સંદેશ - અર્ધ
સાપ્તાહિક પૂર્તિ - 8 જૂન 2018
ટેક ઓફ
ભારત અને પાકિસ્તાન જેવા એકબીજાના જાની દુશ્મન ગણાતા દેશોની જાસૂસી સંસ્થાઓના
ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા ભેગા થઈને પુસ્તક લખે ત્યારે કેવું ગજબનું એક્સાઇટમેન્ટ
પેદા થાય! તાજેતરમાં
આવું એક પુસ્તક બહાર પડતાં પાકિસ્તાની સત્તાધારીઓ રાતાપીળા થઈ ગયા છે, કારણ કે...
Asad Durrani (left); (right) A.S. Dulat |
આજકાલ એક
અંગ્રેજી પુસ્તક વિવાદાસ્પદ બન્યું છે. એનું શીર્ષક છે, 'ધ સ્પાય ક્રોનિકલ્સઃ રો, આઈએસઆઈ એન્ડ ધ
ઇલ્યુઝન ઓફ પીસ'. પુસ્તકના મુખ્ય
લેખકો છે, એ.એસ. દુલાટ અને અસદ દુરાની. એ. એસ. દુલાટ ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ
એન્ડ એનેલિસિસ વિંગ (રો)ના વડા ચુક્યા છે, તો અસદ દુરાની પાકિસ્તાનની ગુપ્તચર
સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના ભૂતપૂર્વ વડા છે.
રો અને આઇએસએસ આ બન્ને અનુક્રમે ભારત-પાકિસ્તાનની પ્રમુખ ફોરેન ઇન્ટેલિજન્સ
એજન્સી એટલે કે ગુપ્તચર સંસ્થા છે. અન્ય દેશોમાં ક્યાંય પણ ભારતને નુક્સાન કરી શકે
એવી શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોય તો એની પર
સતત ચાંપતી નજર રાખવી એ રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગનું મુખ્ય કામ. આ ઉપરાંત આતંકવાદ
તેમજ વિદેશમાંથી થતી ઘૂસણખોરીને નાથવી, ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામની સલામતી
સંભાળવી એ પણ રોના કાર્યક્ષેત્રના હિસ્સા છે. ભારતની રો, પાકિસ્તાનની આઇએસઆઇ,
અમેરિકાની સીઆઇએ, ઈંગ્લેન્ડની એમઆઇસિક્સ, ઇઝરાયલની મોસાદ, અખંડ સોવિયેત રશિયાનું
અસ્તિત્ત્વ હતું ત્યારે કેજીબી વગેરે જેવી વિશ્વની તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઝનું
મુખ્ય કર્તવ્ય એ છે કે પોતાના દેશને નુક્સાન પહોંચાડી શકે એવી કોઈ પણ ગતિવિધિ
દુનિયાના કોઈ પણ ખૂણે ચાલતી હોય તો એ શ્વાનની જેમ સૂંઘી લેવાની, બાજની જેમ એના પર
સતત નજર રાખવાની અને એને નિષ્ફળ બનાવવાની કોશિશ કરવાની.
કલ્પના કરો, ભારત અને પાકિસ્તાન જેવા એકબીજાના જાની દુશ્મન ગણાતા દેશોની
ગુપ્ચતર સંસ્થાઓના ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા ભેગા થઈને પુસ્તક લખે ત્યારે કેવું
ગજબનું એક્સાઇટમેન્ટ પેદા થાય! એ.એસ. દુલાટ 1999-2000
દરમિયાન રિસર્ચ એન્ડ એનેલેસિસના ચીફ હતા. અસદ દુરાની 1990-1991 દરમિયાન આઇએસઆઇના
વડા હતા. અનુક્રમે રો અને આઇએસઆઇમાં રિટાયર થયા પછી પણ તેઓ નિષ્ક્રિય નહોતા થયા. દુલાટસાહેબે
2000-04 દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં કાશ્મીર મામલાના સલાહકાર તરીકે
જવાબદારી નિભાવી હતી. એ જ પ્રમાણે અસદ દુરાનીને જર્મની અને સાઉદી એરેબિયા ખાતે
પાકિસ્તાનના રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા હતા.
