Sunday, December 2, 2018

‘મિરઝાપુર’માં શું છે?


 દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 2 ડિસેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
એમેઝોનની આ નવી વેબ સિરીઝ પાસેથી સેક્રેડ ગેમ્સ જેવી ઊંચી અપેક્ષા રાખવા જેવી ખરી?

રાતનો સમય છે. નશો કરીને બેઠેલા ગુંડા ટાઇપના ચારેક જુવાનિયા ખુલ્લી જીપમાં શહેરની સડક પર કશેક જઈ રહ્યા છે. સામેથી બેન્ડપાર્ટીના સૂરે વરઘોડો પસાર થઈ રહ્યો છે એટલે એક જગ્યાએ એમણે નછૂટકે અટકવું પડે છે. એક યુવાનની ધીરજ ખૂટે છે. એ જીપમાંથી ઉતરીને જાન પાસે જાય છે. એ નથી ગાળાગાળી કરતો નથી કે નથી કોઈને ધમકાવતો. એ ઓચિતાં તાનમાં આવીને જાણે શરીરમાં માતાજી આવ્યાં હોય એમ જાનૈયાઓની સાથે નાચવા લાગે છે. પછી પોતાના પેન્ટમાં ભરાવેલી ગનને હાથમાં લઈને નાચતાં નાચતાં હવામાં ગોળીબાર કરવા લાગે છે. યુપી-બિહારમાં આમેય લગ્નપ્રસંગ જેવી ઉજવણી દરમિયાન આકાશ તરફ બંદૂક કરીને ઘાંય ધાંય કરવાનો ચક્રમ રિવાજ ક્યારેક પાળવામાં આવે છે. અચાનક સોપો પડી જાય છે. જુવાનને પહેલાં તો સમજાતું નથી કે શું થયું. પછી ખબર પડે છે કે એ  આડેધડ ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે એક ગોળી હવામાં જવામાં બદલે ભુલથી દુલ્હેરાજાની આંખમાં જતી રહી ગઈ છે. નિષ્પ્રાણ વરરાજો ધબ્બ કરતો ઘોડાની ગરદન પર ઢળી પડે છે. જુવાનિયો ગભરાવાને બદલે મોટેથી  ખિખિયાટા કરતાં કહે છેઃ (યે તો સચમુચ) બેન્ડ બજી ગઈ!

આ હતું પહેલું દશ્ય. હવે બીજું દશ્ય. એક મધ્યવયસ્ક ભારાડી માણસ એના બોડીગાર્ડ સાથે ગાડીમાં કશેક રવાના થાય એ પહેલાં બે માણસો એમને મળવા આવે છે. એકની લોહીલુહાણ જમણી હથેળી પર પાટો બંધાયેલો છે. ડરતાં ડરતાં એ બોલે છે કે તમારા કારખાનામાં બનેલી પંદરસો રૂપિયાવાળી દેશી બંદૂક ખરાબ નીકળી. ટ્રિગર દબાવતાં એ હાથમાં જ ફૂટી ગઈ. ભારાડી માણસ એને ગંદી ગાળ આપીને કહે છે, સાલા, પંદરસો રૂપિયામાં તારે એકે-ફોર્ટીસેવન જોઈએ છે? એને બીજી દેશી બંદૂક આપવામાં આવે છે. ભારાડી પેલાને કહે છે, આ ટ્રાય કર. પેલો કહે છે, કેવી રીતે ટ્રાય કરું, હું જમણેરી છું. ભારાડી કહે છે, તું જમણેરી હતો, હવેથી તું ડાબોડી છે. ચલ, ટ્રાય કર. પેલાને મનમાં ફફડાટ છે. અગાઉની બંદૂકની જેમ આ પણ હાથમાં જ ફૂટી જશે તો? એવું જ થાય છે. એની ડાબી હથેળીના પણ ફૂરચા ઉડી જાય છે. ભારાડીના ચહેરા પરની એક રેખા પણ હલતી નથી. એ કારમાં રવાના થઈ જાય છે. જમીન પર પડેલી એક કપાયેલી આંગળી કારના વ્હીલ નીચે ચગદાઈ જાય છે.

