Monday, November 19, 2018

આત્મવિનાશ... આગળ વધવાનો આ જ એક રસ્તો છે!


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 18 નવેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
આલિયા ભટ્ટની મોટી બહેન શાહીને આખા જીવનને પીંખી નાખતા ડિપ્રેશનના રોગનો સામનો શી રીતે કર્યો?


ને આજકાલ બહુ રડવું આવે છે. અચાનક જ હું એકદમ ઉદાસ થઈ જાઉં છું. મને લાગે છે કે મને કશું આવડતું નથી.
તેર વર્ષની તરૂણીને જો આવી લાગણી થતી હોય તો એ સમજી શકાય એવું છે. અઢાર વર્ષની ઉંમરે આ તરૂણી પોતાની અંગત ડાયરીમાં લખે છેઃ   
કોઈને મારામાં વિશ્વાસ નથી. મને લાગે છે કે હું ઢોંગી ને ધોખેબાજ છું. મેં ફક્ત મોહરું પહેરી રાખ્યું છે, અંદરથી હું ખાલીખમ છું. હું સતત ભયભીત રહું છું. હું જે વ્યક્તિ નથી એ બનવા માટે મારે હજુ કેટલા પ્રયત્નો કરવા પડશે ને કેટલી વાર નિષ્ફળ જવું પડશે?’

ચાલો, જુવાનીમાં કદમ મૂકી રહેલા છોકરા-છોકરીના મનમાં આ પ્રકારની ગૂંચવણ હોઈ શકે છે એ પણ સ્વીકારી શકાય, પણ આ જ છોકરી દસ વર્ષ પછી પણ, 28 વર્ષની ઉંમરે પોતાની ડાયરીમાં આવું લખે ત્યારે એનો શો અર્થ થાય? વાંચોઃ

આત્મવિનાશ, પોતાની જાતને ખતમ કરી નાખવી... આગળ વધવાનો આ જ એક રસ્તો છે. મારે મારી આસપાસના તમામ લોકોથી અલગ થઈ જવું છે. મારે કોઈની ફિકર કરવી જ નથી. મારે પ્રેમમાંથી પણ મુક્તિ જોઈએ છે. હું ભાંગી પડી છું ને લોકો મને સતત નિરખી રહ્યા છે એવી લાગણી મને લાંબા સમય પછી થઈ રહી છે. મારે આ બધામાંથી બહાર આવી જવું છે. અબ્બી હાલ. ઇનફ.

આ શાહીન મહેશ ભટ્ટના શબ્દો છે. શાહીન ભટ્ટ એટલે આલિયા ભટ્ટની સગી મોટી બહેન, જેના વિશે આપણે અત્યાર સુધી ભાગ્યે જ કશું જાણતા હતા. લગભગ ગુમનામીમાં રહેલી શાહીન ભટ્ટ વિશે આમજનતા અને ઇવન મિડીયામાં સંભવતઃ પહેલી વાર ચર્ચા થઈ રહી છે એનું કારણ એણે લખેલું પુસ્તક છે. આ નાનકડા અંગ્રેજી પુસ્તકનું શીર્ષક છે, આઇ હેવ નેવર બીન (અન)હેપીઅર. હું આટલી સુખી (કે દુખી) અગાઉ ક્યારેય નહોતી! કૌંસમાં મૂકાયેલું અનનું છોગું સૂચક છે. જેનાં પિતા, માતા, બહેન, કઝિન્સ, કાકાઓ બધા જ સેલિબ્રિટી હોય એવા ફેમસ પરિવારમાં જન્મેલી શાહીન શા માટે દુખી રહેતી હતી અને શા માટે એનામાં ખુદને ખતમ કરી નાખવાનું ઝનૂન ઊપડતું હતું એના વિશે એણે પોતાના પુસ્તકમાં અત્યંત પારદર્શક થઈને હિંમતભેર વાત કરી છે.


