Wednesday, October 31, 2018

આદત, શિસ્ત અને આપણે

દિવ્ય ભાસ્કર - કળશ પૂર્તિ- 31 ઓક્ટોબર 2018 
ટેક ઓફ
પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’ 


  
રદાર વલ્લભભાઈ પરોઢિયે અચૂકપણે ઉઠી જતા. વહેલી સવારે સાડાચારથી સાડાછ - આ બે કલાક તેઓ બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપથી ચાલવાની કસરત કરતા. આ સમયગાળા કોઈને પણ સરદાર પટેલને મળવાની, એમની સાથે વાત કરવાની છૂટ. શરત એટલી કે એણે સરદાર સાથે કદમમાં કદમ મિલાવવા પડે. વલ્લ્ભભાઈની ચાલવાની ઝડપ એટલી બધી રહેતી કે સામેના માણસે બાપડાએ લગભગ દોડવું પડતું. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે ડોક્ટરે મોર્નિંગ વોક લેવાની મનાઈ ફરમાવી છેક ત્યારે એમણે આ રુટિન પર પૂર્ણવિરામ મૂક્યું. સરદાર પટેલ 75 વર્ષનું એવું સુપર એક્ટિવ અને પ્રેરણાદાયી જીવન જીવ્યા કે એમના મૃત્યુના 68 વર્ષ પછી એમની એક ભવ્યાતિભવ્ય પ્રતિમા બનાવવી પડે છે (જેનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે) અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો જશ ખાટી જાય છે.    

આપણને વોટ્સએપમાં વારંવાર અથડાયા કરતું હોવાથી આ વાક્ય સાવ પ્રભાવહીન થઈ ગયું છે, પણ એમાં જે સત્ય સમાયેલું છે એ પ્રચંડ છે. વાક્ય આ છેઃ આપણા વિચારોથી આપણો હેતુ ઘડાય છે, હેતુ આપણી પ્રવૃત્તિઓ નક્કી થાય છે, પ્રવૃતિઓથી ટેવ બને છે, ટેવો આપણું ચારિત્ર્ય ઘડે છે અને ચારિત્ર્ય આપણું પ્રારબ્ધ નક્કી કરે છે! માણસ જીવનમાં જે બને છે અથવા જે બની શકતો નથી એમાં એણે કેળવેલી યા ન કેળવેલી આદતોનો સિંહફાળો હોય છે.

એક વાત વારંવાર વાંચવા-સાંભળવામાં આવે છે કે નવી ટેવ પાડવા માટે ફક્ત ૨૧ દિવસ જોઈએ. લાગલગાટ ત્રણ વીક સુધી રોજેરોજપૂરેપૂરી નિષ્ઠાથી જેની આદત પાડવી છે તે ક્રિયાને વળગી રહો તો તે તમારી પર્સનાલિટીનો ભાગ બની જશેતમારો સ્વભાવ બની જશે!

ખરેખર? ફક્ત ૨૧ દિવસજે આરામપ્રિય મહાઆળસુ માણસ જિંદગીમાં સો મીટર પણ ચાલ્યો નથી તે ગમે તેમ કરીને ૨૧ દિવસ સુધી રોજની પોણી કલાક મોર્નિંગ વોક લઈ આવે એટલે બાવીસમા દિવસથી એને ચાલવાની સજ્જડ આદત પડી જશેપોતાની જાતને બિલકુલ ધક્કા નહીં મારવા પડેના.૨૧ દિવસવાળી આ થિયરી ભ્રામક છેએક 'મિથછે તે એક કરતાં વધારે અભ્યાસોમાં પુરવાર થયું છે. સવાલ એ છે કે તો પછી આ ૨૧ દિવસનો આંકડો આવ્યો ક્યાંથીજાણભેદુઓએ ખાંખાંખોળાં કરીને આ થિયરીનાં મૂળિયાં શોધી કાઢયાં છે. ડો. મેક્સવેલ માલ્ટ્ઝ નામના એક અમેરિકન કોસ્મેટિક સર્જ્યને ૧૯૬૦માં 'સાયકો-સાયબરનેટિક્સ' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં એમણે લખ્યું હતું કે, 'પેશન્ટના ચહેરાની પ્લાસ્ટિક્ સર્જરી થાય પછી નવા ચહેરાથી ટેવાતા ૨૧ દિવસ લાગે છે. હાથ કે પગ વાઢી નાખવામાં આવ્યા પછી પેશન્ટને ૨૧ દિવસ સુધી ફીલિંગ થતી રહે છે કે કાપી નંખાયેલું અંગ હજુ ત્યાં જ છે. જૂની મેન્ટલ ઇમેજને ભૂંસાતા અને નવી મેન્ટલ ઇમેજને સ્થિર થતાં ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગી જાય છે.