પહેલા એપિસોડનો આ પહેલાં બે દશ્યો આખા શોનો ટોન સેટ કરી નાખે છે. મિરઝાપુરની અંધારી આલમમાં તમારું સ્વાગત છે! એમેઝોન પ્રાઇમ વિડીયો પર તાજેતરમાં રિલીઝ થયેલી (ડિજિટલ ભાષામાં કહીએ તો, સ્ટ્રીમ થયેલી) લેટેસ્ટ વેબ સિરીઝ મિરઝાપુર આજકાલ ઠીક ઠીક ચર્ચામાં છે. મહાનગરોની સડકો એના મોટાં મોટાં હોર્ડિંગ્સ લાગ્યાં છે અને એના કલાકારો ફિલ્મસ્ટારની અદાથી મિડીયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. નેટફ્લિક્સના અફલાતૂન સેક્રેડ ગેમ્સ શોએ ઇન્ડિયન વેબ સિરીઝના સ્ટાન્ડર્ડ એટલાં ઊંચાં કરી નાખ્યા છે કે ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બનેલો મિરઝાપુર શો આ ધારાધોરણ પ્રમાણે કેવોક સાબિત થાય છે તે જાણવાની ઉત્સુકતા સૌને હતી. એક તો, નેટફ્લિક્સ અને એમેઝોન વિડીયો વચ્ચે સોલિડ સ્પર્ધા છે અને બીજું, સેક્રેડ ગેમ્સ તેમજ મિરઝાપુર બન્ને ક્રાઇમ થ્રિલર છે. આથી તુલના થવી સ્વાભાવિક નહીં, અનિવાર્ય હતી.

એક વાક્યમાં પરિણામ જાહેર કરી દેવાને બદલે પહેલાં મિરઝાપુર વિશે જરા વિગતે વાત કરીએ. સરેરાશ પોણી કલાકના કુલ નવ એપિસોડ છે. સ્પોઇલર્સ આપ્યા વગર શોની કાલ્પનિક વાર્તા ટૂંકમાં કહીએ તો, ઉત્તરપ્રદેશના મિરઝાપુર શહેરમાં અખંડાનંદ ત્રિપાઠી (પંકજ ત્રિપાઠી)નો ભારે દબદબો છે. કહેવા ખાતર તો એ કાલીન એટલે કે કાર્પેટ બનાવવાનું કારખાનું ચલાવે છે (એટલે જ એનું હુલામણુ નામ કાલીનભૈયા છે), પણ એનો ખરો ધંધો કટ્ટા (દેશી તમંચા) બનાવવાનો છે. સાઇડમાં અફીણનું કામકાજ પણ કરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એના ખિસ્સામાં છે. રાજકારણીઓ સાથે એની સારાસારી છે. પૈસા અને પાવરનું ડેડલી કોમ્બિનેશન ઘરાવતા કાલીનભૈયા ખુદને મિરઝાપુરનો કિંગ ગણાવે છે. આ કિંગનો પ્રિન્સ એટલે એમનો પેલો માથાફરેલો દીકરો મુન્નાભૈયા (દિવ્યેન્દુ શર્મા), જે શોના પહેલાં જ સીનમાં વરરાજાને હલાલ કરી નાખે છે. કાલીનભૈયાની જુવાન પત્ની બીના (રસિકા દુગ્ગલ) ડેસ્પરેટ મહિલા છે, કેમ કે આધેડ વયના પતિથી એને સંતોષ નથી. કાલીનભૈયાના અપંગ પિતા (કુલભૂષણ ખરબંદા) આખો દિવસ વ્હીલચેર પર બંગલામાં આમથી તેમ ઘુમતા રહે છે અને ટીવી પર જનાવરોનાં શિકાર તેમજ સંવનનનાં દશ્યો જોતા રહે છે.


    
આ થયું પહેલું ફમિલી. બીજું ફેમિલી આદર્શવાદી વકીલનું છે. એમના બે કોલેજિયન દીકરા છે. મોટો ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) બોડી-બિલ્ડર છે, જે મિસ્ટર પૂર્વાંચલનો ખિતાબ જીવવાનાં સપનાં જુએ છે. એ ભોળિયો ને બુદ્ધિનો બળદ છે, પણ નાનો ભાઈ બબલુ પંડિત (વિક્રાંત મેસી) શાર્પ છે, સમજીવિચારીને પગલાં ભરનારો છે. ડેરિંગબાજ પિતાનો હિંમતનો ગુણ બેય દીકરાઓમાં ઉતર્યો છે.   

યોગાનુયોગે બને છે એવું કે પેલા દુલ્હેરાજાના દુખી પિતા ગુંડા મુન્નાભૈયા સામે કેસ કરવાના ઇરાદાથી આદર્શવાદી વકીલ પાસે આવે છે. સંજોગોનું ચકરડું એવું ફરે છે કે વકીલપુત્રો સામે બે વિકલ્પો ઊભા રહે છે. કાં તો કાલીનભૈયાની ગેંગમાં શામેલ થઈને એના ખોફથી પોતાના પરિવારને બચાવી લેવો અથવા કાયમ માટે ડરતાં-ફફડતાં રહીને ખૂનખરાબા માટે તૈયાર રહેવું. વકીલપુત્રો પહેલો વિકલ્પ પસંદ કરે છે. બસ, આ રીતે કહાણીના મંડાણ થાય છે ને અંતે જે થવાનું હોય છે તે થઈને રહે છે.