ડિપ્રેશન! શાહીન ક્લિનિકલ ડિપ્રેશન તરીકે ઓળખાતી માનસિક બીમારીની દર્દી હતી. હજુય છે. ડિપ્રેશન એટલે સાદી ભાષામાં કહીએ તો તીવ્ર, સમજાય નહીં એવો માનસિક સંતાપ. દિમાગનાં કેમિકલ્સમાં કંઈક એવા અનીચ્છનીય ફેરફાર થાય કે જેના કારણે માણસને એવું લાગે કે જાણે એની તમામ શક્તિ નિચોવાઈ ગઈ છે. એને કલાકોના કલાકો, દિવસોના દિવસો સુધી એમને એમ પડ્યા રહેવાનું મન થાય, કારણ વગર રડવું આવે, કોઈ કામમાં જીવ ન ચોંટે, સતત નકારાત્મક વિચારો આવ્યા કરે. સામાન્ય માણસના મનમાં આવી લાગણી જાગે ખરી, પણ તે થોડી વારમાં જતી રહે, એ પાછો હસતો-ખેલતો થઈ જાય, પણ ડિપ્રેશનનો દર્દી આ ત્રાસદાયક માનસિક અવસ્થામાં દિવસો, અઠવાડિયાં, મહિના કે ઇવન વર્ષો સુધી સબડતો રહે છે. આ એક એવી મેડિકલ કંડીશન છે જેનો ઉપચાર માનસિક બીમારીના ક્વોલિફાઇડ ડોક્ટર પાસે કરાવવો પડે છે.    
શાહીન ભટ્ટ પોતાના પુસ્તકમાં લખે છે, હું ઓગણત્રીસની થઈ. સમજણી થઈ ત્યાર પછીનું લગભગ આખું જીવન મેં ડિપ્રેશનમાં ગાળ્યું છે. હું સતત સંતાપમાં જીવું છું. સંતાપ એટલે... ઓહ, નેટફ્લિક્સ પર મારો ફેવરિટ શો કેન્સલ થઈ ગયો કે ઓહ ગોડ, દાળના ટીપાં પડવાથી મારો ડ્રેસ ખરાબ થઈ ગયો એ પ્રકારની ઝીણી ઝીણી વાતે થતી ચીડ નહીં, બલ્કે મારી ભીતર આ કેવો વિષાદ છે જે મને અંદરથી કોરી ખાય છે?’ અને હવે સહન નથી થતું... મારે મરી જવું છે એ પ્રકારનો તીવ્ર સંતાપ.  
આ પુસ્તક વાંચ્યું ત્યારે ફિલ્મમેકર પિતા મહેશ ભટ્ટ કાંપી ઉઠ્યા હતા. એમને થયું કે મારી દીકરી કેટલી પ્રામાણિકતાથી જીવનના અંધકાર સામે આ છોકરી ઝઝૂમી છે અને એ પણ આટલી નાની ઉંમરે. શાહીને સત્તર વર્ષની ઉંમરે પપ્પાને એક પત્ર લખેલો, જે આલિયાએ પછી એમને વાંચી સંભળાવ્યો હતો. શાહીને લખ્યું હતું કે, મારા ફાધર મારા હીરો પણ છે અને દોસ્ત પણ છે. હીરો એટલા માટે નહીં કે એ પરફેક્ટ છે, પણ એટલા માટે કે એમણે મને શીખવ્યું છે કે આપણી જાતમાં, આપણી પસર્નાલિટીમાં ખામીઓ હોય તો એમાં કશો વાંધો નથી. ઇટ ઇઝ ઓકે ટુ બી ઇમ્પરફેક્ટ. પપ્પાએ મને ઇમ્પરફેક્ટ હોવાની કળા શીખવી છે.

