દિવ્ય
ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 30 ડિસેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
ઉત્તમ ટ્રેક-રેકોર્ડ ધરાવતા આનંદ એલ.
રાય અને ઇમ્તિયાઝ અલી જેવા સત્ત્વશીલ ડિરેક્ટરો શાહરૂખ સાથે જોડાય છે ત્યારે
જબરદસ્ત જાદુ થવાને બદલે ધબડકો કેમ થઈ જાય છે?
આ વર્ષે સલમાન ખાને ‘રેસ થ્રી’માં અને આમિર ખાન ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં મૂંડાવ્યું હતું, પણ આપણને
આશા હતી કે ચાલો, કમસે કમ શાહરૂખ ખાનની ‘ઝીરો’ ફિલ્મ ખાન-ત્રિપુટીની ઇજ્જત બચાવી લેશે. થયું એનાથી ઊલટું. શાહરૂખે બરાબર
‘ખાન’દાની નિભાવી. ગાળો ખાવાની તો
ત્રણેયે સાગમટે ખાવાની!
લેટ્સ બી ફેર. ‘રેસ થ્રી’ અને ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ની તુલનામાં ‘ઝીરો’ ક્યાંય ચડિચાતી છે (અથવા કહો કે, ‘રેસ થ્રી’ અને ‘ઠગ્સ...’ કરતાં ‘ઝીરો’ ઘણી ઓછી ખરાબ છે).
‘ઝીરો’ને મોટા ભાગના ફિલ્મ રિવ્યુઅર્સે
ધીબેડી નાખી છે, પણ આમ ઓડિયન્સની પ્રતિક્રિયા એટલી બધી આકરી નથી. ઇન ફેક્ટ, ઘણા
દર્શકોને ‘ઝીરો’ ખાસ્સી ગમી છે. ‘ઝીરો’ ટુકડાઓમાં તો સૌને પસંદ પડી છે. જેમ કે,
ફિલ્મનો શરૂઆતનો મેરઠવાળો હિસ્સો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને – સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! – કેટરિના કૈફનો રોલ સૌએ એકઅવાજે વખાણ્યો છે. ઇન્ટરવલ પછી ફિલ્મ પકડ અને
પ્રામાણિકતા બન્ને ગુમાવી દે છે. એક હકીકત, અલબત્ત, સૌએ સ્વીકારવી પડે કે ‘ઝીરો’એ નિશાન ઊંચું તાક્યું હતું. લિટરલી!
‘ઝીરો’માં શાહરૂખ ખાન એક્ટર તરીકે નિષ્ફળ ગયા નથી. તો
શું આનો અર્થ એવો કરવો કે આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા અનુક્રમે ડિરેક્ટર-રાઇટર
તરીકે નિષ્ફળ ગયા છે? ‘રાંઝણા’ અને ‘તનુ વેડ્સ મનુ’ સિરીઝ
જેવી ઓડિયન્સને જલસા કરાવી દેતી કમર્શિયલી હિટ ફિલ્મો આપનાર આ જોડી ‘ઝીરો’માં કેમ ગોથું ખાઈ ગઈ?
‘ઝીરો’ જોતી વખતે ઇમ્તિયાઝ અલીની ‘જબ હેરી મેટ સેજલ’નો ફિયાસ્કો યાદ આવ્યા કરતો હતો.
પ્રેમની સંકુલતાને ઇમ્તિયાઝ જે રીતે પદડા પર બહેલાવી શકે છે એવી આજનો બીજો કોઈ
ડિરેક્ટર બહેલાવી શકતો નથી. સહેજે એવી અપેક્ષા હતી કે ઇમ્તિયાઝ-શાહરૂખની જોડી ભેગી
થઈને સોલિડ તરખાટ મચાવશે. એવું ન થયું. ‘જબ હેરી મેટ સેજલ’ એટલી બધી કાચી નીકળી કે આ ફિલ્મને ગમાડવાનો મરણિયો પ્રયત્ન કર્યો તો પણ તે
ન ગમી તે ન જ ગમી.