રો, આઇએસઆઇ કે બીજી કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા પાસે દેખીતી રીતે જ
પોતપોતાના દેશની અત્યંત ખાનગી અને સ્ફોટક માહિતી હોવાની. આમાં પોતાના દેશે
જાસૂસોને ગુપ્ત રીતે ક્યા દેશોમાં શી રીતે ગોઠવ્યા છે, ન્યુક્લિયર શસ્ત્રોની શી
સ્થિતિ છે, અન્ય દેશોની ગુપ્તચર સંસ્થાઓ અને સરકારો સાથે શી ખાનગી ગોઠવણ કરી છે
વગેરે સહિતનું બધું જ આવી ગયું. રો અને આઇએસઆઇના વડાએ પોતપોતાના દેશના આ બધા ડાર્ક
સિક્રેટ્સ સહેજ પણ લીક ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. એક દેશની ગુપ્તચર
સંસ્થાના વડાને બીજા દેશની ગુપ્તચર સંસ્થાના વડા સાથે બોલવાના વહેવાર લગભગ હોતા
નથી. જોકે છેલ્લાં બે દાયકા દરમિયાન રો અને આઇએસઆઇના ભૂતપૂર્વ વડા એકબીજા સાથે
પ્રસંગોપાત બોલતા થયા છે. ખાસ કરીને
ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ.
બે દેશોના વડાપ્રધાન અને વિદેશપ્રધાન જેવા ટોપ લેવલના રાજકારણીઓ અને લશ્કરી
વડા સામસામા બેસીને સીઝફાયર, શાંતિમંત્રણા, અમુક કરારો વગેરે જેવી બાબતો પર ચર્ચા
કરે ને પછી જોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડે તેને ટ્રેક-વન ડિપ્લોમસી કહેવાય. ટ્રેક-ટુ
ડિપ્લોમસીમાં બન્ને દેશોના જુદાં જુદાં ક્ષેત્રોના એક્સપર્ટ્સ, સામાજિક કાર્યકર્તાઓ, એનજીઓ ચલાવનારાઓ અને
સમાજના અન્ય આગળ પડતા લોકો મળે, બેય દેશો વચ્ચે જે કોકડાં ગૂંચવાયેલાં છે તેનો કઈ
રીતે નિકાલ આવી શકે તેમ છે, કઈ રીતે લડાઈઝઘડા ઓછા કરીને ભાઈચારાની ભાવના મજબૂત કરી
શકાય તેમ છે તેના વિશે ચર્ચા કરે. એક દેશના લોકો બીજા દેશના સત્તાસ્થાને બિરાજેલા
રાજકીય અધિકારીઓને મળે એવુંય બને. ટ્રેક-વન ડિપ્લોમસીની તુલનામાં દેખીતી રીતે જ
ટ્રેક-ટુ ડિપ્લોમસીનું સ્વરૂપ દેખીતી રીતે જ અનૌપચારિક અને વધારે મોકળાશભર્યું
હોવાનું. ટ્રેક-થ્રીમાં બન્ને દેશની આમજનતા એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે.
ટ્રેક-ટુ અને ટ્રેક-થ્રી ડિપ્લોમસી હેઠળ સક્રિય થતી વ્યક્તિઓ પાસે રાજકીય કે
વહીવટી સત્તા હોતી નથી, પણ તેઓ અપેક્ષા રાખે છે કે બન્ને દેશો વચ્ચે પ્રેમ અને
શાંતિ જળવાઈ રહે તે માટે અમે જે સૂચવેલા ઉપાયો મોટાં માથાંઓ સાંભળે અને એમાંથી
કમસે કમ અમુક બાબતોનો અમલ કરે.
ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ એકબીજા સાથે હળતીમળતી વ્યક્તિઓ માટે 'પીસનિક' શબ્દ વપરાય છે. પીસનિક એટલે સાદી ભાષામાં, શાંતિદૂત.
ટીવી પર ડિબેટ્સમાં પીસનિક્સને ધીબેડતા અર્ણવ ગોસ્વામીને તમે જોયા હશે. (પાકિસ્તાન
ભારતમાં આતંકવાદીઓ ઘૂસાડીને ત્રાહિમામ પોકારાવી રહ્યું છે ને તમે શાંતિનું કબૂતર
બનીને, ચાંચમાં શાંતિસંદેશ પકડીને આ દુશ્મન દેશ સાથે ભાઇચારો કેળવવાની વાતો કરો છો?)
આપણે જે પુસ્તક વિશે વાત કરી રહ્યા છીએ એના બન્ને લેખકો, દુલાટ અને દુરાની,
અનુક્રમે રો અને આઇએસઆઇના રિટાર્યડ ચીફ, ટ્રેક-ટુ ડિપ્લોમસીમાં ભાગ લેનારા
પીસનિક્સ યા તો શાંતિદૂત છે. બન્નેએ સાથે મળીને જોઇન્ટ પ્રોજેક્ટ કર્યા છે, પેપરો (વિસ્તૃત
નિબંધ પ્રકારનું લખાણ) પેશ કર્યા છે. 2011માં બર્લિનમાં યોજાયેલી પુગવોશ કોન્ફરન્સમાં
એકેડેમિશિયનો અને નિષ્ણાતોએ ભેગા મળીને વૈશ્ર્વિક સલામતી વિશે ચર્ચાઓ કરી હતી. આ
કોન્ફરન્સ બાદ દુરાટ અને દુરાનીએ સંયુક્તપણે ઇન્ટેલિજન્સ કો-ઓપરેશન વિષય પર એક
પેપર લખ્યું હતું. ત્યાર બાદ 2013માં યુનિવર્સિટી ઓફ ઓટાવાએ આ જોડીનું પેપર
પ્રકાશિત કર્યું હતું, જે કાશ્મીર વિશે હતું. ટૂંકમાં, એક સમયે સરકારી સ્તરે
એકમેકના જાની દુશ્મન તરીકે વર્તતા આ મહાનુભાવો વચ્ચે હવે અંગત સ્તરે દોસ્તી છે.
બન્નેની પત્નીઓને પણ એકબીજા સાથે સારું બને છે. બન્નેને સૂચન થયું કે તમે બન્ને ઓલરેડી એકબીજા
સાથે કમ્ફર્ટેબલ છો અને સાથે પેપરો પણ લખ્યાં છે તો ભેગા મળીને પુસ્તક કેમ લખતા
નથી? આખી વાતમાં આદિત્ય સિંહા નામના દિલ્હીવાસી
પત્રકાર-લેખક જોડાયા. નક્કી થયું કે ત્રણેયે મળવું, આદિત્ય સિંહા બન્નેને
ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ, વ્યૂહનીતિ, આતંકવાદ વગેરે જેવા કેટલાય વિષયો પર સવાલો
પૂછે, બન્ને વિસ્તારપૂર્વક જવાબો આપે, સામસામી ચર્ચા કરે. આ બધું જ રેકોર્ડ થાય.
પછી રેકોર્ડેડ પ્રશ્ર્નોત્તરીને કાગળ પર ઉતારવામાં આવે અને એનું વ્યવસ્થિત એડિટિંગ
કરીને લિખિત સંવાદ સ્વરૂપનું પુસ્તક તૈયાર કરવામાં આવે. આ રીતે જોઈએ તો, દુલાટ અને
દુલાનીએ પુસ્તક 'લખ્યું' છે એમ ન કહેવાય. પુસ્તકમાં જે કોન્ટેન્ટ છે
તે તેઓ મૌખિક બોલ્યા છે.