શાહીન સ્વીકારે છે કે એની જિંદગીમાં ભયાનક કહેવાય એવું કશું જ બન્યું નથી. આધુનિક વિચારસરણી ધરાવતાં મા-બાપ તરફથી ભરપૂર સુખસુવિધા અને હૂંફ મળ્યાં છે, એની લાઇફસ્ટાઇલમાં ક્યાંય કશુંય ખૂંચે એવું નથી. શાહીન કહે છે કે મને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી છે, મારા પર ક્યારેય કોઈ જાતની જવાબદારી થોપવામાં આવી નથી તો પણ ડિપ્રેશનને કારણે હું આટલી બધી હેરાન થઈ હોઉં તો વિચાર કરો કે ગરીબ યા તો સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા, કમાવાની-ભણવાની-ઘરનાં કામ કરવાની-સંતાનો ઉછેરવાની જવાબદારીઓ ધરાવતા લોકોને ડિપ્રેશનની બીમારી લાગુ પડતી હશે તો એની હાલત કેટલી બદતર થઈ જતી હશે!
શાહીને એક કિસ્સો નોંધ્યો છે. એ નાની હતી ત્યારે એની સાવકી મોટી બહેન પૂજા ભટ્ટનો બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે સિક્કો ચાલતો હતો. એક વાર પૂજાને કોઈ મેગેઝિન માટે પોતાની બન્ને નાની બહેનો સાથે ફોટોસેશન કરાવવાનું હતું. શાહીન ત્યારે ટીનેજર હતી અને આલિયા તો સાવ નાની ટેણકી. ત્રણેય બહેનોના ફોટા લેવાયા પછી પૂજા અને આલિયાનું અલગથી સેશન કરવામાં આવ્યું. બન્યું એવું કે મેગેઝિનમાં પૂજા અને આલિયાની તસવીર જ છપાઈ. શાહીનની બાદબાકી કરી નાખવામાં આવી. શાહીનને એ વખતે ખૂબ લાગી આવ્યું હતું, પણ પછી એને સમજાયું કે મેગેઝિનના દષ્ટિકોણથી આ બરાબર જ હતું. શાહીને ખા-ખા કરીને શરીર બેડોળ કરી મૂક્યું હતું. ગ્લેમરસ પૂજા અને અત્યંત ક્યુટ આલિયા સાથે અદોદળી શાહીન બંધબેસતી નહોતી!
આલિયાને 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં બ્રેક મળ્યો ત્યારે ઘરમાં ખુશાલીનું વાતાવરણ હતું. નાની બહેન હિરોઈન બની રહી હતી, એનું જીવન હવે હંમેશ માટે પલટાઈ જવાનું હતું, શાહીનને આ વાતનો ખૂબ ગર્વ હતો છતાંય એ આનંદપૂર્વક ભાગ લઈ શકતી નહોતી, કેમ કે તે વખતે એ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી, એનું વાસ્તવ જુદું હતું! શાહીન લખે છેઃ

લોકો મને સતત પૂછતા હોય છે કે તારા આખા ફેમિલીમાં એક તું જ ફેમસ નથી, તને આ વાતની તકલીફ થતી નથી? હું જવાબ આપું કે હા, મને તકલીફ જરૂર થાય છે, પણ તમે જે વિચારો છે તે કારણસર નહીં. મેં પ્રસિદ્ધિને બહુ જ નજીકથી જોઈ છે. હું જાણું છું કે આ પ્રસિદ્ધિ રિઅલ નથી. હું અને આલિયા ઘરમાં બેઠાં હોઈએ કે કબાટમાં કપડાં ગોઠવતાં હોઈએ ત્યારે એ ફેમસ હિરોઈન હોતી નથી, એ મારી નાની બહેન આલિયા જ હોય છે. પપ્પા મારી સાથે ડાઇનિંગ ટેબલ પર ડિનર લેતા હોય ત્યારે તેઓ અવોર્ડવિનિંગ ડિરેક્ટર હોતા નથી, તેઓ માત્ર મારા પપ્પા જ હોય છે. અલબત્ત, મેં પ્રેશરનો અનુભવ જરૂર કર્યો છે. તેને પરિણામે બન્યું એવું કે ડિપ્રેશનને જ મેં મારી ઓળખ બનાવી દીધી... પણ મારા અનુભવો પરથી આજે હું એટલું શીખી છું કે જીવનમાં બધું જ પસાર થઈ જાય છે. સુખ ક્ષણજીવી છે, તો દુખ પણ ક્ષણજીવી છે. હું મારી જાતને કહેતી રહું છું કે તીવ્રમાં તીવ્ર પીડાઓમાંથી હું ઓલરેડી પસાર થઈ ચુકી છું. મેં બધું જ જોઈ લીધું છે. હું આ તમામ માનસિક વિપદાઓનો સામનો કરીને આજે ટટ્ટાર ઊભી છું...    
ડિપ્રેશન હોવું એ કંઈ શરમાવાની વસ્તુ નથી. એનો ઇલાજ ચોક્કસપણે થઈ શકે છે. ડિપ્રેશનનું દરદ અને દરદી બન્નેને સમજવામાં ઉપયોગી થાય એવું સરસ રીતે લખાયેલું આ નાનકડું અંગ્રેજી પુસ્તક વાંચવા જેવું તો ખરું.

0 0 0 

No comments:

Post a Comment