આ પ્રકારના કથાવસ્તુ ધરાવતા શો કે ફિલ્મમાં હિંસા ભરપૂર હોવાની. એમાંય આ તો વળી સેન્સર બોર્ડના ચોકી પહેરા વગર બનેલી વેબ સિરીઝ, એટલે અહીં હિંસા ઉપરાતં ગાળાગાળી અને સેક્સ પણ પ્રચુર માત્રામાં છે. શોની શરૂઆતની થોડી મિનિટોમાં જ તમને અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરનો પ્રભાવ દેખાવા લાગે છે. વચ્ચે વચ્ચે ક્યાંક સાહબ, બીબી ઔર ગેંગસ્ટરની ઝલક પણ દેખાય છે. ગેંગ્સ ઓફ વાસેપુર તેમજ અનુરાગના જ કો-ડિરેક્શનમાં બનેલી સેક્રેડ ગેમ્સ સિરીઝમાં એક પ્રકારની મેચ્યોરિટી હતી. મિરઝાપુરનું સપનું ગેંગ્સ... અને સેક્રેડ ગેમ્સની કક્ષાએ પહોંચવાનું હતું, જે કમનસીબે પૂરું થતું નથી. કરણ અંશુમાન, ગુરમીત સિંહ અને મિહિર દેસાઈએ ડિરેક્ટ કરેલી મિરઝાપુર સિરીઝની કહાણી ટ્વિસ્ટ-ટર્ન્સ વગર, આશ્ચર્યો વગર કે ક્યારેક ઇવન પશ્ચાત-અસરો વગર સીધેસીધી આગળ વધતી રહે છે. સારા ઘરના બે ભાઈઓ ફટાક કરતાં ગેંગસ્ટર બની જાય, નાના છોકરાઓ ધૂળેટીના દિવસે હાથમાં બંદૂકની પિચકારી લઈને એકબીજા પર રંગીન પાણી છોડતા હોય એટલી સહજતાથી સૌ એકબીજા પર સાચી બંદૂકથી ગોળીઓ છોડ્યા કરે... ગુંડારાજ બરાબર છે, પણ આટલી હદે? ઓવર-સિમ્પ્લીફિકેશન (અતિસાધારણીકરણ), સગવડીયાપણું અને એપિસોડ્સ જોતી વખતે આવું બધું તો અગાઉ આપણે જોયું છે પ્રકારની જાગતી લાગણી મિરઝાપુરના સૌથી મોટા માઇનસ પોઇન્ટ્સ છે.

સેક્સ અને હિંસાનાં અમુક દશ્યો ખાસ શોક વેલ્યુ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. વીંધાયેલા પેટમાંથી બહાર આવી જતાં આંતરડાં, ગળા પર ફરતી ધારદાર છરી, ખોપરીનાં રીતસર ફૂરચા ઊડી જવા... ગ્રાફિક વાયોલન્સનાં અમુક સીન કાચોપાચો પ્રેક્ષક જોઈ ન શકે એવાં ખતરનાક છે. ગોલુની ગર્લફ્રેન્ડ બનતી શ્વેતા ત્રિપાઠીને ઇન્ટ્રોડક્ટરી સીનમાં જ લાઇબ્રેરીમાં હસ્તમૈથુન કરતાં બતાવી છે. આ દશ્યનો ખરેખર તો કશો મતલબ નથી, કોઈ સંદર્ભ નથી. બસ, આજકાલ સ્ત્રીપાત્રોને હસ્તમૈથુન કરતાં બતાવવાનો ટ્રેન્ડ ચાલે જ છે તો હાલો, આપણે પણ આવો એકાદ સીન મૂકી દઈએ -  એ પ્રકારનો ભાવ છે.

મિરઝાપુરનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ્સ એના કલાકારોનો દમદાર અભિનય છે. બધા એક સે બઢકર એક છે. એમાંય અલી ફઝલ અને અત્યાર સુધી માત્ર કોમડી પાત્રોમાં જ દેખાયેલા દિવ્યેન્દુ શર્માનાં પર્ફોર્મન્સીસ તો લાંબા સમય સુધી યાદ રહી તેવાં અસરકારક છે. સંવાદોમાં સરસ ચમકારા છે. કેમેરાવર્ક અને પ્રોડક્શન વેલ્યુઝ પણ મજાનાં છે.

સો વાતની એક વાત. મિરઝાપુર પાસેથી સેક્રેડ ગેમ્સ જેવી અપેક્ષા નહીં રાખવાની. અલબત્ત, ભલે આ શો મહાન નથી, પણ બિન્જ વોચિંગ કરવાનું એટલે કે સડસડાટ એક પછી એક એપિસોડ જોતાં જવાનું મન થાય એવો રસાળ તો છે જ. જો ફાજલ સમય એન્ટરટેઇનમેન્ટમાં જ ગાળવો હોય તો ફાલતુ ફિલ્મો કે ચક્રમ જેવા ટીવી શોઝ જોવા કરતાં મિરઝાપુર વેબ સિરીઝ જોવામાં કશો વાંધો નથી! 

0 0 0 

No comments:

Post a Comment