આમડો. મેક્સવેલે ૨૧ દિવસવાળી વાત મુખ્યત્વે પ્લાસ્ટિક સર્જરીના સંદર્ભમાં કરી હતીપણ કાળક્રમે તેને જનરલાઈઝ્ડ કરી નાખવામાં આવી. ટૂંકમાં૨૧ દિવસમાં નવી આદત ઘડાય તે વાત ખોટી. ઠીક છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ૨૧ નહીં તો વધારાના કેટલા દિવસમાં હેબિટ ફોર્મ થાયઆના અનેક પ્રયોગો થયા છે. એક પ્રયોગમાં પાર્ટિસિપન્ટ્સને હેલ્થને લગતી કોઈ આદત જાતે પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓનું ૮૪ દિવસ સુધી નિરીક્ષણ ક્રવામાં આવ્યું. અમુક પાર્ટિસિપન્ટ્સને ૧૮ દિવસમાં ટેવ પડી ગઈઅમુકને પૂરા ૮૪ દિવસ લાગ્યા. ટેવ પડવા માટે જરૂરી દિવસોનો સરેરાશ આંકડો ૬૬ આવ્યો. ટેવ કઈ વસ્તુની પાડવી છે તે પરિબળ સૌથી મહત્ત્વનું છે. રોજ એક લિટર પાણી અચૂક પીવા જેવી સાદી બાબત હોય તો જલદી ટેવ પડી જાય. રોજ એક કલાક જોગિંગ-રનિંગ કરવા જેવી કઠિન આદત માટે લાંબો સમય જોઈએ.


દંતકથારૂપ બની ગયેલા અને ૯૮ વર્ષનું રસિક જીવન જીવનારા અંગ્રેજી પત્રકાર-લેખક ખુશવંત સિંહે 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ' નામનાં પુસ્તકમાં આપેલી લાંબું જીવન જીવવાની ટિપ્સ ખાસ્સી પોપ્યુલર બની છે. એમાંની એક ટિપ એવી છે કે, 'સ્પોર્ટ્સમાં રસ લેવો. ટેનિસ, સ્ક્વોશબેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો. એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.'

ખુશવંત સિંહ ખાણીપીણી પર કાપ મૂકવાની પણ સલાહ આપે છે. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન થવો જોઈએ. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરતા. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબીતીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે બે કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી નાસ્તો કરવા બેસે તે પણ ન ચાલે.

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં આનંદમૂર્તિ ગુરુમાનું નામ અત્યંત પ્રેમ અને આદરથી લેવાય છે. એમણે એમના 'માઇન્ડ મેનેજમેન્ટ' નામના પુસ્તકમાં લખ્યું છે કે,  ‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો... જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’

ગુરુમાએ સૂર્યોદય પહેલાં જાગી જઈને યોગાસન કરવાનો સુવર્ણ નિયમ સૂચવ્યો છે. તેઓ લખે છે, 'સૂર્યનમસ્કાર, પશ્ર્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, ભુજંગાસન, મંડૂકાસન... બસ આટલાં જ આસાન. વધુ નહીં. જો તમે આટલાં આસન કરો તો તમને ક્યારેય સ્પોન્ડેલાઈટીસ, કમર કે પીઠનો દુખાવો, પાચનતંત્રની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રન નહીં થાય. બ્લડપ્રેશરની વ્યાધિ નહીં થાય... તમે જેટલા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરતા જશો એમ તમે બેફિકર થવા માંડશો, ગાઢ નિંદ્રા આવવા માંડશેસ વાતોમાં વિહવળ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, મુંઝાશો નહીં તેમજ સમસ્યાઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશો.'

આપણે આખરે શું છીએ? આપણી આદતોનો સરવાળો! ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવુંસુખની અનુભૂતિ કરતા રહેવી,પોઝિટિવ રહેવું તે પણ એક આદત હોઈ શકે છે. મેથ્યુ રિકેર્ડ નામનો એક ફ્રેન્ચ માણસ સુખની શોધમાં એક દિવસ બધું છોડીને હિમાલય આવીને બૌદ્ધ સાધુ બની ગયો. દલાઈ લામાના ખાસ માણસ ગણાતા મેથ્યુ રિકેર્ડે કેટલાંય પુસ્તકો લખ્યાં છે. તેમને ઘણી વાર 'ધ હેપીએસ્ટ મેન ઈન ધ વર્લ્ડતરીકે સંબોધવામાં આવે છે. સુખ માટે તેઓ મેડિટેશન પર ભાર મૂકે છે. તેઓ કહે છે, 'મેડિટેશનની ટેવ પાડવી પડે છેમનને શિસ્તપૂર્વક કેળવવું પડે છે. આપણે ભણતરમાં જિંદગીનાં પંદર વર્ષ નાખી દઈએ છીએ,ફિટનેસ પાછળ પુષ્કળ શક્તિ ખર્ચીએ છીએપણ જે સૌથી વધારે મહત્ત્વનું છે - આંતરિક શાંતિ અને ખુદના મન પર કાબૂ - એના માટે કોણ જાણે કેમ સમય ફાળવી શકતા નથી. ધ્યાન અને પ્રાણાયામ તો આત્માનો ખોરાક છે.'
આજે, સરદાર પટેલના બર્થડે પર, એમની પ્રતિમાના નિર્માણ પાછળ થયેલા તોતિંગ ખર્ચ કે એવા બધા મુદ્દે સામસામા બાખડતા રહેવાને બદલે એમની મોર્નિંગ વોક જેવી સારી આદતો પર ધ્યાન આપીએ, એને ખુદના જીવનમાં ઉતારવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરીએ. વાત આખરે ટેવ અને શિસ્ત પર જ આવીને અટકે છે, ખરું?
00 


No comments:

Post a Comment