2016-17માં
ઇસ્તાંબુલ અને બેંગકોકમાં ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ કુલ ત્રણ કોન્ફરન્સ થઈ હતી. કોન્ફરન્સ
પૂરી થાય એટલે હોટલના રૂમમાં ત્રણેય અડિંગો જમાવીને બેસે. શરાબની ચુસકીઓ વચ્ચે
ચર્ચાઓ ચાલે. ત્યાર બાદ કાઠમંડુમાં પણ એકવાર ત્રિપુટીની મિટીંગ થઈ. રેકોર્ડેડ
વાતચીતની શબ્દસંખ્યા 1.7 લાખ પર પહોંચી. એમાંથી અડધોઅડધ કોન્ટેન્ટ ઉડાડી દઈને, એને
સુરેખ બનાવીને પુસ્તકમાં સમાવવામાં આવ્યું.
કાયદો કહે છે કે તમે રો અને આઇએસઆઇ કક્ષાની ઇન્ટેલિજન્સ એજન્સીમાંથી
રિટાયર્ડ થઈ ગયા હો તો એનો અર્થ એવો નથી કે તમને હવે વટાણાં વેરવાની છૂટ મળી ગઈ
છે. તમારા પર સિક્રેટ એક્ટ આજીવન લાગુ પડવાનો છે. તમારા કાર્યકાળ દરમિયાન તમને જે
નેશનલ સિક્રેટ્સની જાણ થઈ હતી કે સંવેદનશીલ માહિતી પ્રાપ્ત થઈ હતી તેના વિશે તમે
કશું જ, ક્યારેય લખી-બોલી શકો નહીં. અલબત્ત, રો સહિતના ઇન્ટેલિજન્સ એજન્સી સાથે
સંકળાઈ ચૂકેલા ઘણા ઉચ્ચ અધિકારીઓએ પછી પુસ્તકો લખ્યાં જ છે, પણ સાચવી સાચવીને,
કાયદાનો ભંગ ન થાય તે રીતે.
દુશ્મન દેશોના બે સુપર જાસૂસોએ સંયુક્તપણે લખેલું 'સ્પાય ક્રોનિકલ્સઃ રો, સ્પાય એન્ડ ધ ઇલ્યુઝન
ઓફ પીસ' પુસ્તક છપાયું. એના
બુકલોન્ચમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહી.
દુરાનીસાહેબને ભારત સરકારે વિઝા ન આપ્યો એટલે તેઓ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી ન શક્યા,
પણ એમણે વિડીયો-મેસેજ મોકલીને પોતાની હાજરી જરૂર પૂરાવી. મેસેજમાં એમણે એવા મતલબની
મજાક પણ કરી કે મને વિસા ન આપવા બદલ ભારત સરકારનો આભાર, કેમ કે જો હું આ બુક-લોન્ચ
માટે આવ્યો હોત તો અહીં ઘરઆંગણે પાકિસ્તાની સત્તાધારીઓ મારા લોહી પી જાત!
અસદ દુરાનીના લોહી તો પણ પીવાયું જ. પુસ્તક બહાર પડતાંની સાથે જ
પાકિસ્તાનના આકાઓએ દુરાનીને પૂછપરછ માટે બોલાવ્યા. એમના પર દેશની બહાર જવા પર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. દુરાનીએ પુસ્તકમાં પાકિસ્તાનનાં એવાં તો કેવાં
રહસ્યો બહાર પાડી નાખ્યાં કે જેનાથી પાકિસ્તાની સત્તાધારીઓ રાતાપીળા થઈ ગયા? દુરાનીએ સિક્રેટ એક્ટનો એવું તે કેવુંક ભયંકર ઉલ્લંઘન કરી નાખ્યું? શું આ પુસ્તક ખરેખર એવું સ્ફોટક છે? કે પછી નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ છે? આ સવાલોના જવાબ આવતા બુધવારે.
0 0 0
No comments:
Post a Comment