ગૃહિણી છે. બન્ને એકાકી છે. તેમની વચ્ચે સંબંધ વિકસે છે ને એક આશાભર્યા બિંદુ પર વાર્તા પૂરી થાય છે. રિતેશને લગભગ ખાતરી હતી કે મારી ફિલ્મ જોવા મારી મમ્મી સિવાય બીજું કોઈ નહીં આવે! બોરિંગ જીવન જીવતાં પાત્રોને સ્ક્રીન પર જોવા માટે કોઈ શું કામ સમય-શક્તિ ને પૈસા બગાડે? પણ ધ લન્ચબોક્સના નસીબમાં સફળતા અને યશ બન્ને લખાયા હતા.

સફળતા હજુ તાજી તાજી હવામાં હતી ત્યારે, 2013માં, રિતેશ એક વાર કારમાં કશેક જઈ રહ્યા હતા. એફએમ રેડિયો પર એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં શ્રોતાઓ ફોન કરી કરીને એમના મતે વર્ષની જે શ્રેષ્ઠ ઘટના હતી તેના વિશે પોતાના વિચારો જણાવતા હતા. ઘણા લોકોએ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ વિશે પણ વાત કરી. એમાંના કેટલાયે ધ લન્ચબોક્સને 2013ની બેસ્ટ ફિલ્મ ગણાવી. કોઈએ કહ્યું કે આ ફિલ્મ જોઈને મને મારી માની યાદ આવી ગઈ. એક અંધ શ્રોતાએ કહ્યું કે મેં આ ફિલ્મ થિયેટરમાં જઈને માત્ર સાંભળી તો પણ મને બહુ મજા પડી. એક સ્ત્રીએ કહ્યું કે મેં આ ફિલ્મ જોયા પછી બીજા જ દિવસે મારા બેવફા પતિને ત્યજી દીધો. કોઈએ કહ્યું કે આ ફિલ્મ મારી ભૂખ ભડકાવી દે છે. મેં તે ત્રણ વાર ને ત્રણેય વાર દબાવીને ખાધું!

રિતેશને આ બધું સાંભળીને જબરું આશ્ચર્ય થયું. એને થયું કે મારી ફિલ્મમાં એવું તે શું છે જેનાથી ટ્રિગર થઈને લોકો આ રીતે પોતાની અંગત વાતો રેડિયો પર શેર કરી રહ્યા છે? રિતેશના દિમાગમાં પાછી બત્તી થઈ કે ફિલ્મ લખતી વખતે અને બનાવતી વખતે હું પ્રામાણિક રહ્યો હતો. આ જ વાત ઓડિયન્સ સુધી પહોંચી છે. મારી ફિલ્મમાં પ્રામાણિકતા વર્તાય થાય છે એટલે જ લોકો અત્યારે પ્રામાણિક બનીને રિએક્ટ કરી રહ્યા છે!     

રિતેશ પોતાનાં એક વકતવ્યમાં કહે છે, આ વાત માત્ર સિનેમા પૂરતી સીમિત નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો,  કોઈ પણ વ્યવસાય કરતા હો, પણ જ્યારે તમે એમાં તમારી જાતને રેડી દો છો ત્યારે તમારું કામ જાણે કે એક અરીસો બની જાય છે. તમારા કામમાં લોકો પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે. તેઓ તમારી સાથે સચ્ચાઈથી કનેક્ટ થાય છે. તમારી પ્રામાણિક અભિવ્યક્તિ જોઈને લોકોને પણ તમારી સામે પ્રામાણિકપણે વ્યક્ત થવાનું મન થાય છે. મારા માટે આ બહુ મહત્ત્વનો પદાર્થપાઠ હતો, જે હું ધ લન્ચબોક્સ લખતી વખતે કે શૂટિંગ કરતી વખતે નહીં, પણ તે રિલીઝ થઈ ગયા પછી શીખ્યો. 

રિતેશની આગામી ફિલ્મ ફોટોગ્રાફમાં આપણને આવાં જ પાત્રો ને કહાણી જોવા મળવાનાં એ તો નક્કી.

0 0 0

No comments:

Post a Comment