દિવ્ય ભાસ્કર - કળશ પૂર્તિ- 14 November 2018
0 0 0
ટેક ઓફ
ફેસબુકના માલિક પાસે કરોડો નહીં, અબજો લોકોનો કેટલા અધધધ
ડેટાનો કેટલો વિપુલ ભંડાર છે. એને
દુનિયાનો સૌથી પાવરફુલ માણસ ગણવામાં આવે છે તેનું કારણ આ જ. એ સૌથી ખતરનાક માણસ પણ
બની શકે છે, જો એ પોતાની પાસે રહેલા ડેટાબેઝનો દુરુપયોગ કરે તો!
માર્ક ઝકરબર્ગ એટલે કોણ એ આમ તો સમજાવવાનું ન હોય, છતાંય ઔપચારિકતા પૂરતું નોંધી લઈએ કે
માર્ક ઝકરબર્ગ એટલે ફેસબુક નામના દુનિયાના સૌથી મોટા સોશિયલ નેટવર્કનો સ્થાપક અને
સીઈઓ. હજુ સુધી જેમણે ફેસબુક પોતાનું અકાઉન્ટ બનાવ્યું નથી એવા લોકો પણ ફેસબુકના
નામથી પરિચિત જરૂર હોવાના. જેમને ફેસબુકની લત લાગી ચુકી છે તેઓ સવારે આંખ ખૂલ્યા
પછી ઘરના સભ્યોના ફેસ પછી જુએ છે, પહેલાં મોબાઇલ પર ફેસબુકના દર્શન કરે છે અને પછી
જાગૃત અવસ્થાની કેટલીક કલાક ફેસબુક પર જ પડ્યાપાથર્યા રહે છે.
જો બંધાણવાળા પાસાને બાદ કરો તો ફેસબુક પહેલી નજરે નિર્દોષ લાગે,
અમુક રીતે ઇવન ઉપયાગી પણ લાગે. મુદ્દો એ છે કે આ સોશિયલ નેટવર્કનો માલિક માર્ક
ઝકરબર્ગ આજે વિશ્વસ્તરે થઈ રહેલી એક વ્યાપક ચર્ચાના કેન્દ્રમાં છે. શું છોકરડા
જેવો દેખાતો 34 વર્ષનો
માર્ક દુનિયાનો સૌથી પાવરફુલ અને સૌથી ખતરનાક માણસ છે? શું અમેરિકાના પ્રેસિડન્ટ
ડોનાલ્ટ ટ્રમ્પ કરતાંય એની પાસે વધારે પ્રભાવ છે? શું એ દુનિયાનો સૌથી જોખમી સરમુખત્યાર
છે? આ પ્રકારની સંભાવનાની છણાવટ
કરતી વિશદ ચર્ચા છેલ્લા કેટલાક સમયથી અખબાર-મેગેઝિનો, ટીવી ચેનલો, જાહેર
વ્યાખ્યાનો, અન્ય સોશિયલ નેટવર્ક્સ, પોડકાસ્ટ વગેરેમાં સતત ચાલી રહી છે. શા માટે આ
પ્રકારની ચર્ચા કરવાની જરૂરિયાત ઊભી થઈ? માર્ક
ઝકરબર્ગને આટલી હદે મહત્ત્વ આપવાનું કારણ શું?
એક જ શબ્દમાં જો ઉત્તર આપવો હોય તો તે આ છેઃ ડેટા! આપણે પ્રખર ડિજિટલ યુગમાં
પ્રવેશી ચુક્યા છીએ. ત્રણ અઠવાડિયા પહેલાં ઇઝરાયલી ઇતિહાસકાર અને બેસ્ટસેલિંગ
લેખક-ચિંતક યુવલ હરારી વિશેના લેખમાં આપણે જોયું હતું કે એક જમાનામાં જેની પાસે
વધારે જમીન હોય એવા માણસ પાવરફુલ ગણાતા હતા, પછી જેમની પાસે વધારે ફેક્ટરી અને
ઉદ્યોગો હોય એવા બિઝનેસમેન પાવરફુલ ગણાવા લાગ્યા. એકવીસમી સદીનો આવનારો સમય કહે છે
કે હવે જેની પૈસા સૌથી વધારે ડેટા હશે એ સૌથી વધારે પાવરફુલ ગણાશે. અહીં ડેટા એટલે
આપણા જેવા માણસોના ફોનનંબર, ઇમેઇલ આઇડી, તસવીરો, પસંદ-નાપસંદ, વિચારો, વર્તન, વલણ,
લાઇફસ્ટાઇલ વગેરે અંગેની જાણકારી. આ પ્રકારના જંગી ડેટાને માર્કેટિંગ અર્થે વેચી
શકાય છે, ડેટાને પ્રોસેસ કરીને ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી શકાય છે, એમના સુધી
પહોંચી શકાય છે, વિચારો-થિયરીઓ-ટ્રેન્ડ્ઝ વહેતા કરી શકાય છે, સમાજ-દેશ-દુનિયામાં
ચોક્કસ પ્રકારની હવા ઊભી કરી શકાય છે, ફેક ન્યુઝને આગની જ્વાળાની જેમ ફેલાવી શકાય
છે, ટૂંકમાં, લોકોને ખબર પણ ન પડે એ રીતે તેમને પ્રભાવિત કરી શકાય છે.