Shahrukh with Anand L. Rai |
ઉત્તમ ટ્રેક-રેકોર્ડ ધરાવતા આનંદ એલ. રાય અને ઇમ્તિયાઝ અલી જેવા
સત્ત્વશીલ ડિરેક્ટરો શાહરૂખ સાથે જોડાય છે ત્યારે જબરદસ્ત જાદુ થવાને બદલે ધબડકો
કેમ થઈ જાય છે? કેમ આ ફિલ્મમેકરો પોતાની સ્વાભાવિકતા ગુમાવી બેસે છે? શું શાહરૂખનું સુપરસ્ટાર તરીકેનો પ્રભાવ એટલો પ્રચંડ છે કે ‘ઓહો, અમારી પાસે સાક્ષાત શાહરૂખ ખાન છે’ એવી સભાનતા આ
ફિલ્મમેકરોને ઘાંઘા કરી મૂકે છે? શાહરૂખ જેવા તોતિંગ
કમર્શિયલ મેઇનસ્ટ્રીમ સ્ટારની હાજરીને
જસ્ટિફાય કરવાની લાહ્યમાં તેઓ ખુદના કન્વિક્શનનો ભોગ લઈ લે છે? શાહરૂખ ‘જબ હેરી મેટ સેજલ’
અને ‘ઝીરો’નો પ્રોડ્યુસર પણ છે. શું આ
હકીકતે ડિરેક્ટરો પણ વધારાનું પ્રેશર પેદા કરી નાખ્યું હશે?
યાદ રહે, શાહરૂખ માત્ર સ્ટાર નથી, એ ઉત્તમ એક્ટર પણ છે. આ હકીકત ચોવીસ
વર્ષ પહેલાં, ‘કભી હાં કભી ના’ (1994)માં પૂરવાર થઈ ગઈ હતી. ‘સ્વદેસ’ (2004) અને ‘ચક દે
ઇન્ડિયા’ (2007) જેવી ફિલ્મોમાં ડિરેક્ટર જ્યારે શાહરૂખવેડા
પર અંકુશ મૂકવામાં સફળ થયા ત્યારે કેટલું અદભુત પરિણામ આવ્યું હતું એ આપણે જોયું
છે. શાહરૂખની કમબ્ખતી એ છે કે એ જ્યારે જ્યારે યશરાજ અને ધર્મા પ્રોડક્શનની ચકચકિત
ફિલ્મો અને રાજ-રાહુલની ટિપિકલ ઇમેજમાંથી બહાર નીકળીને કશુંક નવું કરવાની કોશિશ
કરે છે ત્યારે (‘સ્વદેસ’, ‘ચક દે ઇન્ડિયા’, ‘દેવદાસ’ જેવા અપવાદોને બાદ કરતાં) ઓડિયન્સ એની ફિલ્મો રિજેક્ટ કરી નાખે છે. પછી એ
‘અશોકા’ (2001) હોય, અમોલ પાલેકરની ‘પહેલી’ (2005) હોય, ‘ફેન’ (2016) હોય કે ‘ડિયર ઝિંદગી’
(2016) હોય. શાહરૂખ એક્ટર તરીકે જોખમ ઉઠાવે ત્યારે કોણ જાણે કેમ સ્ક્રિપ્ટ એનો સાથ
અડધેથી છોડી દે છે. જેમ કે, ‘ફેન’ અને ‘ઝીરો’ બન્નેના ફર્સ્ટ હાફ સુંદર છે, પણ જેવી વાર્તા
ફોરેન લોકેશન શિફ્ટ થાય છે કે તે સાથે ગળે ન ઉતરે એવો ઘટનાક્રમ શરૂ થઈ જાય છે,
ફિલ્મની વાર્તા પોતાનો ઓરિજિનલ સૂર ગુમાવી બેસે છે, જેનું માઠું પરિણામ આખી ફિલ્મે
વેઠવું પડે છે.
પચાસ વર્ષ વટાવી ચુકેલા શાહરૂખે હવે હટ કે ફિલ્મો કર્યા વગર છૂટકો
નથી. જોવાનું માત્ર એટલું છે કે ડિરેક્ટરો-રાઇટરો શાહરૂખના સુપરસ્ટારડમથી અભિભૂત
થયા વિના પોતાના કન્વિક્શનને વળગી રહીને એનો કેવળ એક એક્ટર તરીકે ઉપયોગ કરી શકે છે
કે કેમ. ફિલ્મમેકરો જો શાહરૂખ સિન્ડ્રોમનો ભોગ બનતા રહેશે તો એમની ફિલ્મો દિશાહીન
થતી રહેશે, જો ભોગ નહીં બને તો એમની ક્રિયેટિવિટીને નેક્સ્ટ લેવલ પર જતાં કોઈ રોકી
નહીં શકે. સિમ્પલ.
0 0 0