હવે માર્ક ઝકરબર્ગ કેટલા રાક્ષસી કદનો ડેટા દબાવીને બેઠો છે
એ જુઓ. આજે દુનિયાભરમાં આશરે 2.2 અબજ કરતાં વધારે લોકો ફેસબુક વાપરે છે. ચીન વિશ્વનો
સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે, પણ એના પોપ્યુલેશન કરતાંય ફેસબુક યુઝર્સનો આંકડો
મોટો છે. એક મિનિટ. માર્ક ઝકરબર્ગ પાસે માત્ર ફેસબુક નથી, એ વોટ્સએપનો પણ માલિક
છે. આજની તારીખે દુનિયામાં દોઢ અબજ કરતાંય વધારે લોકો વોટ્સએપ વાપરે છે. હજુ એક
મિનિટ. ઇન્સ્ટાગ્રામ! શબ્દો
કરતાં તસવીરોને વધારે મહત્ત્વ આપતા આ સોશિયલ નેટવર્ક પર પણ માર્ક ઝકરબર્ગની માલિકી
છે. જુવાનિયાઓમાં તે ગજબનું પોપ્યુલર છે. દુનિયાભરમાં ઇન્સ્ટાગ્રામ વાપરનારાઓની
સંખ્યા પોણોથી એક અબજની વચ્ચે છે. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ આ ત્રણેય અથવા
ત્રણમાંથી બે નેટવર્ક વાપરનારા કોમન ઉપયોગકર્તાઓની સંખ્યા ખાસ્સી મોટી હોવાની. પૃથ્વી
પરની કુલ માનવવસતીનો 30 ટકા હિસ્સો
ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ વાપરે છે. દુનિયામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ
સૌથી વધારે છે – 2.2 અબજ. આનો અર્થ એ થયો કે દુનિયાના કોઈ પણ ધર્મ કરતાં ‘ફેસબુક-વોટ્સએપ ધર્મ’ પાળતા
લોકોની સંખ્યા વધારે છે!
કલ્પના કરો કે આ ત્રણ-ત્રણ મહાપોપ્યુલર સોશિયલ નેટવર્ક્સની
માલિકી ધરાવતા માર્ક ઝકરબર્ગ પાસે કરોડો નહીં, અબજો લોકોનો કેટલા અધધધ ડેટાનો કેટલો
વિપુલ ભંડાર હશે! આટલા બધા
લોકોને માર્ક ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ દ્વારા સીધો સ્પર્શ કરી શકે છે. આ જ
કારણ છે કે એને દુનિયાનો સૌથી પાવરફુલ માણસ ગણવામાં આવે છે. માર્ક ભલે ન્યુક્લિયર
શસ્ત્રો બનાવતો નથી, છતાંય એ દુનિયાનો સૌથી ખતરનાક માણસ પણ બની શકે છે, જો એ
પોતાની પાસે રહેલા ડેટાબેઝનો દુરુપયોગ કરે તો!
એટલેસ્તો આ વર્ષની શરૂઆતમાં ફેસબુકની પ્રાઇવસી પોલિસીનું
ભોપાળું ખોલી દેતો કાંડ પ્રકાશમાં આવ્યો ત્યારે ખળભળાટ મચી ગયો હતો. બન્યું એવું
કે એલેકઝાન્ડર કોગન નામના ડેટા સાયન્ટિસ્ટને છેક 2013માં ફેસબુકની એપ બનાવવાનું
કામ સોંપવામાં આવ્યું હતું. એની પાસે ફેસબુક યુઝર્સનો ડેટા એક્સેસ કરવાની પરવાનગી
હતી. એલેક્ઝાન્ડરે 8 કરોડ 70 લાખ ફેસબુક યુઝર્સની પ્રોફાઇલ ગુપચુપ કેમ્બ્રિજ
એનેલિટિકા નામની કંપનીનો વેચી માર્યો. કેમ્બ્રિજ એનેલિટિકાએ આ જંગી ડેટાનો ઉપયોગ
ફેસબુક યુઝર્સને શંકા પણ ન જાય તે રીતે અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પવાળી ચુંટણી વખતે,
બ્રેક્ઝિટ વોટિંગ વખતે તેમજ મેક્સિકોના જનરલ ઇલેક્શન વખતે રાજકીય સ્તરે કર્યો. આ
ડિજિટલ કૌભાંડ બહાર આવ્યું પછી માર્ક ઝકરબર્ગે જાહેરમાં માફી માગી, પોતે નિર્દોષ
હોવાની તેમજ આ બધું એલેકઝાન્ડર કોગન તેમજ કેમ્બ્રિજ એનેલિટિકાવાળાઓએ પોતાની જાણ
બહાર કર્યું છે એવા ખુલાસા કર્યા, પણ જે નુક્સાન થવાનું હતું તે થઈ ચુક્યું હતું.
વાસ્તવમાં ફેસબુકની ટેક્નિકલ ટીમે બહુ પહેલાં માર્કને ચેતવ્યો હતો કે યુઝર્સ ડેટાબેઝનો
આ રીતે મિસયુઝ થઈ શકે છે, પણ માર્કે સતર્ક થઈને ફેસબુકની સિક્યોરિટી પોલિસી વધારે
સજ્જડ બનાવવાને બદલે લાપરવાહી દેખાડીને મોટી ભૂલ કરી નાખી.
આ ઘટનાક્રમને કારણે સોશિયલ મિડીયાની સિક્યોરિટી પોલિસીમાં
કેવાં કેવાં છીંડા હોઈ શકે છે તેમજ જુદી જુદી વેબસાઇટ્સ દ્વારા એકઠા કરવામાં આવતી
આપણી પર્સનલ ડિટેલ્સનો કેવી રીતે દુરુપયોગ થઈ શકે છે તે વિશે આખી દુનિયા એકદમ
જાગૃત થઈ ગઈ. સાથે સાથે માર્ક ઝકરબર્ગ નામનો માણસ ધારે તો પોતાની માલિકીના
ડેટાબેઝના આધારે સાચાખોટા સમાચારો, અમુક વ્યક્તિઓની ઇમેજ, જે-તે ઘટનાને જોવાના
દષ્ટિકોણ વગેરેને મેનિપ્યુલેટ કરીને કરોડો-અબજો માણસો પણ આડકતરો પ્રભાવ પાડી શકે
છે એ શક્યતા પણ ધક્કા સાથે ઊછળીને બહાર આવી.
માર્ક ભલે કહે કે ના ના, અમેરિકન પ્રેસિડન્ટના પદ માટે
ચુંટણીમાં ઝુકાવવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ એ ટોચના પોલિટિકલ સ્ટેટેજિસ્ટ્સ સાથે
ઉઠબેસ તો કરે જ છે. માર્ક ઝકરબર્ગની અને ફેસબુકની વિશ્વસનીયતા પર હવે શંકાનું આવરણ
ચઢી ગયું છે. જોકે માર્કના ફળદ્રુપ ભેજમાં નવા નવા આઇડિયાઝ તો ઊછળતા જ રહે છે. જેમ
કે, ફેસબુક હવે એ ડેટિંગ
સર્વિસ લોન્ચ કરવા માગે છે. અત્યારે જુવાનિયાઓમાં ટિંડર નામની ડેટિંગ એપ ખાસ્સી એપ
પોપ્યુલર છે. ડેટિંગ એપ શું છે એ ન જાણતા નિર્દોષ મનુષ્યોની જ્ઞાનવૃદ્ધિ ખાતર
જણાવવાનું કે, આ એક એવા પ્રકારની મોબાઇલ એપ છે જેમાં રોમેન્ટિક દોસ્તી બાંધવા
ઇચ્છતા લોકો સભ્ય બને છે. એમાં અપલોડ
થયેલા અસંખ્ય લોકો એકમેકના ફોટા અને પ્રોફાઇલ પરથી દોસ્તી કરવાની કોશિશ કરે છે. જો
બન્ને પક્ષને પરસ્પર રસ પડે તો સામાન્ય ચેટિંગથી શરૂઆત થયેલો સંબંધ આખરે સેક્સ
સુધી (ક્યારેક ઇવન લગ્ન સુધી) પહોંચે છે. માર્ક ઝકરબર્ગ કહે છે કે ફેસબુક પર આજની
તારીખે 20 કરોડ સભ્યો ખુદને સિંગલ (એટલે કે અપરિણીત, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ વગરના)
ગણાવે છે. એમના ભલા માટે અમે ડેટિંગ સર્વિસ લોન્ચ કરવા માગીએ છીએ! આનો સાદો અર્થ
એ થયો કે હવે લોકોના જીવનની સૌથી અંગત, સંવેદનશીલ અને ખાનગી લાગણીઓમાં પણ ફેસબુકનો
પ્રભાવ વર્તાશે.
ફેસબુક ઉપરાંત ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને એપલ –
ટેકનોલોજી ક્ષેત્રની આ ટોચની પાંચ કંપનીઓ ડેટાબેઝનો મહાસાગર સમેટીને બેઠી છે. માણસ
જેટલો તાકાતવાન બને એટલો જવાબદાર પણ બનવો જોઈએ. જો માણસજાત નસીબદાર હશે તો માર્ક
ઝુકરબર્ગ અને બાકીની ચાર કંપનીના બિગ બોસ પરિપક્વતા દેખાડશે ને પોતાની માલિકીના
ડેટાબેઝનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરશે. ટચવૂડ!
No comments:
Post a Comment